નવલિકા
‘એ દિવસે’
લેખક: યશવંત ઠક્કર
એ દિવસે નિશાળેથી છૂટ્યા પછી મેં મારા ગામની વાટ પકડી. શિયાળાની સાંજ હતી એટલે વાતાવરણમાં ટાઢક હતી. ગામ દૂર હતું અને અંધારું ઢૂંકડું હતું. પીઠ પર દફતર હતું અને પગમાં ઉતાવળ હતી. મારા ગામમાં ચાર ધોરણ સુધીની જ નિશાળ હતી એટલે પાંચમું ધોરણ ભણવા મારે ઈંગોરાળા ગામે જવું પડતું. મારા નાનીધારી ગામથી દોઢ બે ગાઉ આઘું. અત્યારે વિચાર કરું તો એ દિવસો સુખસગવડ વગરના અને તકલીફોથી ભરેલા લાગે પરંતુ ત્યારે તો એવું જરા પણ લાગતું નહોતું. વોટરબેગ, રેઇનકોટ, લંચબૉક્સ વગેરે સાધનોના તો નામ પણ નહોતા સાંભળ્યાં છતાંય દિવસો મજાના હતા.
એ દિવસે હું એકલો જ હતો. થોડા દિવસોથી મારે એકલા જ ગામનો પંથ કાપવો પડતો હતો. નહીં તો બાલો, નાથો અને કાલીદાસ એ ત્રણ કે ત્રણમાંથી એકાદ તો મારી હારે હોય જ.
જો કે બાલો તો ઘણા દિવસોથી નિશાળે આવતો જ નહોતો. એને નિશાળે આવવું ગમતું જ નહોતું. એના માબાપ ખેત મજૂરી કરતાં. એમણે એમ કે દીકરો ભણે તો એને પારકાં કામ કરવા મટે. પણ બાલાને જેટલાં વાડી, વગડો અને ખેતર ગમે એટલી નિશાળ ન ગમે. ઘણી વખત તો એ વાટમાં વચ્ચે જ રોકાઈ જાય. અમે સાંજે પાછા ફરીએ ત્યારે એ અમારી હારે થઈ જાય. એનાં માબાપ તો પાછાં મારા ગામથી પણ આઘે એક વાડીમાં રહે. એટલે એને તો દીકરાના આવા ભણતર વિરોધી પરાક્રમોની ખબર જ ન હોય. એમાંય, ખરી મજા તો ખેતરો માંડવીના [મગફળીના] લીલાછમ છોડવાથી હર્યાંભર્યાં હોય ત્યારે આવે. નિશાળે જતી વખતે જ બાલો છૂટો પડી જાય. કોઈ રેઢા ખેતરમાં કૂદી પડે અને બાથમાં આવે એટલા માંડવીના છોડવા ખેંચી કાઢે. પછી નહેરમાં બેઠો બેઠો છોડવામાંથી માંડવીનાં ડોડવાં તોડે. સાંજે અમે નિશાળેથી છૂટીને ગામ ભણી આવતા હોઈ ત્યારે એ અમારી સાટું માંડવીનાં ડોડવાં લઈને અમને સામો મળે! અમારાં ખીસાં માંડવીથી ભરાઈ જાય! પછી તો અમારાં મોઢાં કામે લાગી જાય. અમારી આવી સરભરા કરવા બદલ બાલાની શરત એટલી જ હતી કે, ‘મારાં માબાપને કે’તા નઈ કે હું ભણવા નથી આવતો.’ નાથા અને કાલીદાસને આ શરત મંજૂર હતી પણ મને મનમાં થતું હતું કે આ ખોટું કહેવાય. બાલાનાં માબાપમાંથી કોઈ ભેગું થશે ત્યારે એમને એ વાતની જાણ કરી દઈશ. પણ, એવો વખત આવે એ પહેલાં જ બાલો નિશાળે આવતો સમૂળગો બંધ થઈ ગયો હતો.
નાથો, કાળીદાસનો મોટોભાઈ. બંને દડુભાઈ બાવાજીના દીકરા. દાદુભાઈ બાવાજી ખરા પણ એમને સારી એવી ખેતી પણ હતી. નાથો પણ કાલીદાસની હારે છઠ્ઠા ધોરણમાં ભણે. એ અમારાથી મોટો ખરો પણ એને મોટાઈ જરાય નહીં. બધી વાતમાં અમને સાથ આપે. પણ એટલું ખરું કે નિશાળેથી આવ્યા પછી કે નિશાળે ન જવાનું હોય ત્યારે નાથા હારે મારે બહુ હળવામળવાનું ન બને. અમારી એકબીજા હારેની લેણાદેવી જાણે કે નાનીધારીથી ઈંગોરાળા અને ઈંગોરાળાથી નાનીધારીનો પંથ હસતાંરમતાં કાપવા પૂરતી!
પરંતુ, કાળીદાસ તો મારો પાકો ભેરું. નિશાળેથી ઘેર આવ્યા પછી રાતે ગામના ચોકમાં એ મને ભેગો થાય જ. મારા ઘર પાસેથી નીકળતાં જ સાદ પાડતો જાય કે : ‘કાચ કાચનો કૂબો, તેલ તેલની ધાર; મારા ભેરુને આવતાં કેટલી વાર!’ ને એની વાંહે દોટ મૂકતાં જ હું વળતો જવાબ આપું કે : ‘આવું છું આવું છું; લાલ ટોપી લાવું છું.’ ચોકમાં ગામના બીજા છોકરા પણ આવી ગયા હોય. ક્યારેક હુતુતુતુ, લંગડી, એવડો દેવડો, સાત તાળી જેવી રમતો રમીએ. તો ક્યારેક ધારે [ટેકરીએ] ચડીને બેસીએ ને અલકમલકની વાતો કરીએ. વાતો મોટાભાગે ભૂતપ્રેતની, બહારવટિયાની, ભવાયાની અને વગડાની હોય. ગામમાં શું નવાજૂની થઈ એની પણ વાત નીકળે. ઉપર વિશાળ ગગન હોય, પરણવા નીકળેલા વરરાજાની જેમ ચાંદો વટ મારતો હોય, હરખપદોડા જાનૈયાની જેમ તારા ટમટમતા હોય, ગીરમાંથી ગળાઈને આવતો પવન હોય, તળેટીમાં ફાનસ અને દીવા ઝાંખાં કરીને ઢબુરાઈ ગયેલું ગયેલું ગામ હોય અને અમે ને અમારી એ વાતો! ગમે એટલું મોડું થઈ ગયું હોય પણ મને ઘર સુધી મૂકી જવાની જવાબદારી કાળીદાસની જ હોય!
કાળીદાસ ભારે ખેપાન! સસલું દોડીને જાળામાં સંતાઈ જાય એમ કાલીદાસ ગામની શેરીમાં, કોઈની ડેલી કે ખડકીમાં એવો સંતાઈ જાય કે ગોત્યો ન જડે. ઘૂનામાં નહાવા પડે ત્યારે ડૂબકી મારે ક્યાંક અને નીકળે ક્યાંક! એને ઝાડની ટોચે પોગતા આવડે. ઘોડો દોડાવતા આવડે. બળદગાડું હાંકતા આવડે. ઠાકોરજીની આરતી ઉતારતા આવડે. ખેતીકામ આવડે. ચિત્રકામ પણ આવડે. જેને ત્યાં ભાગવત સપ્તાહ બેસવાની હોય એના ઘરની ભીંતો પર કાળીદાસ મોર, પોપટ, હાથી, ઘોડા, ઝાડ, ડુંગર, નદી એવાં ભાતભાતનાં ચિત્રો દોરી આપે.
અમારા ગામથી ઈંગોરાળા ગામનો કેડો ધૂળિયો અને વાંકોચૂકો હતો. ક્યાંક ઉઘાડો તો ક્યાંક કાંટાળા થોરથી ઢંકાયેલો. કેડાની બેઉ કોર્ય ખેતરો. આઘે નજર નાખીએ તો પાનાળો ડુંગરો અડીખમ ઊભો હોય. ઊભા કેડે પંખીઓનો કલબલાટ! વિવિધ ઋતુમાં કુદરતનાં વિવિધ રૂપનાં અમને દર્શન થાય. અમે અવનવી વાતો કરતાં, આવડે એવાં ગીતો ગાતાં અને દુહાઓ લલકારતાં. હું, ગામમાં અવારનવાર ખેલ કરવા આવતા મદારી, ચૂંદડિયા બ્રાહ્મણ, ભવાયા, મલ, બજાણિયા વગેરેના ચાળા પાડતો અને એમાં મારી કલ્પના ઉમેરતો. ક્યારેક કથાકારની જેમ કથા કરતો. કાલીદાસ અને નાથાને મારી રજૂઆતથી મજા પડતી અને અમારો પંથ જોતજોતામાં કપાઈ જતો.
દરેક ઋતુની મજા હોય તો સજા પણ હોય. પરંતુ કાળીદાસ હારે હોય એટલે ઘણીખરી બલાઓ અમારાથી આઘી રહે. શિયાળામાં તો હાલીએ એટલે ટાઢ્ય ભાગી જાય. પણ ઉનાળામા સૂરજદાદો આકરો થાય એટલે પગબળણું બહુ હોય. અભાવના કારણે ઘણી વખત અમે ચંપલ કે જોડાં પહેર્યા ન હોય. કાલીદાસ એની કરતબ દેખાડે. ખાખરાનાં પહોળાં પહોળાં પાન તોડે. સળીઓને ખપમાં લઈને એ પાન જોડે. પછી વેલાને ખપમાં લઈને અમે એ પાન અમારા પગના તળિયે બાંધી દઈએ. ફાવટ વગરનું લાગતું પણ ઘણી રાહત થઈ જતી. બહુ તરસ લાગે તો કાળીદાસ કહેતો કે : ‘હાલ્યા આવો મારી વાંહે વાંહે.’ એ કોઈ એવા ખેતરમાં લઈ જાય કે જ્યાં ઝાડને છાંયે પાણીથી ભરેલો દેગડો રેઢો પડ્યો હોય. અમે કરકસર કરીને અમારાં ગળાં ભીનાં થય એટલું પાણી પીતા અને વહેતા થતા. ખેતરનો ધણી આઘેથી આ બધું જોતો હોય તો પણ એ પાણીની વાતમાં મન મોટું રાખે. ચોમાસામાં તો કાલીદાસ મને એક જ સલાહ આપે કે: ‘નદી, નાળું, ખાડો, કાદવ કાંઈ પણ હોય; તારે અમારી વાંહે વાંહે હાલ્યા આવવું, ક્યાંય રોકાવાનું નહિ. રોકાયો તો મર્યો માનજે.’ કાલીદાસની એ સલાહને હું વગર આનાકાનીએ અમલમાં મૂકતો કારણ કે મને કાલીદાસ પર વિશ્વાસ હતો. હું ક્યાંય પણ રોકાઉં તો એ હાથ લાંબો કરીને ઊભો જ હોય. નિશાળે જતી અમે અમારા દેહને બને એટલા કોરા રાખવાની કાળજી રાખતા. પરંતુ પાછા ફરતી વખતે અમે ધરાઈ ધરાઈને પલળતા. દફતર પલળી ન જાય એ માટે એને નિશાળમાં જ રહેવા દેતા. બીક પછી કોની અમારે! ઓહ! ધોધમાર વરસતા વરસાદને ઝીલવાના એ દિવસો! કુદરતને મન ભરીને માણવાના એ દિવસો! ડુંગરા અને ઝાડવાં પલળે તો અમે કેમ બાકી રહીએ?
શાળામાં વ્યાયામના એક ભાગ રૂપે મારે જે શીખવું જરૂરી હતું એવું ઘણું ઘણું કાળીદાસે મને શીખવાડ્યું હતું. કાળીદાસના લીધે જ ઊંચો કુદકો, લાંબો કૂદકો, શીર્ષાસન, કમાન વગેરેમા મારું પ્રદર્શન શ્રેષ્ઠ નહીં તો પણ ઘણું સારું કહેવાય એવું શક્ય બન્યું હતું. એ સિવાય પણ નદી, ખેતર, વાડી, ડુંગર, સીમ, વગડો જેવાં તીર્થધામની મારી જાત્રા કાળીદાસના સંગાથ વગર અધૂરી જ રહેત. આવી બધી વાતોનો સાર એટલો જ કે ‘હું થોડોઘણો રીઢો થયો હોઉં તો એ કાળીદાસના સહવાસના કારણે. બાકી, આખા ગામની એવી માન્યતા હતી કે, ‘વેપારીના દીકરાએ તો ભણવામાં અને હાટડીમાં જ ધ્યાન દેવાનું હોય. ગામના છોકરા હારે પાટકવાનું ન હોય. બગડી જાય.’
અને આ બધું એકતરફી નહોતું. ભાઈબંધીમાં એકને મજા આવે ને બીજાને ન આવે તો એ ભાઈબંધી થોડી ટકે? મારી ભાઈબંધીમાં એને પણ મજા આવતી હતી. મારી પાસેથી એને વાંચવાલાયક ચોપડીઓ મળે. સાંભળવી ગમે એવી વાતો મળે. મારા મોટાભાઈને વાંચવાનો ખૂબ શોખ. હું નિશાળના પુસ્તકાલયમાથી એમને વાંચવા માટે નવલકથાઓ અને વાર્તાસંગ્રહો ઘેર લઈ જતો. એ પુસ્તકો હું પણ વાંચતો. મારા વાંચનનો સાર હું કાળીદાસને કહેતો. એને એ ગમતું. હું પોતે પણ ક્યારેક ગાંડુંઘેલું લખતો અને કાલીદાસને વાંચવા આપતો. આમ એ મારો પહેલવહેલો વાચક! એક વખત એ પરાણે મારું લખાણ એના બાપુને બતાવવા લઈ ગયો હતો. એના બાપુએ મારો ઉત્સાહ વધે એવા વેણ કહ્યાં હતાં. એ વેણનો જ પ્રતાપ કે આજે થોડુંઘણું લખી શકું છું.
પરંતુ, એ દિવસે હું એકલો જ હતો. થોડા દિવસોથી મારે એકલા જ ગામનો પંથ કાપવો પડતો હતો. કારણ કે અમારી વચ્ચે અબોલા થઈ ગયા હતા. વાત એમ બની હતી કે નિશાળે જતી વખતે હારે નીકળવાનો નિયમ એક દિવસ તૂટ્યો હતો. આમ તો કાલીદાસ અને નાથો ઘેરથી નીકળે અને મને હારે લેતા જાય કારણ કે મારું ઘર વચમાં આવે. કોઈ વખત મોડું થાય તો હું સામેથી એમના ઘેર પોગી જાઉં. પછી એ ન આવવાના હોય તો હું એકલો મારી મૂકું. હું બહુ રજા ન પાડતો. નિશાળે જવાનું મોડું થાય તો મારો જીવ બળતો. એવું થવાનું એક કારણ મારા શિક્ષક કનૈયાલાલ જોશી. એ એવી રીતે ભણાવતા કે મને એમ થાય કે બસ, ભણાવ્યા જ કરે. બહુ જ ખુલ્લા મનના અને હસમુખા હતા. એમને સાહિત્ય અને સંગીતનો પણ શોખ હતો. અભ્યાસમાં અન આવતી હોય એવી એવી નવી વાતો પણ કહે. એ વખતમાં આવા શિક્ષક કોઈક જ જોવા મળતા.
એક દિવસે એવું બન્યું હતું કે નિશાળે જવાનો વખત વીતી ગયો હતો. ઘણું મોડું થઈ ગયું હતું. નાથો અને કાલીદાસ હજી આવ્યા નહોતા. મારે પણ તૈયાર થવામાં મોડું થયું હતું. હવે જો કાલીદાસની ઘેર જાઉં તો વધારે મોડું થાય. અને, એમ કર્યા પછી પણ જો એ લોકો ન આવવાના હોય તો છેવટે તો મારે એકલા જ નીકળવાનું થાય. મને થયું કે ‘જો એ લોકો આવવાના હોત તો આવી ગયા હોત. હવે નહીં આવે. હું હાલતો થાઉં. એ લોકો નીકળશે તો ઝડપ રાખીને મારે હારે થઈ જાશે.’ એકલો નીકળ્યો તો ખરો પણ વારેવારે પાછવાળું જોયા કરતો હતો. કદાચ નાથો અને કાળીદાસ નીકળ્યા હોય તો હું જરા ધીમો પડું અને એ અમે હારે થઈ જાઈ.
અમે હારે થયા નહીં. જો કે, એ બેય ભાઈઓ મોડા મોડા પણ નીકળ્યા હતા ખરા! બસ, નિશાળેથી પાછા ફરતી વેળાએ એ વાત પર અમારી વચ્ચે વડસડ થઈ. એમનું કહેવું એમ હતું કે ‘તેં અમારી રાહ ન જોઈ. તું ભણતરની મોટી પૂછડી થઈ ગયો છો. તને અમારી પડી નથી.’ મેં મારી રીતે મારો બચાવ કર્યો કે ‘અમારે, તમારે છે એવી ખેતી નથી. નાનકડી દુકાન છે પણ હવે પહેલા જેવો ધંધો નથી. મારે ગમે ત્યારે ગામ છોડીને શહેરમાં નોકરીએ લાગવું પડશે. એટલે મારે તો ભણતરની પૂછડી થયા વગર છૂટકો નથી.’ વડસડ વધતી જ ગઈ. ગામ આવ્યું ત્યારે અટકી. અટકી તો એ ફેંસલા સાથે અટકી કે ‘કાલથી એકબીજાની રાહ ન જોવી અને પોતપોતાની રીતે જવું ને આવવું.’ એ સિવાય મારે એમની હારે બોલવાનું નહી એ પણ નક્કી થઈ ગયું.
એજ ઘડીથી અમારો અબોલાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. પછી તો એ જ ગામ, એ જ ટેકરી. એ જ નદી, એ જ પંથ, એ જ ઝાડવાં, એ જ વગડો અને એ જ પંખીઓનો કલબલાટ; પણ અમારા કલબલાટને ઘોબો વાગી ગયો. નિશાળે જતી વખતે અને નિશાળેથી આવતી વખતે હું કાળીદાસ અને નાથા નોખો હાલતો. નિશાળેથી આવ્યા પછી પણ કાળીદાસ હારે રમવાનું અને બેસવાનું બંધ થઈ ગયું. એ હોય ત્યાં હું ન જાઉં અને હું હોઉં ત્યાં એ ન આવે.
દિવસો જવા લાગ્યા. મને અબોલા આકરા લાગવા માંડ્યા હતા. મનમાં એમ થાય કે આ અબોલા તૂટે તો સારું. પણ પહેલ કોણ કરે? છેવટે તો સવાલ વટનો હતો.
એ દિવસની વાત પર આવું તો નિશાળેથી છૂટીને હું એકલો જ મારા ગામ તરફ ઉતાવળે ઉતાવળે ડગલાં ભરી રહ્યો હતો. કાલીદાસ અને નાથો બંને એ દિવસે નિશાળે આવ્યા નહોતા. આવ્યા હોત તો પણ અમે નોખા નોખા જ હાલતા હોત. અબોલા હતાને એટલે.
અને, મને પાછળથી ‘તબડક તબડક તબડક’ અવજ સંભળાયો. મને કોઈ ઘોડેસવાર આવતો હોવાનું લાગ્યું. મેં ઊભા રહીને પાછળ જોયું તો કાલીદાસ ઘોડો દોડાવતો આવતો હતો. મેં તરત જ મોઢું ફેરવી લીધું અને ઊંધું ઘાલીને હાલવા લાગ્યો. બોલવાનો તો સવાલ જ નહોતો. પરંતુ વિચાર પર ક્યાં લગામ રાખી શકાય છે? મને વિચાર આવ્યો કે: ‘એ કોઈ કામે નીકળ્યો હશે ને હવે ઘર ભણી પાછો જઈ રહ્યો હશે.’
કાળીદાસ મારી હારે થઈ ગયો. મને હતું કે એ ચૂપચાપ પસાર થઈ જશે. પરંતુ, એમ ન થયું. મેં નહોતું ધાર્યું એવું બન્યું. એણે મારી બાજુમાં ઘોડો ઊભો રાખી દીધો. મારી સામે હાથ લંબાવ્યો અને બોલ્યો : ‘આવતો રે.’
મારા માટે એ અણધાર્યું આમંત્રણ હતું. એક ક્ષણ માટે તો મને એ આમંત્રણને ઠુકરાવી દેવાનું મન થયું. પણ બીજી જ ક્ષણે મેં મારો હાથ કાળીદાસના હાથ તરફ લંબાવ્યો અને એણે મને ખેંચીને ઘોડા પર આગળ બેસાડી દીધો. પછી તો જાણે અબોલા જેવું કશું જ બન્યું ન હોય એમ અમે વાતોએ વળગ્યા.
ગામ આવ્યું. મારું ઘર આવ્યું. અમે છૂટા પડ્યા. છૂટા પડતી વખતે મારાથી બોલાઈ ગયું : ‘રાતે ભેગા થાઈ.’
‘ભલે.’ કહીને એણે ઘોડો દોડાવી મૂક્યો.
એ દિવસે અમે રાતે ભેગા થયા અને પછી તો ફરી એ જ ભાઈબંધી.
એ દિવસે કોઈની પણ સમજાવટ વગર જ એક જ ક્ષણમાં અમારા અબોલા તૂટ્યા કારણ કે અમે ભાઈબંધ હતા ને વળી ત્યારે અમારું બાળપણ હતું!
[સમાપ્ત]