Self aestim in Gujarati Motivational Stories by Paru Desai books and stories PDF | સેલ્ફ એસ્ટીમ

Featured Books
Categories
Share

સેલ્ફ એસ્ટીમ

સેલ્ફ એસ્ટીમ – સ્વ પ્રત્યે આદર કેળવીએ

સ્વ પ્રત્યે આદર એટલે કે સેલ્ફ એસ્ટીમ. આત્મવિશ્વાસ અને આત્મ સન્માન નો સમન્વય. આત્મવિશ્વાસ કે આત્મસન્માન ક્યાય થી ખરીદી શકાતા નથી પણ તે તો કેળવવા પડે. પથ્થર ને કોતરી ને જેમ શિલ્પકાર સુંદર આબેહુબ મૂર્તિઓ અને કલાકૃતિઓ બનાવે છે તે રીતે આપણે ખુદ એ જ આપણા શિલ્પી બની જઈ આપણું જીવન સુંદર બનાવવાનું હોય છે. માટે જ આત્મવિશ્વાસ અને આત્મસન્માન માં સમતોલ વધારો કરતા જવાથી સેલ્ફ એસ્ટીમ વધારવાથી જીવન સુખમય બનાવી શકાય. પોતાની કદર કરવી, પોતાને મહત્વના માનવા એ જ સેલ્ફ એસ્ટીમ. ઘણીવાર ઘણો પુરુષાર્થ કર્યા છતાં પણ ધારી સફળતા પ્રાપ્ત થતી નથી એવું આપણે જોયું છે. તેની પાછળનું કારણ તે સેલ્ફ એસ્ટીમ નો અભાવ પણ હોઈ શકે છે. થોમસ કૂલર કહે છે કે ‘તું તારો મિત્ર થા, પછી બીજા ઓટોમેટિક તને માન આપશે.’ જ્હોન વાન્કોન્સેલોસે કહ્યું છે ‘સેલ્ફ એસ્ટીમ એ એક જાતનું સોશ્યલ વેક્સીન છે’ આત્મવિશ્વાસથી જ પ્રભુ શ્રદ્ધા તેમજ કાર્ય કરવાની હિમત મળે છે. સંકોચશીલ સ્વભાવ કાઢવાની કોશિશ કરવી. ‘કોઈ મારા માટે શું વિચારશે?’ એ વિચારવાને બદલે શું સારું છે અને તમને શું ગમે છે તે મુજબ જ કાર્ય કરવું. જયારે આત્મવિશ્વાસ નબળો પડે છે ત્યારે સ્વભાવ શંકાશીલ બને છે તે સમયે પોતાની મળેલી ખ્યાતી ને યાદ કરો. જે કામમાં પારંગત હોવ તે વારંવાર કરો. ખુદની તસ્વીર રૂમ માં લગાડો. મોબાઈલ ના વોલ પેપરમાં પણ રાખો. શોભે તેવા વસ્ત્રો પહેરી અરીસામાં જોઇને જાત ને વખાણો. પોતાની જાતને ખાસ હોવાની અનુભૂતિ કરાવવા પોતાના જન્મદિન કે વેલેન્ટાઇન ડે પર ખાસ ગીફ્ટ જાત માટે જ ખરીદો. નાની નાની ખુશીઓ મેળવવા સૌ સાથે હળી મળી ને રહો. ઘણીવાર આત્મવિશ્વાસની ઉણપ ને કારણે દરેક સંબંધમાં અસલામતી અનુભવાય છે જેથી ક્યારેક અજાણતાં જ શંકા ઉપજે અને સંબંધ માં તિરાડ પડી શકે. વળી સ્વ આદર નો અભાવ હોય તે વખતે અન્ય નો આદર કરવો ગમતો નથી અથવા તો ઈર્ષા થાય છે. આ સમયે પણ પોતાના માં રહેલી આવડત ને કેળવી ને સ્વ વિકાસ કરવાથી સંતોષ અનુભવાશે. આ બધી જ બાબતો સેલ્ફ એસ્ટીમ વધારે છે. માટે જ તરુણાવસ્થામાં તો જો આ રસી આપવામાં આવે તો જીવનમાં ક્યારેય નાસીપાસ કે હતાશ થવાય નહિ. જિંદગીની તમામ પ્રકારની કસોટીઓમાં હંમેશ અવ્વલ જ રહે. જેની માટે સંતાનના માતા-પિતા,શિક્ષક તથા વડીલોએ સેલ્ફ એસ્ટીમની કેળવણી આપવી જરૂરી છે. માટે જ આ ઉમરે તેઓના આત્મસન્માન અને આત્મવિશ્વાસ વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.

ટીનેજર સાથે થોડો સમય ગાળી તેનામાં શું છે તે જાણવાની કોશિશ કરી તેનામાં રહેલા ગુણ અને આવડતથી વાકેફ કરો. તે જાણી,સમજીને તેમાં આગળ વધવા સતત પ્રોત્સાહન આપવાથી તેઓ પોતાના સારા પાસાઓ થકી સફળતા પ્રાપ્ત કરશે. તે મુજબની તાલીમ આપવી તેમજ તે દિશા તરફ વિચારવાની પ્રેરણા આપવી. બીજા કઈ પણ કરે પણ તે શામાં રસ ધરાવે છે તે જાણી લઇ તે કરવા અનુકુળતા ગોઠવી દો. ધારશો તે પામશો બસ ધારવાની ટેવ પાડો. જે મળે તે માણવાની ટેવ પાડવાથી સમસ્યા નો ઉકેલ લાવી શકાય છે તે સમજાવો. કોઈ શારીરિક ખામીને કારણે ‘હીનતા’ અનુભવવાની જરૂર નથી. તે સ્વીકારી તે અનુસાર કાર્ય કરવું. ઉદાહરણ તરીકે જો પગની તકલીફ હોય તો ઓન લાઈન કાર્ય કરવું. આજકાલ તો ઈન્ટરનેટ ને કારણે તે બાજુ ઘણી તકો રહેલી છે. પોતાનો બાહ્ય દેખાવ નબળો હોય તો તે મુજબ વસ્ત્રો અને સ્ટાઇલ અપનાવવા. અને ટેલેન્ટ જ મહત્વની તે બાબત સમજાવવી. સંતાને મેળવેલી નાની-મોટી સિદ્ધિઓ રૂપે મળેલા એવોર્ડ- સર્ટીફીકેટ શો-કેસ માં ગોઠવો કે જેથી અન્ય લોકો પણ તેની પ્રશંસા કરી પ્રોત્સાહન આપે. આમ તેનો આત્મવિશ્વાસ વધતો જશે. વળી, તેઓને કોઈની નકલ કરવાની આદત પણ ન પાડવી. પોતાનામાં રહેલી ટેલેન્ટને જ બહાર લાવવાની તાલીમ આપવાની જરૂર છે. વારંવાર હમ ઉમ્ર ભાઈ-બહેન, પિતરાઈ કે મિત્રો સાથે સરખામણી ન કરવી. નહીતો સંતાનને પોતાનું જીવન અર્થવિહીન લાગશે. તે જેવા છે તેવા જ સારા છે તેનો અહેસાસ કરાવવો. પોતે હીનતા અનુભવી નાસીપાસ થશે. એ જ રીતે વાતવાતમાં રોકટોક કે અન્યની હાજરીમાં તેની બદલ સતત શિખામણ આપવી કે ગુસ્સો કરવાથી સ્વમાન ગુમાવશે. ઘણીવાર વડીલો તથા શિક્ષકો પોતાની ભૂલ હોવા છતાં માત્ર ‘અહં’ ને કારણે તેઓને ઉતારી પડવાની વૃતિ ધરાવતા હોય છે જેથી વગર વાંકે તેના પર ગુસ્સો કરે કે શિક્ષા કરે ત્યારે ટીનેજર પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી હતાશ થાય છે. આવા સંજોગો વારંવાર બનતા સ્વ-આદરની ભાવના કેળવાતી નથી. જેથી અસલામતી અનુભવે,ધારેલું કાર્ય કરતા અચકાય એવું પણ બને.

સેલ્ફ એસ્ટીમ એટલે અભિમાની, સ્વછંદી, ઉદ્ધત કે શિસ્ત વગરના થવું એવું નથી. અભિમાન એ આત્મસન્માન નો અતિરેક છે, સ્વછંદતા એ સ્વતંત્રતા નો અતિરેક છે અને ‘અતિ’ ને ગતિ નથી હોતી. આપણે જાણીએ છીએ કે અભિમાની વ્યકિત સાથે કોઈ સારી રીતે વર્તન કરશે નહિ. એ જ રીતે સ્વછંદી બનવાથી ખોટા નિર્ણય લઇ ને સમય જતા પસ્તાવું પડે છે. પરંતુ સેલ્ફ એસ્ટીમ બને એટલે કે સ્વનું મુલ્ય સમજે અને પોતાની બુદ્ધી અને લાગણીનો સમતોલ ઉપયોગ કરી એક સારી વ્યક્તિ બને.તેનું વલણ હંમેશા આશાવાદી અને હકારાત્મક હોય તે જરૂરી છે. હકારાત્મક કેળવવા અમુક બાબતો જાણીએ.

  • દરેક વ્યક્તિ કે જેની સાથે તમે સંપર્કમાં આવો છો તેને મહત્વના ગણો.
  • દરેક ને પ્રોત્સહાન આપવાની અને તેના ગુણો ના વખાણ કરવાની આદત પાડો.
  • દરેક પાસેથી આપણે કઈંક તો શીખી જ શકીએ તેમ માની તેનું અવલોકન કરો. ટિકા કરવાને બદલે સારપ અપનાવો.
  • ટિકાઅને નિંદા કરનારા કે નકારાત્મક વિચારો વળી વ્યક્તિઓ થી દુર રહો.
  • પોતાની મુશ્કેલી ના રોદણા રોઈ ને સમય ને ન વેડફો.
  • પોતાના સારા અને ખરાબ પાસા ને અલગ તારવી , સ્વીકારી ને ખરાબ ને સુધારવાના પ્રયત્નો કરો.
  • સકારાત્મક અભિગમ દર્શાવતા વાક્યો-સૂત્રો અને પુસ્તકો વાંચો અને વાગોળો.
  • સંતાનો પોતાની સારસંભાળ લેતા શીખે. અન્યનું દુઃખ સમજી શકે. મુશ્કેલીમાંથી માર્ગ કાઢતા મૂંઝાય નહિ. જીવનમાં દરેક તબ્બકે જે કોઈ નિર્ણય લે તેની પુરતી જવાબદારી પોતાની જ રહે અને તે મુજબ જ કાર્ય કરે. માટે જ અભ્યાસ સાથે ક્યારેક થોડીક જવાબદારીઓ સોપવી. જેથી તે જાતે નિર્ણયો લેતા શીખે. તેઓને નાની નાની કસોટીઓમાં મળેલી નિષ્ફળતા પછી પણ પ્રયત્નો કરતા રહી સફળતા મેળવવાની આદત પાડવી. તેમાં ગભરાવાની કે ડરીને હારવાની જરૂર નથી. કારણ કે જે જંગ લડે તે જીતે પણ અને હારે પણ. આત્મવિશ્વાસ વધારવા શક્ય હોય ત્યાં સુધી આયોજન મુજબ સમયસર કાર્ય પૂર્ણ કરાવવા. જો કોઈ સંકોચશીલ સ્વભાવનું હોય તો અરીસા સામે ઊભીને વક્તવ્યની તૈયારી કરાવવી. પછી ઘરના સભ્યો સમક્ષ નજર મેળવીને વાત કરવી અને ચર્ચા માં ભાગ લેવો. તેમાં સફળ થતા આત્મસન્માન અને આત્મવિશ્વાસ વધતો જશે. તેનામાં ઇર્ષાભાવ દુર થઈ અન્ય પર વિશ્વાસ મુકતા શીખશે. મનોબળ મજબૂત બનશે. સ્વતંત્રતા નો અહેસાસ કરશે.

    આમ, જીવનમાં દરેક ક્ષેત્રે અવ્વલ રહી સંતોષનો અનુભવ કરવાથી હિંમત વધશે. ટુકમાં સ્વ- આદર થકી પોતાનું જીવન મધુર બનવવા સાથે અન્યની સાથે પણ તેના વાણી-વર્તન પ્રામાણિક હશે. અન્યને ખુશ રાખવાની આવડત વધશે.

    પારુલ દેસાઈ

    9429502180

    parujdesai@gmail.com