જાગૃતિ આર.વકીલ
ખિસ્સામાં રાખેલો બગીચો - પુસ્તક
આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે નારદ સ્મૃતિના શ્લોકમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લેખનકાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્ત ન થઇ હોત.ભારતીય લેખનકલા વિશ્વની સૌથી પ્રાચીન લેખનકલા મનાય છે.ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે.
અરબી ભાષામાં કહેવત છે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે” પુસ્તક એ વાસ્તવિકતા સમજવા માટેનું ઉતમ સાધન છે.મનુષ્યને પૂર્ણતા અને દૂરદર્શિતા પ્રાપ્ત કરાવે છે. જીવનમાં અનેક સારા-નરસા અનુભવો થતા હોય છે.સફળતા-નિષ્ફળતા વખતે સમતા કેમ કેળવવી તે શિષ્ટ વાંચન શીખવે છે,મનને કેળવે છે એટલે જ કહેવાયું છે કે પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.જ્ઞાન,આનંદ,સંસ્કાર,સંસ્કૃતિ,ઉન્નતિના મૂળભૂત સાધન તરીકે પુસ્તકોને સ્થાન આપવામાં આવ્યું છે તે એકદમ યોગ્ય છે. સાચું જ છે કે ‘ગ્રંથિ છોડાવે તે ગ્રંથ.’
જો વાચનાર યોગ્ય પ્રકારની જીજ્ઞાસા ધરાવતો હોય અને તેમાંથી જ્ઞાનને ગ્રહણ કરવાની તથા તે મુજબ આચરણ કરવાની વૃતિ ધરાવતો હોય તો પુસ્તકો તેના જીવનમાં મહાન કર્યો માટે પ્રેરી શકે.દુનિયાભરના તમામ મહાનુભવોના જીવનની એક સામાન્ય વાત એ છે કે એમના મહાન જીવન ઘડતરમાં ઉતમ પુસ્તકોનો ફાળો જ રહેલો છે.એ જ રીતે દુનિયાભરની વિવિધ ક્રાંતિઓનું એક કારણ પુસ્તકો જ રહ્યા છે જેના ઉદાહરણોમાં,”અંકલ ટોમસ કેબીન”પુસ્તકનો પ્રભાવ અમેરિકામાં ગુલામીના રિવાજોની નાબુદી માટે કારણભૂત થઇ.કાર્લ માર્કસના “દાસ કેપિટલ”પુસ્તકે જગતભરમાં સામ્યવાદની વિચારસરણી ફેલાવી.તો રસ્કીનના ‘અન ટુ ધ લાસ્ટ’પુસ્તકના પ્રભાવે ગાંધી-દર્શનનું નિર્માણ કર્યું જે આપણા દેશને આઝાદી અપાવવામાં ખુબ મહત્વનું બની રહ્યું એ આપણે સહુ જાણીએ જ છીએ.ગાંધીયુગમાં જે નવું ઘડતર થયું એમાં ગાંધીજીના ‘મંગલ પ્રભાત’, ઝવેરચંદ મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો’, ‘સુના સમન્દરની પાળે’ વગેરેનો ફાળો અદ્વિતીય છે.
સંસ્કૃતિના ઘડતર માટે પણ આપણા પુરાણ ગ્રંથો રામાયણ, શ્રીમદ ભાગવત ગીતા વગેરેનો ખુબ ફાળો છે.તો લલિત સાહિત્યના પુસ્તકો મનુષ્યના જીવનમાં રસાત્મકતા પૂરે છે.તો કેટલાક પુસ્તકોમાંથી માત્ર મનોરંજન મળે છે.કેટલાકમાંથી જીવનદ્રષ્ટિ મળે છે.
અનેક મહાનુભાવોએ જીવનમાં પુસ્તકોનું મહત્વ સમજાવ્યુ છે. આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી કહે છે: “રત્ન બહારની ચમક બતાવે છે જયારે પુસ્તકો અંત:કરણને ઉજાળે છે.”રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં “ધનબળ,શક્તિબળ,આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક્બળ છે.”સ્વામી વિવેકાનંદના મતે “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.”તો સ્વામી રામતીર્થના મતે “પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી મોખરે છે.”તો સિસરોના મતે “વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.”દર્શક(મનુભાઈ પંચોલી )ના માટે: “બારણાની તિરાડમાંથી ફૂલોની સુગંધની જેમ વાયુ વાટે પથરાય છે તેમ સાહિત્ય ચિતમાં પ્રવેશી આનંદ લહેરથી વાચકને ડોલાવે છે.ચરિત્ર નિર્માણ થાય છે,સારું વચન જીવનમાં જરૂરી છે.” શ્રી ઈશ્વરલાલ દેસાઈ પુસ્તકોને સંસ્કૃતિ ઘડતર માટે અગત્યના ગણાવે છે.તો કાકાસાહેબ કાલેલકરે પુસ્તકોને ‘લોકમિત્ર’ કહ્યા છે. અંગ્રેજી લેખક રસ્કિનના મતે: “એક સારા પુસ્તકના ૧૦ પાના અક્ષરે અક્ષર વાચો તો તમે હમેશ માટે વધારે પ્રમાણમાં કેળવાયેલ માણસ બનો.” કવિ કાન્ત ના મતે “વાચનનું સુખ ઘણા પુસ્તકોથી નહિ,પણ ઘણા વાંચનથી જ પ્રાપ્ત થાય છે.નિત્ય નિયમપૂર્વકની પ્રાર્થનાની જેટલી જરૂર છે તેટલી જ નિત્ય અધ્યયનમાં આગળ વધવાની ખાસ જરૂર છે.
જાણીતા સાહિત્યકાર શ્રી સુરેશ દલાલ તો પુસ્તકોને ‘સ્વમાની જીવ’ તરીકે ઓળખાવતા કહે છે કે : “પુસ્તક એ મારો કિલ્લો છે.પણ કાગળનો નહિ.જયારે ઘરમાં એક પુસ્તક આવે છે ત્યારે એક જીવતો માણસ આવે છે.આ માણસ મૌન વ્રત ધારણ કરી બેસે છે.તમે વાત કરો તો જ એ હોઠ ખોલે નહિ તો તમારી અભેરાઈ પર આંખ-કાન મીચી પલાઠી વાળીને બેસી રહે છે.આના જેવો સ્વમાની જીવ મેં આજ લાગી નથી જોયો!!” જાણીતા કવિ શ્રી અંકિત ત્રિવેદી કહે છે:”એક નાનું પણ વિવેકથી એકઠી કરેલી ચોપડીઓનું પુસ્તકાલય એ જ આપણું ખરું વિશ્વ વિદ્યાલય છે.”
ઘણા પુસ્તક્પ્રેમીઓની ચિંતા છે કે ૨૧મી-૨૨મી સદીમાં કોમ્પ્યુટરયુગમાં પ્રવેશતા ભારતમાં પુસ્તકોનું શું થશે? જયારે બધી જ માહિતી ટીવી, વિડીઓ કે માઈક્રો ફિલ્મમાં મળી રહેતી હોય ત્યારે લોકો પુસ્તકો તરફ જશે ખરા? જવાબ છે-હા.! કેમકે જેમ ઘરના ૨૭ કે ૩૦ ઇચના ટીવીમાં ફિલ્મ જોયા પછી પણ થીયેટરના મોટા પરદા પર ફિલ્મ જોયા પછી જે સંતોષ થાય અને જે આનંદ મળે તે જ આનંદ પુસ્તકની ઓડિયો કેસેટ સાંભળવામાં નહિ આવે.શ્રી હરીન્દ્ર દવે આ વિષે કહે છે કે ૧૦-૨૦ સદી પછી પણ પુસ્તકો વચાતા જ હશે.વાચકોને ઈલેક્ટ્રોનિક માધ્યમની ઠંડીગાર શીતળતાને બદલે પુસ્તકોની ધબકતી ઉષ્મા વધુ પસંદ હોય છે.
વાંચન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવા દર વર્ષે ૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંચનપ્રવૃતિને અનુલક્ષીને ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન,ચિત્ર,નિબંધ સ્પર્ધા,સુલેખન,વાંચન શિબિરો,શૈક્ષણિક ફિલ્મ શો,શિષ્ટ વચન સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ સપ્તાહ દરમિયાન સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તો પુસ્તક મેળા,ચર્ચાસભા,પુસ્તકવાંચન,રેલી વગેરે કાર્યક્રમો દ્વારા પણ લોકોને વાચનાભિમુખ કરવા અનેક પ્રયાસો કરાય જ છે. ૧૯મી સદીમાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 3 પ્રાંત કલકત્તા,મદ્રાસ,મુંબઈમાં આ પ્રવૃત્તિ શરુ થઇ.અમદાવાદમાં શ્રી ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપના બાદ ૧૮૯૪મ નેટીવ લાઈબ્રેરીની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી.સ્વતંત્રતા પછી ગ્રંથાલય પ્રવૃતિને વેગ મળ્યો.પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇન્ટીગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ પર ભાર મુકવામાં આવ્યો.ત્યારબાદ તો સરકારી અને ખાનગી અનેક ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા.
ખરેખર પુસ્તકો એ મનુષ્ય માટે સંકટ સમયની સાકળ સમાન મનાય છે.વડીલો કહી ગયા છે કે ગીતાજીમાં આપણા જીવનમાં ઉદભવતાં દરેક પ્રશ્નોનો જવાબ છે.એનાથી આગળ વધીને એમ પણ મનાય છે કે “તમે જયારે ખુબ મૂંઝાયા હો ત્યારે કોઈ પણ પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલી વાચો એમાંથી તમારા મુંઝવતા પ્રશ્નનો ઉકેલ મળી જ જશે.!!” છે ને આશ્ચર્ય લાગે એવી વાત? પણ અનેક લોકોના સ્વાનુભવ પછી ઉદભવેલી આ ઉક્તિ છે.વર્તમાનપત્રોના વાંચનથી વર્તમાન સાથે,પુરાણ ગ્રંથોના વાંચનથી સંસ્કૃતિ સાથે તો સામયિકો અને અન્ય પુસ્તકોના વાંચનથી ભૂત,ભવિષ્ય અને વર્તમાન તથા દેશ વિદેશ સાથે સતત સંબંધમાં રહી શકાય છે. દરેક ગામ-શહેરમાં હવે તો અનેક પુસ્તકાલયો અસ્તિત્વમાં છે જ.તદુપરાંત ટેકનોલોજીના જમાનામાં તો આંગળીના એક ક્લિકથી મોબાઈલ કે કોમ્પ્યુટરમાં પણ વર્તમાનપત્રો સહિત સામયિકો અને અન્ય વાંચનનો ઈ-પપેર્સ અને ઈ-પુસ્તકોનો અધધધ ખજાનો મળી રહે છે.જીવન મળ્યું છે તો જીવવું જ પડશે અને એ સારી રીતે જીવવા તથા મનુષ્ય જન્મ સાર્થક કરી જવા સદવાચન એ જ સદ્જીવન અને મ્રત્યુ પછીના મોક્ષની ગુરુચાવી છે.
દરેક મનુષ્યે આવાં અમુક નિયમો કાયમ અપનાવવા જોઈએ::જન્મદિવસ કે શુભ પ્રસંગોએ પુસ્તકો ભેટ આપવાની ટેવ કેળવવી, પોતાના વર્તુળમાં સમયાંતરે સામુહિક વાંચનની વ્યવસ્થા ગોઠવવી, ફરતું પુસ્તકાલય કે જેમાં ઘરબેઠા વાંચન પ્રેમી લોકોને રસના પુસ્તકો પહોચતા કરવા,વાંચીને પુસ્તકો કે સામયિકો પસ્તીમાં ન નાખતા અન્યને આપીએ.હવે તો સમગ્ર રાજ્યના દરેક તાલુકામાં માતૃભાષા અભિયાન હેઠળ પુસ્તક પરબ ખૂલ્યા છે,એમાં આપણે આપણા મનગમતા પુસ્તકો નિ:શુલ્ક મેળવી વાંચન શોખ પોષી શકીએ છીએ અને અન્ય પુસ્તકપ્રેમીઓને પણ તેનો લાભ આપી શકીએ છીએ. ઘરમાં વંચાઈ ગયેલા કે ઘરમાં પડેલા સામયિકો અને પુસ્તકો આપી દઈએ કે જેથી અન્યને વાંચનનો લાભ મળે.
આ સાથે બીજો એક સ્રરસ નિયમ પણ કેળવવા જેવો છે વચન કાર્ય પછી તેનું યોગ્ય ને પુરતું મનન કરવું.અને ઊંડા મનન બાદ તેનો પુરેપુરો સાર ગ્રહણ કરવો અને તે માટે જરૂરી છે કે - પુસ્તકો વાંચતી વખતે એક ડાયરી પણ સાથે રાખવી.અને તેમાં વાંચતી વખતે એ પુસ્તકની જે તમને પસંદ પડી તે નોંધ પણ ટપકાવતા જવું.શક્ય છે કે એ નોંધનું પણ તમારું પોતાનું એક પુસ્તક જ બની જાય. તમે પણ એક સારા વિચારક અને લેખક બની જાવ!!તમે એ ટપકાવેલી સુંદર નોંધ,સુંદર વિચારો અન્ય સમક્ષ મૂકી તમે પણ બીજા માટે પ્રેરણારૂપ બની જાવ.!
તો ચાલો આજે જ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્તક વાચીએ અને અન્ય એકને વંચાવી આ પરંપરા સદા ચાલુ રાખી,વૈચારિક સમૃદ્ધ નાગરિકો દ્વારા દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્ય ફાળો આપીએ ....
જાગૃતિ.આર.વકીલ.ભુજ
Jrv7896@gmail.com