[1]
નીતા શાહ '
સમાજમાં મહિલાનું યોગદાન અને એનું મહત્વ''
ભારત વર્ષ તો પરમ ભાગ્યશાળી દેશ છે જ્યાં પવિત્ર સરિતાઓ જેવું જીવન જીવતી અગણિત નારીઓ છે. વિશ્વના મહાન વિચારક કાર્લ માર્કસે કોઈ પણ સંસ્કૃતિના વિકાસની પારાશીશી તરીકે સ્ત્રી સ્વાતંત્ર્યને ગણાવ્યું છે.ભારત વર્ષમાં વેદોનું સર્જન કરનારા આપના પૂર્વજ ઋષિઓએ સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો આપ્યો હતો.દેવી તરીકે ભારતીય મહિલાને પૂજાસ્થાને મૂકી હતી.અને '' યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા ''જેવા સુભાષિતો દ્વારા નારીનું સન્માન પણ થયું છે. આપણા પુરાણો અને ઉપનિષદોના સમયની નારીઓ વિદુશીઓ હતી. ગાર્ગી,લોપમુદ્રા,અરુન્ધાતી જેવી અનેક વિદુશીઓ પ્રસિદ્ધ છે.આપણે ત્યાં છેક પંદરમાં સૈકામાં કવયિત્રી મીરાંબાઈ સાચી ક્રાંતિ કરે છે.રાજરાણીના વૈભવને છાજે એ રીતે ક્રાંતિ કરે છે. આજે ભારતની કવ યિત્રીઓમાં મીરાંબાઈ પ્રથમ સ્થાને છે.
ભારતીય ઈતિહાસ ખાસ કરીને ભારતનો રાજકીય ઈતિહાસ સ્ત્રીઓના યોગદાન ને નકારી શકે તેમ નથી.છેક દ્રૌપદીના સમયથી સ્ત્રીઓ રાજકારણ ને જુદો આયામ આપી રહી છે.કૈકેયીથી શરુ કરીને રઝીયા સુલતાન, અહલ્યાબાઈ,હોળકર,ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓએ પ્રત્યક્ષ રીતે તો જીજાબાઇ,જોધાબાઈ,નુરજહાં જેવી સ્ત્રીઓએ રાજકારણ માં પરોક્ષ રીતે ભાગ ભજવ્યો છે. રામાયણ ના અરણ્યકાંડમાં સ્ત્રીને સઘળા દુખો માટે કારણભૂત માનવામાં આવી છે.શ્રી રામ ના મુખેથી કહેવડાવ્યું છે કે ''જપ,તપ કે નીયમરૂપી બધા પાણી ના સ્થાનોને સ્ત્રી ઉનાળાની ઋતુ રૂપે શોષી લે છે.સ્ત્રી અવગુણો નું મૂળ,પીડા આપનાર અને બધા દુઃખોની ખાણ છે.''
હવે આ જો જૂની વાત હોય તો આજની સ્ત્રીઓને શું સમજાય ? ''સ્ત્રીની બુદ્ધિ પગની પાણીએ'' અથવા ''સ્ત્રી નરકનું દ્વાર'' કહેનારા પુરુષોની આ સમાજમાં કમી નથી જ ,પરંતુ આ જ પુરુષો માટે સ્ત્રી એમના જીવન નું મહત્વનું અંગ છે.
છેક પ્રાચીનકાળથી મનુસ્મૃતિના સમયથી પુત્રીને પુત્ર કરતા ઓછી મહત્વની ગણવામાં આવી છે.અથર્વવેદમાં પુત્રીજન્મને ટાળવા માટેની વિધિ અને પ્રાર્થનાઓ છે.ઉપનિષદોમાં પણ પુત્રોત્પતિની કામના કરાઇ છે.પુત્ર પિતાનું પુત નામના નરકથી રક્ષણ કરે છે તેથી એને પુત્ર કહેવાય છે.એમ વેદો કહે છે.મહાભારત માટે દ્રૌપદી અને રામાયણ માટે સીતાને જવાબદાર ઠેરવતો આ સમાજ દર વખતે કોઈ પણ પરીસ્થિતિમાં સ્ત્રીને જવાબદાર ઠેરવે છે.જયારે પુરુષ લગ્નેતર સબંધ બાંધે ત્યારે સ્ત્રીનો કકળાટ એને માટે જવાબદાર હોય છે. પરંતુ સ્ત્રીના લગ્નેતર સબંધને આ સમાજ માફ કરી શકતો નથી. પુરુષ લેખકની આત્મકથાને ''પ્રમાણિક કબુલાત'' નું સર્ટિ આપીને હારતોરા પહેરાવાય છે.જયારે તસ્લીમા નસરીન ની આત્મકથામાંથી ચાર પાના કાઢવાની ફરજ પડે છે.
જોકે હવે સમય બદલાયો છે. ગુજરાતી સ્ત્રીને માત્ર પત્ની કે માતા બનીને પોતાના વ્યક્તિત્વને સીમિત કરવામાં રસ નથી.પોતાની દુનિયા રસોડાની બહાર પણ શ્વાસ લે છે.એન્જીનીયર,મેડીસીન કે કોર્પોરેટનું એક પણ ક્ષેત્ર એવું નથી કે ત્યાં સ્ત્રી અગ્રેસર ના હોય ! સમય કરવત લેતો રહ્યો છે અને સાથે કરવત લીધી છે ગુજરાતી સ્ત્રીના વ્યક્તિત્વએ. ધીરુબેન પટેલ,વિનોદિની નીલકંઠના સમયનું સ્ત્રી પાત્ર હોય કે વર્ષા અડલજા કે ઈલા આરબના સ્ત્રીપાત્ર હોય કે ''સાત પગલા આકાશ'' ની વસુધા ...ગુજરાતી સ્ત્રી લેખકોએ સમયની છાતી પર પોતાના હસ્તાક્ષર કર્યા જ છે. લોક કળા અને લોક સાહિત્યમાં પણ ગુજરાતી સ્ત્રીનું આગવું પ્રદાન છે. કચ્છની હસ્તકલા હોય કે ઝાલાવાડી ભરત,અમદાવાદની બ્લોકપ્રીન્ટ કે પંચમહાલની બેનોના કીડિયા અને કથીરના દાગીના ....કલાપ્રેમી ગુજરાતણ ક્યાય પણ વસતી હોય એ રંગો અને સુંદરતા સાથે પોતાનો નાતો જોડી જ લે છે. સૌથી અગત્યની વાત તો એ છે કે ગુજરાતી સ્ત્રીના લાગણીતંત્રને આજ સુધી બીજો કોઈ રંગ ચડી શક્યો નથી.
ગુજરાતમાં સ્ત્રીને સન્માન અપાવનાર વર્ગ માં પુરુષોનો પણ સમાવેશ કરવો પડે છે.અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં પણ સ્ત્રીઓ રાતના બે વાગે એકલી ટુ-વ્હીલર પર ફરી શકે છે.એનું કારણ એક જ છે કે ગુજરાત અને ગુજરાતના પુરુષોની સ્વચ્છ માનસિકતા છે એ નતમસ્તકે સ્વીકારવું જ રહ્યું.ગુજરાતના દરેક પાસમાં સ્ત્રીનો ઉલ્લેખ સતત કુટુંબની અગત્યની વ્યક્તિ તરીકે સન્માનનીય સભ્ય તરીકે થયો છે. છતાં એક સ્ત્રી તરીકે કહીશ કે ગુજરાતમાં સ્ત્રીને જે જોઈએ તે બધું મળ્યું છે એવું પણ નથી.અંતરિયાળ ગામડાઓમાં આજે પણ નિરક્ષરતાનો દાનવ મોજુદ છે.દહેજની પ્રથા તદ્દન નાબુદ થઇ નથી. સ્ત્રીભ્રૂણ હત્યા આજે પણ એક પ્રશ્ન છે, પરંતુ એના માટે સરકારે જે કામ કર્યું છે તે નકારી શકાય તેવું નથી.
ગઈકાલ સુધી સાપનો ભારો, બોજ કે ઉકરડો કહેવાતી દીકરી આજે ગુજરાતના ઘરોમાં દત્તક લેવાય છે.ગુજરાતમાં સ્ત્રીને આજે પણ સ્વતંત્રતા અને સલામતી આપવી એ એના પરિવારની ફરજ ગણાય છે.સ્ત્રી માટે હવે ઉઘાડી રહેલી નવી ક્ષિતિજો તરફ એણે પ્રયાણ કરવા માંડ્યું છે ત્યારે સ્ત્રીનો બદલાતો ચહેરો વધુ સુંદર, આત્મવિશ્વાસથી સભર, વધુ સંવેદનશીલ અને વધુ તેજસ્વી થઇ રહ્યો છે.
પુરુષ પ્રકૃતિ પર વિજય પામવા પ્રયત્ન કરે છે જયારે સ્ત્રી પ્રકૃતિથી અનુકુળ થવા સમાધાન કરતી રહે છે.ભારતની પ્રથમ આઈ.પી.એસ. ઓફીસર શ્રીમતી કિરણ બેદી ટેનીસ ચેમ્પિયન હતા. સને ૧૯૯૪ માં ૧૬ લાખ રૂપિયાનો પ્રતિષ્ઠિત મેગ્સાયસાય એવોર્ડ મેળવ્યો હતો. એ બહાદુર પોલીસ ઓફિસરને એક જ પુત્રી
છે અને એનું નામ પડ્યું છે ''ગુજ્જુ''. બહાદુર સ્ત્રીઓની બહાદુર બેટીઓ 'ગુજ્જુ' કહેવાય છે. આમ સ્ત્રી એ બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે.કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે .
સ્ત્રી...
પહેલા પણ પ્રમાણિક હતી ને
આજે પણ પ્રમાણિક છે..
બદલાયા છે થોડા ક સમીકરણો..
આજે સ્ત્રી પરાવલંબી નથી
આજે સ્ત્રીશક્તિ નો પરચો આ
પુરુષપ્રધાન દેશ ''ભારત'' પણ જોઈ રહ્યો છે..
કઈ દિશા ને કઈ ટોચ પર નારી નથી...?
દરેકે દરેક દિશાઓ આજે નારી-શક્તિ થી ગાજે છે
ભૂલી જાવ સ્ત્રી એટલે રસોડાનું સંવિધાન..
ભૂલી જાવ સ્ત્રી એટલે બાળ-ઉછેર કેન્દ્ર
ભૂલી જાવ સ્ત્રી એટલે મર્યાદા માં લપેટેલું રતન..
ભૂલી જાવ સ્ત્રી એટલે પુરુષ જાતિના પગ નીચે કચડાતી જીંદગી..
ભૂલી જાવ સ્ત્રી એટલે ચાર દીવાલો માં કેદ ફફડતું પંખી...
ભૂલી જાવ સ્ત્રી એટલે ઉપભોગ નું સાધન...
આજની નારી સમગ્ર દિશાઓ,ગ્રહો,નક્ષત્રો,દેવ કે દાનવ...અરે બ્રહ્માંડ ને આહવાન
આપે છે....જો એક નારી ને સમજવી હોય,તેના વિષે લખવું હોય,તેના વિષે બોલવું હોય ...તો વધારે નહિ પણ ફક્ત ૨૪ કલાક એક સ્ત્રી બનીને જીવવાનો અનુભવ લો..
જીંદગી ના દરેક પાસાને એક સ્ત્રીત્વ પ્રમાણે દિલ થી સ્વીકારો..તો કદાચ ૧૦% સ્ત્રી
સમજાશે...બ્રહ્માજી એ કેટ કેટલા અગણિત રસાયણો ના ભંડાર ઠાલવ્યા છે એક નારી ના સર્જન માં...!
તેના દરેક રસાયણો પરાકાષ્ટાને પામે છે...
તેના ગુણધર્મો માં...ધીરજ,સહિષ્ણુતા,સંવેદના,પ્રેમ,મમતા,સન્માન,ખુમારી,ગુસ્સો,દ્વેષ,ઈર્ષા,શક્તિ,બુદ્ધિ,વિચારશક્તિ,સાહસ,શૌર્ય,વિવેક,રચનાત્મક....અરે ઘણું બધું...અધધધ....કહી શકાય તેટલું....!
અરે, નારી તો એક સોશિયલ ક્લીનર પણ છે...વિચારો સમાજ માં પુરુષો ની વિકૃતિ ને શાંત કરનારી ''વેશ્યા'' સમાજ માં ન હોત તો...કલ્પના કરો કેટલો ગંદો હોત આ સમાજ...!!!
આજે ''વિશ્વ નારી દિવસે'' પ્રભુ ને એક જ પ્રાર્થના....
જયારે જયારે મને અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ફક્ત એક ''નારી-યોની''
જ આપજે... .સાર્થક જીવન જીવ્યા નું સૌભાગ્ય તો મળે...!!!
નીતા શાહ
[2]
સુષ્મા ઠકકર
સમાજમાં નારીનું યોગદાન અને મહત્વ..
નારી! શબ્દ જ કેવો અનોખો છે! નારી એટલે પ્રેમ, કરુણા, નજાકત, સહનશીલતા અને ત્યાગનો પર્યાય..! ‘સમાજમાં નારીનું મહત્વ’ એ વિષય પર લખવા બેઠી, અને થયું કે કોઈ વૃક્ષ કે ઝાડ માટે મૂળનું મહત્વ કેટલું?? શું મૂળ ના હોય, તો તે વૃક્ષનું અસ્તિત્વ શક્ય છે ખરું? સ્ત્રી ના હોત, તો આ સમાજ પણ કેવી રીતે હોય? સમાજનો પાયો જ છે નારી!
વેદકાળથી નારીનું મહત્વ ક્યારેય ઋષિ મુનિઓએ ઓછું નથી આંક્યું. તેમણે પણ આ જ કહ્યુંને કે..
यत्र नार्यन्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता:!
જ્યાં નારીની પૂજા થશે, ત્યાં જ દેવતાઓનો વાસ હશે !
આજે આધુનિક યુગમાં નારીને નર સમોવડું થવું છે, આ વાત જ કેટલી પીડાજનક અને હાસ્યાસ્પદ છે! આ તો એવું થયું કે ઓફિસમાં બોસ પોતાના કર્મચારી સમોવડા થવાની વાત કરતા હોય! એનો અર્થ એ નથી કે હું પુરુષોને હલકા કે ઉતરતા ગણું છું..જો પુરુષ પાસે રેશનલી વિચારવાની ક્ષમતા અને શારીરિક શક્તિઓ છે, તો સ્ત્રી પાસે સંવેદના, પ્રેમ, કરુણા, ત્યાગ, સહનશીલતા, નજાકત, આકર્ષણ અને સહુથી મોટો ગુણ એ પારકાને પોતાના કરવાં, તે છે!
જેમ એક ડોક્ટર એન્જીનીયરનું કામ ના કરી શકે, જેમ એક વકીલ દર્દીનું ઓપરેશન ના કરી શકે, એમ જ સ્ત્રી અને પુરુષને ઈશ્વરે ઘણા અલગ ગુણો આપ્યા છે, એટલે તે બંને એક-મેકના પુરક ચોક્કસ બની શકે, પણ સમાન ક્યારેય નહિ!
હા, પુરુષો આ ભેદ જાણતા હશે કે કેટલા બધા ક્ષેત્રમાં સ્ત્રી એમનાથી ખૂબ આગળ છે, એટલે જ ધર્મ, સમાજ, શરમ, રીતરીવાજો વગેરે દ્વારા સ્ત્રીને સતત કચડવાની કે દબાવવાની કોશિશ કરી છે.
એના માટે હું સ્વરચિત પંક્તિઓ કહીશ કે,
ઓ ભારતની નારી.
દેવી કહીને આપી પગમાં બેડીની લાચારી..
ઓ ભારતની નારી..
પતિવ્રતાના ઓઠા હેઠળ રાજાશાહી ચલાવે..
તારી ઈચ્છા? એટલે શું? તે જે ફાવે તે લાવે..
તું તો રહી જાતી કાયમ સિસકારે મન મારી..
ઓ ભારતની નારી..
પિતાનું ઘર, પતિનું ઘર છે, એમ બધા સંભળાવે..
તોય તું તો જાત ઘસીને એ જ ઘરોને ચલાવે..
તારું નથી ગણાતું છતાં તેને માટે મરનારી..
ઓ ભારતની નારી..!
સ્ત્રીને સતત સમાજ તરફથી મળતી અવહેલના એ ખરેખર તો સમાજનો પોતાના ગાલ પર મરાતો તમાચો છે..! જો સ્ત્રી ના હોત, તો આપણને રામ...કૃષ્ણ..બુદ્ધ..મહાવીર...ઇસુ ખ્રિસ્ત..મહંમદ પયગંબર..મહાવીર સ્વામી.. શિવાજી...રાણા પ્રતાપ...ગાંધીજી..આટ આટલા વૈજ્ઞાનિકો...આટલા સંતો..આટલા વિચારકો અને કાઈ કેટલીયે વિભૂતિઓ ક્યાંથી મળ્યા હોત?
સ્ત્રી એ શક્તિ અને કરુણાનું Combination છે, અને શક્તિ પણ એના હાથમાં જ શોભે જેના દિલમાં કરુણા પણ હોય! સ્ત્રી એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ વગર કોઈનું જીવન શક્ય જ નથી.! તો સમાજસેવકો, જાગો, સ્ત્રીને કોઈ સહારો આપવાની જરૂર નથી, એના ઉત્થાન માટે કોઈ ઢોલ વગાડવાની જરૂર નથી, બસ, એને સંસ્કારોના નામે કચડવાનું બંધ કરો..એનું ઉત્થાન એ પોતાની મેળે કરી લેશે. –
સુષ્મા
[૩]
લતા સોની કાનુંનગા
નારી ને દેવી સ્વરૂપ..... નારાયણી સ્વરૂપ ગણવામાં આવે છે. એની પાસે એ રીત ની અપેક્ષા રાખવામાં આવે છે. પણ શું સામે પક્ષે એ જ પુરુષ કે જે નારી પાસે આવી ઉચ્ચ અપેક્ષા રાખે છે તે પોતે શું નારાયણ બનવાની ક્ષમતા ધરાવે છે? આ પ્રશ્ન એક આગવી ચચાઁ માગતો વિષય છે.
આજની નારી તો પોતાને એક આગવી પ્રતિભામા ઢાળી પોતે સક્ષમ નારી છે એ જ સિધ્ધ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. અને એને એ માટે ઘણાં મોરચે એક સાથે લડવું પડતું હોય છે. ઘરમાં તો એક સાથે ઘણાં પાત્રો ભજવવાના જ હોય છે. પણ ઘર બહાર પણ પોતાની પ્રતિભા સાબિત કરવા અનેક રીતે જંગ લડવો પડતો હોય છે.
એ માટે નારી એ સતત સજાગ ને સક્ષમ રહેવું પડે છે. તન મન અને હવે તો ધનથી પણ નારી પોતાના કુટુંબ ને સહાયરુપ થતી હોય છે. એ બધે મોરચે એક સાથે લડવામાં કોઈ વાર એકાદ મોરચે ઢીલી પડે તો ઘરમાં રહેતી વડીલ નારી એને સાથ આપે તો એનામાં હિંમત વધે છે. પહેલાં ના જમાનામાં ઘરની વડીલ નારી આગળ દિકરી વહુ છૂટથી કઈ કહી શકતી નહોતી. આજે એ જ કુટુંબના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આજે મા દિકરી, સાસુ વહુ સખીની જેમ રહી શકે છે. એકમેકની પૂરક થઈ ને રહે છે.
જેમ દોરીને ગુથીએ તો અલગ અલગ આકાર ની સુંદર વસ્તુઓ બને છે...... જોકે આ સુંદર આકારો આપવાનું કામ પણ નારી જ મોટેભાગે કરે છે તેમ કુટુંબ ને એક તાંતણે બાંધી રાખવાનું કામ પણ નારીના કુશળ વહિવટથી જ શક્ય બને.
આજ ની નારી એ જ રીતે બહાર જોબ કે પોતાનો વ્યવસાય પણ કરતી થઈ છે. ને ઘરની બહાર ના ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન સ્થાપિત કરવામાં સફળ થઈ રહી છે. એમાં હવે ઘરની વડીલ નારી.... મા સાસુ .... પણ સાથ આપતા થયાં છે. સહુથી વધુ નારી ના આ અભિગમ ને લીધે સબંધો વધુ તંદુરસ્ત બન્યા છે.
આ બધી વાતમાં નારી એ બધે મોરચે એક સાથે લડવામાં બાંધછોડ નો અભિગમ અપનાવવો પડે તો જ નારી તંદુરસ્ત કુટુંબ સમાજ નું સુંદર ચણતર કરી શકે. ને કરે પણ છે.
લતા સોની કાનુગા.
[૪]
સેજલ બારોટ
સમાજમાં મહિલાઓ નું યોગદાન અને મહત્વ ?? ....
"નારી" એટલે સંપૂર્ણ દુનિયા જેના વગર કલ્પી ન શકાય એવું ભગવાનનું સુંદર સર્જન. ....
સૌ પ્રથમ તો ખૂબજ સરસ વિષય પર લખવાનો મોકો મળ્યો છે તો એના માટે મારી જાતને નસીબદાર ઘણું છું. ....
ખરેખર તો નારી છું ને નારી વિષે લખવાનું છે એટલે પહેલી નજર તો પોતાની અને પોતાના ઘડતરમાં આધારભૂત એવી સ્ત્રીઓ જ વધારે મગજમાં પહેલી આવે. ....
સમાજમાં મહિલાઓ ના યોગદાન ની વાત કરું તો..કયાં નથી પહોંચી આજની આ શકિત? ???...
➡ ગૃહ થી લઈને ગ્લેમર..
➡ખેતર થી લઈને ખેલજગત..
➡ શિક્ષણ થી લઈને સૈન્ય. .
➡ ઍાટો મોબાઈલ થી લઈને અંતરિક્ષ ...
અરે !! દુનિયા નું એવું કોઈ ક્ષેત્ર જ નથી જેને નારી એ પોતાની આગવી શૈલી થી અજવાળ્યું ના હોય. ..
સુનિતા વિલિયમ્સ
સર્જક મીરાં નાયર
લેડી ગાગા.............
કે પછી પાકિસ્તાની સુપુત્રી મલાલા. .કે પછી આપણા લતા મંગેશકર હોય કે કલ્પના ચાવલા. ..સમાજ ના દરેક સ્તરે આ લોકો એ ઉત્તમ કાર્ય કરીને સાબિત કરી દીધું છે કે નારી શક્તિ શું છે. ..
હું એક વાત માં ખૂબજ શ્રદ્ધા ધરાવું છું કે જે સ્વામી વિવેકાનંદે કહ્યું છે. ....કે""
સ્ત્રી એટલે ઈશ્વર નો નરી આંખે દેખાતો એક આવિષ્કાર ""
આજે હું અહીંયાં વાત કરું છું સમાજમાં સ્ત્રીઓ નુ મહત્વ અને તેમનું યોગદાન. ..પણ મને પ્રશ્ન થયો મગજ માં કે સ્ત્રીઓ વિશે વાત કરું તો મારી મમ્મી પણ એક સ્ત્રી જ છે. ....
મેં લતા મંગેશકર નું નામ સાંભળ્યું છે...સુનિતા વિલિય્મસ નું નામ સાંભળ્યું છે..પણ એ લોકો નો જીવન સાથેનો સંઘર્ષ નથી જોયો. .જયારે મારી મમ્મીએ કરેલો સંઘર્ષ જોયો છે. ..અને એટલે જ આજે એને પણ મહાન સ્ત્રીઓ ની કક્ષા માં મૂકીને જ જોવું છું. .અને એનીજ થોડીક વાત કરવા માંગુ છું કે સમાજે શું આપ્યું કે સમાજ માં સ્ત્રીઓ નું ખરેખર મહત્વ શું છે. ...
અરે. ...બેના ! ખાલી વાતો છે ખોખલી સ્ત્રી સશક્તિકરણ ની..બાકી તો....ઘેર ઘેર માટીના ચૂલા છે........લોકો છાપરે ચઢી ને ભલે પોકારતા હોય પણ આજેય કેટલાક અપવાદ ને બાદ કરતાં સ્ત્રીઓ ની સ્થિતિ દયનીય છે જ.....
સમાજ કેટલો ક્રૂર હોય છે એનું ઉ.દા આપું આજે તો ....
એક મહિલા કે જેને પાંચ દીકરીઓ અને એક દીકરો છે...
પણ પતિ ના મૃત્યુ બાદ આ જ સમાજ એને એક વર્ષનો ખૂણો પાડવાનું દબાણ કરે છે...
આ મહિલા ને આજીવિકા ચલાવવા માટે ખાલી એક જ આધાર છે..એક ભેંસ. ..એનો વલોપાત. ..કામ કરવા દેવાની માંગણી. .આ રિવાજ આગળ વામણી સાબિત થાય છે. ...
રિવાજ નામના રાક્ષસ ને જબરજસ્તી માથે થોપી દેવા માં આવે છે...દિકરા ને એનો અભ્યાસ છોડવો પડે છે..લોકો નાં કપડાં ઈસ્ત્રી કરી ને ગૂજરાન
ચલાવવું પડે છે....
પણ કેમ ???? કયાં ગયો પેલો સમાજ જે એની માતા ને એક વર્ષ નો ખૂણો પાડવા મજબૂર કરે છે....(
નોંધ. ...પતિ ના મૃત્યુ બાદ એક વર્ષ સુધી ઘરની બહાર નહિ નીકળવું. ..એ રિવાજ ને ખૂણો પીડવો કહે છે ...)
શું..નાનકડા ગામડા ની શિક્ષણ નો બોજો. .એક વર્ષ માટે સમાજ ના ઉપાડી શકે..??
કોઈ આશાસ્પદ યુવાન ના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો અધિકાર કોણે આપ્યો. ..આ લોકો ને....??
મને બિલકુલ ક્ષોભ નથી થતો એ વાત સ્વીકારતા કે હું જ એ છ સંતાનો માં ની એક સંતાન છું. ...પરંતુ ગર્વ થાય છે તમારી સમક્ષ એક અભણ પણ દુનિયા ની શ્રેષ્ઠ સ્ત્રી એવી મારી મમ્મી ની વાત મુકતાં. ....
જેને સાબિત કરી બતાવ્યું કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી..ભલે દિકરો ના ભણી શક્યો પણ દિકરીઓ ને શ્રેષ્ઠ શિક્ષણ અપાવી ને સમાજમાં ઉભા રહેવા સક્ષમ બનાવ્યા. ....
એક મારા જ કાવ્ય ની એક પંક્તિ અહીંયાં યાદ આવે છે. .
કે ..."""
ભલે રહી વટવૃક્ષ સહનશીલતા નું ?...
હોય જો હામ તોડી બતાવ એક પાન મારી ડાળ નુ?"""...
પોતે અભણ હોવા છતાં એક મહિલા આટલું શિક્ષણ નું મહત્વ સમજી શકતી હોય તો..આ કહેવાતા સમાજ ના મોવડીઓ..અને બની બેઠેલા અગ્રણીઓ સ્ત્રી ની સાચી દિશા અને દશા કેમ કયારેય નથી કળી શક્તા..???
વેદો માં પણ કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રીસ્નમાન છે ત્યાં દેવો નો વાસ છે...જે ઘરમાં કે દેશ માં સ્ત્રીઓ નુ સ્નમાન નથી થતું તે પતન તરફ ગતિ કરે છે....
સ્ત્રીઓ નુ યોગદાન તો સમાજ ને ડગલે ને પગલે મળ્યું જ છે. .પણ શું સમાજ નું કોઈ યોગદાન સ્ત્રી માટે ખરું. ..??????????
સમાજમાં સ્ત્રીઓ નુ મહત્વ કયારે સમકક્ષ બની રહેશે તે કહેવું મુશ્કેલ છે. .......
પણ એક વાત ચોક્કસ કહીશ. .કે
"" ઇન્સાનિયત ના દાયરામાં છું હજુ. .એટલે હું ચૂપ છું. ....
ગરિમા મળી છે ઊંચી "સ્ત્રી" ની મને. .એટલે હું ચૂપ છું. ..
પ્રેમનો વહેતો ધોધ છું ને શક્તિ નું બીજું રુપ છું.......
અગન જવાળાઓ ભલે સમાઈ ભીતરમાં. ...નિર્મળતાનો અસ્ખલિત સ્ત્રોત છું. ..."""
પણ જો સમગ્ર સ્ત્રી સમાજ પોતે જ પોતાના માટે લડત આપશે તો ચોક્કસ આજે નહીં તો કાલે. .સોનેરી સવાર આપણા જીવનમાં આવવાની જ છે.......
છેલ્લે. ....એક ચેતવણી. .."
હિમાલય આખો ઓઢયો છે...માટે દેખાવે ખાલી હિમ છું. ....?.
ના ખેલ ઓ સમાજ મારી લાગણીઓ સાથે. ...સાક્ષાત્ દુર્ગા નું સ્વરૂપ છું ?....""
સેજલ બારોટ
[૫]
રેખા સોલંકી
કંઈક આકરી નજર ની
તપિશ બાહ્ય ત્વચાને એવી નડી છે,
કે અંતર ની મુલાયમતાં
હવે બરછટ થવાં જીદે ચડી છે..!!
નારી તો શક્તિ સ્વરૂપા.....નારી તું નારાયણી . . .
આવાં બધા વિષેશણો થી નારીને વધાવવામાં આવે છે. પણ હકીકતમાં કેટલે અંશે આ વાત આપણો પુરૂષ પ્રધાન સમાજ સ્વીકારે છે એ એક એવો સવાલ છે કે કોઈ એનો સાચો જવાબ આપી નહીં શકે.
કારણ કે નારીને યેનકેન પ્રકારે દબાવવામાં જ આવી છે. આજનાં કળિયુગમાં કે એની પહેલાંના યુગોમાં.
ભુતકાળને ભુલી જઇએ, ને આજના સમયમાં જોઇએ ,સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ ના પંથે અગ્રેસર છે,બિઝનેસ,સાયન્સ,શિક્ષણ હોય કે તબીબી કે બેન્કિંગ ક્ષેત્રમાં હોય,ભણતરમાં પણ છોકરા કરતાં છોકરીઓ અવ્વલ હોય છે . ઘરમાંથી ઘણી વાર એવું કહેવાતું હોવા છતાંય કે તારે ક્યાં ભણી ગણી મોટો અમલદાર બનવાનું છે,તે છતાંય સ્ત્રી ક્યાંય રોકાતી નથી . એને સંઘર્ષ અને
ઝૂઝવાની ક્ષમતા જાણે જન્મજાત જ મળેલી હોય છે..
કહ્યાગરી દિકરી હોય કે લાડકી બહેન,લાગણીશીલ પત્ની હોય કે આજ્ઞાકારી વહું,મમતામયી માં હોય કે પ્રેમાળ ભાભી,સૌને એકસૂત્રમાં બાંધીને રાખનારી એ સ્ત્રી સાચેજ મહાન હોય છે. નોકરી કરતી કે બિઝનેસ કરતી મહિલા તો ડબલ ડ્યુટી નિભાવે છે ,જોબ ના સ્થળે
કડક બોસ બની હુકમ ચલાવતી એ સ્ત્રી જ્યારે ઘરનાં રસોડામાં પરસેવે રેબઝેબ થઈ રસોઈ બનાવી સૌને પ્રેમથી જમાડે ત્યારે એની ભૂખ તો મરી જ ગઈ હોય છે.
સૌના સંતોષ થી જ એનું પેટ ભરાઈ ચૂક્યું હોય છે.
બહાર ની દુનિયામાં ચહેરા પર કડક આવરણ લઇ ફરતી એક સ્ત્રી ઘરમાં તો આજે પણ બિચારી જ છે.નાના નાના નિર્ણય પણ એ સ્વતંત્ર રીતે નથી લઇ શકતી .સૌની ઇચ્છા ,અને માન જાળવવા એને પોતાના ઘણાં અરમાનોની કુરબાની આપવી પડે છે.
'
એ' વ્યક્તિ એટલે કે ઘરની "સ્ત્રી" "
ઘર" નામના "અજ્ઞાત "વાસમાં રહીને
સૌને સિધ્ધિપ્રાપ્ત કરાવે છે,
ને ક્યારેક જગતના લોક 'એ' વ્યક્તિ ની
ઉપલબ્ધિ ની શુન્યતાની હાંસી ઉડાવે છે . .
સ્ત્રી સદાયે પરદા પાછળ રહીને
પોતાનું કર્તવ્ય નિઃસ્વાર્થ નિભાવે છે.
બિમારની સેવા ચાકરી ખંતથી કરે છે,
પણ પોતાની બિમારી ને સૌથી છુપાવે છે.
ઘરની ઇમારતને બુલંદ બનાવવા એનાં
અસ્તિત્વનાં કાંગરાંને જાતે ગિરાવે છે.
રેખા સોલંકી
સેજલ બારોટ