Gandhivichar Manjusha - 10 in Gujarati Philosophy by Bharat Joshi books and stories PDF | ગાંધીવિચારમંજૂશા - 10

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ગાંધીવિચારમંજૂશા - 10

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૦. અસ્પૃશ્યતા નિવારણ અને ગાંધીજી

અસ્પૃશ્યતા નિવારણ અંગે ગાંધીજીના વિચારો મૌલિક છે. ગાંધીજીએ ભારતીય સમાજમાં વ્યાપેલી આ બદીને સુપેરે ઓળખી તેને નેસ્તનાબુદ કરવા માટે જે વિચારો આપ્યા છે તે ભારતના સંદર્ભમાં જ નહીં, જ્યાં જન્મગત ઉચ્ચાવચ્ચતા વ્યાપે છે તેવા વિશ્વના કોઇ પણ સમાજ માટે અતિ માર્મિક અને સહજ સ્વીકાર્ય બનવા જોઇએ તેવા છે. ભારતના તત્કાલીન સમાજનું ગાંધીજીએ જાત નિરીક્ષણ કર્યું હતું અને પોતે જે જોયું તેના આધારે તેમણે અસ્પૃશ્યતા નિવારણને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.

ભારતીય સમાજ મૂળે તો અસ્પૃશ્યતા જેવી બદી ધરાવતો ન હતો પરંતુ આ સડો તેમાં પાછળથી ઘુસેલો માલુમ પડે છે. ઐતિહાસિક રીતે જોતા આ બદીનો પ્રારંભ પ્રાચીન ભારતીય ઇતિહાસના ગુપ્ત યુગથી થયેલો હોવાનું નોંધવામાં આવ્યું છે. મૌર્ય યુગ સુધી તો ભારતીય સમાજ કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા ધરાવતો હતો. વ્યક્તિના વર્ણની ઓળખ તેનાં પોતાનાં કર્મને આધારે થતી. તેનો જન્મ ગમે તે વર્ણના માતાપિતાને ત્યાં થયો હોય તો પણ તેનો વર્ણ તેના પોતાના કર્મના આધારે જ નક્કી થતો. વળી, તેમાં વર્ણની ઉચ્ચાવચ્ચતા પણ ન હતી. આમ તો ઇતિહાસમાં ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, ઇતિહાસના ગ્રંથોમાં ગુપ્ત યુગના વર્ણનમાં અસ્પૃશ્યતાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન ભારતના સુવર્ણ યુગની ઓળખ આપતી વખતે “સોનાની થાળીમાં, લોઢાની મેખ” તરીકે અસ્પૃશ્યતાનો નિર્દેશ થાય છે. આ રીતે ભારતીય સમાજમાં કર્મ આધારિત વર્ણ વ્યવસ્થાને સ્થાને જન્મ આધારિત વર્ણ વ્યવસ્થા પ્રવેશી અને વર્ણની ઉચ્ચાવચ્ચતા પણ પ્રવેશી. ગાંધીજીએ તેને હિંદુ સમાજ માટે ઘાતક ગણી છે.

અસ્પૃશ્યતા નિવારણ

ગાંધીજીના અસ્પૃશ્યતા અંગેના વિચારો અત્યંત સ્પષ્ટ છે. તેઓએ અસ્પૃશ્યતા નિવારણને તેમનું જીવનકાર્ય બનાવ્યું હતું તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. તેઓ કહેતા, “અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું અંગ નથી, પણ એમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે; ને તેનું નિવારણ કરવું એ પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે.” તેમણે અસ્પૃશ્યતાની નિંદા કરી છે એટલું જ નહીં પણ તેને નાબુદ કરવા વિશે પણ જણાવ્યું છે કે “આ અસ્પૃશ્યતા વેળાસર નાબુદ ન કરવામાં આવે તો હિંદુસમાજ અને ધર્મની હસ્તી જોખમમાં છે.” હિંદુસમાજ અને ધર્મને ટકાવવા માટે અસ્પૃશ્યતા નિવારણ તેમના મતે અનિવાર્ય હતું. સમાજમાં વ્યાપેલા સડાને જલદીથી દૂર કરવા તેમણે ઘણી જહેમત ઉઠાવી હતી. તેથી તો તેમણે અગિયાર મહાવ્રતોમાં દેશની પરિસ્થિતિ પ્રમાણે ઉમેરેલાં છ વ્રતોમાં “કોઇ અડેના અભડાવું” નો સમાવેશ કર્યો હતો. અસ્પૃશ્યતાનાં નિવારણ સિવાય સમાનતાની સ્થાપના શક્ય જ નથી. હિંદુ ધર્મ મૂળેથી સમાનતાનો પુરસ્કર્તા રહ્યો છે પણ આ અસ્પૃશ્યતાનું કલંક તેમાં પાછળથી ઘુસેલું છે.

સમાજમાં એકત્વ, બંધુતા, સમાનતા લાવવાનું ગાંધીજીનું સ્વપ્ન હતું . બધાના અધિકારો સરખા હોવા જોઇએ તે તેમની માન્યતા હતી. તેઓ માનતા કે અસ્પૃશ્યતાને કારણે જેમને અસ્પૃશ્યો ગણવામાં આવે છે તેમણે ખૂબ સહન કરવું પડયું છે. તેઓ માનતા કે “સેંકડો વર્ષોના અમાનુષી વ્યવહારને અને સંસ્કારી લોકોના સંસર્ગથી વંચિત રહેવાને પરિણામે અસ્પૃશ્યોની સ્થિતિ એટલી બધી દયાપાત્ર બની ગઇ છે, અને તે એટલા બધા હેઠા પડી ગયા છે કે, એમને બીજા વર્ગોની કોટિએ ચડાવવા માટે સમજદાર હિંદુઓએ ખાસ પ્રયત્ન કરવા ઘટે છે. આથી અસ્પૃશ્યો અને એવી બીજી દલિત કે પછાત કોમોની સેવા માટે પોતાનું જીવન અર્પણ કરવું, અને તે કાર્યમાં ઉદાર દિલે મદદ કરવી, એ આ યુગના હિંદુઓ માટે અતિ પવિત્ર કર્મ છે.”

અસ્પૃશ્યોનું મહત્ત્વ

ગાંધીજી જીવનમાં સફાઇ અને સ્વચ્છતાનું આગવું મહત્ત્વ દર્શાવતા. જેમને અસ્પૃશ્ય કે પછાત ગણી હડધૂત કરવામાં આવે છે તેમનું સમાજમાં બહુ મોટું પ્રદાન છે. પોતાને ચોખલિયા ગણાવતા સમાજના ભદ્ર વર્ગની ચોખ્ખાઇ તો આ અસ્પૃશ્ય ગણાતા વર્ગને આભારી છે. કલ્પના તો કરી જુઓ કે સફાઇનું કામ થોડા સમય માટે બંધ થઇ જાય તો સમાજની શી સ્થિતિ થાય! તેમના કામને હલકું ગણી તેમની અવહેલના કરનારાઓ જીવી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. તેમને પરંપરાગત રીતે મળેલી કામગીરી તેમના જન્મને આભારી છે પરંતુ કોઇનો જન્મ ક્યાં થાય તે કોઇના હાથમાં નથી. તેથી કેવળ જન્મથી કોઇને નિશ્ચિત વ્યવસાય સાથે જોડવાની વિચારણા જ અતાર્કિક અને અમાનુષી છે. વળી, ગાંધીજીના વિચારની મૌલિકતા તેમાં રહેલી છે કે તેઓ માનતા કે “અસ્પૃશ્યોની સ્થિતિ સુધારવા માટે એમની પાસે એમના પરંપરાગત ધંધા છોડાવવાની કે એ પ્રત્યે એમનામાં અણગમો ઉત્પન્ન કરવાની જરૂર નથી. એવું પરિણામ આવે એવી રીતે એમનામાં કરેલી પ્રવૃત્તિ એમની સેવા નહીં, પણ અસેવા કરશે. વણકર વણાટ કરતો રહે અને ચમાર ચામડું કેળવતો રહે; છતાં અસ્પૃશ્ય ન ગણાય ત્યારે જ અસ્પૃશ્યતાનું નિવારણ કર્યું ગણાય.” એટલે કે એમના ધંધાનું ઊર્ધ્વીકરણ કરવાની આવશ્યકતા તેમણે દર્શાવી હતી. કોઇ ધંધો કદી નીચો કે ઊંચો ન ગણાવો જોઇએ. હા, તેમાં દાનત સાફ હોવી જોઇએ. એમણે હંમેશા સાધન શુઘ્ધિને મહત્ત્વની ગણી હતી. શુદ્ધ દાનતથી આજીવિકા રળવા હાથ ધરાતા કોઇ ધંધાને નીચો ન ગણવો જોઇએ. આ માટે અસ્પૃશ્યોના ગણાતા ધંધાઓનું ઊર્ધ્વીકરણ કરવું જરૂરી ગણાય. તેમના કાર્યનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવું પડે અને તેની અનિવાર્યતા સ્વીકારવાની ટેવ વિકસાવવી પડે. તેમણે સાચું જ કહ્યું છે કે “આ સફાઇના કામનો અલગ ધંધો બનાવી, એ ધંધાને અતિશય ગંદો તથા હીન ગણી, તથા એ ધંધો કરનારી એ કોમને છેક નીચ વર્ણ ગણી આપણે એ કોમની સ્થિતિ અતિશય દયામણી કરી મૂકી છે તથા આપણો આખો સમાજ ગંદી હાલતમાં રહેતો થઇ ગયો છે. આનો ઉપાય એ છે કે, દરેક કુટુંબ પોતાની પાયખાના-સફાઇનું તથા બીજી સફાઇનું કામ પોતે જ કરી લે, -જેમ પોતાની રસોઇ પોતે કરી લે છે તેમ.” આ રીતે ગાંધીજી સફાઇના કાર્યને રસોઇના કાર્યની લગોલગ મૂકી તેનો મહિમા કરે છે અને જીવનમાં તે કાર્યનું મહત્ત્વ સમજાવે છે.

અસ્પૃશ્યોને ગાંધીજીનો સંદેશ

ગાંધીજીની વિચાર પ્રક્રિયાનું એક આગવું પાસું છે તેની સમગ્રતા. ગાંધીજી અસ્પૃશ્યોનાં કાર્યનો મહિમા તો કરે છે પણ તે સમાજમાં વ્યાપેલી નબળાઇઓ પણ દર્શાવે છે અને તેને દૂર કરવાની હિમાયત કરે છે. તેઓ જણાવે છે કે “અસ્પૃશ્ય ગણાતા લોકોમાં પેઠેલી મુડદાલ માંસ ખાવાની ટેવ, એમની દરિદ્રતા કેટલી કરૂણાજનક છે, એ જ દર્શાવે છે. એ દરિદ્રતા દૂર કરીને અને એમને સમજણ આપીને એ ટેવ દૂર કરવી ઘટે છે.” આ માટે અસ્પૃશ્યોમાં જાગૃતિ લાવવાની જરૂર તેઓ જુએ છે અને એ માટે ભદ્ર ગણાતા સમાજના સંસ્કારી લોકોને કામે લાગી જવા હાંકલ કરે છે. તેમણે તેથી જ અસ્પૃશ્યતા નિવારણને તેમનાં રચનાત્મક કાર્યોની યાદીમાં સ્થાન આપ્યું છે અને તેમણે સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં પણ વણી લેવાનું મુનાસિબ માન્યું છે.

ગાંધીજી અસ્પૃશ્યતાને અસંસ્કારિતાની નિશાની ગણાવતા. “માત્ર પોતાના આચાર ચોખ્ખા રાખવાથી સંસ્કારી થવાતું નથી. પોતે જેને અશુદ્ધ આચાર ગણતા હોય, તે આચરવાની બીજાને ફરજ પડે તેમ વર્તવું, એ પણ અસંસ્કારિતાની નિશાની છે. પોતાને સંસ્કારી ગણતા વર્ણો અસ્પૃશ્યોને પોતાનું એઠું કે કોહેલું, ઉતરેલું કે અશુદ્ધ થયેલું આપે, અને પશુ કરતાંયે એમની સાથે હલકો વ્યવહાર કરે, એ અસંસ્કારિતા તેમ જ પાપ છે.

આમ, ગાંધીજીના મતે અસ્પૃશ્યતા નિવારણની જવાબદારી સંસ્કારી કે ભદ્ર ગણાતા વર્ણોની છે.