કાવ્ય
કૃષ્ણકુંજ તળાવ
હરીશ મહુવાકર
..............................................
સંકોરાઉ હું ધીમે ધીમે
ચિંતા નથી તમને
તમે રોજની માફક
મારી વર્તુળાકારે ચક્કર લગાવીને જતા રહેશો.
માંડ હજુ પાંખો ઉઘાડી છે
એવા બચ્ચાઓને સંગ લઈ
ઉડી જતી માતાઓની વેદના
મારા પર અંકિત થતી રહે રોજેરોજ
તમને એ મારા ચહેરા પરના તરંગો લાગે
પરંતુ એ તરંગો
તમારામાં અંકિત થાય નહિ
તમારામાં ઉતરે નહિ.
*****
તમારા લોકની અમને સમજણ નહિ
અમારી સમજણ તમને નહિ,
વચ્ચો વચ્ચ મારી
લીલા ને સુકા
નાના ને મોટા
ઉભા છે તરુવર.
સંગાથી પુરેપુરી ઋતુના
સંગાથી એમની સંવનના ને
સંગાથી એમના જીવન નવજીવનના
એવા આ તરુવર!
સંગાથી એ સર્પગ્રીવ, બતક, હંજ અને ચમચાના.
તરુવર શોભાવે એમને ને એ શોભાવે તરુવરને!
આવી વેળાએ
તમારું મન
ઢળતા સુરજની વેળા ઝીલી શકે
એ સારું સજ્જ થાય એ બધા.
*****
દૂર ઉભેલું દસ મન્ઝીલું બિલ્ડીંગ ડોકું લંબાવે
નિજનું પ્રતિબિંબ નીરખવા
મુજ મહી.
પસંદ નથી એની હરકત મને.
કહી દીધું છે મેં એને
મુજ સાથીદારોને શીદ હટાવી આવ્યું તું?
હું વધવું એને
જે ચુંબન કરે મને શુદ્ધ હૃદયથી.
સામેના છેડાનો સૂરજ
જુઓ મારા મોં પર ઢળવા રાજી રાજી થતો આવે છે.
વાતો કરીને, થાકીને છૂટા પડતા
પોપટ, બુલબુલ, કોયલ ને પીળકોને
છાતીએ ઝીલું હું.
તૃષા છીપાવવાની વેળાએ
ખુદને જ પામી
હેરત પામતા શિયાળ, નીલગાય, ને શ્વાનની તૃપ્તિને
છેક ઊંડે મુજ હૃદયમાં ઉતારું હું.
અસ્થિર કદમ ભરતું શિશુ
ખીખીયાટા કરતુ મુજને ઢંઢોળે પોતાના મખમલી કરથી.
હેલી ચડે મુજમાં
ને મંદ અનિલ મરકીને નીકળી જાય
ને ગુંદી, લીમડા, ગુલમહોર બાવળના કાનમાં
ગુફ્તગો કરતો જાય.
*****
ઢળે નિશા,
ઢળે સર્વ પદરવ.
શાંત થાય પંખરવ.
ઝંપ વાળીને બેસે મલય.
ત્યારે મચે ખલબલી
ઉપાડે એકલવ્યની પીડા.
હોય મુજ હૃદયે
બતકા, માછલા ને કાછબા.
ઝમ્પ્યા હોય મુજ ગોદમાં નિશ્ચિંત બની
તે કેમ એને ઢંઢોળું?
રુદન ઉપાડે
ઊંડે ઊંડે ઉતરે
બહાર આવે માત્ર તરંગો.
હકીકતે હું જ ઊંડે ઊંડે ઉતરૂ
ને દેખાઉં તમને સંકોરાતું.
*****
રહેશે મુજ ત્વચાના ભીંગડા:
ખરબચડા, પથરીલા, કાળામેશ.
તૂટેલા અહીંથી ને તૂટેલા તહીથી.
મને ખબર છે
સવિતા નારાયણ પૂછશે મારી ખબર રોજે રોજ
એને પણ અસહ્ય થઇ પડશે મારી ભીતરનું પોત.
બળબળતા ખુદ બહાર આવશે મુજ મહીથી
ને એની તે માંડશે વાત
કે ઊજ પડોશીઓ
થરથરીને, આકળ વિકળ થઈને
આંસુ સારશે
ને નગ્ન થઇ રહેશે મારી માફક.
એવે વખતે તરંગો ઉઠે છે હવા મહી
જે તમેં જોઈ શકતા નથી.
*****
પ્રતીક્ષાનો મતલબ
કૂખમાં ગર્ભ લઇ ફરતી માં જાણે છે માત્ર.
મારામાં ઉતરે એ નવ માસ લગી.
સપાટ સમતળ મોં, છાતી અને શરીર લઇ
ઉબુ રહું હું.
તરંગો ભળાય નહિ તમને
તરંગો ભળાય નહિ મને.
*****
સળવળાટ ઉપાડે,
કીડી કાનખજૂરા, વીંછી ને સાપ
મારો આંતર સળવળાટ લઇ ઉપાડે મુજથી દૂર.
વિશ્રાંતિ પામવા ફરે, ઘૂમે, લસરે, સરકે, ઢસડાય અહી તહી
ન આરો ન ઓવારો એમને
કારણ
એમનામાં હું ને !
*****
થાકું હું
ભૂખ્યું રહું,
તરસ્યું હોઉં હું.
દયા માત્ર એ દર્શાવી શકે
જે અન્ન, જળ, શાંતિ આપી શકે.
હૃદય જેનું સાગર હો
તરંગો અને મોજાઓથી ભરપૂર.
શી કમી એવા ગુણવરને ?
બધું જુએ કે તો બધું જાણતો જ હોય ને!
કસોટી લે મારી-
ભાંગી નથી પડતું ને એની.
આખરે મોકલે હળવા , સહિત મૃતને પ્રથમ,
પછી મોકલે આંખોમાં જીલી શકું તેવા આડંબર
ને થઇ જાઉં ટટ્ટાર
આખરે આવી પડે વહાલો મારો
કરે રસ તરબોળ
બોળંબોળ ને બોળંબોળ
કરે પશ્ચિમાકાશને વીજ તિલક
ઉઠાડે મયુરને ને ઉઠાડે તરુવરને
ને જગાડે સકલ જગને
મન ઉભરાય, હૃદય ઉભરાય
આંખો ભરાયએને કરેલા અછોવાનાથી
પૂનઃ તરંગીત થઇ ઉઠું હું
તમે જુઓ કે ન જુઓ
માત્ર તરંગો ને તરંગો
સકલ દેહ માત્ર તરંગો ને તરંગો જ.
*****
૨. ઉદ્યાન
............................................................
છ ક્યારામાં વહેચાયેલો છે મારો ઉદ્યાન.
નિંદણ કે સાફ સફાઈ
ક્યારાની ઉથલ પાથલ કે ખાતર આપવાનું
સિંચન, માવજત હાથને પામે.
રતુમડું ઉગતું જતું પાન,
કોંટા ફૂટતા જતા છોડ
ઉગતી કળી ને ખીલતું ફૂલ
આંખો બહાર જાય નહિ.
કોમળ કાંટાળા કેક્ટસ,
તુલસી, મની પ્લાન્ટ ને જુવારા
એક તરફે
બીજી તરફે
દહેલીયા, જાસૂદ, ગલગોટા,
ક્રોસ્બ્રીડ કરેલા પ્લાન્ટ્સ,
ને નવજાત શિશુ સમા બોન્સાઇ,
પાતળી નાર સમો સોપારીનો છોડ પણ ખરો
આંખનો ક્યારો છે આ.
પડોશમાં વસે બીજો.
ગુલાબ, મોગરો, ચંપો ને જુઈ.
મધુમાલતી, રાતરાણી આલિંગન આપતા
બોરસલ્લી અને પારિજાત અને બૂચને.
નાકનો આ ક્યારો ચુપચાપ દોસ્તી કરી લે છે પહેલા સાથે.
સાવ છેડે ઉભા આંબા
ગરદન ઝૂકાવતાં ચીકુ ટટ્ટાર, ગર્વીલા પપૈયા
પાણીના ભર્યા કૂંડા હાથમાં ઝીલીને
ઉભા છે જમરૂખ ને સીતાફળ
જીભ ફરે મારી એના ઉપર આખું વરસ.
ત્રણ ક્યારા તમને દેખાશે નહિ.
જેમ કે –
પોપટ, કાબર, કાગડા, કબૂતર ના ક્યારા ન જ હોય!
કોયલના માળા ને મધમાખીના પૂડા
કીડીના દર ને ઉંદરના ઘર
એની જગ્યાએ જ હોય!
બૂલબૂલ નિમંત્રણ આપે સંગાથે ગાવાનું.
મોર ઢંઢોળે સવારને –સાંજને.
ચકલી કરે અવારનવાર ‘ટ્વીટ’
ગજકર્ણ બની રહું.
કાચ્ચી – ખાટ્ટી કેરી, લીલ્લી કડવી લીંબોળી
સોનેરી પાકા પપૈયા,
સવારે ગુલાબ ને રાતે મધુમાલતી
તમારા અંકૂશ બહાર,
થઇ સમીર પર સવાર
કરે યાત્રા આસપાસની – ચોપાસની
જીહવા પાણી પાણી.
ગુલાબ, બોરડી, થોર અજમાવે તમારી અન્ગૂલીઓને
દાદીમાનો ચહેરો લીમડાની ત્વચામાં ખીલે
ઉબડ ખાબડ થડ ને વડવાઈ દાદાજીની દાઢી
પણ,
શ્વેત ઉદ્દદંડ મોગરો શિશુ ચલ સમું ઝૂલે.
લો આ પાંચ ક્યારા.
મારા જેવું બનવું પડશે.
આઈ મીન કે
મારી આંખોમાં વસવું પડે તમારે.
તોય શંકા રહે છે
છટ્ઠો ક્યારો જોઈ શકવાની.
એનું એવું કે એ
ક્યારેક દેખાય
ક્યારેક ન દેખાય
ક્યારેક અર્ધો પરધો દેખાય
ક્યારેક ઝાંખો-પાંખો દેખાય.
કસરત આંખની કરતી રહેવી પડે.
ક્યારેક
પ્રથમ પડેલા વરસાદના સ્પર્શથી
ત્વરિત ઉગી નીકળતા તરુણ સમ
ઉઘડી આવે આ ક્યારો
ક્યારો મારી કવિતાનો
ને એની પાછળ ઉઘડતા આવે
સર્વ સઘળા ક્યારા,
મારા ઉદ્યાનના.
*****
૪ . નદીને
....................................................
પહાડી પાછળ ઘનઘોર છૂપાઈને
અચાનક ચડી આવું.
દરિયો હેતનો ભરી
વીંટળાઈ વળું તને હું
ઘૂમરી સમ સમીરની માફક.
લઇ જાઉ તને માઈલોના માઈલો દૂર
ને વિનાશ સર્જી દઉં તારો,
નવસર્જનને કાજ.
લૂપ્ત સરિતા વહાવું એવી
મારગે કશુંય રહી ના શકે.
સર્વ સર્વસ્વ હોમે
સાગર દેવને
ને શમે સર્વ તોફાન.
*****
૫. તરુ
....................................
વિરહી બેબસ પવન
વળગ્યો તરુને એમ,
આલિંગન ઝીલતું તરું
ઝૂક્યું એને એમ.
સમ હૃદયી ઢળ્યા ધરતી ખોળે.
આવતા અનેકો કામ યાદ
ઉપાડ્યો મલય ઓતરાદી કોર્ય
બળી મૂઉં એ
રફ્તા રફ્તા,
લપેટ્યાનું સ્મરણ લઇ.
*****
૬. મામેજવો
............................
શહેરી લોક
એના વિષે વાંચે
માત્ર આયુર્વેદિક પુસ્તકોમાં.
નરી કડવાશભર્યો એ
મધમીઠો મારા માટે.
ખેતરોના શેઢે ફરતા
એને જોઉં ત્યારે,
બાપનેય શેઢે ફરતા જોઈ શકાય-
મામેજવો ચૂંટતા.
૭.ખડક
હરીશ મહુવાકર
.................................................
આવન જાવન દિન-દહાડા રાતોની
કે આવન જાવન ઋતની
બળબળતો તાપ
અને બળબળતી રેતી
લપેટે સઘળેથી .
ન વાછટ,
ન શીતળ હવા સ્પર્શે .
કિનારો દૂર છે મુજથી
ને ચોમાસું દૂર છે ઉરથી .
તરસ એને આવી હોવી જોઈએ મારી
નહીતર
માવઠું આમ આવીને
ભીંજવે નહિ.