Dikari Mari Dost - 11 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત - 11

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત - 11

દીકરી મારી દોસ્ત

  • ...
  • આંખોમાં ઉગતું વહાલપનું વનરાવન...
  • ઝગમગ દીવડી ...સ્નેહનો પ્રકાશ ...અંતરની શીતળતા

    વહાલી ઝિલ,

    “ મનમાં અતલ ઉદાસી ને આંખોમાં ચૈત્રતા, જાણે વરસાદમાં અંધારાયેલ કોઇ દિવસ.! ” કાલે શુભમ ગયો. અને આટલા દિવસથી થિરકતી, નાચતી, કૂદતી..તું બે દિવસ ઉદાસ બની ને મૌન થઇ ગઇ. કદાચ શુભમ સાથે ગાળેલ ક્ષણોને મનમાં જ માણતી રહી. એ ક્ષણોને ફરી એકવાર અંતરમાં ઉજાગર કરતી રહી. મને ખબર હતી..વહેલી મોડી તું આ ક્ષણોમાં મને ભાગીદાર બનાવીશ. કેમકે આપણે ફકત મા દીકરી જ થોડા હતા ? આપણે તો હતા..(ને છીએ) પરમ મિત્રો ! પણ.તું યે કદાચ મારા પૂછવાની જ રાહ જોતી હતી..! અને તું કહેતી રહી....હું અખૂટ રસથી તારા ભાવવિશ્વ માં તારી સાથે વિહરતી રહી.

    શુભમે આમ કહ્યું..અમે આમ કર્યું. અમે અહીં ફર્યા..આ ખરીદી કરી “અમારા ઘર “માં આમ કરે ને “ અમારા ” ઘરમાં બધાને આ ગમે ને આ ન ગમે.. તારી યે જાણ બહાર તારી વાતોમાં આપણા ઘરને બદલે “ અમારું ઘર “ શબ્દ આવી ગયો હતો.

    “ વહાલમ,તારે ફળિયે હું તો વહાલ થઇને વરસું, પારિજાતના ખરખર ખરતા ફૂલ બનીને મહેકું.” એક દિવસમાં પારકાના ઘરને પોતાનું ગણી શકે તે સમજણ દરેક ભારતીય પુત્રીમાં કયાંથી ઉગી નીકળતી હશે ? મારી પુત્રી આજે બીજાને શું ગમે ને શું ન ગમે....એની વાતો કરતી હતી. હું તારી મુગ્ધતામાં ખોવાઇને તારી એ થનગનતી ક્ષણો માણતી હતી. આવા દિવસો એકવાર મેં પણ માણ્યા હતા. આજે મારી પુત્રી દ્વારા ફરી એકવાર એ રોમાંચક દુનિયામાં હું યે ગુમ થઇ હતી. અને આશીર્વાદની અમીધારા તો હમેશની જેમ વહેતી જ હતી. ” બેટા,તારા સપના સૌ અખંડ સૌભાગ્યવંતા બની રહો. તારા શમણાને સમયની નજર કયારેય ન લાગે આ ‘ નજર ‘ શબ્દની સાથે જ એક દ્રશ્ય “હાજીર હૂં..” કરતું મારી સામે દોડી આવ્યું. તું એક વરસની હતી. તારા કિલકિલાટથી અમે ગૂંજતા હતા. ત્યારે તને બે ચાર દિવસ તાવ આવ્યો. અને દવા આપવા છતાં જલ્દી ઉતરતો નહોતો. ત્યારે ઘણાં એ મને કહ્યું કે “ છોકરીને કોઇની નજર લાગી ગઇ છે. કાળા દોરા...” નજરિયા “ નથી બાંધ્યાને એને એટલે.! બા પણ ચિડાયા..અને કાળા દોરા હાથમાં અને ગળામાં બાંધવા કહ્યું. હું તો આ બધામાં જરાયે ન માનું. અને જે ન માનું તે કયારેય કરું પણ નહીં જ. એટલે દોરા ..ને એવી બધી વાતોમાં જરા પણ વિશ્વાસ ન હોવા છતાં..તે દિવસે એક “મા” એ બધી જીદ મૂકીને એકવાર તો તારા ગળામાં “નજરિયા” પહેલી ને છેલ્લી વાર જરૂર બાંધ્યા હતા. મા ની લાગણીને કયાં કોઇ માન્યતા હોય છે ? તાવ તો અલબત્ત દવાથી જ ઉતર્યો. અને ત્યાર પછી કયારેય એ બધું સ્વીકાર્યું નથી.

    તારી સગાઇ વખતે પણ ઘણાં એ કહેલ કે આજે ઝિલ બહું સરસ દેખાય છે. કાન પાછળ એક કાળુ ટપકુ કરી દેજો. કહેનાર વડીલ હોવાથી મેં દલીલ તો ન કરી. પણ કંઇ કર્યું પણ નહીં. મેં તો મૂરત, ચોઘડિયું પણ કયાં જોવડાવ્યા હતા ? ઇશ્વરને જો ખરેખર માનતા હોઇએ તો ઇશ્વર નિર્મિત એક પણ ક્ષણ ખરાબ...અશુભ કેમ હોઇ શકે ? અને છતાં આજે સમાજમાં અંધશ્રધ્ધા..અંધવિશ્વાસ ને લીધે કેટકેટલી માન્યતાઓ પ્રવર્તે છે.

    આપણે ત્યાં કામ કરતા દેવીબહેનનો પ્રસંગ યાદ આવે છે. તે દિવસે રોજની જેમ દેવીબહેન ઘેર કામ કરવા આવ્યા ત્યારે થોડા ઉદાસ હતા. કારણ પૂછતાં તેમણે કહ્યું કે આજથી હવે ઘેલા (તેનો દીકરો) ને દૂધ પીવા નહીં મળે. મેં કહ્યું, ‘ કેમ, તમારે ઘેર તો ગાય છે. રોજ તમે એને પીવડાવો જ છો ને ? ‘ તો કહે, ‘ હા,પણ હવે ગાય તો મોટા છોરા ને આપી દીધી.’ મને નવાઇ લાગી. કેમકે તેનો મોટો દીકરો તો મૃત્યુ પામ્યો હતો તે મને ખબર હતી. પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે કાલે તેને ઘેર તેમના ગોર મહારાજ આવેલ..અને કહેલ કે તેનો મૉટો દીકરો જે ભગવાનને ઘેર ગયો છે તે દુ:ખી છે. અને ત્યાં તેને પીવા માટે દૂધ નથી મળતુ. અને ઠંડી પણ બહુ લાગે છે. હવે જો તેને દૂધ પહોચાડવું હોય અને ઠંડી ન લાગે તેમ કરવું હોય તો ગોર ને ગાય અને ગોદડાનું દાન આપો તો જ ઉપર ભગવાનના દરબારમાં તેને દૂધ પીવા મળે. ને ઓઢવા મળે. એટલે દેવીબહેને બિચારાએ તે ગોરમહારાજ ને ગાય અને સરસ મજાનું પેચ વર્ક કરેલ ગોદડું હોંશે હોંશે આપી પુત્રની ઠંડી મિટાવ્યાનો..કે પુત્રને દૂધ પીવડાવ્યાનો સંતોષ મેળવ્યો. મને ખૂબ દુ:ખ થયું. મેં તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પણ તે કહે, ‘ તમે સુધરેલા..ભણેલા લોકો આવું બધું માનો નહીં...એટલે આવું બોલીને તમે યે પાપમાં પડો છો અને મને યે પાપમાં નાખો છો..! ’

    હવે શું કહેવું તે મને તો સમજાયું નહીં...આવા દેવી બહેનોની સમાજમાં... આજે એકવીસમી સદીમાં યે કયાં ખોટ છે ? એક તરફ ઇન્ટરનેટ અને હાઇ ટેક યુગની વાતો આપણે કરીએ છીએ..ત્યારે બીજી તરફ હજુ યે જૂની માન્યતાઓ અને રિવાજો અને અંધશ્રધ્ધામાંથી બહાર આવી શકતા નથી. આજે યે દોરા ધાગા...મેલી વિધ્યા, તાંત્રિકોની માયા જાળ, ભૂત પલિત, ચમત્કારો ..વિગેરેના દાયરામાંથી છૂટી શકતા નથી. આજે પણ સ્ત્રી ને ડાકણ કે અપશુકનિયાળ ગણી ને વ્યવહાર થતા રહે છે. એનો ઇન્કાર કયાં થઇ શકે તેમ છે ? એક તરફ આજે સ્ત્રી અવકાશ ક્ષેત્રે સિધ્ધિ મેળવી રહી છે. અને બીજી તરફ આ અંધ શ્રધ્ધાની દુનિયા નાની સૂની નથી.

    ખેર.! એક દિવસ મેં પણ તને નજરિયુ બાંધ્યું જ હતું ને ? આજે યે ભણેલ ગણેલ લોકો પણ લીંબુ મરચાથી નજર ઉતારતા દેખાય છે .બારણે લટકતા લીંબુ ,મરચા આજે ઘણી જગ્યાએ નજરે પડે જ છે. અને ભૂલથી યે એવું ન માનતી કે આ બધું આપણા દેશમાં જ છે... કે અભણ, અશિક્ષિત વર્ગમાં કે ગામડામાં જ છે ? કદાચ વિશ્વનો કોઇ દેશ આમાંથી બાકાત નથી જ. યુ.એસ. કે યુ.કે. જેવા વિકસીત દેશમાં પણ પરિસ્થિતિ બહુ હરખાવા જેવી નથી જ. એક યા બીજા વહેમથી ત્યાંના લોકો યે ઓછા પીડિત નથી જ. માણસ પાસે જેમ પૈસો, સફળતા, પદવી વધારે તેમ તેને ગુમાવવાનો કે સાચવી રાખવાનો ભય પણ વધારે. એટલે જ આપણે વારંવાર સાંભળીએ છીએ..શ્રીમંત લોકો લાખો રૂપિયાના ધુમાડા કરી ને હોમ, હવન કરાવતા રહે છે. જાતજાતની ધાર્મિક વિધિઓ કરાવતા ફરે છે. અલગ અલગ વીંટીઓ, માળાઓ, માદળિયાઓ પહેરતાં રહે છે. એને શ્રધ્ધાના પ્રતીક તરીકે ઓળખાવતા રહે છે. હકીકતે એ માનવની અંદર રહેલ એક ભય જ દર્શાવે છે...નિષ્ફળતા નો ભય. આ વસ્તુ મારા માટે શુકનિયાળ. છે....લકી છે. એમ આપણે દરેક પાસેથી કયારેક તો સાંભળ્યું જ હશે. અને જયોતિષીઓ...પંડિતો, પુરોહિતો એ બધી માન્યતાઓને પોષતા રહે છે. અંતે એમને યે એમનો ચૂલો સળગતો તો રાખવો જ રહ્યો ને ? જયોતિષ એક વિજ્ઞાન છે જ. પણ એ માટે એના સાચા જાણકાર....સાચા વિદ્વાન .. પળે પળની ગણતરી.. માંડી શકે .ગણિત નું પૂરું જ્ઞાન.. હોય એટલો સમય..હોય..એ બધું આજે કયાં ? એવી વ્યક્તિઓ કેટલી ? અહીં કોઇની ટીકા કરવાનો કે સારું , ખરાબ કહેવાનો આશય નથી. પણ કહેવાનો અર્થ એટલો જ કે માણસમાત્રના અજ્ઞાત મનમાં રહેલ કોઇ ભય તેને આ બધું માનવા , સ્વીકારવા પ્રેરે છે. એમાંથી બહાર આવવું આસાન નથી જ. અસલામતીની ભાવના જેમ નાના શિશુમાં હોય છે તેમ દરેક માં ઓછે વત્તે અંશે હોય જ છે. એમાંથી કયારેય બહાર નીકળી શકાશે કે કેમ એ અત્યારે તો કેમ કહી શકાય ? સમયનું ચક્ર કયારે..કેમ ઘૂમશે એનો પાર કેમ પામી શકાય ?

    આ ક્ષણે તો સમયને ભૂલીને પુત્રી સાથે વિહરી રહી છું. બેટા, જન્મથી અત્યાર સુધીમાં તારા કેટકેટલા સ્વરૂપો જોયા છે, જાણ્યા છે , માણ્યા છે. અને હજુ કેટલાય જોવાના બાકી છે. તું ચાલતા શીખી....બોલતા શીખી....સ્કૂલે જતી થઇ....દરેક અવસ્થાની આગવી ક્ષણો મનના કેમેરામાં એવી તો કંડારાઇ ગઇ છે કે જે સમયની સાથે ઝાંખી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે.

    ધીમે ધીમે તારું વર્તુળ વિસ્તરતું ગયું.. અને આજે એના કેન્દ્રમાં મારી જગ્યાએ શુભમ કયાંથી....કેમ..કયારે આવી ગયો....તેની મને તો ખબર સુધ્ધાં ન પડી..તને પડી હતી કે કેમ એ યે કદાચ પ્રશ્ન છે....જેનો પૂરો જવાબ કદાચ તારી પાસે યે નહીં હોય. એ તકાજો યૌવનનો, પ્રકૃતિનો હોય છે . અને દરેક દીકરીના આકાશમાં અનાયાસે એ છાના પગલે આવી જ જાય છે.

    ”તારીખ ,વાર એના હું નહીં આપી શકું, મલકયું’તુ એક ફૂલ,એટલું બસ યાદ છે.” માને કેન્દ્ર સ્થાને રાખીને ફરતી તું હવે શુભમની આસપાસ ફરતી થઇ. એ સ્વાભાવિક પરિવર્તન દરેક મા એ હોંશે હોંશે સ્વીકારવું જ રહ્યું. દરેક દીકરી ને એક દિવસ પોતાનો આગવો સંસાર,આગવું ઘર હોય છે. બસ... એ ઘરમાં તું ખીલતી રહે, ને જીવનમાં આવતી સારી નરસી દરેક ક્ષણોમાં પણ અંતરની અમીરાત અકબંધ જળવાઇ રહે....એ જ પ્રાર્થના દરેક મા ની દીકરી માટે હોય ને ? મારા મનમાં તો અત્યારે રમી રહે છે..કયાંક વાંચેલી આ સુંદર પંક્તિઓ.

    ”મોરલીની માધુરીને માથે ધરીને રાજ, મારગ થઇ મથુરાના ચાલશું, ગોરસ થઇ વ્હાણે વલોણે છલકાઇશું...કે કળીઓ કદંબની થઇ મહોરશું, વહાલપના વેણે વનરાવન થઇ મલકીશું. તારા અને દરેક દીકરીના જીવનમાં વહાલપના વનરાવનની ખોટ કયારેય ન રહે...એ જ આશિષ સાથે.

    “ બેટા, એક દિવસ તું યે માતૃત્વની દીક્ષા પામીશ . ત્યારે ખાસ યાદ રાખજે..આવનાર બાળક માટે તારે પૂરેપૂરો સમય ફાળવવો જ રહ્યો. એ દરેક બાળકનો અધિકાર છે.. એ અધિકાર બાળકને મળવો જ જોઇએ. બાળક માટે ભોગ આપવાની પૂરી માનસિક તૈયારી ન હોય ત્યાં સુધી બાળકને આવકારીશ નહીં.. એક શિશુનું આગમન તારી સમગ્ર દુનિયા બદલી દેશે. એ બદલાવ માટે તમે બંને બધી રીતે તૈયાર હો ત્યારે જ બાળકના આગમનને વધાવી શકાય. બાળક એ ઇશ્વરનું અણમોલ વરદાન છે. એ વરદાનનું ઉચિત સ્વાગત કરવું...એ તમારી પ્રથમ ફરજ છે. અને તમે જે કહેશો એ બાળક કયારેય નહીં શીખે..પરંતુ તમે જે કરશો એ બાળક કોઇ પ્રયત્ન વિના પણ આસાનીથી શીખી લેશે. એટલે બાળકને જે શીખડાવવા ઇચ્છતા હશો એવું વર્તન તમારે પ્રથમ કરવું જ રહ્યું. અને શિશુના સ્વાગત માટે, આવકાર માટે પૂર્વતૈયારી રૂપે...શારીરિક અને સાથે માનસિક સજ્જતા પણ કેળવવી રહી. અને બાળઉછેર એ વિજ્ઞાન તો છે જ. પણ કોરું વિજ્ઞાન એમાં કામ આવતું નથી. એ એક કલા પણ છે. સ્નેહ અને સંસ્કારની કલા. જેને પ્રત્યેક માતા પિતાએ આત્મસાત્ કરવી પડે છે. જો બાળકને સાચા અર્થમાં કંઇક બનાવવું હોય તો. બાળઉછેર માટે જો ફકત એક જ વાત કરવાની હોય તો હું તો આટલી જ કરું. “ તમે કહેશો તેમ બાળક કયારેય નહીં કરે, પણ તમે કરશો તેમ બાળક અચૂક કરશે. “ બસ...આમાં બધું જ આવી ગયું ને ?