ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 2
લેખક- પારાવારનો પ્રવાસી
ગેંડાના ગઢમાં પ્રવેશ
એપ્રિલ 2, 2015. સવારના ૬ વાગ્યા છે, તો પણ અહીં ખાસ્સુ અજવાળું છે. ભારતનો પૂર્વ ભાગ હોવાથી અહીં સુર્યોદય વહેલો થાય.. સાડા પાંચ વાગ્યે તો સુર્યના કિરણો પથરાવા શરૃ થઈ જાય છે અને અંધકાર પોતાના બિસ્તરા પોટલાં સંકેલી લે છે. એ રીતે સાંજે સુર્યાસ્ત પણ વહેલો થાય છે.
આગલા દિવસે પ્લેનની આખો દિવસની મુસાફરી અને પછી તોતોપારાની મુલાકાત પછી એવો થાક લાગ્યો હતો કે પથારીમાં પડ્યા પછી સવાર સુધી કોઈ અડચણ અમને ઉઠાડી શકે એમ હતી નહીં. રાતે મળેલી સૂચના પ્રમાણે અમે સૌ અમારી ઈનોવામાં ગોઠવાઈ ચૂક્યા હતા. એ પહેલા નજીકના ચાના બગીચાઓમાં જ તૈયાર થઈને આવલી પત્તીમાંથી બનેલી ચા સૌના પેટમાં પહોંચી ચુકી હતી. એટલે ગાડીઓ શરૃ થઈ એ સાથે જ જ્ઞાનતંતુઓ પણ દોડવા લાગ્યા.
દસેક મિનિટ ગાડીઓ ચાલી ત્યાં પ્રવેશદ્વાર આવ્યુઃ જલદાપારા નેશનલ પાર્ક. અમે તો ખેર આ જંગલ અંગે જાણકારી મેળવીને આવ્યા હતા એટલે જાણકારી હતી. પણ ભારતના ઘણા ખરા લોકોને ખબર નથી કે જલદાપારા નામનું આ જંગલ એકદમ અદભૂત છે. વળી ગેંડા જોવા માટે ભારતમાં આસામનું કાઝિરંગા નેશનલ પાર્ક પ્રસિદ્ધ છે. ત્યાં મોટી સંખ્યામાં ગેંડા છે. પણ પ્રખ્યાત (અને શિકાર માટે) કુખ્યાત હોવાથી એ જંગલ હાઈ-પ્રોફાઈલ બની ગયું છે. તેની સરખામણીમાં જલદાપારાનું જંગલ શાંત, ઓછામાં ઓછી ભીડ ધરાવતુ અને અનેક નવિનતાઓથી ભરેલું છે. એ બધી જાણ અમને હતી, પણ હવે સમય હતો પ્રેક્ટિકલ અનુભવ લેવાનો..
પાર્કના પ્રવેશદ્વારે ગાડીઓ થંભી અને અમારા બંગાળી સહાયકો પરમીટની તજવીજમાં પડયા. પ્રવેશદ્વાર પાસે જંગલનું વિશાળ પોસ્ટર હતું અને ગેંડાનું શિલ્પ પણ હતું. કોઈ કોઈને કહેતું ન હતું, પણ બધાના મનમાં સવાલ ઘોળાતો હતોઃ અંદર ગેંડા જોવા મળશે ખરાં? કેમ કે કોઈ નેશનલ પાર્કમાં જઈએ તો ત્યાંના સજીવો જોવા મળે જ એવુ જરૃરી નથી. વાઘના અભયારણ્યોમાં ખાસ એવુ થાય છે. દેશના ઘણા ખરા ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓના ભાગે નિષ્ફળતા આવે છે. અહીં શું થશે એ સવાલ ગાડીઓ શરૃ થઈ એ સાથે અટકી ગયો..
થોડી વાર પછી સૂચના પ્રમાણે અમે જંગલ સફારી માટે જિપ્સીઓમાં ગોઠવાઈ ગયા હતાં. રસ્તાની બન્ને તરફ કદાવર વૃક્ષો અને દૂરદૂર સુધી ફેલાયેલુ જંગલ આંખોમાં ભરી રહ્યાં હતા. આપણા ગુજરાતના વગડા અને ડાંગના જંગલો કરતા આ જંગલ સદંતર અલગ હતું. વૃક્ષ, વેલા, ઘાસ, જીવ-જંતુ સર્વત્ર નવિનતા જોઈને અમે હરખાતા હતાં. ત્યાં અચાનક ગાડીઓને બ્રેક વાગી અને અમારા બંગાળી મિત્રનો અવાજ સંભળાયોઃ ઉધર દેખો.. ઉધર દેખો..
અમે સૌ ચિંધેલી દિશામાં જોવા લાગ્યા.
તસ્કોર હૈ.. તસ્કોર..
દંતુશૂળ ધરાવતો જંગલી હાથી ટસ્કર તરીકે ઓળખાય છે. બંગાળી મિત્ર તેની ભાષા પ્રમાણે તેનો પહોળો ઉચ્ચાર કરી રહ્યો હતો, તસ્કોર.
હાથીને જોયો એ ક્ષણે જ અમને અહેસાસ થયો કે અમે ખરેખર જંગલમાં છીએ. રસ્તા પર નીકળતા પાળેલા હાથી અને જંગલમાં થતાં અલમસ્ત હાથીઓ વચ્ચેનો તફાવત પણ ગણતરીની પળોમાં જ સ્પષ્ટ થઈ જતો હતો.
ગીચ જાળીમાં ઉભેલો ટસ્કર પોતાની સૂંઢ વડે જ પોતાના શરીર પર ધૂળનો વરસાદ વરસાવતો હતો. અમારા ગાઈડ દ્વારા માહિતી મળી કે અત્યારે તેની પ્રણય મોસમ ચાલી રહી છે. એટલે આ ટસ્કર આસપાસમાં ક્યાંક છૂપાયેલી તેની પ્રેયસીને શોધી રહ્યો છે. એટલે તેનાથી દૂર રહેવામાં જ સાર હતો. બંગાળનો ઉત્તર બાગ ડૂઅર્સ તરીકે ઓળખાય છે. કેમ કે નેપાળ, ભુતાન અને આ હિમાલયન જંગલોનું એ પ્રવેશદ્વાર છે. ડૂઅર્સ એ એલિફન્ટ કેરિડોર પણ છે. નેપાળથી નીકળીને ભૂતાન જતા, ભૂતાનથી નીકળીને નેપાળ જતાં, અંદરો અંદર ધૂમતા રહેતા હાથીઓ માટે આ જંગલો રસ્તો એટલે કેરિડોર છે.
એટલે જ ઘણી વખત ઉત્તર બંગાળના ગામડા કે શહેરોમાં કોઈ હાથી આવી ચડે અને તોફાન મચાવે એવુ બનતું રહે છે. આવો એક બનાવ માર્ચ 2015માં બન્યો હતો. સિલિગુડીમાં એક હાથી આખો દિવસની મહેનત પછી કાબુમાં આવ્યો ત્યાં સુધીમાં તેણે પ્રચંડ તોડફોડ મચાવી હતી. એ હાથી જંગલી હતો. અમે જોઈ રહ્યા હતા એ પણ જંગલી હાથી જ હતો. આફ્રિકા ખંડના ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિકમાં જોયેલા હાથી કરતા નાનો હોવા છતાં અમારા માટે તો હાથી ખુબ કદાવર હતો. તેને બરાબર નીહાળીને જિપ્સીઓ આગળ ચાલી..
જંગલની સફર શરૃ કર્યાની થોડી મિનિટોમાં જ અલમસ્ત હાથીના દીદાર થયા એટલે સૌ આનંદિત હતાં. એ આનંદનો ઉભરો હજુ તો શમે એ પહેલાં ઘાસમાં ફરી બીજું પ્રાણી દેખાયું. ઉપરકોટના કિલ્લા જેવી એની ચામડી, હાથી કરતાં જરા નાનું કદ, થાંભલા જેવા પગ અને આંખોમાં આક્રમકતા સાથે ફરતું એ પ્રાણી હતું ગેંડો! શિંગડાઓ માટે ગેંડાઓનો શિકાર થાય છે. માટે વનખાતાએ પહેલેથી જ સમજીને અહીંના ગેંડાના શિંગડાઓ સલામતીપૂર્વક હટાવી દીધા છે. માટે અહીં શિકરાની ઘટનાઓ બનતી નથી. ગેંડા સલામત છે અને એટલે જ પ્રવાસીઓ બહુ સરળતાથી જોઈ શકે છે.
અમને અમારા ગાઈડે જણાવ્યુ કે આ ગેંડો જરા આકરા પાણીએ છે. આજકાલ એ વિવિધ જિપ્સીઓ પર અકારણ હુમલો કરે છે. એમ કહીને તેણે અમારી જિપ્સીમાં જ પડખે રહેલુ પ્રચંડ ગાબડુ બતાવ્યુ. થોડા દિવસો પહેલા આ જ ગેંડાએ દોટ મુકીને જિપ્સી સાથે માથુ અફડાવ્યુ હતુ. એટલી જાણકારીને કારણે અમને નિર્દોષ લાગતા ગેંડાનો પણ ડર લાગ્યો..
ચલો ચલો.. જલ્દી કીજીએ.. અભી એલિફન્ટ સફારી પર જાના હૈ.. સૂચના સંભળાઈ એટલે અમારી જિપ્સી આગળ વધી. હવે હાથી પર બેસીને જંગલમાં ફરવાનું હતું. આમ તો ઘણુ જંગલ જિપ્સીમાં બેસીને જોઈ લીધું હતું, એટલે એમ થયું કે હવે શું નવું જોવાનું હશે..
એક જગ્યાએ પગથિયાવાળુ ઊંચુ સ્ટેન્ડ ગોઠવાયુ હતું. તેના પર ચડવાનું, બાજુમાં હાથી ગોઠવાયો હોય તેના પર બેસી જવાનું. બાકી તો હાથી પર ચડવું મુશ્કેલ થઈ પડે. દરેક હાથીની પીઠ પર પહેલેથી ગોઠવાયેલી બેઠક હોય, જેમાં ચાર જણ બેસી શકે. ચાર-ચારની જોડીમાં સૌ ગોઠવાયા. મહાવતની સૂચના મળી એટલે કુલ ચાર હાથણી અને એક બચ્ચાં સાથેની સવારી આગળ વધી.
અમારી એક હાથણી થોડા સમય પહેલા જ માતા બની હતી. તેનું બચ્ચુ નાનુ હતું. એટલે માતાથી અલગ કરવાનું પાપ જંગલખાતાના અધિકારીઓ કરી શકે એમ ન હતા. એટલે સફારી પર પ્રવાસીઓને લઈ જતી હાથણી સાથે નાનકડું બચ્ચુ પણ આવતુ હતું. હાથણી પણ એ બચ્ચાને બરાબર રસ્તો મળે તેનું ધ્યાન રાખતી હતી.
થોડી વારે ખુલ્લુ મેદાન પતાવી જંગલમાં પ્રવેશ્યા, એ સાથે જ સમજાયુ કે અહીં હાથી સિવાય કોઈ વાહન ચાલી શકે નહીં! જંગલ એકદમ ગાઢ હતું, જમીન પર ઘાસ-પાણી-કાદવનું મિશ્રણ હતું. વૃક્ષોની ડાળીઓ એકબીજા સાથે આંકડિયા ભીડી ગઈ હતી.. એમાંથી હાથીઓ રસ્તો કરતાં અમને લઈ જતાં હતાં. ક્યારે ઝરણા તો ક્યારેક ખાડા-ટેકરા.. મોટે ભાગે અહીં પાણીના ખાબોચિયામાં ગેંડાઓ આરામ ફરમાવતા હતા. હાથીઓ એ જળાશયો પાસે જઈ ઉભા રહે, પ્રવાસીઓ ગેંડા જુએ, ફોટા પાડે, પણ જળ સમાધિ લઈને બેઠેલા ગેંડાઓને એનાથી કશો ફરક પડતો ન હતો.
આ હાથણીઓને જંગલી હાથીઓનો ભેટો ન થાય તેની જંગલખાતું તકેદારી રાખતા હતા. હાથીની સફર પુરી કર્યા પછી અમને એક વોચ ટાવર પર લઈ જવામાં આવ્યા. જંગલનું વધુ એક આકર્ષણ એ ટાવર પરથી દેખાતુ હતું. આકર્ષણ એટલે બાયસન અથવા જંગલી ભેંસ. મખમલની ચામડી હોય એવા સુંદર એ પ્રાણીઓ ઘણા દૂર હતા. એટલે ગાઢ જંગલમાં અમને મરૃન કલરના ધાબા દેખાતા હતા. પાસે જવાની મનાઈ હતી, કેમ કે મોટું ટોળુ હતું અને ટોળામાં કેટલીક લેડી બાયસનો હમણા જ માતા બની હતી.
બાયસનના દૂરદર્શન કરી અમે જિપ્સીમાં ગોઠવાઈ ફરી જંગલ બહાર નીકળવા રવાના થયા. હજુ તો બપોર થવાને ઘણી વાર હતી. બંગાળી સ્ટાઈલમાં બનેલું ગુજરાતી ભોજન લઈને અમારે બીજુ એક અજાણ્યુ જંગલ ખુંદવાનું હતું..