Chham chham Chhachhundar in Gujarati Children Stories by Bhartiben Gohil books and stories PDF | છમ...છમ...છછુંદર.....!

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

છમ...છમ...છછુંદર.....!

BHARTIBEN GOHIL

bhartibengohil65@gmail.com

છમ...છમ...છછુંદર.....!

નાનકડી પરી હોમવર્ક કરી રહી હતી .ત્યાં છમ...છમ..છમ...છમ.....એવો અવાજ આવ્યો. તેને થયું આ વળી શેનો અવાજ ? ‘હશે કાંઇક’ એમ વિચારીને તે ફરી લખવા માંડી. થોડીવાર થઇ ત્યાં તો ફરી પાછું છમ...છમ..છમ...છમ થયું. તેણે આજુબાજુ જોયું. કાંઈ ના દેખાયું.તેણે વાંકા વળી ને સેટી નીચે જોયું.ત્યાં તો એક છછુંદર..મોઢાંમાં બે ચાર ઘુઘરી સાથેની દોરી ભરાવી ચાલતી હતી.ને જેવી ચાલે એવી ઘુઘરી રણકે ને અવાજ આવે. છમ...છમ..છમ...છમ.....! પરીને તો તે જોવાની અને સાંભળવાની બહુ મજા પડી.તેણે જોયે રાખ્યું.પણ પછી એક વાત ન સમજાણી કે છછુંદર પહેલા રસોડા બાજુ ગઈ.પછી પાછી રૂમમાં આવી ને પાછી રસોડામાં .પરીને તો હોમવર્ક કરતાં છછુંદરમાં વધારે રસ પડ્યો.લખવું પડતું મૂકી તે તેની પાછળ પાછળ રસોડામાં ગઈ. ત્યાં અનાજ દળવાની ઘંટી હતી.

છછુંદર તો ઘંટીની પાછળ ગઈ.પરીએ નીચે વળીને જોયું તો એને અચરજ થયું. ત્યાં તો હતું છછુંદરનું એક બચ્ચું ! ને ઘંટીના પાયામાં તેની પૂંછડી એવી રીતે સલવાઈ ગયેલી કે નીકળતી જ ન હતી.પરીને હવે સમજાયું કે તેની મા અમસ્તા જ નહિ મદદ માટે છમ...છમ..છમ...છમ.....કરી રહી હતી. પરીએ તો ધીમે ધીમે કાળજી રાખીને બચ્ચાની પૂંછડી કાઢી આપી. છછુંદર અને તેનાં બચ્ચાંને હવે હાશ થઇ.

તે બંને તો પોતાની ખુશી વ્યક્ત કરવા પરીના પગ આગળ ગોળ ગોળ ચક્કર મારવા લાગ્યાં. જાણે મદદ કરવા બદલ પરીનો આભાર ન માનતા હોય તેમ ! પરીને પણ આ છછુંદર અને તેનું બચ્ચું બહુ ગમી ગયાં.તેણે તો છછુંદરનું નામ પણ પાડી દીધું છમ..છમ . ‘ છમ..છમ..છછુંદર..’ આ બંને હવે તો રોજ પરી પાસે આવવા લાગ્યા.

પરી તો તે બંને સાથે રમે-

પરી તો તે બંનેને ચોકલેટ આપે-

પરી તો તે બંનેને રમકડાં આપે –

ને જ્યારે પરી હોમવર્ક કરતી હોય ત્યારે બંને ડાહ્યાંડમરા થઇને પરીના દફતર પાસે બેસી જાય ! ક્યારેક વળી પરી એ બંનેના માથે હાથ ફેરવી વહાલ કરે તો ક્યારેક વળી મોબાઈલ લઈને તે બંનેના ફોટા પાડે.બચ્ચું તો કાઈ ન સમજે પણ પરી છમ છમ ને કહે, “ છમ છમ ..મને તું બહુ ગમે..આપણે બંને ફ્રેંડ !” ને છમ છમ જાણે બધું સમજતી હોય તેમ માથું હલાવીને કહે, “ ઓ.કે. આપણે બંને ફ્રેંડ !”

આમ મસ્તીમાં ને મસ્તીમાં થોડા દિવસો પસાર થયા.ઉનાળો ગયો ને ચોમાસું આવી પહોચ્યું. એક વખત ધોધમાર વરસાદ આવ્યો. છછુંદર અને તેનું બચ્ચું પરીના ઘરથી થોડે દૂર એક ઝાડની બખોલમાં સલવાઈ ગયા. પાણીને કારણે ત્યાંથી નીકળી શકાય તેમ ન હતું. બીજું તો ઠીક પણ છમ છમને પરીની બહુ યાદ આવે.પણ પરી પાસે જઈ ના શકે.આ બાજુ પરીને પણ થાય કે આટલા વરસાદમાં આ બંને ક્યાં હશે ?

છમ છમ તેનાં બચ્ચાં સાથે ઉદાસ થઈને બેઠી હતી.ત્યાં એક દેડકી આવી.બેઠી. ને પછી કહે, “ ઓ છછુંદરબેન ! આમ છાનામાનાં કેમ બેઠા છો ? કોઈ ઉપાધી તો નથી ને ?” છછુંદર કહે,” હા દેડકીબેન જુઓને ..થયું બધે પાણી પાણી...ને અમે મા દીકરી સલવાણી..!” દેડકી કહે, “ અરે રે એમાં શું વળી ? થોડો સમય જાય એટલે હતું એવું જ થઇ જાય ! બસ..થોડી ધીરજ રાખવાની .” જવાબમાં છછુંદરે પરીની બહુ વાતો કરી.પછી હસતાં હસતાં કહે,

“પરી મારી છે ફ્રેન્ડ બેસ્ટ ; ચોકલેટનો એ કરાવે છે ટેસ્ટ !”

દેડકીને તો ચોકલેટનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું . કહે , “ એ તમને ચોકલેટ ખવરાવે ? મને પણ કેટલાય સમયથી ખાવાનું મન છે પણ અરે મારા નસીબ...મને કોણ ખવરાવે ?” આ સાંભળી છમ છમ ને તો દયા આવી ગઈ.કહે, “ પાણી ઓછું થઇ જાય પછી મારી સાથે આવજે...તને પણ ચોકલેટનો ટેસ્ટ કરાવીશ.દેડકી તો આ સાંભળી ખુશ ખુશ થઇ ગઈ.ને પાણી ઓછું થવાની રાહ જોવા લાગી. બીજો દિવસ થયો ત્યાં એક મકોડાભાઈ આવ્યા.છમછમ ,તેનું બચ્ચું ને દેડકી બેઠા હતા ત્યાં બેસી ગયો ને અલકમલકની વાતો કરવા લાગ્યો. વાતવાતમાં પછી ચોકલેટની વાત આવી.મીઠી ચીજની વાત આવે એટલે મકોડાભાઈને મઝા પડે.પછી કહે, “ બધું તો બરાબર પણ આ પરી પરી કરો છો એ કોણ વળી ?” તો છછુંદર કહે,

“પરી મારી છે ફ્રેન્ડ બેસ્ટ ; ચોકલેટનો એ કરાવે છે ટેસ્ટ !”

મકોડાભાઈ ખુશ થઇ ને કહે. “.તમારી ફ્રેન્ડ એ મારી પણ ફ્રેન્ડ ! હું ય આવીશ ચોકલેટ ખાવા તમારી સાથે.” ને આમ ને આમ દેડકીબેને અને મકોડાભાઈએ જવાનું નક્કી કર્યું તો ઝાડ પાસે રહેતા કીડીબેન શાના બાકી રહે ! તેણે પણ સાથે જવાની વાત કરી. આમ છછુંદર,તેનું બચ્ચું,દેડકીબેન,મકોડાભાઈ અને નાના એવા કીડીબેન પાણી ઓછું થવાની રાહ જોવા લાગ્યા. સૌને એમ જ થાય કે ક્યારે પરીને મળીએ ને મીઠી ચોકલેટ ખાઈએ !

ત્રણ-ચાર દિવસ પસાર થયા.વરસાદ બંધ થયો...પાણી ઓછું થયું ને છમ છમ નો ઈશારો થતા સૌ ચાલી નીકળ્યા પરીના ઘર તરફ .છમછમ તો મનમાં ને મનમાં મલકાય.! કેટલા દિવસે મળવાનું થશે પરી ને ! ને પરી તો મને અને મારા મિત્રોને સાથે જોઈને કેટલી ખુશ થશે ? સૌ ને સારી રીતે બોલાવશે અને મારા માથે તો હાથ ફેરવીને કહેશે , “ અલી છમ છમ..ક્યાં હતી તું ? હું તો તને કેટલી યાદ કરતી હતી !” ને ત્યારે આ બધા મિત્રો વચ્ચે મારો તો કેવો વટ પડશે !!!! ને આમ વિચાર કરતી હતી ત્યાં પરીનું ઘર આવી ગયું. આગળ છમ છમ ને પાછળ તેનાં મિત્રો પરીના રૂમમાં આવ્યાં.

રૂમમાં તો એકદમ શાંતિ.પરી પોતાની પથારીમાં બેઠી હતી. છમ છમે તો રૂમમાં પોતાના મિત્રો સાથે કેટલાય આંટા માર્યા. ચૂં ચૂં કર્યું ..પરીના દફતર પર ચડી તોય પરીનું ધ્યાન ન ગયું તે ન જ ગયું ! છમ છમ ને સમજાતું નથી કે પરી કેમ કાંઈ બોલાતી નથી ? કેમ કોઈની સામું જોતી નથી ? તે તો સરરર કરતી પલંગ પર ચડી ગઈ .ધ્યાનથી જોયું તો તેને નવાઈ લાગી ..પરી તો બેઠી બેઠી મોબાઈલ ફોન માં વિડીયો ગેમ રમી રહી હતી...ને તેમાં એટલી તલ્લીન થઇ ગઈ હતી કે આજુબાજુ શું ચાલી રહ્યું છે તેની પણ તેણે કાઈ ખબર ન હતી.છમ છમ ને તો બહુ આકરું લાગ્યું .દુ:ખી દુ:ખી થઈ ગઈ.દેડકી-મકોડો-કીડી તથા બચ્ચું છમ છમ સામે જોયા કરે ને છમ છમ પોતાની બેસ્ટ ફ્રેન્ડ પરી સામે !

છમ છમ ને હવે શરમ આવી. તેને થયું કે આ તો મારું અપમાન છે. પરીએ આવું ન કરવું જોઈએ...મારા મિત્રોને ચોકલેટ આપવી તો બાજુએ રહી ..સારો આવકાર આપીને બોલાવ્યા પણ નહીં.? કાંઈ ન સૂજતા તે તો માંડી દોડવા..માંડી દોડવા ને રસોડાના એક ખૂણામાં ભરાઈ ગઈ. .દેડકી-મકોડો-કીડી તથા બચ્ચું તેની પાછળ પાછળ ગયા.છમ છમને તો રડવું આવી ગયું...રડતી જાય ને બોલતી જાય...

“ બોલી નહિ મારી ફ્રેન્ડ બેસ્ટ ;

ચોકલેટનો નાં કરાવ્યો ટેસ્ટ ..!”

તેને રડતાં જોઈ બધાને બહુ દુ:ખ થયું .છછુંદર નું બચ્ચું વિચારવા લાગ્યું કે હવે શું કરવું ?

ત્યાં તેને પોતાની પૂછડી ભરાઈ ગઈ હતી એ બનાવ યાદ આવ્યો,એ વખતે મદદ માટે તેની માએ પેલી ઘુઘરીની મદદ લીધી હતી તે પણ યાદ આવ્યું. તે દોડ્યું ને પેલી ઘુઘરીની સર લઇ આવ્યું.પછી તેને ગાળામાં ભરાવીને રૂમ તરફ ચાલવા લાગ્યું. રૂમમાં જતા જ પરીના કાને છમ..છમ...છમ...છમ..એવો અવાજ પડ્યો.એક ધ્યાનથી રમી રહેલી પરીને એ અવાજ બહુ પ્રિય લાગ્યો.ને તેણે અવાજની દિશામાં જોયું .ત્યાં તો હતું છછુંદરનું બચ્ચું ! પરીએ તો બચ્ચાને કેટલાય દિવસે જોયું તેથી ખુશ ખુશ થઇ ગઈ...ને ફોન પડતો મૂકી બચ્ચા તરફ આવી.બચ્ચું તો પરી સામે જોયા વગર જ ભાગ્યું રસોડા બાજુ.પરી પણ ઉભી થઇ ને ભાગી .આગળ આગળ બચ્ચું ને પાછળ પાછળ પરી.બચ્ચું તો ખૂણામાં જઈ અટકી ગયું.પરી પણ ત્યાં બેસી ગઈ.

પરીએ જોયું તો છમ છમ રડતી હતી ! પરી કહે, “ અરે છમ છમ...તું કાં રડે ? તું રડે એ મને નાપરવડે! બોલ ..શું થયું ?” પછી તો બધાએ પૂરી વાત કરી.પરી ને તો આવી કાંઈ ખબર હતી નહિ.પોતાનાથી આવું વર્તન થઇ ગયું તેનો પરીને બહુ અફસોસ થયો.

તે મનમાં વિચારવા લાગી કે મારી પાસે આવા સરસ મજાના આનંદી મિત્રો છે ને હું મોબાઈલના પેલા નિર્જિવ ચિત્રો સાથે રમીને મારો કીમતી સમય બગાડતી હતી !

પછી તો પરીએ બધાની માફી માગી.અને કહ્યું હવે પછી આવું નહિ કરું.ને તેણે ફ્રીઝમાંથી ચોકલેટનું બોક્સ કાઢી બધાને આપતી ગઈ ને કહેતી ગઈ .

“ તમે છો મારા ફ્રેન્ડઝ બેસ્ટ ;

ચોકલેટનો સહુને કરાવું ટેસ્ટ !!!”

ને પછી તો કીડીબેને ચોકલેટનો ટેસ્ટ કર્યો –

મકોડાભાઈએ ચોકલેટનો ટેસ્ટ કર્યો-

દેડકીબેને ચોકલેટનો ટેસ્ટ કર્યો-

બચ્ચાંએ ચોકલેટનો ટેસ્ટ કર્યો.

ને છછુદરે તો છમ છમ છમ છમ કર્યું...પરીને એ બહુ પ્રિય હતું ને !!!!

  • ભારતીબેન ગોહિલ
  • ****************************************************************************************