ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી-4
(અત્યાર સુધીની વાર્તા...)
અમદાવાદમાં સ્ક્રીનપ્લેરાઇટર બનવા માગતો અનુજ, ધરા નામની એક છોકરીના પ્રેમમાં પડે છે. બંને મળે છે, પણ એ મુલકાત પછી અચાનક ધરા તેની સાથે બોલવાનું બંધ કરી દે છે. મહામહેનતે ધરાના વિચારોમાંથી બહાર આવવા મથતા અનુજની જિંદગીમાં એક અન્ય યુવતીનો પ્રવેશ થાય છે. કોણ છે એ યુવતી? શું એ ધરા જ છે? કે પછી અનુજના જીવનમાં તે ધરાનું સ્થાન લઈ લેશે? વાંચો આગળ...
******
કહેવાય છે કે સમય સૌથી મોટી દવા છે. ગમે તેવા દર્દનો ઇલાજ સમયના વહેણ સાથે થઈ જાય છે. આ જ રીતે ધરાના વિયોગના દર્દમાંથી બહાર આવવા અનુજ પોતાનું બીજી પ્રવૃત્તિઓમાં વાળવાના પ્રયત્નો કરવા લાગ્યો. દરમિયાન, તેની જિંદગીમાં મહત્ત્વનો વળાંક લાવનારી એક ઘટના બની ગઈ.
એક દિવસ અનુજ મોલમાં શોપિંગ કરતો હોય છે, ત્યાં પાછળથી અજાણ્યો છતાં પરિચિત અવાજ આવે છે, ‘અનુજ?!’
અનુજે પાછળ ફરીને જોયું, તો એક ગોરી-ચિટ્ટી બ્યુટી ઊભી હતી. તેણે સાશ્ચર્ય પૂછ્યું, ‘યસ. બટ સોરી ટુ સે, આઈ કાન્ટ રિકગ્નાઇઝ યૂ!’
‘બટ નેચુરલી, ડફર. કૉલેજમાં તારી આસપાસ મંડરાતી મધમાખીઓમાં તેં ક્યારેય આ ફૂલને તો જોયું જ નહોતું ને, હની.’ આંખ મીંચકારતાં બમ્બૈયા લહેકા સાથે એ કુડી બોલી ગઈ અને એ સાથે જ અનુજના મનમાં ઝબકારો થયો, ‘સોનિયા?!’
‘હા, ઇડિયેટ, સોનિયા.’
‘હેય ચશ્મીશ, તું અહીં ક્યાંથી? કૉલેજનાં આટલાં વર્ષો પછી, આમ અચાનક?’
‘કેમ તે વળી, અમદાવાદ તેં ખરીદી લીધું કે શું? ઍન્ડ બાય ધ વે, કૉલેજ પછી હું તો તારા ગામમાં જ હતી, ફર્ધર સ્ટડીઝ માટે, પણ તું અહીં ચાલ્યો આવ્યો મોટો રાઇટર બનવા. એ ય મને એકલી છોડી ને?’ સોનિયાએ ચૂંટી ખણી.
‘તે, તું વળી ક્યાં મારા વિના એકલી મરી જવાની હતી? ઍન્ડ બાય ધ વે, તારા ચશ્માં ક્યાં ગયાં?’
‘એ બધું છોડ, કેવી ચાલે છે તારી રાઇટિંગ કરિયર? કોઈ અમદાવાદી છોરી પટાવી કે નહીં? શું કરે આન્ટી-અંકલ, મજામાંને? એની વે, ચલ છોડ એ બધું, આમ એમ ઇન મચ હરી. હવે અહીં જ છું. કીપ માય કોન્ટૅક્ટ. અરે યાર, આ મારી ફ્રેન્ડ બી ને... ક્યાં ચાલી ગઈ? હમણાં તો અહીં જ હતી. એનીવે, ચલ બાય, મીટ યૂ સૂન, હની-બની.’
આટલું બોલીને ફ્લાઇંગ કિસ આપતી સોનિયા મોલની ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગઈ. ઘરે પરત ફરતીવેળા આખા રસ્તે અનુજ લગભગ સોનિયાના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. ક્યાં કૉલેજની એ શરમાળ અને તેલથી લથબથ વાળવાળી શુદ્ધ ગુજરાતીમાં વાત કરતી ગોળમટોળ અને ચશ્મીશ સોનિયા અને ક્યાં આ ફાંકડું અંગ્રેજી બોલતું વાવાઝોડું? ક્યાં એ ‘બહેનજી’ અને ક્યાં આ મસ્ત કલંદર જેવી અલ્હડ યુવતી?
થોડી વાર માટે અનુજ 10 વર્ષ પહેલાંના પોતાના કૉલેજકાળમાં ખોવાઈ ગયો. આમ તો તેની અને સોનિયાની વચ્ચે જવલ્લે જ વાતચીત થતી, પણ ખાસ કરીને ઇલોક્યુશન કોમ્પિટિશન અને યુવક મહોત્સવોમાં બંને સાથે હોવાના કારણે ઓળખાણ હતી. પણ, એક દિવસ જ્યારે મિત્રોની ટોળી મોગરાના તેલથી લથબથ સોનિયાના વાળ અને તેની ભાષાની મજાક ઉડાવતા હતા, ત્યારે પોતે જ વચ્ચે પડીને સોનિયાને મશ્કરીનું સાધન બનતી અટકાવી હતી અને અન્ય કૉલેજ સ્ટુડન્ટ્સ પાસે માફી મંગાવી હતી. ત્યારથી બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને બંને ક્યારેક અભ્યાસમાં તો ક્યારેક કોમ્પિટિશન્સમાં એકબીજાંને મદદરૂપ થતાં રહેતાં. અચાનક વ્હૉટ્સએપ પર થયેલી બ્લિન્કના કારણે તેની વિચારતંદ્રા તૂટી. હા, સોનિયાનો જ મેસેજ હતો. ગણતરીની મિનિટોમાં જ બંનેએ કૉફીશોપમાં મળવાનું નક્કી પણ કરી નાખ્યું.
અગાઉથી નક્કી થયેલા સમય અનુસાર અનુજ અને સોનિયા મળ્યાં. અજાણ્યા શહેરમાં માત્ર આંખની ઓળખાણવાળી પોતાના ગામની કોઈ વ્યક્તિ મળી જાય, ત્યારે જાણે કોઈ સ્વજન મળ્યા જેટલી લાગણીનો સેતુ બંને વચ્ચે સધાઈ જતો હોય છે. તેવામાં વર્ષો પછી મળેલાં દૂરના મિત્રો વચ્ચે પણ એકાએક એવી જ લાગણીના તાર સધાઈ ગયા. અભ્યાસ પછી જોબ માટે મુંબઈ ગઈ, ત્યાં કેવી રીતે ઇમેજ મેકઓવર થયો અને બે મહિના પહેલાં અમદાવાદમાં એક મલ્ટિનેશનલ કંપનીની ગુજરાત સ્ટેટ ઓફિસમાં સિનિયર હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે જોબ પર લાગેલી સોનિયાએ પોતાની વાત ટૂંકમાં કહી સંભળાવી. સામા પક્ષે અનુજે પણ પોતાની સ્ટ્રગલની અને દગાખોર નસીબની વાતો કરી. જોકે, રેશનાલિઝમના અનુયાયીને એકાએક નસીબ અને કિસ્મત પર વિશ્વાસ કરતો હોવાનું સાંભળીને સોનિયા નવાઈ તો પામી, પણ ‘અપુન આ ગયેલી હૈ ના. અબ સબ ઠીક કર દેગા, ભીડૂ.’ એવી ટીખળ કરીને વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો.
છૂટા પડતી વેળા સોનિયાએ હગ કરતાં અનુજને તેમાં એક અજબ આત્મીયતાનો અનુભવ થયો. ધરાના ગયા પછી એકાએક ખાલી પડેલા તેના દિલમાં જાણે કોઈએ દસ્તક દીધા. અલબત્ત, એ ટકોરા પ્રેમના તો નહોતા જ, પણ અચાનક કોઈ પોતાનું મળી ગયું હોઈ, જેની સાથે તે પોતાનો સમય અને અંગત પળો શૅર કરી શકે, તેટલી વિશ્વાસપાત્ર તો એ વ્યક્તિ હતી જ.
અગેઇન, રાત્રે ‘હાઈ...’નો મેસેજ આવ્યો અને ‘શું ચાલે છે, શું નહીં?’થી શરૂ થયેલી વાત ક્યાં સુધી ચાલી અને ક્યારે બંને તરફ મોબાઇલની અને તેમની ખુદની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ, તેનો બેમાંથી કોઈને ખ્યાલ ન રહ્યો. પછી તો આ ક્રમ નિત્ય બની ગયો. નવરાશની પળોમાં બંને મિત્રો ચેટિંગ અને ગોસિપિંગ કરવા લાગ્યા. જોકે, અનુજને સોનિયા સાથે વાતો કરતાં કરતાં અનાયાસ જ ધરા યાદ આવી જતી. જેટલો સોનિયાની નજીક જતો તેને ધરા તેટલી વધારે યાદ આવતી. પણ કેમેય કરીને અનુજ ધરાના વિચારોને ખંખેરી નાખતો. ધીમે ધીમે તેની પ્રોફેશનલ લાઇફ પણ ફરીથી પાટે ચઢવા લાગી હતી.
કહેવાય છેને કે ‘પ્રત્યેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે’. અલબત્ત, એ સ્ત્રી ક્યારેક મિત્ર પણ હોઈ શકે છે. બંનેની મુલાકાતો અવારનવાર થતી રહેતી, પરંતુ અચાનક એક દિવસ એવું બની ગયું કે... જો એ દિવસે સોનિયાના ફોનની ઘંટડી ન રણકી હોત, તો બંને મિત્રો પોતાની જાત સાથે જ જાણે દગો કરી બેઠાં હોત.
એ વાત તો સ્પષ્ટ હતી કે અનુજ સોનિયામાં ક્યાંક ધરાને શોધતો હતો. એ દિવસે બંનેએ ડિનર માટે સાથે જવાનું નક્કી કર્યું હતું. ‘ટર્કિશ’ રેસ્ટોરન્ટમાંથી ડિનર પતાવીને સોનિયાએ અનુજની બાઇક પર રિવરફ્રન્ટ સુધી ડ્રાઇવ પર જવાની ઇચ્છા જાહેર કરી. સોનિયાની હ્યુન્ડાઇ સ્પોર્ટ્સ કાર ત્યાં જ પાર્ક કરીને બંને ડ્રાઇવ પર નીકળ્યાં. અલબત્ત, બાઇક પોતે હંકારવા લઈને તેણે અનુજને બેકસીટ પર બેસાડી દીધો અને ઝૂઉઉઉમ... અવાજ સાથે એક્સેલરેટર આપીને મોટરસાયકલ મારી મૂકી.
‘અરે... અરે... જરા સામે તો જો. આ કંઈ તારું એક્ટિવા નથી. મને તો સામેવાળાની ચિંતા થાય છે.’
‘જબ હમ સાથ હૈ, તો ક્યા ગમ હૈ, જાની.’ એવો ફિલ્મી ડાયલોગ ફટકારતાં સોનિયાએ અનુજનો હાથ પોતાની કમરે વિંટાળી દીધો અને ટીખળ કરી, ‘લે બસ, કસ કે પકડ લે મુઝે. તુઝે કુછ નહીં હોગા.’
આ રીતે સોનિયાનો હાથ પકડવો અને તેના માખણ જેવા શરીરના સ્પર્શે અનુજના શરીરમાં ગજબની ઝણઝણાટી પ્રસરાવી મૂકી. રિવરફ્રન્ટ પર કેટલોય સમય બંનેએ વાતો કર્યે રાખી. પૂનમની અજવાળી રાત્રિમાં પાસપાસે બેઠાં બેઠાં કૉલેજના દિવસો અને અલકમલકની વાતો કરતાં કરતાં સોનિયાએ ક્યારે અનુજના ખંભે માથું ઢાળી દીધું એનો બેમાંથી કોઈને ખ્યાલ નહોતો રહ્યો. એકાએક સોનિયાની સ્પોર્ટ્સ વૉચમાં 12 વાગ્યાનું એલાર્મ વાગ્યું, ત્યારે બંનેની વાતોમાં વિઘ્ન પડ્યું.
પણ ઘેર જવા માટે ઊભી થતી સોનિયાથી બેલેન્સ ન રહ્યું અને તે લગભગ પડવાની જ હતી, ત્યાં અનુજે તેને સંભાળી લીધી. આકાશમાં ચમકતા પૂનમની ચાંદનીમાં બંને એકબીજાંની એટલાં નજીક આવી ગયાં કે તેમના શ્વાસમાંથી નીકળતી ઉષ્મા અનુભવી શકતાં હતાં. ભણસાલી જેવા કોઈ ફિલ્મકારને તેની ફિલ્મ માટે કોઈ રોમેન્ટિક સિચ્યુએશન મળી જાય અથવા તો એક્શન બોલ્યા વિના જ જાણે કેમેરા સીધો રોલ કરવા લાગે એવું દૃશ્ય હતું એ.
ત્યાં એકાએક સોનિયાના મોબાઇલની રિંગ વાગી અને જાણે સમાધિ તૂટી હોય એમ બંને એકબીજાંથી છૂટાં પડી ગયાં. ફોન મૂક્યો ત્યાં સુધીમાં બંનેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા.
(ક્રમશ:)
******
(કોનો હતો એ ફોન? શું ખરેખર અનુજ સોનિયાના પ્રેમમાં પડી ગયો હતો? સામે સોનિયા પણ એટલી જ ગંભીર હતી? તો પછી ધરા સાથેના અનુજના પ્રેમનું શું? ફોન મૂકતાની સાથે જ બંનેના ચહેરા કેમ બદલાઈ ગયા? આ તમામ સવાલોના જવાબ માટે વાંચતા રહો, ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી...)
******