Gandhivichar Manjusha - 4 in Gujarati Philosophy by Bharat Joshi books and stories PDF | ગાંધીવિચારમંજૂશા - 4

Featured Books
Categories
Share

ગાંધીવિચારમંજૂશા - 4

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૪. રાજકારણનું આધ્યાત્મીકરણ

દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકે કાર્ય કરતા ગાંધીજીના જાહેર જીવનનાં બે પાસાં વિશિષ્ટ રીતે વિકસ્યાં અને તેમને એ પાસાં દ્વારા જ જગતે ઓળખ્યા. આ બે પાસાં એટલે રાજકારણ અને અધ્યાત્મ. ગાંધીજી રાજકારણી હતા (ૐી ુટ્ઠજ ટ્ઠ ર્ઙ્મૈૈંૈંટ્ઠહ.) તેમાં જગત સંમત છે, પણ તેમનું રાજકારણ આધ્યાત્મિક રંગે રંગાયેલું હતું તે બાબતમાં જગત વિશેષ સંમત છે. તેમની રાજકારણની વિભાવના સામાન્ય રાજકારણના અર્થને પાછળ મૂકી ઘણી રીતે આધ્યાત્મિક અર્થો ધારણ કરનારી હતી.

રાજકારણનો સામાન્ય અર્થ તો રાજ્યનો કારોબાર ચલાવવો અને તે માટે જરૂરી બધા જ દાવપેચ અજમાવવા જેવો સીમિત થાય છે. રાજકારણને તેથી જ ઘણા લોકો સૂગની નજરે જુએ છે. સામાન્ય વ્યવહારમાં તો રાજકારણ શબ્દનો અર્થ જ નકારાત્મક થઇ ગયો છે. વાતચીતની કક્ષાએ તો જ્યાં અયોગ્ય થાય છે ત્યાં રાજકારણ છે તેમ સમજવામાં આવે છે. સામ, દામ, દંડ, અને ભેદની નીતિને રાજકારણ ગણવામાં આવે છે. રાજકારણની અશુદ્ધ રીતિ તેના વિશે લોકોની સૂગનું મૂળ કારણ ગણી શકાય. રાજ્યની અમુક-તમુક ધર્મના સ્વીકાર સાથે કાર્ય કરવાની રીત, કોમ આધારિત નિર્ણયો કરવાની દાનત, અને કાર્યને પાર પાડવા સ્વહિતને કેન્દ્રમાં લેવાની વૃત્તિ રાજકારણની આજની ઓળખ બની ગઇ છે. આવું આજે જ થયું છે તેવું નથી. રાજકારણ તો રાજ્યના પ્રાદુર્ભાવથી અસ્તિત્વમાં આવ્યું છે અને તેનો સામાન્ય વ્યવહાર આવો જ બની ગયો છે.

ગાંધીજીએ તેના આ ચીલાચાલુ અર્થનું ઊર્ધ્વીકરણ કર્યું હતું. તેમને મન રાજકારણમાં સૌથી અગત્યની બાબત હતી સાધન શુઘ્ધિ. તેઓ સાધન શુઘ્ધિના આગ્રહી હતા. તેમનું રાજકારણ તો મોક્ષ માર્ગના પ્રવાસીની સાધના હતું. આત્મકથામાં ગાંધીજીએ પોતાના જીવનના અંતિમ લક્ષ્યને પ્રગટાવતા કહ્યું છે કે તેઓ પોતે આત્મસાક્ષાત્કારની ઝંખના રાખે છે અને તે માટે તેમના જીવનની પ્રયોગશાળામાં સત્યના પ્રયોગો હાથ ધરે છે. તેમની આધ્યાત્મિકતાનું વ્યવહાર-ક્ષેત્ર જ તેમનું જીવન હતું.

રાજકારણના સંદર્ભમાં ગાંધીજીએ કેટલાક આગ્રહો સેવ્યા હતા. તેમના વિચારમાં સેવાધર્મ એ જ રાજકારણ હતું. તેમની ધર્મભાવનાનું આ આગવું લક્ષણ હતું. ખુદને સનાતની હિંદુ તરીકે પોતે ઓળખાવે છે પરંતુ તેમનું જીવન કાર્ય સિદ્ધ કરે છે કે તેમનો ધર્મ માનવધર્મ હતો. તેમણે રાજકારણને સાધન શુઘ્ધિના આગ્રહો સાથે- અતિ આગ્રહો સાથે પ્રયોજવાને આવશ્યક ગણ્‌યું હતું. તેમની માનવ સેવાની ભાવના જ તેમને આ માટે પ્રેરણ આપતી હતી. માણસની માનવ સહજ નબળાઇઓથી ઉપર ઊઠવાને તેમણે અગત્યનું ગણ્‌યું હતું. સમાજમાં લોકો વચ્ચે રહીને આધ્યાત્મિક બની રહેવાનું તેમણે સૂચવ્યું હતું. તેમનો ખ્યાલ હતો કે સંન્યાસી થનારા લોકો વિશિષ્ટ શક્તિઓ ધરાવતા હોય છે; અને આવા લોકો હિમાલયમાં કે અરણ્‌યમાં જઇ એકાંતવાસમાં જીવન વ્યતિત કરે તેનાથી સમાજને ગુમાવવાનું આવે છે. આવા લોકોએ સમાજની વચોવચ પોતાની જીવનચર્યા અમલી બનાવવી જોઇએ. તેનાથી બે લાભ થાયઃ એક તો તેમની શક્તિઓનો સમાજને લાભ મળે અને બીજું તેમના જીવનકાર્યથી અન્ય લોકોને પ્રેરણા મળે.

રાજકારણની જગ્યાએ ગાંધીજીએ લોકકારણનો આગ્રહ રાખ્યો હતો. તેમણે યોગીઓની જેમ સ્વાવલંબી બની રહેવાની ભલામણ કરી હતી. ખુદની જરૂરિયાતોને લઘુતમ કરી પરાવલંબન દૂર કરી શકાય છે. આ ઉપરાંત તેમણે સમસ્યાઓના ઉકેલમાં પણ સ્વાવલંબી બનવા પર ભાર મૂક્યો હતો. રાજ્યની ભૂમિકાને તેમણે ગૌણ ગણી હતી. રાજ્ય ચલાવતા પ્રતિનિધિઓ પર ભરોસો કરવાને બદલે લોકકારણ દ્વારા સ્થાનિક રીતે જ સમસ્યાઓને સમુદાય પોતે જ ઉકેલી લે તે તેમની પસંદગી હતી. સંન્યાસીની કસોટી એકાંતી હિમાલયી જીવનમાં નથી થતી, પરંતુ સમાજમાં થાય છે. સંન્યાસીની એકાંતવાસની સ્થિતિમાં ક્યાંક તેમને પલાયનનો અર્થ દેખાતો પણ જણાય છે.

પાંચ યમ યાને પંચશીલ કે પંચ મહાવ્રતોની સ્વીકૃતીવાળું મનુષ્ય જીવન જ ઉપયોગી ગણી તેમણે સામાજિક આધ્યાત્મિકતા સૂચવી હતી. વળી, તેમાં સ્થળ-કાળ મુજબનાં અન્ય છ મહાવ્રતોનો ઉમેરો રાજકારણના આધ્યાત્મિક સ્વરૂપ માટે યોગ્ય હતો. રાજકારણીઓ સમાજને નેતૃત્વ પૂરૂં પાડનારા હોય છે. તેમને આમ લોકો અનુસરતા હોય છે. આવા નેતાઓ જો અગિયાર મહાવ્રતોની ઉપાસના કરે તો સાધન શુઘ્ધિને વ્યવહારમાં લાવી શકાય. અગિયાર મહાવ્રતોનું દૃઢ પાલન આ શક્ય બનાવી દે. એક રીતે તો આ અગિયાર વ્રતો વ્યવહારમાં આવવાની સાથે સામુદાયિક આધ્યાત્મીકરણ થાય છે. ગાંધીજીના ઉપદેશમાં અગિયાર વ્રતોનો મહિમા ખૂબ મોટો છે. તેમના મતે તો આ વ્રતો જ સત્યના પ્રયોગો છે. તેમણે રાજકારણને માનવ જીવનના એક ભાગ તરીકે જોઇ તેમાં આ વ્રતો દ્વારા છેવટના ધ્યેયને સિદ્ધ કરવાની અભિલાષા વ્યક્ત કરી હતી. રાજકારણનું આધ્યાત્મીકરણ આ રીતે સહજ બની શકે તેમ તેમનું માનવું હતું.

સર્વોદયની સંકલ્પના આપતી વખતે પણ ગાંધીજીએ જીવન વ્યવહારને આધ્યાત્મિક બનાવવાની ફોર્મ્યૂલા જ આપી હતી. રાજકારણ જીવન વ્યવહારનો એક હિસ્સો ગણાય. તેમણે બધાના ભલામાં આપણું ભલું સમાયેલું છે તેમ કહી માનવધર્મ આચરવાની વાત કરી હતી. આ રીતે સમાનતાના સિદ્ધાંતને અને શ્રમયુક્ત જીવન વ્યતિત કરવા પર ભાર મૂકી દીધો હતો; બીજાઓની સેવા લેવાને બદલે બીજાઓની સેવા કરવાની ભલામણ કરી હતી. અન્યોની જરૂરિયાત મુજબની સેવા કરવી તે પરોપકાર છે. આ માટે કોઇ સ્વાર્થની ભૂમિકાને ધ્યાનમાં રાખવી ન જોઇએ. તેમણે સેવાધર્મરૂપે માનવધર્મને સ્વીકાર્યો હતો. અનેક ધર્મોના વિશદ અભ્યાસથી ગાંધીજીની સમજ પુષ્ટ થયેલી હતી. તેથી ઇસ્લામની સમાનતા કે ખ્રિસ્તીનો પ્રેમ તેમને સાહજિક હતા. તેમના વ્યવહારમાં મહાવીરની અહિંસા અને બુદ્ધની કરૂણા સામેલ હતા. એક રાજકારણી તરીકે ગાંધી શુદ્ધ હતા.

સંપત્તિની ઘેલછાથી પર રહી રાજકારણનો તેમણે આગ્રહ રાખ્યો હતો. અપરિગ્રહનો સિદ્ધાંત તેમણે ગ્રહણ કર્યો હતો અને તેની ભલામણ કરી હતી. તેમણે એક સંન્યાસી જેવી ખુદની જિંદગી જીવી બતાવી હતી. રાજ્યને વાલીની ભૂમિકાએ ગણી તેમાં વ્યસ્ત લોકોને -રાજકારણીઓને -વર્તન ગોઠવવા કહ્યું હતું; કહેવાને બદલે તેમણે ઉદાહરણ બનવાનું પસંદ કર્યું હતું. મ્ી ંરી ઝ્રરટ્ઠહખ્તી એ સિદ્ધ કર્યું હતું. એક સિદ્ધ યોગીની મુદ્રા તેમનામાં સ્પષ્ટ જણાતી હતી. એક આધ્યાત્મિક રાજકારણી તરીકે તેમણે વ્યવહાર કરી બતાવ્યો હતો. શુદ્ધ રાજકારણ વિશે તેમણે પ્રકાશ પાડયો હતો. ગાંધીજી સાધન શુઘ્ધિને આ માટે ચાવીરૂપ માનતા હતા. રાજકારણમાં નાણાંનો વ્યવહાર થતો હોય છે. આ નાણાની પ્રાપ્તિ શુદ્ધ માર્ગે થાય તે તેમણે આવશ્યક ગણ્‌યું જ હતું, પરંતુ પ્રાપ્ત થતા નાણાં પણ શુદ્ધ રીતે મેળવાયેલાં હોય તેનો આગ્રહ રાખ્યો હતો. અશુદ્ધ રીતે મેળવાયેલાં કે કમાયેલાં નાણાંનો શુદ્ધ ઉપયોગ તેમને માન્ય ન હતો. નાણાં આપનારના પક્ષે પણ સાધન શુઘ્ધિ તેમને મન અગત્યની હતી.

આ રીતે ગાંધીજીએ પોતાના ઉદાહરણ દ્વારા રાજકારણના આધ્યાત્મીકરણની કેડી કંડારી હતી. આશ્રમી જીવન દ્વારા તેમણે તે સિદ્ધ કરી બતાવ્યું હતું. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે ભારતે તે કેડીને છોડી દીધી છે અને સાધન શુઘ્ધિના સ્થાને જાણે કે સાધન અશુઘ્ધિનો માર્ગ જ અપનાવી લીધો છે. દેશના સામાજિક-સાંસ્કૃતિક ઊર્ધ્વીકરણ માટે સાધન શુઘ્ધિનો આગ્રહ રાખતા આધ્યાત્મિક રાજકારણ વિના ચાલી શકવાનું નથી.