Ajanyo prem in Gujarati Short Stories by Swarsetu books and stories PDF | અજાણ્યો પ્રેમ

Featured Books
Categories
Share

અજાણ્યો પ્રેમ

શબ્દસેતુ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અજાણ્યો પ્રેમ

ભલે વસે પરદેશ સજનવા,

નજર કને હમ્મેશ સજનવા,

નવા નવા ઉન્મેશ સજનવા,

મળે અજબ અંદેશ સજનવા.

નથી કશે ને સઘળે ભાળું,

ખરા ધર્યા ત્હે વેશ સજનવા.

ફક્ત અઢી અક્ષરને ખાતર,

ગ્રંથ ભરી સંદેશ સજનવા.

હવે ફક્ત નકશાનાં ટપકાં,

હવે ન એક દેશ સજનવા.

હવે હજારો નામ ઠામ છે,

હતો એક રાજેશ સજનવા

  • રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • અમે એને ‘મોટી’ કહેતા હતા. મોટી અમારા કરતાં ઉંમરમાં ખૂબ મોટી. લગભગ ૨૦-૨૫ વર્ષ. મોટી એટલે ડિસિપ્લીન, ચોખ્ખાઈ. રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, કબીર, તુલસીદાસ, શેક્સપિયર, નિરાલાજી વગેરેની વાતો કરતી. કવિતાઓ સંભળાવતી. ૭૫મા વર્ષે મૃત્યુ પામી. તે કુંવારી હતી.

    આજે વહેલી સવારે (૩-૧૨-૧૧) એ મિત્ર મળવા આવ્યો અને મને મારી છપાયેલી ‘સજનવા’ ગઝલની ઓફ પ્રિન્ટ હાથમાં મૂકી. હવે એ રિવાજ નથી. પરંતુ એક જમાનામાં ગઝલ પ્રગટ થાય તેની સાથે છપાયેલી ગઝલની કોપી પાંચ કોરા કાગળ ઉપર મળતી. જેને અમે ઓફ પ્રિન્ટ કહેતા. પાંચેય ઓફ પ્રિન્ટ અકબંધ હતી. મોટીએ આ ગઝલને ખૂબ સાચવી હતી એ જાણ્યું. યાદ આવ્યા એ દિવાળીના દિવસો જે દિવસોમાં તેણે મને વારંવાર આવી સરસ ગઝલ લખવા બદલ અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા. આશીર્વાદથી એક વાત યાદ આવી. અમે બધા જ મોટીને જન્મદિવસે પગે લાગવા જતા. આશીર્વાદ તો મળતા જ પણ પૈસા અને પરદેશની ચોકલેટ પણ આપતી એટલે એ તારીખ પ્રમાણે અને તિથિ પ્રમાણે એમ બે વાર જન્મદિવસનું પગે લાગી આવતા હતા. એક દિવસ મોટીએ મારી આ ગઝલ સરસ રાગમાં ગાઈ હતી. એ કાર્યક્રમના વખાણ મેં ખૂબ સાંભળ્યા હતા. સાંભળ્યું છે મોટી એ વર્ષોમાં ગઝલ ખૂબ ગાતી હતી. મારા અત્યાર સુધીના કોઈ ગઝલસંગ્રહમાં આ ગઝલ આવી નથી. ખરું કહું મને યાદ પણ નહોતી કે આવી ગઝલ પણ મેં લખી છે. હાથમાં ઓફ પ્રિન્ટ આવી અને જાણે યાદોના મેળામાં હું ફરવા નીકળી પડ્યો. મોટીએ ક્યારેય પ્રેમને વિશે ઘસાતું કે ખરાબ બોલી નહોતી. મોટીએ કેમ લગ્ન નહોતાં કર્યા એ પણ અમે નહોતા જાણતા. પણ મોટીએ કહ્યું હતું કે આ ગઝલમાં તો મારી જીવનકથા છે.

    ભલે એ પ્રિય પાત્ર પરદેશ રહેતું હોય, ભલે કદી એ આ દેશમાં પાછું ન આવવાનું હોય, પરંતુ એ મારી નજરની પાસે જ હોય છે. હંમેશા હોય છે. મને રોજ રોજ નવા ઉન્મેષ પ્રગટે છે. જાણે આ એના જ અણસારાઓ છે. એ સતત મારી સાથે છે એની જાણે આ સાબિતી છે. આમ જોઉં છું તો એ ક્યાંય નથી ને આમ એને બધે જ જોતી હોઉં છું, જોઉં છું. ઓ પ્રિય! તું પણ રોજ-રોજ કેવા નવાં- નવાં રૂપ ધારણ કરીને મને દેખાય છે.

    પ્રેમ એ શબ્દ અઢી અક્ષરનો છે. પ્રત્યેક ધર્મની અંદર પ્રેમને મહત્વ આપવામાં આવ્યું છે. પણ, આ અઢી અક્ષરના શબ્દ પ્રેમને સમજાવવા માટે ગ્રંથો ભરી-ભરીને સદગુરૂઓએ, ઋષિમુનિઓએ, પરાવાણીના સંદેશાઓ આપ્યા છે. પ્રેમ લૌકિક હોય કે અલૌકિક એનું સમાઈ જવાનું એ વિરાટના પ્રેમમાં જ થાય છે.

    ગઝલ તો લૌકિક પ્રેમની છે. જે હવે કાયમ માટે પરદેશ છે એ જ નજરની સામે હંમેશ છે. અને છતાં આશ્ચર્ય એ વાતનું છે કે હવે દુનિયાના તમામ દેશો, શહેરો એકસરખાં લાગે છે. એકસરખા થઈ ગયા છે. પોતાનો દેશ પણ પારકા દેશ જેવો લાગે છે. હવે બધાય દેશ નકશાના ટપકા જેવા બની ગયા છે.

    મક્તાનો શેર એટલે કે જેમાં શાયરનું નામ આવતું હોય તે અંતિમ શેર તેનો સંદર્ભ મનમાં આવી રહ્યો છે. તને પ્રેમ કર્યો ત્યાં સુધી જ મારું એક નામ હતું અને એક જ સ્થળે મળવાનું ઠામ-ઠેકાણું હતું. જ્યાં સુધી હતા ત્યાં સુધી નામ અને ઠામ હતાં. હવે મને કોઈપણ વ્યક્તિ કોઈપણ નામે બોલાવે, ખાસ ફેર પડતો નથી. હવે ક્યાંય પણ રહી જવું કે ક્યાંય પણ જવું એક સરખું જ પોતાનું કે પારકું લાગે છે. હા, ક્યારેક નામ-ઠામ હતાં. હવે તો ઓ સજનવા નામ અને ઠામ પણ ભૂંસાઈ ગયાં છે. હવે તો એ નામ-ઠામ ભૂંસીને જીવું છું.

    આખી ગઝલ હું પણ આજે સવારથી ત્રણ-ચાર વાર વાંચી ગયો. કોઈને માટે કોઈ વ્યક્તિ જીવી જાય એ બહુ મોટી વાત છે. અને મારા જેવા એક ગઝલકાર માટે તો મારી એકાદ ગઝલ કોઈના જીવનનો સાર કોઈને લાગે એને મારી ધન્યતા માનું છું. ઘણી વાર લખાયેલી ગઝલો ઉપર નજર કરું છું ત્યારે કેવા-કેવા સંદર્ભો જડે છે, કેવાં કેવાં સ્મરણો જોડાયેલાં છે તે જાણીને આશ્ચર્ય અનુભવું છું.