એપ્રિલ કા મહિના પરીક્ષા કરે શોર
હરીશ મહુવાકર
આંગ્લ કવિ ટોમસ એલિયટે એમના પ્રખ્યાત કાવ્ય ‘ધી વેસ્ટ લેન્ડ’ (મરુ ભૂમિ)ના પ્રારંભે કહ્યું છે : April is the cruelest month મતલબ એપ્રિલનો મહિનો સૌથી ક્રૂર-ઘાતકી છે. ભણ્યા ત્યારે સમજમાં નહીં, પરીક્ષા આવી ત્યારે એ સમજાઇ ગયું. આમેય એલિયટને ભારતીય સંસ્કૃતિનું ખેંચાણ રહેલું. શક્ય છે એમને આ ‘જ્ઞાન’ થઇ ગયું હોય ! વિદ્યાર્થીઓની મનોદશા સમજી ગયા હોય !
માર્ચ, એપ્રિલ પરીક્ષાઓના મહિનાઓ. પરીક્ષાનો શોર સંભળાય, જીયારારા ઝૂમે હચમચી જાય. વિદ્યાર્થી નાચે no more ! ભગવદ્ ગોમંડળમાં પરીક્ષાના સમાનાર્થી તરીકે ‘કઠણાઇ’ શબ્દ મૂકવો રહ્યો. આજના જમાનામાં જાત જાતના સર્વે થતા રહે છે. ગૂગલ એ પણ શોધે છે કે વરસ દરમિયાન ક્યો શબ્દ વધુ વપરાયો. મહિના પ્રમાણે એ સર્વે થાય તો એપ્રિલ માસ દરમિયાન ‘પરીક્ષા’ શબ્દ જ સૌથી વપરાયેલો-વપરાતો જોવા મળશે.
આજકાલ ભણે વિદ્યાર્થી પણ પરીક્ષા તો બધાની ! છોકરાના મમ્મી-પપ્પાની, શાળાના શિક્ષકોની, કલાસીસની, ને બોર્ડમાં વ્યવસ્થાપન અને વહીવટની પણ. આ બધામાં કેન્દ્રસ્થાને વિદ્યાર્થી જ. ખાટલે મોટી ખોડ કે આ કેન્દ્ર જ નબળું પડી ગયું છે. પછી Center cannot hold (W.B.Yeats, “The Second Coming”)
વ્હાલા મારા વિદ્યાર્થીઓ સૂણો મારી આ કથા પરીક્ષાની. થાય ફાયદો તો ઠીક પણ ખોટ નહિ જાય. વાત એમ છે કે પરીક્ષાથી ડરવા જેવું નથી. પરીક્ષા એક જાય કે બીજી તરત બારણું ખટખટાવે. આજે તમારા ભણતરની પછી જીવનની. એનો અંત જ નથી આવતો. બહ્માંડ અનંત એમ પરીક્ષાય અનંત. ડગલે ને પગલે પરીક્ષા જ પરીક્ષા !
તમે જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી લઇને અત્યાર સુધી કેટકેટલી પરીક્ષાઓ આપી ? હવે ટેવાઇ નથી ગયા ? યુનિટ, માસિક, સત્રાંત, કે વાર્ષિક ; સ્થાનિક કે બોર્ડ ; રાજ્ય સ્તરે કે રાષ્ટ્રીય સ્તરે ; મહત્વની કે કારકિર્દી ઘડનાર વળાંકવાળી, જે હો તે પરંતુ તમારે મૂંઝાવાનું નથી. ડરવાનું નથી. તમે છો, તમે પસંદ કર્યું છે તેથી પરીક્ષા છે. કેટલાય લોકો અભ્યાસ કરતા જ નથી તો મતલબ એમ નથી કે તેઓ પરીક્ષાની પર છે.
અરે મારા વ્હાલા દોસ્તો વરસ આખું તમે મહેનત કરી છે; ભણ્યા છો; યોજનાબદ્ધરીત ભણ્યા છો. અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ વર્ક, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટમાંથી તમે પસાર થયા છો. વાંચ્યું અને લખ્યું, હવે એ બધી બાબતોને યોગ્ય ઢાંચામાં ઢાળવાનું છે. પરીક્ષા એ તો તમે કરેલી મહેનતને માપવા માટેનું સાધન છે.
હવે અંતિમ તબક્કાની નજીક જઇ રહ્યા છે ત્યારે શક્ય તેટલો વહેલો અભ્યાસ પૂરો કરી દો. શાળા-કોલેજમાં ભલે હજુ અભ્યાસક્રમ બાકી હોય પણ તમે એમાંથી સંપૂર્ણપણે પસાર થઇ જાવ. આવડે ન આવડે; સમજાય – ન સમજાયની ચિંતા ન કરો. આનાથી ફાયદો એ થશે કે તમને અંદાજ આવશે કે હવે તમારે કેટલું છે. કેટલું આવડે છે, કેટલું છૂટી જાય છે. કેટલા સમયની જરૂર પડશે. વળી તમારી સમજ, આવડતને પારખી શકશો, કેળવી શકશો.
પૂનરાવર્તન કરતુ રહેવું જરૂરી છે. કંઇ ઘટતું લાગે તે કરી લો, પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો જવાબો મેળવી લો. શંકાનું સમાધાન કરી લો. પરીક્ષા પહેલા અભ્યાસક્રમને માટે થઇને મનમાં કંઇ ખટક ન રહેવી જોઇએ. સંપૂર્ણ ચોખ્ખા મન સાથે સજ્જ થઇને પરીક્ષા આપવાની છે.
વાંચવાનું ઓછું ને લખવાનું વધારે રાખો. યાદ રાખો કે તમારી પરીક્ષા પદ્ધતિ લેખનને ભાર આપે છે. તમારા વાંચવાની પરીક્ષા લેવાતી નથી. લખેલું હોય તેના આધારે ગુણાંકન પ્રાપ્ત થશે. લાંબા જવાબો માટે મુદ્દાઓ તૈયાર કરો ને લખો. લખતા રહો. મૌલિક રીતે લખો. ગોખવાનું ના કરતાં. એ ભૂલાઇ જશે. મૂળભૂત બાબતો સમજી ગયા હશો તો લખવાનું તદ્દન આસાન થઇ જશે. ટૂંક જવાબી પ્રશ્નો, વસ્તુલક્ષી, હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરો. તૈયાર પ્રશ્નો વારંવાર જોતા રહો. તમારા મમ્મી, પપ્પા કે મિત્રોને પ્રશ્નો પૂછવાનું કહો ને તમે જવાબો આપતા રહો.
અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોને લખવાનું રાખો. તમારી શાળાએ તમારી પાસે મોક ટેસ્ટના રાઉન્ડ લીધા હોય તો ઘણું જ સારું કહેવાય. પરંતુ તે શક્ય ન થયું હોય તો તમારી જાતે જ ઘરે દરેક વિષયના ઓછામાં ઓછા બે પ્રશ્નપત્રોના જવાબો લાખો. ગ્રંથાલયમાંથી પ્રશ્નપત્રો મળી રહે છે, હવે તો માર્કેટમાં પણ આવા પ્રશ્નપત્રોના સેટ પ્રાપ્ય છે. આમ કરવાથી તમારા કૌશલ્યનો પૂર્વ અંદાજ મળી જશે. તમે ધારેલા-સેવેલા લક્ષ્યાંકથી ‘કિતને દૂર કિતને પાસ’ છો તેની ખબર પડી જશે.
આત્મવિશ્વાસ મનુષ્યની મહાસંપત્તિ છે. ડગેલા ડગલે ને ડગેલા મને ક્યાંય પહોંચી શકાય નહિ. આત્મવિશ્વાસથી છલકાતો વિદ્યાર્થી આપોઆપ જ ઘણું પામે છે. મનમાં રહેલા ભય નામના કચરાને ડસ્ટબીનમાં ફેંકી દો. ભય તમારી શક્તિઓને હરી લે છે. માનસિક તણાવને લીધે આવડતું હોય તે પણ ભૂલી જવાય. તમે તમારામાં વિશ્વાસ રાખો, તમારી જાતમાં શ્રદ્ધા રાખો. એમ હંમેશા માનો કે ‘I Can’. તનાવમુક્ત પરીક્ષા આપો – ચમત્કાર થવાનો જ.
પરીક્ષા વખતે તમારા મનમાં વિચારોનું ઘોડાપૂર આવે છે. પરીક્ષાના પરિણામને ધ્યાને લઇને અનેકાનેક વિચારો ઉમટે છે. ગુજકેટ, નીટ, જી કે પછી એડમીશનની ચિંતા થવા માંડે, કારકિર્દીની ચિંતા થવા માંડે છે. ગોળી મારો યારો. પરીક્ષા વખતે પરીક્ષાને જ નજર કરો. અને આનુસંગિક બાબતોને નજરઅંદાજ કરો. હાલમાં જે બનવાનું છે તેને જ મહત્વ આપો. આથી પરીક્ષા વખતે અન્ય ન વિચારતા, સહેજ પણ ઢીલા ન પડતા ને છાતી કાઢીને રણબંકા બની જાઓ, જીત તમારી જ છે.
પરીક્ષાના સ્થળનો ઘણા બધાને ભય લાગે છે. આ માનસિક વસ્તુ છે.તે એક કલ્પના માત્ર જ છે. હકીકત સામે રાખીએ તો ભય આપોઆપ ઓછો થઇ જશે. ઘણી વખત માનસિક ભય શારીરિક ભયમાં ફેરવાય જાય અને વણનોતરી અનેકાનેક મુશ્કેલીઓને આમંત્રે છે. શરીરમાંથી જાણે કે ચેતન હણાય જાય. અશક્તિ લાગે. ચક્કર આવે. કંપારી છૂટે. પરસેવાથી રેબઝેબ થઇ જવાય. ને સરવાળે આખા વરસની મહેનત ઉપર પાણી ફરી વળે. ભલા માર દોસ્ત, એ વાત સાચી કે પરીક્ષાખંડ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સર્વત્ર ચૂપકીદી; પેપર્સ આપવા-લેવાના માત્ર અવાજો; સ્ક્વોડને અધિકારીઓની આવનજાવન; સફેદ દીવાલો; નિર્જીવ બાંકડા; વિગેરેથી ભરેલું વાતાવરણ ભલભલાને ડગાવી દે. પરંતુ તમારે એ સ્થિતિથી ટેવાઇ જવાનું. આ કઈ એવો રાક્ષસ નથી કે તેનો મુકાબલો નથી શકે. એકવખત જરાક હિંમત તો કરી જો. જેટલું જલ્દીથી ટેવાશો તેટલો ફાયદો વધુ થશે.
મોટા ભાગે બીજાના વિચારો આપણી ઉપર હાવી થઇ જતા હોય છે. એકની મુશ્કેલી હોય તે બીજાની ન હોય અને બીજાની મુશ્કેલી તે ત્રીજાની ન હોય. હા સર્વ સામાન્ય મુશ્કેલીઓ હોય પણ તમારે ખુદ જાણી લેવાનુ કે તમે ક્યાં પાછળ રહી જાઓ છો. બીજાને નજર સામે રાખશો તો તમારામાંથી તમારું પોતાનું તેજ ગૂમાંવશો. અંધકાર કોઈ પણ વ્યક્તિને ક્યાય દોરી જતો નથી. માટે અજવાળું પ્રગટાઓ.
એમ સમજો કે પરીક્ષાની આ એક બાજુ છે ને બીજી બાજુ તમે, તમારું કૌશલ્ય, વિશ્વાસ ને હિંમત, યોજનાબદ્ધ મહેનત છે. તમે આ શસ્ત્રોથી કોઇપણ જગ્યાને હરાવી દેશો. ‘સો સુનાર કી એક લુહાર કી.’ બસ તમે ગૂડ ફિલ કરો. ગૂડ બિગીનીંગ કરો પછી તો આપોઆપ તમારી ગાડી ‘Swift’ બની જશેને પાંખો આવી જશે. તો હવે રાહ શેની ? ચલો જાઓ આપો પરીક્ષા.
ભમરો (કે મમરો) : ઘણા all the best luck કહેવાના, હું નહિ કહું. મારે તમને કહેવાનું છે all the best of your hard work સમજ્યાને ?
.........................................................................................................................................................
શિક્ષણ પ્રવાહ
તા. 01/03/’14