Cupid Psyche in Gujarati Love Stories by Kunjal Pradip Chhaya books and stories PDF | Cupid Psyche

Featured Books
Categories
Share

Cupid Psyche

પ્રેમ યુગલઃ ક્યુપિડ અને સાઈકી

પ્રાચીન સમયમાં ગ્રીક સંસ્કૃતિની સુંદર પેમકથાઓ ખૂબ જ પ્રચલિત હતી એમાંની સૌથી ઉત્કૃષ્ઠ એવી વાર્તા ક્યુપિડ અને સાઈકીનાં પ્રેમ પ્રકરણની છે. આ દંતકથા પ્રેમ દેવીત્વ કથા સમાન ઘણાંય છે. સોનેરી તીર સાથે કામદેવ સ્વરૂપ ક્યુપિડની તસ્વીર આપણે અનેકવાર જોઈ છે. વેલેનટાઈન્સ ડે નિમિત્તે અપાતી ગીફટમાં પણ એનું મહત્વ ખાસું છે.

અક્ષ્મ્ય વેદનાઓ અને કપરી યાતનાઓ વેઠીને પોતાના પ્રેમને અમરત્વ આપનાર આ પ્રેમી યુગલની વાર્તા સદીઓ પુરાણી છે. ક્યુપિડ અને સાઈકીનું યુગલ વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને કઠણ પરિક્ષાઓમાંથી પાર ઉતરીને પ્રેમની પરાકાષ્ઠાની સફળ અનુભૂતી કરાવે છે. આ વાર્તા ભલે રોમાંચિત કરી દેનારી પૌરાણીક કથા ભલેને યુરોપિયન પૃષ્ઠભૂમિની હોય છતાંય આપણી માતૃભાષામાં વાંચતી વખતે અનેરી ઉત્સુકતા આવશે એવી ખાતરી છે.

-કુંજલ પ્રદીપ છાયા

kunjkalrav@gmail.com

સદીઓ પહેલાં ગ્રીક સંસ્કૃતિનાં પૂર્વજોનાં કૂળનાં એક રાજાને ત્રણ દિકરીઓ હતી. એમાંની એક દીકરી સાઈકી અતિશય સ્વરૂપવાન સ્ત્રી હતી. એનું ઓજસ ખૂબ જ પ્રભાવશાળી હતું. પૃથ્વીલોકમાં જો સૌથી શ્રેષ્ઠ સૌંદર્યમયી સ્ત્રીઓની પ્રતિયોગિતા યોજાય તો વિજેતા આ રાજાની સૌથી નાની દીકરી સાઈકી બેશક તાજ પ્રાપ્ત કરે! જાણે કે રૂપ - રૂપનો અંબાર હોવું એતો સાઈકીને કોઈ દૈવી વરદાન સમું હતું!

રાજાની અન્ય બે દીકરીઓ સાઈકીની હંમેશાં અદેખાઈ કરતી. સ્વાભાવિક રીતે એઓ સાઈકીની હિતેચ્છુઓ નહોતી છતાં પણ એનું સુખ ઈચ્છતી હોય એમ એનાં લગ્નવિષયક અવારનવાર અનેક અટકળો કરીને અડચણો ઊભા કરવામાં કોઈ જ કચાશ ન મૂકતી.

સાઈકી નમણી અને નમ્ર હતી. એ ક્યારેય તેનાં રાજા પિતાનો આદેશ ઉથાપશે નહીં એવી એની બાકીની બહેનોને ખ્યાલ હતો જ. તેથી અદેખાઈ અને બેચેન અવસ્થામાં મનમાં દ્વેશ અને આવેશ ભાવ સાથે એઓએ એક કાવતરૂ ઘડ્યું.

સૌંદર્યમૂર્તિ એવી દેવી વીનસને એમણે વિનંતી કરી કે અમારી આ બહેનને તમે કોઈપણ રીતે સજા કરો નહીં તો એ પોતાની આભા થકી લોકોને મોહી લેશે અને પછી લોકો તમને પૂજવાનું ભૂલી જશે. પ્રેમ અને સુંદરતાની દેવીને થયું કે વાત તો સાચી છે. પાતાળલોકથી લઈને પૃથ્વીલોક સુધી જો આ છોકરીની સુંદરતાનું ઔચિત્ય પંકાઈ જશે તો એમનું સ્થાન હણાંશે.

એમણે ગ્રીક સંસ્કૃતિનાં સૂર્યદેવ એપોલો પાસે નકલી વાર્તા ઘડી અને એમનાં દેવસ્થાન ઓરેકલમાં એ રાજાને બોલાવીને કહ્યું; “તમારી સૌથી નાની પુત્રી શાપિત છે. એનાં લગ્ન તમારે ખૂબ જ ક્રુર સર્પ સાથે કરવવા જોઈએ.” દેવસ્થાન ઓરેકલમાં થયેલ વાતને રાજા નકારી શકે એમ નહોતો. પરંતુ રાજકુમારીનું જીવન પણ હોમી દેવા તૈયાર નહોતો. દેવતા એપોલો એ જણાંવ્યું કે આમ કરવાથી એમનાં રાષ્ટ્રનું હિત છે. નહિ તો આગળ જતાં પુત્રીનાં કર્મદોષને લીધે એમનાં રાજ્યમાં ભયંકર મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

રાજાઃ હે દેવતા! હું શું કરૂં હવે? તમે મને દુવિધામાં સંડોવી મૂક્યો! મને મારી દીકરી ખૂબ જ વહાલી છે અને એક રાજા તરીકે હું મારી પ્રજાને પણ મુશ્કેલીમાં ન મૂકી શકું.

રાજા પોતાનાં રાજ્ય અને પુત્રી બંનેનાં હિત વિશે વિચારી રહ્યા હતા એવામાં સાઈકીએ આવીને એમને ચિંતા મુક્ત કર્યા.

સાઈકીઃ પિતાજી, આપણાં દેશનાં હિત માટે જો મારા જીવની કુરબાની આપવી પડે તો હું તૈયાર છું. એક રાજકુમારી તરીકે મારી એ ફરજ છે. આપ મારા ભવિષ્યની ચિંતા ન કરો.

એ સમયગાળા દરમિયાન બીજી તરફ સૌંદર્યમયી દેવી વિનસ થકી પોતાના પુત્ર ક્યુપિડને એક આદેશ કરાયો. ક્યુપિડ માતા વિનસ અને પિતા જ્યુપિટરનો સુપુત્ર અતિ આજ્ઞાંકિત હતો. જેમનાં શરીરે સુવર્ણ પંખ લાગેલ હોય એવા એ કામદેવનાં વરદાન સમાં સુવર્ણ તીરકામઠાં ધારણ કરતો. એક માન્યતા હતી કે તેની પાસેનાં સુવર્ણ તીર જેની પર લાગે એની સામે પ્રથમ જે વ્યક્તિ મળે એનાંથી એમને પ્રેમની લાગણી અનુભવાય. એવી બીજી પણ માન્યતા જતી કે જો કોઈ દુષ્ટ કે ક્રુર હોય તો એમને સજા કરવા હેતુ દૈવી શક્તિ ધરાવનાર ક્યુપિડનું રૂપેરી તીર વાગે!

યુરોપિયન ગ્રીક સંસ્કૃતિનાં આરાધ્ય સમાં આ દેવી વિનસ અને દેવતા જ્યુપિટરે પોતાનાં સંતાનને હૂકમ કર્યો કે દેવસ્થાન ઓરેકલમાં પોતાની ત્રણ પુત્રીઓ પૈકી સૌથી નાની પુત્રીનાં સૌંદર્યથી ચિંતિત રાજાની મુશ્કેલી દૂર કર. એમણે સાઈકીને પોતાનાં સુવર્ણ તીરનાં વરદાન હેઠળ દુનિયાનાં સૌથી કદરૂપા પુરુષ સાથે પ્રેમ થાય એ રીતે સાઈકીને મુશ્કેલીમાં મુકવાની યુક્તિ કરાઈ.

સાઈકી સુંદરત્તમ હોવાની સાથે નસીબ વાળી પણ હશે કે પ્રેમનાં દૈવી વરદાન સમા ક્યુપિડને એને જોતાં એ એનાં સ્વરૂપથી અંજાઈ ગયા અને એજ ક્ષણે એમનું સુવર્ણ તીર પોતાને જ ભૂલથી લાગી ગયું. ક્યુપિડ હવે સાઈકીનાં પ્રેમમાં મહાલવા લાગ્યા.

પોતાનાં પ્રારબ્ધને સ્વીકારીને સાઈકીને એનું રાજ પરિવાર એક વિરાન ટેકરી પર મૂકી ગયું. એહીં એને કહેવામાં આવ્યું હતું કે તારા વેવિશાળ એક સર્પ સાથે થશે. સાઈકીની અન્ય બહેનોએ વિચાર્યું કે હવે એમની સામે સુંદરતા સામે કોઈની હોડ નથી. એવો નિશ્ચિંત થઈ ગઈ. એમણે વિચાર્યું હતું કે એ ભયંકર એકાંતવાળા પહાડી વિસ્તારમાં સાઈકીને મહાક્રુર સર્પનો દંશ થશે અને એનું પ્રાણપંખેરું ઉડી જશે.

મનમનાવીને સાઈકી પરિવારજનો અને રાજકીય પ્રજાની સુખાકારી ઇચ્છતી એકલી એ જંગલ વિસ્તારમાં એકલી રહેવા લાગી. અચાનક એક રાત્રે એક સર્પસ્વરૂપ નર એની પાસે આવ્યો અને કહ્યું કે હું જ તારો પતિ છું. રાત્રીનાં અંધકારમાં પોતાની ઓળખ છુપાવીને એ હંમેશાં સાઈકી સાથે સહવાસ કરવા લાગ્યો. ધીમેધીમે સાઈકીને પણ આ રીતે પણ સંસાર બંધાયો હોવાનો આનંદ મળ્યો જેથી. એ સંતુષ્ટ હતી.

સાઈકીના પતિએ એને કહ્યું હતું કે “તે આ પ્રમાણે રોજ રાતે આવશે અને દિવસનાં પહેલાં પ્રહર પહેલાં જ ત્યાંથી રવાના થઈ જશે. એ કોણ છે? શું કરે છે? ક્યાંનો છે? વગેરે પૂછવું નહીં. પોતાનાં પ્રેમી પર વિશ્વાસ રાખજે. હું તને ખૂબ જ ચાહું છું.” સમગ્ર સંસારનું સુખ એને એ ક્ષણમાં મળી જતું જે સમયે એનો પતિ એની પાસે હોય. પરંતુ સાઈકીએ ક્યારેય એનાં પતિનો ચહેરો જોયો નહોતો.

હવે એનું જીવન પરિપૂર્ણ થયું છે. ખુશ છે; સુખી છે. એવો સંદેશો એણે પોતાનાં રાજ્યને મોકલાવ્યો. પોતાની બહેનોને મળવાની ઈચ્છા એણે પતિને કહી.

નર સર્પઃ તું તારી બહેનોને ચોક્કસથી અહીં આવીને રોકાવાનું આમંત્રણ આપ. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજે. તું ભોળી છો. તારા મનમાં કોઈ જ જાતનું કપટ નથી તેથી તું એ લોકોની વાતોમાં આવી જઈને મારા વિશેની તપાસ કરીશ એવો મને ડર છે.

સાઈકીઃ પતિદેવ! મને તમારા પર અને આપણાં પ્રેમ ઉપર સંપુર્ણ વિશ્વાસ છે. તમે નિશ્ચિંત રહો.

સાઈકીનું પ્રેમભર્યું વચન સાંભળીને તેનાં પતિને ધરપત થઈ. બંને બહેનોને અહીં મળવા આવવાની અનુમતિ આપી. પુત્રીનાં કુશળમંગળનાં સમાચાર જાણીને રાજા ખુશ થયા. બીજી બહેનોને પણ ખુશખબર આપ્યા અને એમને ત્યાં જવાની વાત પણ કરી. એમની યુક્તિ અવળી પડી એવું અનુભવતી બંને મોટી બહેનો વધુ ઈર્ષ્યા અને દ્વેશથી છલકતી હતી. સાઈકીને મળીને આગળ કંઈ નવું કરીશું એવું નક્કી કરી એઓ જંગલ તરફ ગઈ. એક સમયે સાવ રૂક્ષ લાગતી ટેકરી રમણીય હરિયાળો પહાડી વિસ્તાર થઈ ગયો હતો. સાઈકીએ જહેમતથી આ ખંડેરને સજાવીને આલિશાન રહેવાસ બનાવી મૂક્યો હતો. સાઈકીનું આ સ્વરૂપ જોઈને બંને મોટી બહેનો વધુ અદેખાઈ કરવા લાગી. ઉમળકા ભેર મળ્યાં તો ખરાં ત્રણેય બહેનો પરંતુ મનમાં સાઈકીને નુકસાન પહોંચાડવાનું કાવતરૂં ઘડતી હતી.

દરરોજ સવારે અલોપ થઈ જતો સાઈકીનો પતિ એ હકીકતની જાણ થતાં જ તેની મોટી બહેનોએ સાઈકીનાં કાનમાં વહેમની હવા ફૂંકી. “જરા એક રાતે તપાસ તો કરી જો એ કોણ છે?” “અરે! એ આપણાં રાજ્યનો કોઈ દુશ્મન તો નહીં હોય ને?” આવી શંકાશીલ બાબતોનો સતત એની સામે મારો થતો રહ્યો. ગભરૂ સ્વભાવની સાઈકી એમની વાતોમાં આવીને એક રાતે પોતે ચોક્કસ એનાં પતિનો ચહેરો જોઈને જ રહેશે એવું વિચારી લીધું.

એક શીતળ રાત્રીએ સાઈકી અને એનો પતિ પોતાનાં શયનખંડમાં આરામ કરી રહ્યાં હતાં. સાઈકીની ઊંઘ ઊડી ગઈ. એને બહેનોનાં વચનો યાદ આવ્યા. પાસે સુતેલ પતિનો ચહેરો જોવાની ઈચ્છા તિવ્ર થઈ. ઓરડામાં મૂકેલ આછા દીવાનાં અજવાસે એ ચહેરાને સ્પસ્ટ જોઈ શકતી નહોતી. તેણે દીવો હાથમાં લીધો. ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા. તે વધુ નજીક ગઈ અને પહેલી જ વખત એનાં પતિનાં દર્શન કર્યા!

આહ! તે સાચે જ પ્રેમનાં દેવતા સમાં તેજસ્વી પુરુષ દીસતા હતા. એ આદર્શ પુરુષત્વને જોઈને સાઈકી ધન્યતા અનુભવા લાગી. એ વધુને વધુ નજીકથી એને જોવા આગળ વધી. તેને સ્પર્શ કરવો હતો એનાં સ્વપ્ન રાજકુમારને. તેનાં હાથ ધ્રુજવા લાગ્યા. ક્ષણાંર્ધમાં દીવામાંનું તેલનું એક ટીપું ક્યુપિડનાં બદન પર પડ્યું અને તે જાગી ગયા.

ક્યુપિડને સમજાયું જ નહીં કે તે શું કરે! ગુસ્સો કેમ કરે એની વહાલસોયી પત્ની ઉપર? છતાંય એણે ત્યાંથી પલાયન થવાનું યોગ્ય સમજ્યું. જતી વખતે તેમણે સાઈકીને કહ્યું, “પ્રમાણીકતા અને વિશ્વસનીયતા વિના પ્રેમ જીવંત રહી શકતો નથી.” સાઈકીએ ઘણી આજીજી કરી તેને રોકવા માટે પરંતુ અહીં સઘળું વ્યર્થ હતું. એની બહેનોએ પોતે વિજય મેળવ્યો હોય એમ ત્યાંથી સાથ છોડાવીને ચાલી ગઈ. સાઈકી એની એ જાતે સર્જેલી સૃષ્ટિમાં ફરી એકલી થઈ ગઈ.

સાઈકીએ પતિની શોધખોળ કરવાનો નિર્ણય લીધો. આમ જ દિવસો, હપ્તાઓ, મહિનાઓ અને વર્ષો વિતતા ગયા. પોતાનાં પ્રેમાળ પતિની એ ભાળ મેળવવામાં અસમર્થ રહી. એણે દરેક ગ્રીક દેવતા ઓલંપીયા અને દરેક અન્ય દેવી દેવતાઓ પાસેથી મદદની અરજ કરી. એ અનેક ઓરેકલ દેવસ્થાનમાં ભટકી એને કોઈએ સહારો કે આશ્વાસન ન આપ્યું. સૌ કોઈ સૌંદર્યદેવી વિનસ અને તેજોમય દેવતા જ્યુપિટર સામે દુશ્મનાવટ વહોરવા ઈચ્છતાં નહોતાં. અંતે થાકીને સાઈકી માતા વિનસ પાસે આવીને પતિ અને પ્રિયતમ ક્યુપિડ સાથે મિલન કરાવવાની અરજ કરી.

અન્ય બાજુએ, ક્યુપિડ થકી એ સુવર્ણ તીર એને પોતાને જ વિંધાયું છે અને એજ સાઈકીનો પતિ થઈને સાથે સંસાર માડીને રહે છે એવી માતા વિનસ અને પિતા જ્યુપિટરને સમાચાર મળે છે. સાઈકી પાસેથી ઊડી ગયા પછી તેનાં માતાપિતાએ પુત્રએ એમની આજ્ઞાનું ઉલ્લંગન કર્યું એની સજા આપવા હેતુ બંધી બનાવ્યો. કેદની સજા દ્વારા તે તેની પ્રેમીકાને ભૂલી જશે અને ભવિષ્યમાં ફરી એમનો આજ્ઞાકારી પુત્ર પ્રેમનાં પ્રતિક સમાં સુવર્ણ તીરનો યોગ્ય ઉપયોગ કરશે એવું વિચાર્યું હતું.

સહાય માંગવા આવેલ સ્ત્રી એનાં જ પુત્રની પ્રેમીકા છે એ જાણ થતાં જ માતા વિનસ વધુ વ્યાકૂળ થયાં. તેમણે સાઈકીની કઠળ પરિક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે સોંપેલ કડક લક્ષમાંથી તે કોઈ હિસાબે પાર પડી શકે એમ નહોતી. એ ક્યાં તો મૃત્યુ પામશે યા તો એની પરિક્ષામાંથી બહાર આવતે વૃદ્ધ થઈ જશે એવું દેવી વિનસે વિચાર્યું હતું. તેમણે ત્રણ જૂદજૂદા કાર્યો સોંપ્યાં કે જેને પૂરું કરવામાં મહામહેનનું કામ હોય.

પ્રથમ અઘરો પડકાર હતો, એક પાત્રમાંથી એકએક અનાજનો દાણો જુદો કરવાનો. બીજું કાર્ય હતું ઘેટાંનું સુવર્ણ ઊન એકત્ર કરવું. ત્રીજું અને અંતિમ કામ હતું સ્ટાઈક્સ નદીનું પાણી ભરી લાવવું. આ નદી પૃથ્વીનાં ભૂતળેથી પાતાળ લોક વચ્ચેનાં માર્ગમાંથી થઈને વહેતી હતી. ત્યાં સુધી પહોંચવું અઘરૂં હતું. મહામહેનતે સાઈકીને વહારે એક કીડી, એક નાનું વૃક્ષ અને ગરૂડ આવ્યો. સાઈકી એ ત્રણેય પડકારોને સફળતા પૂર્વક પાર પાડી શકી. સાઈકીએ એમનો ખૂબ આભાર માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરી. અનાજ, સોનેરી ઊન અને સ્ટાઈક્સ નદીનું પાણી લઈને એ વિનસ દેવી પાસે ફરીથી હાજર થઈ. આ વખતે માતા વિનસ એમની યુક્તિ ફરીથી અસફળ રહી એ જાણીને વધુ ક્રોધે ભરાયા અને સૌંદર્યની દેવી વિનસે સૌથી ભયંકર એવી ચકાસણી કરી જોવાનું વિચાર્યું. સાઈકીએ પોતાનાં પતિ ક્યુપિડને મળવાની ઈચ્છા વ્યક્ત કરતી આજીજી કરી. એનાં બદલામાં દેવી વિનસ એક વટહૂકમ કર્યો.

પાતાળલોકની રાણી ‘પ્રોસેરપીના’ પાસેથી એક પેટીમાં સુંદરતાનો નાનો અંશ લઈ આવવા કહ્યું. આ એક ખૂબ કપરી કસોટી હતી. કેમ કે ભૂગર્ભમાંથઈ મૃત્યુલોકમાં તે પરત ફરે એ લગભગ અશક્ય હતું. સાઈકીએ એનાં પતિનાં મિલનની શરત કબૂક કરી. અને ગમે તે ભોગે તે પાતાળલોક સુધી પહોંચીને રાણી ‘પ્રોસેરપીના’ની શોધ માટે નીકળી પડી.

એ સમય દરમિયાન વર્ષો વિતતા ગયા. બીજી તરફ માતાપિતાની સજા હેઠળ બંધી બનેલ ક્યુપિડને પોતાનાં એ બંધિયાર ઓરડામાંથી મુક્ત થવાનો રસ્તો મળી ગયો. વર્ષો સુધી સજા ભોગવીને સ્યુપિડને પોતાની પ્રિય પત્નીની ખૂબ જ યાદ આવતી હતી. જૂનું જે પણ બન્યું હતું એ બધું જ ભૂલી જઈ નવેસરથી જીવન શરૂ કરવા ઈચ્છતો હતો. ક્યુપિડ પોતાનાં સોનેરી પંખની મદદથી ઉડીને પ્રેયસી સાઈકીની શોધમાં નીકળી પડ્યો.

અંતે, આકરી તપસ્યા કરી હોય એમ સાઈકીને ભૂલોકની રાણી સાથે ભેટો થયો. તેણે પોતાની સઘળી આપવીતી કહી. અને સુંદરતાનો ટૂકડાની માંગણી કરી. રાણી ‘પ્રોસેરપીના’ને સાઈકીની વાતો સાંભળીને તેની પર દયા આવી. એમનાં હ્રદયમાં ઉત્કૃષ્ઠ પ્રેમ પ્રત્યે કરૂણાં જાગી અને સાઈકીને મદદ કરવાની હામી ભરી. એક સોનેરી ડબ્બામાં એમણે એમનાં સૌંદર્યનો નાનો હિસ્સો કાઢી આપ્યો અને સાવચેતીથી અંદર મૂકી દીધો. પરંતુ સાઈકીનાં હાથમાં આપતી વખતે એમણે શરત મૂકી કે તું આ પેટીને ત્યાં સુધી ન ખોલતી જ્યાં સુધી તું આ પાતાળલોકને પસાર કરીને તારા લોક સુધી પહોંચી ન જાય. એમની વાતને આદર પૂર્વક માન આપીને વાતને સ્વીકારી. સાઈકીએ પોતાનાં ધામ તરફ જવાની રજા લીધી.

પોતે માતા વિનસની શરતને આધિન થઈને પાતાળલોકની રાણી ‘પ્રોસેરપીના’ પાસેથી સૌંદર્યનો ટૂકડો લઈ આવવામાં સફળ થઈ છે હવે તે એનાં પતિને મળી શકશે એ વિચારે સાઈકી હરખમાં આવી ગઈ. પોતાનાં જ વિચારોમાં એ એટલી મગ્ન હતી કે એ ‘પ્રોસેરપીના’ની શરતચૂક કરીને પોતાનાં પતિને મળે ત્યારે ખૂબ જ સ્વરૂપવાન દેખાવા ઈચ્છશે એમ સમજીને એ પેટી ખોલી સૌંદર્યનો નાનો હિસ્સો પોતાનાં જ ચહેરા પર મૂકી દીધો. હજુ એણે પાતાળલોક અને પૃથ્વીની સીમારેખા ઓળંગી નહોતી. શરત અનુસાર સાઈકી મૂર્છીત અવસ્થામાં ત્યાંજ પડી રહી. દરમિયાન ક્યુપિડ એની પ્રિયતમાની શોધમાં આમતેમ ઉડ્ડયન કરતો જ હતો એણે વર્ષોબાદ પણ પત્ની સાઈકીને ઓળખી લીધી. એ બેશુદ્ધ પડી હતી અને પાસે એક સોનેરી પેટી પણ પડી હતી. ક્યુપિડે એનો ચહેરો પ્રેમથી પસવાર્યો અને એને આલિંગન કર્યું. સ્પર્શ માત્રથી સાઈકી સભાન થઈ અને એણે તરત જ એનાં પતિને ઓળખી લીધો. સમયની ઘટમાળમાં જે કંઈપણ બન્યું એ બંનેએ એકબીજાંને અતથી ઈતિ વાત કરી.

હવે આગળ શું કરવું? તેઓ વિચારવા લાગ્યાં. પરિવારની રજામંદી વિનાનો સંબંધ અધૂરો ઘણાંય એમની પાસે જઈને માફી માંગવાનું નક્કી કર્યું. સૌપ્રથમ ક્યુપિડે તે સૌંદર્યનો હિસ્સો ફરીથી પેટીમાં બંધ કરીને સાઈકીને આપ્યો. તે માતા વિનસ પાસે પહોંચી. ક્યુપિડ તેનાં પિતા જ્યુપિટર પાસે ગયો. સૌંદર્યમયી દેવીને જાણ થઈ કે સાઈકી એણે આપેલ કસોટીમાંથી ખરી ઉતરી છે ત્યારે એમને એની પર ગર્વ થયો. તેજોમત દેવતા જ્યુપિટરે પણ ક્યુપિડ સાથે સાઈકીને પણ દૈવગણમાં સામેલ થવાનો આદેશ આપીને બંનેનો પ્રેમ સ્વીકૃત કર્યો.

પછી શું થયું? અરે જેમ સદૈવ બને છે, એમ જઃ તેઓ સુખ સંપન્ન થઈ સાથે રહેવા લાગ્યાં.