Apradhi kon Part - 2 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અપરાધી કોણ (ભાગ-૨)

Featured Books
Categories
Share

અપરાધી કોણ (ભાગ-૨)

અપરાધી કોણ ? (ભાગ-૨)

(મુંબઈ સ્થિત માહિમમાં રહેતાં વૃદ્ધા નિર્મલાબેનનું ધોળે દહાડે ખૂન થઈ જાય છે અને પૈસા તથા ઘરેણાંની લૂંટ પણ...કેસની તપાસ દરમિયાન નિર્મલાબેનની સાર-સંભાળ રાખતા નોકર રઘુ પર શંકા વ્યક્ત કરી પુરાવાઓને આધારે તેની ધડપકડ કરવામાં આવે છે, પરંતુ ઈન્સ્પેક્ટર જયદેવ સાચી હકીકતનો તાગ મેળવવા રઘુ સાથે વાતચીત કરે છે અને તેને વધારાના પૈસા ક્યાંથી આવ્યા એ બાબતમાં પૂછપરછ કરે છે. હવે આગળ...)

**

‘સાહેબ...!’ રઘુ દયામણા અવાજે બોલ્યો, ‘એ પૈસા તો હું જુગારમાં જીત્યો હતો. માહીમની કાપડબજારમાં ગોવિંદ નામનો એક માણસ જુગાર રમાડે છે. પચ્ચીસમીએ સવારે સાડા નવ વાગ્યે હું ત્યાં ગયો હતો. એ દિવસે નસીબ કદાચ મને સાથ આપતું હતું અને બપોરે અઢી વાગ્યા સુધીમાં હું લગભગ સાતસો રૂપિયા જીત્યો હતો. આમ તો હું જયારે પણ ત્યાં જુગાર રમવા જતો ત્યારે હારીને જ પાછો ફરતો હતો. અઢી વાગ્યે ત્યાંથી બહાર નીકળ્યા પછી મેં મુસ્લિમ હોટલમાં બિરયાની ખાધી હતી અને ટેક્સીમાં બેસીને સીધો બરખા ટોકિઝે પહોંચી ગયો હતો. ફિલ્મ જોઇને હું સાડા છ વાગ્યે ઘેર પાછો ફર્યો ત્યારે માએ જણાવ્યું કે પોલીસ મને શોધે છે અને જાનકીને પોતાની સાથે લઈ ગઈ છે. એની વાત સાંભળીને હું એકદમ ગભરાઈ ગયો. પોલીસ શા માટે શોધે છે એ મને કંઈ નહોતું સમજાતું. એ જ વખતે પોલીસ આવી પહોંચી અને મને પકડી લીધો.’ વાત પૂરી કર્યા બાદ રઘુ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.

જયદેવ વિચારવા લાગ્યો – જો રઘુ જુગારમાં પૈસા જીત્યો હશે...એણે જે કંઈ કહ્યું છે એ સાચું નીકળશે તો એ નિર્દોષ હશે...!

એણે તરત જ આ વાતની ખાતરી-ચકાસણી કરવા માટે બે સિપાહીઓ સાથે રઘુને માહીમની કાપડમાર્કેટમાં મોકલી આપ્યો. હવે બ્લોકમાં જયદેવ અને કામત જ હતા.

‘કામત...!’ કશુંક વિચારીને જયદેવ બોલ્યો, ‘આ બ્લોકમાં જે કોઈ આવ્યું હતું તે રઘુથી પરિચિત હોવું જોઈએ એમ હું માનું છું. તે રઘુના બહાર નીકળવાની રાહ જોતો હશે. રઘુ કામ પતાવીને રવાના થયો કે તરત જ નિર્મલાબેનનું ખૂન કરી નાંખવામાં આવ્યું. ચોકીદાર શ્યામસિંહે પોણા આઠ વાગ્યે રઘુને બહાર જતો જોયો હતો. અર્થાત્ પોણા આઠ વાગ્યા પછી તરત જ નિર્મલાબેનનું ખૂન થયું હોવું જોઈએ. ખૂનીએ કમભાગી નિર્મલાબેનને દૂધ પીવાનો સમય પણ નહોતો આપ્યો. કપને ધક્કો લાગવાને કારણે દૂધ ઢોળાઈ ગયું. રઘુના ગયા પછી નિર્મલાબેન ઘરમાં એકલાં જ હશે એ વાત ખૂની જાણતો હતો.’

થોડી વારમાં જ રઘુ સાથે ગયેલા બંને સિપાહીઓ આવી પહોંચ્યા. રઘુએ જણાવેલી વાત બિલકુલ સાચી હતી.

‘રઘુ...!’ અચાનક જયદેવે કશુંક વિચારીને પૂછ્યું, ‘તું દૂધ લઈને આવ્યો ત્યારે તને ચોકીદાર શ્યામસિંહ સિવાય બીજા કોઈએ જોયો હતો ખરો...?’

‘સાહેબ...!’ થોડી પળો સુધી યાદ કર્યા બાદ રઘુએ જવાબ આપ્યો, ‘એ વખતે પરાંજપે સાહેબનો મોટો દીકરો પ્રકાશ ઉપર પોતાના બ્લોકની બાલ્કનીમાં ઊભો હતો, એણે મને જરૂર જોયો હશે.’

‘પ્રકાશે તને બહાર જતો પણ જોયો હતો...?’

‘એ તો મને ખબર નથી સાહેબ...!’

જયદેવે એક સિપાહી સાથે રઘુને નીચે પોલીસવાનમાં બેસવાનું જણાવ્યા બાદ જિતેન્દ્ર તથા તેની પત્ની આશાને બોલાવ્યાં અને કહ્યું, ‘તપાસ ચાલુ જ છે એ તો તમે જુઓ જ છો, પરંતુ ગુનેગારને પકડવા માટે અમને તમારી મદદની જરૂર છે. આ કામ કોઈ રીઢા કે ધંધાદારી ગુનેગારનું નથી એની મને ખાતરી છે. રઘુના ગયા પછી જ કોઈક અહીં આવ્યું હશે. બહારના સળિયાવાળા દરવાજામાંથી નિર્મલાબેને એ શખ્સને જોઈ-ઓળખીને અંદર આવવા દીધો હશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે એ શખ્સ તમારો કોઈ પરિચિત જ હોવો જોઈએ. હવે મને એ જણાવો કે તમને તમારા કોઈ સગા-સંબંધી કે પરિચિત માણસ પર કોઈ શંકા છે....?’

‘ના સાહેબ...!’ આશા બોલી, ‘અમારા ધ્યાનમાં તો આવો કોઈ માણસ નથી. માત્ર ચોરી જ થઈ હોત તો કોઈ વાંધો નહોતો...પણ ખૂન...’ કહેતાં કહેતાં એનો અવાજ ગળગળો થઈ ગયો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, ‘ઉફ...કેટલું ભયંકર દ્રશ્ય હતું એ...!! જો જેન્તીને માથું ન દુખતું હોત તો એ દિવસે હું અહીં આવત જ નહીં...!’

‘અહીંના પાડોશીઓ સાથે તમારે કેવા સંબંધો છે...?’

‘સાહેબ...!’ આ વખતે જિતેન્દ્રએ જવાબ આપ્યો, ‘હવે તો અમે અલગ રહીએ છીએ, પરંતુ જયારે અહીં રહેતાં હતાં ત્યારે પણ અમારે પાડોશીઓ કે સોસાયટીમાં રહેતાં લોકો સાથે કોઈ ગાઢ પરિચય નહોતો.’

‘મિસ્ટર પરાંજપેનો દીકરો પ્રકાશ કેવો છે...?’

જવાબમાં જિતેન્દ્ર એ આશા સામે જોયું. આશાના ચહેરા પર ઊપસેલા અણગમાના હાવભાવ જયદેવ સ્પષ્ટ રીતે જોઈ શક્યો હતો.

‘સાહેબ...!’ જિતેન્દ્ર બોલ્યો, ‘પરાંજપે પોતે સારા માણસ છે, પણ પ્રકાશ બરાબર નથી. મન પડે કૉલેજે જાય...! ધીંગામસ્તી કરતો રહે છે. વિડિયો પાર્લર અને ક્લબોમાં જવાનો શોખીન છે. આજે અહીં તો કાલે બીજે ક્યાંક...! સ્ત્રીઓ તરફ એની નજર સારી નહોતી.’

ત્યાર બાદ એ બંનેને બહાર મોકલીને જયદેવે પ્રકાશને બોલાવ્યો. તે એકદમ ગભરાયેલો હતો. અત્યારે સાંજ પડી ગઈ હતી. આ સમયે પ્રકાશને ઘેર જોઇને જયદેવને થોડી નવાઈ લાગી. જો પ્રકાશ ક્લબો, વિડિયોપાર્લર અને છોકરીઓ પાછળ ગાંડો હોય તો અત્યારે ઘેર શા માટે છે...? શું એ પોલીસની તપાસ વિશે જાણવા માટે જાણી જોઈને જ ઘેર રોકાયો છે...?

‘પ્રકાશ, તારી કૉલેજનો સમય શું છે...?’ એણે વેધક નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી...!’ પ્રકાશે ગભરાટભર્યા અવાજે જવાબ આપ્યો.

‘પચ્ચીસમી તારીખે અર્થાત્ નિર્મલાબેનનું ખૂન થયું એ દિવસે તું કૉલેજ ગયો હતો...?’

‘ના...નિર્મલાદાદીનું ખૂન થયું હતું અને પોલીસ મારી જુબાની લેતી હતી.’

આ એક જવાબ પરથી જ જયદેવ સમજી ગયો કે પ્રકાશ ખોટું બોલે છે. પ્રકાશનો કૉલેજ જવાનો સમય સવારે દસ વાગ્યાનો હતો, જ્યારે ખૂનની જાણ બપોરે બાર વાગ્યે થઈ હતી. બપોરના બાર વાગ્યા સુધી એ શું પોલીસની તપાસ જોવા-જાણવા માટે જ ઘેર રોકાયો હતો...?

જયદેવ પોતાના સહકારીઓ સહિત પ્રકાશને સાથે લઈને બ્લોકમાંથી બહાર નીકળ્યો. જિતેન્દ્રને બ્લોક બંધ કરવાનું જણાવી તેઓ નીચે આવ્યા.

એણે જિતેન્દ્ર તથા આશાને રજા આપી દીધી. પછી સબ-ઈન્સ્પેક્ટર કામતને એક તરફ લઈ જઈને ધીમા અવાજે તેને કશુંક સમજાવ્યું. પછી બધા સાંભળી શકે એ રીતે ઊંચા અવાજે કહ્યું, ‘હું શ્યામસિંહ તથા પ્રકાશને લઈને ઓફિસે જાઉં છું. તું સમય ગુમાવ્યા વગર બે-ત્રણ સિપાહીઓને લઈને આશાને ત્યાં પહોંચી જા...!’

કામત બે સિપાહીઓને લઈને રવાના થઈ ગયો. જ્યારે જયદેવ – પ્રકાશ, રઘુ અને શ્યામસિંહ સાથે પોતાની ઓફિસે પહોંચી ગયો.

રાત્રે દસ વાગ્યે સી.આઈ.ડી. ઓફિસમાં એક અણધાર્યો બનાવ બન્યો. રઘુ, પ્રકાશ તથા શ્યામસિંહને ઇન્ટરોગેશન રૂમમાં બેસાડવામાં આવ્યા હતા, જ્યારે જયદેવ ઓફિસમાં અન્ય સહકારીઓ સાથે વાતો કરતો બેઠો હતો. એ જ વખતે બે યુવાનોને પકડીને કામત તથા બે સિપાહીઓ તેમ જ જિતેન્દ્ર ત્યાં આવી પહોંચ્યા. તેમની સાથે વેપારી જેવો દેખાતો એક અન્ય માણસ પણ હતો.

‘આપનું અનુમાન બિલકુલ સાચું પડ્યું, સર...!’ આવતાંવેંત કામત પ્રસન્ન અવાજે બોલ્યો.

‘આમાંથી ગુનેગાર કોણ છે...?’ જયદેવે વારાફરતી ત્રણેય સામે નજર કરતાં પૂછ્યું.

‘ગુનેગાર આ નંગ છે, સાહેબ...!’ સિપાહીએ એક યુવાનને આગળ ધરતાં કહ્યું, ‘એનું નામ પ્રવીણ છે.’

‘અને તારું...?’ જયદેવે બીજા યુવાન સામે જોતાં પૂછ્યું.

‘જેન્તી...!’ એ યુવાને જવાબ આપ્યો.

‘ઓહ...તો તું જ જેન્તી છો, એમ ને...? તારા માથાનો દુખાવો મટ્યો કે નહીં...?’

‘વાળ ખેંચીને હાથમાં પકડાવતાં જ એનો બધો દુખાવો દૂર થઈ ગયો છે, સર...!’ કામત હસીને બોલ્યો.

‘અને આ સજ્જન કોણ છે...?’ જયદેવે તેમની સાથે આવેલા વેપારી જેવા માણસ તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘એ સજ્જનની દુકાનેથી જ નિર્મલાબેનના ઘરેણાં મળ્યાં છે.’

‘વાહ... તેં તો કમાલ કરી નાંખી...!’ જયદેવે પ્રશંસાભર્યા અવાજે કહ્યું.

***

નિર્મલાબેનના બ્લોકમાં જયદેવ આશાને પૂછપરછ કરતો હતો ત્યારે આશાએ તેને એવું જણાવ્યું હતું કે જેન્તીને માથું દુખતું હોવાથી પચ્ચીસમી તારીખે એને બદલે પોતે ટિફિન આપવા માટે આવી હતી. એના આ ખુલાસાથી જયદેવ એકદમ ચમકી ગયો હતો. ક્યાંક રઘુની જેમ જેન્તીએ પણ બીમારીનું બહાનું નહોતું કાઢ્યું ને...? તે શા માટે એ દિવસે ટિફિન પહોચાડવા જવા નહોતો માગતો...? જો જેન્તી ટિફિન લઈને આવ્યો હોત તો સૌથી પહેલા એને જ મૃતદેહના દર્શન કરવા પડત અને તે પોલીસની તપાસમાં ફસાઈ જાત. જો આ અનુમાન સાચું હોય તો પચ્ચીસમીએ નિર્મલાબેનનું ખૂન થવાનું છે એ હકીકત પણ જેન્તી અગાઉથી જ જાણતો હોવો જોઈએ અને એટલા માટે જ એણે ટિફિન આપવા જવાનું ટાળ્યું હતું. જો ખરેખર જેન્તીને માથું દુખતું હતું તો જિતેન્દ્રને ત્યાં કામ પતાવ્યા પછી તે ક્યાં ગયો હતો...? શું કર્યું હતું...? કોને મળ્યો હતો...? તે જે શખ્સને મળ્યો એ શખ્સને નિર્મલાબેનના ખૂન સાથે કોઈ સંબંધ છે કે કેમ વગેરે વાતોની તપાસ માટેનું કામ જયદેવે કામતને સોંપ્યું હતું. અને એનું અનુમાન એકદમ સાચું પડ્યું હતું.

કામતની તપાસમાં જાણવા મળ્યું કે જેન્તીના મિત્ર પ્રવીણને લોટરી લાગી છે અને બે-ચાર દિવસથી બંને ખૂબ મોજશોખ કરે છે. આટલી માહિતી મળ્યા પછી કામતે પ્રવીણ અને જેન્તીને શોધી કાઢ્યા. પોલીસની ચુંગાલમાં સપડાતાં જ જેન્તી પઢાવેલા પોપટની જેમ હકીકત ઓકવા લાગ્યો.

એના કહેવા મુજબ – નિર્મલાબેનનું ખૂન પ્રવીણે કર્યું હતું. પ્રવીણ કાપડમાર્કેટમાં રહેતા એક દરજી કુટુંબનો નબીરો હતો અને કામકાજ કરવાને બદલે ગુંડાગીરી કરતો હતો. એક જ વિસ્તારમાં રહેતા હોવાને કારણે જેન્તી તથા પ્રવીણ વચ્ચે દોસ્તી બંધાઈ હતી. પ્રવીણ ઘણી વાર જેન્તી સાથે નિર્મલાબેનને ત્યાં જઈ આવ્યો હોવાને કારણે તેઓ પણ એને ઓળખતાં હતાં. નિર્મલાબેન ઘરમાં એકલાં રહે છે એ હકીકત જાણ્યા પછી પ્રવીણે જેન્તી પાસેથી તેમને વિશે વધુમાં વધુ માહિતી મેળવી લીધી. ત્યાર બાદ લાલચમાં લપેટાયેલા પ્રવીણે નિર્મલાબેનના ખૂનનું કાવતરું ઘડી કાઢ્યું. એણે રઘુના દૈનિક ક્રમને નજર સામે રાખીને યોજના બનાવી અને પછી જેન્તીને પોતાની યોજનામાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો. પ્રવીણ નિર્મલાબેનનું ખૂન કરવા માગે છે એ જાણીને જેન્તી ધ્રુજી ઊઠ્યો, પરંતુ પછી “તારે ફિકર કરવાની જરૂર નથી...બધું હેમખેમ પાર ઊતરી જશે અને આપણને પૈસા પણ મળશે” એવી સમજાવટથી પ્રવીણે તેને ટાઢો પાડી દીધો.

યોજનાના અમલ માટે પ્રવીણે ૨૫મી એપ્રિલનો દિવસ નક્કી કર્યો. સવારે સાડા છ વાગ્યાથી જ તે પ્રતિભા સોસાયટી સામે આંટા મારવા લાગ્યો. એણે સાત વાગ્યે રઘુને સોસાયટીમાં આવતો અને પોણા આઠ વાગ્યે બહાર નીકળતો જોયો. રઘુ બહાર નીકળ્યો કે તરત જ પ્રવીણ ઈમારતમાં પ્રવેશીને છ નંબરના બ્લોક સામે પહોંચી ગયો અને ડોરબેલ દબાવી. કદાચ કોઈક કામસર રઘુ પાછો આવ્યો હશે એમ માનીને નિર્મલાબેને દરવાજો ઉઘાડ્યો. પોતાને જિતેન્દ્રસાહેબે મોકલ્યો છે એવું બહાનું કાઢીને પ્રવીણ બ્લોકમાં પ્રવેશ્યો અને તરત જ અંદરનો દરવાજો બંધ કરી દીધો. પછી એ તાબડતોબ રસોડામાં જઈને બ્રેડ કાપવાની છૂરી લઈ આવ્યો અને નિર્મલાબેન કશુંય સમજે તે પહેલાં જ એણે તેમના દેહ પર ઉપરાઉપરી ચાર-પાંચ ઘા ઝીંકી દીધા. નિર્મલાબેન લોહીલુહાણ હાલતમાં ઊથલી પડ્યાં. તેમનો એક હાથ દૂધના કપ સાથે ટકરાયો જેને કારણે કપ ઉંધો વળી ગયો અને દૂધ ઢોળાઈ ગયું. બે-ચાર પળોમાં જ તેઓ મૃત્યુ પામ્યાં. ત્યાર બાદ પ્રવીણ તેમની સાડીમાં ભરાવેલો ચાવીનો ઝૂડો લઈને બેડરૂમમાં ગયો. એણે કબાટમાંથી રોકડ રકમ તથા જે કંઈ ઘરેણાં હાથમાં આવ્યાં તે ગજવામાં મૂકી પળનોય વિલંબ કર્યા વગર બહાર નીકળી ગયો. ગણતરીની મિનિટોમાં જ આ ભયંકર બનાવ બની ગયો હતો. ઉતાવળ અને ગુનો કર્યા પછીના સહજ ગભરાટને કારણે અંદરનો તો ઠીક બહારનો સળિયાવાળો દરવાજો બંધ કરવાનું પણ તે ભૂલી ગયો હતો.

એ બહાર નીકળ્યો ત્યારે આઠ પણ નહોતા વાગ્યા. ચોકીદારની કેબિન ખાલી હતી. શ્યામસિંહ ચાલ્યો ગયો હતો અને સવારની શિફ્ટનો ચોકીદાર કૃપાલસિંહ હજુ નહોતો આવ્યો. એ દિવસે બપોરે એક વાગ્યે પ્રવીણ અને જેન્તીની મુલાકાત થઈ. પ્રવીણના મોંએ થી બધી હકીકત સાંભળીને જેન્તી ગભરાઈ ગયો, પરંતુ પ્રવીણે તેને આશ્વાસન આપીને શાંત કર્યો. ત્યાર બાદ તેમણે કાપડમાર્કેટમાં જ એક વેપારીને ત્યાં જઈને બધાં ઘરેણાં ત્રણ હજાર રૂપિયામાં ગીરો મૂક્યાં. પછી દાદર આવીને પ્રવીણે પોતાને માટે ત્રણ જોડી રેડીમેડ કપડાં તથા કાંડા-ઘડિયાળની ખરીદી કરી. ત્યાર બાદ સમય પસાર કરવાના હેતુથી તેઓ અલગ-અલગ ટોકિઝોમાં જઈને ફિલ્મો જોવા લાગ્યા.

૨૫મી એપ્રિલની સાંજથી ૨૯મીની રાત સુધી તેમના આ મોજશોખ ચાલુ રહ્યા. ૨૬મીથી જેન્તી દરરોજ જિતેન્દ્રને ત્યાં જઈને જાણે પોતે બધી વાતોથી અજાણ હોય એ રીતે ચૂપચાપ પોતાનું કામ કરતો હતો.

કામત એ બંનેને લઈને – તેમણે નિર્મલાબેનના ઘરેણાં ગીરો મૂક્યાં હતાં તે વેપારી પાસે પહોંચ્યો અને ત્યાંથી ઘરેણાં કબજે કર્યા બાદ તેને પણ સાથે લીધો. તેઓ સી.આઈ.ડી. ઓફિસે જયદેવ પાસે પહોંચ્યા ત્યારે રાતના દસ વાગી ગયા હતા.

***

આગળની કાર્યવાહી પતાવીને જેન્તી તથા પ્રવીણને લોકઅપમાં પૂરી દેવાયા, જયારે પ્રકાશ અને શ્યામસિંહને રજા આપી દેવામાં આવી.

જયદેવે નિરાંતનો શ્વાસ લેતાં ડ્રાઈવરને ઉદ્દેશીને કહ્યું, ‘આ બધાને માહીમ મૂકી આવ અને રઘુને ઘેર સંદેશો આપી દેજે કે કાલે બપોરે તે પણ છૂટી જશે. રઘુનું ઘર તને મિસ્ટર જિતેન્દ્ર બતાવી દેશે.’

ત્યાર બાદ તેમના વિદાય થયા પછી એ કામત સામે જોતાં બોલ્યો, ‘કામત, કોઈ પણ કેસમાં આપણે ઘણા લોકો પર શંકા કરીએ છીએ, પરંતુ એ બધા ગુનેગાર નથી હોતા. નિર્મલાબેનના કેસમાં પણ જો આપણે આટલી ઊંડાણથી તપાસ ન કરી હોત તો બાપડો રઘુ નિર્દોષ હોવા છતાંય દંડાઈ જાત...! આ કેસની તપાસ દરમિયાન ઘણા લોકો શંકાસ્પદ ગુનેગાર તરીકે આપણી સામે આવ્યા, પરંતુ અસલી ગુનેગાર કોઈક બીજું જ નીકળ્યું અને એટલા માટે જ હું હંમેશા કહું છું કે પોલીસસ્ટેશન અને હોસ્પિટલ – આ બે જગ્યા એવી છે કે જ્યાં કોને, ક્યારે જવું પડશે એનું કંઈ જ નક્કી નથી હોતું !!’

એનું કથન સાંભળીને કામતના હોઠ પર સ્મિત ફરકી ગયું.

બીજે દિવસે કોર્ટમાં રજૂ કરાયા બાદ રઘુને પણ છોડી મૂકવામાં આવ્યો.

(સમાપ્ત)

- કનુ ભગદેવ

(Facebook/Kanu Bhagdev)