Le aale le angreji in Gujarati Magazine by Harish Mahuvakar books and stories PDF | લે આલે લે અંગ્રેજી !

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

લે આલે લે અંગ્રેજી !

લે આલે લે...અંગ્રેજી!

હરીશ મહુવાકર

કોઇ પણ સમાજના પાયામાં શિક્ષણ ન હોય તો પ્રગતિ શક્ય નથી. અવિકસીત સમાજ અંધકારની ખીણમાં રહી જાય છે. અંધશ્રદ્ધાઓ અને જડવિચારો નવી દિશા ખોલવા દે નહિ. બીજી તરફ શિક્ષણ માટે સામાજિક અને કૌટુંબિક પરિસ્થિતિઓ પણ ભાગ ભજવતી હોય છે. વધારામાં લોકોએ શિક્ષણનો સંબંધ માત્ર અક્ષરજ્ઞાન પૂરતો જ સીમિત કર્યો છે. આવા તબક્કામાં મારે અંગ્રેજી શિક્ષણ આપવાની હિમાયત કરવી એ કદાચ ઘણાને વધુ પડતું લાગે. ભલે લાગે. મારા ધ્યાનમાં અંગ્રેજી વિના પણ સ્નાતક થયેલા, નોકરી મેળવેલા, વ્યવસાયમાં કે જાહેરક્ષેત્રમાં સફળતા મેળવનારા લોકો છે જ. એમ પણ થતું હોય જ છે. છતાં એનો મતલબ એમ નહિ કે તેઓ બધું પામ્યા છે અને તેમને કોઇ મુશ્કેલીઓ નડી નથી.

આ તબક્કે મારી સમજણ સ્પષ્ટ કરવી જરૂરી છે. તમને એ સ્પષ્ટ થાય, એ દિશા તરફ જવાની પ્રેરણા મળે. સ્હેજપણ એનો અમલ થાય તો મારું કામ યોગ્ય ગણાશે.

દુનિયા આગળ વધી રહી છે – ઝડપથી. બહુ બદલાઇ રહ્યું છે – ઝડપથી. રોજ નવી ક્ષિતિજો વિકસતી રહી છે ને રોજ કશુંક નવું સામે આવે છે. આ બધી બાબતોને લક્ષમાં નહિ લેવાય તો કઇ ગતિ હશે આપણી પ્રગતિની કે અધોગતિની ? હા, એક સમય હતો જયારે શાળાંત કરનારને સામેથી નોકરી શોધવા આવતી. પણ હવે એવું નથી રહ્યું. સ્પર્ધાનો છે આ યુગ ને એમાં ટકી રહેવા જરૂરી છે શિક્ષણ. ને સાથોસાથ જરૂરી છે અંગ્રેજી શિક્ષણ.

આના ફાયદા મને નીચે મુજબના લાગ્યા છે. મોટાભાગના વાસ્તવિક છે છતાં કેટલીક બાબતો અમૂર્ત રહીને પરિવર્તન લાવતી હોય છે તે બાબત પણ નોંધમાં લેવી રહી. અહીં આપેલી યાદી આખરી નથી. અહીં એ આશય પણ નથી.

◘ લઘુતાગ્રંથી દૂર થશે : -

આ અજાયબ લાગે – ઘડીભર જ. ઊંડો વિચાર કરતા જણાશે કે માત્ર માતૃભાષાને જાણનારો કૂપમંડૂક જ રહેવાનો. આપણી આસપાસના વાતાવરણમાં ઉચ્ચ શિક્ષણની અસર છે. આપણું સંતાન આ વાતાવરણમાં મુકાય ત્યારે તે અચરજ પામે છે. બીજાને આવડતું અંગ્રેજીનું જ્ઞાન તેને આંજી દે છે. કારણ કે તેને અંગ્રેજી આવડતું નથી. બીજી બાબતોમાં તે હોંશિયાર હોય તો પણ તેને કંઇક ખૂટતું હોવાનું લાગશે. બીજાને અંગ્રેજી બોલતા, લખતા, વાંચતા આવડતું જોઇને તેની લઘુતાગ્રંથી બંધાશે અને યાદ રાખો કે આ લઘુતાગ્રંથી જ વિકાસનું અવરોધક પરિબળ બને છે. તે પોતે પેલી વ્યક્તિ સામે ઊંચી આંખ કરીને જોઇ શકતો નથી. આથી જરૂરી એ છે કે તે અંગ્રેજી શીખે. આપણે તેને અંગ્રેજી ન શીખવી શકીએ તો જ્યાં તેવું વાતાવરણ મળે એ જગ્યાએ તેને મુકવો જોઇએ. આપણે પોતે તેમાં ઊંડી રુચિ લઇ માર્ગ આપવો રહ્યો અન્યથા તેની અડચણો માટે આપણે જ જવાબદાર ગણાઇશું.

◘ વિશ્વસાહિત્યનું જ્ઞાન : -

અંગ્રેજી ભાષા વિશ્વની બારી છે. હાલમાં તે સમગ્ર જગત પર છવાયેલું છે. આખા વિશ્વની તે સેતુરૂપ ભાષા તરીકે ક્યારનોય કબજો જમાવી લીધેલ છે. આથી તેની શીખવાની જરૂરિયાત કેમ અવગણવી ? આપણને આપણી ભાષા ઉત્તમ લાગવાની પરંતુ તેની મર્યાદાઓથી વાકેફ ન રહેનાર મૂર્ખ ગણાય. કોઇ એક ભાષા સંપૂર્ણ નથી. એથી વિશ્વનું તમામ સાહિત્ય અનુવાદ પામે છે અંગ્રેજીમાં કે અંગ્રેજીમાંથી અન્ય ભાષામાં. ઉત્તમ સામગ્રી અંગ્રેજીમાં આવે છે અને તેને સહુએ સ્વીકારી છે. કાવ્યો, વાર્તા, નાટકો, નવલકથાઓ કે રમૂજ, ટુચકા, પરીકથા, સાહસિક કથા કે વિજ્ઞાનકથાઓ કે ફિલ્મો એમ અનેક વિષયો ઉઘડતા રહે છે અંગ્રેજી દ્વારા. ચિંતન, ધર્મ, રાજકારણ કે પછી અર્થકારણના તત્વો, મૂળભૂત બાબતો સ્પર્શ પામે છે અંગ્રેજીમાં. આ અમૂલ્ય ખજાનો આપણા બાળકો ચૂકી જાય છે અંગ્રેજી નહિ આવડવાથી. આપણે આપણા બાંધેલા કોચલામાં ન રહેતા અન્ય લોકોની રીતભાત, સંસ્કૃતિ, વિચારશ્રેણી પામવાથી બાળક પરિપક્વ થાય છે. અને આ ઉપલબ્ધિ આપણે મન ઓછી છે ? હરગીજ નહિ.

◘ અજાણ્યાપણાનો ભય દૂર થાય છે : -

નવી બાબતો ભય પમાડે છે. સંપર્કમાં આવતા થોડીવાર લાગે છે. પણ એક વખત નજીકતા આવી ગઇ કે ભય રહેતો નથી. અજાણ્યા મૂલકમાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. લોકો, સ્થળો અને સુવિધાઓની માહિતી મેળવવામાં અંગ્રેજી ભાષા ઉપયોગી બની શકે છે. રેલ્વે સ્ટેશન, વિમાનમથક, આરક્ષણ વિગતો, નકશાઓ, માર્ગદર્શક સૂચનાઓ મોટાભાગે અંગ્રેજી ભાષાને મહત્વ આપે છે. મુશ્કેલીના સમયમાં પોલીસ સાથે કામ પાર પાડવામાં, અજાણ્યા લોકો પાસેથી માહિતી મેળવવામાં અંગ્રેજી જ કામ આવી શકશે. ખરીદી કે વેચાણ, રોકાણ કે સ્થળાંતર બાબતેય નથી લાગતું કે આ ભાષા વગર તકલીફ પડે? આ બધાથી પર ઊઠી શકાય છે અને આત્મવિશ્વાસ સભર બની શકાય છે. જરૂર છે માત્ર અંગ્રેજી શીખવાની.

◘ રોજગારી આપી શકશે : -

રોજગારી માટે અંગ્રેજીના ઉપયોગથી મહત્તમ લાભ મળી શકે. મોટાભાગની રોજગારીની તકો આ ભાષાના જ્ઞાન સાથે જોડાયેલી છે. બેંક કે વીમા કંપની, રેલ્વે કે પોલીસ, જંગલ કે સંદેશાવ્યવહારના ખાતામાં યા તો જાહેરક્ષેત્ર – ખાનગીક્ષેત્ર, સ્થાનિક – રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય કક્ષાએ અંગ્રેજી જરૂરી બન્યું છે. સામાન્ય ક્લાર્કની કે મોટા અમલદારની નોકરી માટે અનિર્વાય છે અંગ્રેજી. કમ્પ્યુટરનો વપરાશ હોય કે ફેક્સ મશીનનો, NCC કે NSS જેવી પ્રવૃત્તિમાં અંગ્રેજી જ આપણો હાથ પકડીને લઇ જાય છે સફળતાની દિશામાં. આથી વધુ શું કહી શકાય ?

◘ વિજ્ઞાન – તંત્રજ્ઞાનના અભ્યાસ માટે મદદરૂપ : -

વિજ્ઞાન આપણા જીવનનો ભાગ બની ગયું છે. તંત્રજ્ઞાને આપણને અનેક અડચણોથી દૂર કરી દીધી. રોજ નવી નવી બાબતો સામે આવે છે. દુનિયાના કોઇપણ ખૂણે કઇ શોધ થાય છે, નવા વિચારો પ્રકટે છે કે તરત જ અંગ્રેજી ભાષા દ્વારા તે આપણી સમક્ષ આવે છે. કોઇપણ મૂળ ગ્રંથ, સંદર્ભગ્રંથ, દેશ કે વિદેશની શોધ-સંશોધનની માહિતી આ માધ્યમ દ્વારા જ મળવાની. એનો કોઇ વિકલ્પ છે જ નહી. તંત્રની વિદ્યા કે અમલીકરણ માટે, યંત્રની બનાવટ, ઉપયોગ કે મરામત માટે ચાલી શકવાનું છે અંગ્રેજીના જ્ઞાન વગર ? ગણિત કે ભૌતિકશાસ્ત્રના નિયમો કઇ ભાષા દ્વારા એકબીજાને પહોંચે છે ? અવકાશ અંગેનું જ્ઞાન કે પર્યાવરણ અંગેની માહિતી, અણુ-પરમાણુ અખતરા કે રોગોના ઉપાયની વિગતો કઇ ભાષા ઉપલબ્ધ કરાવી આપશે ? અંગ્રેજીને દૂર હડસેલી શકાય તેમ નથી.

◘ રમતગમતની પ્રવૃત્તિઓમાં ઉપયોગી : -

આ રમત-ગમતની વચ્ચે ભાષા ક્યાંથી આવી ? આ તો માત્ર શારીરિક છે. સાહજિક રીતે, અનુકરણ વડે થઇ શકે તેવી આ બાબતને વળી અંગ્રેજી સાથે શું લેવા દેવા ? આપણું તાન કોઇપણ રમત રમે અને આગળ વધે તો – વધવા ઇચ્છે તો રાજ્ય બહાર જવું રહ્યું. વાતાવરણને સાધવામાં, કોચ, મેનેજર, અન્ય સભ્યો સાથે સંવાદ સાધવામાં ભાષા મેળ બેસાડશે. એકત્વ સાધવા અંગ્રેજી માધ્યમ બની રહે છે. રમતનું વધુ જ્ઞાન મેળવવા અનેક પુસ્તકો ઉપલબ્ધ છે પણ મોટાભાગના અંગ્રેજીમાં. રમત-ગમતના નિયમો, વિશેષ વિગતો, તેનો ઇતિહાસ અને વર્તમાન, આ બધી બાબતો અંગ્રેજી ભાષાના જ્ઞાનથી સમજાય તેમ બની શકે. મોટા ભાગની રમતો અંગ્રેજી ભાષાને સાંકળે છે. તેની જાણકારી ન હોય તો વિકાસમાં મુશ્કેલીઓ થવાની.

◘ વ્યાપાર – ઉદ્યોગમાં અગ્રસ્થાને અંગ્રેજી ભાષા : -

સામાન્ય વેપારી પણ અંગ્રેજી ભાષાનો સામાન્ય જાણકાર હોવો જોઇએ જ. પેકીંગમાં આવતી વસ્તુઓના નામથી માંડી, તેની કિંમત, પેકિંગ તારીખ, ઉપયોગની છેલ્લી તારીખ, તેનું વજન ઇ.ની જાણકારી અંગ્રેજીમાં જ હોય છે. ઓર્ડર લેવા, મુકવા, અમલ કરવા, રદ કરવા, નવી વસ્તુ અંગેની જાણકારી મેળવવા જરૂર રહે અંગ્રેજીની. વ્યાપારમાં આવતા વેચાણવેરો, વીમો, પૈસા મોકલવા ડી.ડી., એમ.ઓ., રજીસ્ટ્રેશન, ડીસ્પેચ ઇ. બાબતોય ફરજ પડશે અંગ્રેજી સાથે નાતો રાખવાની. આપણું સંતાન કાંઇ આનાથી પર થોડું રહેશે ? શું એને વેપાર, સરકારી-આર્થિક નીતિઓ, કર, અંદાજપત્ર ઇ.થી દૂર રાખીશું ? આ બાબતોની પૂરી દસ્તાવેજી માહિતી સરકાર અંગ્રેજીમાં જાહેર કરે છે. અને વળી આપણા સંતાનને દેશ-વિદેશમાં આયાત-નિકાસ કરવામાં રસ લાગ્યો તો ? અંગ્રેજી જાણકારના ભરોસે જ ચાલવાનું રહેશે ને પછી? અહીં તો અપના હાથ જગન્નાથ જ ચાલે.

◘ રોજીંદા જીવનમાં અંગ્રેજી : -

કદાચ ઉપરોક્ત તમામ બાબતને ચાલો આપણે આંખ આડે પાટા બાંધીને અવગણીએ તોય ટેલિવિઝન, છાપાઓ, ફિલ્મો અને જાહેરાતોનું શું ? હાલની કોઇપણ ચેનલ અંગ્રેજીના ભરમાર ઉપયોગથી લદાયેલી હશે. અંગ્રેજી ફિલ્મોએ આપણને ઘેલું લગાડ્યું છે. (અલબત્ત કશું ન સમજાય તે વાત જુદી. આપણે તો “એક્શન”માં રસ રાખવાનો.) ફોન પર સામેની વ્યક્તિ વાતવાતમાં અંગ્રેજી ઝીંકતી હોય છે. કમ્પ્યુટરને હવે ઘરના માળીયામાં રાખી શકાય તેમ નથી. લગ્ન કે અન્ય સમારંભો, ક્લબ, મેળાવડા કે સોસાયટીમાં અંગ્રેજી દમામવાળું લાગે છે. નવી રીતભાત, તરાહો, વિચારોથી પરિચિત રહેવા અંગ્રેજી આવશ્યક લાગશે. જાણ્યે – અજાણ્યે પણ હવે આપણે અંગ્રેજીથી અસ્પૃશ્ય રહી શકીએ તેમ નથી.

અંતમાં એટલું જ મારે કહેવાનું છે કે અંગ્રેજી જ કંઈ બધું નથી, પરંતુ હાલના પ્રવાહો જોતા અંગ્રેજીના જ્ઞાનથી આપણી ઘણી બાબતો સરળ બની રહે છે. આપણા સંતાનોને માર્ગદર્શન માટે તકલીફ નહિ પડે. તો ચાલો આપણે સહુ અંગ્રેજી શીખીએ અને માતૃભાષાનેય પ્રેમ કરીએ.