ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી-1
રવિવારનો દિવસ હતો. દમયંતીબેન મનમાં યમુનાષ્ટકના પાઠ બોલતાં બોલતાં ફળિયામાં કપડાં સૂકવી રહ્યાં હતાં. સવારે 10 થવા આવ્યા હતા, પરંતુ અનુજને અઠવાડિયે માંડ એક જ દિવસ આરામનો મળતો હોઈ, રવિવારની રજામાં આખા અઠવાડિયાનો થાક ઉતારી રહ્યો હતો. ત્યાં અચાનક દમયંતીબેનના મોબાઇલની રિંગ વાગી. સામે છેડે કોઈ મહિલા હતી. બે મિનિટના સંવાદ બાદ તેમણે ફોન મૂકી દીધો અને અનુજને ઉઠાડતાં કહ્યું, ‘અનુજ, બેટા ઊઠ હવે, 10 વાગ્યા.’ ‘ટૅક અ ચિલ પિલ, મોમ. સૂવા દે ને...’ ‘હવે, ચિલ ને ફિલ. મને એમાં ખબર ન પડે. બેઠો થા. ચાલ, ચાલ, સાંજે આપણે તારા માટે છોકરી જોવા જવાનું છે.’ પરાણે પથારીમાંથી ઊભા થતા અનુજે કહ્યું, ‘મા, આમ તે કંઈ છોકરી જોયે ગમી જતી હશે? અત્યાર સુધીમાં અગિયાર જોઈ લીધી. મારે તો તારા માટે દીકરી જેવી વહુ લાવવી છે.’ અનુજનું વાક્ય પૂરું થાય, ત્યાં સુધીમાં તો દમયંતીબેન એવી ભાવિ દીકરીના વિચારો કરતાં-કરતાં રસોડામાં ચા બનાવવા પહોંચી ગયાં હતાં.
******
સૌરાષ્ટ્રના એક સાવ નાના ગામડાનો અનુજ દમયંતિબેન અને ભગવાનજીભાઇનું એકમાત્ર સંતાન હતો. છેલ્લાં ત્રણ વર્ષથી અમદાવાદ જેવા શહેરમાં તે સ્ક્રીનપ્લે અને સ્ટોરી રાઇટર તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યો હતો. પિતા નિવૃત્ત હતા. એક સમયે પરિવાર અત્યંત સમૃદ્ધ હતો. પણ સમય બદલાયો. આમ તો લોહીમાં વેપાર હોવાના કારણે કોઈ પણ વેપાર કરવો તેના માટે સહજ હતો, પરંતુ તેને તો ચાહ હતી નામના મેળવવાની, સ્વબળે કંઈક કરી બતાવવાની. તેથી જ નસીબ સાથે બાથ ભીડી રહ્યો હતો. જોકે, તેને પોતાના નસીબ કરતાં વધારે પોતાની આવડત પર ભરોસો હતો. નસીબ અને કિસ્મત જેવા શબ્દો તેના માટે દકિયાનૂસી ખયાલ હતા. તેના હાથમાં શબ્દોને રમાડવાની અજબ આવડત અને શક્તિ હતાં. એની કલમમાંથી લખાયેલું દરેક વાક્ય સામેવાળાના હૃદય સોંસરવું ઊતરી જતું. તેના શબ્દો જેવો જ મોહક અને આકર્ષક તે ખુદ પણ હતો, સ્માર્ટ અને હેન્ડસમ. ફરક માત્ર એટલો હતો કે શબ્દોને રમાડી શકતો અનુજ કોઇની લાગણી સાથે નહોતો રમી શકતો અને કદાચ એટલે જ અનેક ગર્લ્સ તેની ફ્રેન્ડ હોવા છતાં તે ‘ગર્લફ્રેન્ડ’ વિહોણો હતો. તેની અનેક ફ્રેન્ડ્ઝ તેને ‘આઈ લવ યૂ’ કહી ચૂકી હતી, પણ અનુજ તમામને ‘આઇ લવ માય ઑલ ફ્રેન્ડ્ઝ’ કહીને બાયપાસ કરી દેતો.
મા-દીકરો બંને નક્કી થયેલા સમયે અને સ્થળે છોકરી જોવા માટે પહોંચી ગયાં. સામા પક્ષે પણ કુસુમલતાબેન તેમની પુત્રી સાથે આવ્યાં હતાં. ચારેય લોકો મળ્યા, વાતચીત થઈ. છોકરીનું નામ હતું ધરા. ફેશન ડિઝાઇનર્સ જેને સિમેટ્રિકલ ફિગર ગણાવે એવું તેનું પરફેક્ટ ફિગર યાને કે શરીર સૌષ્ઠવ હતું. ગૌર વર્ણ, શરમાળ આંખો, ગર્વિષ્ઠ નાક, ડોલરની કળી જેવા દાંત અને બોલે ત્યારે તો જાણે એકસામટાં હજારો ફૂલ મહેંકી ઊઠ્યાં હોય તેવી સુવાસ પ્રસરે. બંને માતાઓની વ્યાવહારિક વાતો ચાલતી રહી, વચ્ચે-વચ્ચે ધરા પણ અનુજને સવાલો પૂછતી, પરંતુ અનુજની નજર તો ધરા પર જ સ્થિર ગઈ હતી. તે જવલ્લે જ કંઈ પૂછતો અને જે કંઈ બોલતો કે જવાબ આપતો, તો એ પણ યંત્રવત્ જ. ધરાને જોયા પછી તે લગભગ પોતાની તમામ સૂધબૂધ ખોઈ બેઠો હતો. એક આદર્શ પત્ની માટે તેણે અત્યાર સુધી કાગળ પર જે-જે શબ્દપ્રયોગ કર્યા હતા, તે બધા જ એકસામટા તેની સામે મૂર્ત સ્વરૂપે બેઠા હતા.
વાતચીત દરમિયાન ધરાએ કેટલી વખત સ્માઇલ આપી, વાળની લટ કેટલી વાર સરખી કરી, ત્યાં સુધી તો ઠીક, તેણે કેટલી વખત આંખનું મટકું માર્યુ, તેનું ચોક્કસ ગણિત અનુજે પોતાના મગજમાં ગણી લીધું. વિદાય લેતી વખતે પાછળ ફરીને ‘આવજો’ અને ‘જય શ્રી કૃષ્ણ’ કહેતી ધરા તેના મગજમાં હંમેશને માટે વસી ગઈ. દમયંતિબેન અને અનુજ પાછાં ઘરે તો આવી ગયાં, પણ ત્યાં સુધીમાં તો ધરા નામનું પ્રેમાંકુર અનુજનાં મન અને હૃદયમાં ફૂટી ચૂક્યું હતું.
આજ દિન સુધી પહેલી નજરના પ્રેમને માત્ર ફિલ્મી વાતો સમજતો અનુજ આજે એક અલગ અનુભૂતિ કરી રહ્યો હતો. શું ખરેખર કોઈ છોકરી આટલી સુંદર હોઈ શકે? પથારીમાં પડ્યાં પડ્યાં ધરાને યાદ કરતી તેની આંખો ક્યારે મીંચાઇ ગઈ, તેનો અનુજને ખુદને પણ ખ્યાલ ન રહ્યો. બીજે દિવસે અનુજ પાછો અમદાવાદ ચાલ્યો ગયો, પણ તેનું હૃદય તો ધરા પાસે જ રહી ગયું.
એક દિવસ, બે દિવસ, એક અઠવાડિયું, બે અઠવાડિયાં, મહિનો વીત્યો, સામા પક્ષેથી કોઈ જવાબ ન આવ્યો અને વિષમ પારિવારિક સમસ્યાઓમાં દમયંતિબેન પણ અટવાઈ ગયાં. ધરાને ફરી મળવા અનુજ અધીરો હતો, પણ કેવી રીતે મળવું? તેની દિશા તેને સૂઝતી નહોતી. ન તો તેને કોઈ નવી વાર્તા લખવાની ઇચ્છા થતી હતી, કે ન કોઈ નવા વિચાર આવતા. તેનું મન તો એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું હતું, ધરા પર.
એક રાત્રે અનુજ ઘરની બારી પાસે પોતાના લેપટોપમાં ફેસબુક ખોલીને બેઠો હતો. આમ પણ હમણાં કામમાં તો તેનું મન લાગતું નહોતું. ત્યાં જ આકાશમાં એક તેજ લિસોટો દેખાયો. તરત જ શેરીની ઓટલા પરિષદમાંથી કોઈનો અવાજ આવ્યો, ‘જો, આકાશમાં તારો ખર્યો’. અચાનક અનુજને કંઈક વિચાર આવ્યો અને બે મિનિટ સુધી તે આંખો બંધ કરી, તારો જે દિશામાં ખર્યો હતો એ તરફ મોઢું રાખીને બેસી રહ્યો. હજી તે આંખો ઉઘાડીને પાછો લેપટોપ તરફ ફર્યો જ હશે, ત્યાં ફેસબુક પર ‘પીપલ યૂ મે નો’માં એક જાણીતું નામ દેખાયું અને લગભગ નિસ્તેજ બની ગયેલા તેના ચહેરા પર તેજ રેલાઈ ગયું.
યસ્સ્સ... નામ હતું ધરા. પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી કે નહીં? ધરા શું વિચારશે? તે સ્વીકારશે? વળી અનુજનું મન અટવાયું. આમ પણ પ્રેમમાં પડેલા માણસને પોતાના કરતાં પ્રિયપાત્ર વિશે અને તેના ગમા-અણગમા પ્રત્યે વધારે ચિંતા થવા લાગે છે. તેમાંય આ તો એકતરફી પ્રેમ હતો! આખરે મન મક્કમ કરીને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી. એન્ડ ધ મેજિક હેપન્ડ. કલાકમાં તો રિક્વેસ્ટ એક્સેપ્ટ પણ થઈ ગઈ. તે મનોમન ભગવાનને બબડ્યો, ‘વાહ બોસ, આટલું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ!
અનુજને થયું, ચાલો પહેલો કોઠો તો પસાર થઈ ગયો. પણ હવે વાત કેમ શરૂ કરવી? પાછું મન કચવાયું. આમ ને આમ ત્રણ દિવસ કાઢ્યા. પણ અનુજની મુશ્કેલી ખુદ ધરાએ જ દૂર કરી આપી. ચોથા દિવસે રાત્રે અનુજ પોતાનું કામ કરતો હતો, ત્યાં અચાનક તેનો મેસેન્જર ટોન વાગ્યો અને મોબાઇલનો સ્ક્રીન બ્લિન્ક થયો. જોયું તો ‘હાઈ...’નો મેસેજ હતો. એન્ડ ગેસ હૂઝ? ધરા વૉઝ ધેર.
(ક્રમશ:)
******
ચાલો, અનુજ-ધરા વચ્ચે વાતચીત તો શરૂ થઈ. પણ, અહીં તો મુદ્દો છે પ્રેમનો, એ પણ અનુજનો એકતરફી પ્રેમ. નસીબ અને કુદરત તો જાણે અનુજની સાથે હોય એવું લાગે છે. તો પછી અનુજ ધરા પાસે કેવી રીતે પોતાના પ્રેમનો એકરાર કરે છે? અને આ લવ સ્ટોરી કેટલી આગળ વધે છે? કે પછી વચમાં જ કોઈ વિઘ્ન આવી જાય છે? આ તમામ સવાલોના જવાબ ખરતો તારો : એક અનોખી લવસ્ટોરીના બીજા ભાગમાં...
******