Seven Day, Six Night - 8 in Gujarati Travel stories by Mukul Jani books and stories PDF | સેવન ડેઝ, સિક્સ નાઇટ-૮

Featured Books
Categories
Share

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૮

૮. અલથી, કાલમરી, લવીગં, જટાફસ અને ચાય્બતી!

જો દિવસની મુસાફરી હોત તો જે એ રસ્તાનું સૌથી મોટું આકર્ષણ હતું એ રાત્રીની મુસાફરીમાં સૌથી મોટું જોખમ બની જતું હતું, એટલે જંગલી હાથીઓની બીકે અમારે મૂળ પ્લાનિંગ મુજબ જે રસ્તે જવાનું હતું એના બદલે બીજો રસ્તો લેવો પડ્યો હતો. કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે પહોંચાડવા જેવું થયું! રાત્રીની મુસાફરીને કારણે કેરળના સુંદરત્‌મ વિસ્તારની મુસાફરી અમારા માટે આનંદદાયક ને બદલે સજા હતી અને અમે રસ્તામાં અમારા પેકેજ મુજબનું જે જોવાનું અને ફરવાનું હતું એવું Signal Point View, Lockhart Gap View, Chinnakkanal Falls , Panniar Dam, Tea Factory, Spice Plantation વગેરે વગેરે ગુમાવી આશરે ૧૦૦થી ૧૧૦ કીમીની મુસાફરી કરી ઉજાગરા અને થાકથી લોથપોથ હાલતમાં અમારી હોટલ સાન્ડ્રા પેલેસ, કુમિલી પહોંચ્યા ત્યારે સવારના છ વાગી ચૂક્યા હતા અને ચક્કાજામના એલાનને કારણે થનારી તકલીફથી છટકી ચૂક્યા હતા. કુમિલી અને ઠેકડી એટલાં હળીમળી ગયેલાં છે કે એમાં કયું કુમિલી અને અને ક્યું ઠેકડી એ અમને હજુ સુધી સમજાયું જ નથી! અમે અમારા શેડ્યુલ મુજબ સાંજે અહીં પહોંચવાના હતા પણ સવારે વહેલા પહોંચી ગયા એટલે હોટલના રૂમ સાફ થઈને તૈયાર નહોતા પણ અમારી હાલત એવી હતી કે ફૂટપાથ પર પણ ઊંઘ આવી જાય, એટલે કોઈ પણ જાતની ચિકાસ કર્યા વગર, જે રૂમ મળ્યા એમાં ઘૂસી ને પથારી ભેગા તે વાગ્યા સીધા સાડા અગિયાર!

કેરાલા ટુરિઝમની પેરિયાર ખાતેની બુકીંગ ઓફિસ

હા, અમે હવે ઠેકડીમાં હતા, એ ઠેકડી જ્યાં ભારતની સૌથી મોટી વાઇલ્ડલાઈફ સેન્ચુરી પેરિયાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, એ ઠેકડી જ્યાં ૧૨૦ વર્ષ જૂનો સુરકી ડેમ આવેલો છે અને ભારતનું એક્મેવ ટાયગર રિઝર્વ, પેરિયાર ટાયગર રિઝર્વ અહીં આવેલ છે. ૭૭૭ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલ આ સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી માણવા માટે કેરાલાના જંગલખાતાએ સરસ વ્યવસ્થા કરી છે, જંગલખાતા દ્વારા સામાન્ય ફી માં મુલાકાતીઓને બોટ દ્વારા દોઢથી બે કલાક માટે પેરિયાર લેઇક ફેરવવામાં આવે છે, એક બોટની ક્ષમતા ૧૦૦ થી ૧૫૦ જેટલા પેસેન્જરની હોય છે અને આવી પાંચ બોટ રાખવામાં આવેલી છે પરંતુ મુલાકાતીઓનો ધસારો એટલો બધો હોય છે કે સવારે સાત વાગ્યાના પહેલા ફેરા માટે સવારે છ વાગ્યે ટીકીટબારી ઊઘડે છે પરંતુ વહેલી સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભી જવું પડે છે! અમે બીજા દિવસે સવારે લાઈનમાં ઊભવાનું ટેન્શન લઈ બપોરે લંચના સમયે બ્રેકફાસ્ટ કર્યો અને ચક્કાજામના કારણે ટાઉનના વિસ્તારથી બહારતો જવા એમ હતું નહીં એટલે વળી પાછા હોટેલની રૂમમાં પૂરાઈને ઊંઘની ખાધ પૂરી કરી!

ઊંઘીને કંટાળ્યા એટલે ચારેક વાગ્યે વળી પાછા ટાઉનમાં આંટો મારવા નિકળ્યા, બજારમાં મોટા ભાગે સ્પાઇસની દુકાનો દેખાતી હતી અને એમાં જયારે અમુક દુકાન ઉપર સાઇન બોર્ડમાં (ભલે ભાંગીતૂટી) ગુજરાતીમાં લખાયેલા મસાલાના નામ વાંચ્યા ત્યારે ગુજરાતથી આટલે દૂર જાણે કોઈ સ્વજન મળી ગયું હોય એટલો આનંદ થયો! અલબત્ત, મુન્નારમાં અને અહીં દરક સ્થળે, ગુજરાતી ઉચ્ચારો તો કાનમાં એટલા બધા રેડાતા રહ્યા કે ક્યારેક તો અમને શંકા જતી હતી કે અમે ગુજરાતમાં તો છીએ કે ગુજરાતની બહાર! જે કોઈ પણ સ્થળે ગયા ત્યાં સૌથી વધારે ગુજરાતીઓની ભીડ હતીને અને પછી બીજા નંબરે મહારાષ્ટ્રીયન. અને એટલે જ અહીં મોટાભાગની દુકાન ઉપર ગુજરાતી અને મરાઠી શબ્દો લખેલા દેખાતા હતા. સ્પાઈસ માર્કેટમાં અમે જ્યારે દુકાનની અંદર ગયા અને ભાવ જાણ્યા ત્યારે અમારો સ્પાઈસ ગાર્ડનમાંથી ખરીદીનો જે આનંદ હતો એ ઓસરી ગયો! અહીં મરી-મસાલાની ગુણવત્તા સારી હતી અને ભાવ પણ ઓછા.એટલે પાછા આવીને કેરાલાના સંભારણા તરીકે સ્વજનોને ગિફ્ટ આપવામાટે અહીં કેટલાંક ગિફ્ટપેક તૈયાર કરાવી લીધાં.

અહીં ઠેકડી મરી-મસાલા માટે પ્રખ્યાત છે એમ આયુર્વેદિક સારવારની સાથે સાથે માર્શલ આર્ટ કલરીપટ્ટુ અને પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય કથકલી માટે પણ જાણીતું છે. એમ કહેવાય છે કે કલરીપટ્ટુ એ ૩૦૦૦ વર્ષ જૂની અને આજની તમામ માર્શલ આર્ટસ ની જનેતા છે. એવી માન્યતા છે કે ભગવાન પરશુરામે આની શરૂઆત કરેલી પછી ધીમે ધીમે બૌધ સાધુઓ એને થોડા ફેરફારો સાથે ચીન લઈ ગયા ને કુંગ ફૂ તરીકે પ્રસાર થયો. જોકે અમારામાંથી બહુમતીને એ જોવા જવામાં રસ નહોતો એટલે બજારમાં ફરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

ઠેકડીમાં ત્રણ-ચાર શુધ્ધ શાકાહારી રેસ્ટોરંટ છે, રાત્રીના ભોજન માટે એમાંથી સેલ્વમની ભલામણથી લોર્ડ અન્નપૂર્ણા અમે પસંદ કરી. આજે અહીં ઠેકડીમાં ટુરીસ્ટની બહુજ ભીડ અને એ ભીડમાં પણ ગુજરાતી વધારે અને શાકાહારી રેસ્ટોરંટ ઓછાં એટલે સ્વાભાવિક છે કે અહીં લોર્ડ અન્નપૂર્ણામાં બહુજ ભીડ હતી, એટલે સર્વિસમાં વાર લાગતી હતી પણ ફૂડ પ્રમાણમાં ઘણું સારૂં હતું, ખાસ કરીને કેરાલા પરાઠા મને બહુજ પસંદ આવ્યા. અહીં એવા પણ ઘણા પ્રવાસી હતા જે આજે પેરિયાર વાઇલ્ડ સેન્ચુરીની મુલાકાતે જઈ આવ્યા હતા, એમને મળીને જાણવાની કોશીશ કરી તો જાણવા મળ્યું કે મોટાભાગનાને બે-ચાર હરણ સિવાય ખાસ કંઇ જોવા મળ્યું નહોતું! એટલે પછી અમે પણ નક્કી કર્યું છે ખાલી હરણને જોવા માટે રાતની ઊંઘ કુરબાન નથી કરવી, સવારે નિરાંતે ચા-નાસ્તો પતાવીને પછી જ જવું અને જો તક મળે તો નવ થી અગિયારની ટ્રીપમાં જઈ આવવું. એ મુજબ સવારે બ્રેકફાસ્ટ પછી જ અમે પેરિયાર સેન્ચુરી સુધી ગયા અને ત્યાં પાર્ક કરેલાં વાહનોની સંખ્યા પરથી જ અંદાજ આવી ગયો કે કોઈ ચાન્સ નથી! અને સાચ્ચેજ ત્યાં અમને કેટલાક એવા પરિવાર મળ્યા જે સવારે ચાર વાગ્યાથી ટિકીટ માટે લાઇનમાં ઊભા હતા અને એમનો વારો છેક બપોરના બે વાગ્યાની ટ્રીપમાં હતો! અમે ઊંઘ બગાડીને વહેલા લાઈનમાં ન ઊભવાના અમારા ડહાપણભર્યા નિર્ણયથી ખુશ હતા, પણ ખરેખર જોવા જઈએ તો આગલા દિવસે નાઇટ જર્નીને કારણે ઓન ધ વે આવતાં જોવાનાં સ્થળ તો અમે ગુમાવીજ દીધાં હતા અને આજે ઠેકડીનું જ નહીં પણ સમગ્ર કેરાલાનું સૌથી મોટું આકર્ષણ કહી શકાય એવું આ પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી જોવાની ની તક પણ ગુમાવી. આમ આખી વાતનો સાર આટલો નીકળે કે ઠેકડીમાં અમે માત્ર હોટેલ સાન્ડ્રા પેલેસમાં આરામ કરવા માટે જ આવ્યા હતા!

બપોરે લંચ પછી ઠેકડી છોડ્યું અને અમારી કાર કોચી તરફ દોડતી હતી. વચ્ચે આવતાં દરેકે દરેક ગામ લાલ ઝંડા ને લાલ રંગના તોરણોથી શણગારેલાં હતાં, આ વિસ્તારમાં સામ્યવાદીઓનું વરચસ્વ સ્પષ્ટ દેખાતું હતું. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. રસ્તામાં એક જગ્યાએ કેરલાના પરંપરાગત પીણા તાડીની લિજ્જત માણી.

છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતા ખારા પવનમાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ? એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ? ના, કશીક ભૂલ નથી થતી, સભાનપણે આ શબ્દ અહીં લખાયો છે અને એનાં કારણો છે!