Vaat ek Maa ni Mamtani in Gujarati Short Stories by Yogesh Pandya books and stories PDF | વાત એક માં ની મમતાની

Featured Books
Categories
Share

વાત એક માં ની મમતાની

યોગેશ પંડયા

વાત એક માની મમતાની

પિતાજી નવી માને પરણીને ઘરમાં લાવ્યા એ તો એને જરાય ગમ્યુ નહોતું. નવીમાએ લાલ પાનેતર પહેરીને ઓસરીમાંથી ઓરડામાં ઓરડામાંથી રસોડામાં હળવે હળવે આંટો મારી લીધો. પછી તો રોજે રોજ નવી નવી સાડી, સાડલા પહેરીને આખા ઘરમાં ઘૂમ્યા કરતી ને પિતાજી એની પાછળ ઘૂમ્યા કરતા.

એ નવી માના ચહેરા સામે જોતો. આમ તો પરાણે જોવાઈ જતું. તો નવી માના કાળા ભમ્મર મોટા મોટા ડોળા બિહામણા લાગતા. એ હાથ ફેલાવી ને કહેતીઃ ''ભોલું, આને અહીં. મારાથી દૂર દૂર કેમ ભાગે છે?'' તો એ દૂર હટી જતો. એક વખત ઘરમાં કોઈ નહોતું. પિતાજીય બહાર ગયેલા ને એ લેશન કરતો હતો ત્યાં જ માએ પાછળથી બિલ્લી પગે આવીને એની આંખો ઉપર હળવેથી હથેળી દબાવી દીધી એ ચીસ પાડી ઉઠયો. બરાબર એ જ વખતે પિતાજી ખડકીમાં પ્રવેશ્યા. અને એ બેબાકળો, પરસેવે રેબઝેબ થતો ભાગ્યો.

''અરે અરે બેટા ભોલુ...'' નવી મા પાછળ દોડી.

'ઓય મા–' તેની ચીસ ફાટી ગઈ.

'અરે અરે પણ ભોલુ, શું થયું?' પિતાજી આશ્રર્યચકિત મૂઢ બની ઘડીકમાં પોતાની નવી સવી પત્નિ ને જોઈ રહયા. અને પછી ડારતાં અવાજે પુછયું ''તેં કાંઈ કર્યું છે આને?''

''અરે.. હું તો એને વહાલ કરતી હતી ને એ ભાગ્યો..'' પત્નિએ સ્મિત કરી માથે સાડી ઓઢી કહયું...

''ના... પિતાજી એમણે મારી આંખો દાબી હતી.''

''અરે પણ હું તો બેટા તને વહાલ કરતી હતી... ને તું બી ગયો.''

''મારી મા કોઈ દિ' મારી આંખો દબાવતી નહોતી. એતો... એતો... એ રડી પડયો :''પાસે બેસાડી માથામાં હાથ ફેરવતી. મારા વાંસામાં હળવે હળવે પંપાળતી. મને ગાલે બચ્ચીઓ ભરતી. બથમાં લઈ લેતી અને... હું સૂઈ જાઉં ત્યારે મારા વાંસામાં હળવે હળવે ખંજોળી પણ દેતી. તમે મા છો પણ મારી સગી મા તો નહીં ને..?'' અને પછી પિતાજી કહી વળગી પડયો :''મને એમણે આંખો દબાવીને પછી–''

''અરે પણ આ શું ગાંડા કાઢે છે? સાવ રોતલ, બીકણ છો તું તો. એ તો બિચારી વહાલ કરે છે તને. બીજું તો કાંઈ નથી કરી નાંખ્યું ને? પિતાજી ગર્જી ઉઠયા.

એ ફફડવા માંડયો.

'' ખબરદાર જો હવે પછી ખોટુ ખોટુ રોયો છે તો૧ પડોશમાં એની છાપ ખરાબ કરવી છે?'' કહી પિતાજીએ ધકકો માર્યો. એ અડવડિયું ખાઈ ગયો. એ નીચે પડી જાત પણ એ પહેલાં માએ તેને ઝીલી લીધો. એ પણ સામે સ્હેજ તાતા અવાજે બોલી ઉઠીઃ ''શું કામ એને ખીજાવ છો? કોઈ વાંક છે એનો? એ બિચારો બી ગયો, એમાં એનો શું વાંક? હવે પછી એને વઢતા નહીં કયારેય...'' કહી ભોલુના માથે હાથ ફેરવ્યો :''બેટા, હવે તો તારી સાચી મા જેમ રોજ સૂતી વખતે તને પંપાળીશ. વાંસામાં ખંજોળી દઈશ. રોજ એક નવી વાર્તા કહીશ...''

ગમે તેમ હોય પણ એ નવી માથી દૂર હટી ન શકયો. કદાચ બાપની બીક પણ એમાં કારણભૂત હોય૧

પણ એ શેરીમાં નીકળતો ને આડોશી પાડોશી તેને જોઈને અરેરાટી કહી બોલી ઉઠતા :''જુઓ તો ખરા, ચાર મહિનામાં તો કેવો મરવા પડયો છે ભોલિયો? સવિતાએ એકવાર આને જોઈ લીધો હોત ને ખોળામાં લઈને એક કોર બેઠી ગઈ હોત ને તોય ક્રોધ અંદર ને અંદર સમાઈ જાત... એણેય બહુ ઉતાવળું પગલું ભરી લીધું. હવે એને જોવું છે કાંઈ? ચીમનને તો એની કયાં કાંઈ પડી જ છે. ઈ તો ઓલી લટપટણીના મોહમાં એવો ઉંડો ઉતરી ગયો છે કે દુનિયાની કાંઈ ભાન જ નથી રહી...''

એ આવા બધા શબ્દો સાંભળતો. તેને થતું કે, 'જેવી માણસો વાત કરે છે એવું તો કાંઈ નથી૧ જેવું મા સાચવતી એવું જ નવી મા સાચવે છે. જેમ વહાલ કરતી એમ જ વહાલ કરે છે. જેવું ખાવાનું બનાવતી એવું જ બનાવે છે....૧ હા, માના સાડલામાં જે સોડમ આવતી હતી એવી મીઠી સોડમ નથી આવતી...'

તેની સાથે ભણતા પ્રતિક, મયંક, રાજ, પ્રિતેશ બધા કહેતાઃ ''તું જો તો ખરો, દિવસો જવા દે પછી તારો વારો છે. તને મારી મારીને ભગાડી ન દે તો અમને કહેજે ને. નવી માં કાંઈ થોડી આપણી સાચી માં થઈ શકે?'' પા્રીતેશ કહેતો ''નવું નવું છે ને એટલે સાચવશે થોડા દિવસો. પછી તારા પપ્પા આગળ ખોટી કાનભંભેરણી કરશે ને માર ખવડાવશે.'' રાજે કહેલું.

''મારા માસી ગુજરી ગયા ને મારા માસા એ બીજા લગન કર્યા છે. મારા જુના માસીના એક છોકરાને છોકરી મોન્ટુ ને પિન્કી બિચારાને બહુ હેરાન કરે છે. હમણા સાતમ આઠમ ઉપર આવ્યા'તા તો એવા રડતા'તા... કે આપણો તો જીવ બળી જાય. મારી મમ્મીએ તો મારા માસાને ફોન કરીને કહી જ દીધું કે એ લોકો તો અહીં જ ભણશે....''

''હવે તને ભણવાય નહીં દે. ને કયાંક મજૂરીએ ચડાવી દેશે...'' મયંક કહેતો. એ ભય થી ત્રસ્ત થઈ જતો. એવા જ ફફડતા હૈયે સાંજે ઘેર આવતો૧ એક તો ભૂખ, બીજું દુઃખ, ત્રીજું માની યાદ... પણ , જેવો એ ખડકીમાં પ્રવેશતો ત્યાં જ માં સામી આવતી અને 'આવી ગયો બેટા...' કહી માથે હાથ ફેરવતી. એક બે પપ્પી કરી લેતી :''ચાલ ભૂખ લાગી છે ને૧ મેં આજ તો તારી માટે બટેકા પોૈઆ બનાવ્યા છે. તું કહેતો'તો ને તને બહુ ભાવે છે...'' બટેકાપોૈઆનું નામ સાંભળીને તેના મોંમા પાણી આવી જતું. પોતાની માં પણ એને બટેકા પોૈઆ બહુ બનાવી દેતી. પણ નવી મા્રના હાથના બનાવેલા બટેકા પોૈઆ જેવો સ્વાદ નહોતો આવતો. નવી માં તો બટેકા પોૈઆ બહુ જ 'ટેસ્ટી' સ્વાદિષ્ટ બનાવી દેતી. એ તુટી પડતો. અને નવી માં નેહ ભર્યા નેણે તેને જોઈ રહેતી.

ધીરે ધીરે કરતાં એ નવી માં પાસે સૂતા ય શીખી ગયો. માં તેને રોજ એક નવી નવી વાર્તા કહેતી. બહુ મજા આવતી. એક વાર સૂતા સૂતા તેણે માંના ગળામાં હાથ નાંખ્યો. સાડલાનો પાલવ લીધો. ને પછી સૂંઘવા લાગ્યો.

''ભોલુ, આ શું કરે છે તું ?'' નવી માં એ આશ્રયૃચકિત થઈને પુછયું.

''હું તારો સાડલો સૂંઘુ છું.''

''કેમ ?''

''કેમ કે તેમાંથી મારી માંના સાડલામાંથી આવતી હતી તેવી સુગંધ આવે છે? પણ માં આજે એવી જ સુગંધ આવે છે.''

''એટલે તો હું તને કહું છું કે હવે હું જ તારી સાચી માં ને?''

''હા માં, હવે તો તું જ સાચી માં. મારી સાચી માં ય મને આટલો બધો નહોતી સાચવતી. એ વહાલ કરતી તો કયારેક વડકું પણ કરી લેતી. કયારેક ચુમતી તો કયારેક ચીંટીયોય ભરી લેતી. મીઠું મીઠું બોલતી તો કયારેક મારી પણ લેતી.. પણ તેં અત્યાર લગીમાં કયારેય મને એક કડવું વેણેય નથી કીધું માં...મેં તારા વીશે કેટકેટલું ખોટું ખોટું વિચારી લીધું હતું?'' એની આંખમાં આંસુ આવી ગયા – માં એ જ સાડલાના પાલવથી તેની આંખો લૂછી રહી... પણ એ દરમ્યાન અચાનક જ ટી.બી.નો રોગ પિતાજીના પંડયમાં ઘર કરી ગયો હતો. એ જીવી શકે એમ નહોતું. જીંથરી હોસ્પીટલે લઈ જવા પડયા. ભોલુ પણ સાથે જ હતો.

એક રાત્રે તે અચાનક જાગી ગયો. માં પિતાજીના પગ દબાવી રહી હતી. પિતાજી દબાતે અવાજે તેને કહી રહયા હતા : ''વસુ, કદાચ આ જીવતરનો ભરોસો હવે નથી.''

''એવું ન બોલો.''

''હા, વસુ, હવે મને સુઝી ગયું છે. માંડ માંડ પાંચ વરસનું સુખ તેં ભોગવ્યું. પણ એમાંય તારો સ્વાર્થ કેટલો? એક સોયના નાકા જેટલોય નહીં ને? એક સંતાન તારા પેટનું હોત તો તને સાચવેત..''

''ભોલુ મારા જ પેટનું સંતાન છે ને? એ મારો દિકરો નથી?''

''પંડયના ઈ પંડયના ને પારકાં ઈ પારકાં. કાલે સવારે વહુ આવશે તો ભોલિયો તને સાચવશે? મને તો વિશ્વાસ નથી. આંગળી થી નખ વેગળા ઈ વેગળા જ રહે... મેં પાંચ વરસમાં તને બહુ કીધું પણ તું ન માની. શું કામ તારા પેટે સંતાન ન થવા દીધું એ મને કહીશ?''

''આજ તમે પૂછયું છે તો કહું કે હું હેતના ભાગલાં પાડવા નહોતી માંગતી.''

''એટલે?'' એ ઉભો થઈ ગયો.

''બસ, ભોલિયા ઉપરના મારા હેતમાં કોઈ વારસ ઉભો થાય ને કાલ સવારે મારાથી વારો તારો થઈ જાય તો– ભોલિયાના હૈયાની આહ લાગી જાય ને મને તો પાતક લાગી જાય...''

''એટલે... એટલે તેં દુનિયા, સમાજ અને ભોલિયાને ખાતર તારો કોઠો વાંઝિયો રાખ્યો?''

''એવું ન બોલો. ભોલિયો મારો જ છે ને૧ મારો પંડયનો દિકરો છે૧ મને એની ઉપર વિશ્વાસ છે. એ મને સાચવશે. તમારો વહેમ જૂઠો છે.'' એમણએકનો નિહાકો મૂકીને સૂઈ ગયો.

માંડ બે મહિના ચાકરી ભોગવીને ચમન લાંબે ગામતરે ચાલ્યો ગયો. ભોલિયો વસુ એકલા પડયા. દિવસો વરસો બની ગયા. ભોલિયો, ભોલિયામાંથી ભાવેશ બન્યો. માં એ પેટે પાટા બાંધી ને પણ ભણાવ્યો. પી.ટી.સી. કરાવ્યું. શિક્ષકની નોકરી મળી અને ચંપકલાલની મીના સાથે સગાઈ પણ કરી નાંખી. મીના પૈસાદાર બાપની એકની એક દિકરી. પુરી સ્વતંત્રતામાં ઉછરેલી સ્વછંદી છોકરી હતી. લગ્ન પછી માંડ બે ત્રણ મહીના ઠીક ચાલ્યું... ભાવેશ નોકરી એ જતો ને મીના, પોતાના રૂમમાં જઈને સૂઈ જતી. વસુ કામ ઘસડતી... સાંજે સાડાચારે મીના બનીઠનીને બેસતી. જેવો ભાવેશ આવતો કે તેને બહાર ઘસડી જતી...

ભાવેશને બહુ ગમતુ નહીં પણ પત્નિને નારાજ કરવા માંગતો નહોતો. પણ જુઠું લાંબો સમય ચાલતું નથી. તેણે એક વખત કહયું, ''ં માંને ઘરકામમાં મદદ કરાવતી હોય તો સારૂં. માં આ ઉમરે થાકી જાય છે.''

મીના ગર્જી ઉઠેલી : ''તે આખો દિવસ હું જ બધુ કરૂં છું ને૧ તમારી માં ને કાંઈ નથી કરવું પડતું...'' ભાવેશ કશું બોલ્યો નહીં. એકવાર ઓચિંતો ઘરે આવ્યો. તો મીના પડોશમાં બેસવા ચાલી ગયેલી. માં બધું કામ કરતી હતી. તેણે પાસે બેસીને માં ને પુછયું :''કેમ માં, શા માટે કરે છે તું આ બધો ઢસરડો?''

''... તો કોણ કરે બેટા?'' માં ની આંખમાં આંસુ આવી ગયા. તે બાજુમાં જઈને મીનાને બોલાવી લાવ્યો. ઝઘડયો. વાતવાતમાં એક તમાચો ચોડી દીધો. મીના પિયર જતી રહી. વાત વટે ચડી ગઈ.. મીના એ કહયું ''તમારી માં થી જુદા રહેવું હોય તો આવું...''

''એ નહીં બને...'' ભાવેશે કહી દીધું. પણ માં ન માની. એ જઈ ચંપકલાલને હાથેપગે પડીને તેડી આવી. ભાવેશ ઘરે આવ્યો ત્યારે મીના આવી ગઈ હતી. 'માં..' કરતો એ અંદરના રૂમમાં વળ્યો કે મીનાએ બાવડું પકડીને કહયું :''આપણો રૂમ આ બાજુ છે.માં આપણાથી નોખી થઈ ગઈ છે...'' ભાવેશને એક સામટા હજાર વીંછીઓનું ઝેર ચડી ગયું. 'ઘર' ના બે ભાગ પડી ચૂકયા હતા. માં સાંજેકના આવી. એક શીશીમાં તેલ હતું. નાના નાના પડીકામાં ચા, ખાંડ, દાળ, મરચું, મીઠું વિ. હતા. તે માને ખભે માથું ટેકવી રડી પડયો.

''અરે ગાંડા... શા માટે રડે છે? હું કયાં તારાથી આઘી ગઈ છું? તારી પડખે જ છું જો...''

''મને રડવું એનું નથી આવતું પણ રડવું એનું આવે છે કે એક દિ' તેં મારા પિતાજીને હોસ્પિટલમાં જે હૈયાની વાત કહી હતી તે મેં સાંભળી હતી... મને તેનું રોવુ આવે છે. માં, તારા સગા કોઠેથી એક દિકરો પેદા થવા દીધો હોત તો?''

''એવું ન બોલ ગાંડિયા... તું મારો જ છે ને? મા એ એના હોઠો ઉપર હાથ મૂકી દીધો...૧ બે ત્ર મહીના નીકળી ગયા. એક રાતે માને ખૂબ તાવ ચડયો ખૂબ ટાઢ ચડી. કસતી કસતી ધ્રુજતી તેણે એના ઓરડાની સાંકળ ખખડાવી.

'કોણ?' ભાવેશ બોલી ઉઠયો.

''એ તો હું મા...''

'મા' નુ નામ પડતાં જ તે ઉભો થઈ ગયો. બારણુ ખોલીને જોયું તો માં ડગુમગુ ઉભી હતી. ''બેટા, મને તાવ આવ્યો છે. ટાઢ ચડી છે. ચકકર ચડે છે... મને તાત્કાલિક દવાખાને..''

''હા...માં. ઉભી રહેસુરાકાકાની રીક્ષા કરતો આવું..'' કહી તે બહાર નિકળ્યો. પણ એ પહેલા મીના બહાર આવીને બરાડી :''તાવ તો અઠવાડિયાથી આવે છે. બોલવું ન જોઈએ? અત્યારે કોકની રાત બગાડે છે. અત્યારે કોણ દવાખાને ભોજીયોભાઈ હોય... વખત તો જોતા હો તો –''

વસુ આગળ ન સાંભળી શકી. એ રગરગી ઉઠીઃ

''એ બેટા,રહેવા દે વહુની વાત સાચી છે. સવારે જાશું...''

''ના માં...''

''મારા સમ બેટા... મને બે ત્રણ ગોદડા ઓઢાડી દે. હમણાં ટાઢ ઉડી જશે.''

ભાવેશ કમને પાછો વળ્યો. કલાક બેઠો. મા ઉંઘી ગઈ હોય એમ લાગ્યું. વહેલા સાડાચારે સૂતો. પણ સવારે માં ઉઠી જ નહીં. કયાંથી ઉઠે? તેણે સદાયને માટે આંખો મીંચી દીધી હતી. 'માં' ના નામનું સંબોધન હવે જીંદગીમાંથી બાદબાકી થઈ ગયું હતું. ભાવેશનું હૈયું હીબકા ભરતું રહયું.

બારમુ પત્યું. એના ઓરડામાં રહેલો તેના લગન વખતનો જૂનો પતરાનો ટ્રંક ખોલ્યો. તો અંદર પોતાના જ લગન વખતે ઓઢેલા પાનેતરનું પોટલું વાળીને મૂકયું હતું. ભાવેશે ખોલ્યું તો રોકડા રૂપિયા હતા. બચતપત્રો હતા. સોનાના દાગીના હતા... એક જર્જરીત કાગળમાં ઝાંખાપાંખા અક્ષરોમાં લખ્યું હતું. ''મારા ભોલિયા માટે...''

–––