God, Tussi great ho in Gujarati Magazine by shriram sejpal books and stories PDF | ગોડ, તુસ્સી ગ્રેટ હો..

Featured Books
Categories
Share

ગોડ, તુસ્સી ગ્રેટ હો..

''ગોડ, તુસ્સી ગ્રેટ હો''

બોલીવુડ હીરો સલમાન ખાનનું એક ફીલ્મ આવ્યું હતું: 'ગોડ, તુસ્સી ગ્રેટ હો..' જેમ તમને - મને - સૌને ઈશ્વર પ્રત્યે હોય છે, એજ રીતે આ ફીલ્મમાં સલમાન ખાનને પણ ભગવાન પ્રત્યે ઘણી ફરીયાદો હોય છે.. આમ પણ ફીલ્મોમાં આપણી જ કહાનીઓ વણાતી હોય છે.. આખરે કોઇ ડાયરેકટર - રાઈટર કલ્પના પણ કેટલીક કરી શકે ભાઈ..

હા, તો વાત એ જ છે કે આપણને સૌને ભગવાન પ્રત્યે ઘણી ફરીયાદો હોય છે.. હોય.. એમાં કંઈ ખોટું નથી.. તેઓ આપણા પાલનકર્તા છે, તો આપણે એમની પાસે ફરીયાદ કરવા ના જઈએ કોને કરવા જઈએ..? પણ, કયારેય વિચાર્યું છે કે ભગવાન પોતે બિચારા ફરીયાદ કરવા કયાં જાય.? એમણે આટલો મોટો હોદો સંભાળ્યો છે, એ હોદો સાચવવામાં એમને કેટકેટલી તકલીફો પડતી હશે.? કારણ કે અપેક્ષા પુરી કરવી, કોઇ માટે કયારેય સહેલી હોતી જ નથી, તો એમને તો કેટલા લોકોની અપેક્ષા સંતોષવાની.? કાંટાળો તાજ પહેરવા જેવી વાત છે કે નહીં?

આપણે તો પાછા ભગવાનના પણ ભાગલા પાડી નાખ્યા છે.. કોઈ કાનુડાને માને, કોઈ શંકરને, કોઈ માતાજીને, તો કોઈ પાસે પોતાના પર્સનલ - સેપરેટ ભગવાન પણ હોય છે.. જો આપણાં એ ભગવાન આપણી ના સાંભળે, તો તો એમનું આવી જ બન્યું.. આપણે તાત્કાલીક ધોરણે એમની બદલી જ કરી નાખીએ, અને જે 'ફૂલ ફોર્મ'માં હોય એવા અન્ય ભગવાનને આપણાં ખોળે, આઈ મીન આપણાં ઘરમાં બેસાડીને એની પૂજા કરવા માંડીએ.. હવે, આ વાતથી એ જુના ભગવાનને પણ દુ:ખ થાતું હશે કે નહીં.? થાય જ ને ભાઈ.. તમારો કોઈ મિત્ર તમને પડતા મૂકીને બીજા કોઇ સાથે ફીલ્મ જોવા કે હીલ સ્ટેશન પર ફરવા ચાલ્યો જાય, તો તમને દુ:ખ ન થાય.? થાય ને.? તો ભગવાનને પણ એવું જ હોય ભાઈ..

ભગવાન બનવું કેટલુ અઘરૂ કામ છે એ જાણવા માટે, ઉપર કહયું એ 'ગોડ, તુસ્સી ગ્રેટ હો' ફીલ્મ જોઈ લેવી.. અને છતાંય સંતોષ ના થાય તો દાદા-દાદીએ આપણાં બાળપણમાં કહેલા થોડા કિસ્સાઓ યાદ કરી લેવા.. અને હા, પછી ના કહેતા કે 'બસ કર પગલે, રૂલાયેગા કયા.?' કારણ કે સલમાનની ફીલ્મમાં છેલ્લે સલમાનને પણ ભાન પડી ગઈ કે ભાઈ, ભગવાન બનવું જરાય સે'લીનું નથી.. તો આપણે ફીલ્મના હીરો સલમાન તો છીએ નહીં, તો આપણી શું વિસાત ભાઈ..

હવે થોડાક પ્રચલિત કિસ્સાઓ યાદ કરીએ..

દેવો અને દાનવો હરહંમેશની જેમ બાખડી પડયા.. જીત હાર નકકી કરવા માટે સમુદ્ર મંથનનું આયોજન કરવામાં આવ્યું.. ભાગે પડતું સારૂ સારૂ લેવાની વાતો ચાલતી હતી ત્યાં જ પહેલવહેલુ કાળોતરા નાગનું ઝેર નિકળી આવ્યું.. હવે આ તો બે ટીમમાંથી કોઈ લેવા તૈયાર ના થયું.. તો પછી નામ જેવા જ ગુણ ધરાવતા ભોળાનાથ બિચારા આગળ આવ્યા અને ગટગટ કરતા બધુ ઝેર પોતાના ગળામાં સમાવી ગયા.. આ કપરૂ કામ પાર પાડયા બદલ મહાદેવને મળ્યું શું? એક નવું નામ: નિલકંઠ, બસ.. આ નામથી બધાએ એમને નવાજી દીધા.. તો બોલો, તમે માંદા હોવ ત્યારે કડવી દવાને ગળામાં થોડકી વારે'ય સલવાડી રાખજો, કરી શકશો? નહી ને.? તો પછી ભઈલા..

ચાલો, મહાદેવનો જ બિજો કિસ્સો લઈએ.. મહાદેવ તેમના બેટરહાફ એટલે કે મા પાર્વતી સાથે પૃથ્વીલોકમાં આવીને વોકિંગ પર નિકળ્યા.. રસ્તામાં આવતા ખેતરમાંથી બાજરી કે જુવારનું એક ડુંડુ માતા પાર્વતીના પગમાં આવ્યું અને માતા પાર્વતીને એ ડુંડુ ખાવાનું મન થઈ આવ્યું અને એ ખાઈ પણ ગયા.. ત્યાંજ મહાદેવનું ધ્યાન પડયું (કે પાર્વતી તો એકલા એકલા જ મીઠી બાજરીનું ડુંડુ ખાઇ ગ્યા) તો તેમણે પાર્વતીને એ ડુંડાની કિંમત ના વસુલાય ત્યાં સુધી ખેડૂતના ઘરે કામકાજમાં મદદ કરવા માટે રોકડું પરખાવી દીધું.. બોલો, જુની બાળરમત પ્રમાણે 'એકલા એકલા ખાય એને ગાલપચોડીયા થાય' કરતા પણ આ કામ અઘરૂ કે નહીં? અને આપણે.? આપણે આ કરી શકીએ.? આપણે તો પોતાના ફાયદા પાછળ અન્ય કોઈને નુકશાન થતું હોય તો થવા દઈએ.. બોલે તો અપને કો, કી ફરક પેંદા હે.? રાઈટ બ્રો.?

મર્યાદા પુરૂષોતમ ભગવાન રામના ભાઈ લક્ષ્મણને શબરીના એઠાં બોર ખાવામાં તકલીફ હતી, પણ ભગવાન રામ તો ફુલ્ટુ જલ્સાથી ખાયે જાતા હતા.. આ શું હતું.? એક ઘરડી ભકત ડોસીની આસ્થાને સાચવવા આવું તો કંઇક કરવું પડે અને ભગવાન રામે, એવું તો ઘણું કર્યું.. એટલે જ તેઓ ભગવાન છે, અને આપણે ભગવાન રામની જ પૂજા કરીએ છીએ, નહી કે ભાઈશ્રી લક્ષ્મણની.. સાચું ને યારો?

હવે, ખાસ તો મારા અને આમ તો બધાના: મોસ્ટ ફેવરેટ કાનુડાના બે-ચાર કિસ્સા.. મથુરાની જેલમાં જનમ લેતા'વેત મામા કંસની બીકે, કાળી રાતે, તાબડતોબ, નંદબાબાના માથે સુંડલામાં બેસી, ધોધમાર વરસાદમાં, પલળતા પલળતા, હીલોળા લેતી નદી: યમુના ક્રોસ કરીને ગોકુળ આવવું પડયું.. ત્યાં આવીને પણ બાળપણમાં જ એક પછી એક રાક્ષસો સાથે માથાકૂટો કરીને તમામના ખાત્મા બોલાવીને કેટલીય સ્ટ્રગલ કરવી પડી.. અધુરામાં પુરૂ મહાભારતના યુધ્ધમાં પણ અર્જુનના સારથી તરીકે પાર્ટીસીપેટ કરીને, પાર્થ પર આવતા કૈંક તિરના નિશાન પોતે જ બનવું પડયું, અને પાછું જવાબદારીઓ નિભાવવા માટે થઈને ભગવાન વિષ્ણુ મટીને મનુષ્ય અવતાર લીધો હતો એટલે કોઈ જાતની ફેસેલિટી પણ નહીં ભોગવવાની, ઉપરથી લોકોને પણ ખબર નહીં પડવા દેવાની કે ભગવાન ખુદ આઠમો અવતાર લઈને જાહેર હિતાર્થે લોન્ચ થયા છે..

આજકાલના જુવાનીયાવને લીલાધર કાનુડાની સૌથી વધુ વાત ગમતી હોય તો એ, કે એમની પાંહે રાણી'યું 'ને પટરાણી'યું ઘણી, 'ને આગળપાછળ ગોપી'યું ફરે એ વળી લટકામાં.. હવે સૌથી મોટુ ચેલેન્જનું કામ જ આ છે: બૈરૂ સાચવવું.. અને એમાંય કાનુડા પાસે તો જથ્થાબંધ એટલે કે પુરી ૧૬૦૦૮.. હવે વિચારો, ભગવાન સિવાય આ કોઈનું કામ છે.? આપણાથી એકે'ય સચવાય છે.? (અહીં એકે'ય એટલે, એક પણ સમજવું)

પણ આ તો મજાકની વાત.. હકિકતે તો બધી ગોપીઓ કૃષ્ણને સાચો પ્રેમ કરતી અને એમના પ્રેમની કદર કરીને ભગવાને એવી લીલા રચી, કે એક જ સમયે દરેક ગોપી પોતાની જાત સાથે શ્રી કૃષ્ણને જોઈ શકે, શ્રી કૃષ્ણને પામી શકે.. આપણે એક સમયે બે-ત્રણ કામ સાગમટા આવી જાય, તો આપણા હાંજા ગગડી જાય છે ને.? વૃંદાવનના મધુવન (નિધીવન)માં રાત્રીના આઠ પછી કોઈ જાતું-આવતું નથી.. લોકવાયકા મુજબ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ રાધા અને ગોપીઓ સાથે રાસલીલા કરવા રોજ આવે છે.. અને આવી લીલા તો ભગવાન જ રચી શકે, ભાઈ..

તો બસ, યે સારી બાતો કે પીછે એક હી ફંડા હે ભાઈ.. કે તમારા ભગવાન ચાહે કોઈ પણ હોય, એમના પર ભરોસો રાખો.. ધીરજ રાખો.. એ બિચારો હજાર હાથ વારો છે એમાં ના નહી, પણ બધા ભગવાન ભેગા મળીને માંડ ૩૩ કોટી (કરોડ નહી) અને આપણે તો સવા છ અબજ..

આ સ:રસ મજાની દુનિયામાં ઈશ્વરે તમને મોકલ્યા છે, તો આ દુનિયાને માણો.. આ જીવનને આજીવન માણો.. સૌપ્રથમ તમારી જાતને ખુશ રાખો.. અને તમારી આસપાસના લોકોને પણ ખુશહાલ રાખો.. જો ખુશ રહેશો, તો સુખી રહેશો.. દુ:ખ તમારી પાસે આવશે પણ નહીં..

અને આવે તો પણ ભગવાન પાસે એ દુ:ખને ભગાડવાની, અને છેલ્લે બાકી વેઠવાની શકિત માંગો.. બાકી તો, આસપાસ નજર કરો ત્યારે ફકત તમારા કરતા વધું બળીયા કે સુખીયા નહીં, પણ તમારા કરતા વધુ દુ:ખી લોકો પણ જીવે છે, એ જુઓ.. શકય હોય તો તેમને મદદ કરો.. માણસ છો, તો માણસાઈ વાપરો.. પછી જુઓ તમારા ભગવાનની કૃપા.. તમે પણ જરૂર કહેશો કે 'ગોડ, તુસ્સી ગ્રેટ હો..' અસ્તુ..

સેજપાલ શ્રી'રામ', ૦ર૮૮