Zanza Ane Jivan - 11 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઝંઝા અને જીવન - 11

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અગીયાર

કૃપાશંકરે ઉષાબાને વિશ્વાસમાં લેવા માટે એકબાજુ બોલાવીને હળવેકથી પૂછ્યું, ‘‘સુનિતા અને આ થોમસનાં લગ્ન થઈ શકે ખરાં ? તને કેમ લાગે ?’’

ઉષાબા કહે, ‘‘તમે ગાંડા થઈ ગયા છો ? ગામમાં આપણી આબરૂના ધજાગરા કરવા છે ? હું તમારી આ વાત સાથે જરાપણ સહમત નથી. મધુ અને અનુ અમેરિકામાં બેઠાં છે. સુનિતાના એ માબાપ છે. એમને તમે શું જવાબ આપશો ?’’

કૃપાશંકર કહે, ‘‘એમને અહીં બોલાવીને એમની હાજરીમાં લગ્ન થાય તો પછી આપણને શો વાંધો છે ? સુનિતાએ અહીં દેશનો કોઈ છોકરો પસંદ કર્યો નથી, એથી એ બન્ને સુનિતાથી નારાજ થઈને પાછાં ગયાં છે. આ અમેરિકન છોકરા સાથે સુનિતા લગ્ન કરવા તૈયાર હોય તો આપણે એમાં સહમત થવું જોઈએ એમ હું માનું છું.’’

‘‘કાન ખોલીને સાંભળી લ્યો, મધુ અને અનુ અહીં આવીને આ પરદેશી છોકરા સાથે સુનિતાના લગ્ન કરાવે તો એમાં હું રાજી નથી.’’

કૃપાશંકર કહે, ‘‘આ થોમસ અને સુનિતા શહેરમાં જઈને કોર્ટ દ્વારા લગ્ન કરી લેશે, તો પણ આપણી આબરૂના ધજાગરા થશે જ ને ? એના કરતાં અહીં આપણા ઘરે જ ધામધૂમથી લગ્ન થાય એવું શા માટે ન વિચારીએ ? તું વિચાર કરજે.’’ એમ કહીને એ નગરપાલિકાની કચેરીએ ચાલ્યા ગયા.

ઉષાબાને થતું હતું કે, સુનિતાને બોલાવીને કહી દઉં કે આ પરદેશીને અહીંથી રવાના કરી દે.

પ્રબોધની માનસિકતા સ્થિર નથી. એથી એને એના પપ્પા કૃપાશંકર સાથે ઓછું બને છે. કૃપાશંકર પણ એને કોઈ બાબતે છંછેડતાં નથી. ઉષાબા એની જનેતા છે. તેથી એના પ્રત્યે લાગણી હોવી સહજ છે. એમણે એની પાસે જઈને કહ્યું,

‘‘તારા બાપુ કહે છે કે આ પરદેશી છોકરો આવ્યો છે. એની સાથે સુનિતાના લ્ગન કરાવી આપીએ. આ બાબતે હું રાજી નથી. આમાં તને શું લાગે છે ?’’

પ્રબોધ કહે, ‘‘સુનિતા આપણી દીકરી છે. આપણા હાથે જ એને એ ભૂરિયા છોકરા સાથે પરણાવીએ એ નરી મૂર્ખામી છે. આપણી ઈજ્જતનો પ્રશ્ન છે. ગામના લોકો નિંદા કરશે. પોતાના હાથે પોતાનું નાક કાપવા જેવો ઘાટ થશે. મા, તમે જાણો છો મારા બાપુની સાથે એમના આવા નિર્ણયોને કારણે મારે વાંધો પડે છે. હું પણ તમારી જેમ આ લગ્ન માટે રાજી નથી.’’

ઉષાબા કહે, ‘‘તારા બાપુ મારું કીધું માને એવા નથી. મારે કરવું શું ?’’

પ્રબોધ કહે, ‘‘હું આમાં ચંચુપાત નહીં કરું તમને ફાવે એમ કરો.’’

ઉષાબા ઘરે ગયા, એમના સતપતિયા જીવને ક્યાંય જંપ થતો નહોતો. એ એમના પિતરાઈ ભાઈ જમનાશંકર પાસે ગયા. એમની આગળ હકીકત કહી.

જમનાશંકર કહે, ‘‘ઉષા, આ લગ્ન તારે અટકાવવાં જ જોઈએ. એ પરદેશી છોકરાનું ઠામઠેકાણું ક્યાં હશે ? પરદેશમાં પણ નાતજાત તો હશે ને ? એના મા-બાપ કોણ હશે, એની કોઈને ખબર છે ? આમાં તો તારે જ કંઈક ઉપાય કરવો પડશે.’’

ઉષાબા કહે, ‘‘તમે જ કંઈક ઉપાય બતાવો ને ?’’

જમનાશંકરે વિચાર કરીને કહ્યું, ‘‘હું ઉપાય બતાવું જરૂર પણ કોઈ જગ્યાએ મારું નામ આવવું જોઈએ નહીં. કૃપાશંકરને ખબર પડશે તો એ મારી સાથે ઝઘડો કરશે.

તારે દોલુભા જેઠવા પાસે જઈને લગભગ એક તોલો અફીણ લાવવું. એમને કહેવાનું કે આ અફીણ તમને પાછું આપી જઈશ. એ અફીણ તારે કૃપાશંકરને બતાવીને કહેવાનું કે તમે સુનિતાના લગ્ન આ છોકરા સાથે કરશો તો આ ઝેર ઘોળીને હું ગટગટાવીને મારો પ્રાણ તજી દઈશ. કૃપાશંકર જિદ્દી માણસ છે. આવું તરકટ કર્યા વિના એ નહીં માને. તારી હિંમત હોય તો મેં આ ઉપાય બતાવ્યો.’’

ઉષાબા કહેજ, ‘‘હું દોલુભા જેઠવા પાસે જાઉં તો ખરી પણ એ અફીણ આપશે તો આ ઉપાય કરીશ.’’

ઉષાબા દોલુભા જેઠવાને ઘરે પહોંચ્યાં. એમણે દોલુભાને કહ્યું, ‘‘બાપુ, મારે એક તોલો અફીણની જરૂર છે. મારું કામ પતાવીને તમે આપેલું અફીણ પાછું આપી જઈશ.’’

દોલુભા કહે, ‘‘અફીણ પ્રતિબંધિત ચીજ છે, મારી પાસે પરમીટ છે. હું અફીણનો બંધાણી છું. તમને અફીણ આપું ને તમે એનો ગેરઉપયોગ કરો તો મારે જેલમાં જવું પડે. અફીણ તમને હું આપી શકીશ નહીં.’’

દોલુભાની વાત ઓરડામાં એમના ઠકરાણાં રામબા સાંબળતા હતાં. એ બહાર આવ્યાં. ઉષાબા સાથે એમને સારો સંબંધ હતો. એમણે દોલુભાને કહ્યું,

‘‘તમે એમને અફીણ આપો, એ જરૂરથી પાછું આપી જશે. હું ઘણાં વરસથી એમને જાણું છું. એમના હાથે કંઈ આડુંઅવળું નહીં બને.’’ ઉષાબાને અફીણ આપ્યું. તે લઈને ઘરે આવ્યાં. કબાટમાં મૂકીને તેઓ વિચારવા લાગ્યાં. હું આ અફીણ લાવી તો છું. એને પાણીમાં ઘોળાશે નહીં. અફીણનો આ ગાંગડો એમને બતાવીને મરવાનું કહીશ તો મારા હાથમાંથી તેઓ ઝૂંટવીને લઈ લેશે. એ પૂછશે આ અફીણ તું ક્યાંથી લાવી ? તને આ અફીણ આપવાવાળો કોણ છે ? એમને જવાબ તો આપવો જ પડશે. દોલુભા જેઠવાનું નામ લઈશ તો ફજેતી થશે. હુંએ મુંઈ કેવી છું ? અફીણ લેવાં જતાં પહેલાં આ વિચાર મને કેમ ન આવ્યો ? એ દોલુભાના ઘરે પાછાં ગયાં. એમને અફીણ પાછું આપ્યું.

રામબા કહે, ‘‘હું કેતી’તીને એમના હાથે કંઈ આડુંઅવળું નહીં બને.’’

સુનિતા અને થોમસની હાજરીમાં જ કૃપાશંકરે અમેરિકા ફોન જોડ્યો. કમલે ફોન ઉપાડ્યો. એણે કહ્યું, ‘‘હું કમલ બોલું છું.’’

કૃપાશંકર કહે, ‘‘તું મજામાં છે ને ?’’

એ કહે, ‘‘હુ હું મજામાં છું. મારે સુનિતા જોડે વાત કરવી છે. એને ફોન આપો.’’

કૃપાશંકર કહે, ‘‘તું પછીથી વાત કરજે તારા પપ્પાને ફોન આપ. એમણે મધુસૂદનને કહ્યું. સુનિતાના લગ્ન લેવાનાં છે. એ કારણે તમારે રજાઓ લેવી પડશે. આજે મેની પચ્ચીસમી તારીખ છે. દસમી જૂન સુધી લગ્નના મૂરત છે. તમે બધાં અઠવાડિયાની રજા લઈને દેશમાં આવો. ભાણવડમાં કોઈની દીકરીના લગ્ન ન થયા હોય એવા ધામધૂમથી સુનિતાના લગ્ન કરવાની મારી ઈચ્છા છે.’’

મધુસૂદન કહે, ‘‘એનાં લગ્ન તમે ક્યાં ને કોની જોડે નક્કી કર્યા છે ?’’

કૃપાશંકર કહે, ‘‘મેં એના લગ્ન નક્કી કર્યા નથી. સુનિતાએ પોતે જ નિર્ણય લીધેલો છે. મને એનો નિર્ય યોગ્ય લાગ્યો હોવાથી મેં સહમતિ આપી છે. અમેરિકાથી થોમસ અહીં આવ્યો છે. એને તમે બધાં જાણો છો. એની સાથે મારે જે પ્રશ્નોની ચર્ચા કરવી હતી. તે મેં કરી છે. એના મા-બાપ આર્થિક રીતે સમૃદ્ધ છે. સુનિતા સાથેના થોમસના લગ્ન માટે તે સહમત છે. લગ્ન પછીથી થોમસ અહીં ભારતમાં જ સ્થિર થવા ઈચ્છે છે. એ બાબતની સચ્ચાઈ જાણવા માટે મેં એના મા-બાપ સાથે સ્પષ્ટતા કરી છે. એમાં તેઓ સંમત છે.’’

એમણે મધુસૂદનને કહ્યું, ‘‘મધુ, અહીં ભારતમાં પણ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. વાણિયા, બ્રાહ્મણ અને પટેલોના છોકરા છોકરીઓ છૂટથી લગ્ન કરે છે. યુગાન્તરનો સ્વીકાર કરવો એ સમજદારી છે. જ્ઞાતિના વર્તુળને પકડી રાખવું એ દુઃખી થવાનો માર્ગ છે. લગ્નોત્સવ માણવા માટે થોમસના માતાપિતા સાથે એમના સગા અને મિત્રો પણ આવશે. લગ્નનો તમામ ખર્ચ તેઓ ઉપાડવાના છે. એ વાત એમણે સામેથી કહી છે.’’

મધુસૂદન કહે, ‘‘સુનિતાના આ લગ્ન માટે તમે સહમત હો તો મને કોઈ વાંધો નથી. અનુની સાથે ચર્ચા કરીને હું તમને ફોન કરું છું. તમે ફોન આગળ બેસજો.’’

અનુબહેન કહે, ‘‘મેં બધી જ વાત અંદરના ફોન પર સાંભળી છે. મને કોઈ વાંધો નથી. સારું થયું કે સુનિતાના લગ્નની જે ખરીદી કરેલ છે. તે બધી ઈન્ડિયા મૂકી રાખી છે. તમે બાપુને ફોન જોડો, ને કહો કે અનુને પણ કોઈ વાંધો નથી.’’

મધુસૂદને એના પિતાને કહ્યું, ‘‘અનુને કોઈ વાંધો નથી. તમે લગ્નપત્રિકા છપાવીને તૈયારી કરો.’’

કૃપાશંકર કહે, ‘‘લગ્ન અહીં ભાણવડમાં જ રાખવાની મારી ઈચ્છા છે. અહીંની ખળાવાડનું સમતલ મોટું મેદાન છે. ત્યાં વિશાળ મંડપ બંધાવીશું. એનો દરવાજો સુશોભિત હશે. જામનગરની મોટી હોટલમાં મહેમાનો માટે બુકિંગ કરાવીશું. રાજકોટથી બેન્ડવાજાની પાર્ટી બોલાવીશું. ભારતીય વાનગીઓનો રસાસ્વાદ માણવા મળે એ માટે રસોઈયાનો કાફલો હાજર હશે. આમ મોટા પાયે આયોજન થશે.’’

ઉષાબાને રીઝવવા માટે કૃપાશંકરે સુનિતા થોમસના લગ્ન બાબતે એમની સાથે ફરીથી ચર્ચા કરી. એમને કહ્યું, ‘‘સુનિતાનાં લગ્ન થોમસ સાથે થાય એ બાબત મધુ અને અનુ બન્ને રાજી છે. મેં એમની સાથે ફોન પર ચર્ચા કરી છે. એ બન્ને થોમસને સારી રીતે જાણે છે. મેં થોમસના માબાપ સાથે વાત કરી છે. એ બન્ને આ લગ્ન માટે ખુશ છે. તે મોટા જમીનદાર શ્રીમંત છે. એમણે મને કહ્યું કે લગ્ન માણવા માટે અમે ઈન્ડિયા જરૂરથી આવીશું. થોમસ સાથે સુનિતાના લગ્ન થાય એથી આપણી આબરૂ ઘટવાને બદલે વધવાની છે. આ લગ્ન કોઈ હિણપતભર્યું પગલું નથી. તું તારી જીદ છોડીને લગ્ન માણવા તૈયાર થઈ જા.’’

ઉષાબાએ હકારથી ડોકું ધૂણાવીને કહ્યું, ‘‘મધુ અને અનુ રાજી હોય તો મને કોઈ વાંધો નથી. આખરે સુનિતાનાં મા-બાપ તો એ છે ને ?’’

લગ્નનો દિવસ આવી પહોંચ્યો. મધુસૂદન, અનુબહેન અને કમલ હાજર છે. એમની સાથે આવેલા આઠ-દસ મિત્રો હાજર છે. થોમસના પિતા પીટર અને એની માતા મારિયા હાજર છે. એમની સાથે પણ દસ જેટલા મિત્રો આવેલા છે. લગ્નનો વિશાળ મંડપ તૈયાર છે. ગોર મહારાજ હાજર છે. અગ્નિની સાક્ષીએ હિન્દુ વિધિ મુજબનાં લગ્ન થવાનાં છે. અમેરિકન મહેમાનો જોઈ શકે એ રીતે એમની બેઠકો ગોઠવાઈ છે. શરણાઈના સૂર ગુંજે છે. ઢોલીનો ઢોલ ગાજે છે. અનુબહેનના હરખનો પાર નથી. મધુસૂદન અને અનુબહેન કન્યાદાનની વિધિ કરે છે. વરકન્યા મંકલફેરા ફરે છે. શૃંગાર સજીને મંડપ નીચે બેઠેલ સ્ત્રીઓ ગીતો ગાય છે.

મોર જાજે આથમણા દેશ,

મોર જાજે ઉગમણા દેશ,

જે વળતાં વળજે રે વેવાયુંના માંડવે હો રાજ...

લગ્નનો અવસર પૂર્ણ થયા પછીથી કૃપાશંકરને વિશેષ આનંદ થયો છે. એમની ધારણા મુજબ લગ્નોત્સવ પૂરો થયો છે.

પીટર અને મારિયાએ કૃપાશંકરને કહ્યું, ‘‘અમે અહીં તમારી સાથે બે-ચાર દિવસ રોકાવાનાં છીએ. થોમસ અને સુનિતા અહીં ઈન્ડિયામાં સ્થાયી થવા ઈચ્છે છે. એમને અહીંની ગરીબ વસતી વચ્ચે બેસીને કામ કરવું છે. તેઓ પરમાર્થનું કામ કરવા ઈચ્છતા હોય તો અમે રાજી છીએ. જનસેવાનું કામ એ પ્રભુ ઇશુની સેવા છે. આ કામ કરવા માટે તેમણે અમારી પાસે આર્થિક મદદ માંગી છે. અમે એ મદદ કરવાનું કહ્યું છે, એવી મદદ કરતાં પહેલાં અમારે અહીંની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવીને એમની ભાવિ યોજના જાણવી છે.’’

કૃપાશંકર કહે, ‘‘તમારી વાત યોગ્ય છે. આર્થિક મદદ કરતા પહેલાં આયોજકની યોજનાને સમજવી જરૂરી છે. આ વાતનો ખ્યાલ રાખીને મેં લગ્ન પ્રસંગ પત્યા પછીથી ભીખુભાઈ વ્યાસ અને ઈન્દ્રવદન જાનીને રોક્યા છે. બન્નેને ગરીબ વસતી વચ્ચે કામ કરવાનો અનુભવ છે. તેઓ સુનિતા અને થોમસને ભાવિ યોજનાની સમજ આપશે. એમનું કામ શરૂ થયા પછીથી તમારી આર્થિક મદદ મળે એમ થવું જોઈએ.’’ તે બન્ને મિત્રોએ કામની કઠણાઈનો ખ્યાલ આપ્યો, જરૂરી સહકારની ખાતરી આપી.

પીટરે કહ્યું, ‘‘કૃપાશંકર સજ્જન છે. એમના પર વિશ્વાસ સાથે હાલ અમે એક લાખ ડોલર આપીએ છીએ. આ રકમ થોમસ અને સુનિતા કામની શરૂઆત કરે એ માટે વાપરી શકશે. અમારે ઈન્ડિયાનો પ્રવાસ કરવાનો છે. એ માટે પંદર દિવસનું રોકાણ થશે. તે પછીથી અમારે અમેરિકા પહોંચવું જરૂરી છે.’’

ઈન્દ્રવદન કહે, ‘‘કાર્યક્ષેત્રની પસંદગી માટે હું તમારી સાથે રહીશ.’’

ભીખુભાઈ કહે, ‘‘ધરમપુર આદિવાસી વિસ્તારમાં અમારું કામ ચાલે છે. એનું નિરીક્ષણ કરવા માટે મારું તમને નિમંત્રણ છે. ત્યાંના પછાત વિસ્તારમાં તમને યોગ્ય લાગે તો કામ કરવા માટેની જગ્યા હું બતાવીશ.’’

એ પછી થોમસ અને સુનિતાએ ભીખુભાઈ અને ઈન્દ્રવદન સાથે આ અંગે ઘણી ચર્ચા કરી. તેઓ બંને ખુશ જણાતાં હતાં, કારણ કે એમનાં સપનાં સાચાં પડવાં જઈ રહ્યાં હતાં.