Zanza Ane Jivan - 8 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 8

Featured Books
Categories
Share

ઝંઝા અને જીવન - 8

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આઠ

સુનિતા કવયિત્રી છે. એણે અંગ્રેજીમાં ઘણી કવિતાઓ લખી છે. સાહિત્ય સાથે એની મૈત્રી છે. પુસ્તકો સાથે એ કલાકો સુધી એકલી રહી શકે છે. વિશાળ વાચનના કારણે એનો આંતરિક વિકાસ થયો છે. દુઃખી અને અભાવગ્રસ્તો માટે કંઈક કરી છૂટવાની તાલાવેલી એને થયા કરે છે. એની વ્યવહારુ સુઝ વધી છે. પોતાનાં માબાપને દુઃખી ન કરવાં એવી સમજથી એણએ થોમસ સાથે કોર્ટ દ્વારા લગ્ન કર્યા નથી. આમ છતાં થોમસ સાથે જ લગ્ન કરવાનો એનો નિર્ધાર છે. થોમસના વિયોગથી એ અત્યંત દુઃખી છે.

દાદા મેડા પર છાપું વાંચતા હતા, સુનિતા એમની પાસે જઈને બેઠી. કૃપાશંકરે એને કહ્યું, ‘‘બોલ, બેટી, તારે મારું કંઈ કામ છે ?’’

સુનિતા કહે, ‘‘દાદા, હું તમારી આગળ મારી દાસ્તાન કહેવા માગું છું. મારે અહીં ઈન્ડિયામાં રહીને દેશસેવાનું કામ કરવું છે. અહીંની ગરીબ વસતી વચ્ચે બેસીને કંઈક સેવા પ્રવૃત્તિ કરવી છે. અહીંના અનેક જટિલ પ્રશ્નો છે, એને સમજીને એના ઉકેલ માટે મથવાં ઈચ્છું છું.’’

કૃપાશંકર કહે, ‘‘દેશસેવા એ કોઈ ધંધાદારી કામ નથી’’ એના માટે તન, મન અને ધનથી સમર્પિત થવું પડે. આપણા દેશમાં સેવા કરવાવાળાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરિણામે સેવાનું કામ અધવચાળે મુકીને ભાગવું પડે છે. તારે અમેરિકા ભેગું થવું પડશે. તારાં લગ્ન થાય, એ પછીથી સેવા કરવાનો વિચાર કરજે. ગરીબોની સેવા કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કામ છે. ભારતના અનેક પ્રાણપ્રશ્નો છે. ‘‘લાલો લાભ વિના લોટે નહીં.’’ સેવા કરનારનો ઉત્સાહ ભંગ કરવા માટેનો આ મહાવરો છે. સેવા કરવાનો કોઈ ભાર જેના મનમાં આવે જ નહીં, એવા લોકો ગરીબો વચ્ચે કામ કરવામાં સફલ થયા છે.’’

સુનિતા કહે, ‘‘હું જે પાત્ર સાથે લગ્ન કરું એનો તમે સ્વીકાર કરશો ?’’

કૃપાશંકર કહે, ‘‘તું લગ્ન કરવા માટે તૈયાર થતી હોય તો મારે સ્વીકારવામાં કોઈ વાંધો નથી.’’

સુનિતા કહે, ‘‘હું લગ્ન કરીશ, એમાં તમારા આશીર્વાદ મળશે તો ગરીબોની સેવા કરવાની શક્તિ પણ મને મળશે.’’ પછી એણે એના પર્સમાંથી થોમસનો ફોટો કાઢીને દાદાના હાથમાં મૂક્યો. ને એ બોલી,

‘‘દાદા, આ ફોટો તમને કેવો લાગે છે ? તેનું નામ થોમસ છે. એણે અને મેં ઈન્ડિયન સોશિયોલોજી વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. ભારતના સામાજિક, આર્થિક પ્રશ્નોનો અમને ખ્યાલ છે. મેં અને એણે ભારતના ગરીબ લોકો વચ્ચે રહીને કામ કરવાનું નક્કી કર્યું છે. અમારા કામમાં થોમસના પિતા પીટર આર્થિક મદદ કરશે. તેઓ મોટા જમીનદાર છે. એમની પાસે દસ હજાર એકર જમીન છે. એમને જુદા જુદા પાકની કરોડો ડોલરની આવક છે. આ ફોટો એમના દીકરા થોમસનો છે. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું છું. થોમસ પણ મારી સાથે લગ્ન કરવા રાજી છે. મારા લગ્ન એની સાથે થાય તો તમે રાજી શથો ?’’

કૃપાશંકર કહે, ‘‘તારા મમ્મી પપ્પા આ અંગે શું કહે છે ?’’

સુનિતા કહે, ‘‘તેઓ સ્પષ્ટ ના પાડે છે. મારા લગ્ન અંગેની સઘળી હકીકત મેં તમને કહી છે. એનો અણસાર પણ મારા મમ્મી પપ્પાને ન આવે એવા વિશ્વાસથી મેં તમારી આગળ હૈયું ખોલીને વાત કરી છે. હું થોમસ સાથે ફોનથી વાત કરીને એને અહીં બોલાવીશ.’’

કૃપાશંકર કહે, ‘‘એ નહીં આવો તો ?’’

સુનિતા કહે, ‘‘એ જરૂર આવશે, એ આવે પછીથી એની સાથે કોર્ટ દ્વારા મારા લગ્ન થાય એવું હું ઈચ્છું છું.’’ સુનિતા હજી પણ કંઈક કેહેવા માંગતી હતી. એટલામાં નીચેથી ઉષાબાનો અવાજ આવ્યો. એ કહી રહ્યાં હતાં : રસોઈ તૈયાર થઈ ગઈ છે. જલદી નીચે ઊતરો. દાદા ને દીકરી નચે ઊતરીને જમવા બેઠાં.

ઉષાબા કહે, ‘‘હું ક્યારનીએ તમને બોલાવ્યાં કરું છું, દાદા, દીકરી શું ગપસપ કરતાં હતાં ?’’

કૃપાશંકર કહે, ‘‘એતો હું અને પૂછતો હતો કે તું હમણા લગ્ન કરવાની ના પાડે છે. પણ પછીથી તારી ઉંમર વધી જશે તે સમયે યોગ્યપાત્ર મળવું મુશ્કેલ થશે. એ કહે છે, મારે હજી ભણવું છે.’’

ઉષાબા કહે, ‘‘જો બેટા, આપણી જ્ઞાતીમાં તારા દાદાની મોટી આબરૂ છે. એમની પાસે લોકો આવી આવીને પોતાના દીકરા-દીકરીના સગપણ માટે હાથ જોડે છે. એમણે ઘણાંનાં સગપણ બંધાવી આપ્યાં છે. આવાં કામમાં એમને આગવી સૂઝ છે. તું તો અમારી દીકરી છે. તને પસંદ પડે એવું ઘર અને વર એ ગોતી આપશે. તું તારા દાદા પર બધું જ છોડી દે.’’ અ રીતે વાત કરતાં કરતાં એમણે દાદા અને દીકરીની થાળી પીરસી. એમાં એમણે ગરમાગરમ ભજિયાં મૂક્યાં, સુનિતાના વાટકામાં કઢી પીરસતાં એ બોલ્યાં, ‘‘તને દેશની કઢી બહુ ભાવે છે ને ? તારા માટે આખા દહીંની કઢી બનાવી છે. નિરાંતે ખા...’’

કૃપાશંકરે સુનિતા સામે જોયું, એ એને કંઈક કહી રહ્યા હતા. જમ્યા પછીથી એ આરામ કરવા લાંબા થયા, આ સમયે એમને અડધો કલાક ઊંઘવાની આદત છે. આજે એ ઊંઘી ન શક્યા. એમને થતું હતું કે મધુસૂદન અને અનુબહેનને વિશ્વાસમાં લીધા વિના કોર્ટમાં જઈને સુનિતાના લગ્ન મારા હાથે કરાવવા એ સમજદારીનું કામ નથી. એમને અંદાજ આવ્યો હતો કે સુનિતા મક્કમ છે. એની મક્કમતા બિરદાવવા જેની છે. આ ઘટના મારી સામેનો પડકાર છે. ગામના લોકો પ્રસંગોપાત મને આદર આપીને આગળ બેસાડે છે. પ્રસંગોચિત મારે બોલવું પડે છે. મારા વક્તવ્યને લોકો તાળીઓ પાડીને વધાવે છે. મારી સામે આવેલા આ પડકારનો સામનો કરવો એ સવર્થા ઉચિત છે. મેં હંમેશાં ગાંધીવિચારને પ્રાધાન્ય આપ્યું છે. સર્વધર્મ સમભાવનાનું રટણ કર્યું છે. હું સમાનતાની તરફેણ કરું છું. ગરીબોના કલ્યાણ માટે કંઈક કરી છૂટવાની સલાહ આપું છું. આમાંનું કંઈ મારાથી નક્કર કામ થયું નથી. મારી પૌત્રી એક પરદેશી યુવક સાથે લગ્ન કરીને સદ્‌કાર્ય કરવા તૈયાર હોય તો એન સહકાર આપવો એ મારી નૈતિક ફરજ બને છે. કૃપાશંકરે સુનિતાના લગ્ન કરાવવા માટે મનોમન સંકલ્પ કરી લીધો. ઉષાબા રસોડામાં હતાં. સુનિતા એની રૂમમાં ખુરશી પર બેસીને પુસ્તક વાંચતી હતી. એને કૃપાશંકરે મેડા પર બોલાવીને કહ્યું. હું તારી સાથે જ છું. ‘‘સારા કામમાં સો વાંધા.’’ એ અનુસાર આપણી સામે ઘણા પ્રશ્નો આવશે, એના ઉકેલ માટે ધીરજથી મથવું પડશે. કોઈપણ સારું કામ કરતી વખતે દરેક માણસને પ્રથમ એનાં સ્વજન નડતાં હોય છે. તારા મમ્મી પપ્પાએ તારો વિરોધ કર્યો. હવે અહીં તું જોજે તારાં ઉષાબા અવરોધક બનશે. તું ગભરાયા વિના જોયા કરજે, દરેક પ્રશ્નના ઉકેલ માટે કંઈક ચાવી જરૂર હોય છે. એવી ચાવી શોધીને આપણે તાળું ખોલીને આગળ વધીશું. માણસ સામે જે પ્રશ્નો આવે છે એની સામે રહીને જે ઝઝૂમે છે એ માણસને વિજય મળે છે.’’

સુનિતાએ દાદાના ચરણો આગળ માથું નમાવ્યું. એણે મનોમન ઈશ્વરો આભાર માન્યો. એના ચિત્તપ્રદેશમાં અંધકાર હતો, ત્યાં પ્રકાશનાં કિરણોનો સંચાર થયો. એને થયું કે કૃપાશંકર દાદાએ પોતાની પર કૃપા કરી છે. એણે દાદાને કહ્યું દાદા, મેં તમારી કોઈ સેવા કરી નથી. તમે મને સહકાર આપવાની વાત કરી છે, એથી હું હળવાશનો અનુભવ કરું છું. તમારા આશીર્વાદથી હું મારાં સપનાંને સાકાર કરીશ.

કૃપાશંકર કહે, ‘‘તું મારી પૌત્રી છે, તારા પ્રત્યે મને વહાલ હોવું એ સહજ છે. દીકરી પાસેથી કોઈ સેવા લેવાની અપેક્ષા હોતી નથી. દીકરીને આપવાનું હોય છે. તેં મારો સહકાર માગ્યો છે, એ આપવાની મારી ફરજ છે, આ ઘર તારું છે, હું તારો દાદા છું. અધિકારપૂર્વક તું જે માગે તે મારે આપવું જોઈએ. તું અમેરિકામાં ઉછરીને મોટી થઈ છે. હવે તું ભારતમાં રહેવા માગે છે. તો આ દેશ પણ તારો જ છે. તને અહીંનું નાગરિકત્વ મળી શકશે. મને લાગે છે કે તું ગરીબ લોકો વચ્ચે કામ કરવા જ્યાં બેસીશ ત્યાંના લોકોનો વિશ્વાસ સંપાદન કરી શકીશ. કોઈ જગ્યાએ અવરોધક પરિબળ નડશે તો તેના ઉકેલ માટે હું તારી સાથે ઊભો રહીશ. તું નીશ્ચિંત બની જા.’’

કૃપાશંકરે રચેલી એમના કંઠે રમતી કવિતાના અંશોનું ગાન સુનિતા આગળ કર્યું.

કૃપા કઠોર

કૃપા દયોને કઠોર રે,

ટાળો તિમિર ઘોર રે,

દધિ શાં દિલ આપો અમને,

ફુલની દો ફોર રે,

તરુવરની તપ ભૂમિકા,

ઉતારો આઠે પહોર રે... કૃપા...

બાંધી આપો બળનું ભાથું,

દિલના દવને ઠારું રે,

સંકટ સામે ઝૂઝવા જેવી,

હામ હૈયામાં ધારું રે... કૃપા...

સાત સમંદર ઘૂઘવે ખારા,

નૌકા એમાં હું હાંકું રે,

તક ને તાકાત આપો એવા,

દુઃખને દરિયે નાખું રે... કૃપા...

દાદાના મોઢેથી એમની ગીતરચના સાંભળીને સુનિતાના રોમરોમમાં ચેતનાનો સંચાર થયો. એના મનની સંકીર્ણતા પાનખરનાં પર્ણની જેમ ખરીને દૂર થઈ. નીચેથી ઉષાબાનો અવાજ આવ્યો, ‘‘ચા-નાસ્તો તૈયાર છે. નીચે આવો.’’ બંને નીચે આવ્યાં એટલે ઉષાબા કહે,

‘‘તારા દાદા નરસિંહ મહેતા જેવા છે. જ્યાં જાય ત્યાંથી કલાકો સુધી ઘરે આવે જ નહીં, એમના જેવા ઓલિયા ફકીર આ ગામમાં ઘણા છે. એ બધાં ભેકગાં મળીને કવિતાની માથાઝીંક કર્યા કરે છે. આપણા મેડા પર ઘણીવાર ભેગાં થઈને બેસે છે. મારી ઊંઘ બગાડે છે. તું જો તો ખરી, ચોપડીઓથી કબાટ ભર્યા છે. ઘરમાં જ્યાં જુઓ ત્યાં ચોપડીઓ પડી હોય છે. એ ચોપડીઓને ઠીક-ઠાક મૂકીને હું કંટાળી ગઈ છું. અધુરામાં પૂરું એ નગરપંચાયતમાં ચૂંટાયાં છે. એ કારણે એમનું કામકાજ વધ્યે જ જાય છે.’’

કૃપાશંકરે ઉષાબાને કહ્યું, ‘‘આપણી આ ચોપડીઓને કારણે આપણું ઘર જ્ઞાનમંદિર છે. તું એની પૂજારણ છે. આ ચોપડીઓની વારસદાર સુનિતા છે. એનું ઘર ચોપડીઓથી સમૃદ્ધ થશે. ચોપડીઓ વાંચીને માણસ સાધુ બને છે. સુનિતા સાધુ બનીને જનકલ્યાણનું કામ કરશે. તો એનું શ્રેય તને અને આ ચોપડીઓને મળશે.’’

આ સાંભળી સુનિતા મનોમન હરખાઈ રહી.