ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી-3
(અત્યાર સુધીની વાર્તા...)
અમદાવાદ જેવા મેગાસિટીમાં સ્ક્રીનપ્લે રાઇટર તરીકે કરિયર બનાવવા આવેલો અનુજ વાસ્તવવાદી છે, પણ તેની જિંદગીમાં એવી ઘટનાઓ બને છે કે તે એકાએક નસીબ પર ભરોસો કરતો થઈ જાય છે. આકાશના ખરતા તારાઓ પાસે માંગેલી ઇચ્છાઓ પર તેને વિશ્વાસ બેસી જાય છે. તેની જિંદગીમાં તેની ડ્રીમ ગર્લનો પ્રવેશ થાય છે. ધરા, એ છોકરીનું નામ. જે તેના માટે લકી હોવાનું અનુજ માનવા લાગે છે. ત્યાં એકાએક ધરા તેની સાથે બોલવાનું બંધ કરી દે છે. પણ શા માટે ?વાંચો આગળ...
******
ધરા શું જવાબ આપશે? આપશે કે નહીં આપે? એવા ડરથી તે ફોન પણ નહોતો કરતો. તેનું મન કામમાંથી ઊઠવા લાગ્યું. તે આખો દિવસ ધરાના જ વિચારોમાં રહેવા લાગ્યો. અનેકવાર તો જમવાનું અડધું મૂકીને જ ઊભો થઈ જતો. આખરે હિંમત એકઠી કરીને આઠમે દિવસે ધરાને ફોન લગાડ્યો.
ફોન ઊપડ્યો પણ ખરો. સામે છેડેથી જાણે વર્ષોથી જાણીતો લાગતો અવાજ આવ્યો, ‘હલ્લો, કોણ?’ મીઠો અવાજ સાંભળીને અનુજને શાતા તો વળી, પણ તેમાં ‘કોણ?’ એવો પ્રશ્ન કાંટાની જેમ ભોંકાયો. શું ધરાએ મારો નંબર પણ ડિલિટ કરી નાખ્યો? એવું તીર ઝડપથી તેની નાભિમાંથી પસાર થઈ ગયું, છતાં પણ મનને સંભાળતા જવાબ આપ્યો, ‘હ... હૅલ્લો, ધરા? હું... હું અનુજ.’
ધરાએ તદ્દન નિર્લેપતાથી કહ્યું, ‘હા, અનુજ. બોલ ને?’ બેબાકળા બનેલા અનુજને શું વાત કરવી? એની કોઈ ગમ ન પડતાં, બધા જ પ્રશ્નો એકસામટા ઠાલવી દીધા, ‘ધરા, શું થયું? તું કેમ વાત નથી કરતી? તું જવાબ પણ નથી આપતી? મારી કોઈ ભૂલ થઈ? તું કેમ વાત નથી કરતી? શું થયું? મને કંઈ કહે તો ખરાં...’ સામે છેડે ધરાએ માત્ર એટલો જ પ્રશ્ન કર્યો, ‘અનુજ, હું જરા કામમાં છું, પછી વાત કરું?’ અને ધરા સાથે વાત કરવાની પોતાની તમામ ઇચ્છાઓ અને આશાઓ પર જાતે જ પાણી ફેરવતા અનુજે કહ્યું, ‘ઓકે’.
રાત્રે ક્યા સુધી તેણે ધરાના મેસેજની રાહ જોઈ અને તેમાં ક્યારે એની આંખો ઘેરાઇ ગઈ? એનું અનુજને પણ ભાન ન રહ્યું. બીજા દિવસે ફરી એ જ રીતે રાહ જોઈ. ન ફોન, ન મેસેજ. અનુજે અનેક મેસેજ કર્યાં. ધરા બધા જ મેસેજ વાંચતી, વ્હોટ્સ એપ પર બ્લૂ ટિક દેખાતી ખરી, પણ જવાબ એક પણ ન આવતો. અનુજે પોતાના મનમાંથી ધરાના વિચારો હડસેલવાના પણ અનેક નિરર્થક પ્રયાસો કર્યા, પણ તેની કોઈ કારી ન ફાવી. વ્હોટ્સ એપ પરની દરેક બ્લિન્ક તેના મનમાં ધરાનો મેસેજ હોવાની તાલાવેલી જગાવતી. આખરે તેણે લખ્યું,
‘દોરા ધાગા માદડિયાં ને કંઈક પ્રયત્નો મેં કર્યા,
વેઢે ન ગણાય એટલા ત્રાગાં તને ભૂલવા મેં કર્યા.
પણ સાલ્લું, કહેવા પૂરતું હૃદય આ મારું,
વ્હોટ્સ એપની એક બ્લિન્ક ને ફરી તારું થઈ બેઠું.’
આખરે તેને થયું શું? અનુજ પાસે કોઈ જવાબ હતો નહીં અને ધરા જવાબ આપતી નહોતી. અનુજની તમામ આવડત, તમામ શક્તિ લગભગ હણાઈ ગઈ. તેના શબ્દોએ જાણે તેનો સાથ આપવાનું છોડી દીધું. શું લખવું, એ તેને સૂઝતું નહોતું. ન કોઈ નવી સ્ક્રિપ્ટ, ન કોઈ નવું એસાઇન્મેન્ટ. તેને મળતાં એસાઇન્મેન્ટ્સ પણ ઘટતા હોવાનો ભ્રમ તેને થવા લાગ્યો. ધરાના ‘લક’થી મળેલું એસાઇન્મેન્ટ પૂરું કરી આપવાનો સમય પણ નજીક હતો.
એક વખત અનુજે પોતાની કોઈ વાર્તામાં લખ્યું હતું, ‘પ્રેમમાં નિષ્ફળ જનારો પુરુષ કાં કલમના રવાડે ચઢે, કાં ચલમના એટલે કે શરાબના.’ કલમનો વ્યસની તો તે હતો જ પણ શરાબ પીવા માટે તેના સંસ્કારો છૂટ નહોતા આપતા. આખરે તેણે વચલો રસ્તો કાઢ્યો. પટાવાળા પાસે સિગારેટનું એક પાકિટ મંગાવ્યું. જિંદગીની પા સદી પછી પણ પેસિવ સ્મોકિંગ જેવા સિગારેટના ધુમાડાથી પણ જે દૂર ભાગતો એવા અનુજે પહેલી વાર સિગારેટને પોતાની પ્રિયતમા બનાવીને હોઠ પર લગાડી. પહેલો કશ લીધો અને... અને તેને ઉધરસ ચઢી આવી, તેના ગળામાં ડૂમો બાઝી ગયો. માંડ માંડ તેણે સિગારેટ પૂરી કરી.
અનુજને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. ધરા પર ગુસ્સો કરવાની તેનામાં હિંમત નહોતી. બીજી, ત્રીજી... એમ એક પછી એક સિગારેટ પીવાતી ગઈ અને બીજી તરફ તે પોતાનો ગુસ્સો કાગળ પર ઉતારવાના નિરર્થક પ્રયાસો કરવા લાગ્યો. તેણે લખ્યું,
‘અદૃશ્ય આંસુઓ સાથે ખિલખિલાટ હસવું પડે છે,
પ્રેમમાં ખત્તા ખાનારે સારું સારું જ લખવું પડે છે.’
સ્ટોરી લખતાં લખતાં અનુજે બારીમાંથી બહાર જોયું તો આકાશમાં એક તેજ લિસોટો દેખાયો અને ઘર નજીકની ઓટલા પરિષદમાંથી કોઈનો અવાજ આવ્યો, ‘જો આકાશમાં તારો ખર્યો...’ એ સાથે જ અનુજના મનમાં એક વિચાર રમી રહ્યો, ‘શું ખરતા તારા પાસેથી માગેલી વિશ ક્યારેય પૂરી થતી હશે?’ ક્યાંક દૂર એ જ તેજ લિસોટાને બીજી પણ બે આંખો જોઈ રહી હતી. આ જ સવાલ સાથે, આવા જ મનોભાવો સાથે..!
******
પ્રેમમાં નિષ્ફળ જતી સ્ત્રી માટેય સમાધાન કરવું સહેલું તો નથી જ હોતું, પણ પરિવાર અને બાળકોમાં તે પોતાની નિષ્ફળતા કદાચ ભૂલી પણ જાય! પરંતુ નીતાંત શુદ્ધ પ્રેમમાં નિષ્ફળ જનારા અનુજ જેવા યુવાન માટે આ ઘા કપરો હોય છે. ફિનિક્સ પંખીની જેમ પોતાના જ પ્રેમની રાખમાંથી બેઠા થનારા પ્રેમીઓ ઓછા હોય છે. તેમાંથી મૃગજળની શોધમાં દોડતા મૃગ જેવી હાલત જાણે અનુજની થઈ ગઈ હતી, તે લગભગ બ્હાવરો બની ગયો. ...અને અંતે પ્રેમ શબ્દમાંથી તેનો વિશ્વાસ ઊઠી ગયો. તેની લેખનશક્તિ ક્ષીણ થતી હોવાનો અનુભવ તેને થવા લાગ્યો હતો, શબ્દો જાણે તેનો સાથ આપવામાં આનાકાની કરવા લાગ્યા હતા. પોતાને મળેલું એસાઇન્મેન્ટ તો તેણે જેમતેમ કરીને પૂરું કર્યું, પણ તે ધારી અસર ન ઉપજાવી શક્યો. કહેવાય છે ને, કે જિંદગી અનુભવોમાંથી જ શીખવાડતી હોય છે. આમ ને આમ ચાર-છ મહિના નીકળી ગયા. અનુજ ફરીથી જિંદગીને પાટે ચઢાવવા પ્રયત્ન કરવા લાગ્યો. ત્યાં જ તેની જિંદગીમાં એક સ્ત્રીનો પ્રવેશ થાય છે.
એક દિવસ અનુજ મોલમાં શોપિંગ કરતો હોય છે, ત્યાં પાછળથી અજાણ્યો છતાં પરિચિત અવાજ આવે છે, ‘અનુજ?!’
અનુજે પાછળ ફરીને જોયું, તો એક ગોરી-ચિટ્ટી બ્યુટી ઊભી હતી.
(ક્રમશ:)
******
અનુજ પાસે અનેક સવાલો છે, પણ ધરા જવાબ આપે તો ને? અગેઇન, અનુજ આકાશમાં ખરતો તારો જુએ છે અને મનમાં ને મનમાં પ્રશ્ન કરે છે કે શું ખરેખર આવી કોઈ વિશ પૂરી થતી હશે કે શું? સામે છેડે એવી જ બે વિહ્વળ આંખો એ તારાને જોઈને આવો જ વિચાર કરે છે. વ્યક્તિ બે છે, શાઇનિંગ સ્ટાર એક જ છે, પ્રશ્ન એક જ છે, ઇચ્છા પણ એક જ, તો પછી નસીબે તેમને કેમ અલગ કર્યાં? અને એકાએક અનુજને મળી જનારી એ યુવતી કોણ છે?
આ તમામ સવાલોના જવાબ ‘ખરતો તારો : એક અનોખી લવસ્ટોરી’ના આગામી ભાગમાં...
******