Gappa Chapter 8 in Gujarati Fiction Stories by Anil Chavda books and stories PDF | ગપ્પાં - 8

Featured Books
Categories
Share

ગપ્પાં - 8

પ્રકરણ : ૮

તરંગ પોતાના વારા વિશે બરોબર જાણતો હતો. તેણે લાંબો શ્વાસ લઈને મનને શાંત કરવા પ્રયાસ કર્યો. ગળા પર હાથ ફેરવ્યો અને આંખો બંધ કરીને જાણે મનના કબાટમાં પડેલી અનેક વાતોમાંથી કોઈ વિશિષ્ટ વાત કાઢતો હોય તેમ નીચે નમ્યો. આ વખતે વિચારતી વખતે તે પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવવાને બદલે પોતાનું જ ગળું દબાવતો હોય તેમ ગળામાં હાથ ફેરવી રહ્યો હતો.

“બોલ બે તરંગિયા... ટાઇમ જાતો જાય છે...” આયુએ ફરી ટકોર કરી.

“હવે તો આપણી જીત પાક્કી હોય એવું લાગે છે, શું કહેવું કલ્પા ?” કહીને શૌર્યએ તાલી લેવા કલ્પા સામે હાથ લંબાવ્યો. પણ હાથ હવામાં જ રહી ગયો. કલ્પાનું ધ્યાન માત્ર તરંગ પર જ હતું. તે હવે શું વિચારે છે. શું વાત કરે છે તેની તેને ખૂબ ઇંતેઝારી હતી.

“હહહહ.. તારી પાસે ઝાઝો ટાઇમ નથી હો તરંગિયા, જલદી કહેવું હોય તો બોલ...” ભોંદુએ કડક અવાજે કહ્યું.

“અરે કહું છું, જરા વિચારવા તો દે.” તરંગ હજી પણ ગળામાં હાથ ફેરવી રહ્યો હતો.

“હવે આ વિચારવામાં જ રહી જવાનો છે... કલ્પા આ તો ગયો કામથી... તારી સામે ના ટકી શકે બોસ...” શૌર્ય જોરથી બોલી પડ્યો.

“અલા તરંગિયા હવે હારવું છે કે શું ?” આયુએ ચિંતામાં કહ્યું.

“તો સાંભળો... કલ્પેને નાળિયેરીને સજા આપી એ પહેલાની... એનાય યુગો પહેલાની આ વાત છે.”

“હંમ્‌... હવે ગાડી પાટા પર આવી.” આયુ બબડ્યો.

“હહહહ... હવે પુનર્જન્મ થયો લાગે છે તારી વાતનો...”

ભોંદુની મજાક પર શૌર્ય સિવાય કોઈ હસ્યું નહીં.

“આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પર ત્રીજા ભાગનું પાણી છે અને માંડ પા ભાગ ઉપર જ જમીન છે.’

“હહહહ્‌... એ તો બધાને ખબર છે.”

“હંમ્‌... તો વાત હવે શરૂ થાય છે.”

“એ વખતે બધા ધરતીના અમુક વિસ્તારમાં રહેતા હતા ને સામે મજાનો મસમોટો દરિયો ઘૂઘવતો હતો. જાણે આખી ગોળાકાર ધરતી પર એક જ ટાપુ હોય તેવું હતું. તે વખતે ધરતી અત્યારે છે તેવી અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલી નહોતી. જ્યાં ધરતી હતી ત્યાં ધરતી જ હતી અને જ્યાં પાણી હતું ત્યાં પાણી જ હતું. ધરતી પછી વચ્ચે પાણી આવે ને પછી ફરી પાછી ધરતી આવે તેવું તે વખતે હતું જ નહીં. એ વખતે ધરતી પર માત્ર એક જ દરિયો હતો. ટૂંકમાં આખી પૃથ્વી પર એક જ ધરતી ને એક જ દરિયો. તે વખતે અમારું ઘર સાવ દરિયાકિનારે જ હતું.”

“ભાઈ, તુમ કીસ વખત કી બાત કર રિયેલા હૈ...” ક્યારના મૂંગા બેઠેલા એઝાઝે તેની ટિપિકલી હિન્દીમાં પ્રશ્ન કર્યો.

“એ સમયની કે જ્યારે ધરતી પર હજી વધારે લોકો હતાં નહીં. વસ્તી અમુક પ્રમાણમાં જ હતી. ધરતી પર એક પણ ટાપુ નહોતો રચાયો. ધરતી માત્ર બે જ ભાગમાં વહેંચાયેલી હતી, જમીન અને દરિયો બસ.”

“હહહહ.... તું તો ઘણો પાછળ જતો રહ્યો અલ્યા તરંગિયા.”

“સાંભળ તો ખરો...” કલ્પેને તરંગની વાત પર મીટ માંડી.

“એટલે ૭૫ ટકા ભાગમાં પાણી નહોતું ?” શૌર્યએ પ્રશ્ન કર્યો.

“મેં એવું ક્યાં કીધું ? પાણી તો હતું, પણ એ સળંગ દરિયામાં હતું. અલગ અલગ મહાસાગરો કે સાગરો નહોતા.”

“અચ્છા અચ્છા... તો ?”

ધરતી પર માત્ર એક જ વિશાળ દરિયો હતો અને આ વિશાળ દરિયાકિનારે અમે અમારી નાનકડી ઝૂંપડી બાંધીને રહેતા હતા. હું અને મારા મમ્મી પપ્પા.”

“હંમ્‌... પછી ?”

“હું સાવ નાનો હતો. અમારી ઝૂંપડીની સામે વિશાળ ઘૂઘવતો દરિયો હું બેઠો બેઠો જોયા કરતો. દરિયાની રેતીમાં નાની નાની પગલીઓ પાડ્યા કરતો. મારા મમ્મી પપ્પા શિકાર કરવા જતા રહેતા અથવા તો જંગલમાં ફળ-ફળાદિ વીણવા જતાં ત્યારે હું દરિયાના પાણી પર ચાલતો ચાલતો દૂર દૂર ચાલ્યો જતો. ક્યારેક તો મારા મમ્મી પપ્પા ટેન્શનમાં આવી જતા કે આ ટેણિયો ક્યાં જતો રહ્યો ? પણ એમનું ટેન્શન વધે એ પહેલાં તો હું પાછો આવી જતો હતો.

એક દિવસની વાત છે. હું અને મારા મમ્મી પપ્પા દરિયાના કિનારે સૂર્યસ્નાન કરી રહ્યા હતા. મને થયું કે લાવ દરિયાના પાણી પર થોડી લટાર મારી આવું. પણ મારા પપ્પાને ટેન્શન થયું. તેમણે મને ના જવા દીધો. પણ મારે તો જવું હતું આંટો મારવા. મારા પપ્પાએ કહ્યું કે બેટા દરિયાના પાણી પર બહુ ના ચલાય. પાણીમાં અનેક વિશાળકાય માછલીઓ હોય એ તારી નાની નાની પગલીઓ નીચે ચગદાઈ જાય.”

“પણ પપ્પા હું તો રોજ જાઉં છું. મારે આજે પણ આંટો મારવા જવું છે.”

“તું રોજ જાય છે ? અમને પૂછ્યા વિના ?” મારા પપ્પાને ચિંતા થઈ. “હવે તો તને કોઈ દિવસ નથી જવા દેવો.”

“મારે જવું છે પપ્પા” કહીને મેં જિદ પકડી.

“જો બેટા દરિયાના પાણીમાં તું જઈશ તો પાણીમાં તરતી માછલીઓના કાટાં તારા પગમાં વાગશે.” મારી મમ્મીએ મને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કર્યો.

“પણ મમ્મી...” હું કંઈ બોલું તે પહેલાં મારી વાત કાપીને મારા પપ્પાએ મને નાળિયેરીની લાલચ આપીને કહ્યું- “જો હું તને નાળિયેરી તોડીને ખવડાવું.”

“અરે મારા બાપ, પાછી નાળિયેરી ક્યાંથી આવી ગઈ ?” ભોંદુને મનમાં પ્રશ્ન થયો.

“પણ હું માનું તો ને. છેવટે મારા પપ્પા ગુસ્સે થઈ ગયા. “ના પાડીને એક વાર, નહીં જવાનું એટલે નહીં જવાનું.”

“તમારે જે કરવું હોય તો કરો. હું તો જવાનો જ છું.” મેં બરાબરની જીદ પકડી.

મારી મમ્મીએ મારો હાથ પકડ્યો, પણ મેં આંચકો મારીને છોડાવી લીધો. મારા પપ્પા મને પકડવા ગયા, પણ મેં દરિયાના પાણી પર દોટ મૂકી. ચિંતાના સૂરે મારી મમ્મી મને બૂમો પાડવા લાગી કે “પાછો વળ... પાછો વળ...”

મારા પપ્પા તો બરાબરના ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે “પાછો વળે છે કે લાકડી લઉં ?”

પછી મનેય ગુસ્સો આવ્યો. મેં કહ્યું “નથી વળવું જાવ.”

મને પકડવા માટે મારી પાછળ પાછળ એમણે પણ પાણીમાં દોટ મૂકી. પણ તે તો પાણીમાં ડૂબવા લાગ્યા. એમને ડૂબતા છોડીને મારે પણ આગળ ન વધી શકાય. આ તો તકલીફ ઊભી થઈ. હું દોડાદોડ પાછો આવ્યો. મારા પપ્પા જ્યાં પાણીમાં ડૂબતા હતા ત્યાંથી થોડેક જ છેટે ઊભા રહીને મેં દરિયાના પાણી ઉપર જોરથી પાટું માર્યું. અને હવા ભરેલા ફુગ્ગાને દબાવતા જે રીતે અંદર ભરેલી હવા બહાર નીકળી જાય તેમ મારા પપ્પા ઉછળીને દરિયાના કાંઠે પડ્યા. મેં દરિયાને એ રીતે દબાવ્યો હતો કે તે બહુ દૂર ન પડે, તે કાંઠા પરની રેતીમાં જ પડ્યા હતા.

“પપ્પા સોરી. હું આંટો મારીને આવું છું.” કહીને હું આગળ વધ્યો. પણ ત્યાં તો મારી મમ્મીએ ચાદર ખંખેરે એમ દરિયો ઉપાડીને ખંખેર્યો. હું તો ઉછળીને આકાશમાં જઈ ચડ્યો અને મારું માથું સીધું ચાંદા સાથે અથડાયું. જેવું અથડાયું કે ચાંદામાં ગોબો પડી ગયો. આજે પણ અહીંથી તમે જુઓ તો ચાંદામાં ગોબો પડ્યો હોય એવું લાગશે કે પછી તેની પર ડાઘ હોય એવું લાગશે. એનું કારણ એ જ કે આજથી હજારો વર્ષો પહેલાં મારું માથું તેની સાથે અથડાયું હતું.”

ભોંદુ બાઘાની જેમ તરંગનું માથું જોવા લાગ્યો.

“હું જેવો નીચે પડ્યો કે તરત જ મારી મમ્મીએ મને ઝીલી લીધો અને કહ્યું, “બેટા, તને ના પાડીને.... દરિયાના પાણીમાં બહુ દૂર ન જવાય... તું મોટો થઈ જા, પછી તને મોકલીશું બસ. તારામાં પાણી પર ચાલવાની કલા છે એ સારી વાત છે, પણ હજી તેનો ઉપયોગ કરવાની તારી ઉંમર નથી.”

“મારે તો જાવું જ છે.” માથું ભટકાવાને લીધે હું બરોબરનો ગુસ્સે થઈ ગયો હતો.

“ના પાડું છું એમાં તને ખબર નથી પડતી ?” હવે મારા મમ્મી પણ ગુસ્સે થવા લાગ્યા હતા.

મેં આંચકો મારીને તેમનો હાથ છોડાવી લીધો. પણ ત્યાં તો સામેથી ધૂળ ખંખેરતા ખંખેરતા મારા પપ્પા આવતા હોય એવું મને લાગ્યું. હું એમને આંતરીને આગળ વધવા જતો હતો, પણ તેમણે મારી આજુબાજુ દીવાલ જેમ પોતાના હાથ ખડકી દીધા. હું ચિંતામાં પડી ગયો. હવે જવાનો રસ્તો નહોતો. ઝડપથી જમીન ખોદીને હું બાકોરું પાડીને બીજી તરફ નીકળી ગયો. મારા પપ્પા તો જોતા જ રહી ગયા. હું દરિયાના પાણી પર જવા લાગ્યો. મારી મમ્મી મને પાછો વાળવા બીજો રસ્તો વિચારવા લાગી. મને લાગ્યું કે મારા જવાનો મેળ નહીં પડે. મેં દરિયાના કિનારે પડેલી એક નાનકડી છીપ જોઈ. દોડતા દોડતા એ છીપ મેં ઉપાડી લીધી. દરિયાના પાણી પર બરોબરની ઘસીને તેની અણી કાઢી.”

‘પાણી પર અણી કાઢવાની વાત કરે છે પણ વાત તો સાવ બુઠ્ઠી છે. વાતને અણી કાઢને ટણપા...’ કલ્પેન મનમાં બોલ્યો. પણ મનની વાત મનમાં રાખીને ચૂપચાપ સાંભળતો રહ્યો.

“મારા મમ્મી પપ્પા મને પકડવાનો કોઈ નવો કીમિયો અજમાવે એ પહેલાં જ મેં દરિયાની છીપથી દરિયાના કટકા કરી નાખ્યા. અને એ કટકા પૃથ્વી પર આમ-તેમ ફેંકી દીધા. બસ ત્યારથી આપણી પૃથ્વી પર નાના-મોટા અલગ અલગ દરિયાઓ છે, બાકી પહેલાં તો એક જ દરિયો હતો. અત્યારે બધા અલગ અલગ મત આપે છે. કોક કહે છે પૃથ્વી પર ચાર મહાસાગરો છે, કોઈ કહે છે પાંચ છે, કોઈ છ કહે છે તો કોઈ સાત. કેટલા ટુકડા થયા એ સમજવા હજીયે લોકો ફાંફા મારે છે બોલો.” તરંગે ઝડપથી વાત પૂરી કરી.

“હા, તારી વાત તો સાચી છે હોં. તેં જ દરિયાના ટુકડા કર્યા હશે. આ પરાક્રમ તારું જ હોવું જોઈએ.” કલ્પેન કટાક્ષ કરતો હોય એમ બોલ્યો અને બધા હસવા લાગ્યા.

ભોંદુ પૂછે એ પહેલાં જ કલ્પાએ તરંગની વાતમાં હામી ભરી દીધી હતી. વાત રોકાવાનું નામ નહોતી લેતી. એક પછી એક ગપ્પાની વણઝાર ચાલુ જ રહેતી હતી.

“હહહહ.... હવે તેં હા પાડી જ દીધી છે તો તું શરૂ કર તારી વાત.”

“હું તરંગે જે વાત કરી તેનાથી ય આગળના સમયની વાત કરવા માગું છું.”

તરંગે ભવાં ઊંચા કરી કહ્યું, “અચ્છા ?”

“હંમ્‌...” કલ્પેને એવા દૃઢ અવાજે કહ્યું, જાણે તે ક્યારનો વાત વિચારીને બેસી ગયો હતો.

તરંગને કલ્પના નહોતી કે કલ્પેન ગપ્પાં મારવામાં આટલું લાંબું ખેંચશે.