Seven Day, Six Night - 9 in Gujarati Travel stories by Mukul Jani books and stories PDF | સેવન ડેઝ, સિક્સ નાઇટ-૯

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૯

ભાગ-૯: જલમ ભોમકા ઈ જલમ ભોમકા!

સૌરાષ્ટ્રની છેક દક્ષિણે, અરબસાગરને સાવ કાંઠે આવેલું ટપકાં જેવડું જુનાગઢ જીલ્લાનું (એ સમયે અમરેલી) ગામ. એ ગામમાં જિંદગીનાં પહેલાં સત્યાવીશ-અઠયાવીશ વરસ કાઢ્યા પછી, સંજોગો અચાનક રાજકોટ જેવા શહેરમાં લઈ આવે તો હોમ સિકનેસ થવી એ સ્વાભાવિક ઘટના છે. ઘર બહુ જ યાદ આવે પણ પાંચ-છ મહિને એકાદ વખત જવાનો મોકો મળે. રાજકોટથી આશરે છ કલાકની મુસાફરી થાય અને પાંચેક કલાકની મુસાફરી પછી વેરાવળ આવે, બસ ભીડિયાની ખાડી પાસેથી પસાર થાય અને દરિયાની ખારી હવામાં ભળીને આવતી મચ્છીની તીવ્ર ગંધથી મોટાભાગના મુસાફરોની જેમ નાક આડે રૂમાલ દેવાઈ જાય. પણ શરૂશરૂમાં જ, પછી તો આ ગંધની સાથે એવું તો અનુકૂલન સધાયું કે એ ગંધ આવે ને એમ થાય કે બસ હવે તો એક જ કલાક, એક કલાક પછી એ ગામ, ફળિયું, એજ રાજીપો દેખાડતાં દોડીને સામા આવતાં શેરીના કૂતરાં ને પછી પપ્પાની વ્હાલભરી નજર અને માં નો હેતાળ હાથ! (આપણા દરેક ગમા-અણગમાની સાથે આવું કોઇને કોઇ conditioning જોડાયેલું હશે? માનસશાસ્ત્રીઓને ખબર!)

કોચી અથવા કોચીન જે આજ સુધી ફોટામાં ચાઇનીઝ ફિશીંગનેટ(જે પૂરા વિશ્વમાં ચાઇનાની બહાર માત્ર અહીંજ જોવા મળે છે.) તરીકે જોયેલું તે હવે આંખ સામે અને શ્વાસમાં ગંધરૂપે પ્રત્યક્ષ હતું. કેટકેટલો ઈતિહાસ પોતાના પેટમાં ધરબીને બેઠું હતું કોચી? કહેવાય છે કે ચીની શાસક કુબ્લાઈ ખાનના દરબારના વેપારીઓએ કોચીને એનું નામ આપ્યું છે, આ સિવાય પણ કેટકેટલા દેશના લોકોને કોચી પોતીકું લાગ્યું છે? અંગ્રેજોએ કોચીને ’મિની ઈંગ્લેન્ડ’ કહ્યું તો ડચ લોકોને ’હોમલી હોલેન્ડ’ લાગ્યું અને પોર્ચુગીઝોએ વળી નામ આપ્યું ’લિટલ લિસ્બન’! તો વળી ઈટાલિયન પ્રવાસી નિકોલસ કોન્ટીએ પોતાની પ્રવાસકથામાં લખ્યું, “જો ચાઇના પૈસા કમાવા માટે છે તો ચોક્કસપણે કોચી એ પૈસા ખર્ચવા માટે!” એક સમૃધ્ધ બંદર અને ગરમ મસાલાના વ્યાપારી મથક તરીકે કોચી હમેશાં વિદેશી પ્રવાસી અને વ્યાપારીઓને આકર્ષતું રહ્યું છે પછી એ પોર્ચુગીઝ વાસ્કો-ડી-ગામા હોય, ચાઇનીઝ ફા-હ્યાન હોય કે પછી બ્રિટીશ સર રોબર્ટ બ્રિસ્ટોવ.

ઇસ્વીસન ૧૫૩૦થી શરૂ કરીને છેક દેશની આઝાદી ૧૯૪૭ સુધી કોચી, પોર્ચુગીઝ, હોલેન્ડ અને છેલ્લે અંગ્રેજો જેવા અલગ અલગ વિદેશી શાસકોના કબજામાં રહ્યું હોઈ શહેરની સંસ્કૃતિમાં પણ અલગ અલગ દેશની ઝલક જોવા મળે છે. પહેલવેલો યુરોપિયન કિલ્લો પણ અહીં પોર્ચુગીઝો દ્વારા બંધાયો. એકાબીજાથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ એર્નાકુલમ અને કોચી હવે એવાં તો એકબીજામાં ગુંથાઈ ગયાં છે કે ક્યાંથી કોચી પુરૂં થાય છે અને એર્નાકુલમ શરૂ થાય છે એ ખબર જ ના પડે! કોચી ફોર્ટ વિસ્તારમાં આવેલ બે ચર્ચની મુલાકાત લીધી, આ ચર્ચ પોર્ચુગીઝ શાસન સમયના એટલે કે ચારસોથી પાંચસો વર્ષ જૂનાં હતાં એથી વિશેષ કોઈ આકર્ષણ એમાં હોય એવું લાગ્યું નહીં એના કરતાં મરીન ડ્રાઇવ અને ત્યાં આવેલ ચાઇનીઝ નેટ જોવાની મજા આવી. સાંજે વળી પા્છી બેકવૉટરમાં સહેલ, અમારા કેરળના છેલ્લા મુકામની હોટેલ સી લોર્ડ થી થોડાક મીટરના અંતરે આવેલ સી લોર્ડ જેટી પરથી જળવિહારની સરસ સગવડ છે, પ્રાઇવેટ ટુરિસ્ટ બોટ એશોસિએશન દ્વારા ફક્ત પચાસ રૂપિયામાં દોઢ કલાકનો જળવિહાર કરી ને આવ્યા હોટેલ સી લોર્ડ પર કેરળની અમારી છેલ્લી રાત્રી પસાર કરવા. અમને હોટેલ પર ડ્રોપ કરી સેલ્વમ નજીકમાં આવેલા એના ગામ ગયો, આજે પાંચ છ દિવસ પછી એ શિવા અને શ્રી હરિનું મોઢું જોવાનો હતો એની ખુશી એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી!

છેલ્લા દિવસની સવાર પડી, આજે જોવાનું ખાસ બચ્યું નહોતું, બસ વલ્લરપદમ ટાપુ પર આવેલ વલ્લરપદમ ચર્ચ જોવાનું હતું, વચ્ચે ટાપુ પર આવેલ KTDC હોટેલ જોઇ અમે વલ્લરપદમ ચર્ચ પહોંચ્યા, આ ચર્ચ ખરેખર ભવ્ય હતું. આ ચર્ચ The Basilica of Our Lady of Vallarpadam તરીકે પણ ઓળખાય છે, ચર્ચના પ્રવેશદ્વારની જમણી બાજુ આવેલ એક જ્ગ્યાએ મીણબત્તી પ્રગટાવવા માટેની જ્ગ્યા હતી અમે પણ મીણબતી વેચાતી લઈને પ્રગટાવી. ડાબી બાજુએ આવેલ ટાવરમાં છેક ઉપર સુધી જવાની સગવડ હતી લગભગ ૧૫૦ પગથિયા, જેમાંથી અરધે સુધી લિફ્ટ લઈ જાય અને બાકીનું ચડવાનું. ઉપર પહોંચ્યા પછી નાળિયેરીના ઝાડ અને બેકવૉટર વચ્ચે ઘેરાયેલું કોચી બહુ સુંદર દેખાતું હતું. જમણી બાજુ ભારતનો સૌથી લાંબો રેલબ્રીજ લગભગ આખેઆખો દેખાતો હતો જે ૧૬ નવેમ્બરના કરોડપતિમાં પચ્ચીસ લાખના સવાલના પ્રત્યુત્તરરૂપે હતો.

છેવટે એ ઘડી આવી પહોંચી, અમારી કેરાલા છોડવાનું હતું, એક બાજુ ગુજરાત સાદ પાડીને બોલાવતું હતું અને કેરાલા કહેતું હતું કે બસ “બસ છ જ દિવસ? છ દિવસમાં જોયું શું? છ દિવસમાં પણ જેટલું જોવાનું હતું એમાંથી પણ ઘણું છૂટી ગયું હતું!” સાચી વાત હતી આટલા દિવસમાં જેટલું જોયું, માણ્યુંએ માત્ર બુંદ જેટલું જ હતું, મહાસાગર જેટલી તરસ તો હજુ અકબંધ હતી. ફરી પાછું આવવુંજ પડશે....

વળી પાછી ટ્રેન, બપોરના બાર વાગ્યાની હાપા એક્સપ્રેસ અને ત્રણ મહિના પહેલાં બુક કરાવેલી ટિકિટ (IIac કે IIIac ની ટિકિટતો મળેલી જ નહીં) છતાં છેલ્લી ઘડી સુધી લટકતી તલવાર! છેવટે ટિકિટ કનફર્મ થઈ ગઈ ને કોચીને બાય બાય કહેતા અમે ટ્રેનમાં બેઠા. કેરળમાં ટ્રેનની બાબતમાં અમુક નિયમો આપણા કરતાં જુદા પડે છે એટલે એની સાથે અનુકૂળ થવામાં થોડી અકળામણ થાય છે અને જો ધીરજ ખોઈ બેઠા તો ઝઘડો પણ ચોક્કસ થવાનો. અહીં આપણને કઠે એવી બાબત એ છે કે દિવસ દરમિયાન સામાન્ય ટિકિટ ઉપર સેકન્ડ સ્લીપરમાં મુસાફરી કરી શકાય છે. (કદાચ સવારના આઠ થી રાત્રીના આઠ સુધી) એટલે પરિસ્થિતિ ક્યારેક એવી થાય કે આપણી પાસે રિઝર્વેશન હોવા છતાં બહુજ મુશ્કેલીથી બેસવા જેટલી જગ્યા મળે છે. અમે કેરળ છોડી કર્ણાટકની હદમાં પ્રવેશ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી અને આ વખતે પણ દૂધસાગર જોવાનું નસીબમાં નહોતું! સવાર પડી ત્યારે મહારાષ્ટ્રની હદમાં હતા બપોરે બારની આસપાસ વસઈ સ્ટેશને સાત-આઠ દિવસનો વહાલી મોટી બહેન અને પ્રેમાળ જીજાજીનો સથવારો છૂટતો હતો એ બહુ આકરૂં લાગ્યું, અંશુલને તો ખાસ. એ આટલા દિવસમાં ફઈની સાથે એવો તો હળી ગયો હતો કે એને એમજ હતું કે ફઈને ફૂવા પણ આપણી સાથે રાજકોટ સુધી આવવાના છે! થોડા કલાકો પછી ગાડી ગુજરાતની હદમાં હતી ને સામે હતાં એજ ગંદકીથી ભરપૂર અને ઘોંઘાટીયાં પ્લેટફોર્મ! અલબત્ત કેરાલામાં અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એટલા બધા ગુજરાતી પ્રવાસીઓ હતા કે ગુજરાતને અમે જરાયે મિસ કર્યું નથી! ( એક વર્ષ પહેલાં ઓરિસ્સા જવાનુ થયેલું અને ત્યાં દશેક દિવસ રહેવાનું થયેલું ત્યારે મારા કાનને સળંગ એટલા દિવસના ગુજરાતી ભાષાના નકોરડા થયેલા!)

છેવટે રાત્રે સાડાબાર વાગ્યે ટ્રેન રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભી ત્યારે રસિક ઝવેરીની ’અલગારી રખડપટ્ટી’ માં આવતા કાનજી ખવાસના શબ્દો સાંભર્યા કે “જલમભોમકા ઈ જલમભોમકા!”