Vamad - 8 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | વમળ પ્રકરણ -8

Featured Books
Categories
Share

વમળ પ્રકરણ -8

વમળ પ્રકરણ -8 લેખક –આશિષ ગજ્જર

સલોની વિનાયક ડેડ જોડે વિતાવેલી ક્ષણોને વાગોળતી પોતાનાં લાવેલ સામાન સાથે ફર્સ્ટ ફ્લોર પર આવેલ રુમ તરફ સડસડાટ ચઢી ગઈ,પહેલાં તેણે શાવર લઈને ફ્રેશ થવાનું વિચાર્યું કારણ તેની પાસે ફક્ત બે કલાક હતાં ને સાથે આર્યનને મળવાની તાલવેલી પણ એટલી, ને સાથે આર્યને એરેન્જ કરેલ પાર્ટીને મનભરીને માણવાની ઇચ્છા પણ હતી. છતાં એને આજે એનાં ડેડની આંખોમાં આંસુ જોઈને થોડી ચિંતા થઈ આવી હતી ને એણે ક્યારેય આવા મૂડમાં એનાં ડેડને જોયાં ન હતાં.

ખેર જે હોય તે,એને આજે મમ્મા જોડે અચાનક વાત કરવાની ઇચ્છા થઈ આવી,કારણ ડેડ જોડે એમની નજરમાંનો ભાવ કળવા મમ્મા જોડે ચર્ચા કરવી એને જરુરી લાગી…એણે તરતજ ફોન લગાવ્યો…કેન્યા ખાતે મમ્મા એકલી શું કરતી હશે..? એ વિચારતી સલોની સામેનાં છેડે રીંગ વાગતી હતી તેની સાથેજ વિચારી રહી હતી કે શું વાત કરું ?..ને આઠ દસ રિંગ બાદ સામેથી ફોન ઉપડ્યો ને મમ્માનો અવાજ સાંભળી સલોની બોલી…”હલો…મમ્મા,કેમ છે તું ? તને અમારા વિના કંટાળો આવતો હશે નહી ? પણ શું થાય.?.આજ જિંદગી છે..! ને જો ને ડેડ પણ હમણાંનાં કેટલાંય દિવસોથી તારી સાથે નથી, શું થાય ? પણ મને મારા ડેડ બાબતે કોઈજ ફરીયાદ નથી”

-સામેથી રોહીણી સલોનીનો અવાજ સાંભળતાં ખુશીનાં માર્યા બોલી પડી ..” હાય ..માય લીટલ ડાર્લિંગ ..હાઉ આર યુ ? શું તું ઇન્ડીયા પહોંચી છે ?”…સલોની બોલી “યસ્…મોમ , યુ વિલ બી હેપ્પી ટુ નો ધેટ ધ ડેડ ઇઝ વિથ મી” તને ખબર છે ઇન્ડીયા ખુબજ મઝાનું છે ને આજે હું હમણાં થોડા સમય બાદ મારાં એક ફ્રેન્ડની પાર્ટીમાં જવાની છું ..મમ્મા આય એમ એક્સાઈટેડ”…રોહીણી બોલી, “સલોની તારા ડેડ ને કહેજે મને આજે કોન્ટેક્ટ કરે” …” હા મમ્મા..સલોની બોલી ..મમ્મા મને ડેડ થોડા દુઃખી જેવા લાગ્યાં..! ને મેં એમની આંખમાં આજે આંસુ જોયાં !” મમ્મા તું એમને પુછજે, મને લાગે છે ડેડ થોડાં ચિંતામાં હોય એવું મને લાગ્યું !” રોહીણી બોલી..”ઓ.કે ડીયર ફોન કરતી રહેજે ને મને હવે ચિંતા થઈ રહી છે તારા ડેડની..પણ હવે તું ત્યાં છે કશું જાણવાનો પ્રયત્ન કરજે એન્ડ ટેક કેર બેટા..બાય..” “બાય મોમ..” સલોની બોલી…હું ડેડને કહીશ તને ચોક્કસ વાત કરે..”



આ બાજુ શ્વેતા પણ ઘરનાં ગુંગળાવનારા માહોલ અને ડેડી અને દાદુની વચ્ચે થયેલ ઉગ્ર ચર્ચા બાદ જે નિર્ણય લેવાયો હતો એ મુજબ હવે ડેડ અહીં નહીં રહે..એ બાબતે વિચારે ચઢી..કોનો વાંક ને કેમ આમ થયું..? એ સઘળી બાબત હવે તેને ડીટેઈલમાં જાણવી જરુરી લાગી,ને હવે તેને ડેડ જેની સાથે તે દિવસે વિડીયો ચેટ કરી રહ્યાં હતાં તે સ્ત્રીનો ચહેરો તેની નજર સામે તરી રહ્યો ! શ્વેતા હવે એ સ્ત્રી બાબતે જેની શુબાને એને આછડતી વાત કરેલી હતી કે તેનાં ડેડ સાથેનાં નાં સંબંધો કેવાં અને કેમનાં હશે? કે કદાચ કોઈ એવા રીલેશન હોય કાં તો એકાદ એવી ભૂલ થયાં બાદ એનાં વળતર રુપે અત્યાર લગી એને ખેંચવા મજબૂર બનાવીને કોઈ સોદો કરાવાયો હોય? એ સઘળી હકીકત જાણવા ગમે તે ભોગે બહાવરી બની હતી , પણ આજે એક વાર આર્યનની પાર્ટીમાં જઈ આવ્યા બાદ એ વિષયે આગળ વિચારવાનું મનમાં નક્કી કરી લીધું.



શુબાન શ્વેતા અને સલોની એ ત્રણેયનાં હાલનાં વિચારોનું કેન્દ્રબિંદું વિનાયક/વિમલ ભારદ્વાજ હતું, અને કેમ ન હોય? ત્રણેવ માટે હજુંય ભારદ્વાજ ડેડ એક એવું પરીબળ હતું કે જે સંતાનો પ્રત્યે એમનાં નિખાલસ પ્રેમ અને સાથેજ એની આવડતનાં જોરે મસમોટું બિઝનેસ એમ્પરર ખડું કરવા માટેની આવડત અને મહેનતથી એમને મન હિરો જેવાં હતાં!અને કેમ ન હોય ? કારણ વર્ષો પહેલાં વિનાયક શું હતો ? અને હાલ શું છે ? પણ છતાં તેની એકમાત્ર ભૂલ જેને ભૂલ કહેવી કે સંજોગનાં શિકાર નામનું પરીબળ કે જે જ્યાં લગી એની ફેવરમાં હતું ત્યાં લગી તો જીવન એકદમ સ્વસ્થ અને આનંદમય રીતે જઈ રહ્યું હતું ને ધંધાકીય રીતે પણ એની પ્રગતિનો ગ્રાફ ઉચે ને ઉંચે જઈ રહ્યો હતો. બેય દેશમાંનાં એનાં કુટુંબ એકબીજથી અજાણ પણ એક પિતા તરેકેની એની ફરજ અને સંતાનો પ્રત્યે એનો સ્નેહ જરાય ભેદભાવ વગર લાગણીથી ભરપૂર હતો ભલેને આ બાજુ શુબાન,શ્વેતા ને કેન્યામાં સોનિયા અને સલોની હોય ચારેવ એનાં પ્રેમથી તરબતર હતાં ને ભારતમાંની પત્ની સ્નેહલતા ને કેન્યામાંની રોહીણી પણ એકદમ એમનાં પતિથી સંતુષ્ટ હતી પણ એક્કજ બનાવ કે જેમાં રોહીણીની ભૂલને લીધે સ્નેહલતાનું આ દુનિયામાંથી વિદાય થઈ જવું ને એ બાદની હકીકત જે હવે એવાં સંજોગો ઉભા કરી ચુકી હતી કે વિનાયક પોતે કાયમ દરેક બાજી પોતાની ફેવરમાં ફેરવી શકનારની છાપ ધરાવતો કાબો માણસ પણ હવે સામાન્ય પ્યાદાની જેમ બની રહ્યો.




આ બાજું શુબાન એની પ્રેમીકા સોનિયાનાં સહારે પ્રેમીની જેમ આકાશમાં વિહરતો હતો પણ એને ખબર ન હતી કે સોનિયા એનાં સગપણમાં શું થાય છે..!!?ને આમેય નથી કહેતાં કે પ્રેમ આંધળોજ હોય છે ને !આમ પણ શુબાન ગમ્મે તે ભોગે સોનિયાને પામવાની કોઈ પણ તક વેડફવા માંગતો ન હતો, છતાં કુદરત અત્યારે એક એવો ખેલ પાર પાડવા જઈ રહી હતી કે આ પ્રેમ પ્રકરણની સઘળી હકીકત જ્યારે આ એકકજ કુટુંબનાં સભ્યોની સામે આવશે ત્યારે શું થશે..? એની કલ્પના હચમચાવી નાંખે એવી બનવાનાં હવે સોગઠા ગોઠવાઈ રહ્યાં હતાં ને બાજી હવે ઇશ્વરનાં હાથમાંજ હતી.



અહીં હવે પાર્ટીમાં જવા થનગની રહેલ શ્વેતા અને પેલી બાજું સલોની તૈયાર થઈને બરોબર સમયસર હાજર થઈ જવા ઉતાવળાં થયાં હતાં ભલેને શ્વેતા એની મમ્માનાં વિદાય થવાનાં ગમને હજું ભૂલી શકી નહતી પણ આ એક મોકો હતો કે જેનાંથી એનું મન થોડું હળવું બને. રાતનાં શાર્પ ૯ કલાકે આર્યને જુહુ બીચ પર આવેલ હોટલ સનશાઈનમાં એરેન્જ કરેલ ડાન્સ વીથ ડીનર ની પાર્ટી માટે પહેલાં શ્વેતા પહોંચી તો ત્યાંના ડાન્સ ફ્લોર પર થીરકતું યૌવન અને રંગીન માહોલ ભલભલાને રંગીન બનાવી દે તેવો હતો.લગભગ દરેક જણનાં ચહેરા પર ઉન્માદ છલકાતો હતો.આર્યન પણ આતુરતાથી શ્વેતાની રાહ જોઈ રહ્યો હતો ને એને ખાત્રી હતી કે શ્વેતા જરુર આવશે.આર્યન કદાચ તેનાં મનમાં શ્વેતાને પામવા માટે મન બનાવી ચુક્યો હતો,આમતો શ્વેતા હતીજ એવી કે ભલભલા એને પામવા લાઈન લગાવીને બેઠાં હતાં પણ એ હતીતો સુંદર પણ હસ્તી પણ એવીજ હતીને ? વિનાયક ભારદ્વાજની પુત્રી હતી પછી? આ તરફ જેવી આર્યને શ્વેતાને જોઈ કે તે એકદમ ઝડપથી તેની નજીક આવકારવા માટે પહોંચી ગયો ને બોલ્યો..”વેલકમ,વેલકમ..આઈ એમ વેરી ડીલાઈટેડ ટુ ઓર્ગેનાઈઝ ધીસ પાર્ટી ટુ નાઈટ.આઈ એમ ગ્લેડ એન્ડ ઓનર્ડ ધેટ યુ હેવ અરાઈવ્ડ.શ્વેતા યુ લુકીંગ ગોર્જીયસ ટુ ડે અને મને ખૂબજ ગમ્યું.પ્લીઝ એન્જોય ઘ પાર્ટી.” શ્વેતાને હમણાં કંપની આપે તેવું કોઈ જણાતું ન હતું કારણ તે આવીજ હતી એકલી ને આમ પણ તેને હજું તેને પસંદ આવે અને બોય ફ્રેન્ડની કેટેગરીમાં ફીટ બેસે એવું પાત્ર શોધવાની મશક્કતમાં પડીજ ન હતી.આમ જોવાં જઈએ તો એની એ ઉંમર પણ હવેજ થઈ હતી ને ? ને કદાચ તેનો આજનો આ પાર્ટીમાં આવવાનો ઇરાદો ક્યાંક એ શોધને આર્યનનું રુપાળું નામ આપીને મનની મંજુરી મેળવવાનું પ્રથમ પગથીયું તો ન્હોતું ને ?



માનવનાં મનને ઘણીવાર એ પોતેજ નથી કળી શકતો,ને આવાં યૌવનની અવસ્થામાં મનનાં માણીગરને પામવાનાં દરેકને ઓરતાં હોયજ પણ ત્યારે દરેક જણ ભલેને યુવાન હોય કે યુવતી હોય જાણે એમનું દિલ હાથમાં લઈનેજ મનખાનાં મેળે મ્હાલવાં નીકળી પડતાં હોય છે ને એવે વખતે કોઈપણ પાત્ર સાથે મનમેળ થઈ જવાની ઘટના બાદ એ હાથમાં રહેલ દિલની જાણે એકબીજા સાથે અદલાબદલી થઈ જતી હોય એમ બનતું હોય છે..! ને એ બેયનાં દિલ એકબીજા માટેજ એકબીજામાં ધડકતાં થઈ જતાં હોય છે ને આખીય દુનિયા ત્યારે નગણ્ય બની જતી હોય છે.કદાચ શ્વેતા એ તબક્કામાં પ્રવેશ કરવાજ જાણે આર્યનની પાર્ટીમાં ન આવી હોય ?

-ને શ્વેતા અને આર્યનની વાતચીત ચાલું હતી ત્યાંજ આર્યનને મેઈન ડોરમાંથી સલોની આવતી જણાઈ ને જાણે વાતચીતને અધુરી મુકીનેજ આર્યન..”એસ્ક્યુઝ મી..શ્વેતા” કહેતાં સલોનીને આવકારવા લગભગ દોડીજ પડ્યો.ને બોલ્યો..”હેઈ સલોની…વેલકમ ઇન્ડીયા, વેલકમ..,આઈ વોઝ વેઈટીંગ ફોર યુ ટુ સલોની,હાઉ વોઝ ધ ટ્રીપ ? તને કંઈ તકલીફ તો નથી પડી ને ? ”

સલોની બોલી..”અરે કશું નહીં , પણ કેમ જાણે મને અહીંયા ઇન્ડીયાનું વાતાવરણ ગમ્યું મારું પોતાનું વતન હોય એવું લાગ્યું અને આજની રાત હવે ઇન્ડીયામાંની યાદગાર રાત બની રહેશે એવો અહીંનો માહોલ મને તો જણાઈ રહ્યો છે.”

“ખેર! સલોની જવાદે…ચાલ તને મારા મિત્રોની ઓળખ કરાવું..” ને આર્યને સલોનીનો નરમાશથી હાથ પકડ્યો ને બોલ્યો..

“આ આકાશ છે, આ તન્મય, આ હરદિપ સંધુ ને આ અંજુ મલ્હોત્રા જે મારી સ્કુલ વખતની ખાસ ફ્રેન્ડ છે ,ને આ આલોક ચેટર્જી ને ખાસ માં ખાસ આ છે મારી નવી મિત્ર શ્વેતા,શ્વેતા ભારદ્વાજ…ને ભારદ્વાજ અટક સાંભળતાંજ સલોની ચમકી…ને બોલી પડી અરે નાઈસ ટુ મીટ યુ..મીસ શ્વેતા…શ્વેતા ભારદ્વાજ, માય સેલ્ફ ઓલ્સો સલોની ,સલોની ભારદ્વાજ..આર્યન આ બેય જણીઓને જોઈ રહ્યો ..!જાણે હવે એનું મન બેયની સરખામણીમાં લાગી ગયું..!પણ એને કંઈક અજુગતું પણ લાગ્યું..એક બાજું શ્વેતા પણ એકદમ આભી બનીને સલોનીને જોઈ રહી….એનું મન ચકરાવે ચઢ્યું…હજું મનમાં તાજીજ ઘટના હતી…એનાં ડેડની અને પેલાં વિડીયો ચેટની જોયેલ તસવીરની. નવાઈ પામવા જેવી વાત શ્વેતા માટે વધારે હતી કારણ એને મનમાં કોક ખુણે સંઘરેલાં એનાં ડેડનાં એમનાં પ્રત્યેનાં લાગણી ભર્યા અને શ્રેષ્ઠ પિતા હોવાની માન્યતાનું આજે ફરી એકવાર ખંડન થવા બાબતની કદાચ શંકાનાં સાપે દર કરવાની ઘટના એની અને સલોનીની મુલાકાત બનવાની હોય એમ લાગ્યું.શ્વેતા એકબાજુ એમ પણ વિચારી રહી કે કેમ મારા કુટુંબની અટક જેવી બીજાની ન હોઈ શકે..? નાહકની આ શંકા જેવી વાતથી આજની પાર્ટીનો મૂડ શું કામ બગાડવો ? એમ વિચારીને હસતું મોં રાખીને એણે સલોની સાથે શેક હેન્ડ કરીને કહ્યું..”નાઈસ ટુ મીટ યુ..” ને જાણે બેય જણીઓ વાતોએ વળગી ને કદાચ શ્વેતાને મન જેમ બને એમ જલદી શંકાના કીડાનું મારણ કરવું હોય તો જલદી જાણવું જરુરી છે કે સલોની ભારદ્વાજ કેમ ?



બેય નારી પાત્ર ને વાતચીત કરવા માટે વિષય ઝટ શોધવા નથી પડતાં..! ફેશન જગત અને ગોસીપ જેવી વાતચીત કરવાની આવડત દરેક કન્યા કે નારી કે સ્ત્રીમાં હોય જ.,આડી આવળી વાત કરી પછી તરતજ શ્વેતાએ મૂળ વાત છેડી ને લાગલું પૂછીજ નાંખ્યું કે “સલોની,યુ આર ફ્રોમ ?” સલોની બોલી..આઈ એમ ફ્રોમ કેન્યા , ને મારા ડેડનું નામ વિમલ, વિમલ ભારદ્વાજ છે ને તેઓનો કેન્યા અને બીજા કેટલાંય દેશોમાં બહોળો કારોબાર છે ને તેઓ લગભગ મારાં જન્મ પહેલાંથીજ ત્યાં સ્થાયી થયેલ છે” મારી મોમ રોહીણી કેન્યામાંજ છે ને એક મોટી સીસ સોનિયા છે જે ડોક્ટરેટ કરી રહી છે ને હાલ તે લંડન છે બસ આટલુંજ ટુકું ને ટચ ફેમિલી છે અમારું.” સલોની બોલી રહી. જાણે જેમ જેમ સલોની બોલી રહી હતી એમ શ્વેતા મનથી હળવી થવાનું મહેસૂસ કરી રહી ને એકદમ હળવી ફૂલ થઈ ગઈ.આમતો એક્કજ બાપનું લોહી એમનાંમાં વહી રહ્યું છે એ વાતથી અજાણ છતાં જાણે પોતાપણાની ઉષ્મા બેય અનુભવી રહ્યાં !

-આ ઓળખાણ કરાવવાનાં સિલસીલા બાદ પાર્ટીમાં વધુ જાન આવે તેથી આર્યને ડી.જે ને થોડાં તેજ પણ મનને તરબતર કરે એવાંં ને સાલ્સાનાં સ્ટેપ્સ લઈ શકાય એવાં મ્યુઝીકની ફરમાઈશ કરી ને એવાંજ ટેમ્પોને જાળવી રાખવાંની સૂચના આપી જેથી પાર્ટી લાંબી ને મોડી રાત સુધી ચાલી શકે ને ” હાઉ ડુ યુ કીપ ધ મ્યુઝીક પ્લેઈંગ..” થી શરુઆત થઈ…શ્વેતાની સાથે આજે સીમા આવેલ ન હતી તેથી આ નવા મિત્રોનાં વાતાવરણમાં તે થોડું અતડાપણું ફીલ કરી રહી હતી ને કેમ ન થાય ? એની અને આર્યનની મિત્રતાને હજું માંડ મહીનો થયો હશે ને આ બસ ત્રીજીજ મુલાકાત હતી. આમતો એને સામેથી કંપની આપવા કેટલાંય તૈયાર બેઠા હતાં..! કારણ આટલા મોટા બિઝનેસ ટાઈફુનની દિકરી તે જો હતી..! તેણ એક ખુણામાં જઈને ટેબલ પર બેઠક લીધી.ત્યાંજ આર્યન આવી પહોંચ્યો ને શ્વેતાને સાથે ડાન્સ કરવા જણાવ્યું ,કારણ વધુ નજીક આવવાનો મોકો કદાચ આનાથી સારો ફરી જલદી નહી એમ આર્યનને લાગ્યું પણ શ્વેતા હજું આ નવા મિત્રોનાં માહોલમાં સેટ ન હતી તેથી તેણે આર્યનને કહ્યું…”પ્લીઝ …તમે ..અરે તું ને સલોની કન્ટીન્યુ કરો હું બાદમાં જોડાઉં છું..” ને એકબાજુ ડાન્સફ્લોર પર સલોની અને આર્યન એકબીજાનાં હાથમાં હાથ પરોવી નાચી રહ્યાં હતાં ને એ જોઈને શ્વેતાને થયું કે તે એમ વિચારતી હતી કે આ સલોની એનાં આગળ ફિક્કી પડશે પણ આર્યન અને સલોની પાક્કા સાથી હોય એમ એકબીજાનાં દિવાના બની નાચતાં નાચતાં મદહોશ થઈને એકબીજામાં ખોવાઈ ગયાં હતાં.


શ્વેતા એમ વિચારતી બેસી રહી કે હવે તો આ સલોની એના માટે ચેલેન્જ જેવીજ છે અને આમ પણ શ્વેતાને ચેલેન્જ સ્વીકારવી ગમતી ને એનો સ્વભાવ પણ હતો ને તેથી હવે તો આર્યનને પામવો એટલે પણ જરુરી લાગ્યો! ને એ સમય જાણે આવીજ ગયો ,સલોની અને આર્યન સાથેજ શ્વેતાનાં ટેબલની સામે આવીને બેસી ગયાં.આર્યન ને સલોની જાણે થોડા થાક્યા હતાં પણ તેજ વખતે શ્વેતા બોલી “આર્યન હવે તું મારી સાથે ડાન્સ નહીં કરે ?..જો ને હું તારી પાર્ટીમાં એકલી એકલી ક્યારની બોર થઈને બેસી રહી છું..” ને સલોની પણ એટલીજ પ્રેક્ટીકલ હતી,તે બોલી “પ્લીઝ આર્યન,તારે શ્વેતાને હવે કંપની આપવીજ પડે..” આર્યનને જાણે આજે એક સાથે બે સુંદરીઓનું સાનિધ્ય માણવા મળ્યું ને તે હવે જાણે સ્વર્ગમાં હોય એવું ફીલ કરી રહ્યો!શ્વેતાએ આર્યનની હથેળી પકડીને ઉષ્માથી દબાવી ને ચાલી રહેલાં મ્યુઝ્કને સહારે બેય જાણે એકબીજામાં ખોવાઈ ગયાં,શ્વેતા પણ જાણે વેલની જેમજ આર્યનને વળગેલી હતી ને હવે તેને આર્યનની કંપની અચાનક ગમવા લાગી હતી, જાણે આજની રાત ખતમજ ન થાય ને આમજ સાનિધ્ય માણવા મળે…! પણ છેવટે એ ઘડી આવી ગઈ ને લગભગ રાતનાં બે વાગ્યે પાર્ટી ખતમ થઈ ને શ્વેતા અને આર્યન બેયની ડાન્સ કરવાની અદા પર સહુ ફીદા હતાં…અરે..ખુદ સલોની પણ ! કેમ ન હોય? આજે કશુંય કહ્યા વિનાનાં બેયનાં દિલોની આપ લે નાં પ્રથમ અધ્યાયનાં જાણે મંડાણ થઈ ચુક્યાં હતાં.




આર્યન એની પાર્ટી જેવી ખતમ થઈ તેવીજ સલોનીને એનાં ઘરે પહોંચાડવા ડ્રાઈવરને સૂચના આપીને એને વળાવવા કાર પાસે હાથમાં હાથ પરોવી પહોંચ્યો ને બોલ્યો..”બાય સલોની..બાય”..”આઈ બીલીવ ધેટ ઇન ટુડે’ઝ્ પાર્ટી વુડ હેવ બીન ફન ટુ યુ ..” સલોની બોલી ..ઓહ ! શ્યોર.. ધેર ઇઝ નો ડાઉટ્.. આઈ રીયલી એન્જોયડ ટુડેઝ્ પાર્ટી…એન્ડ્ વીલ સી યુ અગેઈન સુન, ઓે .કે બાય” ને એક ફ્લાઈંગ કીસ કરીને સામો એવોજ પ્રત્યુત્તર આપતાંજ હાથ હલાવતાં આર્યને સલોની ને વિદાય આપી..પણ આ બાજું શ્વેતા હજું જોડેજ હતી ને એની આજની કંપની એ કેમેય કરીને ભૂલી શકવાનો ન હતો,પણ છેવટે દરેક મિલનની ક્ષણ ક્યારેક તો વિરહની બનીજ જતી હોય છે ને શ્વેતાએ હજું આર્યનનો હાથ પકડેલજ હતો ને સહુ વિખરાઈ ગયાં હતાં તેથી હોટલની બહાર આર્યનનાં ખભે માથુ ઢાળીને તે તેનું સાનિધ્ય જાણે હજુંય માણવાનું છોડવા માંગતી ન હતી, પણ શ્વેતાનાં ડ્રાઈવરે તેને અગાઉ આપેલ સૂચના મૂજબ જેવી ગાડી હોટલનાં લૌંન્જમાં લાવી તેજ ક્ષણે સહસા ઝબકીને એણે આર્યનનાં ખભેથી માથું લઈને તેનો હાથ છોડ્યો ને એક એવી કાતિલ નજર મારતાં એણે કારમા ડ્રાઈવરે બારણું ખોલતાં બેઠક લીધી કે આર્યન ફક્ત યાચના ભરી નજર માંડતો તેનો હાથજ ઉંચો કરી શક્યો.! તેને કહેવું તો ઘણું હતું પણ ક્યારેક બે દિલ મળ્યા બાદ મૌન પણ બોલકું થઈ છવાઈ જતું હોય છે!!ને આ ક્ષણનો સાક્ષી આકાશમાંનો આઠમનો ચંદ્ર જાણે આછા ઉજાશમાં હસી રહ્યો.



શ્વેતાની કાર એનાં ઘરનાં રસ્તે સરકી રહી હતી ને આ બાજું એનું મન હજું આર્યનનાં વિચારોમાંજ હતું ને ત્યાંજ એમની કારે પાસેથી જતી ટ્રકને ઓવરટેક કરતાં ટ્રકે એકદમ ઘરઘરાટી ભર્યા અવાજથી ધુમાડો ઓકતાં એકદમ શ્વેતાનું ધ્યાનભંગ થયું ને તેના મન પર પાછાં મૂળ અગાઉનાં કૌટુંબિક ખળભળાટનાં વિચારોએ કબજો જમાવ્યો. શ્વેતા આમ ભલે મોર્ડન કહી શકાય એવી જણાતી પણ તે એટલીજ ઋજુ હ્રદયની અને કૌટુબિક ભાવનાઓ ને એનાં મૂલ્યોને જાળવવામાં માનતી સમજું યુવતી હતી અને એનાં મમ્માનાં મોતનું કારણ ડેડનાં પેલી શુબાને વાત કરેલ હતી તે મુજબ કેન્યાની કોઈ સ્ત્રી સાથેનાં પત્ની જેવાંજ પણ એવાં તે કેવાં ઘનિષ્ટ સંબંધો હતાં કે જેની હકીકત આટલા સમય સુધી ડેડને છુપાવી રાખવી પડી ? અને એજ સંબંધની જાંણ અચાનક મોમને થતાંજ તે બાબતને લઈને એ જાણતાં વ્હેંત મમ્માને આઘાતને કારણે હાર્ટ એટેક આવી ગયો ?

–આમ પણ કોઈક એવા સંબંધો બાંધવામાં માણસ દરેક વખતે ગુનેગાર નથી પણ હોતો ! સંજોગોનો શિકાર બની એવાં ગુંચવાડા ભર્યા સંબંધો માંડી બેસે છે કે જેથી એની અસર ભવિષ્યમાં કેવી ગંભીર થશે તે એને એ વખતે ખબર નથી હોતી..! શ્વેતા હવે વિચારી રહી હતી કે ડેડ કદાચ તે માની રહી છે ને દાદુ પણ માની બેસ્યાછે એવાં ગુનેગાર છે કે નથી ? તે બાબતનો ગુંચવાડો કે ગેરસમજ જલદી દૂર કરવીજ પડશે અને એજ ભારદ્વાજ ફેમિલીનાં હિતમાં પણ હશે.આ બધાં વિચારોમાં મગ્ન શ્વેતા કારમાં ક્યારે ઘરે આવી પહોંચી તેની તેને ખબરજ ન રહી ને શોફરે ઘર આવતાં એકદમ કાર રોકવા બ્રેક મારી ત્યારેજ તેની વિચાર તંદ્રા તૂટી.



આ બાજુ શુબાન સોનિયામાં એટલો ગળાડૂબ થઈ ગયો હતો કે હવે સોનિયા વગર એના જીવનની કલ્પના એ ન્હોતો કરી શકતો. તે સતત એનાં સંપર્કમાં રહેતો. આ સંબંધ બાબતે શુબાન એકદમ પ્રામાણીક હતો, પણ સામે સોનિયા એટલીજ પ્રેક્ટીકલ અને પહેલા એની કેરિયર એનાંજ ધાર્યા મુજબ યોગ્ય રીતે બને અને એજ રસ્તે એ ભવિષ્યમાં સ્વતંત્ર રીતે આગળ વધી શકે એ બાબતે સંપૂર્ણ સભાનપણે આગળ વધી રહી હતી અને તેથીજ તે અત્યારે એનાં પી.એચ.ડીનાં થીસીસનાં ગાઈડ પ્રોફેસર કરીમની નાદૂરસ્ત તબિયતને કારણે એનું થીસીસનું શીડ્યુલ ખોરવાય નહીં તેથી લંડન પહોંચી હતી ને અહીં શુબાન સોનિયા માટે રીતસર તરફડી રહ્યો હતો.

–કુદરત પણ સંબંધોમાં એવાં ખેલ કરાવતી હોય છે કે એની આંટીઘૂંટીમાં આવનાર એ સંબંધને નથી તરછોડી શકતો કે છેવટે નથી એમાં આગળ વધી શકતો, ને આ સગપણ અને સંબંધની સીમા અને એની લક્ષમણરેખા કેટલાંયનાં દિલને તોડતી ને કેટલાંયને દુશ્મની કરાવી દેતી હોય છે.

–વિનાયક ભારદ્વાજ હવે એક એવાં સંજોગનાં ત્રિભેટે આવીને અટક્યો હતો કે એને એ જગ્યાએથી કઈ બાજુ જવું એ જરાય સુજ નહતી પડતી પણ તોય એને એની પત્ની સ્નેહલતા ગુમાવ્યાનું સૌથી વધુ દુઃખ હતું ને કેમ ન હોય? એની કેટલાંય વર્ષોની કમાવવા અને મોટા બિઝનેસ એમ્પરરનાં માલીક બનવા સુધીની સફર વખતે સાવ નિર્લેપ ભાવે એણે એનાં ઘર અને સંતાનોને સાચવીને સંસ્કારોનું સિંચન કર્યુ હતું. એ દરમ્યાન એ એકદમ બેખબર અને ધંધામાં ગળાડૂબ છતાં એક નવા સંબંધનાં વમળમાં ઘુમરાયો હતો કે જેમાં સંજોગો એની એ વખતની તરફેણમાં હતાં ને એણે એ વખતે કેન્યા ખાતે રોહીણી સાથે સમાધાનરુપી ઉપરછલ્લો સંસાર માંડ્યો ત્યારે એને એ વખતે આજના ઉભા થયેલાં ગંભીર સંજોગો બાબતે ભાન તો હતું પણ અસમંજસમાં રહેલો તે સ્નેહલતા અને તેનાં બાળકોને અન્યાય કરી બેઠો હતો..ખેર , હવે જે થયું તે..આગળ આજ જગ્યાએથી કોણ કોને સાચવે એવી પરિસ્થિતી અને સંજોગો એની તરફેણમાં કેમની આવે…? કે જેથી એ બેય જગ્યાનાં એનાં બાપ તરીકેનાં જવાબદારી ભર્યા હોદ્દાને સામાજીક દ્રષ્ટીએ ન્યાય પણ આપી શકે.



આ તરફ સલોનીનાં મનમાં હજુંય ઘરે પહોંચ્યા બાદ પંણ પાર્ટીનો નશો છવાયેલ હતો ને આર્યન પ્રત્યે એને એકદમ કુણી લાગણી જન્મી ચુકી હતી અને એ આજના દિવસ બાદ એકદમ મજબૂતી ભર્યા સંબંધો તરફ આગળ વધશે એવો ઇરાદો સલોનીનાં મનમાં બેડ પર આડા પડ્યા બાદ મજબૂત બની રહ્યો હતો. રાતનાં લગભગ સવા બે થવા આવ્યા હતાં ને આઈપોડમાં મસ્ત મઝાનું શકીરાનું મસ્ત સોંગ “કાન્ટ રીમેમ્બર ટુ ફરગેટ યુ..” સાંભળી રહી હતી, એને દુનિયાની પરવા ક્યાં હતી, પણ છતાં એકબાજુ બીજા રુમમાં વિનાયકમાંથી વિમલની અવસ્થામાં પણ અજંપો અનુભવતો મૂળ વિનાયક પડખા ઘસી રહ્યો હતો..એ ઉભો થયો ને સલોની જે રુમમાં સૂતી હતી ત્યાં પહોંચ્યો ને રુમને નોક કરવાનું વિચારતો હતો ત્યાંજ અધખુલું બારણું જોઈ અંદર પહોચ્યો તો સલોની શાંત થઈને સુતી હતી પણ હેડફોન કાનમાં નાંખેલું જ હતું..તે સલોનીને પ્રેમથી નિરખી રહ્યો ને તેણે હળવેકથી તેનાં માથા પરથી હેડફોન કાઢીને એકબાજુ મૂક્યું ને માથે હાથ ફેરવીને તેને ઓઢવાનું સરખું ઓઢાડ્યું ને થોડી વાર એ નાની દિકરીને જોતો રહ્યો ને આંખમાં ઝળઝળીયા આવતાંજ નાઈટ સૂટમાંથી રુમાલ કાઢી આંખો લૂછતાં વિચારમાં પડ્યો કે આ નિર્દોષ બચ્ચાઓનો શું વાંક? કાલ ઉઠીને કદાચ જો દુનિયા એનાં આ સંબંધ બાબતે જાણશે તો આ બાળકો પર શું વિતશે? તે મનમાં બોલ્યો..” હે ભગવાન, હે ગજાનન ગણેશ..તમે તો વિઘ્નહર્તા કહેવાવ છો તો આ હાલનાં ગ્રહણ જેવા સમયનો અંધકાર દૂર કરવાનો કંઈક તો ઉપાય બતાવો..? તમે કહો તે હું કરવા તૈયાર છું..!” વિનાયક વિચારતો વિચારતો એનાં રુમમાં પહોંચ્યો ને એણે પાછાં પથારીમાં લંબાવ્યું ને બીજા દિવસે સવારે ૧૦ વાગ્યે કેન્યા જવા ફ્લાઈટ માટે તૈયાર રહેવાનું હતું..કારણ હવે રોહીણીને હાલનાં સંજોગો થી વાકેફ કરવું જરુરી લાગ્યું ને એજ એને એ બાબતે મદદરુપ થશે ને હવે એકદમ એકલાપણું ફીલ કરતાં વિનાયકને રોહીણીની યાદ આવી હતી ને એનાં દુઃખને હળવું કરવાં ને સાથ આપવા અને તેને નજીકથી સમજી શકે એવી રોહીણીજ તો હતી. આમતો રોહીણીને વિનાયકનાં ઇન્ડીયામાંની પત્નિ ને બાળકો વિશે ખબર જ હતી કારણ વિનાયકે તેની સાથેનાં સંબંધોની શરુઆતેજ આ બાબતે ચોખવટ કરેલ હતી,પણ હા આ બાજુ તે ખુદ સ્નેહલતા,શુબાન,શ્વેતા ને બાપુજીનો ગુનેગાર બની બેસ્યો હતો.આ વિચારનાં ચકરાવાને લીધે છેલ્લે છેક સવારે ૪=૩૦ જેવા સમયે વિનાયકની આંખ માંડ મીચાણી.


સવારનાં સૂર્યનાં મૃદુ કિરણો સલોનીને ઉઠાડવા જાણે એની આંખો પર ઝળુંબી રહ્યાં ને એ આંખો ચોળતી ઉઠી ને તેને થયું કે લાવ આજે ડેડની સાથે સવારે બ્રેકફાસ્ટ કરું ને તે પોતે કીચનમાં જઈને મહારાજને સૂચના આપી ને ડેડ માટે બ્લેક ટી અને ઓમલેટ બનાવવાનું કહીને તે તૈયાર થયું એટલે એ પોતે ટ્રોલી પર લઈ ડેડનાં રુમ પર પહોંચી ને બારણું ખોલતાં એણે જોયું તો ડેડ હજૂં સૂતેલાંજ હતાં ને ચશ્મા પણ આંખો પરજ હતાં , તેણે ડેડને હળવેથી બૂમ પાડી જગાડ્યા ને વિમલ ભારદ્વાજ આજે સવાર સવારમાંજ ઉઠતાં વ્હેત દિકરીને સામે નવા સ્વરુપમાં જોઈ આનંદમાં આવી ગયાં.ને રાતનો ઉદ્વેગ ભર્યો સમય સવાર પડતાં પલટાઈને લાગણીભર્યાં સંવેદનોથી છલકાતો બની રહ્યો ને તે દિકરીને એકધારી નજરે નિરખી રહ્યો.


સલોની સાથે બ્રેકફાસ્ટ કરીને વિમલ ભારદ્વાજે જલદીથી સલોનીને તેનાં આગળની ટૂર બાબતે માહીતગાર કરી માર્ગદર્શન આપ્યું ને કહ્યું “બેટા આજે તે કેન્યા જવા હમણાં એકાદ કલાક બાદજ નીકળવાનો છે..” એ જણાવ્યું ને એ સાંભળી સલોની ખુશ થઈ ગઈ ને બોલી “ડેડા,તમે આખીય દુનિયામાંનાં બીજા કરતાં શ્રેષ્ઠ પિતા છો કે જેઓ અમારી આટલી કાળજી રાખે છે.” ને તે વિનાયકને વ્હાલથી વળગી પડી.




વિનાયક એમનાં સમયે કેન્યા જવા નીકળી પડ્યા ને એરપોર્ટ જવાના રસ્તે એમની કારને શોફર એકધારી ગતિએ ચલાવી રહ્યો હતો ને પાછળની સીટ પર બેસેલ વિનાયકનાં મનમાં વિચારોની હારમાળા ચાલી રહી હતી,તે તેનાં જીવનનાં આ કપરા સમયને પસાર કરવા ને સઘળું ઘીનાં ઠામમાં ઘી પડી રહે એવી પરીસ્થિતીનો માહોલ બની શકે એવું જલદી કેમ બને ? એજ વિચારમાં હતો ને અચાનક એની કારને ઓવરટેક કરીને એક લેટેસ્ટ બાઈક સુઉ ઉ ઉ ઉમ કરતી આગળ નીકળી, એનાં ડ્રાઈવરને કશું સમજ પડે એ પહેલાં બીજી એવીજ બાઈક એની કારની લગોલગ એની બેસવાની જગ્યાનાં બારણાને અડીને ચાલી રહી પણ એમાં પાછળ બીજો એક હેલ્મેટધારી પણ બેસેલ હતો. આગળ ચાલી રહેલી બાઈક એમની કારને ઓવરટેઈક કરવાની જગ્યાજ આપતી ન હતી .વિનાયકનાં મગજમાં હજું કશું સ્ટ્રાઈક થાય ને ડ્રાઈવરને કશું સૂચના આપે તે પહેલાં જોડે ચાલી રહેલી બાઈકનાં પાછળનાં હેલ્મેટધારી સવારે અચાનક ગન કાઢી ને વિનાયક તરફ તાંકતાં અચાનકજ ફાયરીંગ કરીને એક ,બે ને ત્રણ ગોળી કારની બારીનાં કાચને વિંધતી વિનાયક તરફ છોડી ને ફાયરીંગના અવાજથી ભડકેલા ડ્રાઈવરે અચાનક કારની ગતી વધારવા માટે જેવું એક્સીલેટર દબાવ્યું ને આગળ જતી બાઈકને કાર ભટકાઈ ને એ બાઈક સવાર હલબલી ઉઠ્યો ને તેણે કાબુ ગુમાવતાં એની બાઈક એકદમ સ્લીપ થઈ ને ઢસડાઈને રોડની બાજુનાં ખાડામાં ખાબકી , હવે ડ્રાઈવર કાચમાં તેનાં શેઠની હાલત જોતાંજ ગભરાયો હતો પણ એણે જાત પર થોડો કાબુ રાખીને સાથે વાળા બાઈક સવારોને ચકમો આપવા કારની ગતી એકદમ તેજ કરી મુકી…બાઈક સવાર એમ સમજ્યા હતાં કે એમણે એમનું મીશન જાણે પાર પાડી લીધું !તેથી તેમણે એમની બાઈક તરતજ આવતાં વળાંક પર જમણી બાજુ વાળી લીધી ને કદાચ તેઓ કશું પુરાવો છોડી જવા માંગતા ન હોય ! અને કદાચ એમનાં બીજા બાઈક સવારને બચાવવા પાછા તેજ રસ્તે જતાં ડ્રાઈવરે બેક મિરરમાં જોયાં..પણ તેમને શું ખબર કે વિનાયકે અચાનક આ હુમલાને ખાળવા કારની બારીની નીચે એકદમ સરકવાનું મુનાસીબ માન્યું હતું..પણ હા,શુટરે કરેલ ત્રણ ફાયરીંગમાંની એક ગોળી તેનાં ફરી જવાથી તેનાં કાનની નીચે ગાલ પર ખાસ્સો એવો ઘસરકો કરીને ગાલનાં ભાગને છોલી નાંખ્યો હતો, પણ વિનાયક એકદમ સેફ હતાં.હવે ડ્રાઈવરે કારને સાઈડ પર લીધી ને એકદમ ઉભી રાખી તરતજ કોઈને ફોન કરવાનું વિચારતો જેવો સીટ પરથી ઉતરવા સીટ બેલ્ટ ખોલતો હતો ત્યાંજ શેઠનાં મોબાઈલની રીંગ તેને સંભળાઈ તો શેઠ તો સલામત જણાયાં, ને તેઓ મોબાઈલ પર ઉચાટ ને ડર મિશ્રીત અવાજમાં મેનેજર સાવંતને કશું સૂચના આપી રહ્યા હતાં તે સાંભળ્યું,તો મેનેજર સાવંત પણ સામે સાંભળીને કશું સમજી ગયો હોય એમ શેઠની વાત પરથી લાગ્યું. વિનાયકે તરતજ ડ્રાઈવરને ગાડી એરપોર્ટનાં રસ્તે આવતી સત્યસાંઈ હોસ્પીટલ તરફ જલદીથી લેવાનું જણાવ્યું કારણ તાત્કાલીક સારવાર જરુરી હતી ભલે ને ઇજા ગંભીર પ્રકારની ન હતી,પણ કેન્યા જવાનાં કાર્યક્રમને તેણે મુલત્વી રાખવાનું મુનાસીબ ન માન્યું,કારણ હવે અમસ્તી હો હા કરવાથી અહીં રહેલ તેનાં કુટુંબીજન વધુ પરેશાન થશે ને મીડીયાવાળા જો પાછળ પડશે તો વાતનું વતેસર થશે અને આમ પણ આટલી પરેશાનીમાં તે જરાય વધારો કરવા નહોતો માંગતો.



સાવંતને શેઠનાં ફોનથી સાંભળતાંજ શંકા ગઈ હતી કે હરીફ બિઝનેસ ગૃપમાંનાં કોઈનું આ કાવતરું છે આ બાજુ જેવો ડ્રાઈવર મારતી ઝડપે શેઠને લઈને સત્યસાંઈ હોસ્પીટલમાં પહોંચ્યો કે ત્યાંં મેનેજર સાવંત હાજરજ હતો, ને તેણે ડ્યુટી પર હાજર રહેલાં ડોક્ટરને તાત્કાલીક સારવાર માટે ફટાફટ જરુરી સૂચના આપી ને આ વાત ક્યાંય બહાર ન જાય તે બાબતની પણ હોસ્પીટલનાં સત્તાવાળાઓને જાણ કરી,આ સાવંત એ એવું પાત્ર હતો કે તે વર્ષોથી વિનાયક શેઠની પ્રગતિનો સાક્ષી હતો ને લગભગ તેમનાં ડાબા હાથ જેવું તેનું સ્થાન હતું ને શેઠનાં હિતમાં અમુક નિર્ણય લેવાની પણ એને છૂટ હતી એટલો વિનાયકનો એ વિશ્વાસુ હતો ને ક્યારેય એનાં મોઢેથી એમનાં કે કંપનીનાં અહિતની વાત માર્કેટમાં કરી નહતી.સાવંતે એકબાજુ તરતજ સૌથી પહેલાં વિનાયક શેઠનાં ખાસ મિત્ર એવાં નિર્મલ અધિકારીને આ ઘટનાની જાણ કરવાનું મુનાસીબ માન્યું કારણ અમુક બાબત એવી હોય તો તેને એમની સલાહ લેવા બાબતની સૂચના વિનાયકે એને આપેલજ હતી. સાવંતે લાગલોજ નિર્મલને ફોન જોડ્યો…સામે છેડે નિર્મલે જેવો ફોન ઉઠાવ્યો ને તેણે સાવંતને શાંતિથી સાંભળ્યો ને તે પરીસ્થિતિની ગંભીરતા સમજી ગયો પણ જરાય ગભરાયા વિના વિનાયકના કુટુંબની સિક્યુરીટી બાબતે આગળ શું કરવું તે સાવંતને જણાવ્યું ને એણે સલોની પાછળ પણ તે ત્યાં છે ત્યાં લગી સ્પેશીયલ સીક્યુરીટી એજન્સીને રોકી તેની સલામતીની વ્યવસ્થા કરવાનું પણ ખાસ જણાવ્યું ને તે જેમ બને એમ જલદી ઇન્ડીયા પહોંચી રહ્યો છે કારણ હજું એક અઠવાડીયા પહેલાંજ એને કેન્યા સ્થિત ઇન્ડીયન એમ્બસીમાંથી એક મેસેજ આવેલો કે જેમાં એમની કંપની વિનટેક ઇન્ટરનેશનલનાં મેનેજિંગ ડીરેક્ટર પર ઇન્ડીયામાં જાનલેવા હુમલો થવાની શક્યતા છે તેથી કંપનીના કેન્યા ખાતેનાં એક ડીરેક્ટર તરીકે એને જાણ કરવામાં આવી હતી અને આમ પણ કેન્યન નેશનલ કોંગ્રેસને એમની કંપની તરફથી નિયમિતપણે ફંડીગ પણ કરાતું અને આમ પણ કેન્યા ખાતે નિર્મલ સારો એવો પોલીટીકલ હોલ્ડ ધરાવતો વગદાર વ્યક્તિ પણ હતો અને એવી કેટલીય બધી બાબત નિર્મલ હેન્ડલ કરતો કે જેમાં કંપનીનું હિત હોય ને હાલની સ્નેહલતાંનાં અચાનક વિદાય થવાથી વિનાયકનાં ઇન્ડીયામાંની હરીફ કંપનીઓ તરફથી માર્કેટમાં અફવાઓ ફેલાવી વિનટેક ઇન્ટરનેશનલની ગુડવીલનું ધોવાણ કરતાં હતાં તેથી આમ પણ બે દિવસ અગાઉ તેની વિનાયક સાથે વાત થયા મુજબ કંપનીની હાલતને થાળે પાડવા લોકલ કંપનીનાં હોદ્દેદારો સાથે મિટીંગ એરેન્જ કરી હતી તેમાં તે આવવાનોજ હતો તેથી સાવંતને હવેની વાત ફોન પર કહેવી યોગ્ય ન જણાંતા પછી રુબરુમાં આવે ત્યારેજ આગળની પરીસ્થિતી બાબતે વિચારશે તેમ કહી ફોન કટ કર્યો…



શું ખબર હવે વિનાયકનાં કેન્યા પહોંચ્યા બાદ અહીં ઇન્ડીયામાં તેનાં કુટુંબીજનો સાથેનાં સંબંધોનાં સમીકરણમાં ફેરફાર થશે ? ને જો થશે તો બેય કુટુંબ વચ્ચે અજાણપણાની ખાઈ દૂર થશે કે ક્યાંક વૈમનસ્ય વધશે ? શુબાન ને સોનિયાની પ્રેમ કહાણી કેમની ને કેટલી આગળ વધશે ? તો બીજી બાજુ આર્યન પણ શ્વેતાને પામી શકશે કે સલોનીને ? હવે આગળ વમળનું કથાનક કેવાં ચકરાવા લેતું કોને એનામાં ઘુમેડશે કે કિનારે ધકેલશે અને ભારદ્વાજ કુટુંબ પર આગળ શું વિતશે..? એ તો ખુદ ગજાનન ગણેશજ જાણે..!


ક્રમશ: –આશિષ ગજ્જર