My dear amboda vadi baaio in Gujarati Comedy stories by Jitesh Donga books and stories PDF | માય ડીયર અંબોડા વાળી બાઈઓ...

Featured Books
Categories
Share

માય ડીયર અંબોડા વાળી બાઈઓ...

માય ડીયર અંબોડા વાળી બાઈઓ...

મારા શબ્દો ખટકશે. માફ કરજો, આ કઈ અંબોડા ધરાવતી સ્ત્રીઓ માટે જ નથી, પણ એક મોટા સમૂહ માટે છે જેમાંથી મોટા ભાગની અંબોડા રાખે છે. મારા શબ્દો પણ જોકે એ બધી માટે જ છે. અને આઈ એમ સ્યોર કે- એ બધી આ વાંચવાની નથી કારણકે...જો વાંચતી જ હોત તો તો સુધરી ગઈ હોત ને! લેખકોને લખવું પડે જે, બળવું પડે છે એનું કારણ ના વાંચતો વર્ગ જ છે! માટે પ્લીઝ...આ લેખ યોગ્ય લાગે તો તમને યોગ્ય લાગે તે બહેનને આપી જ દેવો. બેશરમ થઈને વંચાવવો. વાંચતા ન આવડતું હોય તો તમે મોટેથી વાંચજો.

માય ડીયર અંબોડા વાળી બહેનો...

હું કઈ સ્ત્રી વિરોધી નથી, કે નથી મોટો જ્ઞાતા. પણ મને થોડું કડવું કહેતા આવડે છે. મારા શબ્દો ગામડા માંથી શહેરમાં આવેલા યુવાનોને વધુ સમજાશે. સિટીના પેરન્ટસ તો થોડા સુધર્યા જ છે. પણ ગામડામાં હજુ ગાડા ભરાય એટલા અબુધો ભર્યા છે જે સૌને નડે છે. (જો કે બધે જ નડતા નથી.) એટલે તમને કહું એ બધું તમે ખુદની લાઈફમાં ચેક કરજો. રખેને ખબર પડે- સાલું મારે પણ અંબોડો છે!! એની વે...નો મજાક ઓન યોર અંબોડા...પણ હું કહું એ બધું પહેલા બંધ કરી દો: પહેલા તો મારી વાત સ્ત્રીઓ માટે જ છે. ગામની પંચાત કરવાનું રહેવા દો. નિંદા છોડો બહેન. પ્લીઝ. દેડકાનો અવતાર આવશે. સાચે જ. ટોળા ભેગા કરીને સત્સંગ કરો. ખુબ સારું. પણ આ સત્સંગ પછી ગામની પંચાત કરવાની? પેલાનો છોકરો હજુ વાંઢો છે, ને પેલાની છોકરી પાછી આવી! પેલાના છોકરાને પગાર આટલો છે! (અને આ પગાર પૂછવાનું તો બંધ જ કરો પ્લીઝ) બીજાના લગ્નમાં કેટલો કરિયાવર લીધો, કેટલું સોનું લઈશું, કેવું મંગલસૂત્ર ઘડાવ્યું. આતે કઈ રીત છે જીવવાની? ના. નથી જ. આ કોઈકના જીવન બગડવાની બેસ્ટ રીત છે. શા માટે? તમારી યુવાન દીકરી તમારે લીધે પ્રેમ નથી કરી શકતી ખબર છે? એ પાપ છે. એ તમને સન્માન આપે છે. તમને ખુબ પ્રેમ કરે છે. પણ જયારે બીજા સંબંધની વાત આવે ત્યારે ‘ગામ શું વાતો કરશે?’ એ ન્યાયે પ્રેમ નથી કરી શકતી. તમને પોતાના બોય-ફ્રેન્ડ વિષે કહી નથી શકતી. ડરે છે. તમને પ્રેમ કરે છે એટલે વિરુદ્ધમાં જશે નથી. એ સાચી છે. ભાગશે નહીં. લગ્ન પેલા છોકરા સાથે કરવા છે, પણ તેને ડર છે કે પેલી ભેગી થતી અંબોડા વાળી બાઈઓ વાતો કરશે. કહેશે કે ફલાણા ભાઈની છોકરી લફરામાં પડી છે. (બહેનજી...દીકરી માટે બાપનું નામ ખુબ ઊંચું હોય છે. બાપનું નામ ખરાબ કરવા એ ઈચ્છતી જ નથી.) તમે સમજોને. રીવાજો સાચવીને જ તમારી ઉંમર ગઈ છે. તમારા બાળકોને સમજોને. હવેતો જમાનો ફરી ગયો છે. ભરોસો રાખો યાર. દીકરો-દીકરી કઈ આંધળોપટો રમતા હોય એમ પ્રેમીને પસંદ નથી કરતા.

ડીયર બહેનજી. તમે અત્યારે આમેય પાંત્રીસ ઉપરના તો ખરા જ . હવે બધું મુકો પડતું. તમે વડીલ છો, અને તમને અમે પ્રેમ કરીએ છીએ. પણ ખોટી મોટાઈ દેખાડી તો સાઈડમાં પણ થઇ જશો. થોડી દવાઓ લો: આવનારી વહુને કામવાળી બનાવવાના સપના ન રાખવા. બેઠાડું જીવન બંધ કરો. તમારા પગ-કમરના ઈલાજ માટે કોઈ હનુમાનજી કે માતાજીની ટેક વાળા પાસે જતા નહીં. દોરા-ધાગાને છેલ્લો ઉપાય રાખો પ્લીઝ. ડોક્ટર પકડો. કોઈ બીજી અંબોડા વાળી બાઈ પાસેથી સલાહ લેવી નહીં. યુવાનને પગાર ના પૂછતાં પ્લીઝ. વાંચો. પાછલું જીવન સુધરી જશે. આખો દિવસ ગામની વાતો કરવાને બદલે સારા કામ કરો. ધોળ-કીર્તનના સત્સંગને હજુ વાર છે, કોઈ સારા માણસનો સંગ કરો. સમાજ-રીવાજ એવું બધું ખુબ થયું. તમારા દીકરાની જાન જાડી નહીં હોય તો ચાલશે, મંગળસૂત્ર એક તોલો ઓછું હશે ચાલશે. હવે તો એ સમય ગયો યાર. તમને ખબર છે ને કેવા દિવસો તમે ગુજાર્યા છે? આ દેશની અંબોડાવાળી બાઇઓએ સૌથી વધુ ભોગવ્યું છે. સૌ તમને ચાહે છે. માંની મમતા ભરી છે, ખુશીઓ છે જે તમે આજકાલ સમાજને- ગામને રાજી કરવામાં ગુમાવી છે. કેમ? કોના માટે? પેલી બીજી તમારી ઉંમરની બાઈઓને રાજી કરવા માટે? ના. એમને જલન કરવા માટે. તમારી વહુને નોકરી કરાવજો. સેવાની આશા રાખજો, પણ ઠોકી બેસાડતા નહીં. મોર્ડન વહુના વિચારો સમજો. થોડું કોમ્પ્રોમાઇઝ કરો. સ્વીકારો યાર. એ તમને સ્વીકારશે. વિન-વિન લોજીક. બંને ઝુકશો તો માં-દીકરી બનશો, નહીંતો જીવનભર સાસુ-વહુ.

બહેનજી. કોઈના તરફ આંગળીઓ ના કરશો. કોઈની વહુ પાછી આવી? ભલે. સારું ઈચ્છો એનું. કોઈનો દીકરો વાંઢો છે? થઇ રહેશે. ઉપરવાળો સૌનો છે. સત્સંગ ઈશ્વરનો કરો, ઈર્ષ્યાનો નહી. જીવનના ૯૦ ટકા પ્રશ્નો કથાઓ અને ગુરુઓ પાસે જવા કરતા થોડી બુદ્ધિ દોડાવીને, પ્રેમથી સોલ્વ થઇ જશે. અને પ્લીઝ હવે બીજાના જીવનના ત્રાજવાં તમે ના બનો. પ્લીઝ. ખુશ રહો. પુસ્તકો વાંચો. તમારી ઉંમરના લોકો પાસેથી અમારે યુવાન પેઢીએ શીખવાનું હોય, શિખામણ ના દેવાની હોય. જુના રીવાજો ફગાવી દો. મારી નવલકથામાં આવી સ્ત્રીઓ માટે એક સત્ય છે: આ પ્રેમ વગર બંધાઈ ગયેલા ભૂંડ-ભૂંડણી ને ચાર દીવાલોમાં પૂરી દો. હસતા ચહેરા રાખીને લગ્નના ચાર ફેરા ફેરવી દો. કમાઓ અને ખાઓ...બસ તેનાથી કઈ જીવન નથી બની જતું. આમના જેવા લગ્ન પછી એ ઘરમાંથી ભૂંડની ગટર જેવી જ વાસ અને વાસના આવતી હોય છે. ખબર નહી કેમ માણસ આવી જિંદગીને સ્વીકારી લે છે. લાગણીઓના સંબંધો ને બદલે લગ્નના સંબંધો પછી લવ કરવાની ટ્રાય કરે છે! અને એ પણ લગ્ન પછી! પછી કમ્પ્લેઇન કરે છે કે તને જોવા મારો ધણી બહાર આવી જાય છે. હસવું આવે છે તમારી આ પ્લાન કરેલી બોગસ લાઈફ પર.

ખેર...હવેની પેઢીને કોમ-જ્ઞાતિ-સરહદો તોડીને પ્રેમ કરવા દો. એમની વાતો ના કરો. તમારી જીભે ઘણાના ઘર સળગાવ્યા છે. કોઈના નિર્ણયોને તમે ઉતારી ના પાડો. દીકરા-દીકરી ભૂલ કરશે. યુવાનો જ ભૂલ કરે. પણ તેમને તમે ફૂંકીને જીવતા ના શીખવો પ્લીઝ. તમારા પ્રેમનો-આશાઓનો ઘુમ્મટ તેમને તાણવા ના કહો. કડવું સત્ય એ છે કે- આ બધી અંબોડા વાળી બાઈઓ પ્રેમ નથી કરી શકી એટલે યુવાન છોકરા-છોકરીને કરવા દેતી નથી. (હા ભલે તમે- અરેંજ મેરેજ કરીને પણ સલામ કરવા યોગ્ય જીવન જીવ્યા છો, પણ એનો મતલબ એ નહી કે બધા તમારી જેમ જ જીવી શકે. સંતાનોને ચોઈસ આપો) મારા માં-બાપ પણ ખુશીથી જીવે છે. એનો મતલબ એ નહી કે- તેના સંતાને ક્યારેય પ્રેમ ન કરવો, અને એરેન્જ મેરેજ જ કરવા. ના. હવે તો બદલો યાર. મને દેખાતું માતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે છો, અને બીજી તરફ સમાજની પીડા-દુખતી રગનું સમીકરણ પણ તમે! આવું ડબલ જીવન કેમ? ઈર્ષ્યા, નિંદા, ઠેકડી, પંચાત, કાન-ભંભેરણી (મંથરા-વેડા!) બંધ કરો યાર. હવે ટૂંકું જીવન બાકી છે. વિચારો. કોઈના ટૂંકા જીવનને શિખામણ આપવા કરતા પોતાની કાળજી લો. ‘અંબોડા’ શબ્દનું ખોટું ના લગાડતા, અને સ્વીકારજો. કારણકે કાલે જે વહુ આવશે એ બધું સ્વીકારશે નહી. એને ‘માં’ જોઇશે, ‘સાસુ અને આંસુ’ નહિ. દીકરા બધા તમારી સેવા કરશે જ. તમે જ તો તેમને શ્રવણની વાર્તા કહી છે. કોઈ ભૂલ્યું નથી. ભૂલવા મજબુર ના કરશો.