પાસવર્ડ ૦પ્રકરણ – ૧
-વિપુલ રાઠોડ
" ઓર્ડર ઓર્ડર ... સાઈલન્સ ઇન ધ કોર્ટ રૂમ પ્લીઝ " જજે ટેબલ પર હથોડી પછાડતા આદેશ આપ્યો ને કોર્ટમાં શાંતિ પ્રસરી ગઈ.
અદાલતમાં કોર્ટ કાર્યવાહીના સાક્ષી બની રહેલા સૌ કોઈ વ્યક્તિના ઉત્સુક ચહેરા પર હવે એક જ સવાલ તરવરી રહયો હતો કે, જજ કેવો ચુકાદો આપશે? અદાલતની આ કાર્યવાહી જોવા, સાંભળવા કોર્ટ રૂમમાં હકડેઠઠ મેદની એકત્ર થઇ હતી. કોર્ટ રૂમમાં બેંચ પર બેસવાની જગ્યા નહી મેળવી શકનાર અનેક લોકો દીવાલના ટેકે ઉભા હતા. બેંચ પર બેઠેલા દર્શકોમાં સંખ્યાબંધ પત્રકારો પોતાની નોટબૂકમાં કાર્યવાહીની મુદ્દાસર નોંધ લખ્યે જતા હતા. કોર્ટ રૂમમાં ઉભા રહેવાની જગ્યા પણ મેળવી નહી શકનારા કેટલાય લોકો અદાલતની લોબીમાં અને કમ્પાઉન્ડમાં ઉભા હતા. છેલ્લા એક સપ્તાહથી આરોપી રાજેશ્વરની જામીન અરજી પર ચાલી રહેલી સુનાવણી પૂર્ણ થઇ ચુકી હતી. બંને પક્ષકારોએ ધારદાર દલીલો કરી હતી. જજ તેનો ફેંસલો સંભળાવે તેનો સૌને ઇંતેજાર હતો. સુનાવણીના અંતિમ તબક્કાની દલીલો દરમ્યાન થોડી વાર માટે તો જજ પણ કદાચ મુંઝવણ અનુભવતા હતા. આખરે એ પળ આવી પહોંચી...
" બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલત એવા તારણ પર પહોંચી છે કે.." જજે ચુકાદો વાંચવાનું શરૂ કર્યું અને પોતાની વાત આગળ ધપાવતા કહ્યું કે, " આરોપી રાજેશ્વર સામે મુકાયેલા આરોપ અનુસાર પ્રથમ દર્શનીયરીતે મજબુત કેસ બનતો હોવાનું જણાય છે. આરોપીને જામીન ઉપર મુક્ત કરવાથી કેસની કાર્યવાહી પર અસર પડી શકવાની દહેશત દેખાય છે. આમ કેસના તમામ આનુસાંગિક સંજોગોને ધ્યાનમાં રાખતા ન્યાયના હિતમાં આ અદાલત આરોપીની જામીન અરજી નામંજુર કરે છે."
રાજેશ્વર ચુકાદો સાંભળીને અનિમેષ નજરે જજને નિહાળી રહયો હતો. પત્રકારો અને ત્યાં હાજર અન્ય લોકો સમજી શકતા ન્હોતા કે રાજેશ્વરના ચહેરા પર ચિંતા છે કે ભય, નિરાશા છે કે ગુસ્સો? તે સાવ શૂન્યમનસ્ક કેમ બની ગયો હતો? જોકે રાજેશ્વરના અકળ મનમાં શું ચાલી રહયું હતું તે કોઈ વ્યક્તિ કેવી રીતે કળી શકે?
અદાલતમાં ધીમો શોરબકોર શરૂ થઇ ગયો. લોકો એકબીજાના કાનમાં કશુંક ગણગણવા લાગ્યા. કેટલાક લોકોને આ ચુકાદો યોગ્ય ના લાગ્યો. કેટલાક લોકો એવા પણ હતા કે જેઓએ ધીમા અવાજે તાલીઓ પાડી આ ચુકાદાને વધાવી પણ લીધો. તેમના ચહેરા પર રાહતની લકીરો ઉપસી આવી હતી.
જજ તેમનો ચુકાદો આપીને કોર્ટ રૂમ છોડી પોતાની અલાયદી ચેમ્બરમાં જતા રહયા એ પૂર્વે તેમણે રાજેશ્વરના વધુ પોલીસ રિમાન્ડની માંગણી પણ નકારી કાઢી હતી. આમ રાજેશ્વરને જેલમાં પહોંચાડવા માટે પૂન: હાથકડી પહેરાવી દસેક જેટલા પોલીસ મેન તેને કોર્ટ રૂમની બહાર દોરી ગયા. તેની પાછળ લોકો પણ તેને અનુસર્યા. સજ્જડ બંદોબસ્ત સાથે આગળ ધપી રહેલો પોલીસ કાફલો કમ્પાઉન્ડમાંથી બહાર આવી રોડ પર ઉભેલી પોલીસ વાન પાસે પહોંચ્યો એ સાથે જ ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું. પોલીસ માંડ માંડ તેઓને કંટ્રોલ કરી શકી.
કોર્ટ પ્રાંગણમાં રાજેશ્વરનો ઇંતેજાર કરી રહેલા મીડિયા ફોટોગ્રાફરો અને ન્યુઝ ટી.વી ચેનલોના કેમેરામેનો ઝડપથી પોલીસ વાન પાસે ધસી ગયા. તેઓએ ધડોધડ રાજેશ્વરની તસવીરો ખેંચવાનું શરૂ કરી દીધું. પોલીસે રાજેશ્વરને વાનમાં બેસાડી દીધો ને ડ્રાઈવરે તુર્ત જ વાનને સેન્ટ્રલ જેલ તરફ હંકારી મુકી. ફોટો ખેંચવામાં બાકી રહી ગયેલા પ્રેસ ફોટોગ્રાફરો એક હાથે કેમેરો ઉંચો કરી વાનની પાછળ દોડ્યા. થોડી વારમાં જ પોલીસ વાન રોડ પરના ટ્રાફિકમાં અદ્રશ્ય થઇ ગઈ....
******************
" રાજેશ્વરની જામીન અરજી નામંજુર...મહાશાતીર દિમાગી આરોપી જેલ હવાલે " ટી.વી. સ્ક્રીન પર ચમકી રહેલા બ્રેકિંગ ન્યુઝ જોઈ રહેલા અધિરાજ અને તેમના સાથીઓના ચહેરાઓ પર હાસ્ય ફરી વળ્યું. અધિરાજે તેના સાથીઓને કહ્યું પણ ખરૂ કે, " અરે, આ તો આપણા લક્ષ્યાંક તરફનું પહેલું કદમ છે. "
"...પણ બોસ તમે રાજેશ્વર સામે ગજબનો કેસ ગોઠવી નાંખ્યો. " એક વ્યક્તિ બોલી.
મરક મરક સ્મિત વેરી રહેલા અધિરાજે કહ્યું, " રાજેશ્વર જેલમાં જ રહે તે આપણા માટે ખુબ જ જરૂરી છે, અન્યથા આપણી બાજી બગડી જશે. હવે આપણું સૌપ્રથમ કામ સેન્ટ્રલ જેલમાં રાજેશ્વર શું કરે છે તેની ઉપર રાખવાનું છે. આ કામમાં ચૂક થાય એ આપણને પોસાય એમ નથી જ, માટે હવે સતર્ક રહેવું ખુબ જ જરૂરી છે. જેલની અંદર આપણા જેટલા પણ કોન્ટેક્ટ્સ ઉપલબ્ધ છે તેઓને તમે તુર્ત જ એલર્ટ કરી દો. રાજેશ્વરની દરેક ગતિવિધિની મને પળે પળની ખબર મળતી રહેવી જોઈએ. ઇઝ ધેટ ક્લીયર? "
" યસ બોસ.." સાથીઓએ એક સાથે પ્રત્યુત્તર આપ્યો અને પછી તેઓ ત્યાંથી રવાના થઇ ગયા. હવે અધિરાજ તેના લકઝરીયસ બંગલામાં સ્થિત પોતાના રૂમમાં એકલો જ હતો. તેણે પોતાના એક ખાસ મોબાઈલ ફોન પરથી એક નંબર ડાયલ કર્યો અને કેટલીક જરૂરી વાતો કરી ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
******************
રાજેશ્વરના ઘેર નિરાશાનો માહોલ હતો. તેના માતા સુલોચના – પિતા જ્યોતિન્દ્ર કુમાર અને પત્ની શીતલ ગમગીન બની ગયા હતા. તેઓને કલ્પના પણ ન્હોતી કે રાજેશ્વરને ખુબ જ પ્રતિષ્ઠિત એવી એક મલ્ટી નેશનલ પી.આર. કન્સલ્ટન્સી કંપનીમાં ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ તરીકેની હાઈ પ્રોફાઈલ જોબ મળ્યાના માત્ર એક વર્ષમાં જ તેણે જેલ યાત્રા કરવી પડશે. આ એક વર્ષમાં એવું તે શુ બની ગયું કે તેની સામે આવી મોટી મુસીબત આવી પડી? ખુબ મળતાવડા સ્વભાવના રાજેશ્વરના કોઈ દુશ્મન પણ હોય તે માની શકાતું ન્હોતું.
પોલીસે રાજેશ્વરની ધરપકડ કર્યા પછીની તેની આ પ્રથમ જામીન અરજી આજે અદાલતે ફગાવી દીધી હતી. પરિવારજનોને સાંત્વના આપી રહેલા સીનિયર ધારાશાસ્ત્રી કાર્તિકે હવે આ કેસમાં કઈ રીતે આગળ ધપી શકાય એમ છે તે મુદ્દાઓ પર થોડી જાણકારી આપી તેઓને ચિંતા નહી કરવા આશ્વાસન આપ્યું. કાર્તિકે તેઓને એમ કહ્યું પણ ખરૂ કે, " પોલીસે રજુ કરેલ દલીલમાં અનેક બાબતો એવી છે જે રાજેશ્વરને નિર્દોષ છોડાવવામાં ખુબ જ ઉપયોગી પુરવાર થઇ શકે એમ છે. કોઈ નવું ગ્રાઉન્ડ ઉભું થાય કે રાજેશ્વર સામે શક્ય તેટલી ઝડપે ચાર્જશીટ રજુ થાય એવા પ્રયાસો આપણે કરીશું. હું આવતીકાલે જેલમાં રાજેશ્વરને મળવા જવાનો છું. મારે તેની સાથે કેટલાક અગત્યના મુદ્દાઓ બાબતે ચર્ચા કરવાની છે. જો આપ ઈચ્છો તો મારી સાથે જેલમાં રાજેશ્વરની મુલાકાતે આવી શકો છો." સુલોચના, જ્યોતિન્દ્ર કુમાર અને શીતલે સ્વાભાવિક રીતે જ હા ભણી. કાર્તિકે સમય નક્કી કર્યો અને પછી ત્યાંથી પોતાની ઓફિસે જવા માટે પરવાનગી માંગી. જ્યોતિન્દ્ર કુમારે કાર્તિકને થેંક યુ કહેવાની ઔપચારિકતા નિભાવી તેને રજા આપી.
કાર્તિક રાજેશ્વરના ઘરની બહાર નીકળી પોતાની કારમાં ગોઠવાયો અને ઓફિસના રસ્તે કાર દોડાવી મુકી. જોકે એ વાત તેના ધ્યાન બહાર રહી ગઈ કે, તેની પ્રત્યેક હિલચાલ ઉપર પણ કોઈ નજર રાખી રહયું હતું. કાર્તિકની કારની પાછળ થોડા અંતરે આવી રહેલી કેટલીક કાર પૈકી એક કાર તો કાર્તિક અદાલતમાંથી બહાર આવી રાજેશ્વરના ઘેર પહોંચ્યો ત્યારે પણ સતત તેનો પીછો કરી રહી હતી. રાજેશ્વરને જેલ ભેગો કરનારા લોકો હવે કેમેય અંધારામાં રહેવા માંગતા ન્હોતા.
કાર્તિકની કાર ધીમી ગતિએ રસ્તો કાપી રહી હતી. તેને અચાનક શું સુઝ્યું કે તેણે ઓફિસે જવાને બદલે બીજા જ કોઈ રસ્તે કાર વાળી દીધી. રસ્તા પર સંખ્યાબંધ કાર વચ્ચેથી કાર્તિકની કારે રસ્તો બદલાવી નાંખ્યો હતો. તેનો પીછો કરી રહેલ કારચાલકને આ વાતની ખબર જ ના રહી. તેણે તો રસ્તા પર થોડે દુર કાર્તિકની કાર જેવા જ રંગની દેખાતી અન્ય કોઈની કારનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. જોગાનુજોગ આ કાર પણ કાર્તિકની ઓફિસ ધરાવતી હાઈરાઈઝ બિલ્ડીંગના પાર્કિંગમાં જતી રહી. આ દ્રશ્ય જોઈને પીછો કરનાર શખસ સંતુષ્ટ ચહેરા સાથે બિલ્ડીંગની સામે રોડ પરના જાહેર પે એન્ડ પાર્કમાં પોતાની કાર પાર્ક કરી અને ત્યાં બાજુમાં જ આવેલ એક કોફી શોપમાં એવી જગ્યાએ જઈને એક ટેબલ પાસે બેઠો કે જ્યાંથી તે સામે વાળા બિલ્ડીંગમાંથી આવતા જતા લોકો પર નજર રાખી શકે.
******************
બીજી તરફ, રાજેશ્વરને લઇ જઈ રહેલી પોલીસ વાન સેન્ટ્રલ જેલના કમ્પાઉન્ડમાં પહોંચી. પી.એસ.આઈ. અને સહાયક પોલીસમેન રાજેશ્વરને લઈને જેલની અંદર ચાલ્યા ગયા. પડછંદ કાયા, મોહક સ્મિત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા રાજેશ્વરને જોતા જ જેલના હથિયારધારી ગાર્ડઝ પણ એક પળ માટે અચકાયા હતા પણ પછી તેઓએ જેલમાં આવતા નવા કાચા કામના કેદીઓની રાબેતા મુજબ તલાશી લેવાતી હોય તેમ તેમણે રાજેશ્વરની પણ તલાશી લીધી. રાજેશ્વરને જેલરની ચેમ્બરમાં લઇ જવાયો. પોલીસે ત્યાં જરૂરી કાનૂની કાગળો રજુ કર્યા અને વાતચીત કરી. જેલરે રાજેશ્વરને જેલની પાળવાના થતા કેટલાક સખત નિયમોથી અવગત કરાવ્યો. પોલીસ પોતાની જવાબદારી પૂર્ણ કરી ત્યાંથી રવાના થઇ ગઈ અને પછી રાજેશ્વરને જેલના ગાર્ડઝના હવાલે કરી દેવાયો. જ્યાં ગાર્ડ્ઝે જેલ રજીસ્ટરમાં રાજેશ્વરના કેસની તથા અન્ય વિગતો નોંધી લીધી. રાજેશ્વરના શરીર પર તેની ઓળખ થઇ શકે તેવા તલ કે મસા કે પછી કોઈ ઈજાના કાયમી નિશાન વગેરેની પણ ગાર્ડઝ દ્વારા ખાસ નોંધ કરવામાં આવી. ગાર્ડ્ઝે જેલના કાયદા અને નિયમો વિશે વધુ કેટલીક જાણકારી આપવાની સાથોસાથ નિયમમાં બાંધછોડ કરીને કેદીની વિશેષ સુવિધા માટે શું શું થઇ શકે તેની પણ ખાનગીમાં ખુબ જ ધીમા સ્વરે જાણકારી આપીને તેને કેદી નંબર ફાળવ્યા બાદ બેરેક નં. ૮માં મોકલી આપ્યો. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન કેટલાક ગાર્ડઝ રાજેશ્વરની આભાથી એવા અંજાઈ ગયાં હતા કે તેઓ એક બીજાના કાનમાં હળવા અવાજે એવું બોલતા રાજેશ્વરે સાંભળ્યા હતા કે, આવો ભડભાદર મહાકાય માણસ જેલમાં કેમ કરતા આવી ગયો હશે?? સેન્ટ્રલ જેલની બેરેક નં. ૮, ૯ અને ૧૦ એવા કેદીઓ માટે અલગ રખાઈ હતી કે જેમાં સંગીન અપરાધોના કેસના કેદીઓને રાખવામાં આવ્યા હોય.
******************
ધારાશાસ્ત્રી કાર્તિકની ઓફિસ વાળી બિલ્ડીંગની સામે કોફી શોપમાં લગભગ અડધા કલાકથી નજર રાખીને બેઠેલા શખસના મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઉઠી. તેણે કોલ રિસિવ કર્યો ને માત્ર બે મિનિટની વાતચિતમાં જ તેના કપાળે પરસેવાના બિંદુ ઉપસી આવ્યા. તે હાંફળોફાંફળો થઇ ત્યાંથી હડી મેલીને બહાર ભાગ્યો. પોતાની કાર પાસે પહોંચી એક પળનો પણ વિલંબ કર્યા વગર તેણે ઇગ્નિશન લોકમાં ચાવી ઘુમેડી કાર સ્ટાર્ટ કરી. પુર ઝડપે ફરવા લાગેલા ટાયર રોડ પર ચીચીયારી સાથે ઘસાવા લાગ્યા ને કાર પવન વેગે ત્યાંથી રવાના થઇ ગઈ. આ શખસને બરાબરનો ઠપકો પડ્યો હતો. કાર્તિક તેની ઓફિસે નહી પણ અન્યત્ર પહોંચ્યો હોવાનું સામેવાળી વ્યક્તિએ તેને જણાવ્યું હતું. કાર્તિક ત્યાંથી પણ બીજે ક્યાંક જતો રહે એ પહેલા ત્યાં પહોંચી જવા કારચાલકને આદેશ થયો હતો. તેને હવે કોઈપણ ભોગે એ સ્થળે સમયસર પહોંચવાનું જ હતું. આદેશ આપનાર વ્યક્તિ કોઈ જેવી તેવી હસ્તિ ન્હોતી. તેનો જબરદસ્ત ખોફ પણ હતો. કાર હવા સાથે વાતો કરી રહી હતી.
******************
રાજેશ્વરને જેલ હવાલે કરાયો તે વિશેના સમાચાર ટી.વી. ન્યુઝ ચેનલો બૂમ બરાડા પાડી પાડીને ગાંગરી રહી હતી. મલ્ટી નેશનલ પી.આર. કન્સલ્ટન્સી કંપનીમાં મોભાદાર નોકરી દરમ્યાન રાજેશ્વરે કેટલાક ક્લાયન્ટની સંવેદનશીલ માહિતી લીક કરી તેણે કેટલાક ટોચના ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ માટે ક્ષોભભરી આફત સર્જી દીધાના થોડા સપ્તાહ પૂર્વેના આક્ષેપજનક અહેવાલો બાદ તેની સામે એક કાવતરૂ રચાયું હતું. જેમાં તેને ફસાવી દેવામાં તેના શત્રુઓને સફળતા મળી હતી. રાજેશ્વરની કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારના અપહરણ પાછળ રાજેશ્વરનો જ દોરી સંચાર હોવાના આરોપ સાથે કંપનીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરે ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. સમગ્ર કેસનો વૃતાંત આપી રહેલી ન્યુઝ રીડરે એક કોમર્શિયલ બ્રેક લીધો ને ટી.વી. સ્ક્રીન પર જાહેરાતોનો મારો શરૂ થયો.
અધિરાજે રિમોટ કંટ્રોલની સ્વીચ દબાવી ટી.વી. ઓફ કરી દીધું. આ આખું પ્રકરણ તેની રચેલી ભેદી માયાજાળ અને સ્ક્રિપ્ટ મુજબ જ આકાર લઇ રહયું હતું. જોકે તેની સ્ક્રિપ્ટમાં ના હોય તેવો એક રહસ્યમય વળાંક શહેરમાં ક્યાંક વળાંક લઇ રહયો હતો.
ડોર બેલ વાગતા જ અધિરાજની વૈચારિક શ્રુંખલા તૂટી ગઈ. તે ઉભો થયો અને દરવાજો ખોલ્યો. સામે તેના બે સાથીઓ અખિલેશ અને મોહિત ઉભા હતા. તેઓને અંદર બોલાવી દરવાજો બંધ કરીને ત્રણેય જણા બંગલાના અંદરના એક રૂમમાં જતા રહયા. અધિરાજે પોતાના ઘરના નોકર પાસે કોફી મંગાવી. થોડી વારે કોફી આવી પહોંચી. ત્રણેયે કોફીની ચુસ્કી લેતા લેતા કેસની ચર્ચા કરી અને હવે પછી શું કરવું તેનું પ્લાનિંગ ગોઠવી નાંખ્યું. અધિરાજે બંને પાસેથી કેટલીક વિગતો મેળવી અને તેઓને પોલીસ ડીપાર્ટમેન્ટમાં સતત સંપર્ક જાળવી રાખવા કેટલીક સૂચનાઓ આપી.
" યસ બોસ "કહીને બંને જણા અધિરાજની રજા લઇને ત્યાંથી રવાના થઇ ગયા. તેઓ ઘરની બહાર નીકળ્યા એ સાથે જ અધિરાજે પૂન: ટી.વી. ચાલુ કરી દીધું.
******************
સૂર્યાસ્ત થવાને હજુ થોડી વાર હતી. સેન્ટ્રલ જેલની બેરેક નં.૮માં પહોંચેલા રાજેશ્વરે અંદર જઈને ચારે કોર એક નજર ફેરવી. બેરેક ૫૦ ફૂટ લાંબી અને ૩૦ ફૂટ પહોળી હતી. લાઈટ અને પંખા ઉપરાંત ટી.વી. પણ નજરે ચડ્યા. બેરેકની દિવાલે દિવાલે પથારીઓ કરવામાં આવી હતી. તે પોતાના નસીબના ખેલ પર મનોમન હસતો હતો. નસીબ તેને ક્યાંથી ક્યાં લઇ આવ્યું હતું. બેરેકમાં ૪૯ કેદીઓ હતા. ૫૦ મો કેદી બન્યો રાજેશ્વર. તેને એક ખૂણામાં જગ્યા આપી દેવામાં આવી. મેલી ઘેલી પથારી. એવી જ મેલી ચાદર અને ઓશીકું. આ જોઈને રાજેશ્વરે થોડી નારાજગી સાથે નકારમાં મ્હોં મચકોડ્યું.
થોડી વારમાં જ ભોજનનો સમય થયો. જેલનો ઘંટ વાગી ઉઠયો. થોડી વાર બાદ કેદીઓને ભોજન પીરસવાનું શરૂ થયું. સ્વાભાવિક રીતે જ જેલનું ભોજન ઘર જેવું નહોતું, પણ રાજેશ્વરે સૌ કેદીઓની સાથે જ જેટલું ભાવે તેટલું ખાઈ લીધું. ભોજન પતાવ્યા બાદ તે પોતાની પથારી પર આરામ કરી રહયો હતો ત્યારે કેટલાક કેદીઓ તેની પાસે આવ્યા અને પોતપોતાનો પરિચય આપવા લાગ્યા. આ જોઈને અન્ય કેદીઓ પણ ત્યાં આવી ભેગા થઇ ગયાં. રાજેશ્વર ખુબ જ ધ્યાન દઈને દરેક કેદીની વાત સાંભળી રહયો હતો. આ ઓળખવિધિ પુરી થતા રાજેશ્વરે પોતાનો પરિચય આપ્યો અને કેસની વિગતો સંભળાવી. ત્યારબાદ કેદીઓએ જેલમાં કેવો માહોલ હોય છે તેની જાણકારી આપી. રાજેશ્વરને તેમાં વિશેષ રસ પડ્યો. તેના મનમાં કેટલાક સવાલો ઉપસ્થિત થયા હતા પણ તે કાંઈ પૂછે એ પહેલા તો સામેથી જ કેદીઓએ જેલમાં કેટલાક માલદાર કેદીઓ પોતાના માટે વિશેષ સગવડતા માટે ભ્રષ્ટ ગાર્ડઝ સાથે કેવી કેવી સાંઠગાંઠ કઈ કઈ રીતે ચાલી રહી છે તે બતાવ્યું. રાજેશ્વર આ બધી હકીકત સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયો હતો. આ વાતચિત લાંબો સમય સુધી ચાલી હતી. આ દરમ્યાન ટી.વી. બંધ થયું અને કેદીઓને સુવાનો સમય થતા જ ગાર્ડઝની સિસોટી વાગવા લાગી. બેરેકની લાઈટનું અજવાળું આછું થઇ ગયું. ધીમે ધીમે સૌ કેદીઓ પોતપોતાની જગ્યાએ ગોઠવાવા લાગ્યા. જોકે રાજેશ્વર પોતે સવારે શું કરવું તેના વિશે મોડી રાત સુધી વિચારોમાં મગ્ન હતો પણ તેને ક્યારે નિંદર આવી ગઈ તેની તેને ખબર જ ન્હોતી રહી.
જોકે મધરાત્રે અચાનક સૌ કેદીઓના કાનના પડદા ફાડી નાંખે એવા મોટા અવાજે જેલની સાઈરને ચીસાચીસ કરી મુકી. તમામ કેદીઓ સફાળા જાગી ગયા. રાજેશ્વર જેવા કેટલાક નવા સવા કેદીઓ તો થોડી વાર માટે ભયભીત પણ થઇ ગ્યા. " શું થયું...શું થયું..."ના અવાજો દરેક બેરેકમાં સંભળાવવા લાગ્યા. રાજેશ્વર પણ ઉભો થઈ કંઈક આવી જ ઉત્કંઠા સાથે બેરેકના દરવાજા પાસે ગયો અને લોખંડના સળિયાની આરપાર જોવા લાગ્યો...
( વધુ આવતા અંકે....)
******************