પ્રસ્તાવના
ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.
ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.
તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.
આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.
- પરમ દેસાઈ (સંકલન કર્તા)
મો. ૮૪૬૯૧૪૧૪૭૯
૨૮મી માર્ચ...!
બોરીવલી(મુંબઈ)માં આવેલા નેશનલ પાર્કનો ચોકીદાર બપોરે ચારેક વાગ્યે હાંફતો-હાંફતો પોલીસસ્ટેશનમાં પ્રવેશ્યો. એનો સમગ્ર ચહેરો પરસેવાથી નીતરતો હતો અને આંખો ચકળવકળ થતી હતી.
એ સમયના ડ્યુટી પરના સબ-ઈન્સ્પેક્ટર વસંતરાવ દેવલકરને મળીને એણે ત્રૂટક અવાજે કંઈ કહ્યું એ મુજબ, - નેશનલ પાર્કથી થોડે દૂર ફણસવાડા નામના ઘનઘોર જંગલમાં એક માનવ હાડપિંજર પડ્યું હતું. આકાશમાં ચકરાવો લેતા ગીધે લાશને ફોલી ખાધી હતી અને ફક્ત હાડપિંજર જ રહ્યું હતું.
પ્રાથમિક વિધિ પતાવ્યા બાદ વસંતરાવ તરત જ જીપ મારફત પોતાનાં સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી ગયો.
એ હાડપિંજર કોઈક સ્ત્રીનું હતું તે પહેલી નજરે જણાઈ આવ્યું. આ કમભાગી સ્ત્રીનું મૃત્યુ ક્યારે થયું હશે અને એ કોણ હશે એના વિચારોમાં વસંતરાવનું દિમાગ અટવાતું હતું.
જંગલમાં આવેલા થોડા ખુલ્લા મેદાન જેવા ભાગમાં પડેલા હાડપિંજરની કમરમાં લીલા રંગની ફાટેલી અને ચીંથરા જેવી બની ગયેલી જર્જરિત સાડી હતી, જેના પરથી એ હાડપિંજર સ્ત્રીનું છે તે નક્કી થતું હતું. હાડપિંજરનો એક હાથ ગુમ હતો, એ ક્યાં ગયો તે પણ એક રહસ્ય હતું. ઉપરાંત હાડપિંજરના ઘણાં અંગો ગળી ગયાં હતાં.
તપાસ ચાલતી હતી ત્યાં જ ઈન્સ્પેક્ટર એમ.આર.ખારકર પણ સમાચાર મળતાં બનાવના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસતપાસમાં હાડપિંજરથી થોડે દૂર એક હેરપિન, એક માળા, બંગડીના ટુકડા, અને લેગક્લિપ (લેંઘો કે પેન્ટના પાયચા સાઈકલની ચેનમાં ન ભરાઈ જાય એટલા માટે ઉપયોગમાં આવતી આ લેગક્લિપ હતી) ઉપરાંત લોહીના ડાઘા, ફાટેલું બ્લાઉઝ અને બ્રેસિયર તેમ જ લોહીથી ખરડાયેલું ચાકુ... આટલી વસ્તુઓ મળી આવી.
આ વસ્તુઓ જોયા પછી મરનાર સ્ત્રી સાથે કોઈએ મોં કાળું કરીને એનું ખૂન કરી નાખ્યું હોવું જોઈએ એવા અનુમાન પર પોલીસ આવી.
એ માળા શોખની હતી. મંગળસૂત્ર ન હોવાથી તે અપરિણીત હોવી જોઈએ એવું પોલીસતંત્રને લાગ્યું, પરંતુ આ કોઈ નક્કર પુરાવો કહી શકાય તેમ નહોતો.
હવે એમની સામે આ સ્ત્રી કોણ હતી....? ક્યાં રહેતી હતી...? એનું ખૂન કોણે ને શા માટે કર્યું...? ક્યાં કર્યું...? આ પ્રશ્નો જડબું ફાડીને ઊભા હતા, પણ પોલીસને તો આ સવાલોના જવાબ શોધવા જ પડતા હોય છે.
આ મામલો ખરેખર જટિલ હતો. મુંબઈ જેવા વિશાળ શહેરમાં ફક્ત હાડપિંજર પરથી ખૂનીને શોધી કાઢવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું દુષ્કર હતું.
હાડપિંજર પરથી ચાકુના ઘા કયા અંગ પર થયા છે તે જાણી શકાય તેમ નહોતું. ખૂનમાં ચાકુ ઉપરાંત પથ્થરનો ઉપયોગ પણ થયો હતો. માથા પર પથ્થરથી પુષ્કળ ઘા મારવામાં આવ્યા છે, એ વાતની ખોપરી પર અનેક સ્થાનો પર પડેલી તિરાડ ચાડી ફૂંકતી હતી.
પંચનામાની વિધિ બાદ હાડપિંજર સહિત બધી વસ્તુઓ કબજે લઈને વસંતરાવ પોતાની ઓફિસે પાછો ફર્યો.
તપાસ આગળ વધારવા માટે ખૂન થયું એ સમયના કોઈ સાક્ષી નહોતા, છતાં હિંમત હાર્યા વગર વસંતરાવે હાડપિંજરને પરીક્ષણ માટે મોકલી આપ્યું અને પોતાની તપાસમાં લાગી ગયો.
મરનાર સ્ત્રીનું સરનામું અને અન્ય વિગતો મેળવવા માટે એણે મુંબઈના દરેક પોલીસસ્ટેશનોનો સંપર્ક સાધીને પોલીસ-નોટિસની વિગતો મેળવી. એમાં ગુમ થઈ ગયેલી ઘણી બધી સ્ત્રીઓના નામ-સરનામાં મળ્યાં, પરંતુ એ બધી ઘેર પહોંચી ગઈ હતી એટલે આ પ્રયાસ નિષ્ફળ ગયો.
બીજું, મરનાર સ્ત્રી કઈ જ્ઞાતિની કે કયા ધર્મની હતી તે ફક્ત હાડપિંજર પરથી જાણી શકાય તેમ નહોતું. આ શોધી કાઢવા માટે એણે આખી રાત વિચારમાં જ જાગતી હાલતમાં પસાર કરી અને અંતે એણે અનુમાનના ઘોડા દોડાવતાં દોડાવતાં બીજે દિવસે લેગક્લિપ, બ્લાઉઝ, સાડી વગેરેનું નિરીક્ષણ કર્યું. લેગક્લિપ પરથી તે એવા અનુમાન પર આવ્યો કે મરનાર સ્ત્રી નવ વારની સાડી પહેરનારી હોવી જોઈએ અને એ પોતાની સાડીમાં લેગક્લિપ ભરાવતી હશે.
આ મુદ્દો ધ્યાનમાં આવતાં જ નક્કી થયું કે તે હિન્દુ હોવી જોઈએ, પરંતુ સાથે જ બીજી મુશ્કેલી એ વાતની હતી કે લેગક્લિપનો ઉપયોગ કરનાર સાઈકલ ચલાવનાર પણ હોવો જોઈએ, પણ સાઈકલ પર આવા ગીચ જંગલમાં કોણ આવી શકે...? એટલે એ વિચાર એણે પડતો મૂક્યો. તો સાથે જ બીજો સવાલ સર્પના ફૂંફાડાની જેમ જાગ્યો. ખૂન થયું છે એ સ્ત્રી આવા ભયંકર જંગલમાં શા માટે ગઈ....?
બ્રેસિયરનું નિરીક્ષણ કરતાં તે કોઈ ફેશનેબલ નહોતી લાગતી.
બ્રેસિયર અને બ્લાઉઝનો તફાવત જેવો એના મગજમાં આવ્યો કે તરત જ એને યાદ આવ્યું કે આ પ્રકારનાં બ્લાઉઝ શહેરની નહીં પણ ગામડાંની સ્ત્રી પહેરે છે માટે જરૂર તે બોરીવલીની આજુબાજુના કોઈ નાના ગામની હોવી જોઈએ.
તો ત્રીજો સવાલ એ ઊભો થયો કે આવા ગામડાંમાંથી ફણસવાડાના જંગલમાં એ સ્ત્રી શા માટે આવી...? જંગલની આજુબાજુમાં ગામડિયાઓની વસ્તી હતી, પણ આ સ્ત્રી ત્યાંની નહોતી લાગતી. જો એ ત્યાંની જ હોત તો બોરીવલીના પોલીસસ્ટેશનમાં એના ગુમ થવાની ફરિયાદ આવી હોત !
મજકૂર હાડપિંજર ૧ એપ્રિલ, ૧૯૬૧ના દિવસે ફણસવાડાના જંગલમાંથી મળ્યું હતું, એટલે ચોક્કસ જ એનું ખૂન માર્ચના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં થયું હોવું જોઈએ. હવે માર્ચ મહિનો કોઈ હરવા-ફરવાનો નહોતો કે જેથી તે એ કારણસર આવે અને ત્યાંથી કોઈ એને ફણસવાડાના જંગલમાં લઈ જાય. જરૂર એ જંગલમાં કોઈક પરિચિતની સાથે એકાંતમાં રાજીખુશીથી ગઈ હોવી જોઈએ.
બીજા અર્થમાં ખૂની મરનાર સ્ત્રીનો પરિચિત જ હતો.
આટલું નક્કી કર્યા પછી સબ-ઈન્સ્પેક્ટર વસંતરાવે પોતાની નજર મુંબઈ શહેરની બહાર કેન્દ્રિત કરી. થાણા, કલ્યાણ, ભીવંડી, વસઈ, વગેરે શહેરનાં પોલીસસ્ટેશનોમાં એણે આ વિશેના કાગળ-પત્રો મોકલી આપ્યા.
પણ, હાડપિંજર જાણે કે ચેલેન્જ બનીને એની સામે આવ્યું હતું. પરંતુ હિંમત ન હારતાં એણે આ દિશામાં પોતાના પ્રયાસો અવિરતપણે ચાલુ જ રાખ્યા અને છેવટે એની ધીરજ ફળી.
વસઈ પોલીસસ્ટેશન મારફત એને સમાચાર મળ્યા ત્યાંના નાંદવાડી ગામમાં રહેતી ઈન્દુબાઈ નામની એક સ્ત્રી ગઈ તારીખ ૨૮ માર્ચથી ગુમ થઈ ગઈ છે. ગુમ થનાર બાઈ નવ વારની સાડી ઉપરાંત પગમાં ક્લિપ પણ પહેરતી હતી.
એ દિવસે વગર જમ્યે જ વસંતરાવનું પેટ ભરાઈ ગયું.
વસઈ પોલીસસ્ટેશનના સ્ટાફ સાથે તે નાંદવાડી પહોંચી ગયો અને મરનારના પતિ રામચંદ્રના ભાઈ બાલકૃષ્ણને મળ્યો. બાલકૃષ્ણના જણાવ્યા પ્રમાણે – એની ભાભી ઈન્દુબાઈ ૨૮મી માર્ચે સવારે ઘેરથી ગઈ હતી અને હજી સુધી પાછી નહોતી આવી. ૨૭મી તારીખે ઈન્દુબાઈ બાલકૃષ્ણની પત્ની સખુબાઈ પાસેથી તેની નવી સાડી તથા સોનાની કંઠી પહેરવા લઈ ગઈ હતી. પોતે પોતાની માને મળવા જાય છે અને કાલે પાછી આવી જશે એમ એણે જણાવ્યું હતું, પરંતુ ૨૯મી તારીખ સુધી પણ તે પાછી નહીં ફરતાં નછૂટકે બાલકૃષ્ણએ એના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા પહેલા એણે પોતાના ભાઈ રામચંદ્રને પણ મળીને ઈન્દુબાઈ આવી કે નહીં એ બાબતમાં પૂછ્યું હતું, પરંતુ રામચંદ્રે કોઈ જવાબ નહોતો આપ્યો. આમેય એને પોતાની પત્ની ઈન્દુબાઈની કોઈ ચિંતા હતી પણ નહીં.
બાલકૃષ્ણની વાત સાંભળીને વસંતરાવ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે હાડપિંજર પાસેથી તેને આવી કોઈ કંઠી નહોતી મળી. તો શું કંઠી માટે જ એનું ખૂન થયું હતું...? હાડપિંજર ઈન્દુબાઈનું જ છે કે કેમ એ વાતની ખાતરી કરવા માટે એણે સખુબાઈને સાડીનો ટુકડો બતાવ્યો તો તે એણે તરત જ ઓળખી કાઢ્યો અને એ સાડી પોતાની જ હોવાનું જણાવ્યું.
ત્યાર બાદ વસંતરાવે રામચંદ્ર પાસે જઈને તેને હાડપિંજર પાસેથી મળેલી વસ્તુઓ બતાવી. એણે પણ લેગક્લિપ સહિત બધી વસ્તુઓને ઓળખી કાઢી. બાલકૃષ્ણની માફક એણે પણ એવો જ ખુલાસો કર્યો કે – મારી પત્ની ઈન્દુબાઈ ૨૮મી માર્ચે ઘેરથી ગયા પછી હજુ સુધી પાછી નથી ફરી તેમ જ તે ક્યાં ગઈ હતી એ બાબતમાં હું કશુંય નથી જાણતો.
વસંતરાવે રામચંદ્રને ખોદી ખોદીને અનેક સવાલો પૂછ્યા. પત્ની ગુમ થઈ ગઈ હોવા છતાંય રામચંદ્રને બદલે એના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાની વાત પણ તેને ખૂબ જ નવાઈ પમાડતી હતી. ફણસવાડાના જંગલમાંથી મળેલું હાડપિંજર ઈન્દુબાઈનું જ હતું એ વાત સ્પષ્ટ થતાં જ તપાસની દિશા ઊઘડી ગઈ.
વસંતરાવને સૌથી પહેલાં ઈન્દુબાઈના પતિ રામચંદ્ર પર જ શંકા ઊપજી, કારણ કે પત્નીના ગુમ થવાની એને કોઈ ફિકર નહોતી તેમ દુઃખ પણ નહોતું. રામચંદ્રએ આપેલા જવાબો પણ અટપટા હતા.
આ દરમિયાન વસંતરાવના સહકારીઓએ ગામના લોકો પાસેથી પણ ઈન્દુબાઈ વિશે ઘણી માહિતી મેળવી લીધી હતી. આ માહિતી તથા રામચંદ્રના અટપટા જવાબોથી તે એવા અનુમાન પર આવ્યો કે ઈન્દુબાઈ કાં તો વ્યભિચારી હશે અથવા તો તેને કોઈકની સાથે અનૈતિક સંબંધો હશે. તે પોતાના કોઈક પરિચિત સાથે ફણસવાડાના જંગલમાં ગઈ હતી એ તો નક્કી થઈ જ ચૂક્યું હતું; હવે તો આ પરિચિત માણસને શોધવાની જ વાત હતી.
કદાચ પોતાની પત્ની દુરાચારી હોવાને કારણે રામચંદ્રે જ એનું ખૂન કરી નાખ્યું હશે એવો વિચાર વસંતરાવને આવ્યો, પરંતુ એની પાસે રામચંદ્ર વિરુદ્ધ કોઈ પુરાવો નહોતો. ઉપરાંત ઈન્દુબાઈનું ખૂન કોઈક બીજાએ કર્યું હોવાની શક્યતાઓ પણ હતી, પરંતુ ખૂની કોઈક પરિચિત છે એટલું તો નક્કી જ હતું.
ઈન્દુબાઈનો એક બાર વર્ષનો પુત્ર કે જેનું નામ પ્રકાશ હતું એને પણ વસંતરાવે પૂછપરછ કરી. આ પૂછપરછમાં પ્રકાશે જણાવ્યું કે એની મા દરરોજ દાદર સ્થિત શિવાજી પાર્કમાં રહેતા તુલપુલે નામના મરાઠીને ત્યાં જતી હતી. એક દિવસ તે પ્રકાશને પણ પોતાની સાથે ત્યાં લઈ ગઈ હતી. શિવાજી પાર્કમાં તુલપુલે ક્યાં રહે છે એ બાબતમાં પ્રકાશ કશુંય ન જણાવી શક્યો.
હવે આ તુલપુલે કોણ હતો અને ઈન્દુબાઈ રોજ તેને ત્યાં શા માટે જતી હતી એ સવાલ વસંતરાવ માટે અગત્યનો બની ગયો.
રામચંદ્ર પાસેથી ઈન્દુબાઈનો ફોટો તથા સંબંધિત વ્યક્તિઓની જુબાની નોંધીને એ વસઈથી પાછો ફર્યો અને પોતાનું સમગ્ર ધ્યાન શિવાજી પાર્ક પર કેન્દ્રિત કર્યું. ઈન્દુબાઈ રોજ શિવાજી પાર્ક જતી હતી એ વાત પરથી તે એવા તારણ પર આવ્યો કે ત્યાં કોઈક ખાનગી વેશ્યાલય ચાલતું હશે અને ઈન્દુબાઈ એ વેશ્યાલયમાં જ જતી હશે. ઉપરાંત તુલપુલે નામનો માણસ કાં તો વેશ્યાલયનો સંચાલક હશે અથવા તો એની સાથે કંઈક સંબંધ ધરાવતો હશે. આ શક્યતા મગજમાં રાખીને વસંતરાવે અથાગ પ્રયાસો પછી તુલપુલેનું ઘર શોધીને એને ત્યાં કોણ-કોણ આવ-જા કરે છે, એની ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. આ તપાસના અનુસંધાનમાં તેને શાંતારામ નામના એક માણસ વિશે જાણવા મળ્યું. એને મળેલી માહિતી મુજબ શાંતારામ ઈન્દુબાઈનો એક સંબંધી હતો અને ઈન્દુબાઈ એની સાથે જ તુલપુલેને ઘેર જતી હતી. શાંતારામ પોતે વસઈમાં રહેતો હતો.
વસંતરાવ ફરીથી એક વાર શાંતારામ વિશે વધુ માહિતી મેળવવાના આશયથી વસઈ પહોંચ્યો. વસઈના પોલીસસ્ટેશનમાંથી તેને શાંતારામ વિશે આશ્ચર્યજનક માહિતી મળી. શાંતારામ પર વસઈમાં રહેતી માધોબાઈ નામની એક સ્ત્રી તથા તેની દીકરી પર ચાકુથી હુમલો કરવાના આરોપસર વસઈની કોર્ટમાં કેસ ચાલતો હતો.
શાંતારામ ગુનાહિત માનસનો હતો તે આના પરથી સ્પષ્ટ થઈ જતું હતું.
હવે વસંતરાવની સામે બે શંકાસ્પદ માણસો હતા. એક તો ગુનાહિત માનસ ધરાવતો શાંતારામ અને બીજો અનૈતિક વેશ્યાલય ચલાવતો તુલપુલે...! એણે એ જ રાત્રે શાંતારામને તેના ઘરેથી પકડી પાડ્યો અને બોરીવલી લઈ આવ્યો. એની પૂછપરછમાં શાંતારામે ઈન્દુબાઈ વિશે પોતે કશુંય જાણતો હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરતાં જણાવ્યું કે, ‘૨૮મી માર્ચ કે એની અગાઉના ચાર-પાંચ દિવસ પહેલાં ઈન્દુબાઈ મને મળી જ નથી.’
વારંવાર આ એક જ વાતનો કક્કો ઘૂંટ્યા પછી વધુમાં એણે જણાવ્યું કે ઈન્દુબાઈ પોતાના પ્રેમીઓમાં “વસઈવાળી” તરીકે ઓળખાતી હતી. એણે ઈન્દુબાઈના અમુક પ્રેમીઓ વિશે પણ માહિતી આપી. આ માહિતીને આધારે વસંતરાવે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ૨૮મી માર્ચે ઈન્દુબાઈ પોતાના પ્રેમીઓમાંથી કોઈને ત્યાં નહોતી ગઈ.
શાંતારામને અટકમાં રાખીને વસંતરાવે ફરીથી પોતાનું ધ્યાન તુલપુલે પર કેન્દ્રિત કર્યું. એ તરત જ તુલપુલેના ઘેર પહોંચી ગયો. એ વખતે તુલપુલે ઘેર નહોતો, અલબત્ત, એની પત્ની જરૂર મળી ગઈ. વસંતરાવની પૂછપરછના જવાબમાં એણે થોડી વાર વિચાર્યા બાદ કહ્યું, ‘હા, ૨૮મી માર્ચે સવારે ઈન્દુબાઈ અમારે ત્યાં આવી હતી. પછી બપોરે શાંતારામ તેને મળવા આવ્યો હતો અને ઈન્દુબાઈ એની સાથે જ ચાલી ગઈ હતી. ત્યાર બાદ ઈન્દુબાઈ આજ સુધી અહીં નથી આવી.’
‘શાંતારામ ઈન્દુબાઈને ક્યાં ને શા માટે લઈ ગયો હતો એ તું કહી શકે તેમ છે ?’ વસંતરાવે પૂછ્યું.
‘જરૂર....શાંતારામ તેને હિન્દુ કૉલોનીમાં આચાર્ય નામના કોઈક સજ્જનને ત્યાં લઈ ગયો હતો. શા માટે લઈ ગયો હતો એ હું નથી જાણતી...!’
તુલપુલેની પત્ની “શા માટે”નો જવાબ જાણતી હોવા છતાંય અજાણ હોવાનો ઢોંગ કરે છે એ વાત વસંતરાવ સમજતો હતો. એ વિચારવા લાગ્યો – ૨૮મી માર્ચે બપોરે શાંતારામ ઈન્દુબાઈને તુલપુલેના ઘેરથી લઈ ગયો હતો તો પછી એણે એવું શા માટે કહ્યું કે પોતે ૨૮મી માર્ચે કે એના ચાર-પાંચ દિવસ પહેલા ઇન્દુબાઈને મળ્યો જ નથી...?
હવે વસંતરાવે – કોઈએ તુલપુલેના ઘેરથી શાંતારામને ઈન્દુબાઈ સાથે જતો જોયો હતો કે નહીં – એની તપાસ શરૂ કરી. આ બાબતમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એ દિવસે બપોરે ચૂનાભટ્ઠી વિસ્તારમાં રહેતી પારુબાઈ નામની એક સ્ત્રી પણ તુલપુલેને ત્યાં હાજર હતી.
વસંતરાવ તુલપુલેની પત્ની પાસેથી હિન્દુ કૉલોનીમાં રહેતા આચાર્યનું સરનામું મેળવીને એને ત્યાં પહોંચ્યો અને પૂછપરછ કરી તો આચાર્ય નામના એ મહાશયે જવાબ આપ્યો કે – ૨૮મી માર્ચે ઈન્દુબાઈ પોતાને ત્યાં આવી જ નથી. આચાર્ય ઈન્દુબાઈના પ્રેમીઓ માંહેનો એક હતો એ તો તમે સમજી જ ગયા હશો.
ત્યાર બાદ વસંતરાવ ચૂનાભટ્ઠી પહોંચ્યો અને થોડી શોધખોળ પછી એણે પારુબાઈનું ઘર શોધી કાઢ્યું. પારુબાઈ પણ ઈન્દુબાઈની જેમ એક ધંધાદારી સ્ત્રી હતી. વસંતરાવે તેને ઈન્દુબાઈ વિશે પૂછ્યું તો એણે પણ એવો જ જવાબ આપ્યો કે – ૨૮મીએ બપોરે શાંતારામ તુલપુલેના ઘેર આવીને ઇન્દુબાઈને પોતાની સાથે લઈ ગયો હતો.
આ બનાવમાં શાંતારામ ક્યાંક ને ક્યાંક જરૂર સંડોવાયેલો છે અને તે પોતાની પાસે ખોટું બોલ્યો હતો એ વાતની હવે વસંતરાવને પૂરી ખાતરી થઈ ગઈ.
રાત્રે એ ફરીથી તુલપુલેને ઘેર ગયો. એ વખતે તુલપુલે ઘેર હાજર હતો. એણે પણ પોતાની પત્ની જેવી જ જુબાની આપી તથા ખુલાસો કર્યો કે ૨૮મીએ જયારે શાંતારામ ઇન્દુબાઈને લઈ ગયો હતો ત્યારે પોતે ક્યાંક બહાર ગયો હતો.
એની વાત સાંભળીને વસંતરાવના મગજમાં એક વિચાર સળવળ્યો – ૨૮મી માર્ચે તુલપુલે ક્યાં ગયો હતો...? ક્યાંક શાંતારામ અને આ નંગ તુલપુલેએ સાથે મળીને જ તો ઈન્દુબાઈનું કાસળ નથી કાઢી નાખ્યું ને...?
ત્યાર બાદ તુલપુલેને થોડી પૂછપરછ કરીને વસંતરાવ બોરીવલી પાછો ફર્યો. હવે એણે પોતાનું ધ્યાન ફણસવાડા જંગલ અને નેશનલ પાર્ક પર કેન્દ્રિત કર્યું. ૨૮મી માર્ચે શાંતારામ અને તુલપુલે અથવા તો બંને જણ કોઈ સ્ત્રીની સાથે ક્યાંક જોવામાં આવ્યા હતા કે કેમ એ તે જાણવા માગતો હતો.
આ સવાલનો જવાબ મેળવવા માટે તે નેશનલ પાર્કના કર્મચારીઓને મળ્યો, તો ભગવતીપ્રસાદ નામના એક ચોકીદાર પાસેથી તેને જાણવા મળ્યું કે ૨૮મી માર્ચે એણે શાંતારામને એક સ્ત્રી સાથે ફણસવાડાના જંગલ તરફ જતો જોયો હતો.
૨૮મી માર્ચે શાંતારામ જ ઇન્દુબાઈને પોતાની સાથે ફણસવાડાના જંગલમાં લઈ ગયો હતો અને એણે જ એનું ખૂન કર્યું છે એ વાતની હવે વસંતરાવને જડબેસલાક ખાતરી થઈ ગઈ. હવે સવાલ એ હતો કે શાંતારામે ઇન્દુબાઈનું ખૂન શા માટે કર્યું...? એણે ભગવતીપ્રસાદને ઇન્દુબાઈનો ફોટો બતાવ્યો તો એ તરત જ તેને ઓળખીને બોલી ઊઠ્યો, ‘હા, સાહેબ...૨૮મી માર્ચે આ જ સ્ત્રી શાંતારામ સાથે હતી.’
પોતે તો ભગવતીપ્રસાદને માત્ર ઇન્દુબાઈનો જ ફોટો બતાવ્યો હતો... શાંતારામનો ફોટો નહોતો બતાવ્યો, તેમ છતાંય તે શાંતારામને કેવી રીતે ઓળખતો હતો એ સવાલ વસંતરાવના મગજમાં ગુંજ્યો. એણે આ બાબતમાં પૂછ્યું તો જવાબ મળ્યો કે – નેશનલ પાર્કના લગભગ બધા કર્મચારીઓ શાંતારામને ઓળખે છે. શાંતારામ અવારનવાર ત્યાં આવતો હતો.
વસંતરાવને જે જાણવું હતું તે એણે જાણી લીધું હતું.
એણે બોરીવલી પહોંચીને શાંતારામ પાસેથી બધી વાત ઓકાવી લીધી. ચૌદમું રતન અજમાવતાં જ શાંતારામે પોતાનો ગુનો કબૂલી લીધો, એટલું જ નહીં, પોતાના ઘરમાં છુપાવેલ ઈન્દુબાઈની સોનાની કંઠી તથા મંગળસૂત્ર પણ પંચની હાજરીમાં કાઢીને વસંતરાવને સોંપી દીધાં.
હવે એક જ સવાલ બાકી રહેતો હતો – શાંતારામે ઈન્દુબાઈનું ખૂન શા માટે કર્યું....? એણે ઘરેણાં લૂંટ્યાં હતાં, એટલે ઘરેણાં માટે ખૂન કર્યું હતું એ તો સ્પષ્ટ જ હતું, પરંતુ ઘરેણાં માટે પણ ખૂન કરવાની શી જરૂર હતી એ સવાલનો જવાબ બાકી હતો.
શાંતારામની આકરી પૂછપરછ કરતાં આ સવાલનો જવાબ પણ મળી ગયો.
શાંતારામ પર માધોબાઈ તથા એની દીકરી પર ચાકુથી હુમલો કરવા બદલ વસઈની કોર્ટમાં કેસ ચાલતો હતો અને માધોબાઈ અમુક રકમના બદલામાં કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેવા માટે તૈયાર હતી. બસ, આ કારણસર શાંતારામને રૂપિયાની ખૂબ જ જરૂર હતી, પરંતુ આ સમાધાન માટે રૂપિયા ક્યાંથી કાઢવા એ સવાલ એને મૂંઝવતો હતો.
શાંતારામે આપેલી જુબાની મુજબ – ૨૮મી માર્ચે સવારે વસઈના સ્ટેશન પર ઈન્દુબાઈ સાથે એની મુલાકાત થઈ હતી. ઈન્દુબાઈ એ વખતે દાદર, શિવાજી પાર્ક ખાતે તુલપુલેને ઘેર જતી હતી. એણે પહેરેલી સોનાની કંઠી તથા મંગળસૂત્ર જોઈને શાંતારામના મગજમાં લાલચનો શયતાન આવી ભરાયો અને આ ઘરેણાં જો પોતાને મળે તો પોતાનું કામ થઈ જાય એવો વિચાર એને આવ્યો. એણે ઈન્દુબાઈ સાથે થોડી વાતો કરી અને પછી વિદાય થઈ ગયો. બપોરે એ તુલપુલેના ઘેર પહોંચ્યો. એ વખતે ત્યાં તુલપુલેની પત્ની, ઈન્દુબાઈ ઉપરાંત પારુબાઈ નામની એક અન્ય ધંધાદારી સ્ત્રી પણ હાજર હતી. પોતે ઇન્દુબાઈને આચાર્યને ત્યાં લઈ જાય છે એવું જણાવી ઇન્દુબાઈને લઈને શાંતારામ તુલપુલેના ઘેરથી રવાના થઈ ગયો, પરંતુ ત્યાર બાદ તે ઇન્દુબાઈને આચાર્યને ત્યાં લઈ જવાને બદલે મીઠી મીઠી વાતોમાં ભોળવીને ફણસવાડાના જંગલમાં લઈ ગયો. ત્યાં એણે તક જોઈને ઈન્દુબાઈ પર પહેલા ચાકુના ઘા ઝીંક્યા અને પછી માથા પર પથ્થરનો પ્રહાર ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી અને કંઠી તથા મંગળસૂત્ર લઈને ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયો.
વસંતરાવનું આ અનુમાન બિલકુલ સાચું પડ્યું હતું. એણે કમભાગી ઈન્દુબાઈના હાડપિંજરને તપાસ માટે હાડકાનાં નિષ્ણાત પાસે મોકલ્યું હતું. એ નિષ્ણાતનો રિપોર્ટ પણ ખૂબ જ અગત્યનો હતો. ઈન્દુબાઈ પર ચોક્કસ કયા સ્થળે પ્રહારો કરવામાં આવ્યા હતા એની તમામ વિગતો એ રિપોર્ટમાં લખેલી હતી.
શાંતારામ વિરુદ્ધ જરૂરી પુરાવાઓ એકઠા થઈ ગયા પછી ખૂન તથા ઘરેણાંની ચોરીના આરોપસર કેસ તૈયાર કરીને વસંતરાવે એની વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી દીધું.
ઈન્દુબાઈનું માત્ર હાડપિંજર જ જંગલમાંથી મળ્યું હતું. એનું ખૂન કરતાં જોનારો એક પણ સાક્ષી નહોતો. સમગ્ર કેસ પરિસ્થિતિજન્ય પુરાવાઓ પર જ રજુ કરવામાં આવ્યો હતો.
વસંતરાવે અથાગ મહેનત કરીને પુરાવાઓ મેળવ્યા હતા. એણે રજુ કરેલા પુરાવાઓને માન્ય રાખીને નામદાર કોર્ટે શાંતારામને ગુનેગાર ઠરાવ્યો અને તેને ખૂનના આરોપસર આજીવન કેદ તથા લૂંટના આરોપસર સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી. એટલું જ નહીં, વસંતરાવે આ કેસમાં જે સૂઝ-બૂજ, ખંત, ઉત્સાહ અને મહેનતથી પુરાવાઓ એકઠા કર્યા હતા એ બદલ એની ભારોભાર પ્રશંસા પણ કરી.
હાડપિંજરના રૂપમાં ચેલેન્જ બનીને આવેલા કેસને વસંતરાવે જે કુનેહથી તેનો સફળતાપૂર્વક ઉકેલ લાવીને ખૂનીને ઘટતા ફેજે પહોચાડ્યો, એ બદલ તે પોતાનાં ઉપરી અધિકારીઓની પ્રશંસાને પાત્ર પણ બની ગયો.
***
- કનુ ભગદેવ
Feedback: Kanu Bhagdev/Facebook
Rahasya Jaal/Facebook