Sambandh chhe, Padma j tute.. in Gujarati Magazine by VIJAY THAKKAR books and stories PDF | સંબંધ છે, પળમાં જ તૂટે...

Featured Books
Categories
Share

સંબંધ છે, પળમાં જ તૂટે...

સંબંધ છે, પળમાં જ તૂટે....

ઘણાં વખતથી એક લાજવાબ સવાલ થયા કરે છે કે સંબંધ એટલે શું ..?

સંબંધની ફિલસૂફીનું એક નવું પરિમાણ આંખોનાં વિશ્વમાં આ સવાલનો જવાબ મેળવવા પ્રગટે છે અને ત્યારે સમજાય ના સમજાય તેવા અકળ જવાબો મળે છે... શું હોઈ શકે એ જવાબો.. ??

એક જવાબ મળ્યો કે “ જેના હોવાની સભાનતા ન હોય તેવા અહેસાસનું નામ જ સંબંધ..”

‘સ્વ’ સાથેના સંબંધનો ઉઘાડ, એ સમષ્ટિ સાથેના શ્રી ગણેશ છે અને આપણી આંખો સમષ્ટિ સાથેના સંબંધનું માનસરોવર છે. આંસુ આવા મૌન સંબંધની પરિભાષા છે. માનવજીવનનું રસાયણ છે સંબંધ પણ જ્યારે આ રસાયણને ભૌતિકતાનું આવરણ ચડે છે ત્યારે તે લાગણીનો પદાર્થ મટીને વસ્તુ બની જાય છે. વસ્તુ બની ગયેલો સંબંધ હૃદયમાં ઠેસ બનીને વાગે છે...આંખમાં કાંકરી બનીને ખટકે છે અને હૃદયમાં ‘ ઍટેક ‘ બનીને અટકે છે. મમતથી દુષિત થયેલા સંબંધની છાતી ઉપર ઉપસી આવેલા ચાઠાંઓને અદ્રશ્ય અને અભેદ્ય દીવાલ સ્વરૂપે જનસમક્ષ કરવાનું નિમિત્ત ઈંટ ચૂનો અને રેતી ને બનવું પડે છે પણ ઘરનાં ઉંબરાની અંદર બાર ફૂટ બાય દસ ફૂટના શયનખંડમાં સાત ફૂટ બાય પાંચ ફૂટની પથારીમાં બે જણ વચ્ચે કડવાશ અને નફરતની અદ્રશ્ય દીવાલ સર્જવાનું દુર્ભાગ્ય અહંકારના ભાગ્યમાં આવે છે... અને ત્યારે કોઈક અનામ હિન્દી શાયરની આ પંક્તિ આ વિધાન ને સાર્થક કરે છે..:

“बेवजह दीवार पर इल्जाम है बंटवारे का,

लोग मुद्दतों एक कमरे मैं अलग रहते है l”

આપણા શ્વાસની સરગમ આપણેજ તો વગાડવાની હોય છે...

સંબંધમાં જ્યારે જ્યારે માત્ર ઉપયોગિતાવાદનું ઓઠું જાણ્યે કે અજાણ્યે પણ આવે છે ત્યારે બદલામાં મળે છે મળે છે પશ્ચાતાપના ખારાદવ આંસુ અને મન ને મળે છે કડવી વખ યાદો. એથી વિરુદ્ધ જ્યારે જ્યારે પણ સંબંધમાં સમર્પણની દિવ્યતા આણવાનો નિષ્કામ આયામ થાય છે ત્યારે....! ત્યારે પણ મળે તો છે આંસુ, પણ એ આંસુ હોય છે પરિતૃપ્તિનાં....!!!!

સંબંધ બાંધવો પડતો નથી, બાંધવો પડે એ તે વળી સંબંધ કેવો..?

બે આંખોનું મળવું બે મનનું મળવું અને બે હૃદયનું મળવું... અને એમ જ્યારે થાય ને ત્યારે એતો આપોઆપ એક વેવલેન્થ તરફ ચુંબકીય આકર્ષણ પામે છે અને આમ બંધાઈ ગયેલો સંબંધ આકાશના કૅન્વાસ પર ચિતરાઈ ગયેલા સપ્તરંગી મેઘધનુષ્ય જેવો છે.

બંધાઈ ગયેલો સંબંધ જન્મતાની સાથે રુદન કરતા નવજાત શિશુના સ્વભાવ જેવો છે...,.

બંધાઈ ગયેલો સંબંધ હથેળી અને હસ્તરેખાના સાયુજ્ય જેવો છે...,

બંધાઈ ગયેલો સંબંધ આંખ અને આંસુના મેળ જેવો છે...,

બંધાઈ ગયેલો સંબંધ આકાશના પોલાણમાં બંધાયેલા પાણી ભરાયેલા વાદળા જેવો છે....,

બંધાઈ ગયેલા સંબંધનો સુરજ ક્યારેય આથમતો નથી..

હા..સમજ્દારીપૂર્વકનો સમર્પણવાળો સંબંધ જ શાશ્વત અને નહીં તો નાશવંત...!!

કવિ શ્રી હિતેન આનંદપરાની આ સરસ મજાની રચના સંબંધ વિષેનાં ચીંતનનું સમર્થન કરે છે.

કેટલું યે સાચવો તોય આ તો

સંબંધ છે, પળમાં યે તૂટે

વર્ષોથી લાડમાં ઊછરેલા શ્વાસ

કદી એકદમ અણધાર્યા ખૂટે

સીંચીને લાગણીની વેલને ઉછેરો

ને વેલ કેવી વીંટળાતી જાય

આછેરી ઘરમાં એ બાકી રહે

ને ઝાઝેરી ફંટાતી જાય.

ડાળીને અંધારા ફૂટે

સંબંધ છે પળમાં યે તૂટે

અળગા થવાનું કાંઈ સહેલું નથી

ને સાથે ટહુકાઓ રૂંધાય.

નાનકડા ઘર મહીં ધીરે ધીરે પછી

દીવાલો બંધાતી જાય

આ મૂંઝારો માણસને લૂંટે

સંબંધ છે, પળમાં યે તૂટે.

માણસ જન્મે છે ત્યારથી સંબંધ નામની અજાયબ સૃષ્ટિ રચાઇ જાય છે. માતાના ગર્ભથી લઈને આધુનિકતાના આ યુગમાં ઇન્ટરનેટ સુધીના સંબંધો સાથે આપણે જીવી રહ્યા છીએ. આ સંબંધ સુખદાયી છે કે દુ:ખદાયી... વિષાદગ્રસ્ત છે કે ઉલ્લાસપૂર્ણ... અને ક્ષણજીવી છે કે ચિરંજીવી??” આ પ્રશ્નો હંમેશા સતાવતા હોય છે. બહારથી સુખદાયી દેખાતો સંબંધ દુ:ખદાયી પણ હોઇ શકે. દૂરથી ઉલ્લાસપૂર્ણ દેખાતો સંબંધ વિષાદગ્રસ્ત પણ હોઈ જ શકે….!!

માણસ જેટલી ઝડપથી અને આતુરતાથી સંબંધ બાંધવા તૈયાર હોય છે એટલી જ આતુરતાથી સંબંધને નીભાવવા માટે કે વિકસાવવા માટે જાગ્રુત્ત હોતો નથી.. પ્રેમ, સમર્પણ, ત્યાગ અને મુખ્યત્વે સમજણ ન હોય ત્યાં સંબંધ ટકતો નથી અને ટકે તો જીવાતો નથી. જ્યાં આ બધાનું મહત્વ સમજી શકાતુ હોય, જ્યાં આ બધી બાબતોની સાવધાની રાખવામાં આવતી હોય ત્યાં જ સાચા સંબંધ જોવા મળે છે. આવા સંબંધને “જીવાતા સંબંધ" કહીએ તો ખોટું નથી જ.

લાચારી- મજબૂરી- અણસમજ કે અવિશ્વાસના પાયા પર ઉભી થયેલી કે ઉભી રહેલી સંબંધની ઇમારત કાળની એક થપાટે કડડભૂસ થઇ જાય છે ..એવા સંબંધો આભાસી હોય છે અને તેનાં અસ્તિત્વનું અનુસંધાન છેક મૃગજળ અને કાંચનમૃગનાં કુળનું હોય છે. છેતરપીંડીની છઠ્ઠીનું ધાવણ ધાવીને ઉછરેલો અને નાશના પાયા પર સર્જાયેલો સંબંધ તેની શીશુઅવસ્થામાંજ કાળશરણ થાય એજ હિતાવહ છે અને આવો સંબંધ તૂટે તો વળી દુઃખિ શીદ ને થવું..?

વાંઝિયા સંબંધનો તે વળી અફસોસ કેવો...?

શરૂઆતના સંબંધમાં અને સંબંધની શરૂઆતમાં કાળ એની તીવ્રત્તમ ગતિએ ચાલે છે અને કમનસીબે જો એ આભાસી સંબંધ નીકળ્યો કે પછી ધુમ્મસિયો સંબંધ નીવડ્યો અને પછી એ સંબંધનું ધુમ્મસ જ્યારે વીખરાવા માંડે છે ને ત્યારે એકએક ક્ષણ પણ એકએક યુગ જેવડી લાગે છે..

સંબંધનું અમૃત પામવા માટેની ઊર્ધ્વમૂલ તરસનું સૌન્દર્ય બહુ ઓછા ભાગ્યવાનો જ માણી શકે છે. સંબંધ વિષે માંડ મોડોમોડો પણ સમજણનો સૂરજ ઉગેને તોય ઘણું.

પ્રારંભનું મહત્વ જ ક્યાં છે સંબંધમાં ? પ્રારંભનું નહીં એમાંતો અંતનું મહત્વ છે અને તેનું સાચું મૂલ્ય તો અંતિમ મુલાકાતની આખરી ક્ષણે જ નક્કી થતું હોય છે..સંબંધના પોટ્રેટ પર વાગતો છેલ્લો લસરકોજ તેનાં આયુષ્યનો અને તેની ઉષ્માનો ચિતાર દર્શાવે છે..

વિષડંખ સહ્યો છે જેણે સંબંધનો એવા આપણા મહાન શાયર ‘મરીઝે ‘ કાંઈ એમ ને એમ થોડું કહ્યું હશે કે ભાઈ “બધો આધાર છે એના જતી વેળાના જોવા પર...”

સંબંધનો સૂરજ અપેક્ષાઓના આકાશમાં જ્યારે પણ ઉદય પામે છે ત્યારે મધ્યાહ્નેજ એ સૂરજ અસ્ત થાય તો નવાઈ પામવા જેવું નહીં... હોં કે..! સ્વાર્થી-મતલબી અને સમર્પિત સંબંધને જીવનની લૅબોરેટરીમાં તપાસાયા પછી પ્રાપ્ત એના ગુણધર્મો કેવા છે અને કયાં છે...? લ્યો જૂઓ.... સ્વાર્થી મતલબી સંબંધનો ગુણધર્મ છે સ્થગિત થઇ જવું અને ઉપયોગિતાના ખણખણતા સિક્કા ખખડાવીને સંબંધનો વેપલો કરી લેવો જ્યારે સમર્પિત સંબંધનો ધર્મ છે સ્થિર થઇ જવું, અનપેક્ષિત ઘસાયા કરવું. સ્થગિતતાનો નાળસંબંધ છે દુર્ગંધ સાથે... હા..! સ્વાર્થની દુર્ગંધ સાથે. સમર્પિત સંબંધ અતિ સૂક્ષ્મ હોય છે જે માણસના હ્રદયનાં ઉંડાણેથી ઉદભવે છે..આંખોથી દ્રવે છે..અને મૌનમાંથી શ્રવે છે....

આવો લાગણી નીતરતો સંબંધ માણસની માણસ માટેની ભૂખની કુખે અવતરે છે..અને આ ભૂખનું ગર્ભાધાન થાય છે માણસનાં મનનાં અંધારા એકાંતમાં. જીવનમાં જ્યારે કો’ક ગમતીલા સંબંધનું સર્જન થાય છે ને, ત્યારે પ્રભાતની નિર્મળ ઓસનું નિર્માણ થાય છે પણ....?? જીવનની કો’ક કારમી ક્ષણે એજ સંબંધનું વિસર્જન થાયને..? તો..તો સમગ્ર જીવનપટ પર ફરી પાછો અંધકાર છવાઈ જાય છે અને ફરી પાછી એકલતા ઝંઝાવાત બનીને ઉતરી આવે છે.

સંબંધનું આયુષ્ય તેની ઉદગમ ક્ષણથી જ તો નિરમાયું હોય છે ને ?

જો કે હા, એ પણ એટલું જ પ્રસ્થાપિત સત્ય છે કે અમૂક સ્થળકાળ પછી થોડો વિયોગ, થોડો વિરામ, સંબંધના કાયમીપણા માટે અને સંબંધની તંદુરસ્તી માટે અનિવાર્ય છે.,સંબંધ મોનોટોનસ બની જાય તેમાંથી ખુશ્બુ ઓછી થતી જાય તે પહેલાં તેમાં અલ્પવિરામ જરૂરી છે...હા અલ્પવિરામ જ, નહી કે પૂર્ણવિરામ., પણ કમનસીબી એ છે કે ઘણાબધા સંબંધનું આયુષ્ય અણસમજ, ગેરસમજ કે નાસમજથી જ ટૂંકાય છે.

સંબંધની તાકાતને જરાય ઓછી આંકવા જેવી નથી હોં કે.... ! એ તો જીવતરની આગને બાગમાં ફેરવી નાંખે છે તો ક્યારેક કોઈક નબળા મનેખના પનારે પડેલો સંબંધ, જીવતરના રૂડા રૂપાળા લીલાછમ્મ બાગનેય એકલતાની આગમાં પલોટી ને ખાખ પણ કરી નાંખે છે. કડવી વાસ્તવિકતા તો એ પણ છે જ ને કે જ્યારે જ્યારે સંબંધનું એન્કેશમેન્ટ કરવાની ગુસ્તાખી થઇ છે ત્યારે ત્યારે સંબંધ વગોવાયો છે...અને એટલું જ સત્ય એ પણ તો છે જ ને કે ઉપયોગવાદની આંકડાબાજીથી દૂર રહીએ તો પ્રેમનગરનો સહયાત્રી અચૂક મળેજ મળે.

વેદનાની વાયોલિનમાંથી ટપકતી દર્દભરી તર્જ જેવું છે સંબંધનું સંગીત..

સંબંધમાં જ્યારે છેતરાયા હોવાનો જરા સરખોય અણસાર વર્તાયને ત્યારે એમાંજ શાણપણ છે કે તેને "એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા ..” કે પછી “ચલો એક બાર ફિરસે અજનબી બન જાયે હમ દોનો..”

બે વાતનો અસ્તિત્વબોધ સંબંધ આપણને આપે છે અને તે એ કે એક સરખા દિવસ કોઈના જાતા નથી .. સૂર્યોદય પછી સૂર્યાસ્ત અનિવાર્ય છે...તો સૂર્યાસ્ત પછી સૂર્યોદય પણ રોક્યો રોકાવાનો નથી અને એટલેજ સમજણપૂર્વકનો... સમર્પણના મહિમાવાળો સંબંધ જ શાશ્વત અને નહીં તો નાશવંત.

એકાદ..હા, એકાદ સો ટચના સાચૂકલાં સંબંધનું તરસ્યું જ હોય છે ને આપણું હૃદય...!

ભીતરના ભીના આકાશમાં એક લીલી લીલી તરસનું ઘર બંધાઈ જાયને, તો સંતોષની ચરમસીમાનો આનંદજ આનંદ..

અંતે ઝફર નો એક શેર: ” યેહ મહોબ્બત હૈ, જરા સોચ સમજકર રોના...

એક આંસુભી જો તૂટા, તો સુનાઈ દેગા ....

*************

વિજય ઠક્કર