Zanza Ane Jivan - 7 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 7

Featured Books
Categories
Share

ઝંઝા અને જીવન - 7

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સાત

એક ઈન્ડિયાનું વિમાન એકધારી ગતિથી ઊડી રહ્યું છે. સુનિતા બારી આગળની સીટ પર બેઠી છે. એની બાજુમાં કમલ બેઠી છે. એના મમ્મી પપ્પા આગળની સીટ પર બેઠા છે. સુનિતાએ કાચની બારી બહાર નજર કરી તો આખું આકાશ વાદળથી ભર્યું હતું. એ વાદળની સવારી કરીને વિમાનની સમાંતર થોમસ આવી રહ્યો હતો. ઘટાટોપ વાદળમાં એ ખોવાઈ જતો, ઘડીમાં એ વાદળમાંથી બહાર નીકળીને વિમાન સાથે ઊડે છે, ને અલોપ પણ થઈ જાય છે. સુનિતા એને શોધ્યાં કરે છે. એ સમયે એરહોસ્ટેસે એની આગળ કોકાકોલાનો ગ્લાસ ધર્યો. થોડીવારે એ પીવા લાગી. ગ્લાસ ખાલી થયો, મનોમન એ બબડી, ‘‘થોમ વિના મઝા ન આવી.’’ વિમાનના ઘોંઘાટમાં બાજુમાં બેઠેલી કમલને પણ એનો બબડાટ સંભળાયો નહીં.

અમદાવાદના વિમાનઘર પર વિમાનનું ઉતરાણ થયું. મધુસૂદન અને કમલ ગરબે ઘૂમતી બેગોના હેન્ડલ પકડીને બહાર કાઢતાં હતાં, કસ્ટમ ક્લિયરન્સની લાઈનમાં ઊભાં રહેવા માટે એ વ્યસ્ત છે. અનુબહેન અને સુનિતા સોફા પર બેસીને આરામ કરતાં હતાં. સામે થોડે દૂર ચારપાંચ પ્રવાસીઓ બેઠા હતાં. સુનિતાની નજર એ તરફ ગઈ. એ ઊભી થઈને એમના મોઢાં જોવા લાગી. એમાં થોમસ નહોતો એક પ્રવાસીએ એને પૂછ્યું.

‘‘તમારે કોનું કામ છે ?’’

સુનિતા કહે, ‘‘થોમસનું,’’

એ પ્રવાસીઓમાં જે થોમસ હતો એ કહે, ‘‘હું થોમસ છું.’’

સુનિતા કહે, ‘‘તમે થોમસ નથી’’, એ સાંભળીને બધાં પ્રવાસી હસી પડ્યાં. સુનિતા અનુબહેન પાસે આવીને બેઠી.

લાંબી મુસાફરી પછીથી કારમાં બેસીને ભાણવડ પહોંચતાં બધાં થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. કૃપાશંકર અને ઉષાબાનાં હરખનો પાર નહોતો. ઉષાબાએ કમલ અને સુનિતાના મીઠડાં લીધાં. એમની આંખો આનંદસભર હતી. થાકને કારણે જમીને બધાં ઊંઘને આધીન થઈ ગયાં.

સુનિતાનાં લગ્મ માટે છાપામાં જાહેરાત આપી, એ વાંચીને પચીસ જેટલા પ્રત્યુત્તર મળ્યા. એમાંથી યોગ્ય લાયકાતવાળા સાત ઉમેદવારોને બોલાવ્યા. એ બધાં સમયસર આવે એ રીતે ફોનથી જાણ કરી. ભાણવડ દૂરનું ગામ હોવાથી ત્યાં બધાં પહોંચી ન શકે. આથી રાજકોટની જાણીતી મોટી હોટલે બોલાવ્યાં છે, આ હોટલે મધુસૂદન અનુબહેન અને સુનિતા પહોંચીને બેઠાં છે. આવનાર મુરતિયો અને એના સગાને બેસવાં માટેની વ્યવસ્થા ગોઠવી છે. એ જગ્યાએ ઓપચારિક પરિચય પત્યા પછીથી સુનિતા અને આવેલ યુવક બાજુની રૂમમાં બેસે છે. મુરતિયા સાથે પ્રશ્નો પૂછવાની શરૂઆત સુનિતા કરે છે. એ નીચે જેવા પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નો એણે પહેલેથી ગોખી રાખ્યા હતા.

(૧) ભારતના નિકાસમાં અવરોધ પરિબળ શું છે ?

(૨) દેશમાં વસતી વધારાનું કારણ શું છે ?

(૩) તમને ધાર્મિકતા ગમે કે સમાજસેવા ?

(૪) ‘‘ભુખડી બારસ’’ એ ટોણો દેશને કોણ અને શા માટે આપે છે ?

આવા પ્રશ્નો સાંભળીને આવનાર યુવક એને કહેતો હતો. ‘‘તમે મને નોકરી આપવા માટે બોલાવ્યો છે ?’’

સુનિતા કહેતી, ‘‘ના જી લગ્ન માટેના આ પ્રશ્નો છે.’’ કેટલાક ઉમેદવારોએ સુનિતાના પ્રશ્નો સાંભળી એને કોઈ પ્રશ્ન પૂછ્યાં જ નહીં. હોટલમાં બે દિવસ રહીને મુલાકાતનો વિધિ પતાવ્યો. અનુબહેને સુનિતાને પૂછ્યું, ‘‘તેં કોઈ મુરતિયો પસંદ કર્યો ?’’

સુનિતા કહે, ‘‘કોઈને નહીં,’’ મધુસૂદન અને અનુબહેન નારાજ હતાં. એ નારાજગીનો ખ્યાલ સુનિતાને હતો જ. કારમાં બેસી બધાં ભાણવડ તરફ રવાના થયાં. ભાણવડ પહોંચ્યાં પછીથી ઉષાબા અને કૃપાશંકર અધિરાઈથી મધુસૂદનને પૂછ્યું, ‘‘શુભ સમાચાર આપો.’’ મધુસૂદન કહે, ‘‘સુનિતાને પૂછો ને ?’’

સુનિતા અંદરના રૂમમાં સૂતી હતી એ થાકેલી હોવાથી એને જગાડવી ઠીક ન લાગતાં મધુસૂદન કહે, ‘‘આજના જમાનામાં છોકરા છોકરી જ પાત્ર પસંદ કરે, અને મા-બાપ માન્ય રાખે છે. એ મુજબ સુનિતાને પાત્રની પસંદગી કરવાની સ્વતંત્રતા આપણે આપી છે. એણે કોઈ છોકરો પસંદ કર્યો નથી. સુખી શ્રીમંત પરિવારના છોકરાઓ આવ્યા હતા. એમાંના કોઈને સુનિતાએ પસંદગી આપી નહીં, અરે ! એક તો હાલમાં ગાંધીનગરમાં પ્રધાનપદ પર છે. એ પોતે અને એમનાં પત્ની પોતાના પુત્રને લઈને આવ્યા હતા. તેઓ આપણાં ગૌતમ ગોત્રના છે. એમના જેવું સગું મળવું મુશ્કેલ હતું. એમનો દીકરો દેખાવડો અને હોંશિયાર હતો, તો પણ સુનિતાએ એને પસંદ ન કર્યો.’’

મોટી કંપનીમાં કામ કરતાં એક છોકરાનો પગાર લાખ રૂપિયા છે. એને પણ સુનિતાએ નકાર્યો, બીજા ઘણા મુરતિયા બધી જ રીતે યોગ્ય હતાં. સુનિતાએ કોઈની પસંદગી ન કરી.

કૃપાશંકર અને ઉષાબા આગળ બળાપો કાઢતાં અનુબહેન કહે, ‘‘હું, તો આ છોકરીથી કંટાળી ગઈ છું. લગ્નની તૈયારી કરીને અમે દેશમાં આવ્યાં છીએ. અમે પચીસ દિવસની રજા લીધી છે. એમાં દસ દિવસ તો પૂરા થઈ ગયા. હવેના પંદર દિવસમાંથી બે દિવસ અમેરિકા પહોંચવાના, બાકીના તેર દિવસમાં એણે કોઈ મુરતિયો પસંદ કર્યો હોત તો લગ્ન ઉકેલવાની ગણતરી હતી.’’ અનુબહેન બોલતાં હતાં એ જ સમયે સુનિતા બહાર આવીને બેઠી.

કૃપાશંકરે એને કહ્યું, ‘‘બેટી, તેં કોઈ છોકરો પસંદ કર્યો નથી, એથી તારા મમ્મી પપ્પા મને પરાણે લઈ આવ્યા છે. હું ગ્રેજ્યુએટ થઈ છું. હજી મારે આગળ અભ્યાસ કરીને પીએચ.ડી. કરવું છે. હાલ લગ્ન કરું તો આગળનો અભ્યાસ થઈ શકે નહીં. આથી હું લગ્ન કરવા ઈચ્છતી નથી.’’

સુનિતાની વાત સાંભળીને કૃપાશંકરે મધુસૂદનને કહ્યું, ‘‘સુનિતા દેશમાં આવવાની ના પાડતી હતી તો પછી એને પરાણે અહીં શા માટે લાવ્યાં ? એ આગળ ભણવાનું કહે છે, તમે શા માટે એને અટકાવો છો ? પીએચ.ડી. થવા માંગે છે એ આપણા પરિવાર માટે ગૌરવની વાત છે.’’

મધુસૂદન કહે, ‘‘સુનિતા પીએચ.ડી. કરવાનું કહે છે, એ અભ્યાસ અઘરો છે. એમાં પાંચથી સાત વરસ જેટલો સમય થઈ શકે છે. દરમિયાન એની ઉંમર વધવાને કારણે એને યોગ્યપાત્ર મળવું મુશ્કેલ બને. એનાં લગ્ન અત્યારે થાય એ એના હિતમાં છે. મા-બાપે બાળકોના હિતનો ખ્યાલ રાખવો જરૂરી છે.’’

અનુબહેન કહે, ‘‘અમેરિકા એ પરદેશ છે. ત્યાંની રીતભાત આપણા દેશથી જુદી છે. આપણી દીકરી યોગ્ય ઉમરની થાય એટલે એનાં લગ્ન લેવાની મા-બાપની ફરજ છે. એનાં લગ્ન થાય એ પછીથી આપણી ફરજ પૂરી થશે.’’

અમેરિકા જવાનો દિવસ આવી પહોંચ્યો. સુનિતાએ એનાં મમ્મી પપ્પાને કહ્યું. ‘‘મારે હમણા અહીં દાદા-દાદી સાથે રહેવું છે.’’

અનુબહેન કહે, ‘‘તારે પીએચ.ડી. કરવું છે એનું શું ?’’

સુનિતા કહે, ‘‘અહીં પણ એ અભ્યાસ થઈ શકે છે.’’ કૃપાશંકર કહે, ‘‘સુનિતાને અહીં રહેવું હોય તો ભલે રહેતી, એનો અભ્યાસ અહીં પણ થઈ શકશે.’’

મધુસૂદન, અનુબહેન અને કમલ અમેરિકા જવા રવાના થઈ ગયાં.