Zanza Ane Jivan - 5 in Gujarati Fiction Stories by Ganesh Sindhav (Badal) books and stories PDF | ઝંઝા અને જીવન - 5

Featured Books
Categories
Share

ઝંઝા અને જીવન - 5

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પાંચ

કોલેજની છેલ્લી પરીક્ષાનું પરિણામ આવ્યું. એમાં સુનિતા પ્રથમ કક્ષાએ ઉત્તીર્ણ થઈ. અનુબહેન અને મધુસૂદન રાજી થયાં, એમણે ભોજન માટે મિત્રોને નિમંત્રણ આપ્યું. એમાં થોમસની હાજરી સહજ હતી.

એક દિવસ અનુબહેને સુનિતાને કહ્યું, ‘‘તારો અભ્યાસ પૂરો થયો છે હવે તારાં લગ્ન થવાં જરૂરી છે. વેકેશનમાં આપણે ભારત જઈને ત્યાંના છાપામાં લગ્ન માટેની જાહેરાત આપીશું. આપણી જ્ઞાતિના અને તારી પસંદગીના યોગ્ય પાત્ર સાથે લગ્ન થશે. મેં અને તારા પપ્પાએ વિચાર્યું છે કે તારાં લગ્ન ધામધૂમથી કરવાં છે.’’

સુનિતા કહે, ‘‘મમ્મી, હમણાં મારે લગ્ન કરવાં નથી. મારે હજી ભણવું છે. પીએચ.ડી. કરવાની મારી ઈચ્છા છે. આ અભ્યાસક્રમમાં સ્કોલરશીપની જોગવાઈ હોવાથી ઘરમાંથી કોઈ ખર્ચ કરવો નહીં પડે. ઓકલોહોમા યુનિવર્સિટીમાંથી મેં અરજી ફોર્મ મંગાવ્યું છે.’’

અનુબહેન કહે, ‘‘તું એકવાર લગ્ન કરી લે, તે પછીથી તારે ભણવું હોય તો ભણજે’’. બીજા દિવસે મધુસૂદને એને સમજાવવાની કોશિશ કરી. એમની વાત પણ એ ન માની.

એણે કહ્યું, ‘‘પપ્પા, અહીં અમેરિકામાં જ મારે પીએચ.ડી. કરીને અધ્યાપક થવું છે.’’

મધુસૂદન કહે, ‘‘તારી ઉંમર વધી જશે, પછીથી યોગ્ય પાત્ર ન મળે. આ હકીકતનો ખ્યાલ રાખીને તારે નિર્ણય લેવો જોઈએ.’’

સુનિતા કહે, ‘‘પપ્પા તમે સમજતાં કેમ નથી ? મારી ઉંમર બાવીસ વરસની થઈ છે. પાંચ વરસે પીએચ.ડી. થઈશ. ત્યારે હું સત્તાવીસની હોઈશ. એમાં કોઈ મોટો ફરક પડતો નથી.’’

મધુસૂદન કહે, ‘‘તું મારી વાત ધ્યાનથી સાંભળ, મેં વિમાનની ટિકિટો બુક કરાવી લીધી છે. દસ દિવસ પછી આપણે બધાએ વિમાનઘર પહોંચીને વિમાનમાં બેસવાનું છે. તારી મમ્મીની રજા મંજૂર થઈ ગઈ છે. મેં પણ રજાનો રિપોર્ટ મૂક્યો છે. તમે બન્ને બહેનો ખરીદી કરીને બેગો તૈયાર કરો. આ કામ તારે અને કમલે કરવાનું છે.’’

સુનિતા મોઢું ચડાવીને પોતાની રૂમમાં ચાલી ગઈ. મધુસૂદને એને પાછી બોલાવતાં કમલને મોકલી. કમલે જઈને જોયું તો એ ચોધાર આંસુથી રડતી હતી. તો પણ કમલે કહ્યું. ‘‘પપ્પા બોલાવે છે ચાલ.’’

સુનિતાએ છણકો કરીને કહ્યું, ‘‘તમે બધા દેશમાં જાવ, હું આવવાની નથી. અહીં હું એકલી રહીશ.’’

મધુસૂદન સુનિતા પાસે ગયા, એમણે કહ્યું, ‘‘તારાં લગ્ન માટે જ આપણે દેશમાં જવાનું છે. તું જ ન આવે એ કેમ ચાલે ? મેં દાદાને ફોનથી તારા લગ્ન અંગેની હકીકત જણાવી છે. તારાં લગ્ન ધામધૂમથી થશે. તારે અહીંથી જે ઘરેણાં ખરીદ કરવાં હોય એની તને છૂટ છે. હવે તું નાની નથી. તારે અમને સહકાર આપવો જોઈએ. તું નાની હતી ત્યારે જે જીદ કરતી હતી એનો અમે ઈન્કાર કરતાં નહોતાં હવે તારે સમજદારીથી અમારી વાત સ્વીકારવી જોઈએ. ચાલ, ઊભી થા, મોં સાફ કરી લે, હમણાં તારી મમ્મી આવશે, તારી જીદ જોઈને એ કકળાટ કરશે. આપણે બધાંએ સુપરમોલ સામેના રેસ્ટોરામાં ભોજન માટે જવાનું છે. તું જલદીથી સ્વસ્થ થઈ જા. તારી આ જીદની જાણ તારી મમ્મી આગળ કરતી નહીં. એનો સ્વભાવ તું જાણે છે ને ? એ ક્રોધિત થાય પછીથી એને રોકવી મુશ્કેલ છે.’’

સુનિતા કહે, ‘‘મારે આવવું નથી.’’ એનો નન્નો સાંભળીને મધુસૂદન પાછા ચાલ્યા ગયા.

અનુબહેન આવ્યાં, એમણે ઘરનું ગમગીન વાતાવરણ જોયું. કમલને કહ્યું, ‘‘ઓવનમાં રસોઈ ગરમ કરીને ડાઈનિંગ ટેબલ પર મૂકી દે.’’

એ ઉતાવળે સુનિતા પાસે ગયા, ને બોલ્યા, ‘‘તને થયું છે શું ?’’

એ કહે, ‘‘કંઈ નહીં.’’

અનુબહેન જે કંઈ બોલ્યાં, એનો જવાબ સુનિતાએ આપ્યો જ નહીં. એ આંખો બંધ કરીને સૂતી હતી.

અનુબહેને બેડરૂમમાં જઈને જોયું તો મધુસૂદન સૂતા હતા. એમને ઉદ્દેશીને એ બોલ્યાં, ‘‘અત્યારે અહીં શા માટે સૂતા છો ? સુનિતાને તમે કંઈ વઢ્યા છો ? એ શા માટે રિસાઈને સૂતી છે ?’’

‘‘ના મેં એને કંઈ કહ્યું નથી. એને દેશમાં આવવું નથી. મેં એને સમજાવવાની કોશિશ કરી છે. હવે તું એને સમજાવ. જો એ માને તો.’’

અનુબહેન કહે, ‘‘મને પણ એણે દેશમાં આવવાની ના પાડી હતી. ભારતમાં ડૉક્ટર, એન્જિનિયર અને અનુસ્નાતક ડિગ્રીધારી છોકરાઓને નોકરી મળતી નથી. એથી તે બધા અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં નોકરી માટે જવા તત્પર બને છે. સુનિતા સાથે જે છોકરાના લગ્ન થશે એને અહીં સરળતાથી આવવા મળશે. સુનિતા અને એ બન્ને સાથે રહીને અભ્યાસ કરી શકશે. આ વાતનો ખ્યાલ તમે સુનિતાને આપ્યો છે ?’’

મધુસૂદન કહે, ‘‘આ વાત તું એને કહે ને ?’’ અનુબહેન અને મધુસૂદન સુનિતા પાસે ગયાં.

અનુબહેને એને કહ્યું. ‘‘સુનિતા તું બેઠી થા, મારી વાત સાંભળ, આપણે બધાંએ દેશમાં જવાનું છે. ત્યાં છાપામાં જાહેરાત આપીને તારી પસંદગીના પાત્ર સાથે તારા લગ્ન ગોઠવાશે. દેશમાં ડોક્ટરો, એન્જિનિયરો અને અનુસ્નાતક પદવીવાળા છોકરાઓનો તોટો નથી. એમાંથી તારી પસંદગીના છોકરા સાથે તારાં લગ્ન થશે. અમે એમાં કોઈ ચંચુપાત કરીશું નહીં. દેશમાં આપણી ઉચ્ચજ્ઞાતિનો જે મોભો અને ગૌરવ છે. એનો ખ્યાલ તને ન હોય. દેશમાં તારા લગ્નનો ઉત્સવ મનાવવા માટે આપણા સગાંઓ અને પરિવારના સભ્યો તૈયાર થઈને બેઠા છે. જે પાત્ર સાથે તારાં લગ્ન થાય એ અને તું અહીં આવીને સાથે રહેજો, તારે પીએચ.ડી.નો અભ્યાસ કરવો હોય તો પણ તને છૂટ છે.’’

સુનિતા એની મમ્મીની વાત સાંભળતી હતી. એ જ સમયે ફોનની ઘંટડી રણકી. કમલે ફોન ઉપાડ્યો. સામેથી થોમસ બોલ્યો. ‘‘સુનિતાને ફોન આપો.’’

કમલે સુનિતાને કહ્યું. ‘‘થોમસનો ફોન છે.’’

વચ્ચેથી અનુબહેન કહે, ‘‘મારે થોમસ સાથે વાત કરવી છે.’’

એ સાંભળીને સુનિતા સફાળી ઊભી થઈને ફોન પર થોમસને કહેવા લાગી, ‘‘હમણાં તું ફોન મૂકી દે. અહીંથી કોઈનો ફોન આવે તો વાત કર્યા વિના જ ફોન મૂકી દેજે.’’

સુનિતાની આ વિચિત્ર વર્તણૂક જોઈને અનુબહેન ક્રોધિત થયાં. એ કહે, ‘‘હું થોમસને ફોન જોડું છું. એ આવીને તને સમજાવશે.’’

સુનિતા કહે, ‘‘તમારે થોમસને ફોન કરવાની કોઈ જરૂર નથી. એ મને સમજાવે ને હું સમજી જાઉં, એવી હું નાદાન નથી.’’

અનુબહેન કહે, ‘‘તું નાદાન નથી એમ તારે કહેવું પડે છે એ જ તારી નાદાનિયત છે. તારે દેશમાં આવવું નથી. લગ્ન કરવાં નથી. તો તારા મનમાં જે હોય એ બોલ ને ?’’

સુનિતા કહે, ‘‘હું અમેરિકામાં જ લગ્ન કરવાની છું.’’

અનુબહેન કહે, ‘‘કોની સાથે ?’’

સુનિતા કહે, ‘‘થોમસ સાથે.’’

આ સાંભળીને મધુસૂદન અને અનુબહેનને પોતાના સાતેય વહાણ દરિયામાં ગરક થયાં હોય એવો આઘાત લાગ્યો.

અનુબહેને ત્રાડ પાડીને કહ્યું, ‘‘સુનિતા, તું કાન ખોલીને સાંભળી લે. તું જે દિવસે થોમસ સાથે લગ્ન કરીશ તે જ દિવસે હું અને તારા પપ્પા ઝેર ગટગટાવીને આ દુનિયામાંથી વિદાય થઈશું. એ પછીથી તું થોમસ સાથે લગ્ન કરીને સુખેથી રહેજે. અમે જે આઘાતથી મર્યા હોઈશું એનો આઘાત દેશના સગાં સંબંધીઓને થશે. એ બધા તારી પર ફિટકાર વરસાવશે. તારી પર અમે મૂકેલ વિશ્વાસનો બદલો અમને આ રીતે મળશે એવી અમે કલ્પના કરી નહોતી.’’