“ખતરો એ ઉપગ્રહ જેવો હોય છે. તમારી ઉપર મંડરાતો હોય અને તમને ખબર પણ ના પડે.”
આખી ઓફિસમાં અંધારપટ હતો ફક્ત એક જ કુબીક્લમાં ડીમ લાઈટ દેખાતી હતી.
મોબાઈલમાં મેસેજનું વાઈબ્રેશન થયું અને ઓફ-વ્હાઈટ લાઈટ સાથે વોટ્સએપ મેસેજ પોપ-અપ થયો. તેની નજર કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી મોબાઈલ ઉપર થઇ તેની કાંડા ઘડિયાળ તરફ વળી અને પાછી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ચોટી.
અચાનક તેણે મોબાઈલ હાથમાં લીધો. પાસવર્ડ નાખવા તેના અંગુઠા એ સમુરાઈ યોદ્ધા જેવી ચપળતા બતાવી. “કેટલી વાર?”. બસ આટલો મેસેજ વાંચીને પાછો લોક.
ઈ-કોમર્સ કંપનીના લીગલ ડીપાર્ટમેન્ટમાં એક ૨૪ વર્ષની યુવાન છોકરી હોય અને તે પણ જો પોતાની કારકિર્દી માટે મહત્વકાંક્ષી હોય તો આવું રોજ બનતું જ હોય.
તેણે પોતાનું કમ્પ્યુટર શટ ડાઉન મોડ ઉપર મુક્યું અને પર્સમાં તેની વસ્તુઓ ઉસેટવા લાગી. પર્સ ભરી તે ઓફીસના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગી, સાથે-સાથે તેના અંગુઠાએ પોતાની કરામત બતાવવાની ચાલુ કરી.
કંટાળી આમ-તેમ આંટા મારતા પટાવાળાને જાણે રાહત થઇ હોય તેમ ઓફીસ બંધ કરવાની ઉતાવળમાં અંદર દોડ્યો.
દીપ્તિ લીફ્ટ બાજુ ના જતા દાદર બાજુ વળી, ફીટનેશની આગ્રહી હોવાથી અને અખો દિવસ ખુરશીની ગોદમાં રહેતી હોવાથી તે તેની પાંચ માંન્ઝીલા ઓફીસમાં દાદર ચઠ-ઉતર કરતી. જે અમુક લોકોને પાછું ધ્યાન આકર્ષવાની યુક્તિ લગતી પણ તે કોઈની પરવા કરે તેવી નોહતી.
પર્સમાંથી ઈયર પ્લગ કાઢતા તેણે નંબર ડાયલ કરી તેનો મોબાઈલ ડાબા ખભા ઉપર મૂકી ડાબા કાન વડે દબાવ્યો.
"ડેડ, હું નીકળી, સ્ટેશન પહોચી ફોન કરું, બાય." સામે પક્ષ જવાબ સાંભળ્યો જ નથી તે ઉપરથી લાગે જ કે આ ફોન કરવાનું રોજનું રૂટીન હશે.
"રોજ તું જ કેમ છેલ્લે નીકળે છે? એવોર્ડ લેવાનો છે?" તેની રાહ જોઈ ઉભી રહેલી સખી એ કટાક્ષ કરી.
"સોરી ડાર્લિંગ" કહી બંને ઓટોસ્ટેન્ડ બાજુ જવા નીકળ્યા. "કામ હોય કે કામચોરી ઈમાનદારીથી કરવી જોઈએ એવું માનું છું, અને અત્યારે કામ કરવું છે કારકિર્દી બનાવવા એટલે જેટલી બને તેટલી ઈમાનદારી થી કરું છું."
"રોજ બધા સ્ટાફથી મોડું નીકળવું એટલે ઈમાનદારી" તેની સખીએ ફરી ટોણો કર્યો.
"ના, આજના ટાર્ગેટનું કામ આજે પતાવીને જ નીકળવું તે," તેણે હસીને જવાબ આપ્યો.
"પણ અત્યારે આ ઠંડીમાં જો અંધારું કેટલું જલ્દી થઇ જાય છે, સ્ત્રી તરીકે તું થોડી છૂટ લઈને વહેલી નીકળી જ શકું."
"સમોવડી થવાના સપના જોતી અત્યારની સ્ત્રી અંધારાથી ક્યારથી બીવા લાગી?" તેણે એક ઓટોને ઉભા રહેવા હાથ બતાવ્યો પણ ઓટો આગળ ચાલી ગઈ.
"જો આટલા મોડા ઓટો વાળા પણ ઉભા નહિ રહે." તેની સખીએ ચિંતિત સ્વરે કહ્યું.
"અરે કોઈક તો માઈ નો લાલ હશેને જેને કમાવું હશે. અને બધા થોડા આંધળા હશે? કોઈને તો દેખાશે ને કે બે ખુબસુરત છોકરીઓ છે. ગુરગાવ તો મોકો ચુકે એવું નથી." બંને ખડખડાટ હસી પડ્યા.
"આખરે તને ભાન તો થયું કે આપણે છોકરીઓ છીએ."
"અરે! એ ભાન તો રોજ હોય છે. પણ બેબસ, બિચારી, લાચાર કે અબળા માનવાનું નથી ફાવતું." હજુ તે સીનો ટટ્ટાર રાખીને જ ચાલતી હતી. આખા દિવસનો કોઈ થાક તેના હાવ-ભાવ માં વર્તાતો નથી.
ફેબ્રુઆરીની ઠંડીએ અવર-જવર તો ઓછી કરી જ નાખી છે. મુખ્ય રસ્તો હોવા છતાં તેમની ઉંચી એડી વાળી મોજ્દીઓનો ખડકાટ તેઓ સાંભળી શકતી.
આમ ઓફિસો બંધ થવાનો ટાઈમ આ જ હોય છે પરંતુ ઠંડીના કારણે આ વિસ્તાર થોડો વહેલો ખાલી થઇ જાય છે.
"બધા મેટ્રો સ્ટેશન પહોચી ગયા છે બસ આપણી જ રાહ જોવાય છે. હમણાં જ ગ્રુપમાં મેસેજ પડ્યો"
"તું, ચિંતા ના કર મેટ્રો આપણને લીધા વિના નહિ જાય, મેં કહી રાખ્યું છે." તે પોતાના મજાક ઉપર હસવા લાગી પણ તેની સખીને જરા પણ રસ ના પડ્યો હોય તેમ તે ઘુરવા લાગી.
ત્યાં જ એક ઓટો સપાટાભેર તેમની પાસે આવી ઉભી રહી. તેનો ડ્રાયવર એક છેલબટાઉં જુવાનીઓ જ હતો.
"ક્યાં લઇ જાઉં?" તેણે લાંબા વાળની તેની લટ ડોકના ઝટકાથી ઉપર કરતા ટપોરી ગીરમાં જ ખંધા હાસ્ય સાથે પૂછ્યું.
બંને છોકરીઓ એકબીજા સામે જોવા લાગી.
પોતાની બહેનપણી સામે બિન્દાસ્ત હોવાની ડીંગ તો મારેલી જ હતી એટલે પહેલ તો પોતે જ કરવી પડે. એટલે તેણે સ્વસ્થ થઇ રોફમાં જ પૂછ્યું "અમે કહ્યું કે અમારે કઈ જવું છે? કે તારી રિક્ષાને ઉભી રાખવા હાથ બતાવ્યો? છોકરીઓ રસ્તા ઉપર નીકળે એટલે એમને ક્યાંક જઉ જ હોય એમ?"
રિક્ષા ડ્રાયવર થોડો ડઘાઈ ગયો પણ પુરુષ સ્ત્રીથી ના જ ગભરાય એટલે તેણે થોડા હળવા ટોનમાં જ વાત વાળી. "મેં તો ખાલી પૂછ્યું, ના જવું હોય તો મારે ક્યાં સાડાબારી છે." આટલું કહી જવાબ સાંભળ્યા વિના રિક્ષા મારી મૂકી.
બંને છોકરીઓ એકબીજા સામે જોવા લાગી અને પછી ખડખડાટ હસી પડી. ત્યાં જ પાછળથી બીજી રિક્ષા આવતી દેખાઈ એટલે એકે ઉભી રહેવા હાથ બતાવ્યો.
રિક્ષા એ બાજુમાં આવી બ્રેક મારી એટલે બંને એ પહેલા અંદરના મુસાફર તપસ્યા જેમાં એક પુરુષ સાથે બે સ્ત્રી પણ બેઠી હતી. ડ્રાયવર આધેડ વયનો હતો. જેણે ખાખી યુનિફોર્મ પહેર્યો હતો અને ડાબા ભાગના ખિસ્સા ઉપર પિત્તળનો ત્રિકોણ પરવાનાનો સિક્કો પણ લગાવેલો હતો.
"કાકા, મેટ્રો સ્ટેશન?"
ડ્રાયવરે ખાલી ડોક હકારમાં હલાવી પાછળની સીટમાં બેઠલા પુરુષને આગળની સીટમાં આવી જવા કહ્યું અને બને સખીઓ પાછળ અંદરો-અંદર દબાઈને બેસી ગઈ.
"તું પણ ફરેલ દિમાગ છું યાર, તને કોઈની બીક નથી લાગતી."
"અરે પાણીમાં રહેવું અને મગરમચ્છ થી શું બીવું" તેણે પોરસાઈને જવાબ તો આપ્યો પણ હૃદયના ધબકાર બમણા થઇ ગયા હતા તે પોતા પુરતું જ રાખ્યું.
બાજુવાળી બંને સ્ત્રીઓ તેમની બાજુ જોઈ હળવું હસી અને પછી બધા રિક્ષામાં વાગતી આરતી સંભાળવામાં પરોવાયા.
જાણે હવે ભગવાન છે સંભાળવા વાળો એવી નિરાંત થઇ.
મેટ્રો આવતા જ બંને ઉતરી પોત-પોતાનું ભાડું ચૂકવી અને મેટ્રો સ્ટેશન તરફ વળી જયારે રિક્ષા બીજા મુસાફરોને લઈને આગળ જવા નીકળી ગઈ.
બંને છોકરીઓ મેટ્રો સ્ટેશનમાં દાખલ થઇ અને તેણે ફરી પોતાનો મોબાઈલ બહાર કાઢી લાસ્ટ ડાયલમાંથી નબર ડાયલ કર્યો.
"હા, પપ્પા સ્ટેશન ઉપર આવી ગઈ. ઉતરીને કરું પછી." તેણે ફોન મુક્યોં અને ત્રણ નંબરના પ્લેટફોર્મ તરફ બંને ચાલી.
"આટલું બધું શું રીપોર્ટીંગ કરે છે યાર" સુરક્ષિત જગ્યામાં આવી તમારી વાતચીતના હાવભાવ બદલાઈ જ જાય એ બહેનપણીની વાત ઉપરથી લાગ્યું.
"અરે રીપોર્ટીંગ નહિ યાર, આપણા વિસ્તારમાં આપણે બહાર હોઈએ તો માં-બાપને કેટલી ચિંતા રહે તું જાણે છે. ખાલી એક નાનો ફોન કરી દેવાથી એમને કેટલી રાહત રહે."
છોકરીઓનું એક ટોળું ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર કલબલાટ કરતુ ઉભું હતું તે તરફ બંને ઝડપથી ચાલવા લાગી.
"ઓફીસની સાફ-સફાઈ પતાવીને છેલ્લે નીકળ્યા કે શું?" એક જણીએ મજાક કર્યો અને ટોળામાં હાસ્યનો ફુવારો ફાટ્યો.
"ખાલી પટાવાળા જ નહિ બોસ પણ ઓફીસમાંથી છેલ્લા નીકળે એ ખબર છે ને? તમારા જેવા કારકુનો જ સમય પર બિસ્તરા બાંધીને ચાલતી પકડે." તેણે ઠસ્સાથી સામો વાર કર્યો. પેલી છોકરી ભોંઠી પડી ગઈ અને ફરી પાછું હાસ્ય.
જુવાન છોકરીઓનું ટોળું હતું એટલે આજુબાજુ કેટલાય છોકરાઓ એકલ-દોકલ કે ટોળામાં ઉભા હતા પણ જાહેર જગ્યા એટલે છોકરીઓનો દબ-દબો રહેતો અને છોકરાઓ દુરથી તેમના ટોળા-ટપ્પા જોઈ રહેતા.
કેટલાક લાળ પાળતા, કેટલાક જોડે હસી પડતા તો કેટલાક દ્રાક્ષ ખાટી છે એમ માની મો મચકોડતા.
પીક અવર્સમાં ટ્રેઈન આવતા પહેલા જાણે પ્લેટફોર્મ એક કોલેજ કેમ્પસ, મચ્છીબજાર કે મેળા જેવું લાગતું અને ટ્રેઈન જતી રહેતા કબ્રસ્તાનની શાંતિ. જેવી ટ્રેઈન આવી એટલે બે મસ-મોટા દરિયાઈ મોજા જાણે એક બીજા સાથે પુરા જોશથી ટકરાયા. પણ કોઈએ જાણે કોઈને અવરોધ્યા નહિ એક ટોળું દરવાજા બહાર નીકળી ગયું અને એક મોજું ટ્રેઈનમાં સમાઈ ગયું. ટ્રેઈન આખો દરિયો ભરી રવાના થઇ ગઈ અને પ્લેટફોર્મ જાણે સુનો દરિયા કિનારો.
ટ્રેઈનની મુસાફરી પણ રસપ્રદ હોય છે. જો તમે મનોવિજ્ઞાનના અભ્યાસુ કે લેખક બનવા માંગતા હો તો તમારા માટે આ ડબ્બા ક્લાસરૂમ સમા સાબિત થાય છે. અવનવા પત્રો અને હાવભાવ, સવાંદો અને શબ્દો તમને અહી ભચકાઈ જાય. પોતાના અંગત જીવન કરતા તદ્દન વિપરીત વર્તતા લોકોનો અહી મેળાવળો હોય છે. જાણે ટ્રેઈનમાં થી ઉતરતા જ ડાયરેક્ટરનું કટ સાંભળ્યું હોય તેમ એક પાત્રમાં થી બીજા પાત્રમાં આવી જાય. આજે બધા અહી એક જ ડબ્બામાંથી નાસ્તો કરતા હોય અને કાલે કોનું જીવન શું વળાંક લે તે કોઈ જાણતું નથી હોતું. થોડી મીનીટો કે કલાકની મુસાફરીમાં તો જાણે પોતાનું જીવન અહી ગુજારવાનું હોય તેટલું બધું સમેટી લેવાનું કે જગ્યા ભેગી કરી લેવાની લાલચ. ઘરડા માજી ઉભા હોય ત્યારે બધી નજરો બારી બહાર ફરતી હોય અને સુદર સ્ત્રી ચડતાની સાથે જ મદદ કરવા થનગની ઉઠતો દયાળુ જીવ.
આ બધું એ જોતી હતી. તેને ખબર હતી કે તે આ દુનિયામાં સ્થિર નથી થવાની. આ દુનિયા માટે તે નથી બની. તેની જગ્યા, તેના સપના, તેની દુનિયા કૈક અલગ માહોલમાં હતી. પણ તે જાણતી હતી કે આપણી મંઝીલ જેટલો જ રસપ્રદ આપણો રસ્તો હોય એ શક્ય નથી એટલે હમણાં આવે એવા બધા પગથીયા ચડવાની તેની તૈયારી હતી. આ બધા વિચરોને બારીમાંથી સડસડાટ પસાર થયેલી રીલ ઉપર ગોઠવવાની કોશિશ કરી રહી હતી. ત્યાં જ તેને ઝટકો લાગ્યો. તે બધું મગજમાં પાછું આટોપીને વાસ્તવિકતામાં આવી.
"ર”, આવ્યો." બાજુની બહેનપણી એ કોણીનો ગોદો મારતા તેને કહ્યું.
“કોણ આવ્યું?” તે મેટ્રોના કોચમાં પછી આવી. અને આસ-પાસ જોવા લાગી.
“એટલે તું કોઈની રાહ જોતી હતી એમ ને?” કોઈએ મશ્કરી કરી.
“અરે! યાર મઝા ના બગડો ગેમની, અલી, અન્તક્ષારી રમીએ છે અને તમારી ટીમનો “ર” આવ્યો છે.” બીજી એ ચોખવટ કરી.
તેના ચહેરા ઉપર સ્મિત રેલાઈ ગઈ. ગાવાની શોખીન હતી એટલે અન્તક્ષારી તેની મનગમતી રમત હોવાની જ.
“રુક જાના નહિ તું કહી હાર કે......” તેનો અવાજ ખરે-ખર કોઈને આકર્ષે એવો જ છે. બધા તેની સાથે ડોલે છે. અમુક છોકરીઓ સામેની ટીમની હોવા છતાં તેની સાથે ગાવામાં જોડાઈ ગઈ છે.
આ સમયની ટ્રેઈન મોટાભાગના બધા માધ્યમ વર્ગીય મુસાફરોથી ખીચો-ખીચ ભરેલી હોય. જે સવારે ઘરમાંથી નીકળી જઈ સાંજ સુધી તન ખારા અને મન કડવા થઇ જાય એ હદે ઢસરડા કરે જેથી તેમના કુટુબના બે છેડા ભેગા થાય. જે લોકો નાના-નાના મનોરંજનોમાં પણ હળવાશ અનુભવતા હોય છે. એટલે એમને ઝગડાથી માંડી આવી અન્તક્ષારી સુધી બધામાં રસ પડે. અને તેનો તો અવાજ પણ સુદર અને આંખ બંધ કરી ગાય એટલે દરેકને જોઈ રહેવાનું મન થાય તેવી.
કારકિર્દી સડસડાટ ચાલી રહી હોય, જીવનમાં જોઈએ તે બધું જ હોય, જે મેળવવાનું હોય તેનો આત્મવિશ્વાસ અને ખાતરી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેને આજુ-બાજુ તોળાઈ રહેલા ખતરા વિષે અંદાજ ના પણ હોય. જો કે દરેક વ્યક્તિ દરેક સમયે કોઈ ને કોઈ ખતરા હેઠળ તો હોય જ છે. પણ અમુક ઘટના જીવનમાં એવા બને છે કે જે જીવન વિષે તમારો દ્રષ્ટિકોણ ઘરમૂળમાં થી બદલી નાખ છે.