Yatra - Jivthi Shiv sudhi - Amarnath in Gujarati Travel stories by Alka shah books and stories PDF | યાત્રા - જીવથી શિવ સુધી - અમરનાથ

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

યાત્રા - જીવથી શિવ સુધી - અમરનાથ

જીવ થી શિવ સુધી

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી,

રસ્તાઓ ભૂલી ગયા તો દિશાઓ ફરી ગઈ.

કોઈ શ્રધ્ધાળુ કવિએ લખેલ આ વાત શું સાચી હોઈ શકે? તો જવાબ છે હા.

અનુભૂતિ જે શબ્દોમાં વર્ણવી ના શકાય તેમ છતાં તેને વર્ણવવાનો પ્રયાસ માત્ર છે. જીવને શિવને મળીને શિવત્વ પામવાનો પ્રયાસ એટલે અમરનાથ. જ્યાં સ્વામી વિવેકાનંદજી અમરનાથ બાબાની ગુફામાં પ્રવેશતા જ ગુફાનાં દિવ્યતા સભર વાતાવરણથી ભાવવિભોર બની ગયેલા, પાછળથી કોઈએ પૂછ્યું ત્યારે કહેલું કે, “મને શિવજીનો સાક્ષાત્કાર થયો” તે સ્થળના વાતાવરણની દિવ્યતા કેટલી હશે.

ત્યાં વહેતી અમરગંગા માત્ર પાણીનો પ્રવાહ નથી, આ ગુફા પર્વતોમાં રહેલું માત્ર પોલાણ નથી, આ હિમ-શિવલિંગ માત્ર બરફની આકૃતિ નથી, તેમની પાછળ કશુંક એવું છે જે અનુભવી શકાય છે પણ વર્ણવી શકાતું નથી, શાબિત કરી શકાતું નથી. આ ગુફામાં જે અનુભવાય, તે અનુભવીને જ જાણી શકાય છે તેનો બીજો કોઈ માર્ગ નથી.

હું મારા પરિવાર સાથે ૨૦૦૨ની સાલમાં અમરનાથ ગયેલ ત્યારે તે ગુજરાતથી કેટલું દુર છે? કેટલો ખર્ચ થાય? કેવી રીતે પહોચાય? કાઈ જ ખબર નહિ, અમે વૈષ્ણોદેવી ગયા ત્યારે બધી જ જગ્યાએ અમરનાથ બાબા ની યાત્રા નાં પોસ્ટર જોયેલા ત્યાંથી આવ્યા બાદ દરરોજ અમરનાથ બાબાની લગની લાગે, રાતે સુતી વખતે પણ અમરનાથ બાબાના શીવલીંગનાં દર્શન થાય, ત્યાં જવાની લગની લાગી પરંતુ ત્યાં જવા માટે કોઈ જ પૈસાની વ્યવસ્થા નહી.

અચાનક જ્યાંથી નહોતા ધાર્યા ત્યાંથી પૈસા આવવા લાગ્યા અને અમે કુલ રૂ.૨૦,૦૦૦/- લઈને હું,મારા પતિ અને બે પુત્રીઓએ જવાનું નક્કી કર્યું. જ્યારે હું ટીકીટ લેવા ગઈ ત્યારે આખી ટ્રેનમાં ચાર જ ટીકીટ બાકી હતી અને ટીકીટ મળી પણ ગઈ. અમો શિવ-શક્તિને જન્મથી જ માનીએ છીએ. મારા પિતાજીને સમાચાર આપ્યા તો તેમને ખુશ થતા અને આશીર્વાદ આપતા કહ્યું કે, હું પચાસ વર્ષથી અમરનાથ જવાનું વિચારું છું પણ હું જઈ શક્યો નથી, તું નશીબદાર છે એટલે મેં કહ્યુંકે આપના આશીર્વાદ હશે તો આપણે ફરી સાથે જઈશું. મેં મારા પિતાજીને ઘરની, ઓફિસની ચાવી, તેમજ મારા પહેરેલા તેમજ ઘરમાં રહેલ તમામ દાગીના આપી દીધા અને કહ્યું કે આ જીવ શિવને મળવા જઈ રહ્યો છે કદાચ અમે પાછા ના પણ આવીએ તો આ દરેક વસ્તુનું દાન કરી દેજો અને મેં અમારું વસિયતનામું પણ મારા પિતાજીને સોપી દીધું.

જમ્મુ-તવી એક્ષ્પ્રેસમાં વડોદરાથી બેસ્યા, બીજા દિવસે અમારી ટ્રેનએ ચકીબેંક પસાર કર્યું અને લાગ્યું કે હવે તો શિવથી વધારે નજીક પહોચી રહ્યા છીએ એટલે મનમાં ખુબ જ ભક્તિના ભાવ ઉભરી રહ્યા હતા અને અચાનક જોશથી હું ગાવા માંડી “ શંભુ શરણે પડી, માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો“ એક પછી એક ભજન અંતર માંથી નીકળવા લાગ્યા અને “ દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે“ વિગેરે ભજનો ગવાવા લાગ્યા. ત્યાં આખી ટ્રેન લગભગ અમરનાથ યાત્રીઓથી ભરેલી હતી, તેમાંના ઘણા લોકો મારી સાથે ગાવા લાગ્યા અને જમ્મુ આવ્યું ત્યાંસુધીમાં ઘણા લોકોએ મને કહ્યું કે અમે તમારી સાથે આવીએ? કારણકે ત્યારે આતંકવાદ હજુ ઘણો જ સક્રિય હતો અને જો આપના સૈનિકો આપણું ધ્યાન ના રાખતા હોત તો ત્યાં જવા સુધ્ધાનું આપણે વિચારી શકીએ તેમ ન હતા અને ત્યારે દરેક જગ્યાએ અતિવૃષ્ટિ થયેલી હતી અને કાશ્મીરમાં ખુબ જ વરસાદ હતો. મેં બધાને કહ્યું કે અમારી સાથે આવો આપણે બધું મેનેજ કરી લઈશું એટલે એક બસ ભરાય તેટલા યાત્રીઓ મારી સાથે થઇ ગયા. બધાને એક બસ બાંધી જમ્મુમાં આવેલ અમરનાથ સેવા ટ્રસ્ટ,અમદાવાદ ભંડારામાં જવાનું નક્કી કર્યું, ત્યાં કોઈપણ ગુજરાતી માટે રહેવાનું, જમવાનું, તથા લોકરની ખુબ જ સરસ અને મફત વ્યવસ્થા છે. હું બધાને લઇને જમ્મુ મુખ્ય બસ સ્ટેન્ડ પાસે આવેલ ભંડારો કે જે એક સરસ્વતી મહાલય શિવ મંદિર છે તે આખું એ લોકો જ ભાડે રાખે છે ત્યાં લઇ ગઈ. રાતના આઠેક વાગી ગયા હતા. અમો પહોચ્યા અને યોગ્ય ચેકિંગ કરીને અમને અંદર જવા દીધા ત્યાં હરીહરનો સાદ પડતો હતો એટલે બધાએ હાથ-પગ ધોઈને જમવા બેઠા અને ત્યાં મારા માથામાં કોઈએ ટપલી મારી અને કહ્યું કે : આપણે બધાને જમાડીને જમવાનું હોય, ઉભી થા. તેઓ મારા વડીલ અરુણા દીદી અને રાજેશભાઈ જોશી બંને વકીલ તથા મારા સ્નેહી વડીલ હતા , હું ઉભી થઇ અને બધાને પીરસવા લાગી ત્યારે દિલમાં આનંદ અવર્ણનીય હતો. ભોલાનાથ ભંડારી જાણે કહેતા હતા કે હું તારી સાથે જ છું. ત્યારબાદ રાત્રેજ અમે બસ બાંધીને જવાનું નક્કી કર્યું, ઘણા લોકોએ રાતની ના પાડી પણ મેં કહ્યું કે હવે આ પગ પાછા નહિ પડે.

આત્મા માં કોઈ એવી મસ્તી હતી જેના માટે કદાચ કોઈ શબ્દોજ સર્જાયા નથી. ભયંકર વરસાદમાં, ત્રાસવાદી માહોલમાં જેને મને તમને સર્જ્યા છે તેની રાહોમાં નીકળી પડી. બીજે દિવસે રાત્રે ભયંકર વરસાદ સહન કરતા કરતા રાત્રે બાલતાલ પહોચ્યા અને પહોચતા વેત જ ભયંકર વરસાદ અને કીચડમાં હું ફસડાઈ પડી. મારું વજન ત્યારે ૯૫ કિલો હતું અને પગ મચકોડાઈ ગયો ત્યારે સાત થી આઠ નાના મોટા ઓપરેશન શરીર પર થઇ ગયેલ હતા, અડધો કી.મી પણ ચાલી શકતી ન હતી , મારા પતિને ભયંકર તાવ ચડ્યો ,માંડ માંડ ટેન્ટ શોધીને ગયા.

અમે ઘોડાનો ભાવ પૂછતા તેણે ત્રણ હજાર કહ્યા, અમારા પાસે વધારે પૈસા હતા નહિ અમારી જોડે જે આવેલા તેમણે મને ભાવનગરથી નીકળતા કહેલું કે પહેલા તું ખર્ચ કર આપણા બધાનો પછી ત્યાં પહોચ્યા પછી હું કરીશ તેમણે પણ કહી દીધું કે હું તને કશું જ નહિ આપું. મેં મારી મોટી દીકરીને કહ્યું કે તું ‘યાત્રા’ કરી આવ આપણે બધા નહીં જઈ શકીએ. રાત્રે મેં અમરનાથ બાબાને કહ્યું કે તું નાલાયક છે, હું તને મળવા મારી જીંદગી સંપતિ બધુજ ગીરવે મુકીને આવી છું, તને શરમ નથી આવતી, આવી પરિક્ષા લે છે. જો તારે મને મળવું હોય તો માં પાર્વતીને લઈને હેલીકોપ્ટરમાં લઇ જજે, હું તને મળવા આવી છું. મારી પાસે પૈસા, ઓળખાણ, દાગીના કે અન્ય કાઈ જ નથી, હું તો તને ઓળખું છું . આમ કરતા આંખ મીચાઈ ગઈ .

આપ નહિ માનો પણ સવારે હું ચા લેવા ત્યાં ચાલતા અન્ન્ક્ષેત્રમા ગઈ અને ઉદાસ થઈને જતા આવતા યાત્રીઓને જોઈ રહી હતી ત્યાં એક કાકા કાકી આવ્યા જે ભજન ગાતી વખતે ટ્રેનમાં મળેલા તેઓએ આવીને મને પૂછ્યું કે, “ કાલે બહુ ભજન ગાતી હતી, કેમ અત્યારે અહીયાં બેઠી છે? દર્શન કરવા કેમ નથી ગઈ? “ મેં કહ્યું નહોતું જાઉં . એટલે મને કહે બેટા, એમ નારાજ ના થવાય, ઘોડા અથવા પાલખીમાં જા જો તારો પગ મચકોડાઈ ગયો હોય તો. મેં કહ્યું, એમ પણ નથી જાઉં, તો કહે હેલીકોપ્ટર માં જા. મેં કહ્યું ના તો કહે કે પૈસા નથી? મેં કહ્યું ના. ત્યારે હેલીકોપ્ટરની ટીકીટનાં રૂ.૧૨,૦૦૦/- હતા, કાકી એ કાકાને કહ્યું આ ચારેયના ગણીને હેલીકોપ્ટરની ટીકીટના રૂપિયા આપી દો આમને. મેં કહ્યું મેં માગ્યા? મારે નથી જોઈતા. તેઓએ કહ્યું કે ના જાય તો શંકર પાર્વતીના સમ અને મને ખુબ પટાવીને રૂ. ૫૦,૦૦૦/- આપ્યા. મેં કહ્યું તરત નહી આપી શકું, તમારું એડ્રેસ આપો તેઓએ કહ્યું બંને દીકરીઓના મામેરાનાં ગણી લેજે. હું ટીકીટ લેવા ગઈ , ના મળી, રાતે કાકા કાકી દર્શન કરવા આવેલા તેમના જોડીદાર મળ્યા નહિ એટલે આવવાની ના પાડી, મેં પૈસા તેમને પાછા આપ્યા અને ભગવાન સાથે જગડો ચાલુ કર્યો “તારે ના મળવું હોય તો કઈ નહી, આવા નાટક કરીને બાળકોની મજાક કર નહી, હું તો કાલ જતી રહીશ પાછી”.

પણ ના આ તો એની લીલા હતી રાત્રે ત્રણ વાગ્યા પહેલા કાકા કાકી આવ્યા અને મારી સાથે આવેલા જેમણે મને પૈસા ઉછીના આપવાની ના પાડી હતી તેમની સામે જ મને એક-એક હજાર રૂપિયાની પચાસ નોટ ગણીને આપી અને મને કહ્યું કે “ બેટા તું ના જાય તો એને દુખ થાય, તારે જવાનું જ છે, સવારે ટીકીટ લઇ લેજે.”

હું સવારે ટીકીટ લેવા ગઈ ત્યારે લાંબી લાઈન હોવા છતાં મને આગળ બોલાવી અને પહેલી ટીકીટ મળી ગઈ મારી એકલાની. હું હેલીપેડ પાસે જઈને ઉભી રહી અને પાછી ભગવાનને કહું છું કાલે બહુ ભીડ હતી અને મને ભીડનો બહુ ડર લાગેલ, ભીડના હોવી જોઈએ. હેલીપેડ પર મારું નામ બોલાયું, મારી પાસે શ્રી શર્માજી, ચંચલજી વિગેરે ઉભા હતા. મને એમકે આમની સાથે મારે જવાનું છે પરંતુ જેવું હેલીકોપ્ટર આવ્યું અને અમને એકલીને બેસાડી અને જાણે ટ્રાયલ માટે હોય અને મને મારો નાથ મને કહેતો હોય કે, જો હું તને ચાર્ટર્ડ પ્લેનમાં લઇ જાઉં છું.

અને ભક્ત-વત્સલને મેં કહ્યું કે ભીડ નહી તો જાણે કોઈ નહી. હું સીડીઓ ચડી ગુફામાં ગઈ ત્યાં હું, સૈનિકો અને પુજારી જ. મારું હૃદય ભરાઈ ગયું , આંખો અનરાધાર વરસતી હતી અને શબ્દો સરી પડ્યા.

મુકં કરોતિ વાચાલમ,

પગું લંઘયતે ગિરિમ,

યત્કૃપા તમહં વંદે,

પરમાનંદ માધવં.

અને જ્યાં આંખ ખોલું ત્યાં સામે બે પગ કપાયેલ ,એક હાથ કપાયેલ, ઘોડીવાળી વ્યક્તિ સામે આવીને કહે કે, “ મૈયા મુજે ભી ભિક્ષા દે દે, મુજે ભી પાલખી કરના હે “ અને મેં મારા પોકેટમાં હતા તે બધાજ રૂપિયા તેમને આપી દીધા અને હું ઉતરી રહી ત્યાં મારા પતિને જોયા તેમણે કહ્યું” ચાલ ફરીવાર “ મેં કહ્યું મેં મળી લીધું મારા શિવને. અને પાછી હું બાલતાલ આવી.

દોસ્તો, ભગવાન વિમાન લઈને આવે તેવી ઘણી વાતો સાંભળી છે પણ મને તો લેવા આવ્યા હતા. કદાચ મેં મારા કરોડપતિ સગાઓને પણ કહ્યું હોય કે મને યાત્રા કરવા ૫૦,૦૦૦ રૂપિયા આપો તો ના મળ્યા હોત. અને આ કૃપાનિધાન, ભક્ત વત્સલ, કરુણાનિધાન,ભોલાનાથ જેને મને ઉચકી લીધી અને મારી જિજીવિષાને સાચી ઠેરવી.

હું વ્યવસાયે વકીલ છું , આ વખતે ૧૧મી વખત અમરનાથ જઈ રહી છું, એ યાત્રાના અમુક સમય પછી ભોળાનાથની કૃપાથી પેલા કાકા-કાકીને પણ તેમના રૂપિયા પરત કરી આવેલ. દરેક વખતે કઈ કેટલાયે અનુભવોનું ભાથું ભરાતું જાય છે. આ જ કૃપા છે અને એટલે જ હું ખેચાતી રહું છું દર વર્ષે જવા માટે. બીજા અનેક અનુભવો છે જે ફરી ક્યારેક. જય ભોલાનાથ.