Zanza Ane Jivan - 9 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 9

Featured Books
Categories
Share

ઝંઝા અને જીવન - 9

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


નવ

સુનિતા થોમસ સાથે વાત કરવા જ્યારે ફોન જોડતી હતી, ત્યારે સામેથી સ્ત્રીનો અવાજ આવતો હતો. ‘‘અહીં કોઈ થોમસ નથી.’’ એટલું બોલીને મોબાઈલની સ્વિચ બંધ થઈ જતી. સુનિતાને એ અવાજ પરિચિત સ્ત્રીનો લાગતો હતો. કદાચ એ અવાજ લ્યુસીનો હતો.

લ્યુસી ખાઈ ખપીને થોમસ પાછળ પડી હતી. અવળચંડાઈ કરવામાં એણે કોઈ કારગત બાકી રાખી નહોતી. થોમસ એને દાદ આપતો નહોતો. લ્યુસી થોમસને કોઈપણ ભોગે છોડવા માગતી નહોતી. હું અહીં ઈન્ડિયા આવી એ પછીથી એણે થોમસને મનાવી લીધો હોય એ બનવા જોગ છે, એ રીતે સુનિતાને શંકા થતી હતી. બીજી જ ક્ષણે એ પોતાના મનની સંકીર્ણતા ખંખેરીને વિચારતી હતી. થોમસ પ્રત્યે શંકા કરવી એ યોગ્ય નથી. મેં એની પ્રામાણિકતા જોઈ છે અને શાલિનતા જોઈ છે. એની મક્કમતા અને પ્રતિબદ્ધતા પર શંકા કરવી એ ઉચિત નથી. મારી પ્રત્યે એના પ્રેમને શંકાની દૃષ્ટિએ મુલવણી કરવી એ નરી બાલિશતા છે. મારી સાથે કોઈ સંજોગોમાં થોમસ દગો કરી જ ન શકે. વળી પાછી એ મનોમન બોલી, લ્યુસીથી તો થોમસ દૂર લાગતો હતો, એને લ્યુસી બિલકુલ પસંદ નહોતી. કદાચ બીજી કોઈ છોકરી હોય તો !!! એ સહાધ્યાયી છોકરીઓના નામ યાદ કરતી હતી. એવું કોઈ નામ યાદ આવતું નહોતું. એમ પણ વિચારતી કે થોમસનો મોબાઈલ કોઈ છોકરી પાસે શા માટે હોય ?

થોમસનો સંપર્ક થઈ શકતો ન હોવાથી એ ગમગીન હતી. એનો એક એક દિવસ મહિનાની લંબાઈનો બનતો. એક એક રાત વરસ જેટલી દીર્ઘ થતી હતી. એની આ આંતરવેદનાની વાત એ કોઈને કહી શકતી નહોતી. એના દાદા દાદીને પણ એ કંઈ કહી શકતી ન હતી. એની આ યાતનાના વીસ દિવસ વીત્યા. એ અધીરી બનીને ફોન કર્યા કરતી. એક દિવસે મોબાઈલ પર એ જ સ્ત્રી બોલી.

‘‘તું થોમસને ફોન કરવાનું છોડી દે, આ દુનિયામાં હવે થોમસ નથી. થોમસ તને કદી મળી શકશે. નહીં.’’ એટલું બોલીને એણે મોબાઈલની સ્વિચ બંધ કરી દીધી.

આ અશુભ સમાચાર સાંભળીને સુનિતા મેડા પરથી માંડ નીચે ઊતરી, એની રૂમમાં એ પહોંચી. પલંગમાં પડતાની સાથે જ એ બેશુદ્ધ બની ગઈ.

કૃપાશંકર નગરપાલિકાની મિટિંગમાં ગયાં હતાં. ઉષાબાએ રોજના નિયમ મુજબ ચા બનાવીને સુનિતાને બોલાવી. જવાબ ન મળવાથી એમણે એના રૂમમાં જઈને એને જગાડવા કોશિશ કરી. અને ઢંઢોળી તો પણ એ ન જાગી. એથી ચિંતિત બન્યાં, એ સ્વગત બોલવાં લાગ્યાં, ‘‘કોણ જાણે આ છોડીને શું થઈ ગયું છે ?’’ આમ એ વલોપાત કરતાં હતાં, એ જ ઘડીએ કૃપાશંકરે ઘરના ઉંબરે પગ દીધો.

ઉષાબાએ એમને કહ્યું. ‘‘આપણી સુનિતા બેભાન થઈ ગઈ છે. તમે જઈને એને જુઓ. હાલ ને હાલ દાક્તરને બોલાવો.’’ કૃપાશંકરે જોયું તો એ બેશુદ્ધ હતી. એમણે ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે એને ઈન્જેક્શન આપ્યું. ધીરે ધીરે એ ભાનમાં આવી. ડોક્ટરે કહ્યું, ચિંતા કરવા જેવું કંઈ નથી. ગરમીના કારણે આવું બની શકે છે.

સુનિતા ધીરે ધીરે સ્વસ્થ બની રહી હતી. અને કૃપાશંકરે પૂછ્યું, ‘‘તું બેચેન શા માટે રહે છે ? તને અહીં ન ફાવતું હોય તો અમેરિકા જવાની છુટ છે. ત્યાં હું તારી સાથે આવીશ. લગ્ન કરવા માટે તારાં મમ્મી પપ્પાનો વિરોધ હશે તો હું એમને મનાવીશ. થોમસ હા-ના કરતો હશે તો એને હું મનાવીશ. એની ઈચ્છા ઈન્ડિયા આવવાની ન હોય તો તું ત્યાં એની સાથે રહેજે. તું શાન્તિથી નિરાંતે આનંદથી રહેતી હો એવા દિવસો હું ઈચ્છું છું. તારી કોઈપણ તકલીફ દૂર કરવા હું તૈયાર છું. તે ઈન્ડિયામાં રહીને ગરીબોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એમાં પણ તારી સાથે રહેવા હું તત્પર છું. તું રાજી હો એમાં જ અમારો રાજીપો છે.’’

થોડીવાર રહી દાદા આગળ બોલ્યા, ‘‘હાલમાં નગરપાલિકાના વિકાસ માટે રોડ બનાવવા, શાળાનું મકાન બાંધવું, વગેરે કેટલાક કામો કરનાર કમિટિનો હું પ્રમુખ હોવાથી મારા માથે જવાબદારી છે. આ કારણે મારે ઓફિસે વધુ સમય બેસવું પડે છે, તારા માટે મારાથી સમય ફાળવી શકાતો નથી. તું ગામને પાદર ફરવા જતી હોય તો તને ગમશે. લોકો સાથે હળવા-મળવાનું થશે.’’

દાદાની બધી વાતો સુનિતાએ સાંભળી, એથી એના મનમાં સુખનો સંચાર થયો. બીજા દિવસે એ પાદરમાં વડને ઓટલે જઈને બેઠી. ત્યાંથી આવજા કરતાં લોકોને એ જોયા કરતી. લોકો એને જોતા હતા. લોકવાયકા છે આ વડજલે વીર માંગડાવાળાનું ભૂત રહે છે. રાવણહથ્થાવાળો એક ભરથરી વડ આગળથી નીકળ્યો. સુનિતા વડના ઓટલે બેઠી હતી. એણે સુનિતાને કહ્યું, ‘‘બેનબા તમે આ વડથી અજાણ લાગો છો, અહીં વીર માંગડાવાળાનું ભૂત રહે છે, અહીં બેસવું ઠીક નથી.’’

સુનિતા કહે, ‘‘વીર માંગડાવાળો કોણ હતો ?’’

ભરથરી કહે, ‘‘તમે કહેતાં હો તો એનો એક દુહો સંભળાવું.’’

સુનિતાએ હકારથી ડોકું ધૂણાવ્યું.

ભરથરીએ એનો રાવણહથ્થો સજ્જ કર્યો ને કરુણ સ્વરથી, દુહો લલકાર્યો :

ભૂત રુવે ભેંકાર, એના લોચને લોહી ઝરે,

લોડણ રુવે ચોધાર, આંસુડાં સારે એકલી.

ભરથરીનો કંઠ અને રાવણહથ્થાના ઝંકારથી સુનિતા અભિભૂત બની. એણે કહ્યું. ‘‘માંગડાવાળાની વાર્તા કહો ને ?’’

ભરથરી કહે, ‘‘એની વાર્તા લાંબી છે. હું તમને ટૂંકમાં એની વાત કરું.’’

‘‘વીર માંગડાવાળો પરાક્રમી પુરુષ હતો. લોડણ અને એની વચ્ચે પ્રેમની ગાંઠ બંધાણી હતી. એ બેઉ એકબીજા વગર રહી શકે તેમ નહોતું. લોડણના મા બાપ ઊંચી જાતિનાં હતાં. ઝનૂની પણ ખરાં. તેમણે માંગડાવાળાને આ વડની નીચે બોલાવીને એની હત્યા કરી હતી. લોડણને એની જાણ થતાં એ આ વડ નીચે આવી પહોંચી, એ સમયે અહીં માંગડાવાળાની લાશ પડી હતી. એણે ખોળામાં લઈને ચોધાર આંસુડે રુદન કર્યું હતું. આઘાતથી લોડણે પણ એના પ્રાણનો ત્યાગ અહીં જ કર્યો હતો. એ દહાડાથી ભૂતના વડને નામે આ વડ ઓળખાય છે. તમે બેઠાં છો એની નજીકમાં બે પથરા ઊભા છે. એ બેઉ અએમની ખાંભીઓ છે. ગામનું કોઈ માણસ આ વડના ઓટલે બેસતું નથી. તમે અહીં ભાણવડના લાગતાં નથી. અજાણ્યાં હોવાથી તમે અહીં બેઠાં લાગો છો.’’

સુનિતા કહે, ‘‘હું અહીની જ છું. કૃપાશંકર દવેની હું પૌત્રી છું.’’

‘‘અરે ! તમે દવે દાદાની પૌત્રી છો ? અહીંથી સવેળા ઊભાં થઈ જાવ. હવેથી કોઈ દિવસ આ જગ્યાએ બેસવા માટે આવતાં નહીં. હવે દાદા મોટા માણસ છે. ભલા માણસ છે. એમણે ગામમાં ડાયરો રાખ્યો હતો, એમાં મને આમંત્રણ આપ્યું હતું. મેં રાવણહથ્થાની રમઝટ બોલાવી હતી. એમણે મને એક હજાર રૂપિયાનો પુરસ્કાર આપ્યો હતો. એ કલાના પારખું માણસ છે.’’ આટલું બોલીને એણે સુનિતાની રજા લીધી.

સુનિતાએ દૂર જતાં એ ભરથરીના આકારને જોયાં કર્યો. રાવણહથ્થાના સ્વરનો ગુંજારવ એના ચિત્તમાં ગુંજતો હતો. એથી વિશેષ તો પોતાનું અસ્તિત્વ ભૂલીને ભૂતની આંખોમાંથી રેલાતા લોહીના આંસુડાં અને ચોધાર અશ્રુથી વિલાપાતી લોડણ એની નજર આગળથી ખસતાં નહોતાં. એને આ વડલા નીચે બેસવું ગમવા લાગ્યું, એ રોજ રોજ આ વડના ઓટલે આવીને બેસવા લાગી, આવતાં જતાં લોકો એને જોયાં કરતાં, એના અજ્ઞાત માનસમાં રુદન કરતી લોડણ અને મૃત્યુ પામેલા માંગડાવાળાનું દૃશ્ય અંકિત થતું હતું. એવા આભાસ સાથે એના દુઃખની લાગણીની સામ્યતા જોડાતી હતી. એથી એને આ વડ નીચે બેસવું ગમતું હતું. એક દિવસ એના કાકા પ્રબોધે એને વડના ઓટલે બેઠેલી જોઈ, એણે સુનિતાને કહ્યું.

‘‘તું અહીં શા માટે બેઠી છે ?’’ સુનિતા અજ્ઞાત મનથી બોલી.

‘‘હું લોડણ છું.’’

પ્રબોધ કહે, ‘‘હવેથી તારે આ વડ નીચે બેસવાનું નથી.’’ પ્રબોધ સાથે ઘરે ગઈ. પ્રબોધે આ ઘટનાની વાત ઉષાબાને કહી. એ ચિંતિત થયાં. એમણે કૃપાશંકરને વાત કરી.

કૃપાશંકર કહે, ‘‘તું નકામી ચિંતા કરે છે. આપણે ભૂતપલિતની અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. આપણી સુનિતાને તું જાણતી નથી. આ દીકરી આપણું નામ ઉજાળશે. તબિયત છે એટલે નરમ ગરમ રહ્યા કરે, એમાં ભૂતનું વહેમ ક્યાંથી આવે ?’’

આમ કહી કૃપાશંકરે ઉષાબાના મનનું સમાધાન કર્યું.