Please Help Me - Part - 7 in Gujarati Adventure Stories by chandni books and stories PDF | પ્લીઝ હેલ્પ મી - ૭

The Author
Featured Books
Categories
Share

પ્લીઝ હેલ્પ મી - ૭

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,પાર્ટ-7

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે લોપા અને ધૃવના લગ્ન બાદ બન્ને ખુશહાલ જીવન લનડનમાં વિતાવતા હતા પરંતુ લોપાને મલેશિયા ટુરનુ બહાનુ બનાવી ધૃવ તેને એક બારમાં વેચી દે છે અને ખાસ્સી તગડી રકમ મેળવી તે ત્યાંથી જતો રહે છે. લોપા કે જે ધૃવ પર આંખ બંધ કરી ભરોસો કરતી હતી તેના ભરોસાને તોડી રહેજા ફેમિલીની એકની એક લાડકવાયી દીકરી બારમાં સપડાઇ જાય છે હવે વાંચો આગળ કે લોપાની સાથે શું થાય છે???) રડતા રડતા લોપાના આઁસુ સુકાઇ ગયા હતા. પરંતુ તેના દિલમાં ખુબ જ દર્દ થઇ રહ્યુ હ્તુ. તેને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તે લાચાર હતી. તેને આ કીચડમાંથી નીકળવાનો કોઇ રસ્તો દેખાતો ન હતો. આખા રૂમમાં અંધારુ હતુ. ન જાણે કેટલો સમય વિતી ગયો હશે તેની પણ લોપાને ખબર ન હતી. અચાનક લોપાના રૂમનો દરવાજો ખુલ્યો, બહારની રોશની દેખાતા જ લોપા દોડતી તે દિશાએ ભાગી ત્યાં જ બહાર ઉભેલા માણસે એક ડીશ તેના તરફ સરકાવી દરવાજો ધડામ કરતો બંધ કરી જતો રહ્યો. લોપા બસ રડતી તે દરવાજાને વળગી પડી. “નથી ખાવુ મારે કાંઇ પણ, હુ અહીંથી ભાગી છુટીશ” ડીશનો ઘા કરતા લોપાએ કહ્યુ પરંતુ તેની આ વાત સાંભળવાવાળુ ત્યાં આજુબાજુ કોઇ ન હતુ. આમને આમ રડતા રડતા અને ગુસ્સામાં તેની આંખ મીંચાઇ ગઇ. આખા દિવસના થાકને કારણે તે સુઇ ગઇ.ઘણો સમય સુધી તે સુતી જ રહી. પોતાના ઘરે આલીશાન બેડરૂમમાં સુવાળા ગાદલા પર સુતેલી લોપા આજે જમીન પર ઘુંટણીયા વાળી સુતી હતી.

ઘણા સમય બાદ તે જાગી. ખુબ રડવાને કારણે અને બૂમો પાડવાને લીધે તેને ખુબ તરસ લાગી હતી. આખા રૂમમાં અંધારુ હોવાના કારણે શું સમય થયો છે, દિવસ છે કે રાત એ કાંઇ તેને ખબર પડતી ન હતી. તેને ભુખ પણ ખુબ કકડીને લાગી હતી. એકદમ ભુખ અને તરસ લાગવાના કારણે જ તેની ઉંઘ ઉડી ગઇ. તરસને કારણે તેનુ ગળુ ભયંકર રીતે સુકાઇ રહ્યુ હતુ. પાણી પાણી કરતી તે બબડતી હતી. ભુખ અને તરસના હિસાબે તેનામાં નબળાઇ આવી ગઇ હતી. તેને ખુબ જ ઠંડી પડવા લાગી હતી. તે ધ્રુજતી હતી.

પાણી પાણી કરતા તેની આઁખ મિચાઇ ગઇ અને તે દસ વર્ષની નાનકડી લોપા બની ગઇ. “હુ આ ડ્રેસ નહિ પહેરુ નહિ પહેરુ અને જરાય નહિ પહેરુ. આજે મે મારી ફ્રેન્ડસને મારો લંડનથી આંટી ગિફટ કરેલો પીંક ડ્રેસ બતાવવાનુ વચન આપ્યુ છે.” “બેટા, તુ સમજતી કેમ નથી એવા મોઘા ડ્રેસ કાંઇ સ્કુલે થોડા પહેરી જવાય? આ તારા પપ્પા તારા માટે હમણા જ નવો ડ્રેસ લાવ્યા તે પહેરી લેને જીદ ન કર સ્કુલે મોડુ થાય છે.”

“નહિ પહેરુ તમે મને નવો ડ્રેસ નહિ પહેરવા દો તો હુ સ્કુલે પણ નહિ જાઉ.” તેમ કહી લોપા રીસાઇને પોતાના રૂમમાં મોઢુ ફુલાવીને બેસી ગઇ. અનસુયા બહેનને એમ કે થોડીવારમાં તેની રીસ ઉતરી જશે એટલે તેની પાસે જઇને તેને પ્રેમથી સમજાવી તે આયાને બધી સુચના આપી કોલેજે જતા રહ્યા. પરંતુ લોપાએ તો આખો દિવસ કાંઇ ખાધુ નહિ અને પીધુ નહિ અને શાળાએ પણ ન ગઇ. તે રીસમાં રૂમમાં જ બેસી રહી. આયાએ ખુબ જ સમજાવી પટાવી પણ તે માની જ નહિ. ત્યારે મોબાઇલનો બહુ પ્રચાર ન હતો એટલે આયા તેના લોપાના માતા પિતા સાથે પણ કોંટેક ન કરી શકી. સાંજે દીપકભાઇ આવ્યા ત્યાં આયા હાંફતી આવી અને કહેવા લાગી , “ સાહેબ તમે જ હવે લોપાને સમજાવો. સવારથી તે રૂમ બંધ કરી બેસી ગઇ છે. સવારથી નથી કાંઇ ખાધુ, અને પાણી પણ નથી પીધુ. દીપકભાઇ તો આ બધુ સાંભળી ટેન્શનમાં આવી ગયા. “શું થયુ એ તો કે મને? કેમ લોપા અંદર બંધ કરીને બેસી ગઇ છે? અને અત્યાર સુધી બસ તુ લોપાના રૂમનુ બારણુ જ ખખડાવતી રહી? આજુબાજુમાંથી ફોન તો કરી લેવાય ને?” “સાહેબ મને તમારા કે મેડમના નંબર આવડતા નથી, અને મને એમ કે જમવા સમયે લોપા બહાર આવશે પણ......” “પણ..પણ શું કરે છે? હવે બોલ તો ખરી કે શું થયુ?” આયાએ બધી વાત કરી અને દીપકભાઇ દોડીને લોપાના રૂમ પાસે ગયા અને પ્રેમથી તેને બોલાવી , “લોપા દીકરા જો તારા પપ્પા આવી ગયા, પ્લીઝ ઓપન ધ ડોર. તારે જે ડ્રેસ પહેરવો હશે તે હું પહેરાવીશ પણ દીકરા ડોર ખોલી દે.” પપ્પાનો અવાજ સાંભળતા જ લોપાએ દરવાજો ખોલી નાખ્યો અને દીપકભાઇ તેને ભેટી પડ્યા , “દીકરા તને કાંઇ થયુ તો નથી ને? જો તો આટલી વારમાં કેવી હાલત કરી નાખી છે તે?”

“હવે જા અને લોપા માટે પાણી લઇ આવ અને ત્યાર બાદ લેમન જ્યુસ બનાવ લોપા માટે.” આયાને દીપકભાઇએ ઓર્ડર કરતા કહ્યુ. આયા પાણી લાવી અને દીપકભાઇએ તેને પાણી પીવડાવ્યુ. “બોલ બેટા ક્યો ડ્રેસ પહેરવો છે તે મને બતાવ હું તને એ ડ્રેસ પહેરાવીશ.” લોપા તો ન્યુ ડ્રેસનુ નામ સાંભળતા જ રાજી થઇ ગઇ અને તેનામાં નવી શકિત ખીલી ગઇ હોય તેમ દોડીને લંડનથી આવેલો ડ્રેસ લઇ આવી. દીપકભાઇએ તેને એ ડ્રેસ પહેરાવ્યો પછી લેમન જ્યુસ પીવડાવ્યુ.

“પપ્પા મને બહુ જ ભુખ લાગી છે.” “હા મારા બેટા, આજે તો ચલ આપણે બન્ને હોટેલમાં જમવા જઇએ. આ ન્યુ ડ્રેસ પહેરી આપણે જમવા જઇશું. તારી મમ્મીએ તને ડ્રેસ પહેરવાની ના કહી હતી ને? આપણે તેને ડીનર માટે લઇ જવી નથી. આપણે બન્ને જ જઇશું. ચલ એક હગ કરી દે મને.” “આઇ લવ યુ પપ્પા. તમે દુનિયાના બેસ્ટ પાપા છો.” કહેતી લોપા દીપકભાઇને ભેટી પડી.

રાત્રે ઘરે આવીને અનસુયાબહેનને ખીજાયા અને લોપાને પ્રેમથી ખોળામાં બેસાડીને સમજાવી.

“બેટા તને તારો ડ્રેસ ખુબ જ ગમે છે અને તે તારી સખીઓને બતાવવાનુ વચન આપ્યુ હતુ. અમે તારી લાગણી અને સંવેદના સમજી શકીએ છીએ પરંતુ તારા માતા પિતા તને ખુબ જ પ્રેમ કરે છે અને તેઓ તારા માટે જ જીવે છે. તારી ખુશી માટે ઘણા દુ:ખ સહન કરે છે. જીવનમાં કડવા મીઠા બન્ને સ્વાદની ટેવ પાડવી જોઇએ એટલે કે સારી ખરાબ જે પરિસ્થિતિ મળે તેનો સ્વીકાર કરવાની આદત પાડવી જોઇએ. હમેંશા સુખ કે ગમતી પરિસ્થિતિ નથી રહેવાની માટે દરેક પરિસ્થિતિ માટેની માનસિક તૈયારી રાખવી જોઇએ. તારા માતા પિતા તને જે વસ્તુ સમજાવે તે તારા સારા માટે જ હોય છે ભલે અત્યારે તને તે ન ગમે પરંતુ માતા પિતાના પ્રેમ ખાતર તારે તેનુ માન રાખવુ જોઇએ. ખોટી જીદ ન કરવી જોઇએ તુ મારી ડાહી દીકરી છોને” “હા પપ્પા” બોલતા લોપા તેના પિતાજીને ભેટવા જતી હતી ત્યાં ફરી તેની ઊંઘ ઉડી ગઇ. અંધારી કોટડીમાં તે જોરજોરથી ફરી રડવા લાગી. “પપ્પા મમ્મી મારી ભુલનુ પરિણામ તમારે ભોગવવુ પડશે.” કહી લોપા રડવા લાગી. હવે તરસ સહન થતી ન હતી. તેને ખબર ન હતી એક કેમેરા તેની કોટડીમાં ફિટ કરવામાં આવ્યો હતો. તેની બધી ગતિવિધિ અને હિલચાલ કન્ટ્રોલ રૂમમાં બેઠેલા રોક્ પોલ જોઇ શકતો હતો. રોક પોલ આ હોટેલ “ડેલ્ટા વન” નો માલિક હતો. હોટેલ “ડેલ્ટા વન” પોલ ડાન્સ, કેબ્રેરે ડાન્સ દારુ જુગાર માટે લંડનમાં વિખ્યાત હતી. કામ ધંધા પછી માનસિક અને શારિરીક થાક ઉતારવા માટે ઘણા લોકો અહીં આવતા હતા અને સરાબ અને સબાબની મહેફિલ માણતા હતા. લોપા પાણી પાણી કરતી હતી ત્યાં અચાનક તેને યાદ આવ્યુ કે ટોયલેટમાં નળ હશે. તેને ખુબ તરસ લાગી હતી ત્યારે સારુ કે ખરાબ વિચારવા માટે તેનો મગજ કામ કરતો ન હતો. તેને તો ફકત પાણી જ પીવુ હતુ. તે માંડ માંડ ઉભી થઇ અને દિવાલને પકડી પકડીને ટોયલેટનો દરવાજો શોધવા લાગી. અને દરવાજો ખોલી અંદર ગઇ અને ટોયલેટના નળમાંથી પાણી પીધુ જે ખુબ જ ઠંડુ હતુ અને ઠંડી પણ કાતિલ પડતી હતી. બહાર બરફ વર્ષા થઇ રહી હતી આવી કાતિલ ઠંડીમાં લંડનમાં દરેક ઘરમાં રૂમ હીટર લગાવેલા હોય છે અને બધા ગરમ કપડા પહેરી ઠંડીનો સામનો કરે છે. અત્યારે આવી કાતિલ ઠંડીમા લોપા કોઇ પણ જાતના ગરમ કપડા અને હીટર વિના ધ્રુજતી બેઠી હતી. તેને ખુબ જ ભુખ લાગેલી હતી કાલની આવેલી ડીશમાં એક બ્રેડ હતી તે ખાવા લાગી. ઠંડીને કારણે તે ખરાબ થઇ નહોતી. રોક પોલ કેમેરામાં આ જોઇ ખુબ જ ખુશ થઇ ગયો. ગમે તેવો મજબુત મનોબળવાળો માણસ હોય તેના પર અત્યાચાર ગુજારી લાચાર બનાવી દેવામાં આવે ત્યારે તે મનથી લાચાર બનવા લાગે ત્યારે તે આસાનીથી કાબુમાં આવી શકે છે. લોપાની હાલત અત્યારે એવી જ બનવા લાગી હતી. જીવન ટકાવી રાખવાનો તેનો સંઘર્ષ લાચારી તરફ દોરી રહ્યો હતો. લોપાને દિવસમાં એક જ બ્રેડ આપવામાં આવતી હતી. ઠંડીમાં તેને ખુબ જ ભુખ લાગતી હતી આથી બ્રેડ મળતા જ તે ફટાફટ ખાઇ જતી. ટોયલેટમાં દસ જ મિનિટ પાણી આવતુ હતુ તેમાંથી તે માંડ માંડ ચલાવતી હતી. તેને ભુખી તરસી રાખીને રોક પોલ ઇચ્છતો હતો કે તે પોતાના કાબુમાં આવી જાય અને થોડા દિવસ ભુખી તરસી રાખવામાં આવે તો તેનુ ફિગર પણ બરોબર થઇ જાય અને શારિરીક રીતે અશકત બનીને તે તેનો સામનો કરવાની શક્તિ ગુમાવી દે. ***********************

ધ્રુવે પોતાનુ એક કામ તો સફળતાપુર્વક પુરુ કરી લીધુ અને તેના તેને પૈસા પણ મળી ગયા હતા. તેની ખુશી એક અઠવાડિયા સુધી મનાવી લીધી હતી. હવે તેને સોંપવામાં આવેલુ બીજુ કાર્ય તેને કરવાનુ હતુ. જે તેનુ અસલી કાર્ય હતુ. જે પાર પાડયા બાદ તેને ફરીથી એક કરોડ રૂપિયા મળવાના હતા. એક અઠવાડિયા બાદ જ બોસનો ફોન આવ્યો.

“જગ્ગુ ફરી પાછો તુ તારો મકસદ ભુલી ગયો. હવે જલ્દી તારુ કામ પુરૂ કરી દે અને મારા રસ્તાનો કાંટો કર દુર હવે.” “બોસ હુ કાંઇ ભુલ્યો નથી આપનો વિડીયો એડિટિગમાં હતો આજે તૈયાર થઇ ગયો છે અને હમણાં જ તેને સેન્ડ કરુ જ છુ.” “વેલ ડન જગ્ગુ મને વિશ્વાસ છે તુ તારુ કાર્ય સફળતાપુર્વક પાર પાડીશ.” “થેન્ક્યુ બોસ” કહ્યુ એટલે સામે છેડેથી તુરત જ ફોન મુકાઇ ગયો. તેના બોસ તેની સાથે કામ પુરતી જ વાતચીત કરતા હતા. ફોન મુકી દીધા બાદ જગ્ગુએ એક નકલી નામથી મેઇલ આઇ.ડી પોતાના કોમ્પ્યુટરમાંથી બનાવ્યુ અને પછી પોતે બનાવેલો વિડિયો જે એક વખત લોપા સાથે મસ્તી કરતા કરતા શુટિંગ કરી લીધુ હતુ. તેમાં તેની વાતચીત બદલી એડિટિગ કરી સુધારી લીધો. જેમાં બોલતી તો લોપા જ હતી પરંતુ શબ્દો તેના ન હતા, તે દીપક રહેજાને સેન્ડ કરી દીધો. અડધી સેકંડમાં તો વિડીયો સેન્ડ થઇ ગયો. જગ્ગુને ખબર હતી કે દીપક રહેજા રાત્રે દસ વાગ્યે રોજ મેઇલ ખોલી ચેક કરતા હતા. આથી તેણે બરાબર નવને પચાસ મિનિટે વિડીયો સેન્ડ કરી દીધો.

*****************

દુનિયામાં સૌથી મોટી કોઇ સજા હોય તો તે એકલતાની છે. કેદીઓને જેલની સજા એટલા માટે જ આપવામાં આવે છે કે તેઓ એકલતાથી કંટાળીને પોતાનુ મનોબળ ગુમાવી દે અને બીજી વખત ગુનો કરતા અચકાઇ છતાંય ગુનેગારો તો જાડી ચામડી ધરાવતા હોય છે પરંતુ સામાન્ય માણસ માટે એકલતા જીરવવી ખુબ જ અઘરી છે. લોપાને એકલતા સાથે ભુખ, તરસ અને ઠંડી એમ ત્રણ પ્રકારની સજા આપવામાં આવી હતી. ધીરે ધીરે તે તુટવા લાગી હતી. દસ દિવસ થઇ ચુક્યા હતા. ઠંડી હોવા છતાંય તેના શરીરમાંથી વાસ આવી રહી હતી. ભુખના હિસાબે તેના પેટમાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો હતો. અને ઠંડીના કારણે તેના હાથ પગ ફાટી ગયા હતા અને તેમાંથી લોહી પણ નીકળવા લાગ્યુ હતુ. તેની માનસિક હલત તો ખુબ જ ખરાબ બની ગઇ હતી. તે આમાંથી છુટવા માંગતી હતી પરંતુ તેની સાથે કોઇ વાત કરવા વાળુ ન હતુ. બ્રેડ આપવા વાળો તો તેની કોઇ વાત સાંભળતો જ ન હતો લોપા ગમે તેટલી ચીસો પાડે પણ તે બ્રેડ ફેકીને જતો રહેતો. ભ્રમિત માનસિક હાલત અને અસહ્ય દુ:ખના કારણે તેણે નક્કી કર્યુ કે તે અહીંથી છુટવા માટે ગમે તે કરવા તૈયાર થશે. અચાનક એક દિવસ પોતે બેઠી હતી ત્યારે ઓંચિતા દીવાલ પર એક ટી.વી. જેવુ ચાલુ થયુ. જેમાં રોક પોલ બોલતો હતો, “લોપા હાઉ આર યુ? આર યુ રેડી ફોર પોલ ડાન્સ?” “પ્લીઝ હેલ્પ મી, હેલ્પ મી. મને અહીંથી બચાવો પ્લીઝ. આઇ વીલ ડાઇ.” લોપા ધૃજતા ધૃજતા અધમરી હાલતમાં બોલવા લાગી. “ઓકે પોલ ડાન્સ માટે રેડી હોય તો હમણા જ તને આઝાદ કરી દેવામાં આવશે.”

“મને તમારી બધી શરત મંજુર છે મને અહીંથી છોડાવો. આઇ કાન્ટ લીવ એનીમોર હીયર.” “ઓહ ધેટસ લાઇક અ ગુડ ગર્લ.” બોલતા જ ટી.વી. ઓફ થઇ ગયુ અને સામે હતી તેવી જ દિવાલ રહી ગઇ. લોપાને શરત મંજુર કરવાની વાત કહેવા બદલ મનમાં ખુબ જ અફસોસ થઇ રહ્યો હતો પરંતુ તેની ભય અને દુ:ખ સામે તેનુ મનોબળ હારી રહ્યુ હતુ. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. બહાર સાવ આછો જ પ્રકાશ હતો કારણ કે ગેલેરી પણ અંધારી હતી છતાંય તેની આઁખો અંજાઇ ગઇ. આટલા દિવસો સુધી અંધારામાં જ રહેલી લોપા પળભર માટે તો રોશનીને સહન જ ન કરી શકી અને તેની આંખો અંજાઇ ગઇ. તે બે હાથે તેની આંખો આડે દબાવી દીધા. થોડી વાર બાદ તેણે ધીમે ધીમે આંખો ખોલી અને જોયુ કે બે કદ્દાવર પહેલવાન જેવા યુઅવાનો તેની સામે ઉભા હતા. પુરી છ ફુટ જેટલી હાઇટ, કસરતી શરીર, ચુસ્ત કપડા અને માથે કેપ પહેરી બન્ને ઉભા હતા. એ બન્નેને જોઇ લોપા ડઘાઇ ગઇ અને દૂર ખસવા લાગી. જેવી લોપા દૂર જતી હતી તેમ તેમ તે બન્ને લોપાની નજીક આવવા લાગ્યા. અચાનક લોપા દિવાલ સાથે અથડાઇ પડી અને મુંજાવા લાગી. તેની સામે બોલી શકે તેટલી તાકાર પણ તેનામાં ન હતી.

અચાનક તે બન્નેએ લોપાના હાથ પકડ્યા અને ઉભી કરી પણ નબળાઇને કારણે લોપા લથડિયા ખાવા લાગી તેથી બન્ને બાજુથી તે યુવાનોએ લોપાને ટેકો આપી અને તેને બહાર લઇ જવા લાગ્યા.

ક્રમશ: