Prem - Shayari - Kavita 6 in Gujarati Poems by Archana Bhatt Patel books and stories PDF | પ્રેમ શાયરી કવિતા 6

Featured Books
Categories
Share

પ્રેમ શાયરી કવિતા 6

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : પ્રેમ - શાયરી – કવિતા- 6

શબ્દો : 1575

સજેસ્ટેડ શ્રેણી : કવિતા

1.

શ્વાસે શ્વાસે જાગી તૃષ્ણા
દર્શન દ્યો હવે તો કૃષ્ણા

અંતરની બસ એક જ મહેચ્છા
તુજ સંગની જાગી ઈચ્છા

હૃદયે વસી એક અભિપ્સા
કૃષ્ણ સ્મરણ મોક્ષની ઈપ્સા

નથી અન્ય કો ભૌતિક લાલસા
ખુદના સૂક્ષ્મ સ્વાર્થની છે અભિલાષા

જો તુને લાગે આ અતીચ્છા
સમજી બાળ ઉગાર મને કૃષ્ણા...

શ્વાસે શ્વાસે જાગી છે તૃષ્ણા
દર્શન દ્યોને હવે તો કૃષ્ણા...

2.

એક ક્ષણ જો મળે મોકો તો હું બનવા ચાહું તારી પળ...
કારણ તારી મારી વચ્ચેનું અંતર લાગે મોટું જાણે રણ...

મોટી બહુ વાત નથી જે સ્હેજ નો જ મામલો ને તોય મથામણ
આપણી વચાળે જો આવી જાય નાની કણ તોય કહાવાયે એ રણ

વિષમ... વિપરીત... સંજોગમાં ઊભરે જે છે વિલક્ષણ....
ઊલટું... અવળું... ની ગૂંચવણ... મનની મથામણ...

ખરબચડા જો હો રસ્તા તોય પાર એ તો થાયે...
અસમતાની આ દુનિયામાં ક્યાંથી લાવવું કણ...

છે કુદરતોનો ક્રમ કીડીને છે કણ ને મળે હાથીને મણ
મળે નહીં જો કાંઈ મનવા ન શોધીશ તું કારણ...
3.

હૃદયથી નીકળેલ કાળજા ના ટુકડા શો મિજાજ...
વારંવાર ગમે ઊંચખવો એવો પ્રેમનો ભાર..

ઈશ્વર જો આવે બહુ વાર લાગે એને મુજ સુધી પહોંચતા
ઈશ્વર પગરણનો મુજ પર છે આભાર...

દિકરી ના સ્વરૂપે અવતર્યો એ પ્રેમ સજી શણગાર..
ગૃહલક્ષ્મી આપ્યોં તેં મને મુજ હૃદયપર અસવાર...

મને ગમતીલો ને વ્હાલો એવો નાજુક શો વ્યવહાર..
સમખગ્ર જીવનનો જાણે મારા આવી ગયો આજ સાર..

લાડ લડાવું પ્રેમે પટાવું તું મારા હૃદયનો હકદાર...

અને બસ વધુ લખુ તો આવે આંખે અશ્રુઓનો પ્રહાર...
4.

કહેતી મા...

કપાળે કૂવો ને પાંપણે પાણી
આ જીવતરની એ જ રીત નિરાળી

જીવનબાગની હરીભરી હરિયાળી
ને તોય સાવ સૂકીભઠ આપણી કહાણી..

નદી જો હોઈએ તો વહીએ પાણી પાણી
સાગર મોજાને કેમ રોકીએ ઉછાળી

સલિલ પ્રવાહને જાત તોય બાળી
અબળા નારી ઓળખાય તોય નારાયણી

ઘટઘટ જીવતર વાત કાળજે કોરાણી
કે કપાળે કૂવો હો ને હો પાંપણે પાણી

અશ્રુ વિરહમાં આજ જાત ખોવાણી...
પ્રવાહી જીવન જ્યાં વાત તારી આણી...

ધસમસ ધસમસ અશ્રુ પ્રવાહે સખા
યાદ તારી આવી ને મારી આંખો પલાળી...

કે સુકૂ ભઠ જીવન ને તોય હરિયાળી..
કપાળે કૂવો ને પાંપણે પાણી... (3)

5.

પ્રેમ પામવો જો હો વિષય સંશોધનનો
તો પછી...
મારું તુજ વિના એકલપંડે ઝૂરવું એ શું ?

તું નથી અને મેળવવો પડે જો મારે તારો પતો
તો પછી...
હૃદયે ધર્યો વિશ્વાસ તારા નામનો એ શું ?

નીકળી પડીશ બસ એમ જ ભાળ કાઢવા તારી
તો પછી...
તારી આવવાની રાહમાં પેટાવેલ કોડિયાનો અર્થ એ શું ?

બિછાવ્યા છે પુષ્પો જ બસ પુષ્પો બધે રાહમાં
તો પછી...
દોડતાં પણ કદમ પેછા સ્હેજ પડે એ શું ?

વાત ચે બધી ઠાલી વાયદા ઓની ભરમારનાં
તો પછી...
બની સૂર્ય તુજ નામનો ક્ષિતિજે અસ્ત થવું એ શું ?

6.

'વે'માં એકવાર 'વેઈટ' કરતાતા બન્યું કૈંક એવું આજ...
કે ન જોવાઈ મુજથી પછી તારી વાટ...
કે આપણી છે પ્રૈમની જાત....

ગમતીલું તારું એક નામ રોજ લેતાં બન્યું કૈંક એવું આજ...
ન કહેવાઈ કોઈને આપણી એક વાત...
કે આપણી છે પ્રૈમની જાત...

જીવતર બન્યું દોઝખ તારા વિના બન્યું કૈંક એવું આજ...
આવ્યો વિયોગ બનીને ઝંઝાવાત..
કે આપણી છે પ્રેમની જાત...

આવ આવ બસ આવ હવે ફરી બન્યું કૈંક એવું આજ...
ખાલીપો તારા નામનો કરે આંસુની સૌગાત...
કે આપણી છે પ્રેમની જાત...
7.

કોઈ રસ્તો રાહબર બને એવું બને...
કંટકોની ચાહત સુવાસ બને એવું બને...

વિકલ્પ ક્યાં કદીયે પોતાનાં થયાં હતાં..
કોઈ વિકલ્પ જ ખરો ઉત્તર બને એવું બને...

તું કહે તો ક્ષણમાં કંડારી દઉં કેડીને...
ચાહત મારી તુજ પગતળિયે પુષ્પ બને એવું બને...

કહું છું કે થોભી જા બસ એકવાર ન જઈશ..
આવતી કાલની સવાર જુદી પડે એવું બને....

સમયના બંધનો ક્યાં નડ્યા છે આજદિન સુધી
ને તોય ઘડિયાળનાં કાંટે જીવ લટકે એવું બને..

બનવાને ઘણુંય રોજે રોજ બનતું હોય છે જિંદગી છે..
તું સામે ઊભી હો ને તોય મુજને ન મળે એવું બને...!!!
8.

સાથે સાથે રહેતાં રહેતાં થાકી જવાય છે
વધુ નિકટ્તમ પ્રેમ પગથારે હાંફી જવાય છે

કેમ કરીને વાટ બસ જોયાં કરવી ઠાલી
તારા લાવવાના પ્રયાસે રોજ ખટકી જવાય છે

રાહ કહું છું પકડી લે છે મજાનો પ્રેમમાં
તને એક વાત સમજાવતા ભટકી જવાય છે...

ભટક્યા તા માર્ગેથી એકવાર હા હજુયે યાદ છે
એક ભૂલ ને સુધારવા રોજ ફરી જીવી જવાય છે...

અંતર એટલું ચંચળ છે ને ભટકી જવાય છે...
રાહ જોતાં થાકી ટાઠકે એમ જ મટકી જવાય છે....

સાથે સાથે રહેતાં રહેતાં થાકી જવાય છે
કે વધુ નિકટ્તમ પ્રેમ પગથારે હાંફી જવાય છે...
9.

પરિવર્તન મુજ જીવનમાં કૈંક એવું આવ્યું
કે કોરી એ વાડને આજ પાન લીલેરું આવ્યું...

પવન વૈશાખી વાયો એવો જોરમાં...
ને યોવનને ઝાપટું અષાઢી આવ્યું....

વ્હાલ... પ્રેમ... ને રમત ન પારખી શકાયે કદી
સમજણનું નવું સોપાન જીવનવહી ગયે આવ્યું...

તું આવે તો છે મજા બહારોની ને તોય...
જીવાતું જાય છે નથી આંખે એક આંસુ આવ્યું...

ખાટાં... મીઠાં સ્મરણોનો હવે ભાર ક્યાં...
જ્યાં કફન બની સ્વાદનું જ તાળું આવ્યું....!!!

10.

ઘા જો હોયે તો મલમ પણ લગાવીએ અંતર ઉઝરડાનું શું ?
દુન્યવી વાતો એ જીવ નવ બાળીએ જીવન ઘસરડાનું શું ?

બાળક હોઈ તો ઝગડી પણ લઈએ નાની અમથી વાતમાં
કરીએ દોષારોપણ પરસ્પર કે જે તારો નથી એ ભમરડાનું શું ?

કંટકોની વેદના જાણવી જ હોય તો ફૂલોનાં સ્મિતને પૂછો
થયાં હાથ ઘાયલ ફૂલનાં જ સ્પર્શથી જ્યાં એ ઉઝરડાનું શું ?

જીવન આવન જાવન છે જાણી જ લીધું છે એ હવે જીવીને
કોઈની પાછળ ફર્યા કર્યા તાં પ્રેમથી એ સઘળાં ચકરડાંનું શું ?

સ્હેજ અમથી વાતમાં જ હૃદયે લાગણીઓ ચૂવા માંડે તો
સ્નેહે સીંચેલા મરીને ય સાચવેલાં બધાં પ્રેમ ઢસરડાંનું શું ?

11.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
કરું નમન તવ ચરણમાં શીશને હું ધરી....

ચૌદ ભુવનના નાથને વિનંતી આજ એ કરી...
સંસાર હો સુખદ ને સૃષ્ટિ હો હરીભરી....

વિશ્વ આખું છે તુજ પ્રતાપે તું ઉગાર ઓ હરિ...
કળિયુગના પ્રતાપે પૃથ્વી જે હતી ભરીભરી....

આજે સર્વ થયું છે નાશ ને બની એ મરીમરી...
દુનિયાનો ઉધ્ધાર કર લે જનમ હવે હરિ...

આલમ સુધાર તુજ સ્પર્શથી ને સુધાર જરીજરી...
મૃત્યુલોક નો માનવી કરે પોકાર ડરીડરી...

જગત આખાનો નાથ બસ એક તું શ્રી હરિ...
કરવા ઉધ્ધાર પૃથ્વીનો અવતર હવે તું ઓ હરિ..
અવતર હવે તું ઓ હરિ...

12.

શબ્દ જગત પ્રેમ રમત..
શબ્દ રમત પ્રેમ જગત..

ભાવ જગત લાગણી રમત
લાગણી રમત ભાવ જગત

સ્મિત જગત શ્વાસ સંગત
શ્વાસ સંગત સ્મિત જગત

અંક જગત શૂન્ય ભ્રમત
શૂન્ય ભ્રમત અંક જગત

તું જ જગત હું જીવત
હું જીવત તુજ જગત...
13.

જિંદગી લાગે જીવવાને જો જરીક પણ સારી..
ન રહે ઈશ્વરની ચાહ ને બની રહે નઠારી...

આવ આજ જરાક થા ઉપસ્થિત કે જરૂર છે તારી...
ઈશ્વર ને બદલે એક 'દિ થા માનવ અરજ છે મારી....

રોજ રોજ ની દોડ ભાગ માં નથી દશા જરીયે સારી..
સ્મિત રાખો ચહેરા પર સતત ચાહે વાગી હો કટારી...

તું આવે જો એકવાર લઈ જનમ મનુષ્ય દેહધારી
પડે સમજણ તનેય ભગવન્ આ જિંદગી છે અકારી....

કે ઈશ્વરને બદલે એક 'દિ થા માનવ અરજ છે મારી
ઈશ્વર ને બદલે એક 'દિ થા આનવ અરજ છે મારી

14.

આંગણ ઊભું એક ખ્વાબ કે ખોલી દો કમાડ...
એને આવવું છે અંતર દ્વાર કે ખોલી દો કમાડ...

જગતની વાત શું કરવી છે જીવાય છે માંડ..
થઈ જાય મિથ્યા ઝાકઝમાળ કે ખોલી દો કમાડ...

પાંજરે પૂરાઈને શ્વાસ ક્યાં સુધી લેવા હવે..
થઈ જાયે કાળજે હાંશ કે ખોલી દો કમાડ...

મન મગજને માંડવે બાંધવા તોરણ કેટલાં...
જરા હૃદયે ધરી લ્યો હામ કે ખોલી દો કમાડ..

આ જન્મનાં ફેરાં ન થાયે પૂરાં ને આવતા ભવની વાત
જન્મોજન્મની થઈ જાયે સૌગાત કે ખોલી દો કમાડ
15.

મારા પ્રેમનું રૂપ રહ્યું વિશેષ સદા કામઢું
આંખે બાઝી રહેતું અણધાર્યું સદા ઝાપટું..

ન વરસે જો સમયે તો નથી કશાએ કામનું
કાં તારો પ્રેમ બને રોજ રોજ વરવું માવઠું ?

આવ વરસાદ તને વરસતા આજ હું શીખવું
બને વરસવું પછી ધીરેથી તારું પ્રેમલું ને ઠાવકું..

ઘટનાની જ જો વાત હો તો રહે મન નચિંતવું
મનમેળ થયો છે જ્યારથી જીવવું થયું છે લાડકું...

દૂર ગયું ઝાપટું ને ભૂલી જવાયું છે હવે માવઠું
સખા તારી સંગનું પ્રેમનું ભાણું છે મને મનભાવતું...!

16.

મનનું મેઘધનુષ શીખવે રગરગ પ્રેમવું
તુજ સંગ ઉછરવું ને રોમરોમ નિત્ય મ્હેંકવું....

સાચો હો કે ખોટો મમત એ મમત છે
તારી સાથે મારી પ્રેમની ગમ્મત છે

લોક ધારે જે ધારતા હશે ધારતા ભલે
હું ચાહું તને ન એમાં લગીરે બેમત છે

કહ્યુ મારું માન જરા નાહક જીદ્દ છોડ જે
અટકચાળા છે બધા જાણું છું તું સંમત છે

તને પામવા ધમપછાડા કર્યા છે અનેક
અને તું શું એમ કહે કે બે ઘડીની આ રમત છે ?

આગ્રહ મારો સમજજે નથી આજજી આ વ્યર્થની
જેવો છું ભલે છું સાચો અને તું જ મારી હિંમત છે

તું જો એ પારથી આવી જાય મારી તરફના પક્ષમાં
પલ્લુ ભારી જરા થાય મારું તું જ મારી કિસ્મત છે...

17.

હૈયુ નીચોવાઈ જાય એવી એ ક્ષણ હતી
કે મારી અને તારી જુદાઈની એ ક્ષણ હતી...

તોલતા હશે લોક સૌ એને પોતપોતાના ત્રાજવે
કોકને આ વાત કણ હતી ને મારે મન એ મણ હતી...

યાદ હશે તને આપણ કોલ પ્રેમનાં દીધા'તા એક'દિ
મારી જીવનનૈયાનું તો એજ સાચુ ભરણપોષણ હતી

જીવી ગયો છું તારા નામથી આમ જ બસ અમસ્તુ
કેમ કરીને કહું વિના તારી હરેક પળ આખરી જ ક્ષણ હતી ???

કે ચાલ કરીએ ફોક આજ આ વ્યવહાર પ્રેમનો બસ એટલું
નહી નીકળી શકાયે એ લાગણી ખરુ પ્રેમનું કળણ હતી
18.

માળો માળો ને માળો
છે પ્રેમનો અટકચાળો આ માળો...

ચાર તણખલાં નો સરવાળો
ને તોય ભવને ભરનારો આ માળો....

વૃક્ષને જઈ પૂછો તને કેમ ફૂટી છે ડાળો?
ડાળ પાંદડાની ઘટામાં છૂપાયો આ માળો....

ઉનાળામાં ખૂબ સારો ભલે હોય ગરમાળો
જીવન શ્વસે છે ભીતરે તેના એવો છે આ માળો...

થડને ફરતી શાખા પૂછે કે ક્ષણમાં એને ગાળો..
અસ્તવ્યસ્ત ગભરુ પારેવું અને એનો આ માળો...
19.

લીલા તે વૃક્ષનું અમે સૂકું સરીખું પાન
ન માંગીએ કદીએ બહુ માન...

સૂસવાટા મારે જો પવન સ્હેજે સરીખો
તો ગાઈએ અમે નિજ ગાન....

ન માંગીએ કદીએ બહુ માન...

ખરવું એ જ છે નિયતિ એ જાણતાં અમે

ન તોડીએ હૃદયતંતુ જેવું પાન...
ન માંગીએ કદીએ બહુ માન...

વસંત પાનખર ન ધરીએ હૃદયે કદી
રડીએ ન કશું ધરી કાન....

કારણ...

લીલાં તે વૃક્ષનું અમે સૂકું સરીખું પાન...
ન માંગીએ કદીએ બહુ માન....

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888