Manorutu in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | મનોઋતુ

Featured Books
Categories
Share

મનોઋતુ

મનોઋતુ

એક ટુંકી વાર્તા

હિરેન કવાડ

પ્રસ્તાવના

આ મારી ત્રીજી એવી વાર્તા છે જે થોડી એબસર્ડ છે અને સાયકોલોજીકલ થ્રીલર છે. હું જાણુ છું આવી વાર્તાઓનો વાંચક વર્ગ અલગ જ હોય છે, આવી વાર્તાઓનો અર્થ સામાન્ય રીતે દરેક વાંચક પોત પોતાની રીતે સમજતા હોય છે. આશારાખુ છુ કે તમને ગમશે.

મનોઋતુ

કારમાં ધીમું શાસ્ત્રીય સંગિત વાગી રહ્યુ હતુ. સીતાર અને શરણાઈની રાગ દેશ પર જુગલબંધી હતી. બહાર ઠંડુ વરસાદી વાતાવરણ હતુ, પરંતુ વરસાદ નહોતો, મંદ ઠંડા પવન સાથે વાતાવરણમાં સુગંધ હતી. કાર પહાડો વચ્ચેના સર્પિલા રસ્તા વચ્ચે જઇ રહી હતી. કેયુરીએ ચહેરા પર સ્મિત સાથે ઉંઘમાં જ પડખુ ફેરવ્યુ. પવનને કારણે એના વાળ ઉડીને ચહેરા પર આવી ગયા. એણે પોતાના ગોરા હાથ વડે પોતાના વાળને પાછળની તરફ કર્યા. એ બંધ આખે જ માદક વાતાવરણને માણતી રહી. અચાનક એની આંખો ખુલી એણે સામે જોયુ. પ્રચંડ ગતીએ એક કાર એની કારની સામે જ આવી રહી હતી.

‘ડ્રાઇવર ડ્રાઇવર.’, એ ચીલ્લાઇ. ડ્રાઇવર મુર્ત બનીને બેસી રહ્યો હતો.

‘ડ્રાઇવર !’, એ મોટેથી ચીલ્લાઇ. એ હાંફતી હાંફતી ઉંઘમાંથી ઉભી થઇ ગઇ. એના કપાળ પર પરસેવો વળી ગયો. એણે બાજુમાં જોયુ. એ યુવાને કેયુરીનો હાથ પોતાના હાથમાં ધીમેંથી લીધો.

‘સપનુ હતુ.’, એ યુવાને ધીમેંથી કહ્યુ.

‘મને ડર લાગે છે મન’, કેયુરીના ચહેરા પર ચિંતાની રેખાઓ તણાણી.

‘ઇટ્સ ફાઇન, આપણે હનીમુન પર છીએ. ચીલ.’, મને સ્મિત કરીને કહ્યુ. અને કેયુરીને પોતાની બાંહોમાં લીધી. કેયુરીને સારૂ લાગ્યુ. વાતાવરણ સંગિતમય ખુશનુમા હતુ. મન ધીરેથી પોતાનો ચહેરો કેયુરીની ગરદનની સોડમાં લઇ ગયો અને ત્યાં ચુંબન કર્યુ. કેયુરીને ગમ્યુ, એણે આંખો બંધ કરી. મને મૃદૂ હોઠે ચુંબનો કર્યા. મને કેટલાક ચુંબનો કેયુરીની સુગંધીત ગરદન ચોડ્યા બન્ને છુટા પડ્યા. કેયુરીએ બારીની બહાર જોયુ. એણે ડોકુ કારની ખુલ્લી બારી પર ટેકાવ્યુ. ધીમે ચાલી રહેલી કાર પથરાળ પહાડી ગામડાઓમાંથી પસાર થઇ રહી. એની નજર એક કાળા કપડા પહેરેલી ડોશી પર પડી. એણે કેયુરી તરફ આંગળી ચીંધી. ગાડી આગળ ચાલી ગઇ. ફરી બે કાળી સાડી પહેરેલ સ્ત્રી રોડના છેડે ઉભી હતી. એકે કેયુરી સામે આંખો બહાર કાઢીને જોયુ. ‘તુ જ છે એ’, એમ કહીને એ હસી. કાર આગળ ચાલી ગઇ. એ જ્યાં પણ નજર નાખી રહી હતી ત્યાં લોકોએ કાળા કપડા જ પહેર્યા હતા. કેયુરીનો શ્વાસ ભારે થઇ રહ્યો હતો. કારની આસપાસ, બાળકો, સ્ત્રીઓ, છોકરીઓ, ભાભલાઓ, ડોશીઓ બધારે કાળા વસ્ત્રો જ ધારણ કર્યા હતા. ધીરે ધીરે કેયુરીને બધુ કાળુ ધોળુ દેખાવા લાગ્યુ. સંગિત એના તાર સપ્તકમાં વાગવા લાગ્યુ. એની નજર એક પહાડ પરથી ઢળી રહેલા કાળા પથ્થર પર પડી. એ હાંફવા લાગી. એ કારમાં હલી શકતી નહોતી. જાણે એને કોઇએ બાંધી દીધી હોય. એણે ડ્રાઇવરને બોલાવવાનો પ્રયત્ન કર્યો, એ ચીખી રહી હતી, ન તો કોઇ એને સાંભળી રહ્યુ હતુ ન તો એને કંઇ સંભળાઇ રહ્યુ હતુ. એને કાને કોઇ જ સ્વરો કે અવાજોના વ્યંજનો પડતા નહોતા. એણે બાજુમાં જોયુ. કાળા કપડા પહેરેલ લોહીમાં લપેટાયેલ એક વ્યક્તિ પડી હતી. અચાનક વાતાવરણમાં ગરમી વધવા લાગી. પેલો કાળો પથ્થર કારની એકદમ સામે જ આવી રહ્યો હતો. કેયુરીએ ખુબ જ જોર લગાવ્યુ, ડ્રાઇવર તરફ જવા. પરંતુ એ સહેજ પણ હલી ના શકી. એ ચિલ્લાઇ. ‘ડ્રાઇવર….’, એની આંખો ઉઘડી ગઇ.

***

કારમાં તાર સપ્તના સૂરો વાગી રહ્યા હતા. સીતાર અને શરણાઈની રાગ દેશ પર તાર સપ્તકમાં જુગલબંધી ચાલી રહી હતી. સાંજનો સમય હતો. કારનું A.C ખરાબ હતુ. ગરમ પવન આવી રહ્યો હતો. કાર પહાડો વચ્ચેના સર્પિલા રસ્તા વચ્ચે જઇ રહી હતી. કેયુરીએ ચહેરા પર ગરમીથી અકળાઈને ઉંઘમાં જ પડખુ ફેરવ્યુ. પવનને કારણે એના વાળ ઉડીને ચહેરા પર આવી ગયા. એણે પરસેવા વાળી હથેળી વડે જ પોતાના વાળ પાછળની તરફ કર્યા. એણે ગરમીની અકળામણમાં આંખો બંધ રાખી. અચાનક એની આંખો ખુલી એણે સામે જોયુ. પ્રચંડ ગતીએ એક મોટો પથ્થર એક પહાડી પરથી ઢળતો કાર તરફ આવી રહ્યો હતો.

ડ્રાઇવર ડ્રાઇવર.’, એ ચીલ્લાઇ. ડ્રાઇવર મુર્ત બનીને બેસી રહ્યો હતો.

‘ડ્રાઇવર !’, એ મોટેથી ચીલ્લાઇ. એ હાંફતી હાંફતી ઉંઘમાંથી ઉભી થઇ ગઇ. એના કપાળ પર પરસેવો વળી ગયો.

‘તને કેટલી વાર કહ્યુ છે. કોઇ સાયકિયાટ્રીકને બતાવ.’, બાજુમાં બેસેલી એક છોકરીએ કહ્યુ.

‘માનસી, તને કહ્યુ તો ખરૂ આ જસ્ટ સપના જ છે.’,

‘સપના જ છે.’, માનસીએ એ જ શબ્દો ફરી કહ્યા.

‘તને કહ્યુ હતુ આ રસ્તા પરથી ના લે. મને આ રસ્તો સહેંજેય નથી ગમતો.’, કેયુરીએ ચીડાઈને કહ્યુ.

‘એય મારો વાંક નથી. રીટર્ન લઇ લે.’, માનસી થોડી ગુસ્સે થઇ.

‘વાંક તો તારો ત્યારે પણ નહોતો નંઇ?’, કેયુરીના ચહેરા પર ગંભીરતાના ભાવો આવ્યા.

‘કઇ વાતની વાત કરે છે તું?’, માનસીએ ચિંતીત થઇને પૂછ્યુ.

‘જાણે કે તને કંઇ ખબર હોય જ નહિં.’, કેયુરીએ એના ચહેરા પરના ગંભીર ભાવો ટકાવી રાખ્યા.

‘ના મને ખબર નથી. હું ભૂતકાળને નથી જાણતી. તુ પણ ભૂલી જા.’, માનસીએ થોડુ ગુસ્સે થઇને કહ્યુ. કાર થોડી ધીમી પડી.

‘મેં કંઇ કર્યુ જ નથી અને હું ભૂલી જ ગઇ છું’, કેયુરીએ ચહેરો બારી તરફ ફેરવીને કહ્યુ.

‘એ તુ જ છે.’, એક કાળા કપડા પહેરેલ કદરૂપી ડોશીએ બારીની સામે અચાનક આવીને કહ્યુ.

કેયુરીની આંખો પોતાના બેડમાં ખુલી ગઇ. એના ચહેરા પર પરસેવો વળી ગયો હતો.

***

બેડરૂમમાં ચારે તરફ એની નજર પડી, ચારેતરફ વસ્તુઓ વિખેરાયેલી પડી હતી. જાણે પાર્ટી થઇ હોય. એક ટેબલ પર વિડ, અને ડ્રગ ઇન્જેક્શન્સ સીરીન્ઝ પડી હતી. કેયુરીને ઉભા થવામાં તકલીફ પડી. એ હજુ હાફ નેકેડ હતી. એણે લથડીયા ખાતા ખાતા જ આસપાસ નજર મારી. એની નજર ટેબલ પર પડી. એ પોતાને સંભાળતા ટેબલ પાસે ગઇ અને એમાંથી ઇન્જેક્શન અને સીરીંઝ કાઢી. એણે ડ્રગ મિક્સ કર્યા. ઇંજેક્શન સીરીંઝમાં ભર્યુ. એણે પોતાનો હાથ દોરી વડે બાંધ્યો અને પોતાને ઇંજેક્શન આપ્યુ. એક જ ક્ષણમાં એની આંખો ઉંચી ચડી ગઇ. એનામાં ઉર્જા દોડવા લાગી. એણે ટી.વી પર લાઉડ રોક મ્યુઝીક શરૂ કર્યુ. એણે પોતાના બધા વસ્ત્રો ઉતારી નાખ્યા અને પાગલ નાચ કરતી કરતી શાવરમાં ગઇ. એણે શાવર લીધો. એ તૈયાર થઇ અને બહાર નીકળી.

એ હાઇ હતી. એનું હ્રદય પૂરેપુરી ઉર્જાથી ફાટી રહ્યુ હતુ. પરંતુ મનની અલગ અલગ ઋતુઓ હોય છે. નશો કોઇ શોખ ખાતર નથી કરતુ હોતુ. એણે રસ્તે જતા જતા જ પોતાનો મોબાઇલ કાઢ્યો અને જુના ક્લિક કરેલા નેચર ક્લિક્સ જોવા લાગી. ફોટામાં રહેલા લોકોની સ્માઇલ એને આકર્ષિત કરી રહી હતી. એ એવી રીતે જોઇ રહી હતી જાણે આ બધુ એ ક્યાંય ખોઇ બેસી હોય. એ વધારે ના જોઇ શકી. એણે પોતાનો મોબાઇલ અંદર મુકી દીધો. હાઇ સ્ટેટમાં હોવા છતા એને શાંતિની ઇચ્છા થઇ આવી. એ શહેરના શાંત કુદરતી સ્થળ તરફ ચાલી. એક ઉંચા પહાડ પર ગઇ. જ્યાં લોકો શાંતિ માટે આવતા. પણ વિચારોને લીધે એનુ માથુ ફાટી રહ્યુ હતુ. એણે પોતાના ખીસ્સા તપાસ્યા. સીગરેટ સિવાય કંઇજ ના નીકળ્યુ. એણે તરત જ એક સીગરેટ સળગાવી અને એક મોટા પથ્થરના ટુકડા પર બેઠી. એણે લાંબા કશ લગાવ્યા.

‘આવી ગઇને દૂર?’, અંદરથી પોતાનો જ અવાજ આવ્યો.

‘કદાચ આ જ લખ્યુ હશે.’, કેયુરી બબડી.

‘શબ્દો હકીકતો થી દૂર ભાગવાનું ઉતમ સાધન છે.’, ફરી અવાજ આવ્યો.

‘તો તને શું લાગે છે આ બધુ મેં એકલીએ જ કર્યુ છે?’,

‘વિશ્વની સમગ્ર ઘટનાઓના કેન્દ્રમાં આપણે જ છીએ.’

‘મને તારી આ મેટાફીઝીકલ વાતો નથી સમજાતી.’

‘વારે વારે મોબાઇલમાં ફોટા જોવા એ કપાયેલો રસ્તો નથી તો શું છે?’

‘વોટ ડૂ આઇ ડૂ?’, કેયુરીએ પોતાના વાળ ખેંચીને કહ્યુ.

‘એ તો તુ જાણે અને તારૂ શરીર.’,

‘હું ખુશ નથી.’, કેયુરીની આંખમાં આંસુ આવી ગયા.

‘તો હું છું? પરંતુ હું જીવી જાણુ છું. તારી જેમ છુપાવતી નથી.’, પેલો અવાજ વધારે તીવ્ર બન્યો.

‘આ શરીરના દૂખ તુ નહિં જાણી શકે.’

‘આ શરીરના દૂખ આ સીગરેટ કે કોઇ નશો નહિં મટાડી શકે.’, પેલો અવાજ મજબુત હતો. કેયુરી બે ક્ષણો માટે ચુપ થઇ ગઇ. એણે બીજી સીગરેટ કાઢી, સળગાવી અને લાંબો કશ લગાવ્યો.

‘ધુંમાડામાં કોઇ જ દૂખ નહિં નીકળે.’, પેલો અવાજ થોડો હસ્યો.

‘એટલીસ્ટ ધુંમાડામાં કંઇ દેખાશે તો નહિં.’, કેયુરી ગંભીર રીતે બોલી. ફરી એ સામે રહેલા ભાગતા શહેરને જોવા લાગી.

‘શું વિચારે છે?’, પેલા અવાજે પૂછ્યુ.

‘એવી રીતે પૂછે છે જાણે તને ખબર ના હોય?’, કેયુરીએ સીગરેટનો કશ લગાવતા કહ્યુ. પેલો અવાજ થોડો હસ્યો.

‘તને એમ લાગતુ હોય કે તુ મને રમાડી શકે તો એ હું નથી. તુ મારી પેદાશ છે. હું તારી નહિં.’, કેયુરી થોડુ ગુસ્સે થઇને બોલી.

‘હાહાહા.’, પેલો અવાજ વધારે હસ્યો.

‘પરંતુ તારી દરેક ક્રિયાઓ મારા લીધે છે એનું શું?’, પેલો અવાજ હસતા હસતા બોલતો ગયો.

‘તને મારા દુખથી આટલી બધી ખુશી મળે છે? હું ખુશ હોવ ત્યારે તુ ક્યારેય નથી આવતી.’, કેયુરી લાચારીથી બોલી.

‘કારણ કે દુખમાં તારી સાથે કોઇ નથી હોતુ.’, પેલો અવાજ શાંત હતો.

‘મને ખબર નથી પડતી મારે શું કરવુ. ક્યારેક એમ થાય કે આ ચંચળ જીવને શાંત કરી દવ.’, કેયુરી ભાંગી પડી.

‘શરીર શાંત થશે. જીવ નહિં.’, અવાજ આવ્યો જાણે કેયુરીની સંભાળ લેતો હોય.

‘તો હું શું કરૂ?’, કેયુરી અકળાઈને બોલી.

‘કંઇ નહિં.’, ફરી શાંત અવાજ.

‘મારે ઇશ્વર નથી બનવુ.’, કેયુરી ભીની આંખે જ બોલી.

‘જે વસ્તુ હોય જ નહિં, એ બની કેમ શકાય?’,

‘જ્યારે પણ દિવાલ પર લટકાવેલ મારા ફોટાઓ જોવ છું ત્યારે એક જ સવાલ ઉઠે છે. ક્યાં ગયુ મારૂ એ નિર્દોષ સ્મિત? ક્યાં ગઇ એ કોઇ કારણ વિનાની ખુશીઓ? જ્યારે મારે પાગલ બનવા માટે કોકેઇન નહોતુ લેવુ પડતુ? મને મારા જ ભૂતકાળની ઇર્ષ્યા થવા લાગી છે. ખુશીઓ માટે ભટકુ છું. પણ બધે જ સ્વાર્થ છે. ક્યાંક શારિરીક તો ક્યાંક માનસિક.’, કેયુરીની આંખોમાંથી દડ દડ આંસુઓ પડી રહ્યા હતા.

‘શાંત. સુખ છે જ. પરંતુ આ બધુ છોડી દે. આ ક્ષણિક સુખનો નશો તને વાસ્તવિકતા તરફ જતા રોકે છે.’, પેલો અવાજ ખુબ જ શાંતિથી બોલ્યો.

‘પરંતુ આ શરીરનું શું? એ આદતી બની ગયુ છે એનું શું?’, કેયુરી એવી રીતે બોલી જાણે એની પાસે બીજો કોઇ રસ્તો જ ન હોય.

‘હું શરીર થોડી છું. મને એનો કોઇ અનૂભવ નથી. એ તો તુ જાણે.’,

‘હું શરીરના કાબુમાં છું.’

‘તો પોતાની જાતને પ્રવાહી બનાવી દે. ક્યાંય પણ વહી શકીશ.’, પેલા અવાજે કહ્યુ.

‘કઇ રીતે? એ જ તો મને ખબર’, કેયુરીએ ફરી એક સીગરેટ કાઢી.

‘પાછળ જો.’, કેયુરી પાછળ ફરી. એ કોઇ અજાણી જગ્યા પર હતી. ચારે તરફ રંગવિહીન પહાડો હતા. એક મોટો એકદમ કાળો પથ્થર એની તરફ આવી રહ્યો હતો. કેયુરીને શ્વાસ ચડવા લાગ્યો.

‘વાસ્તવિકતાથી ક્યાં સુધી ભાગીશ? એનો સ્વિકાર કર.’, પેલો અવાજ શાંતીથી બોલ્યો.

‘મારૂ અસ્તિત્વ નહિં રહે.’, કેયુરી આંસુ સાથે ડરીને બોલી.

‘અસ્તિત્વ તો મારૂ પણ નથી છતા હું છું.’,

‘હું પીડાવા નથી માંગતી. આ શરીર દુખી થશે. મને બચાવ.’, કેયુરી ગભરાતી ગભરાતી બોલી એના શ્વાસ વધી રહ્યા હતા. પેલો કાળો ડીબાંગ પથ્થર પૂરપાટ જડપે કેયુરી તરફ આવી રહ્યો હતો.

‘સ્વિકાર બધી પીડાઓનો અંત છે. શાંત’, પેલા અવાજે કહ્યુ. કેયુરીએ એ આવી રહેલા પથ્થર સામે ધ્યાનથી જોયુ. એના દડવાના અવાજમાં જાણે કટાક્ષભર્યુ હાસ્ય હોય એવુ લાગ્યુ. એને એ હાસ્ય ન ગમ્યુ. પરંતુ એનામાં હિમ્મત આવી. એ પથ્થર હસતો હસતો એની તરફ આવી રહ્યો હતો. કેયુરી સતત એની તરફ જ જોઇ રહી હતી.

'સ્વિકારી લે.', પેલો અવાજ આવ્યો અને અવકાશમાં અદ્રશ્ય થઇ ગયો. કેયુરી એની તરફ આવી રહેલા કાળા પથ્થરને હિમ્મત પૂર્વક જોઇ રહી હતી. જાણે આજે એને આ દૂનિયાના કોઇ ક્રિયા કલાપોની પરવાહ ના હોય. જાણે શરીર માત્ર બંધનોનું ખોખુ હોય જેમાંથી સુખ અને દુખ બન્ને નીકળતા હોય. વધી વધીને શું થશે? આ શરીર પીગળી જશે? એને બંધનોમાંથી મુક્ત થવાના બંધનનો ડર નહોતો. એ મૃગ ગતીથી આવી રહેલા પથ્થર સામે જોઇ રહી. બસ હવે ક્ષણો બહુ દૂર નહોતી. એની થોડીક સામે એ પથ્થર હતો. બસ પથ્થર એની સામે જ હતો એ પહેલા એણે પોતાની આંખો બંધ કરી. અચાનક એને એક જટકો લાગ્યો આંખો સામેના અંધારામાં એ કાળો પથ્થર ક્યાંય અદ્રશ્ય થઇ ગયો.

***

‘ઉઠ. કેયુરી?’, કેયુરીના ગાલ પર એક જોરથી તમાચો આવ્યો. કેયુરી ઉંડો શ્વાસ લઇને ઉભી થઇ ગઇ. કાર તૃષા ચલાવી રહી હતી. એ પણ પૂરેપૂરી હાઇ હતી. કેયુરીએ ફરી કોકેઇનના સ્લોટ પાડ્યા.

‘તુ ઓલરેડી ઓવરડોઝ છે. લીવ ઇટ.’, માનસીએ કહ્યુ.

‘લેટ હર ડુ ઇટ.’, કાળો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલ મને પાછળ ફરીને કહ્યુ.

‘શી હેડ ઇનફ ઓલરેડી.’, માનસીએ થોડુ ચીડાઇને કહ્યુ અને કોકેઇન પોતે ખેંચી લીધુ.

‘હેવ ધીઝ.’, મને કેયુરીને આગળથી ગાંજાની ચલમ આપી. કેયુરીએ એક લાંબો કશ માર્યો.

‘વેર આર વી ગોઇંગ?’, તૃષા બોલી. કાર પહાડોમાંથી નીકળીને એક સૂનસાન કાચી સડક પર આવી ગઇ હતી. માત્ર હેડલાઇટના સહારે આ સડક પર કાર ચલાવવી મુશ્કેલ હતી. પરંતુ આકાશમાં પૂર્ણ ચંદ્ર હતો.

‘આઇ ફકીંન લવ યુ મન.’, કેયુરીએ એના નશામાં મોટેથી બોલી. મને ચાલુ ગાડીએ જ પાછળ તરફ આવીને કેયુરીના હોઠ પર બટકા ભર્યા. ચલમથી એક કશ મારીને કારમાં ધુંમાડો ફેલાવી દીધો. માનસીને આ બધી વસ્તુથી ચીડ આવી રહી હતી. એણે કોઇ જ નશો કર્યો નહોતો.

‘લેફ્ટ સાઇડ.’, મને તૃષા તરફ ફરતા કહ્યુ. એ પોતાનો હાથ તૃષાના ખભા તરફ લઇ ગયો. તૃષા થોડુ હસી. કેયુરીની નજર મન પર પડી પરંતુ એ કંઇ બોલી નહિં.

‘મને ડર લાગે છે. આપણે પાછા ફરી જવુ જોઇએ. મને નથી લાગતુ અહિં કોઇ રીસોર્ટ હોય.’, માનસીએ

‘આવશે. આવશે.’, મન પોતાનો હાથ તૃષાના શરીરના અંગો ઉપર ફેરવી રહ્યો હતો. કેયુરીથી આ સહન નહોતુ થઇ રહ્યુ. માનસીએ કેયુરીના ચહેરા પરના ભાવો જોયા.

‘સ્ટોપ ઇટ મન.’, કેયુરીએ ચીસ પાડી.

‘ગેટ લોસ્ટ બીચ.’, મન બોલ્યો. તૃષાથી કાર રોકાઇ ગઇ. મને તૃષાની ગરદન તરફ પોતાનો ચહેરો જવા દીધો.

‘મેં તને કહ્યુ હતુ આ માણસ બરાબર નથી.’, માનસી ગભરાઇને બોલી. કેયુરી રહી ના શકી. આસપાસ એણે જોઇએ. ત્યાં ખાલી ડ્રગ સીરીંઝ પડી હતી. એણે એ જડપથી ઉભી થઇને એ સીરીંઝ મનની ગરદનમાં ઘોંચી દીધી. મનના મોંમાંથી ચીસ અને ગાળો નીકળી. એણે કેયુરીના વાળ પકડીને સીટ સાથ ભટકાડી. પોતાના પેન્ટના ખીસ્સામાંથી એણે ગન કાઢી.

‘નો નો મન.’, માનસીએ મનને મનાવવાનું શરૂ કર્યુ. કેયુરીના વાળ હજુ મનનાં હાથમાં હતા.

‘યુ બીચ. આઇમ ગોના કિલ યુ.’, ફરી એણે કેયુરીના વાળ વધારે ખેંચ્યા.

‘મન છોડી દે એને, લેટ્સ હેવ ફન.’, તૃષા વચ્ચે બોલી.

‘વચ્ચે આવમાં.’, મન ગુસ્સામાં બોલ્યો. ડ્રગ્સના લીધે એને કોઇ ભાન નહોતુ. એ તૃષા તરફ ફર્યો એવી જ માનસી મન પર ઉછળી અને એનાં હાથમાંથી ગન લઇ લીધી.

‘છોડ એને’, માનસીએ મન તરફ ગન તાકીને કહ્યુ. મને કેયુરીના વાળ છોડી દીધા. એ તૃષા તરફ ઢળી ગયો.

‘તુ મને મારીશ? તુ?’, એણે હસતા હસતા ફરી તૃષાના ચહેરા તરફ ચહેરો લઇ જઇને ચુંબન કર્યુ. કેયુરીના ચહેરા પર ભયંકર ગુસ્સો હતો. એણે માનસીના હાથમાંથી ગન છીનવી લીધી. અને તરત મન સામે તાકીને ટ્રીગર દબાવી દીધી. મન હટી ગયો ગોળી સીધી તૃષાના માથામાં ધુસી ગઇ. ફરી એણે ટ્રીગર દબાવી આ વખતે નિશાન મનની છાતી હતી. એના કાળા કપડા પર લાલ લોહી બહુ ઓછુ દેખાઈ રહ્યુ હતુ. ગુસ્સામાં એણે બીજી બે ગોળી છોડી દીધી. માનસી અવાચક રહીને આ બધુ જોઇ રહી.

‘આઇ લવ્ડ યુ ગોડ ડેમ ઇટ.’, છેલ્લી ગોળી છોડતા કેયુરી બોલી. એનો બધો નશો ઉતરી ચુક્યો હતો. અચાનક મન પોતાના કાળા કપડામાં ઉભો થયો અને કેયુરી તરફ જટકો ખાઈને આવ્યો. એના મોં માંથી લોહી નીકળી ગયુ. કેયુરી ડરી ગઇ. એણે આંખો બંધ કરી લીધી.

***

કારમાં ધીમું શાસ્ત્રીય સંગિત વાગી રહ્યુ હતુ. સીતાર અને શરણાઈની રાગ દેશ પર જુગલબંધી હતી. બહાર ઠંડુ વરસાદી વાતાવરણ હતુ, પરંતુ વરસાદ નહોતો, મંદ ઠંડા પવન સાથે વાતાવરણમાં સુગંધ હતી. કાર પહાડો વચ્ચેના સર્પિલા રસ્તા વચ્ચે જઇ રહી હતી. કેયુરીએ ચહેરા પર સ્મિત સાથે ઉંઘમાં જ પડખુ ફેરવ્યુ. પવનને કારણે એના વાળ ઉડીને ચહેરા પર આવી ગયા. એણે પોતાના ગોરા હાથ વડે પોતાના વાળને પાછળની તરફ કર્યા. એ બંધ આખે જ માદક વાતાવરણને માણતી રહી. અચાનક એની આંખો ખુલી એણે સામે જોયુ. પ્રચંડ ગતીએ એક કાર એની કારની સામે જ આવી રહી હતી.

‘ડ્રાઇવર ડ્રાઇવર.’, એ ચીલ્લાઇ. ડ્રાઇવર મુર્ત બનીને બેસી રહ્યો હતો.

‘ડ્રાઇવર !’, એ મોટેથી ચીલ્લાઇ. એ હાંફતી હાંફતી ઉંઘમાંથી ઉભી થઇ ગઇ. એના કપાળ પર પરસેવો વળી ગયો. એણે બાજુમાં જોયુ. એક યુવાને કેયુરીનો હાથ પોતાના હાથમાં ધીમેંથી લીધો.

‘સપનુ હતુ.’, એ યુવાને ધીમેંથી કહ્યુ.

‘મને ડર લાગે છે’, કેયુરીના ચહેરા પર ચિંતાની રેખાઓ તણાણી.

‘ઇટ્સ ફાઇન, આપણે હનીમુન પર છીએ. ચીલ.’, એ યુવાને સ્મિત કરીને કહ્યુ. અને કેયુરીને પોતાની બાંહોમાં લીધી. કેયુરીને સારૂ લાગ્યુ. વાતાવરણ સંગિતમય ખુશનુમા હતુ. એ યુવાન ધીરેથી પોતાનો ચહેરો કેયુરીની ગરદનની સોડમાં લઇ ગયો અને ત્યાં ચુંબન કર્યુ. કેયુરીને ગમ્યુ, એણે આંખો બંધ કરી. બન્નેએ મૃદૂ હોઠે ચુંબનો કર્યા. પેલા યુવાને કેટલાક ચુંબનો કેયુરીની સુગંધીત ગરદન ચોડ્યા. બન્ને છુટા પડ્યા. કેયુરીએ બારીની બહાર જોયુ. એણે ડોકુ કારની ખુલ્લી બારી પર ટેકાવ્યુ. એ મંદ ઠંડા પવન અને સુંગધને માણતી રહી. એ યુવાને પોતાનો ચહેરો કેયુરીના ખોળામાં ટેકવ્યો. કેયુરીએ પોતાના હાથ એ યુવાનના વાળમાં પરોવ્યા. એ આંખો બંધ કરીને ખુશનુમાં વાતાવરણને માણતી રહી. એની સામે ધીરે ધીરે પ્રચંડ પ્રકાશ છવાઈ ગયો. પરંતુ એટલો પ્રકાશ કે એને પ્રકાશ સમજવો કે અંધકાર એ કેયુરીને ખબર ના પડી.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com