મધર્સ લવ
બસ, વરસાદ નાં છાંટાઓ આવી રહ્યા હતા. એક વાર વરસાદ સારો એવો આવી ગયો હતો તેથી મેદાન માં ક્યાંક ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ દ્રશ્ય જોવામાં ખુબ જ મજા આવી રહી હતી. ભીની સુગંધ આવતી હતી. કુદરત એનું કામ કરી રહી હતી. વરસાદ સમયસર પડી ગયો હતો. હજી ઝર-મર , ઝર-મર તો વેરાઈ જ રહ્યો હતો. હવા જાણે પ્યોરીફાય થઇ ગઈ હતી. જમીન ની તરસ માટે કુદરતે પહેલો ઘૂંટડો મોકલ્યો હતો. વાદળા વરસી ગયા હતા. વૃક્ષો જાણે મસ્ત ઝૂમી ઉઠ્યા હતા. મોસમ નાં પહેલા વરસાદ થી. આ બધું જ... વૃક્ષો, વાદળો, વરસાદ પછી નું ખુલ્લું આકાશ, હવા માં ઠંડક અને ઘણું બધું, પહેલા વરસાદ થી થયેલા આવા અનેકો ફેરફાર, છેક ઘરમાં પંખા ને પણ એક પોઈન્ટ સ્લો કરવો પડે.. તેને નીલ ની મમ્મી પૂજા આજે નીલ ને લીવીંગ રૂમ માં હોમવર્ક કરાવતા કરાવતા અનુભવી રહી હતી. હમણાં જ તેણે ઉભા થઇ ને પંખો એક પોઈન્ટ સ્લો કર્યો હતો. અને નીલ ને આઈસ્ક્રીમ ન ખાવા માટે મનાવ્યો હતો.
પૂજા, નીલ ની મમ્મી કહો કે ફ્રેન્ડ કાઈ ફેર ન પડે.. નીલ અગિયાર વર્ષ નો હતો, ઈંગ્લીશ મીડીયમ જોડે છઠ્ઠા સ્ટાન્ડર્ડ માં સ્ટડી કરી રહ્યો હતો. નીલ ની મમ્મી પણ ભણેલી અને હોશિયાર તો હતી જ, ભલે તે ગુજરાતી મીડીયમ માં જ ભણી હતી. જ્યારે તે નીલ ને ગુજરાતી કવિતાઓ અને વાર્તાઓ કહેતી ત્યારે તે એકીટશે જોયા અને સાંભળ્યા જ કરતો. તેથી ક્યારેક પૂજા ને એવું કહેવું પડતું કે હોમવર્ક પૂરું કર્યા પછી તે તેને એક મસ્ત સ્ટોરી કહેશે. પૂજા ને પણ મેથ્સ અને વિજ્ઞાન થી લઈને બધાજ વિષયો સારા આવડતા હતા. તે નીલ ને હોમવર્ક કરવામાં મદદ કરતી. તેની ટેસ્ટ પણ તૈયાર કરી આપતી. જ્યારે તે અંગ્રેજી નાં ચેપ્ટર નું ગુજરાતી માં ભાષાંતર કરી ને નીલ ને સંભળાવતી ત્યારે તો નીલ ઉભો જ ન થતો. હોમવર્ક પૂરું કર્યા પછી તે બન્ને ઘણી બધી વાતો કરતાં. પૂજા તેની જોડે સાયકલ ફેરવવા માટે મેદાન માં જતી. એ બન્ને સાથે મળીને પેપર માં આવતી પઝલ સોલ્વ કરતાં. પૂજા ક્યારેક એની સાંજ ની સીરીયલ સાઈડ માં મુકીને તેની જોડે બગીચા માં આટો મારવા માટે જતી. તે સામેથી જ ચોકલેટ લાવતી અને તે બન્ને સાથે બેસીને ખાતા. તે નીલ ને ખુબ જ ચાહતી હતી અને બન્ને ને ખુબ જ બનતું હતું. નીલ સ્કૂલ થી આવીને બધી જ વાતો કહી દેતો. નીલ નાં પપ્પા કેનીલ, તેમની એક પોતાની કંપની હતી. તેથી નીલ સાથે નો તેનો લાંબો સંવાદ તો રવિવાર સિવાય ક્યારેય બનતો જ નહી.
આજે બપોર નો વરસાદ આવી રહ્યો હતો ત્યારે નીલ ખુબ જ ખુશ હતો, તેને બહાર જવું હતું. પણ તે હોમવર્ક તો કરી જ રહ્યો હતો, કારણ કે, તેને હજુ આજે પૂજા એક અંગ્રેજી ની વાર્તા ભાષાંતર કરી ને સંભળાવવાની હતી. હવે વરસાદ નાં છાંટાઓ જ આવી રહ્યા હતા. સૂર્ય નું સ્થાન ચોક્કસ ક્યાં છે તે વાદળાઓ હજુ દેખાવા ન હતા દેતા. પણ, આકાશ આજે ખુબ જ શાંત અને આપ્યા પછી ની ખુશી માં હોય તેવી રીતે સ્થિતપ્રજ્ઞ દેખાતું હતું. હાં, બાંધવું એ કુદરત નો સ્વભાવ નથી ને, તે એકઠું થયેલું આપી ને ખુશ થવામાં જ તો માને છે. એ ત્યાગી ને ભોગવે છે. વાતાવરણ આજે બધાને બહાર ખેંચી કાઢે તેટલું આકર્ષક બની ગયું હતું. પહેલો વરસાદ હતો ને... અને પહેલી વાર થયેલી દરેક વસ્તુ કદાચ આવી જ હોય છે. કૃષ્ણ ની વાંસળી નાં સુર જો આવા વાતાવરણ માં રેલાય જાય તો ગમે તેમ પણ યમુના નદી અને અને કદંબ નાં વૃક્ષો સર્જિત થઇ જ જાય.
હજુ નીલ નું હોમવર્ક પત્યું ન હતું. હમણાં જ પૂજા એ તેને વિજ્ઞાન નું એક ચેપ્ટર સમજાવ્યું અને હવે તે તેને મેથ્સ નાં ઇક્વેશન નાં બેસિક સમજાવી રહી હતી. તે આ બધું જ રૂમ ની બારી માંથી જોઈ રહી હતી. તેને આ બધું જ બતાવવા માટે, નીલ ને બહાર લઇ જવો હતો. તેને તેની સાથે વાતો કરવી હતી. આ સાંજ તે હવે ગુમાવવા માંગતી ન હતી. નીલ ને પણ બહાર તો જવું હતું પણ તે ઈંગ્લીશ નું ચેપ્ટર સાંભળવા ની લાલચે બેઠો હતો. અંતે, ઇક્વેશન નાં બેસિક સમજાવ્યા પછી પૂજા એ ટેક્સ્ટબુક બંધ કરી ને ડેસ્ક પર મૂકી જ દીધી. એટલે,
નીલ એ પૂછ્યું.. “બસ, ફિનિશ?”
પૂજા હસી અને કહ્યું, “નહી, પણ ચાલ આપણે બહાર વોક પર જઈએ.. મસ્ત, વાતાવરણ છે.”
નીલ પણ મનોમન ખુશ તો થયો પણ તેણે પૂછ્યું, “પેલું ઈંગ્લીશ નું ચેપ્ટર.. ક્યારે કરાવીશ મમ્મી ?”
પૂજા એ કહ્યું, “ એ હું તને આવીને કરાવીશ, પણ ચાલ અત્યારે હું તને કુદરત તરફ લઇ જઉં.. તે એક્સપીરીયન્સ મસ્ત હોય છે.. ચલ”
ફટાફટ બન્ને દોસ્ત બહાર વોક પર જવા માટે તૈયાર થઇ ગયા. પૂજા એ નીલ ને મસ્ત કપડા પહેરાવ્યા હતા. અને ડોર લોક કરી ને બન્ને બહાર નીકળ્યા.. કુદરત તરફ જવા માટે.
પૂજા એ નીલ નો હાથ પોતાનાં હાથમાં લઇ ને ચાલવાનું શરૂ કર્યુ. પહેલા વરસાદ પછી જે રૂમ ની બારી માંથી દેખાઈ રહ્યું હતું તેના કરતાં તેનો અનુભવ જ કઈક વિશેષ હતો. સુરજ નો ઝાંખો પ્રકાશ વાદળાઓ વચ્ચે થી આવી રહ્યો હતો. જમીન ની સપાટી ભીની હતી. ધૂળ ક્યાંય થી ઉડતી ન હતી. વૃક્ષો નાં પાંદડાઓ માંથી હજુ પાણી ટપકી રહ્યું હતું. ભીનું ભીનું વાતાવરણ, સાંજનો સુંદર સમય, બધી બાજુ કોઈ દિવાલ નહિ, બસ વિરાટ અને વિસ્તૃત કુદરત ની લીલા. આ બધું જ બતાવવા માટે જ તો પૂજા આજે નીલ ને અહી ચાલવા માટે લઈને આવી હતી.
બન્ને વચ્ચે આવતા કચરા અને ખાબોચિયા ને ટપી ને ચાલી રહ્યા હતા.
પૂજા એ નીલ ને શાંતિ થી પૂછ્યું, “ તને મજા આવે છે નીલ ?”
નીલ એ કહ્યું, “હાં, મમ્મી મજા તો આવે જ ને.. તું બહાર લઇ જાય છે ત્યારે મને ખુબ જ મજા પડે છે અને આજે વાતાવરણ પણ ખુબ જ સારૂ છે.”
પૂજા એ કહ્યું, “હાં, એટલે જ તો તને લાવી છું આ બતાવવા માટે..”
નીલ એ કહ્યું, “થેન્ક્સ, મમ્મી”
પૂજા એ ચાલવાની સ્પીડ થોડી ધીમી કરી અને પછી નીલ સામે જોઈ ને બોલી, “ તને ખબર છે, આપણે જેટલા મશીનો સાથે અને બીજી વાતો માં જોડાઈ જઈએ છીએ તેમ તેમ આપણો આ કુદરત જોડે નો સબંધ તૂટતો જાય છે. તેથી ક્યારેય માણસે બહુ યાંત્રિક ન થવું જોઈએ.. કુદરત ને એન્જોય કરવાની એક અલગ જ મજા છે.”
આ વાત હજુ નીલ નાં લેવલ ની તો હતી નહી, પણ તોએ તે થોડી-ઘણી સમજી ગયો.
પછી રસ્તામાં નીલ એ વરસાદ વિશે નાં ઘણા બધા પ્રશ્નો પૂજા ને પૂછ્યા. તે તેને બધું ખુબ જ વ્હાલ થી સમજાવતી ગઈ. ત્યાં થી બન્ને થોડે સુધી આગળ ચાલ્યા.. પછી ઘર તરફ પાછા વળ્યા. નીલ ત્યારે તેની મમ્મી નાં ચહેરા સામે જોઈને મનોમન મુસ્કાઈ રહ્યો હતો.. કારણ કે, તેને માં નાં સ્વરૂપ માં એક દોસ્ત જ મળી ગઈ હતી. અને તેને હજુ પેલી ઈંગ્લીશ ની સ્ટોરી પણ સાંભળવાની જ હતી ને !
The love of a mother for
Her child is undeniably
The strongest emotion
In the human soul.
હાર્દિક રાજા