નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843
શીર્ષક : કોલાહલ
શબ્દો : 1427
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા
કોલાહલ
કોલાહલ, ઉઘાડી સડકને ચીરતો કોલાહલ, મગજની શાંતિને ભેદતો કોલાહલ, માણસને યંત્ર બનાવી દેતો કોલાહલ અને કોલાહલમાં અટવાતો, અકળાતો, અફળાતો એક ચહેરો ક્યાંક થોડીક મોકળાશની આશ સેવતો, શાંતિની આશામાં ઊભો છે. આટલા મોટા, અજગર જેવા લાંબા અને વિશાળ રસ્તા પર ક્યાંય મોકળાશ નથી. ગોઠવેલાં બોક્સનાં ખોખાં જેવી તોતિંગ ઈમારતોમાં પણ ક્યાંય મોકળાશ નથી. મોટી મોટી ઈમારતો, મોટાં મોટાં રસ્તાઓ અને લોકોનાં ટોળેટોળામાં અટવાતો, મૂંઝાતો એ ચહેરો ક્યાંય પોતાનાં મનની મોકળાશને માણી શકતો નથી. આ ધમાલિયા ને ઘોંઘાટિયા જીવનની રફ્તારમાં મૃગજળ જેવી શાંતિ વારંવાર તેને હાથતાળી દઈને છટકી જાય છે. ચહેરો સતત દોડે છે, દોડ્યા જ કરે છે પણ યંત્રવત જીવાતી આ જિંદગીની વચ્ચે જ્યાં નર્યા ચહેરાઓ જ વસે છે ત્યાં શાંતિ તો ક્યાંથી મળવાની જ ?
શાંતિ પણ ખોવાઈ ગઈ છે એક સ્વપ્નની જેમ, દીવાલો વચ્ચે ચણાઈને ભસ્મીભૂત થયેલી, વિશાળ રસ્તાઓ પર વાહનોનાં ઢગલે ઢગલા નીચે ચગદાઈ ગયેલી અને અનેક શ્વાસોચ્છ્વાસ માં વરાળ થઈને ઊડી ગયેલી શાંતિ ચહેરાને ક્યાંથી હાથ આવવાની ?
બગીચાનાં કોઈ એકાંત ખૂણામાં શોધાતિ ને થાપ ખવડાવતી શાંતિ ચહેરાઓનાં વાક્યુધ્ધ વચ્ચેથી અકળાઈને ક્યારનીયે દોડીને દૂર ભાગી ગયેલી મહેસૂસ થાય છે. કોઈ સિનેમાહોલ ની છેક છેલ્લી સીટ પર ચહેરો શાંતિ મેળવવાના પ્રયત્ન કરે છે તો ત્યાં પણ તેને અશાંતિ જ દેખાય છે. પડદા પર દેખાડાતા બીભત્સ ચેનચાળા ને મુખની ભાવભંગિમાઓ નિહાળી થિયેટરની ભીડ સિસોટી મારી અવાજ કરે, આનંદની ચિચીયારી કરે, કોઈ મૂંગા ન રહે, પછી શાંતિ ત્યાં આવીને ક્યાંથી વસી શકે ?
કોઈ ઑફિસનાં ટેબલ પર પણ હવે પહેલાં જેવી શાંતિ ક્યાં છે ? ઢગલો એક કામ, બગાસાં, પૈસાનું વધતું વજન અને બોસનાં આજ્ઞાવાહક, અશાંતિભર્યા, ધમકીભર્યા, ઉદ્દગારોમાં શાંતિ ડોકિયું પણ ક્યાંથી કરે ?
શહેરનાં આ ધમાલિયા ને ઘોંઘાટિયા વાતાવરણમાં, વાહનોનાં ધુમાડામાં, વિરાટકાય ઈમારતોમાં ને ચહેરાઓની વધતી જતી ભીડમાં કદાચ શાંતિને ગૂંગણામણ થતી હશે. સફોકેશનનું દર્દ અનુભવાતું હશે અને એટલે જ તે ક્યાંક ભાગી ગઈ હોય તેવું બની શકે.
ચહેરાઓ વચ્ચે ભીંસાતી, ભીંસાઈને ચુર ચુર થઈ ગયેલી શાંતિ તો ઉડીને ક્યાંય દૂ...ર... દૂ...ર... ચાલી નિકળી છે રજકણ બનીને, અને હું તેને શોધવા સતત આમથી તેમ અટવાયા કરું છું. દૂરથી ઊડતી દૂર... દૂર... ઊડી જતી શાંતિને જોઈ તેને પકડવા દોડીને કૂદકો મારું છુંપણ તે તો મારા હાથમાં આવવાના બદલે દૂર દૂર ઊડતી જ જાય છે.
હાથમાંથી દૂર સુદૂર ચાલી જતી, ઊડી જતી, સરકી જતી, શાંતિને જોઈ હું વિહ્વળ થઈ ઊઠું છું, ને ફરી ભીડમાં અટવાવા લાગું છું. ભીડમાં નર્યા ચહેરાઓ જ દ્રષ્ટિગોચર થાય છે, ક્યાંય માણસ દેખાતો નથી, એ ચહેરાઓને ઉકેલવા પ્રયત્ન કરું છું તો ઉકેલી શકતો નથી. મને એ ચહેરાઓની ભીડમાં સ્વાર્થીઓનું ઝુંડ દેખાય છે. એમાંથી કોઈ એકાદ એવો ચહેરો શોધવા પ્રયત્ન કરું છું કે જે ચહેરા પર મને માયા, મમતા, દયા, હમદર્દી, નિઃસ્વાર્થતા, સાલસતા ને પ્રેમાળતા જોવા મળે પણ આટલા બધા ચહેરાઓમાં એક પણ એવો ચહેરો મળતો નથી કે જેમાં આ બધું જ દ્રષ્ટિગોચર થાય, કદાચ એ શક્ય પણ નથી. રસ્તે ચાલ્યા જતાં કેટકેટલાં ચહેરા સતત અથડાયા કરે છે પણ ક્યાંય એ ચહેરાઓ જીવંત ભાસતા નથી. કદાચ એ બધાં જ ચહેરાઓનું ચેતનતત્વ હણાઈ ગયું છે. જીવંતતા તેમાંથી સમૂળગી નષ્ટપ્રેય થઈ ગઈ છે અને તેનું સ્થાન લીધું છે અશાંતિએ, દોડધામે... અને આ દોડધામે જ કદાચ ચહેરાની, રસ્તાની, સારાયે નગરની શાંતિને ઉડાડી દીધી છે દૂર દૂર... ક્ષિતિજની પેલે પાર.
હવે કદાચ શાંતિ પાછી નહીં જ આવે, આવે પણ ક્યાંથી, મૃતઃપ્રાય જેવાં નગરમાં શાંતિ આવે તો તે આવીને રહે ક્યાં ? ધુમાડાના ગોટેગોટા, ચહેરાઓની સતત વધતી જતી ભીડમાં એ શાંતિનું સ્થાન ક્યાં રહ્યું છે કે તે પાછી આવે ? સતત વાહનોથી ઉભરાતા રહેતા આ રસ્તા પર હવે તેને આવવાની જગ્યા જ ક્યાં બચી છે તે એ પાછી આવી શકે ?
કોઈ એકાદ ચહેરા પર પલકવારમાં આવીને તે અદ્રશ્ય થઈ જાય છે કારણકે યંત્રવત્ જીવતા ચહેરાઓ પર હવે તેને ઝાઝીવાર ટકવું ગમતું નથી. કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરથી ચહેરાઓ એવા ઘેરાયેલા છે કે એ ચહેરા પર શાંતિ ટકતી નથી.
હવે આ બધાં ચહેરાઓ પણ તેનાં વગર એટલા તો ટેવાઈ ગયા છે કદાચ તે પાછી આવીને બેસવાનો વિચાર કરે તો પણ આ ચહેરાઓ તેને ઓળખી ન શકે. પરિણામે તેને પારોઠનાં પગલાં જ ભરવા પડે. આ બધાં ચહેરાઓને અકળાવાનું, મૂંઝાવાનું, દોડવાનું, અને અથડાવાનું એટલે કોઠે પડી ગયું છે કે તેમને સતત અથડાવામાં, અકળાવવામાં અને મૂંઝાવામાં જ મજા આવે છે.
ચહેરો જન્મે છે ત્યારથી જ સ્તનપાનમાં શાંતિ નહીં, માયા મમતા અને વાત્સલ્ય નહીં, રઘવાટ, ઉતાવળ, ચીડીયાપણું અને ગણતરીઓનું જ દુગ્ધાનુંપાન કરે છે, તે ઉછરે છે સતત અશાંતિ વચ્ચે, ધુમાડાનાં ગોટેગોટા વચ્ચે, ઘાંટાઘાંટ અને ઘોંઘાટ વચ્ચે પછી એ શાંતિને ઓળખે ક્યાંથી ? તેને તો સતત દોડવું છે, અને દોડતાં દોડતાં જ જીવવું છે, દોડતાં દોડતાં મરવું છે અને આ બે ઘટનાઓ વચ્ચેના સમયગાળામાં સતત વાહનોની, ચહેરાઓની ભીડ વધારતા રહેવું છે.
હવેનું જે જંગલ હશે તે વૃક્ષનું નહીં ચહેરાઓનું જંગલ હશે, અને ચહેરાઓની અડાબીડ વનમાં કોઈ એકાદ ચહેરો શાંતિ ઝંખે તો તેને ક્યાંથી મળવાની ? સતત અથડાતાં ચહેરાઓમાં શાંતિ મળે તો પણ કેવી રીતે મળે ? ઘડિયાળનાં કાંટા કરતાંય વધારે વેગથી દોડતાં ચહેરાંઓને સમય ક્યાં છે શાંતિને હસ્તગત કરવાનો ?
સૌને સમય કરતાં આગળ ભાગવું છે, પરસ્પર દોડની હોડ બાકી હોય તેમ સતત સૌ ભાગ્યા જ કરે છે, બીજાથી આગળ ભાગવામાં સૌને આનંદ આવે છે. ખભે ખભો મેળવીને કોઈને નથી ભાગવું, સૌને ભાગવું છે એકબીજાને ખભે પગ મૂકીને. સૌને બીજાથી આગળ ભાગવાનું ઘેલું લાગ્યું છે, અને તેમનું એ ઘેલાંપણું સતત પરસ્પરનો સાથ છોડાવતું રહે છે પણ કોઈને ક્યાં પડી છે કે સાથ છૂટી ગયાની પરવાહ કરે ? સૌને મેળવવું છે.... પણ શું મેળવવું છે તેની તો કદાચ તેમનેય જાણ નથી પણ એ કંઈક મેળવવાની ઘેલછા તેમને સતત દોડતા રાખે છે. એકબીજાથી અળગા કરતી રહે છે અને તો ય શાંતિનો કે સંતોષનો શ્વાસ તે પામી શકતા નથી, તે સૌને કંઈક એવું જોઈએ છે જે બીજાથી જુદું હોય, બીજાથી સારું હોય, અને તેથી સ્પર્ધામાં તે સતત પાછળની પરવાહ કર્યા વગર આગળ ને આગળ દોડ્યે જ જાય છે. આ દોઠવું, આ ભાગવું, સૌને માટે સહજ થઈ ગયું છે, સૌ માને છે કે સમય આપણી મુઠ્ઠીમાં બંધાયેલો છે. આપણી ગતિથી તે ચાલશે. પણ સમય ક્યાં કોઈની પરવાહ કરે છે ? માન્યતા અને હકીકત વચ્ચેની પાતળી ભેદરેખા હજુ ચહેરાઓ પાર કરી નથી, અને જ્યારે જીવનનાં અંતિમ તબક્કે એ ભેદરેખાનો ખ્યાલ આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
દોડી દોડીને થાકેલા ચહેરાઓ હાંફવા લાગે છે, જીવનનું નક્કર સત્ય સામે આવે છે, પણ તેઓ સમયને પકડી શકતા નથી. જે સમય તેમની મુઠ્ઠીમાં કેદ હોવાનું તે માનતા હતા તે સમય તો તેમના બેસી જવાથી પણ અવિરત ચાલતો જ રહે છે અને થાકીને લોથ થયેલાં મૃતઃપ્રાય ચહેરા નિરૂપાય બની સમયની સામે જોયા કરે છે.
તેમની દોડ હવે અટકી ગઈ છે, પથારીમાં બેઠાં બેઠાં કે સૂતા સૂતાં તે સતત ઘડિયાળ સામે તાક્યા કરે છે, ફરતા કાંટાઓ સામે જોઈ તેમનો દિવસ ઉગે છે અને રાત પણ ઘડિયાળનાં કાંટા સામે જોવામાં જ પડી જાય છે, મૃતઃપ્રાય નિરૂપાય બનેલાં ચહેરાંઓ પોતાની સાથે સમયને રોકી શકતા નથી અને ત્યારે નિઃરવ શાંતિ ચૂપચાપ તેમનાં ઓશિકે આવીને બેસી જાય છે. પણ એ શાંતિ તેમને શાંત કરી શકતી નથી, સ્મશાન જેવી શાંતિ ખાવા ધાય છે, અને સમયને ન ઓળખી શક્યાનો પારાવાર અફસોસ થાય છે પણ વીતી ગયેલો સમય ફરી પાછો આવતો નથી.
જ્યારે ચહેરો દોડતો હતો ત્યારે શાંતિને ઓળખવાની જરૂર તેને નહોતી લાગતી. હવે જ્યારે તે શાંતિને ઓળખતો થયો છે, શાંતિ તેને મળી છે ત્યારે અશાંતિ તેને ખાવા ધાય છે. દોડતા પગે શાંતિથી ભગાડ્યો અને હવે શાંતિ તેને ગમતી નથી. એકાદ બે કે છ-સાત ચહેરા થંભી જવાથી પણ બીજા ચહેરાઓની દોડધામ અટકતી નથી.
બેસી ગયેલો ચહેરો બીજા ચહેરાઓની આ દોડધામ જોયા કરે છે, અને મનોમન પસ્તાય છે, સમયને ન ઓળખી શકવા માટે બીજાની દોડધામ તેને વાહિયાત લાગે છે અને પોતે ન દોડી શકવાનો રંજ પણ તે અનુભવે છે.
અચાનક એક દિવસ પેલો બેસી પડેલો ચહેરો સાવ જ ઢળી પડે છે, બીજા ચહેરાઓ દોડીને, ચાર જણ ભેગા મળીને તેને ઉપાડે છે અને ધુમાડાના ગોટેગોટામાં એ ઢળી પડેલો ચહેરો વિલીન થઈ જાય છે, આમ જ ચહેરાઓ જનમ્યા કરે છે, દોડ્યા કરે છે, બેસી પડે છે અને પછી વિલીન થઈ જાય છે. અને તોય ચહેરાઓની ભીડ ઓછી થતિ નથી. વૃક્ષમાંથી કૂંપળ ફૂટે ને બીજું વૃક્ષ ઉગે તેમ ચહેરામાંથી ચહેરા જન્મતા જાય છે, વૃક્ષ તો ક્રમશઃ ઘટતા જાય છે, પણ ચહેરાઓ ઉત્તરોત્તર વધતા રહે છે. હવે તો ચહેરાઓનાં વન જ્યાં અને ત્યાં જોવા મળે છે. રસ્તા પર, ઈમારતોમાં બધે જ ચહેરાઓનું વન ચારે તરફ પથરાઈ ગયું છે.
આ અડાબીડ વનમાં એકલો અટૂલો ભટકતો એક ચહેરો સતત શાંતિની ખોજમાં આમથી તેમ ભટક્યા કરે છે, ધુમાડાનાં ગોટેગોટામાં ઊડી ગયેલી, ભાગ દોડમાં ભાગી ગયેલી શાંતિને જોઈ ને સતત તેને પકડવા હવાતિયાં મારે છે પણ તેનાં હાથમાં શાંતિ આવતી નથી, અંતે બધાં જ ચહેરાઓમાં પાછળ પડી ગયેલો ચહેરો લથડિયાં ખાતો, માંડ માંડ ધીમે ધીમે આગળ વધે છે, પણ રસ્તા પરનાં વાહનોતેને આગળ વધવા દેતા નથી, ઓચિંતાની વાહનોને બ્રેક વાગે છે, ચહેરાંઓનું ટોળું બને છે, રસ્તો લોહીથી લથબથ બને છે, ખાખી ગણવે ધારી સીટી મારી, હાથમાં ડંડો લઈ આમથી તેમ વીંઝે છે, ટોળું વિખેરાય છે, તે પેલો ચહેરો... લોહીનાં ખાબોચિયાંમાં તરફડિયાં મારી શાંત થઈ જાય છે, કદાચ સમય પહેલાં જ તેને શાંતિ મળી ગઈ હોય તેમ લાગે છે... અને ચહેરાઓનું ટોળું... 'બી...ચ્ચા....રો... છૂટી ગયો એમ કહી ફરી દોડવા લાગે છે.
નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :
મોબાઈલ નંબર – 9898504843