Premno ast ke uday in Gujarati Short Stories by Pallavi Jeetendra Mistry books and stories PDF | પ્રેમનો અસ્ત કે ઉદય

Featured Books
Categories
Share

પ્રેમનો અસ્ત કે ઉદય

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.

પ્રેમનો અસ્ત કે ઉદય?

પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

પરોઢિયું ક્યારનું વીતી ચૂક્યું હતું. સૂરજ દાદાના આગમનની જાણ એમના છડીદાર કૂકડાએ ‘કૂકડે કૂક’ કરીને નહોતી કરી, પણ આધુનિક ઘડિયાળની કોયલે ‘કૂ ઉ કૂ ઉ ‘ કરીને કરી દીધી હતી. શહેરથી થોડે દૂર આવેલા રમણીય વિસ્તારમાં શેઠ મનોહરપ્રસાદના ભવ્ય બંગલાનો નીચેનો ભાગ જાગીચૂક્યો હતો, અને ત્યાં દૂધવાળાની તેમ જ ન્યુઝ પેપરવાળાની ચહલ પહલ શરુ થઈ ગઈ હતી. રસોડામાંથી ચા કોફીની સુગંધ સાથે પરોઠાની સુગંધ પણ આવતી હતી. સવારના નાસ્તાની તૈયારી થઈ ચૂકી હતી.

પરંતુ બંગલાના ઉપરના ભાગે નાના શેઠ વિનયની રૂમમાં હજી નિદ્રાદેવીનું સામ્રાજ્ય જામેલું હતું. બારી પર ઝૂલતાં રેશમી પરદાઓ સૂરજના કિરણોને બારીમાંથી અંદર આવતાં રોકવાની કોશિશ કરી રહ્યા હતા. જાણે કહી રહ્યા હતા, વિનય શેઠ હજી ઊંઘે છે, પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ’ પરંતુ એ જ વખતે આ શાંત વાતાવરણને તોડતો એક મુલાયમ સ્વર રૂમની બહાર પડઘાયો, ‘વિનયભાઈ, એ ય વિનુભાઈ.’ અને વિનયથી ચારેક વર્ષ નાની બહેન, સુકોમળ સ્વરની સામ્રાજ્ઞી સલોનીએ વિનયની રૂમમાં પ્રવેશ કર્યો.

વિનય અને સલોની, બન્ને ભાઈ બહેન જેટલું ઝઘડતાં એટલું જ – બલ્કે એનાથી બમણું હેત એક બીજા પર હતું, ઊચ્ચ મધ્યમ વર્ગના સંતાનોમાં હોવી જોઈએ એટલી તુમાખીનો આ બન્ને ભાઈ બહેનમાં સદંતર અભાવ હતો. એનું કારણ હતું એમના મમ્મી પપ્પા દ્વારા એમનો સંસ્કારમય અને શિસ્તમય ઉછેર. સલોની એની ઉંમરના પ્રમાણમાં એની મમ્મી જેવી શાંત સ્વભાવની હતી, સૌમ્ય હતી અને સાદગી સભર હતી. જ્યારે વિનય એની ઉંમરના પ્રમાણમાં હોવો જોઈએ એટલો જ ચંચળ હતો, નટખટ નવયુવાન હતો. એટલે જ તો એમના મમ્મી સુજાતાબેન કહેતાં –

-છોકરીઓ ડાહી, શાંત અને માતાની લાગણી સમજનાર હોય છે, જ્યારે છોકરાઓ તોફાની.

-એ સાસરે જશે ને ત્યારે જ તને મારી કિંમત સમજાશે. વિનય મીઠી રીસથી કહેતો.

-હું સાસરે જવાની જ નથી ને, સમજ્યા ભાઈ. સલોની જીભ કાઢીને અંગુઠો બતાવીને કહેતી.

-એ તો બધી છોકરીઓ પહેલા આવું જ કહેતી હોય છે, અને પછી વખત આવે ક્યારે પરણીને સાસરે જતી રહે છે ખબર પણ નથી પડતી. પણ તું સાસરે જશે ને તે દિવસે હું ફટાકડા ફોડીશ, તને ધામ ધૂમથી વિદાય કરીશ, સમજી?

-એ તો એ દિવસે જોયું જશે, ભાઈ. હમણા તો બહુ બણગા ફૂંકો છો, ફટાકડા ફોડીશ. પણ ત્યારે તો જોજો ને તમારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો જ વહેશે. અને એ બધું તો પછીની વાત છે, પહેલાંતો તમારે જ પરણવાનું આવશે, ભાભી આવશે ને એ જ તમને તો સીધા દોર કરશે.

-તું ભલે ને કહે, હું કંઈ એમ કોઈનાથી પણ ડરી જાઉં એવો નથી, તું જોજે.

-બેટા વિનય, તું પહેલા પરણ તો ખરો, પછી બોલજે. - પપ્પાએ હસીને કહ્યું.

-હેં પપ્પા, પરણવાનું શું એટલું બધું અઘરું છે?

-હા, બેટા. આ તો ‘લાકડાના લાડુ છે, જે ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય.’ માણસ એકવાર પરણી તો જાય, પણ સ્ત્રીને એટલે કે પત્નીને સમજવાનું કામ બહુ અઘરું છે. આખી જીંદગી પણ ઓછી પડે. ન માનતો હોય તો પૂછ તારી મમ્મીને.

-તમે પણ શું? બાળકો આગળ આવી વાતો કરો છો? સુજાતાબહેન હસીને મીઠો છણકો કરીને કહેતાં.

અને સૌ હસી પડતાં. આમ હસતું, કિલ્લોલતું સુખી કુટુંબ હતું. ચાલો, આપણે પાછા મૂળ વાત પર આવીએ? સલોનીએ વિનયની રૂમમાં પ્રવેશ કર્યો અને બારી પરના પરદા સહેજ હટાવી રૂમમાં જરા અજવાળું કર્યું. સલોનીનો અવાજ સાંભળીને વિનયે સહેજ આંખો ખોલી.

-ભાઈ તમે જાગી ગયા?

-તું બૂમો પાડે તો ભલ ભલા ભાગી જાય, હું તો માત્ર જાગી ગયો છું.

-રહેવા દો હવે તમે ભાઈ, તમને જગાડવાનું કંઈ સહેલું નથી. ઢોલ નગારાં વાગે ને તો ય નહીં જાગો એવા એક નંબરના ઊંઘણશી છો તમે.

-પણ તારા લગ્નનાં ઢોલ નગારાં વાગશે ત્યારે હું ચોક્કસ જાગી જઈશ, બાય ગોડ પ્રોમીસ.

-મારા કરતાં તો તમારા લગ્નનાં ઢોલ નગારાં પહેલાં વાગશે, ભાઈ.

-હેં સુલુ, સાચું કહે છે, તું? તારા મોઢામાં ઘી- સાકર. અરે ના, તારા મોઢામાં કેડબરી.

-કેમ ભાઈ, તમને પરણવાની આટલી બધી ઉતાવળ છે?

-બધા લગનના નામથી ડરે છે, પણ આ બંદા તો હિમ્મતવાન છે, એકદમ તૈયાર છે.

-લાગે છે કે તમે કોઈ છોકરી પસંદ કરી લીધી છે, પપ્પાને વાત કરું?

-શાની વાત?

-એ જ કે- વિનયભાઈએ છોકરી પસંદ કરી લીધી છે, તો છોકરીને ત્યાં કહેણ અને શુકન મોકલાવો અને આપણે ત્યાં ગોળધાણા એટલે કે મીઠાઈ વહેંચાવો.

-ખબરદાર, સુલુડી. પપ્પા સામે જો કંઈ આડું અવળું બોલી છે ને તો.

-તો તમે શું કરશો ભાઈ?

-કંઈ નહીં તું જા.

-અરે, પણ હું તો તમારી પેન લેવા આવી છું. પેન આપોને પ્લીઝ.

-કેમ, તારી જેમ તારી પેન પણ ખોટકાઈ ગઈ છે કે?

-ના, અમે બન્ને સલામત છીએ. પણ આ તો આજે મારી એક્ઝામ છે, એટલે મને તમારી પેન જોઈતી હતી.

-અરે હા, આજે તો તારી એક્ઝામ છે, નહીં? તારા જેવી સ્કોલર સ્ટુડન્ટને આમ તો શુભેચ્છાની જરૂર નહીં. તેમ છતાં ફર્સ્ટ રેન્ક માટે ‘ઓલ ધ બેસ્ટ’

-થેંક્યુ, ભાઈ. પેન લીધી છે, હું જાઊં છું અને હવે તમે પણ જાગી જાઓ. નવ વાગી ગયા છે, અને મમ્મીએ નાસ્તો બનાવી દીધો છે.

-હેં, નવ વાગી ગયા? મેં તને કેટલી વાર કહ્યું કે તારે મને ૮ વાગ્યે ઊઠાડી દેવો.

-પણ ભાઈ, તમારી કોલેજ તો સાડા દસ વાગ્યાની છે, અને તમારે તો બાઈક લીધી કે ચાલ્યા. તમારે ક્યાં બસ પકડવાની છે તે મોડું થઈ જવાનો ડર?.

-પણ બસસ્ટોપ પર તો જવાનું છે ને?

-બસસ્ટોપ પર? બસસ્ટોપ પર કેમ જવાનું? કંઈ સમજાયું નહીં.

-અરે કંઈ નહીં, તું જા, તારે મોડું થશે.

સલોની ગઈ અને વિનય ફટાફટ બાથરૂમમાં ઘુસી ગયો. માયગોડ! નવ વાગી ગયા. નીકળતા મોડું થશે તો આજે પણ એ બસસ્ટોપ વાળી ‘દેવી’ ના દર્શન નહીં થાય. કાલે મમ્મીને માર્કેટ લઈ ગયો એટલે મળાયું નહીં. આજે તો હવે કોઈ પણ હિસાબે એને મળવું જ છે. જે દિવસે એના દર્શન ન થાય એ દિવસ જ નકામો.

વિનયની કોલેજમાં આમ તો ઘણી સુંદર સુંદર યુવતીઓ છે. ખુદ વિનયના ક્લાસમાં અને એના ગૃપમાં નજર ઠરે એવી સ્વરૂપવાન કન્યાઓ છે. એમાંની થોડી તો વિનયની ફ્રેંડ્સ પણ છે. વિનયને નમિતા યાદ આવી ગઈ. નમિતા પણ સુંદર છે અને ઈંટેલિજન્ટ પણ ખરી. એ વિનયને પસંદ પણ કરે છે, એવું એના વર્તન પરથી લાગે છે. પણ વિનય જ એને ભાવ આપતો નથી.

વિનયને તો બસસ્ટોપ વાળી છોકરી ગમી ગઈ છે. થોડા સમય પહેલાં જ વિનય એના ફ્રેન્ડ અલ્પેશ સાથે બસસ્ટોપ ની બાજુમાં પાનના ગલ્લા પાસે ઉભો હતો ત્યારે અચાનક બસસ્ટોપ પર એ દેખાઈ. રામ જાણે એનામાં શું દેખાયું તે વિનયને એ પહેલી નજરમાં જ ગમી ગઈ.. પછી તો એને જોવાનો રોજ નો ક્રમ બની ગયો. અને એનો એકતરફી પ્રેમ પાંગરવા લાગ્યો. એ સુંદરીએ વિનયના મનોરાજ્ય પર કબજો જમાવી દીધો હતો. નામ તો નહોતું ખબર પણ વિનયે એની ગૌર ત્વચાને કારણે મનોમન એનું નામ પાડ્યું હતું, ‘શ્વેતા’

શ્વેતાના કારણે એ બરાબર દસ વાગ્યે બસ સ્ટોપ પર પહોંચી જતો. આમ તો એને પાન ખાવાની ટેવ નહોતી, પણ ટાઈમ પસાર કરવા એ ક્યારેક પાન ખાઈ લેતો. અલ્પેશના આગ્રહ છતાં ક્યારેય એ તમાકુવાલુ પાન નહોતો લેતો. પણ ક્યારેક બન્ને જણ સિગરેટની મોજ પણ માણી લેતાં. ‘મમ્મી, પપ્પા કે સુલુને આ વાતની ખબર પડશે તો?’ ક્યારેક વિનય એ સવાલ ઊઠાવતો પણ અલ્પેશ - ‘એ લોકોને ક્યાંથી ખબર પડવાની’ કહીને એને આગ્રહ કરતો.

જો કે શ્વેતાને બસસ્ટોપ પર આવતી જુએ કે તરત જ વિનય સિગરેટ ફેંકી દેતો. એની હાજરીમાં એને સંકોચ થતો. વિનયના મતે શ્વેતાની આંખોમા વ્યસનને ઓગાળી નાંખવાની તાકાત હતી. શ્વેતા હમેશા વિનય તરફ એક નજર નાંખીને અલિપ્ત શી બસ માટેની લાઈનમાં ઊભી રહેતી. બસ આવે ત્યારે પણ બધા તરફ એક અછડતી નજર કરી શ્વેતા બસમાં ચઢી જતી.

વિનય તો એની આ એક નજરથી જ ઘાયલ થઈ જતો. એની મનગમતી ચીજ પોતાની સાથે લઈને જતી રહે છે એમ લાગતાં બસ આવે ત્યારે એ હમેશા એક નિસાસો નાંખતો. લગભગ એક મહિના પહેલાં જ્યારે વિનય અલ્પેશ સાથે બસસ્ટોપની બાજુમા આવેલા પાનના ગલ્લે ઊભો હતો અને શ્વેતાને પહેલ વહેલી જોઈ ત્યારથી જ શ્વેતાના દર્શન હવે એના માટે (રવિવાર અને રજાના દિવસો બાદ કરતાં) રોજનો ક્રમ બની ગયો હતો. એમા કોઈ વાર બ્રેક પડે તો વિનયનો મૂડ ઓફ થઈ જતો, એ દિવસ નકામો ગયો એવું એને લાગતું.

અલ્પેશ એને પૂછતો પણ ખરો, ‘ વિનુ, મને તો આ છોકરી એવી કંઈ ખાસ નથી લાગતી. તું એનામાં એવું તે શું જોઈ ગયો છે કે તારી આજુ બાજુ આંટા મારતી અને તને પસંદ કરતી બીજી સરસ છોકરીઓને પણ તું ભાવ નથી આપતો?’ વિનય હસીને એના ખભે ધબ્બો મારીને કહેતો, ‘એ તને નહીં સમજાય મારા દોસ્ત,એ માટે તો તારે મારી નજરથી જોવું પડે’ (ખાખરાની ખીસકોલી શું જાણે સાકરનો સ્વાદ?)

આપણા ગમા અણગમાની ફોર્મ્યુલા તદ્દ્ન મૌલિક હોય છે. કોઈએ આપણું કશું જ ન બગાડ્યું હોય તો પણ એ વ્યક્તિ અકારણ જ નથી ગમતી, અને જેની સાથે કંઈ જ નિસ્બત ન હોય તે વ્યક્તિ પણ આપણને અકારણ જ ગમવા માંડે છે. કોઈની સાથે વર્ષો સુધી નજીક રહ્યા છતાં નિર્લેપ જેવા રહીએ છીએ, અને કોઈને પહેલી વાર જ જોઈને એની સાથે આત્મીયતા થઈ જાય છે. મનુષ્યના મનનું આ વિજ્ઞાન કોઈને સમજાય એવું નથી.

વિનયનું પણ એવું જ હતું. એની ક્લાસ મેટ નમિતા પણ સુંદર હતી, સમજદાર હતી, એને પસંદ પણ કરતી હતી અને એની આસ પાસ પણ ફરતી હતી. એક બે વાર તો નોટ્સ લેવાને બહાને એના ઘરે પણ આંટા મારી ગઈ હતી. પણ વિનયના મન મંદિરમાં તો શ્વેતાની મૂર્તિ વસી હતી એટલે નમિતાની હરકતો એની નજરે નહોતી આવતી. અથવા સાચુ કહીએ તો એ એને નજર અંદાજ કરતો હતો.

શ્વેતા –હળવેથી સ્પર્શી લેવાનું મન થાય એવા એના લાંબા, સુંવાળા, રેશમી અને કાળા વાળ. ડૂબી જવાનું મન થાય એવી સાગરની ગહેરાઈઓ વાળી પાણીદાર આંખો. ‘હમ કો તો જાન સે પ્યારી હૈ તુમ્હારી આંખે, હાય કાજલ ભરી મદહોશ યે પ્યારી આંખે’ શ્વેતાની આંખો જોઈને વિનયને આ ગીત યાદ આવી જતું. એના પરવાળા શા ગુલાબી હોઠ અને કમળની દાંડી જેવી નાજુક - લાંબી - પાતળી આંગળીઓ. તાજા માખણ માંથી બની હોય એવી એની શ્વેત કાયા. જાણે નખશીખ સૌંદર્યમૂર્તિ! વિનય એની પાછળ પાગલ થઈ ગયો હતો, પણ હજી સુધી એને પોતાના દિલની વાત જણાવવાની હિંમત નહોતો કરી શક્યો.

વિનયે વાંચ્યું હતું કે ‘સ્ત્રીઓ નજર માત્ર થી પુરુષોની વૃત્તિ પારખી જતી હોય છે.’ વિનયને આશા હતી કે શ્વેતા પણ પોતાનો એના તરફનો અનુરાગ એક ન એક દિવસ જરુર અનુભવશે. અલ્પેશ નો આ બાબતમાં જુદો જ મત હતો. એ કહેતો, ‘વિનય, પહેલા તો તું નક્કી કર કે આ છોકરી પ્રત્યે તને ખરેખર પ્રેમ છે કે માત્ર આકર્ષણ જ છે. તેં તો માત્ર એનો દેખાવ જ જોયો છે, એના ગુણ, શોખ, સ્વભાવ, કુળ કે બીજી કોઈ વાતની તને ક્યાં કંઈ ખબર જ છે?’

વિનય કહેતો, ‘ એ જે હોય તે, મારી ઈચ્છા શ્વેતા સાથે આખી જિંદગી વિતાવવાની છે.’ અલ્પેશ કહેતો, ‘જો એવું જ હોય તો પછી તુ આગળ વધ. આમ દૂરથી ક્યાં સુધી ફિલ્ડિંગ ભર્યે રાખીશ? હિંમત કરી એની પાસે જા, વાતચીત કર, એને બાઈક પર લિફ્ટ આપ, એના ઘરે જા, એના મનની વાત જાણ.’ વિનય સ્વભાવે શરમાળ નહોતો પણ એ ઉતાવળ કરીને પ્રેમની બાજી બગાડવા નહોતો માંગતો. એને આશા હતી એક દિવસ શ્વેતા પોતાના પ્રેમ ને પારખશે અને સ્વીકારશે. એ ધીરજથી પ્રેમની બાજી જીતવા માંગતો હતો. જ્યારે અલ્પેશ કહેતો હતો કે ટ્રેન સ્ટેશનથી છૂટી જાય તે પહેલાં એને પકડી લેવી જોઈએ.

એકવાર તો અલ્પેશની વાત માની લઈને વિનયને મનમાં થયું પણ ખરું કે શ્વેતા વિશે વધુ માહિતી મેળવવી જ જોઈએ. પણ કેવી રીતે? શું કરું? એક દિવસ બસસ્ટોપ પર એ આવે ત્યારે એની સાથે વાતચીત કરું? કે પછી એની સાથે બસમાં ચઢી જાઉં? એની પાછળ પાછળ જઈને એની ઓફિસનું સરનામું મેળવી લઉં? અને પછી ઓફિસમાંથી કોઈને સાધીને ઘરનું સરનામું મેળવી લઉં? પછી તો સીધો જ એના ઘરે જઈને ડાયરેક્ટ એને જ પૂછી લઉં, ‘શ્વેતા તું મને ગમે છે, તું મારી સાથે લગ્ન કરીશ? હું તને પૂરી ઉંમર ચાહીશ અને તને હમેશા સુખમાં રાખીશ.’ પણ આટલું વિચારતાં જ એને પરસેવો વળી ગયો. એણે આ બાબતમાં અલ્પેશની મદદ લેવાનું વિચાર્યું.

બીજા દિવસે સવારે એ અને અલ્પેશ બસસ્ટોપ પર ગયા, પણ એ દિવસે શ્વેતા આવી જ નહીં. ત્રીજો દિવસ, ચોથો દિવસ, આખું અઠવાડિયું પસાર થઈ ગયું પણ શ્વેતા દેખાઈ નહીં. હવે વિનય અકળાયો પણ એ કરી પણ શું શકે? શ્વેતાને શોધે તો પણ ક્યાં શોધે? અલ્પેશ પણ એને શોધવા પૂરો પ્રયત્ન કરી રહ્યો હતો પણ કામયાબી મળતી નહોતી. એની બસના એક મુસાફર પાસે એટલી માહિતી મળી કે એ નજીકની એક સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને ક્યાંક બહાર ગામથી એક મહિના માટે જ આવી હતી.

વિનયની તો દુનિયા જ લુંટાઈ ગઈ. એ યંત્રવત કોલેજ જવા લાગ્યો. મમ્મી, પપ્પા અને સુલુએ જ્યારે ‘શું થયું છે, ચહેરો કેમ પડી ગયો છે? મૂડ કેમ ઓફ છે?’ એવા સવાલો વારા ફરતી પૂછ્યા પછી એ સાવધ થઈ ગયો. અને વધુ સમય પોતાની રૂમમાં અને કોલેજમાં વીતાવવા લાગ્યો. શ્વેતા એને ખુબ જ યાદ આવતી હતી. એક દિવસ વિનય કોલેજથી આવ્યો ત્યારે એની મમ્મી સુજાતાબહેને એને સમાચાર આપ્યા

-વિનુ, અજયકાકાના સમીરે પ્રેમલગ્ન કર્યા.

-અચ્છા? ક્યારે? કોની સાથે?

-અનુશ્રી નામની છોકરી સાથે, બન્નેની ઓફિસ પાસપાસે જ આવેલી હતી. જતાં આવતાં પ્રેમ થઈ ગયો.

-અરે વાહ! પણ તને કોણે કહ્યું?

-આજે બંન્ને અહીં ઘરે આવ્યા હતા.છોકરી સરસ છે, સાદી, સુંદર અને વિવેકી.

-સરસ. પણ સમીર તો મુંબઈમાં જોબ કરે છે ને? તો પછી એ બન્ને અહીં કેવી રીતે?

-એ જ વાત તને કરું છું. અજયભાઈ અને અંગીરાબેન બન્ને પોતાના દીકરા સમીરના પ્રેમલગ્નના વિરૂધ્ધમાં છે, કેમ કે છોકરી મહારાષ્ટ્રિયન છે. બન્ને જણાએ ગુસ્સામાં આવીને કહી દીધું કે – ‘એ મરાઠી છોકરી અમારા ઘરમાં કોઈ પણ હિસાબે ન જોઈએ.’ અનુશ્રી અનાથ છે, એટલે પણ એની સામે એમનો વાંધો છે.

-ઓહ! પણ સમીરે એમને સમજાવ્યા નહીં?

-બહુ સમજાવ્યા. અપમાન થવાના ડર છતાં ખુદ અનુશ્રીએ એમને ઘરે જઈને આજીજી કરી કે ‘હું આ ઘરના તમામ રીત રિવાજો શીખી લઈશ અને પાળીશ પણ ખરી’ પણ એ બેમાંથી કોઈ માનવા તૈયાર જ ન થયા. એટલે છેવટે સમીર અને અનુશ્રીએ કોર્ટમાં જઈને પ્રેમલગ્ન કરી લીધાં.

-અચ્છા, અહીં એ લોકો ફરવા આવ્યા હશે.

-ના, એ લોકો પરમેન્ટટલી અહીં જ ટ્રાંસફર થઈ ગયા છે. સમીરે એની જ ઓફિસમાંથી અહીં ટ્રાંસફર લીધી છે અને અનુશ્રીએ અહીં બીજી એક કંપનીમાં જોબ લીધી છે.

-મમ્મી, એ લોકો આપણા ઘરે રોકાયા નહીં?

-મેં કહ્યું, પણ હમણાં થોડા દિવસ પહેલાં જ એક ફ્લેટ ભાડે લીધો છે, બધું ગોઠવવાનું બાકી જ છે. એટલે રોકાયા નહીં. સરનામું આપી ગયા છે. એકાદ દિવસ આપણે જઈ આવીશું.

-ઓકે. મોમ.

કહીને વિનય એની રૂમમાં ગયો. બીજે દિવસે એ બસસ્ટોપ પર ગયો તો વાવાઝોડાની જેમ અલ્પેશ આવ્યો અને એના હાથમાં કાગળની એક ચબરખી મૂકી.

-આ શું છે?

-તારા સ્વર્ગની સીડી.

-કંઈ સમજાય એવું તો બોલ.

-અરે તારી ડ્રીમગર્લના ઘરનું સરનામું છે.

-શું વાત કરે છે? ક્યાંથી શોધી લાવ્યો?

-તું તારે આમ ખાને ગુટલી ગણવાની સાથે તારે શું કામ?

-દોસ્ત હો તો ઐસા. માન ગયે જનાબ.

અને શ્વેતાના ઘરનું સરનામું અલ્પેશ પાસે મેળવીને વિનયના બત્રીસે કોઠે દીવા ઝગમગી ઊઠ્યા. કાગળને એણે પ્રેમપત્રની જેમ ચૂમી લીધો. હર્ષના આવેશમાં એ અલ્પેશને ભેટી પડ્યો. વિનયને તો એજ દિવસે અરે એજ ઘડીએ શ્વેતાને મળવા જવું હતુ, પણ અલ્પેશને બહારગામ જવાનું હોઈ રવિવારે સવારે જવાનું નક્કી કર્યું. જો કે અલ્પેશે વિનયને એકલા જઈ આવવાનું કહ્યું પણ એ ન માન્યો. એટલે વિનયના આગ્રહને લીધે જ અલ્પેશ પણ એની સાથે ગયો. સરનામા વાળા ઘરે પહોંચ્યા ત્યારે વિનયના હ્રદયના ધબકાર વધી ચૂક્યા હતા.

કાગળ જોઈને વિનયે ફ્લેટનો નંબર ચેક કરી લીધો. ડોરબેલની સ્વીચ દબાવતાં એનો હાથ ધ્રૂજી ગયો. શ્વેતાને એનું આગમન ગમશે કે નહીં? એ પોતાનું સ્વાગત કરશે કે અપમાન? એક મિનિટમાં તો એના મગજમાં કંઈ કેટલાય વિચારો આવી ગયા અને દરવાજો ખૂલ્યો.

-અરે વિનય, આવ આવ. તું આવ્યો તે ગમ્યું, ખુબ ખુશી થઈ તને જોઈને.

વિનયે જોયું તો સામે અજયકાકાનો સમીર ઊભો હતો. વિનય સમીરને અહીં જોઈને ગુંચવાયો. એને થયું કે અલ્પેશની કંઈ ભુલ થઈ લાગે છે. શ્વેતાના ઘરને બદલે સમીરના ઘરનું સરનામું આવી ગયું લાગે છે.

-અરે એય વિનય, શું વિચારમાં પડી ગયો?

-અરે કંઈ નહીં, તું તો ભારે છુપો રૂસ્તમ નીકળ્યો. ચુપચાપ લવમેરેજ કરી લીધા. વિનયે પોતાની જાતને સંભાળી લીધી અને હસીને સમીરને કહ્યું.

-કરવા પડ્યા, યાર. મમ્મી પપ્પાનો વિરોધ હતો એટલે.

-ઠીક છે, યાર. એમને તો પપ્પા મનાવી લેશે. જો, આ મારો દોસ્ત અલ્પેશ છે.

-હલ્લો અલ્પેશ, આવ, બેસ ને.

-સમીર, મારા ભાભી ક્યાં છે? સંતાડી રાખ્યાં છે કે? ઓળખાણ તો કરાવ.

-સ્યોર, એ કીચનમાં છે, મારા માટે નાસ્તો બનાવે છે. હમણાં બોલાવું. અનુ, એ અનુ, બહાર આવ, જો તો કોણ આવ્યું છે.

-એ આવું છું. અંદરથી એક મંજુલ સ્વર સંભળાયો. અને એની પાછળ એક સૌંદર્યમૂર્તિ બહાર આવી.

-અનુ, આ મારો કઝીન વિનય છે, અને વિનય આ અનુશ્રી, તારી ભાભી.

-નમસ્તે ભાભીજી.

કહેવા જોડાયેલા વિનયના હાથ એમ જ અધ્ધર રહી ગયા. એ અવાચક શો અનુશ્રીને જોઈ રહ્યો. સામે ઊભી હતી પોતાની આરાધ્ય દેવી શ્વેતા. જેને પોતે મનોમન અનહદ ચાહતો હતો એ જ આવી હતી પોતાની ભાભીના સ્વરૂપે. એ શૂન્યમનસ્ક થઈને તાકી રહ્યો અને અનુશ્રીએ એની સામે એક પરિચિત સ્મિત કર્યું.

-વિનય, અનુશ્રીની નવી જોબ હતી એટલે એ મારા કરતાં એક મહિનો અહીં વહેલી આવી ગઈ હતી. મને મારી જુની જોબમાં ટ્રાંસફર મળતાં વાર લાગી. અનુએ ત્યાં સુધીમાં અમારા માટે એક ફ્લેટ ભાડેથી નક્કી કરી રાખ્યો. એટલે સારુ પડ્યું. છે ને તારી ભાભી સ્માર્ટ? કેમ કંઈ બોલતો નથી?

વિનય શું બોલે? એના પ્રથમ પ્રેમનો ઉદય થાય તે પહેલાં જ અસ્ત થઈ ગયો. ભારે હૈયે પ્રેમિકાના હાથની નહીં પણ ભાભીના હાથની ચા પીને, નાસ્તો કરીને એ ઘરે આવ્યો. ઉદાસ મને એ ચુપચાપ પોતાની રૂમમાં ગયો. થોડી જ વારમાં ઘરના દ્વારે એને નમિતાનો કોમળ સ્વર સંભળાયો, ‘આન્ટી, વિનય ઘરે છે? મારે એની પાસે નોટ્સ લેવાની છે’

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com.