ઓપરેશન અભિમન્યુ:
લેખકના બે શબ્દો...
જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સ એ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.
પ્રકરણ ૩ એ પલ્લવી હતી...
‘આપની સેવાનો લાભ અમને મળતો રહે એવી કામના સાથે હું નિહારિકા દવે આજનો આ લાજવાબ એપિસોડ પુર્ણ કરી રહી છું. આવતા એપિસોડમાં ફરી મળીશું. નમસ્તે આપ સૌનો દિવસ શુભ રહે સલામત રહે.!’ એસપી સુભાષ કોહલીના બેઠક રૂમનું દ્રશ્ય જ્યાં મુખ્ય દ્વારથી પ્રવેશતા જ સામે ૬૦” X ૪૦” ની પલ્લવીની વિશાળ ફોટો ફ્રેમ દ્રશ્યમાન થતી હોય છે. એ વિશાળ ફ્રેમની નીચે થોડી બાજુની તરફ દીવાલ પર ફ્લેટ ટીવી આવેલું હોય છે. ટીવીની સામેની તરફ ત્રણ જણની બેઠક ધરાવતો એક સોફો તથા તેની બંને બાજુઓએ એક એક સિંગલ બેઠક ધરાવતા સોફા રાખેલા હોય છે. ગ્રે કલરનું મખમલી કવર ધરાવતા આ સોફા પર્પલ કલરમાં રંગેલી દિવાલો સાથે જરાય મેચ નહતા થતાં.
“મી આઈ કમ ઇન સર.?” ટીવી પર સ્વતંત્ર સમાચાર જોઈ રહેલા એસપી સુભાષ કોહલીએ આ અવાજ સાંભળીને દરવાજા તરફ નજર કરી. સોફાના મખમલી કવર જેવા જ ગ્રે કલરનું ટી શર્ટ અને એન્કલ લેન્થ બ્લુ જીન્સમાં નિહારિકા મુખ્ય દરવાજે ઉભી હતી. તેના વાંકળિયા વાળ આજે પણ તેણે ખુલ્લા રાખ્યા હતાં.
“કમ ઇન પ્લીઝ, દરવાજો તમારા માટે જ ખુલ્લો રાખ્યો હતો.” સુભાષ કોહલીએ કહ્યું. નિહારીકાએ અંદરની તરફ ડગ માંડ્યા અને એસપી સાહેબની જમણી બાજુના સિંગલ સોફા પર બેઠક લીધી. ત્યારબાદ તેણે પોતાનું હેન્ડબેગ કાઢીને સામેના ટેબલ પર રાખ્યું.
“તમે ન્યુઝ ચેનલવાળા લોકો પોલિસ કરતા પણ વધુ ઝડપે કામ કરો છો. દરેક જગ્યાએ પોલિસથી પણ વહેલા પહોંચી જાઓ.” એસપી કોહલીએ ફરી ટીવી પર નજર ઠેરવતા કહ્યું.
“આ એપિસોડનું પ્રસારણ આજે થવાનું હતું.? માય ગોડ હું તો જોવાનું ભૂલી જ ગઈ.!” નિહારીકાએ કપાળ ઉપર હાથ ફેરવ્યો.
“તો મિસ દવે હું હવે એ ઘટનાનો બીજો એપિસોડ કહેવાનું ચાલુ કરું છું.” એસપી કોહલીએ રિમોટ ઉપાડીને ટીવી બંધ કરતા કહ્યું પછી સોફા પરથી ઉભા થઈને બેઠક રૂમમાં પોતાની ડાબી બાજુએ આવેલી બારી પાસે જઈ ઉભા રહ્યા. નિહારિકાએ પોતાના હેન્ડ બેગમાંથી ડાયરી અને પેન કાઢ્યા ત્યારબાદ એસપી કોહલીના શબ્દો સાંભળવા તત્પર બની ગઈ. બારીમાંથી ઘરની અંદર ઠંડા પવનની લહેરકીઓ આવી રહી હતી. આ લહેરકીઓ એસપી કોહલીને ફરી ભૂતકાળમાં પાછી લઇ ગઈ.
@ @ @
હું સાચું જ કહું છું તમે ન્યુઝ ચેનલવાળા લોકો પોલિસ કરતા પણ વધુ ઝડપે કામ કરો છો. દરેક જગ્યાએ પોલિસથી પણ વહેલા પહોંચી જાઓ છો. જેમ એ દિવસે પહોંચી ગયા હતા...
‘પોલિસ સાથે થયેલી અથડામણમાં કુલ ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. પોલીસનું કહેવું છે કે એ ગોળીઓથી નહિ પરંતુ તેમની કારમાં રહેલા બોમ્બથી મર્યા છે. એક તરફ આ ઘટના થઇ એનાથી થોડા જ કિલોમીટર દુર પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનમાં મેટ્રોમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયા હોવાથી અંદાજે ૫૩૫ લોકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે લોકોના મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. હજુ સુધી કોઈપણ આતંકવાદી સંગઠનએ આ ઘટનાની જવાબદારી લીધી નથી. સરકારે બંને ઘટનાઓની તપાસ માટેના આદેશો આપ્યા છે.’ અમે દિલ્લી પોલિસ હેડક્વાટરના કોન્ફરન્સ રૂમમાં બેઠા બેઠા ન્યુઝ જોઈ રહ્યા હતા. ડીઆઈજી સુબ્રમણ્યમસાહેબ અમારી સાથે જ હતા અને ટેબલના એક ખૂણે તેઓ પોતાના ડાબા હાથને ટેબલ પર ગોઠવીને ઉભા હતા. થોડીવાર બાદ ડીઆઈજી સુબ્રમણ્યમએ રિમોટ વડે ટીવી ઓફ કર્યું અને ત્યારબાદ અમારી તરફ ફર્યા.
“એસપી રાઘવ શર્મા.! તમે એમ કેવી રીતે કહી શકો કે આ બંને ઘટનાઓનું આપસમાં જોડાણ છે.?” ડીઆઈજી સુબ્રમણ્યમએ પ્રશ્ન કર્યો.
“સર અમને ફોન આવેલો કે બ્લેક સફારી કારે અકસ્માતોની હારમાળા સર્જી છે. એ કારનો અમે પીછો કર્યો અને જે થયું એ આપની સામે છે. જાણવાલાયક બાબત એ છે કે કારએ જ્યાંથી અકસ્માતની શરૂઆત કરેલી એ મેટ્રો સ્ટેશનના પાર્કિંગની CCTV ફૂટેજ મેં મંગાવેલી અને જોઈ છે. બ્લેક સફારી કાર ત્યાં પણ આવેલી અને પાર્ક થઇ હતી. તેમાંથી કુલ છ લોકો ઉતર્યા હતાં. જેમાંના ફક્ત ત્રણ લોકો જ કારમાં બેસવા પાછા આવેલા. બાકીના ત્રણ લોકો પાછા નહતા ફર્યા. મારા મત પ્રમાણે આ જ ત્રણ લોકો મેટ્રોમાં થયેલા વિસ્ફોટો માટે પણ જવાબદાર હોઈ શકે છે.” રાઘવએ ખુરશી પરથી ઉભા થઈને પોતાનું વક્તવ્ય આપ્યું.
“વેરી ગુડ, તમે ખુબ ઓછા સમયમાં ખાસ્સી એવી કામગીરી પૂર્ણ કરી લીધી.” ડીઆઈજી સુબ્રમણ્યમએ રાઘવને શાબાશી આપતા કહ્યું. મને પણ રાઘવ પર ગર્વ થઇ રહ્યો હતો.
“થેંક યું સર પણ કામ હજી પૂરું થયું નથી. આ સીડીમાં CCTV કેમેરાની ફૂટેજ છે જેમાં બ્લેક સફારી કાર અને તેમાંથી ઉતરનારા લોકો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ લોકોમાંના ત્રણ લોકો મુઠભેડ વખતે થયેલા વિસ્ફોટમાં મરી ગયા છે. બાકીના ત્રણ લોકોના સ્કેચ જાહેર કરવાથી ગુનેગારો આસાનીથી પકડાઈ જશે. બીજું RTO માંથી વિગત મેળવવામાં આવી રહી છે. બ્લેક સફારી કારના માલિકનો પણ જલ્દીથી પતો લાગી જશે. ત્યારબાદ આ કેસ પાણીની માફક સાફ બની જશે.” ડીઆઈજી સુબ્રમણ્યમ રાઘવની પીઠ થાબડીને કોન્ફરન્સ રૂમમાંથી બહાર જતા રહ્યા. ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં અમે ચાર લોકો બચ્યા હતા. હું, રાઘવ, કરતાર અને અસલમ. રાઘવ અમારા ત્રણેનો સીનીયર હતો.
“સર તમે કરતાર સાથે મળીને જયારે બ્લેક સફારી કારનો પીછો કર્યો ત્યારે ખરેખર શું બન્યું.?” મેં રાઘવને સવાલ કર્યો. રાઘવએ ખુરશી પર બેઠક લીધી ત્યારબાદ થોડીવાર રૂમમાં શાંતિ છવાયેલી રહી.
“આપણે ત્યાંથી છુટા પડ્યા બાદ અમે બ્લેક સફારી કારનો પીછો કર્યો અને ચાર રસ્તા પાસે તેને ચેક પોસ્ટ ઉભેલી જોઈ. મારા ઈશારે ટ્રાફિક પોલીસે કારને આગળ જતા અવરોધી ત્યાં તેમાં બેઠેલા આતંકીઓએ અંધાધુંધ ગોળીબાર ચાલુ કર્યો. ટ્રાફિક પોલિસ પાસે હથિયારો ન હોવાથી તેઓ સુરક્ષિત જગ્યાઓએ છુપાવા લાગ્યા. આ દરમ્યાન કેટલાક પોલીસકર્મીઓ શહીદ પણ થયા. પોતાનો માર્ગ મોકળો થયેલો જોઇને બ્લેક સફારી કાર આગળ વધવા પ્રયાસ કરવા લાગેલી.” આટલું કહી પાણી પીવા માટે રાઘવે વિરામ લીધો.
“અમે એ આતંકીઓને આગળ હરગીઝ નહતા જવા દેવા માંગતા. માટે તરત ગાડી ચાલુ કરીને તેમને આંતરી લીધા. એ લોકોએ ફરી અંધાધુંધ ગોળીઓ વરસાવવાનું ચાલુ કર્યું. અમે પણ જવાબી ગોળીબાર ચાલુ કર્યો. થોડીવારમાં બીજી કેટલીક પોલીસની ગાડીઓ ત્યાં પહોંચી આવેલી. અમે તે લોકોને ઘેરી લીધા હતા. ચારે બાજુએથી ઘેરાઈ ગયા બાદ આતંકીઓએ ગોળીબાર બંધ કર્યો. અમને થયું કદાચ તેઓ આત્મસમર્પણ કરવા માંગતા હશે, કદાચ તેમની પાસેની ગોળીઓ ખૂટી પડી હોઈ શકે અથવા તો અમારા લોકોની ગોળીઓએ તેમના પ્રાણ લઇ લીધા હોય. બનાવની વિગત જાણવા કેટલાક પોલીસકર્મીઓ તેમની ગાડીમાંથી ઉતર્યા અને બ્લેક સફારી કાર તરફ આગળ વધવા લાગ્યા. અમારા આશ્ચર્ય વચ્ચે એ કારમાં જબરદસ્ત બ્લાસ્ટ થયો. એ વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે ગાડીમાંથી ઉતરેલા પોલીસકર્મીઓ પણ વીરગતિ પામ્યા. એ કાર અને અમારી કાર વચ્ચે ખુબ અંતર હોવા છતાં આગની જ્વાળાઓ અમારી ગાડી સુધી પણ પહોંચી આવેલી.” કરતારએ બનાવની પુરેપુરી વિગત આપતા કહ્યું.
“કરતાર જયારે એ કારમાં વિસ્ફોટ થયેલો ત્યારે ખરેખર કેટલો સમય થયો હતો.?” અગાઉ રાઘવે બંને વિસ્ફોટો વચ્ચે સામ્યતા હોવાની શક્યતા વ્યક્ત કરેલી એ બાબતના સમર્થન માટે પુરાવો મેળવવા મેં કરતારને પ્રશ્ન કર્યો.
“મને સમય યાદ નથી સુભાષ. અમે લોકો ખુબ તનાવપૂર્ણ પરિસ્થિતિમાં હતા. ત્યાં અફરાતફરીનો માહોલ હતો.” કરતારએ કહ્યું.
“તારો ફોન આવ્યો એના પાંચ જ મિનીટમાં એ બ્લાસ્ટ થયેલો. તું જોઇ લે તે કેટલા વાગે મને ફોન કર્યો હતો.?” રાઘવે કહ્યું.
“આપણી છેલ્લીવાર વાત થઇ એના પાંચ મિનીટ પછી જ મેટ્રોમાં પણ બ્લાસ્ટ થયેલો. સર મને શંકા છે કે આતંકવાદીઓએ આ બધી ઘટનામાં ટાઇમબોમ્બનો પ્રયોગ કર્યો હોઈ શકે છે. કારણ કે સંભવત બંને જગ્યાઓએ એક જ સમયે વિસ્ફોટો થયા છે.” મેં કહ્યું.
“હજુ ઘણીબધી વાત જાણવાની બાકી છે જેમકે એ કોણ લોકો હતા.? એમનો ધ્યેય શું હતો.? અને એક જ કારમાં આવેલા લોકો શા માટે જુદી જુદી જગ્યાએ વિસ્ફોટ કરવા માંગતા હતા. આ બધાના જવાબ કારના માલિકનો પતો લાગે એ પછી જ મળી શકશે.” રાઘવે કહ્યું.
અમે લોકોએ અસલમને અમુક પેપર્સ સાથે કોન્ફરન્સ રૂમમાં આવતા જોયો. અમારી વાતચીત ચાલતી હતી ત્યારે એ ક્યારે રૂમમાંથી બહાર નીકળી ગયેલો એનું અમને ધ્યાન ન રહ્યું.
“સર પ્રગતીમેદાન મેટ્રો સ્ટેશનના CCTV કેમેરાના ફૂટેજમાં જે છ લોકો દેખાયેલા એમના સ્કેચ તૈયાર થઇ ચુક્યા છે. તસ્વીરો સ્પષ્ટ ન દેખાતી હોવા છતાં સ્કેચ બનાવનારે પૂરતા પ્રયાસ કર્યા છે. આ જ એ છ લોકો છે જેઓ બ્લેક સફારી કારમાંથી ઉતર્યા હતા. આ છ માંના આ ત્રણ લોકો પાછા ફર્યા હતા. સંભવત કાર વિસ્ફોટમાં જે માર્યા ગયેલા એ આ જ ત્રણ લોકો હોઈ શકે.!” અસલમે રાઘવ પાસે આતંકીઓના સ્કેચ બતાવતા કહ્યું. અમે સૌ એકીટસે આ બધાના સ્કેચ જોઈ રહ્યા.
“આ દરીન્દાઓ ચેહરા પરથી કેટલા માસુમ લાગી રહ્યા છે.” મેં એક સ્કેચને હાથમાં લેતા કહ્યું. કરતારએ મારા હાથમાંથી એ સ્કેચ લીધો અને તેને તાકીને જોવા લાગ્યો.
“સર આ લોકો ખુબ યુવાન વયના લાગે છે. કદાચ કોઈ આતંકવાદી સંગઠનના જેહાદીઓ હોઈ શકે છે. સીમાપાર ઘણાબધા આતંકી સંગઠનો આવા બાળકોને પૈસાની લાલચ આપીને, સમજાવી-ફોસલાવીને કે ડરાવી-ધમકાવીને ભારત વિરુદ્ધની આતંકી યોજનાઓને અંજામ આપવા માટે તેમનો ઉપયોગ કરે છે.” કરતારએ કહ્યું.
“સાલા જેહાદ શું છે, કુરાન શું છે અને ઇસ્લામીયત શું છે એ નથી જાણતા અને ચાલી નીકળ્યા છે જેહાદ કરવા.! આવા લોકોના લીધે જ અમારો ધર્મ બદનામ થયો છે.” અસલમ કરતારની વાતોથી ગુસ્સામાં આવી ગયો. તે આમ પણ શોર્ટ ટેમ્પર સ્વભાવનો હતો, નાની-નાની વાતે જલ્દીથી ગુસ્સામાં આવી જતો.
“હોલ્ડ ઓન અસલમ લોકોના ચેહરા પર નથી લખેલું હોતું કે તેઓ કયા ધર્મ કે મજહબને પાળે છે અને મારા મતે દુનિયામાં બે જ પ્રકારના લોકો વસે છે સારા માણસો અને ખરાબ માણસો. ખરાબ માણસોને ધર્મ જેવી બાબત સાથે કોઈ લેવાદેવા નથી હોતા. આ કૃત્ય ચોક્કસથી ખરાબ પ્રકારના લોકો દ્વારા કરવામાં આવેલું છે. આપણે એમને પકડીને સબક શીખવાડીશું.” રાઘવે અસલમને કહ્યું.
“અગર આ ત્રણ લોકો કાર વિસ્ફોટમાં મરી ગયા છે તો બાકી બચેલા આ ત્રણ લોકોએ મેટ્રોવાળી ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે છે. આપણે આ લોકોના સ્કેચ દરેક પોલિસ સ્ટેશનમાં પહોચાડીને તેમના વિષે માહિતી પ્રાપ્ત કરવા પ્રયાસો કરવા જોઈએ.” મેં કહ્યું.
“આપણે ફક્ત ત્રણના નહિ પરંતુ છ એ છ લોકોના સ્કેચ દિલ્લીના દરેકે દરેક સ્થળે લગાવીને લોકો પાસેથી એમના વિષે માહિતી પ્રાપ્ત કરીશું. પરંતુ અત્યારે હવે વિરામ લેવો આવશ્યક છે, અત્યારે સૌ છુટ્ટા પડીએ રાત બહુ વીતી ગઈ છે. બધા સવારે વહેલા મળીને આગળની કાર્યવાહી હાથ ધરીશું.” રાઘવ ખુરશી પરથી ઉભો થયો. અમે પણ સૌ પોતપોતાની ખુરશીઓ ત્યજીને રાઘવની પાછળ પાછળ ચાલવા લાગ્યા.
“સર બ્લેક સફારી કાર નંબર DL ૧૨ XX ૦૦૦૦ ના માલિક વિષે RTOમાંથી માહિતી પ્રાપ્ત કરવામાં આવેલી છે..!” અમે લોકો દિલ્લી પોલિસ હેડક્વાર્ટરના છઠ્ઠા માળની લોબીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક કોન્સ્ટેબલે રાઘવ પાસે આવીને કહ્યું.
“તો...?” રાઘવે થોભ્યા વગર ચાલતા ચાલતા જ વાર્તાલાપ ચાલુ રાખ્યો.
“સર તે એક લેડી છે. RTOમાંથી તેનું નામ અને સરનામું પ્રાપ્ત થઇ ચુક્યું છે. ઈનફેક્ટ પોલિસ તેના ઘરે પણ પહોંચી ગઈ હશે.” કોન્સ્ટેબલે કહ્યું. અમે લોકોએ લિફટમાં પ્રવેશ કર્યો. અસલમે ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે બેઝમેન્ટ-૨ ના પાર્કિંગમાં જવા માટે બટન દબાવ્યું.
“તમે લોકો પણ મારી જેમ ઝડપથી કામ કરી રહ્યા છો. શાબાશ...!” રાઘવે કહ્યું. થોડીવારમાં અમે લોકો બેઝમેન્ટ-૨ ના પાર્કિંગમાં પહોંચી ગયા. અમારાથી થોડેક દુર પાર્કિંગમાં ત્યાં એક પોલીસવાન આવીને ઉભી રહી. આ વાનમાંથી અમુક પુરુષ પોલિસ ઓફિસર્સ ઉતર્યા તથા પાછળના દરવાજેથી અમુક લેડી પોલિસ ઓફિસર્સની સાથે સલવાર કમીઝમાં એક લેડી ઉતરી. હું ત્યાંથી ખાસ્સો એવો દુર ઉભેલો હતો માટે મને એ લેડીનો ચેહરો દેખાતો નહતો. બસ થોડા અવાજો સંભળાતા હતા. અંગ્રેજી મિશ્રિત હિન્દી ભાષામાં એ લેડી બીજા ઓફિસર્સની સાથે દલીલ કરી રહી હતી. રાઘવ તેમની પાસે ગયો.
“આ તમે કોને લઇ આવ્યા છો.?” રાઘવે કહ્યું. તેનો પહાડી અવાજ દુરથી પણ સ્પષ્ટ સંભળાઈ શકાતો હતો.
“સર આ લેડી પેલી સફારી કારની માલિક છે. અમે લોકોએ RTOમાંથી તેનું સરનામું મેળવીને તેને અહી લઇ આવ્યા છીએ.”
“તમે બધા મુર્ખ છો.? શું એકમાં પણ ઘાંસના તણખલા જેટલી એ અક્કલ નથી.? કોઈપણ લેડીને સુર્યાસ્ત પછી પુછતાછ માટે ન બોલાવી શકાય.” રાઘવએ લાલચોળ ચેહરામાં બધાને ખખડાવી નાખ્યા.
“માફ કરશો રાઘવ સર, અમે કાયદો જાણીએ છીએ પરંતુ કેસની ગંભીરતાને જોતા અમે તાત્કાલિક ગુનેગારને પકડી લાવવાનું યોગ્ય સમજ્યું.” બધા કોન્સ્ટેબલ્સ નીચું માથું રાખીને રાઘવની સામે ઉભા હતા. તેમાના એક કોન્સ્ટેબલે નીચું માથું રાખીને જ રાઘવને જવાબ આપ્યો.
“જસ્ટ શટ અપ, પહેલા તો જ્યાં સુધી કોઈ ગુન્હો સાબિત ન થાય ત્યાં સુધી આ ફક્ત એક શકમંદ છે ગુનેગાર નથી અને બીજી વાત કાયદો સુર્યાસ્ત બાદ કોઈપણ શકમંદ લેડીના ધરપકડ માટે પરમિશન નથી આપતું. અગર આ વાતની કોઈને પણ જાણ થશે તો તમને બધાને સસ્પેન્ડ કરી દેવામાં આવી શકે છે.”
“સોરી સર...” નીચે જુકેલા માથાઓ એકીસ્વરે બોલી ઉઠ્યા.
“જાઓ આમને સુરક્ષિત રીતે ફરી પાછા એમના ઘરે મોકલી આવો.” રાઘવે કહ્યું.
“થેંક યું સર..” દુરથી મેં એ લેડીના ફક્ત હોઠ ફરકતા જોયા. પરંતુ એ આવું જ કંઇક બોલી હોઈ શકે એવું અનુમાન લગાવું છું.
@ @ @
“વોવ, મેં આવો વણાંક વિચાર્યો પણ નહતો કે એક લેડી પણ આવી મોટી આતંકી ઘટનાની સુત્રધાર હોઈ શકે છે.! હું અત્યંત ખુશનસીબ છું સર કે મને તમારા જીવનમાં બનેલી આવી રોચક ઘટનાને તમારા જ મોઢે સાંભળવાનો મોકો મળ્યો છે.” થોડીવાર કલમને ડાયરી પર ઘસ્યા બાદ એસપી કોહલીને થોભેલા જોઈ નિહારીકાએ કહ્યું. તેને ખરેખર કોઈ શોક લાગ્યો હોય એવા ભાવ સાથે તે બોલી રહી હતી.
“દુરથી જોઈ રહ્યો હોવા છતાં એ લેડી મને ઓળખીતી લાગી. તેનો આ પહેરવેશ, તેની બોલવાની છટા અને તેના હાવભાવ કોઈક પોતાના, કોઈક ખુબ ખાસ બની ગયેલ હોય અને બાદમાં મારાથી દુર, ખુબ દુર જતું રહ્યું હોય એવાની યાદ અપાવવા લાગ્યું.” નિહારીકાની વાતને લગભગ અવગણી ચુક્યા હોય એમ એસપી સુભાષ કોહલી સોફા પર ધ્યાનમગ્ન અવસ્થામાં જ બેઠા બેઠા બોલવા લાગ્યા.
“જયારે રાઘવ મારી પાસે આવ્યો ત્યારે મેં તેને એ લેડીનું નામ પૂછ્યું. રાઘવના બદલે મને અમારી સાથે લીફ્ટમાં આવેલા પેલા કોન્સ્ટેબલે જવાબ આપ્યો અને એનો જવાબ સાંભળીને મારા પગની નીચેથી જમીન સરકી ગઈ હોય એવો મને ભાસ થયો. હજુ અમે લોકો એક આંચકામાંથી બહાર નહતા આવ્યા ત્યાં મારા માટે આ બીજો આંચકો સહન કરવો મુશ્કેલ હતો.” થોડીવાર અટકીને એસપી સુભાષ કોહલીએ ફરી બોલવાનું શરૂ કર્યું હતું. અત્યંત ભાવુક સ્વભાવના એસપી સુભાષ કોહલી ગઈકાલે જયારે બ્લાસ્ટ વિશેનું વર્ણન કરતા હતા એવા જ કંઇક ભાવો અત્યારે પણ તેમના ચેહરા પર સ્પષ્ટ રીતે દેખાઈ આવતા હતા.
આ દરમ્યાન એસપી સુભાષ કોહલીના ઘરની ડોરબેલ વાગી. તેઓ ઉભા થવા જતા હતા પરંતુ નિહારીકાએ તેમને અટકાવ્યા અને પોતે ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજા પર એસપી સુભાષ કોહલીની ધર્મપત્ની-પલ્લવી ઉભી હતી. નિહારીકાએ તેમને તેમના જ ઘરમાં આવકાર આપ્યો પરંતુ નિહારિકા કે એસપી સુભાષ કોહલી બંનેને અવગણતા પલ્લવી નીચું મોં રાખીને પોતાની બેગ ઊંચકી સીધી બેડરૂમ તરફ જવા લાગી.
“હુ વોસ શી.? એ લેડી કોણ હતી.?” ઘરનો દરવાજો બંધ કર્યા બાદ નિહારીકાએ પૂછ્યું.
“એ પલ્લવી હતી...” સુભાષ કોહલીએ કહ્યું.
“નહિ..નહિ... સર હું પલ્લવી મેડમને તો ઓળખી જ ગઈ. આ ૬૦’’ X ૪૦’’ ની ફોટોફ્રેમ જોયા પછી તો કોઈપણ મેડમને ઓળખી જાય. હું એ લેડીનું પુછુ છું જેને બોમ્બ બ્લાસ્ટની પુછતાછ માટે દિલ્લી પોલિસ હેડકવાર્ટરમાં લાવવામાં આવી હતી.” નિહારીકાએ સોફા પર ફરી પોતાની બેઠક લેતા કહ્યું અને બાદમાં પોતાની ડાયરી અને પેન હાથમાં લીધી.
“નિહારિકા એ લેડી જેને પોલિસ હેડક્વાર્ટર લઇ આવવામાં આવેલી એ એ જ પલ્લવી કેલકર હતી જેમને તમે હમણાં અંદર જતા જોઈ.!” તીક્ષણ આંખો કરીને એસપી સુભાષ કોહલી નિહારિકા સામે જોઈ રહ્યા. કઈ થયું ન હોય એમ થોડીવાર નિહારિકા સુભાષ કોહલીની આંખોમાં આંખ નાખીને જોઈ રહી બાદમાં અચાનકથી દિમાગની બત્તી પ્રગટી હોય એમ પાછળ ફરીને જોવા લાગી. પરંતુ ત્યાર સુધીમાં પલ્લવી પોતાના બેડરૂમમાં જતી રહેલી અને બેડરૂમનો દરવાજો અંદરથી ધડામ દઈને બંધ કરી દીધેલો. કોઈ સાંપ સુંઘી ગયો હોય અથવા ૪૪૦ વોલ્ટનો જીવતો તાર પકડી લીધો હોય એવા ભાવ સાથે નિહારિકા સુભાષ કોહલીને તાકી રહી.
@ @ @