Matana sangharshni gatha in Gujarati Short Stories by Kevin Patel books and stories PDF | માતાના સંઘર્ષની ગાથા

Featured Books
Categories
Share

માતાના સંઘર્ષની ગાથા

પંદર વર્ષનો અભિનવ બારીમાંથી દેખાતું ખુલ્લું ગગન અન્યમનષ્કપણે જોઈ રહ્યો હતો.નજર સામેથી એક સફેદ કબુતર ઉડતું પસાર થયું.નીચેથી પસાર થતા વાહનો પર નજર પડી.આજે રવિવાર હોવાથી વાહનોની અવર જવર ઓછી હતી.માણસોની ચહેલ પહેલ પણ સામાન્ય હતી.સુરજના કિરણો હજુ ત્રાંસા થઈને જ બારીમાંથી અંદર પ્રવેશ કરતા હતા અને રૂમની અંદર અભિનવનો પડછાયો પડતો હતો.એની આંખો હજુએ એ ખુલ્લા આકાશ તરફ સ્થિર હતી.

બાજુના રૂમમાંથી એક પુરુષ અને સ્ત્રી વચ્ચે થતી વાતચીતનો અવાજ આવતો હતો.ધીરે ધીરે એ બંને અભિનવના માતા પિતા જ હતા એવું લાગ્યું અને એમની વાતચીત ઝઘડાનું રૂપ લેવા માંડી.અભિનવના કાન સુધી એ અવાજ આવીને જાણે પાછા વળી જતા હતા.સુરજ ઉપર ચડતો ગયો એમ એમનો ઝઘડો તીવ્ર સ્વરૂપ ધારણ કરતો ગયો.ક્યારે એ અભિનવના માતા પિતામાંથી એક પતિ પત્ની બની ગયા અને એ પતિ ઘર છોડીને ચાલ્યો ગયો એ ખબર જ ન પડી.? અભિનવની નાની બહેન વિશાખા તેની પાસે આવીને બેસી ગઈ અને જે અભિનવ જોતો હતો એ જોવા લાગી,બારી બહાર નું ખુલ્લું આકાશ,આકાશમાં વિહરતું કબુતર અને રોડ પરના વાહનો,.....અંદરના રૂમમાં તેમના મમ્મી,જયાબેન રડતા હતા....એવી રીતે કે બાજુમાં કોઈ બેઠું હોય તો ખબર જ ન પડે કે એમની આંખોમાંથી મૌન રુદન આક્રંદ કરી રહ્યું છે..કદાચ અભિનવ અને વિશાખાને કઈ ખબર જ ન હોતી પડતી કે શું ચાલી રહ્યું છે અથવા તો અભિનવને ખબર હતી.

અભિનવને ખબર હતી કે મહિનાના અંતે આ ઝઘડો થતો જયારે ઘરમાં પૈસા ખૂટી જતા.જયાબેન રાત દિવસ મહેનત કરીને પણ બે છેડા ભેગા નહોતા કરી શકતા અને અભિનવના પપ્પા જે રૂપિયા કમાઈને લાવતા એમાં એમનો પોતાનો પણ ખર્ચો નીકળી શકે એમ ન હતો.શરૂઆતના વર્ષોમાં જયાબેને બધું જ સહન કરી લીધું પણ છોકરા થયા પછી જવાબદારીઓ વધતી ગઈ અને ઘરની આવક ઘટતી ગઈ.અભિનવના પપ્પાને કોઈ આડી લત કે કોઈ કુટેવ ન હતી પણ કદાચ આળસ હતી અને તો પછી આળસને પણ એક કુટેવ જ કહેવાતી હશે...દારૂથી પણ ખરાબ કુટેવ,...એ આળસ નામની કુટેવના લીધે જ જયાબેનને પોતાના પરિવાર નું કોઈ ભવિષ્ય નહિ દેખાતું હોય અને નાસીપાસ થઈને તેમના પતિ સાથે ઝઘડો કરતા હશે.

પણ આ બધામાં અભિનવ કે વિશાખાનો શું વાંક?.એ તો મહેનત કરવા તૈયાર હતા..ભણવામાં પણ હોશિયાર હતા,સવાલ માત્ર એમના ભણવાના ખર્ચ નો હતો.કદાચ એમના પપ્પા એમાંથી દુર હશે તો એમને એક પિતાનો પ્રેમ નહિ મળે પણ એમનું ભવિષ્ય જરૂર સુધરશે.જયાબેને જવાબદારી લીધી એમના ભવિષ્યની,એમના સપના ઓ પુરા કરવાની...એમને જવાબદારી લીધી કે એ એમના સંતાનોને એમના પપ્પા જેવા નહિ બનવા દે...એમને આળસ નામની કુટેવ નહિ લાગવા દે...

જયાબેન આંસુ લુછીને રૂમની બહાર આવ્યા,.અભિનવ અને વિશાખા ત્યાં બારી આગળ જ બેઠા હતા.સાડીના છેડાથી ફરીથી મોઢું લુછીને એ બાળકો પાસે આવ્યા .એમના બંનેના માથે હેતથી હાથ ફેરવ્યો,.

"મમ્મી........" આટલું બોલીને અભિનવ મમ્મીને વળગી પડ્યો સાડીના પાલવમાં મોઢું છુપાવીને રડવા લાગ્યો,જાણે એ બધું જ સમજતો હોય એમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો..વિશાખા પણ અભિનવને જોઇને રોવા માંડી,..

જયાબેને બહુ હિંમતપૂર્વક પોતાના બચેલા આંસુ આંખો પાછળ સંતાડી રાખ્યા અને પોતાના બંને સંતાનોને શાંત કર્યા.

બંને રસોડામાં લઇ જઈને પ્રેમ પૂર્વક જમાડ્યા અને એ રાત્રે એમને પોતાના ખોળામાં જ સુવડાવી દીધા.જયાબેન ભવિષ્ય વિષે વિચારતા રહ્યા ,..ચિંતા મુકીને કોઈ પણ ભોગે મહેનત કરીને પોતાના છોકરાઓનું ભવિષ્ય સુધારવાની દિશા તરફ વિચારવા માંડ્યા,.અને આખી રાત બસ સામેની દીવાલ પર જોઇને વિચારતા રહ્યા..જે દીવાલ પર લગાડેલો ચૂનો લગભગ ઉખડી ગયો હતો.

જયાબેન બીજા દિવસે સવારે અભિનવ અને વિશાખાને સ્કુલે મુકીને કામની શોધમાં નીકળી પડ્યા,સાંજ સુધીમાં લગભગ ચપ્પલ ઘસાય ચુક્યા હતા અને ત્રણ જગ્યાએ અલગ અલગ નોકરી મળી હતી...એક જગ્યાએ ઘરના કામકાજની,બીજી એક સાડીની દુકાન પર અને ત્રીજી બેંકમાં સાફ સફાઈ કરવાની,....

એમનો કામ નો સમય હતો સવારના 6 થી રાતના 9 સુધીનો,..અને આટલો સમય હાલ પુરતો તો પુરતો હતો જેમાં જયાબેન પોતાનું ઘર પણ ચલાવી શકે,ઘરનું ભાડું પણ ભરી શકે અને બંને બાળકોના ભણવાનો ખર્ચો પણ ઊપાડી શકે.

સમય વહેતો ગયો..અભિનવ અને વિશાખા પણ મોટા થતા ગયા.જયાબેનનો દિવસનો મોટો ભાગ બેંકમાં જ જતો.એ બેંક પણ જાણે એમનો પરિવાર બની ચુક્યો હતો.વર્ષો વિતતા ગયા..અભિનવની સ્કૂલ પૂરી થઇ પછી કોલેજ પૂરી થઇ..વિશાખાની પણ સ્કૂલ પૂરી થઇ ગઈ અને જયાબેનના જીવનનો એક મોટો હિસ્સો જીવનના સંઘર્ષમાં અને પરિસ્થિતિ સામે લડવામાં ચાલ્યો ગયો.માથા પરના અડધા ઉપરના વાળ સફેદ થઇ ચુક્યા હતા.ચહેરા પરની કરચલીઓ ઉંમર કરતા જરા વધારે અંકાઈ ગઈ હતી.પગના તળિયા ઘસાઈને ફાટી ચુક્યા હતા.આંખોમાં જીંદગી પસાર કરી એનો થાક હતો.

અભિનવ એક દિવસ સાંજે ચિચિયારીઓ કરતો ઘરમાં પ્રવેશ્યો,.જયાબેન રસોડામાં શાક સમારી રહ્યા હતા અને અભિનવ સીધો જ દોડીને એના મમ્મીને વળગી પડ્યો,..

"અરે પણ થયું શું?...આટલો બધું ખુશ કેમ છે આજે?" જયાબેને છરી બાજુમાં મુકતા કહ્યું,..

"મમ્મી ,મને નોકરી મળી ગઈ...."

"તું સાચ્ચું બોલે છે?" જયાબેન ને જાણે એક સપના જેવું લાગતું હતું,.

"અરે હા મમ્મી ,જો આ અપોઈન્ટમેન્ટ લેટર પણ મળી ગયો છે..."

"કઈ જગ્યાએ?"

"તું જે બેંકમાં જતી હતી એ જગ્યાએ .મેનેજરની પોસ્ટ પર..."

જયાબેનના આશ્ચર્યનો પર ન રહ્યો..અભિનવનું નહિ પણ પોતાનું સપનું પૂરું થયું હોય એવું લાગ્યું..

"મમ્મી કાલ થી તું ત્યાં નહિ જાય કામ કરવા માટે,..."

"ના બેટા,...ખાલી કાલનો દિવસ જઈ આવવા દે....તને નોકરી મળી એ ખુશીની મીઠાઈઓ વહેચી લેવા દે પછી નહિ જાવ..."અભિનવના ગાલ ખેંચતા જયાબેને કહ્યું,..

અભિનવ નોકરી પર જવા માટે ઘરની બહાર નીકળવા જતો હતો ત્યાં જ જાણે તેને કંઇક યાદ આવ્યું હોય એમ બારી પાસે આવ્યો,..આકાશ તરફ નજર કરી,...સામેથી એક કબુતર પસાર થયું અને ખુલ્લા આકાશમાં ઉડવા લાગ્યું અને નીચે રોડ પરથી પસાર થતા વાહનોના અવાજ કયાંક અવકાશમાં લુપ્ત થઇ ગયા.

વર્ષો પછી ઘરમાં ખુશી આવી હતી,...આઝાદી આવતી હતી...અને હવે અભિનવ પણ પેલા કબૂતરની જેમ ખુલ્લા આકાશ નીચે ઉડવાનો હતો...અને જયાબેન માટે તો અભિનવ જ એક સપનું હતું જે આજે સાકાર થતું નજર સામે હતું,..માથાના ધોળા થયેલા વાળને આપવા માટે એક જવાબ હતો કે જો આ છે મારા સંઘર્ષની ગાથા....આ છે મારું સપનું જે આજે સાકાર થયું,..