Ajab Prem Kahani in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | અજબ પ્રેમ કહાણી

Featured Books
Categories
Share

અજબ પ્રેમ કહાણી

* અજબ પ્રેમ કહાણી *

“ઢોલ ઢબૂક્યા ને, વર-વહુના હાથ મળ્યા.............”

સાજન-માજન, ઢોલ-શરણાઈ અને બેન્ડ-વાજાના સથવારે, સાત જન્મનો સાથ નિભાવવાનું વચન આપીને, હાથે રૂડી મહેંદી રચાવી, મહેચ્છાઓનું મિંઢોળ બાંધી, માતા-પિતાના કાળજાને કોતરી, બે નાના ભાઈઓની આંખોમાં હર્ષાશ્રુ છોડીને મધ્યમ વર્ગીય સુસંસ્કારી પરિવારની પુત્રી એવી આકાંક્ષાના આજે જ્ઞાતિના પ્રતિષ્ઠિત પરિવારના એકના એક દીકરા અવનિશ સાથે મંગલ પરિણય થવા જઈ રહ્યો હતો. વસમી વિદાયની વેળાએ હરિકાંતભાઈ અને એમનો પરિવાર ખુશી અને વેદના એમ બંને પ્રકારની લાગણી અનુભવી રહ્યો હતો.

અઢળક આશા, અરમાન અને અપેક્ષાઓ સાથે આકાંક્ષાએ અવનિશના ઘર અને જીવનમાં પ્રવેશ કર્યો. લગ્ન પહેલા સેવેલા સુખદ સ્વપ્નો અને વાંચન, લેખન, ભરત-ગૂંથણ, રાસ-ગરબા જેવા શોખને કોરાણે મૂકીને આકાંક્ષા નવા પરિવારમાં સુપેરે ગોઠવાઈ જવા અને ઘરનાં તમામ સભ્યોના હ્રદયમાં વસવા માટે જીવતોડ પ્રયત્નો કરવા લાગી. પણ.... લગ્નના દસ દસ વરસ પછી પણ આકાંક્ષાની તમામ આકાંક્ષાઓ અધૂરી જ રહી ગઈ હતી. કારણકે....

“ડોબી... બુધ્ધિ વગરની... અક્કલમઠ્ઠી....” સાસરું છોડીને પોતાના દીકરા સાથે કાયમ માટે પિયરે ધામા નાખેલ નણંદબાના મોઢેથી આકાંક્ષા માટે કાયમ આવા જ ઢગલાબંધ વિશેષણો નીકળતાં.

“કોઈ જ આવડત નથી, માં-બાપે કશું જ શીખવાડ્યું જ નથી. હે ભગવાન..!! અમે તો ફસાઈ ગયા. ક્યાં અમે રાજા ભોજ અને ક્યાં આના ગંગુતેલી માવતર..??” સાસુમાની શ્વાસ અધ્ધર રાખતી વાણીમાં આકાંક્ષાને પોતાને માટે ક્યારેય પ્રેમ, લાગણી કે ઉષ્માનો અનુભવ ન થતો.

“પનોતિ... હા.. હા.. પનોતિ. જ્યારથી આ ઘરમાં, મારા જીવનમાં આવી છો ત્યારથી મારી તો જાણે માઠી જ બેઠી છે. બાયડી નહીં પણ સાડા સાતીની પનોતિ ઘરે લઈ આવ્યો છું જાણે...!! આના કરતાં તો મેં નેહલ...” પતિ અવનિશનો તિરસ્કાર અને નફરત તેમજ લાગણી વિહીન વર્તન આકાંક્ષાને અંદરને અંદર કોરી ખાતું હતું.

“હે.. ભગવાન...!! બીજું હું માગું પણ શું છું..?? ફક્ત પ્રેમના બદલે પ્રેમ, લાગણીના બદલે લાગણી અને માનના બદલે માન જ ને...!! શું એ મેળવવાને પણ હું હક્કદાર નથી..?? નથી મને અહિંયા સુખેથી રે’વા દે’તા કે નથી મને મારા માવતરને મળવા દે’તા.. હું શું કરું પ્રભુ..?? આ ના કરતા તો મને ઉપાડી લે મારા પ્રભુ..!!” પ્રભુને અરજી કરવા સિવાય આકાંક્ષા પાસે બીજો કોઈ ઉપાય હતો પણ ક્યાં..??

જો કે, અવનિશ સાવ એવો નિષ્ઠુરે નહોતો.. આકાંક્ષા માટે એના હ્રદયના એક ખૂણે કૂણી લાગણી તો હતી પણ બબ્બે વખત આકાંક્ષા તરફથી મળેલી ખુશ ખબરી અધૂરા મહિને થઈ જતાં ગર્ભપાતમાં પલટાઈ જતાં કાચા કાનનો અવનિશ પોતાની માતા અને બહેનની વાતોમાં આવી જઈને આકાંક્ષાને અન્યાય કરી બેસતો અને આકાંક્ષાની લાગણીને સમજવા સુધ્ધાંનો પ્રયત્ન પણ ન કરતો.

આજ સુધી કોઈ વાર-તહેવાર, સ્થળ કે મુસાફરી એવી નહીં રહી હોય જ્યાં આકાંક્ષાનું અપમાન ન થયું હોય, કોઈ એવો પ્રસંગ સુપેરે પાડ નહીં પડ્યો હોય જેમાં આકાંક્ષાની આંખોમાંથી અશ્રુઓની ધાર ન વહી હોય. ધીરે ધીરે આકાંક્ષા અંદરથી તૂટી રહી હતી કારણકે, એના મનને સમજે, એનું સંધાણ બને એવા કોઈ જ એંધાણ દેખાતા ક્યાં હતા..??

અને, એક દિવસ અચાનક.... લગ્નના એક દાયકા બાદ પણ લાગણી ને પ્રેમના સદંતર અભાવ, ખાલી રહી ગયેલા ખોળે અને અધૂરાપણાના અહેસાસે નિરાશાવાદ તરફ ધકેલાઈ રહેલી અને જીવવાની તમામ જીજીવિષા ગુમાવી ચૂકેલી આકાંક્ષા ઉપર નણંદના બેતાલીસ લખણાં કાન કુંવરે અવનિશની નજર સમક્ષ જ ઘેર આવેલા મહેમાનોની હાજરી વિસરી જઈને હાથ ઉપાડીને એની લાગણીને સાવ મૃત:પ્રાય કરી દીધી. ઘેરી હતાશા અને અસહ્ય અપમાનને કારણે આકાંક્ષા ફસડાઈ પડી.

“હે ભગવાન...!! મારો નવે નવો ટી સેટ.... ટુકડે ટુકડા કરી નાખ્યા.. હવે આમ પડી શું છો..?? ઊભી થા, ઊભી... નુકસાન કરીને હવે ખબર નહીં શું નવા નાટક માંડયા છે મહારાણીએ...??” સાસુમાએ આકાંક્ષાને ઊભી કરવાની દરકાર સુધ્ધાં ન કરી.

“અરે..!! મારી ભોળી મમ્મી, તું સમજતી નથી. આવા નાટક તો કરવા જ પડે ને...” નણંદબાએ ટહુકો કર્યો. અવનિશની સામે મિચકારતા એણે આગળ ચલાવ્યું, “મહારાણી સાહેબા બધાની સામે આપણી આબરૂના ધજાગરા તો કરે ને વળી..!! કેમ ભાઈ...??”

પણ.. કોણ જાણે પ્રભુની લીલા સમજો કે પછી હ્રદયના એક ખૂણે સંઘરી રાખેલી કૂણી લાગણીનો સંચાર... અવનિશ ચોધાર આંસુએ રડતો આકાંક્ષા તરફ ધસી ગયો અને એના માથાને પોતાના ખોળામાં લેતાં બોલ્યો, “તને કંઈ થવા નહીં દઉં... આપણી પ્રેમકહાણીનો આવો અંત તો નહીં જ આવવા દઉં....”

અવનિશના મનની લાગણી મોડે મોડે પણ સળવળી તો ખરી, પરંતુ.... ક્યાંક મોડું તો નહોતું થઈ ગયું ને...???

“મિ. અવનિશ, તમારા વાઈફ મેજર ડિપ્રેશનને કારણે કોમામાં સરી પડ્યા છે.”

“ડૉકટર સાહેબ, મારી આકાંક્ષા... એ બરાબર તો થઈ જાશે ને...??”

“જુઓ, મિ. અવનિશ, હું તમને કોઈ ખોટી બાંહેધરી આપવા નથી માંગતો. ઘણી વખત પૅશન્ટને કોમામાંથી બહાર આવતા દિવસો, મહિનાઓ કે પછી ક્યારેક વર્ષો પણ થઈ જતા હોય છે.” શહેરની સૌથી મોટી હૉસ્પિટલના સિનિયર ડૉકટર વાસ્તવિક્તા સમજાવતા બોલ્યા.

“પણ.. ડૉકટર... કંઈ... કંઈક તો.. થઈ.. ઈ.. શકે.. કે... ને..??” થોથવાતી જીભે અવનિશે પૂછ્યું.

“જુઓ, મિ. અવનિશ.. કંઈક કરવાની શક્યતા તો એ કેસમાં હોય જેમાં પેશન્ટને જીવવાની ખરેખર ઈચ્છા હોય. પણ... મને લાગે છે કે, તમારા વાઈફ જાણે જીવવા જ નથી માંગતા. એન્ડ ઈન ધીસ કંડીશન.. આઈ એમ સોરી ટુ સે, ઈટ’સ અ ગોન કેસ. હવે બાકી બધું ઈશ્વરના હાથમાં છે. એક્સક્યુઝ મી....” અવનિશના ખભ્ભે હાથ મૂકીને સાંત્વના આપતા ડૉકટર ત્યાંથી ચાલ્યા ગયા.

અવનિશ ડૉકટરની પીઠને તાક્તો રહ્યો. ડૉકટરના શબ્દો એના કાનમાં ગુંજાવા લાગ્યા અને એ મનોમન બબડવા લાગ્યો, “જીવવાની આશા છોડી દીધી છે એવું કેમ બને..?? ના.. ના.. તારે જીવવું જ પડશે, મારા માટે.. મને માફી આપવા માટે.. મેં હમેંશા તારા પ્રેમ, તારી લાગણી અને તારી સહ્રદયતાનો બદલો તુચ્છકાર, તિરસ્કાર અને ઉપેક્ષાથી જ આપ્યો એટલે જ તારા પ્રભુ મને મારા બદવ્યવહારનો આ બદલો આપી રહ્યા છે. તારી આવી હાલત માટે હું જ જવાબદાર છું.. હું જ છું... હું જ છું....”

“સર.. સર.. ડૉ. મહેતા, કહે છે કે... તમારે તમારી વાઈફને મળવું હોય તો... આઈ મીન એમને જોવા હોય તો યુ મે ગો ઈન આઈ. સી. યુ.. બટ....” સિસ્ટરની વાત પૂરી થાય એ પહેલા જ અવનિશ આકાંક્ષાના રૂમ તરફ ધસી ગયો.

આકાંક્ષાને ઢંઢોળીને ભાનમાં લાવવાનો અવનિશે ખૂબ પ્રયત્ન કર્યો. “આકાંક્ષા.. તારે સાજા થવું જ પડશે. આજે જ્યારે તું મારી સાથે હોવા છતાં પણ નથી ત્યારે હું તારી લાગણીને કદાચ સાચા અર્થમાં સમજી શક્યો છું. તને હું ક્યાંય જવા નહીં દઉં. તારે પાછા આવવું જ પડશે. હું તારી લાગણીનો કાતિલ છું.. હા... હા.. હા.. પણ સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, આઈ રિયલી લવ્ઝ યુ.. હું તને ખૂબ ખૂબ પ્રેમ કરું છું એટલે તારા વગર જીવવું મારા માટે શક્ય જ નથી . હા.. હા.. હા.. મોડું તો મોડું મને સાચી હકીકતનું ભાન થઈ હા.. હા.. હા.. થઈ ગયું છે... મને હા.. હા... હા... માફ.. માફ... હા.. હા.. હા... હા..

....અને અવનિશે પોતાનું માનસિક સમતોલન ગુમાવી દીધું હમેંશને માટે.... એ સાથે જ અવનિશ અને આકાંક્ષાની અલ્પ કહી શકાય એવી અજબ પ્રેમ કહાણીને પૂર્ણ વિરામ લાગી ગયું....

************ અસ્તુ ************