Ketlik Classic kathao in Gujarati Short Stories by Murtaza Patel books and stories PDF | કેટલીક ક્લાસિક કથાઓ...

Featured Books
Categories
Share

કેટલીક ક્લાસિક કથાઓ...

કેટલીક

ક્લાસિક કથાઓ

  • લેખક: મુર્તઝા પટેલ -
  • કાગળના ‘ટાઈગર’થી શરૂઆત...

    “માનનીય બાર્ટન સાહેબ,

    તમારી કંપનીમાં એક સાવ ફાલતું માણસ છે. હું માનું છું કે તમારે તેને ઘણાં વખત પહેલા પાણીચું આપી દેવું જોઈતું હતું. સાહેબ! હું આપને શેરવૂડ એન્ડરસન નામના એ માણસની આજે વાત કરવા માંગુ છું. હું જોઈ રહ્યો છું કે કેટલાંક અરસાથી તેને ઓફિસના કામોમાં કોઈ રસ કે દિલચસ્પી રહી નથી. તેને એમ પણ લાગી રહ્યું છે કે પાછલાં કેટલાંક મહિનાથી એ જાણે આપની કંપનીમાં શોભાનું એક ગાંઠીયુ જ બની રહ્યુ છે.

    તેનાં લાંબા વાળ તો જુઓ! ઓફીસમાં તેને પોતાના દેખાવનું પણ ભાન નથી. જાણે કોઈ લઘરવઘર કલાકાર અહીં આંટા મારી રહ્યો હોય. આવા માણસો કદાચ બીજાં પ્રસિદ્ધ કલાકારોને ઈમ્પ્રેસ કરી શકે પણ ઓફીસના રૂટિન કામ માટે......ચાલી જ કેમ શકે? હા ! તો હું આપને એમ કહું છું કે તેની આવી હાલત જોઈને આપે આવા નકામા માણસને વહેલામાં વહેલી તકે નોકરીમાંથી કાઢી જ નાખવો જોઈએ. જેથી આપની ઓફિસનું કામ અને તેના સમયનો બગાડ થતા અટકી શકે.

    અને જો આપ એમ નહિ કરો તો હું ખુદ પોતે જ તેને ઓફિસમાંથી કાઢી નાખવા તત્પર થઇ ચુક્યો છું. આમ તો તેનામાં કામ કરવાની ઘણી સારી એવી સ્કિલ્સ અને આવડત છે. એટલે શક્ય છે, તેનો સાલસ સ્વભાવ અને તેનામાં રહેલી કેટલીક સારી બાબતો તેને બીજે ક્યાંક તેના મનગમતા કામ સાથે આગળ વિકસાવી શકશે. તો આવતા અઠવાડિયા પહેલા તેની બરતરફી ઓર્ડર પાકો ને?

    આપનો સદા આભારી, ખુદ....શેરવૂડ એન્ડરસન.”

    =૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=

    તો આ હતુ ઈ.સ. ૧૯૧૮માં લખાયેલું અમેરિકાના સુપ્રસિધ્ધ નવલકથાકાર શેરવૂડ એન્ડરસનનું એક નવલા પ્રકારનું રાજીનામુ. જોબના હોજમાં ફીટ ન બેસી શકનાર આ શેરવૂડ સાહેબે વર્ષો પહેલાં નોકરીથી તંગ આવી જાતને જ બોસ પાસે ‘ફાયર’ કરાવી. પછી તેમના લખવાના પેશનને બહાર કાઢી લખાણની નવીન શૈલીથી ખુદનું ‘લેખન-માર્કેટ’ વિકસાવ્યું.

    દોસ્તો, સમજો કે આપણું આજથી ફરી એક નવું ‘વિક’ શરુ થઇ રહ્યું છે. તમારા માંથી કોઈકને લાગતું હોય કે તમારી સ્કિલ્સ, ટેલેન્ટ શેરવૂડની જેમ ક્યાંક ‘વીક’ ગયા છે, અને તમે એમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધી રહ્યા છો તો.... પહેલા ખુદ થઇ જાઓ ‘રાજી’.... પછી ઉઠાઓ કલમ અને લખો તમારી અસલી કારકિર્દીનું ‘નામું’!

    મોનેટરી મોરલો: ‘ખુદમાં રહેલા ‘શેર’ને બહાર લાવવો હોય આ રીતે ‘કાગળનો ટાઈગર’ બનીને પણ.......શરૂઆત તો કરવી જ પડે છે.’

    શું તમે હજુએ લાકડાનું રેકેટ વાપરો છો?

    ઈ.સ ૧૯૭૪થી ૧૯૮૧ સુધી સ્વિડનના ટેનિસ-સ્ટાર બ્જોન બોર્ગનું ટેનિસ ક્ષેત્રે એકહથ્થુ શાશન રહ્યું.

    આ ગાળામાં તેણે ૧૧ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ્સ, ૫ વર્ષ સુધી સતત વિમ્બલ્ડન ચેમ્પિયનનું ટાઈટલ, અને ૬ વાર સતત ફ્રેંચ ઓપનનું..... સુપર-સક્સેસફુલ પરફોર્મન્સ.!!!!

    આવું શાનદાર પરફોર્મન્સ કરી શાંતિથી રીટાયર્ડ થઇ ગયો.

    તેના રમવાની ટેકનિકની તંદુરસ્તી, લાકડાના રેકેટને પકડવાની ચુસ્તી ટેનિસ ક્ષેત્રે એક અલગ પિછાન બનાવી ગઈ. કેટલાંય લોકોને તે મોટીવેટ કરી ગયો અને અનેક લોકોએ તેનાથી પ્રેરણા લીધી.

    પણ ત્યાં તો ૧૯૯૧માં તેની (પ્ર)સિદ્ધિની ભૂખનો કીડો ફરીવાર સળવળ્યો. અને મગજમાં જૂની સિદ્ધિઓના બાણના ભાથા અને નવા જોમ સાથે લઇ તે ટેનિસ-કોર્ટમાં પાછો ફર્યો. લોકોએ તેને આવકાર્યો.

    પણ...આ શું???? એક સમયનો શૂરવીર બોર્ગ એક પછી એક ગેમ હારતો રહ્યો અને તેની સિદ્ધિઓ સરકતી ગઈ. આમ કેમ થયું?- અભ્યાસ થયો. રિસર્ચ થયું. કારણો પકડાયાં.

    ૧. બોર્ગભાઈ તેનું જુનું (શુકનવંતુ લાકડિયું રેકેટ) લઈને મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે જમાનો એ દસ વર્ષમાં લાકડામાંથી હાર્ડમેટલ અને ગ્રેફાઈટમાં બદલાઈ ચુક્યું હતું.

    ૨. ટેનિસની રમતમાં પણ સારું એવું પરિવર્તન આણી ચુક્યું હતું. નવી ઘોડી નવો દાવ અપનાવવામાં આવી રહ્યો હતો. નવા નિયમો અને નવી ટેકનિક, નવી ટેકનોલોજી અમલમાં મુકવામાં આવી રહી હતી. જ્યારે બોર્ગ હજુ એજ તેની જૂની સિદ્ધ-હસ્ત ટેકનિક દ્વારા મેદાન મારવા માંગતો હતો. તેનો હરીફ ખેલાડી અપડેટ હતો અને બોર્ગ થોડો આઉટડેટેડ.

    ટૂંકમાં, બોર્ગભાઈ જુનું પીપુડું પકડી નવા સૂર રેલાવવા આવ્યા હતાં. અને એજ કારણ હતું કે સૂરનું સૂરસૂરિયું નીકળી ગયું.

    એક વાર જોઈ લેવા જેવું તો ખરું કે....આપણે પણ હજુ લાકડાનું જુનું રેકેટ તો વાપરતા નથી ને?

    ...જો એ હીટ થયું હોત તો કદાચ ‘એપલ’ પણ ન હોત.

    ઈ.સ. ૧૯૭૧ની શરૂઆતનો સમય.

    સ્ટિવ જોબ્સ અને તેનો સાથી સ્ટિવ વોઝનિયાક કોલેજના પગથીયાં ચડવાની શરૂઆત કરી રહ્યા હતા. એકનું મગજ માર્કેટિંગના મકાન તરફ દોડતું ને બીજાનું કોઈક ટેકનિકલ ટાવર’ તરફ. કેમકે પાછલા બારણે ઓફીશીયલી તો નહિ પણ બ્રાન્ડ વિનાના ‘એપલ ૧’ નામના એક તોસ્તિક કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત તો થઇ ચુકી હતી.

    છતાંય બંનેના નસખેંચું મગજો સતત ક્યાંક ચકરાવો લીધાં કરતા હતા. ત્યારે એક દિવસે વોઝનિયાકે જોબ્સને ‘એસ્ક્વાયર મેગેઝિન’નો લેટેસ્ટ અંક બતાવ્યો. જેમાં કોઈક ‘બ્લ્યુ-બોક્સ’ વિશે માહિતી મુકવામાં આવી હતી. ( દેશી ભાષામાં કહીએ તો આ બ્લ્યુ-બોક્સ એટલે તે સમયના લેન્ડલાઇન ટેલિફોનની (બાય ડીફોલ્ટ) ટોનને બદલી ‘પાછલે-બારણેથી મફતમાં થઇ શકતા ઇન્ટરનેશનલ ફોન કોલ્સનો ડબ્બો.) જોયા પછી જોબ્સે કહ્યું:

    “વોઝ, તું ભાવ કાઢ. બનાવીએ તો કેટલાંમાં પડશે? પછી વેચવાનું કામ મારું.”

    “જોબ્સ, મેં માત્ર પાર્ટસ સાથે અડસટ્ટે ભાવ લગભગ કાઢ્યો છે, લગભગ ૪૦ ડોલર્સ. મહેનત-મજૂરીના અલગ ગણવા પડે. હવે કેટલામાં વેચી શકીએ એ તું બોલ.”

    “હું માનું છું કે આપડી કૉલેજના એવા છોકરાંવથી જ શરૂઆત કરીએ જેઓને તેમના દેશમાં ફોન કરવા પડતા હોય તો ૧૫૦ ડોલર્સમાં તો આરામથી વેચાઈ શકે.”

    પછી તો વોઝ પિંક મૂડમાં આવી મંડી પડ્યો બ્લ્યુ-બોક્સ બનાવવાના ધંધે. શ્રી ગણેશ તો થયા પણ હજુ વેચાણની શરૂઆતમાં જ એક જગ્યાએ અચાનક આ બંને સ્ટિવડાઓને પોઈન્ટ-બ્લેન્ક લેવલે ગન મૂકી લૂંટવામાં આવ્યા. બેઉ જણા સમજ્યા કે ‘પાર્ટી’ને બ્લ્યુ-બોક્સનો દલ્લો જોઈએ છે. પણ પેલા બંદૂકધારીએ માત્ર એટલી બુલેટ-પોઈન્ટ વાત આપી છોડી દીધા કે...

    “બચ્ચું! ખબરદાર આ ધંધામાં કાંઈ પણ કર્યું છે તો...ચુપચાપ તમારો ઇલેક્ટ્રોનિક બિસ્તરો ઉપાડો અને ખોવાઈ જાવ ક્યાંક બીજી જગ્યાએ...” ને બસ...બ્લ્યુ-બોક્સ બન્યું બ્લેક-બોક્સ. અને તેમની પાછળ (ધૂળમાં) પડેલા ‘એપલ -૧’ની સુવાવડ કરાવવાની તૈયારી શરુ થઇ. પણ આ બનાવમાંથી બંનેને એક ‘ગ્રીન લેશન’ મળ્યું:

    ‘અબ કુછ ભી હો જાયે પ્યારે, યેહ દોસ્તી હમ નહિ તોડેંગે... તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે.” “અલ્યા એય સ્ટિવડા, સાંભલે ચ કે તું?

    જો એ બ્લ્યુબોક્સ ‘હોટ’ થયા પછી ‘શોટ’ ન થયું હોત તો.........તારા એપલની શરૂઆત થઇ શકી હોત!?!?? – શું કેછ પોરિયા તુ?

    મૈત્રી મોરલો: “સાચો દોસ્ત ક્યારેય પણ દૂર નથી હોતો.”

    તમારું પેરેશૂટ કોણ બાંધે છે?

    વિયેતનામ-યુદ્ધ વખતે એક અમેરિકન જેટ-ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ સાથે એક ઘટના બની. એક દિવસે ફાઈટ મિશનનું બ્યુગલ ફૂંકાયુ. સેકન્ડ્સમાં તો ચાર્લી તેની છાવણીમાંથી ઉભો થઈ તેનો પાઈલોટ ડ્રેસ-કોડ પહેરી બહાર આવી ગયો.

    મિનીટ્સમાં છાવણીની બહાર તેના જેવા બીજાં અન્ય પાઈલોટ્સ સાથે તેનું પણ બોડી-સ્કેન થયું અને પીઠ પાછળ પેરાશૂટ પણ ફિક્સ કરી આપવામાં આવ્યું.... ગણતરીની પળોમાં તો ચાર્લી તેના જેટફાઈટરને લઇ ગગનમાં ગૂમ થઇ ગયો.

    તેની મનોસ્થિતિમાં એટલું ધ્યાન કે તેનું મિશન શું છે? પણ બાજી ગોઠવે ત્યાંજ....પ્લેનની પાછળ એક જબરદસ્ત બ્લાસ્ટ થયો. જમીન પરથી છોડવામાં આવેલા કોઈક મિસાઈલે તેના પ્લેનને ભડભડતા બોમ્બમાં ફેરવી દીધું. ચાર્લીની એટલી સૂઝ બાકી રહી કે પેરાશૂટ ખોલીને તે સીધો પ્લેનમાંથી કૂદી પડ્યો. પણ જે જગ્યાએ તે સલામતીથી પડ્યો હતો ત્યાં દુશ્મનોએ તેને યુદ્ધકેદી તરીકે પકડી લીધો.

    અને એ બાદ લગભગ ૬ વર્ષ સુધી...એક ગૂમનામ ઝિંદગીમાં ગરકાવ થઇ ગયો. ઘણાં વર્ષો પછી...

    અમેરિકાના કોઈક થિયેટરની રેસ્ટોરન્ટમાં ચાર્લી તેની પત્ની સાથે બેઠો હતો. દૂર બીજા એક ટેબલ પાસે એક અજાણ્યો માણસ ક્યારનો તેને તાકીને જોયા કરતો હતો. ચાર્લીને થોડું અજુગતું લાગ્યું. પણ એવા ચેહરાંઓ પાછળ રિસર્ચ કરવાનો કોઈ મતલબ? - પણ થોડી મિનીટ્સ બાદ..

    “સર ! તમે ફાઈટર પાઈલોટ ચાર્લી પ્લમ્બ છો ને?, તમે વિયેતનામના યુદ્ધમાં શામેલ હતાં ને?, તમે જ પેલો ‘ટોપ ગન’ ડ્રેસ ચડાવીને દોડતા બહાર આવ્યા હતાં ને?, તમે જ ‘કિટ્ટી હોક’ નામના ફાઈટર પ્લેનમાં પળવારમાં સચેત થઇ ઘૂસી ગયા હતા ને?....”

    - ચાર્લી સવાલોની મશીનગન સામે માત્ર ‘યેસ! યેસ! યેસ!’ સિવાય બીજું શું બોલી શકે? છતાં એક સવાલ તેણે પૂછ્યો કે..

    “દોસ્ત, તું મારા વિશે આટલી બધી જાણકારી રાખે છે તો એ તો બતાવ કે તું ત્યાં શું કરતો’તો?”

    “સર! હું એ જ સૈનિક છું, જેણે આપની પીઠ પર પેરાશૂટ બાંધ્યું હતું. પણ આપ ખૂબ ઉતાવળમાં હતા એટલે કદાચ આપને વિદાય કરવાનો સમય મળ્યો ન હતો. પછી અમને ખબર મળ્યા કે આપનું પ્લેન હવામાં ક્રેશ થઇ ગયું હતું. પછી કોઇજ સમાચાર મળ્યા નહિ. પણ આજે આપને જોઈને.....”

    “ઓહ દોસ્ત! તો તું એ જ છે જેણે પેરાશૂટ બરોબર બાંધી મારો જાન બચાવ્યો છે????. જો એ ન બંધાયો હોત તો...આહ! તારા થકી આજે હું જીવતો છું. ત્યારે તો મેં તને થેંક્યું પણ ન કહ્યું....આજે હું તારો અભાર કઈ રીતે...??!?!?!?!!?!?!?!?” ~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-

    મદદગારી મોરલો: " આપણી ‘ઝિંદગીના ઉડ્ડયનમાં’ પણ કોણ જાણે કેટલાંયે એવાં હશે જેઓએ આપણી પીઠ પાછળ પેરાશૂટ બાંધી આપ્યું હશે. જો એવું કોઈ ‘પીઠબળ’ યાદ આવી જાય તો...એમને આજે...‘થેંક્યુ’ કહેવા જેવું ખરું ને? "

    તમને આવી બીજી વાર્તાઓ વાંચવી ગમશે? – જો ‘હા’ તો કોમેન્ટ રૂપે જણાવશો.

    સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233