Jipsi Boy in Gujarati Travel stories by Jitesh Donga books and stories PDF | જિપ્સી બોય!

Featured Books
Categories
Share

જિપ્સી બોય!

જિપ્સી બોય!

It was my college-days wish to live like a gypsy :)
હા...મને કોલેજમાં આવ્યો ત્યારે મને કોઈ મોટી ભવિષ્યમાં ગાડી-બંગલા-જોબ-બિઝનેસ એવા કોઈ સપના ન હતા. હજુ નથી. મારે જીપ્સી માણસો જેવી લાઈફ જીવવી હતી. વણઝારા જેવી! :)

કોલેજ પૂરી થઇ પછી કુટુંબ અને રૂપિયાની જરૂરતને લીધે પૂરો જીપ્સી ન બની શક્યો, પણ અડધો બની ગયો.
એકલા આખી દુનિયા ફરવાનું સપનું તો હજુ આકાર લઇ રહ્યું છે, પણ તે પહેલા મારે એકલા આખા દેશમાં રખડવાનું ખુબ મન હતું. કોલેજ પછીના આ બે વરસમાં અડધું ભારત રખડ્યો છું. ટ્રેનમાં. બસમાં. અને નાના શહેરો અંદર પગપાળા. :)

આ સમયે ચેન્નાઈનો વારો હતો. ગુજરાતી થઈને મેં લગભગ દરેક રાજ્યના દરિયા કિનારાઓ પર જઈને અરબી સમુદ્ર અંદર નાહી લીધું છે, પરંતુ હું ક્યારેય બંગાળની ખાડીમાં પડ્યો ન હતો. બંગાળનો ઉપસાગર માત્ર ચોપડી અને નકશામાં જ ભણ્યો. એ પાણીમાં મારે નાહવું હતું.

ગયા શનિવારે રાત્રે ૧૧ વાગ્યે બેંગ્લોરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. હું જોબ પરથી ઘરે આવી, જમીને, કેબ કરીને રેલ્વે-સ્ટેશન ભાગ્યો. રાત્રે અગિયાર વાગ્યે બેંગ્લોરથી 'ચેન્નાઈ એક્સપ્રેસ' નામની ટ્રેઈનમાં ચડી ગયો. એન્ડ ધ જર્ની બિગીન્સ!

વરસાદ, ટ્રેઈન, રાત અને એકલતા મારે માટે 'યાદો' બનાવવાનો મોકો હોય છે. ટ્રેનમાં આ બધું ભેગું થયું. સામે બેઠેલા યુવાન પેસેન્જર સાથે દોસ્તીઓ થઇ. ટ્રેનના બારણાં પાસે જઈને કોઈને ખબર ન પડે એમ સડસડાટ વહેતી ઠંડી હવાઓમાં અમે એકબીજાની લાઈફની વાતો કરવાની મજા જ અલગ છે. ટ્રેનમાં મળનારા માણસોની સૌથી બેસ્ટ વાત એ છે કે એ લોકો સાથે બધું જ શેર કરી શકો. એક રાત પછી એ તરત જ તમારા બધા જ સિક્રેટ લઈને જતા રહે. ક્યારેય મળવાનું ન થાય. :)

ચેન્નાઈમાં મારી એક દોસ્ત ક્રીતિહા છે. ઓફિસમાં મારી ટીમમાં છે. એને ત્યાં મારે ઉતારવાનું હતું. તેના પપ્પાના લગ્ન હતા! (હા. ચોંકશો નહી. અહીના બ્રાહ્મણોમાં એવી પ્રથા છે કે માણસ સાઈઠ વર્ષનો થાય એટલે એની એજ પત્ની સાથે ધામધૂમથી બીજીવાર લગ્ન કરે! આ પ્રથાથી હું એટલો પ્રભાવિત થયો કે મેં મારા બાપુજીને પણ મારી બા સાથે સાઈઠ વર્ષે ફરી લગ્ન માટે કહ્યું અને એ સાંભળીને જ શરમાઈ ગયા!) :P
ક્રીતિહાને ત્યાં બપોર સુધી 'ઘોટાઈ' ગયા પછી મને લગ્નની વિધિઓમાં રસ ન હતો એટલે આપણે ઉપડ્યા શહેર અને દરિયા તરફ!

ચેન્નાઈમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે કોમ્યુનિકેશન! પબ્લીશ બધું તામિલ બોલે. હિન્દી કોઈને ખબર ન પડે. ઈંગ્લીશમાં પૂછો તો અડધાને ખબર પડે પણ જવાબ તામિલમાં જ આપે! ખેર...લોકલ ટ્રેન અને બસમાં આમતેમ ફરતો ચાર કલાક રાત્રે સાત વાગ્યા પછી 'બેસન્ટ નગર' બીચ પહોંચ્યો. બંગાળના સાગરમાં નાહવાની તમ્મના કામ ન કરી. રાત્રે દરિયો સોળે કળાઓમાં ખીલ્યો હતો. કારણ હતું કે પુનમનો ચાંદ ખીલ્યો હતો. પાણીમાં ઉભો રહ્યો પણ પાણી અંદર ખેંચી જાય તેવું ઘૂઘવતું હતું. જીવ ના ચાલ્યો. પગ પલાળીને કલાકો સુધી બેઠો. મોજ કરી. ચેન્નાઈની નાઈટ લાઈફ અને રાત્રે શહેરની સુંદરતા જોવા ખાસ બસમાં આમતેમ ભટક્યો. રાત્રે બાર વાગ્યે ક્રીતિહાના ઘરે પાછો આવ્યો. સદભાગ્યે ક્રીતિહાએ પોતાના આ વિચિત્ર મહેમાન વિષે બધાને પહેલેથી જ કહી દીધું હતું એટલે લેખક સાહેબને કોઈ ખીજાયું નહી. ઘરમાં ઘુસવા દીધો! ;)

બીજે દિવસે લગ્નની વિધિ ફરી ચાલુ થઇ. કેળાના પાંદડાઓમાં જમ્યા. અહિયાંની દરેક રીતભાત અદભુત હતી. આંગળીઓ અને હથેળી ભાતમાં નાખીને ખાવાની મોજ માણી. બપોર પછી નીકળી ગયો એક અદભુત જગ્યાએ- 'મરીના બીચ' (એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો બીચ)

ત્યાં મારી ઓફીસના બીજા દોસ્તો પણ આવેલા. કિનારે જ બસ ઉભી રહી, એ આપણે દોડતા સીધા જ દરિયામાં ઝંપલાવ્યું. મને તરતા આવડતું નથી, પણ બીક લાગે એટલી બુદ્ધિ પણ નથી. ખુબ નહાયો. મ્યુનિસિપલના બાથરૂમમાં જઈને પછી સારા પાણીએથી નાહ્યો. કિનારા પર એક મેળામાં પેલી મોટી હોડીમાં બેઠા. સાંજે દરિયા કિનારે એકલો બેઠો. જાત સાથે ઘણીબધી વાતો થઇ. અને બસ... :)

રાત્રે નવ વાગ્યે ચીઝ ફ્રેન્કી દાબીને ટ્રેનમાં ચડી ગયા બેંગ્લોર જવા માટે. રખડ્યા પછીના થાકની પણ એક મજા છે. ખુબ બધું રખડીને જે હેરાન થઈએ એ સમયે ખુદના સૌથી અજાણ્યા ડરને મળવાની પણ મજા છે. બે દિવસ અજાણ્યા મુલ્ક અંદર જીપ્સીની જેમ રખડવાની અને ત્યાના કલ્ચરને સાક્ષી ભાવે જોવાની પણ મજા છે.

અને ઘરે આવીને આજે આ રવિવારની સવારે ચાની ચુસ્કીઓ ભરતા ભરતા આ લખવાની પણ મજા છે. :) ચાર્લ્સ ડિકન્સની બુક Tale of two cities નું છેલ્લું વાક્ય છે: “It is a far, far better thing that I do, than I have ever done; it is a far, far better rest that I go to than I have ever known.”

દરેક વણઝારા જેવું જીવતા માણસ માટે એ અંતિમ સત્ય છે.

હજુ એક વાત:

રેફ્યુજી મુવીનું એક ગીત છે. ખુબ મસ્ત છે. યુ ટ્યુબ પર ક્યારેક સાંભળજો

એ ગીતના શબ્દોમાં એક લાઈન છે:

“પંછી, નદીયા, પવન કે ઝોકે

કોઈ સરહદ ઇસે ના રોકે

સરહદે ઇન્સાનો કે લિયે હે

સોચો તુમને ઔર મેને ક્યાં પાયા ઇન્સાન હોકે”

ટ્રાવેલિંગ માટે મારે ઘણા બધા અનુભવો થયા છે એટલે અમુક અનુભવોને અંતે મેં અમુક નિયમો બનાવી લીધા છે. મારા માટે ટ્રાવેલિંગ સમયે આ નિયમો ખુબ જ મહત્વના છે.

૧) ક્યારેય જમવાનું સાથે લઈને ન જવું. ભલે તમે આખા ફેમીલી સાથે જતા હોઈ છતાં નહીં. બાળકો હોય તો અલગ વસ્તુ છે પણ તમે કોઈ બીજા પ્રદેશમાં જતા હો તો એ ધરતીમાં ભળી જવાનું હોય છે, બી લાઈક વોટર. જ્યાં જાઓ ત્યાં ભળી જાઓ

૨) ઓઢવાનું ખાસ લેતા જવું. એક નાનકડી ચાદર પણ ચાલે.

૩) કપડામાં હમેશા ટૂંકા અને સાવ હળવા કપડા લઈને જવા. નો જીન્સ. રેશમી કે કોટનના જલદી સુકાઈ જાય તેવા કપડા લઈને જવા.

૪) મચ્છર સામે રક્ષણ મળે તેની કોઈ પણ લોશન

૫) જો તમે પહાડો કે બરફમાં ના જતા હો તો બુટ કે મોજા પહેરવા નહીં એકદમ સાદી સિમ્પલ ચપ્પલ પહેરવી.

૬) કોઈ પણ શહેર હોય તો ત્યાં તમારા કમ્ફર્ટ ઝોન બાજુમાં મૂકી દેવા. મોટી હોટેલ્સ કે એસી વાળા ટ્રેન ના ડબ્બાઓમાં હું તો ખુબ બોર થાવ. તમારી ખબર નહીં. સાદાઈમાં ખુબ મજા છે.

7) ગો વિથ ધ લોકલ ફૂડ. લોકલ ડીશ ખાઈને તમે એ શહેર કે જેતે જગ્યાની એક લાંબી યાદ લઈને જતા હો છો.

૮) પર્સમાં ખુબ ઓછા રૂપિયા રાખવા

૯) મોબાઈલમાં ચાર્જીંગ ફૂલ રાખવું. પણ તેને ચાર્જ કરવા માટે ચારે તરફ ભાગતું ના ફરવું. ના થાય તો શાંતિથી મૂકી દેવો.

૧૦) જેતે જગ્યા પર ગયા હો તેના અમુક ફોટો પાડો તે ઠીક છે, પણ મેં જોયું છે કે માણસો માત્ર ફોટોઝ પડાવે છે. બસ. જાણે તેના માટે જ ગયા હોય. પહેલા તો તમારી આંખ સામેની ફ્રેમમાં જે કઈ પણ છે એને માણો તો ખરા. એકવાર ધરાઈને એ સ્થળને જીવો. અંદર ભરો. પછી કેમેરામાં ભરો. કુદરતમાં છો તો કુદરતને બાહોમાં લો. કેમેરા થોડીવાર બાજુમાં મુકો.

ઓકે. ખુબ ભાષણ આપી દીધું. બાય!