Dikari Mari Dost - 9 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | દીકરી મારી દોસ્ત - 9

Featured Books
Categories
Share

દીકરી મારી દોસ્ત - 9

દીકરી મારી દોસ્ત

9...જોડીએ ટુકડા અવસરના....

આખ્ખું યે આભ ...એની આંખમાં ...વિસ્તરતી ક્ષિતિજો

વહાલી ઝિલ,

સ્પ્રીંગને જેમ દબાવો એમ વધુ ઉછળે..વિજ્ઞાનનો સાદો સીધો નિયમ..જીવનમાં પણ એવું જ નથી ? મનને સ્મરણોની દુનિયામાંથી બહાર કાઢવાના જેટલા પ્રયત્નો કરું છું..એટલા બમણા જોશથી ઉછળે છે. સમયઆકાશમાંથી સ્મરણોની ક્ષણો અનરાધાર વરસી રહી છે. જાણે બારે ય મેઘ ખાંગા થઇ ને તૂટી પડયા છે. કે પછી આભ રૂએ સ્મૃતિઓની નવલખ ધારે કહું ? જે કહું તે ..પણ...એકાંત સંગે આથડતા ઘરમાં સ્મરણોનો દીપ ન જલે તો જ નવાઇ.! હું તારા શૈશવને શોધતી રહું છું.

” ગૂમ થયું કયાં શૈશવ ? સગડ કયાંય નીકળે છે ? ” આજે તારો ફોન આવ્યો. કોલેજમાં વકતૃત્વ સ્પર્ધામાં તને ઇનામ મળ્યું. મેં અભિનંદન આપ્યા અને પૂછયું, ‘ કોણે સરસ લખી આપ્યું હતું ? ’ આ શબ્દોની સાથે જ આપણે એ દિવસોની યાદમાં કેવા ગૂમ થઇ ગયા ? સ્કૂલમાં તમે બંને ભાઇ બહેન ભણતા.. ત્યારે એક જ વિષય પર લખવાનું કે બોલવાનું હોય ત્યારે બંને ને હું એક જ વિષય પર અલગ અલગ લખી આપું. અને તું હમેશા કહેતી કે ‘ બસ..તું તો મીતને જ ..તારા લાડલાને જ વધું સારું લખી દે છે. એનું જ વધારે સારું છે..પછી તો એનો જ નંબર આવે ને ? ’ હકીકતે કયારેક તારો નંબર આવતો કયારેક મીતનો. પણ જે દિવસે આ બોલી હતી ત્યારે તારો પહેલો નંબર અને મીતનો બીજો નંબર આવેલ. અને મેં પૂછેલ, ’ આમ કેમ થયું ? મેં તો મારા લાડલાને વધું સારું લખી આપેલ ને ? ’ અને તું શું બોલે ? કયારેક હસતી, કયારેક ગુસ્સે થતી અંદર ચાલી જતી. હું તો હમેશા મારા લાડલા અને લાડલી વચ્ચે અટવાતી રહેતી..

હા, શૈશવમાં રોપાયેલ બીજને અનુકૂળ વાતાવરણ મળતા જરૂર પાંગરે છે. કયારેય કંઇ નકામું જતું નથી. તમે નાના હતા ત્યારે તમને શીખવાડેલ અને તમે રોજ બોલતા..એ શબ્દો યાદ છે ? તમારા કાલાઘેલા એ શબ્દો આજે યે મારા કાનમાં ગૂંજે છે.

” કરેલું નકામું જતું નથી. કામ કરતો જા..હાક મારતો જા. મદદ તૈયાર છે. ” તમે તો ત્યારે આનો અર્થ પણ કયાં સમજતા હતા ?

શૈશવના કોઇ ને કોઇ બીજ દરેક બાળકમાં હોય છે. અને કયારેક એ કોઇ રીતે ઉગે જ છે. સારા બીજ ની ફસલ સારી ઉગે અને નબળા કે સડેલા બીજની ફસલ..નરસી ઉગે એ સ્વાભાવિક જ છે ને ? આજે દુનિયામાં થતા દરેક અપરાધના બીજ જાણે અજાણે કયારેક...કોઇ પણ વડે શૈશવમાં જ રોપાયેલ હોય છે.

તમારા ભાઇ બહેનના કડવા મીઠા કેટલાયે ઝગડાઓની હું સાક્ષી છું. ઉંમરમાં વધુ ફરક ન હોય ત્યારે આ બધું સામાન્ય જ હોય. ક્યારેક નાના પેન્સિલના ટુકડા માટે લડતા તમે અને કયારેક એકબીજા માટે “રાજપાટ” લૂંટાવી દેનાર પણ તમે જ હતા ને ? દુનિયાના કયા ભાઇ બહેને નાનપણમાં ઝગડા નહીં કર્યા હોય ? એમાં યે લગભગ સરખી ઉમરના હોય ત્યારે તો આવા ઝગડા સ્વાભાવિક રીતે વધુ હોય છે. જુદાજુદા અવસર મનમાં મહોરે છે. આમે ય કોઇએ કહ્યું છે ને ? ”અવસરના ટુકડા જોડી, જો ચન્દરવો નહીં કરો, ડામચિયો આયખાનો સજાવી નહીં શકો ” રક્ષાબંધન વખતે નાનકડા મીતના હાથમાં હું કોઇ વસ્તુ પેક કરીને આપતી અને સમજાવતી કે બહેન તને રાખડી બાંધી દેશે અને ત્યારે તારે આ એને આપવાનું. અને ઘણીવાર મીત કહેતો, ’ ના,હું દીદીને રાખડી બાંધીશ અને દીદી મને આપશે.’ હું એને સમજાવતી. અને મીત મોઢુ ચડાવી ને બેસી જતો. હાથમાનું રંગીન પેક કરેલ પેકેટ આપવાનું તેને કયારેય મન ન થતું ! અને તે નિર્દોષતાથી પૂછતો,’ મમ્મી એવો કોઇ ફેસ્ટીવલ કેમ નથી કે બહેને ભાઇ ને આપવું પડે ? દર વખતે મારે જ બહેનને આપવાનું ? ‘

હા, આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. બહેનને ભાઇ આપે..અને એ ભૌતિક વસ્તુના બદલામાં બહેન ની ભાઇ માટેની મંગલ ભાવનાનું મૂલ્ય ઓછું કેમ આંકી શકાય ? દરેક ભાઇની એ ફરજ છે. હકીકતે આપણા આ તહેવારો જો સાચી રીતે જોઇએ તો જીવનના મૂલ્યો સમજાવે છે. રાખડીના પ્રતીક દ્વારા ભાઇ બહેનના સ્નેહને જીવંત રાખે છે. આ વ્યસ્ત સમયમાં એકબીજાની યાદ આપી એમની વચ્ચે લાગણીના તંતુને લીલોછમ્મ રાખે છે.

યાદ છે ? દર રક્ષાબંધનને દિવસે આપણે નર્સરીમાંથી એક રોપ લાવી ફળિયામાં વાવતા. તમે ભાઇ બહેન નાના હતા ત્યારથી શરૂ થયેલ આ પ્રથા વરસો સુધી ચાલુ રહી હતી. વાવેલ રોપ કેવડો મોટો થયો તે જોવા રોજ સવારે ઉઠીને તમે બંને ફળિયામાં પહોંચી જતા. અને કૂંપળ ફૂટેલ જોઇને ખુશખુશાલ બની જતા. નાનકડી ટયુબ હાથમાં લઇ દોડાદોડી કરતાં તમને બંને ને આજે હું બંધ આંખે પણ જોઇ શકું છું. તમારા જન્મ દિવસે પણ ફળિયામાં કે કયારેક કૂંડામાં આપણે હમેશા કોઇ છોડ વાવતા. અને તેને પાંગરતો જોઇ ખુશી અનુભવતા.

જીવનમાં નાના પ્રસંગો પણ કેવી ખુશી અર્પી રહે છે.! એ માટે કોઇ મોટા પ્રસંગોની રાહ જોવાની જરૂર નથી હોતી. દરેક પળ ને માણી શકીએ તો જીવન સાચા અર્થમાં સભર બની રહે. વૃક્ષો સાથે..કુદરત સાથે તમારો નાતો આ નાનકડી પરંપરાથી જોડાઇ રહેતો. વૃક્ષોનું મહત્વ સમજાવવાની આજે જરૂર છે ખરી ? કયાંક વાંચેલ શબ્દો યાદ આવે છે..”રાજાને આશીર્વાદ આપવા ઉંચો થયેલ સાધુનો હાથ લીલીછમ્મ ડાળ કપાતી જોઇ નીચો થઇ ગયો..” આજે જે રીતે વૃક્ષો...જંગલો આડેધડ કપાઇ રહ્યા છે...માનવી પોતાના સ્વાર્થ માટે એક વૃક્ષ ની જરૂર હોય ત્યાં સેંકડો વૃક્ષો નો વિનાશ કરી રહ્યો છે...એ જોઇને દરેક વિચારશીલ માનવી ને ખેદ ઉપજે તે સ્વાભાવિક છે. આ અવિચારીપણું કયારે અટકશે ? વૃક્ષની મંદિર તરીકે જાળવણી થવી જ રહી. આપણી ભારતીય સંસ્કૃતિમાં તેથી જ ઘણાં વૃક્ષોને ઇશ્વરનો દરજ્જો આપેલ છે. આપણે પીપળાની, તુલસીની, વડલાની, બીલ્લીની ના વૃક્ષની, રુદ્રાક્ષની ... વિગેરે કેટકેટલા વૃક્ષોની પૂજા કરીએ જ છીએ ને ?

આપણા ઋષિમુનિઓ કેટલા દૂરન્દેશી હતા.. આજે આપણે ઓઝોનના થરમાં પડી રહેલા ગાબડાની વાતો કરી રહ્યા છીએ..ગ્રીન હાઉસ ઇફેકટના નગારા વગાડી રહ્યા છીએ...પર્યાવરણની રક્ષા માટેના અભિયાનો ચલાવી રહ્યા છીએ..પણ જયારે સામાન્ય માનવી માં પણ સાચી જાગૃતિ આવે અને બિનજરૂરી રીતે થતો વૃક્ષો નો વિનાશ અટકે ...ત્યારે જ જંગલમાં મંગલ થઇ શકે ને ? બાકી તો ..

“મુંબઇ નગરીમાં કોઇ આંબો મહોરે તો, એને રામરામ કહેજો, એના મીઠા ઓવારણા લેજો.”

કવિઓ આવા ગીત ગાતા રહે છે. આપણે વાહ વાહ કરતા રહીએ છીએ. મારી નજર સમક્ષ તો આજે યે ...આ ક્ષણે યાદોનું એક મીઠું દ્રશ્ય ભજવાઇ રહે છે. ઘરના બગીચામાં એક નાનકડું ફૂલ ખીલે ને તમે બંને કેવી દોડાદોડી કરી રહેતા. પક્ષીઓની જેમ કલરવ કરી મૂકતા. પતંગિયાની જેમ તમે ઉડતા રહેતા. રોજ સવારે ખરેલા પારિજાતના સફેદ, કેસરી નાનકડા ફૂલો હાથમાં લઇ સૂંઘતા ઉંડા શ્વાસ ભરતા રહેતા..સવારે ફળિયામાં પથરાયેલી પારિજાતની એ પથારીની સ્મૃતિ આજે યે મનને સુગંધિત કરી શકે છે. ફૂલનું જીવન કેટલું ક્ષણિક..અને છતાં કેટલું શાશ્વત.! ખરીને ખીલવાનું...ખીલી ને મહેકવાનું..પીસાઇને યે અત્તર બની અન્યને સુવાસિત કરવાનું...કોઇ મસળી નાખે તો તેને યે સૌરભ આપવાનું...કોઇ સ્પર્શે નહીં તો દૂરથી પણ તેને પોતાના રૂપ અને સુગંધ દ્વારા આનંદ અર્પવાનો. ફૂલોનું એક માત્ર જીવન કાર્ય બીજાને આનંદ આપવાનું...સુવાસ આપવાનું જ છે ને ? ફૂલો વિષે કોઇ કવિ કે લેખક કંઇ ને કંઇ લખ્યા વિના રહી શકયા હશે ? આપણે પણ આપણું જીવન ફૂલ જેવું બનાવી શકીએ તો ? મારા પ્રિય કાવ્ય ની પંક્તિ મનમાં સ્ફૂરે રહે છે.

“ દિનાન્તે આજ તો સકલ નિજ અર્પીને ખરી જવું...”

પ્રકૃતિ નું દરેક તત્વ કોઇ ને કોઇ સંદેશ મૌન રહી ને આપે છે. એ સાંભળવાની...સમજવાની..અને અમલ કરવાની તૈયારી જો આપણામાં હોય તો . પરંતુ આજે આપણી પાસે તો કુદરતને મનભરીને માણવાનો સમય પણ કયાં છે ?

અમારી સ્કૂલમાં ભણાવતાં નિશાબહેન કાશ્મીર ફરવા ગયા હતા. તે ફરીને આવ્યા ત્યારે અમે તેમને પૂછયું, ‘ મજા આવી નિશાબહેન ? ‘ તેમનો જવાબ હતો “ હવે એમાં મજા શું ? બધે એ જ પહાડો, ઝરણાં ઓ, બાગ બગીચાઓ, વૃક્ષો , ફૂલો......અને એ માટે ગાંડા થઇ ને ત્યાં છેક હેરાન થવા જવું..પૈસાના ખર્ચા કરવા..અને હાડમારીઓ સહન કરવી....હું તો કંટાળી ગઇ. પણ મારા પતિને એવો બધો બહુ શોખ. એટલે જવું પડે...’ હવે જે વ્યક્તિ કાશ્મીર જેવી જગ્યાએ જઇ ને પણ પ્રસન્ન ન થઇ શકે..તેને શું કહેવું ? એ સૌન્દર્ય માણવાની દ્રષ્ટિ જ ન હોય તો તેને માટે બધુ જં વ્યર્થ છે. તમે કયાં જાવ છો તેના કરતાં શું...અને કઇ રીતે જુઓ છો એ વધુ અગત્યનું છે. બાકી જેને ગ્લાસ અડધો ખાલી જ દેખાતો હોય..એ જ જોવું હોય તેવા લોકો જિંદગીને કે કુદરતને કયારેય પ્રેમ કરી શકતા નથી. જે મળ્યું છે એ માણવાને બદલે તેઓ જે નથી મળ્યું તેનો અફસોસ કરતાં કરતાં ...ફરિયાદ માં જ આયખું પૂરુ કરે છે. તેવી લોકો ને ખુદ ઇશ્વર પણ સુખી કરી શકે નહીં.

“ મળ્યું છે તો માણે, જીવન કચવાટે શીદ વહો ? “

કવિઓ ભલેને કહેતા રહે..પણ તેવા લોકો માટે તો કવિતા એટલે વેવલાવેડા...ખેર ! આ બધું લખી ને મેં પણ એક ફરિયાદ જ કરી નાખી ને !

જો કે હું તો વાત કરતી હતી..ભાઇ બહેનની. મીતના માસૂમ પ્રશ્ન ની..દરેક ફેસ્ટીવલમાં ભાઇએ જ બહેનને કેમ આપવાનું ? જોકે આજે તો મીત હવે એવો પ્રશ્ન નથી પૂછતો. પણ ત્યારે તો તેને એ હમેશા ખૂંચતું. નાનપણની વાતો ન્યારી જ હોય ને ? એ નિર્દોષતા એ સરળતા...એ વિસ્મય, એ સહજતા..મોટા થયા પછી કયાં અદ્રશ્ય થઇ જતા હશે ?

અને ઝિલ, મીતને તો પાછી બીજી તકલીફ પણ કયાં ઓછી હતી ? એક તો આપણી સ્કૂલમાં ઓગષ્ટ મહિનામાં જ સ્ટડી પ્રાઇઝ મળતા. અને એ જ મહિનામાં તારો જન્મદિવસ અને રક્ષાબંધન લગભગ સાથે આવતા હોવાથી એ બિચારાને તો ખાલી સ્કૂલથી ઘર સુધી કવર પકડવાનું જ આવતું ! જો કે મોટા થયા પછી એના પોતાના કવરમાંથી તને આપવાનો એ ગર્વ અનુભવતો. રક્ષાબંધનના એ ફૉટાઓ આજે યે આ વાતની સાક્ષી પૂરાવતા આલ્બમમાં કેદ થઇ ને બેઠા છે .

દરેક ભાઇ બહેન વચ્ચે આવા કેટલા ખાટા મીઠા પ્રસંગોની યાદ હશે ? સમયની સાથે ભાઇ બહેનની લાગણીઓને કયારેય કાટ ન ચડવો જોઇએ.

“આકાશે દોમદોમ ચોમાસુ ઉગે, મનમાં ઉગતી સ્મરણોની કૂંપળ, ભાઇ બહેનની યાદોનો ઉગે અજવાસ...ને ભીતર ઝળહળ, ઝળહળ.” ભીંત ફાડીને ઉગી નીકળતા પીપળાની જેમ આજે ફરી એકવાર યાદો ઉગી નીકળી છે. તમારા ભાઇ બહેનનું વહાલ હમેશા અકબંધ જળવાઇ રહે એ પ્રાર્થના આજે આ ક્ષણે અંતરમાંથી નીકળે છે..સાથે રહેતા કયા વાસણ ખખડતા નથી હોતા ? પતિ પત્ની, ભાઇ બહેન, કે કોઇ પણ સંબંધ માટે એ સાચું જ છે. પણ એમાં મનભેદ કે કોઇ કડવાશ કયારેય ન પ્રવેશવી જોઇએ. બસ..એટલું જ.... દુનિયાના દરેક ભાઇ બહેન વચ્ચે નિર્મળ પ્રેમ છલકી રહે. એકબીજાની ભાવના સમજી શકે..અને એકબીજા માટે હમેશા હાજર રહી શકે..તો લાગણીનો અભાવ કયારેય કોઇને ન પીડી શકે. જે બહેનને ભાઇ ન હોય કે ભાઇને બહેન ન હોય ..એની વ્યથાની એને જ જાણ હોય. આમે ય જે આપણી પાસે હોય તેનું મૂલ્ય જલ્દી નથી સમજાતું. જે વસ્તુનો અભાવ હોય એનું..એ સંબંધનું મૂલ્ય જલ્દી સમજાય છે. અનુભવાય છે.. કોઇ ભાઇ નો હાથ બહેનની રાખડી વિના નો ન રહે..એ તાંતણાની ભીનાશ દરેક ભાઇ બહેન અનુભવી શકે ...માણી શકે અને દરેક ભાઇ બહેનનો નિર્મળ સ્નેહ સદા સલામત રહે. એને સમય નો ઘસારો ન લાગે..કે દુનિયાદારીની ઝાંખપ ન લાગે એ ઝંખના હૈયે રહે છે.

ભવિષ્યમાં ભાઇ બહેનની ....તમારી પણ એક અલગ દુનિયા વસશે અને બંને અલગ અલગ જગ્યાએ વસો ત્યારે યે અંતરથી દૂર ન રહો...એ જ આશિષ સાથે

“ઉર કેરા ઉપવનમાં, ભાવ તણી ભીનાશ ભરીએ, વહાલપ કેરા વારિ સીંચી , સ્નેહે મઘમઘીએ.”

“ બેટા,હમેશા યાદ રાખજે...ઇશ્વરે આવી સરસ જિંદગી આપી છે. તારા વિકાસમાં તારી શક્તિ..તારી મહેનત સાથે બીજા અનેક લોકોનો અમૂલ્ય ફાળો છે. એ કયારેય વીસરીશ નહીં. તારા પતિ, તારા ઘરના દરેક સભ્યનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો હોય જ. તારી પ્રગતિમાં એમને સ્નેહથી ભાગીદાર બનાવજે. કુટુંબનું હિત તો જોવાનું છે જ. સાથે સાથે તારી દ્રષ્ટિ વિશાળ બનાવી વ્યક્તિ સાથે સમષ્ટિનો વિચાર કરતાં ભૂલીશ નહીં. જરૂરિયાતમંદ ને મદદ કરતાં કયારેય અચકાઇશ નહીં. તક મળે ત્યારે ધૂપસળીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવાનું ચૂકીશ નહીં. એવી તક નશીબદાર ને જ મળે છે. મદદ લેવાને બદલે કોઇને મદદ કરી શકવાનું પરમ સૌભાગ્ય તને સાંપડે એ પ્રાર્થના સાથે. તારા જીવનવિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલીયે વ્યક્તિઓનો ફાળો છે. એ કયારેય ભૂલીશ નહીં. કૃતજ્ઞતાની સંવેદના કયારેય ઓછી ન થવી જોઇએ. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ...સમાજે એક યા બીજી રીતે આપણને મદદ કરી જ હોય છે. તેનું ઋણ જે રીતે ચૂકવી શકાય તે ચૂકવવું જ રહ્યું. અને એ ઋણ અન્યને મદદરૂપ બની ને જ ચૂકવી શકાય. એમાં જ માનવી તરીકે સ્ત્રી તરીકે તારું ગૌરવ રહેલ છે. સ્ત્રી તેની સંવેદના વડે કોઇ પણ ના દુ:ખની વધુ નજીક જઇ શકે છે. તેના વાત્સલ્ય વડે અન્યની ચેતનાને પ્રજવલિત કરી શકે છે. કોઇને સ્નેહની એકાદ સરવાણી આપી શકીએ તેનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે ?