એક અજાણી મિત્રતા ભાગ -૨
(વાર્તાનો આ ભાગ વાંચ્યા પહેલા " એક અજાણી મિત્રતા ભાગ -1 વાંચવાથી વાર્તાની પ્રવાહિતા જળવાઈ રહેશે. વાર્તા વાંચીને આપના પ્રતિભાવો આપશો તો ગમશે.)
ટ્રેન તીવ્ર ગતિએ જઈ રહી હતી, જાણે વરસોની વિજોગણ પોતાના પિયુને મળવા બેતાબ બની હોય. તારક અને રાધિકા ચેસ રમી રહ્યા હતા. રાધિકાના મમ્મી જોસેફ મેકવાનની નવલકથા
" આંગળીયાત" વાંચી રહ્યા હતા. રાધિકાએ તારકના વજીરને ગૂંચવી દીધો હતો. તારક વજીર બચાવવાની મથામણમાં પડ્યો હતો અને રાધિકાના હોઠો પર લુચ્ચાઈ ભર્યું સ્મિત ફરકતું હતું.
તારક વિચારવા લાગ્યો પોતે તો તેની કંપનીમાં ચેસની રમતમાં છેલ્લા ચાર વર્ષથી ચેમ્પિયન છે. અને આ સાવ અજાણી છોકરી તેના વજીરને ગૂંચવી નાખે? કંઈક તો ગરબડ છે. શાંતિથી વિચાર્યું રાધીકાનું ઊંટ વજીર પાસે આવ્યું કેવી રીતે? તારકને તો પરસેવો વળી ગયો. સામેથી સરિતા ખડખડાટ હસી પડી, અને બોલી કે અમે જેને શાંત છોકરી સમજો છો તેણે ચીટીંગ કર્યું છે. તમે જયારે મોબાઈલ ચાર્જ કરવા ગયા ત્યારે કુંવરીબાએ ચાલાકીથી પોતાના ઊંટને વજીર સાથે ભીડવી દીધો.
તારક ખીલખીલાટ હસી પડ્યો.
આ લુચ્ચીના લગ્ન થશે ત્યારે તેના થનાર પતિને તો વારે ઘડીએ મૂંઝવ્યા કરશે.
રાધિકા લગ્નની વાતથી એવી રીતે લજાઈ ગઈ જાણે લજામણીનો છોડ હોય.
તેણે પોતાનો ચહેરો પોતાની હથેળીથી સંતાડી દીધો.
સરિતા જોઈ રહી, હંમેશા તોફાન કરતી રાજકુમારી આજે લગ્નનું નામ સાંભળી શરમાઈ કેમ ગઈ?
ટ્રેન તેના વેગથી ગતિમય હતી, હવે સફરનો બીજો દિવસ પૂરો થવા આવ્યો હતો. તારક હવે ખરેખર કંટાળ્યો હતો, સાથ તો મન ગમતો હતો પણ ઝાઝી મસ્તી કરી શકાય તેવું નહોતું. તેણે રાધિકાને કહ્યું ચાલ આપણે બીજા કોચમાં લટાર મારી આવીએ. રાધિકાએ તેની મમ્મી તરફ પ્રશ્ન સૂચક નજરે જોયું, તેની મમ્મીએ માથું હલાવી હા કહી.
તારક સાથે રાધિકા બીજા કોચમાં લટાર મારવા નીકળી. તેઓ એ. સી. બોગી વટાવી જનરલ કોચમાં આવ્યા. એક બર્થમાં એક સુંદર બાળક ઘુઘવાટા કરી રહ્યું હતું, તેના ઘેરા કાળા વાળમાં તેનું મુખ કાળી કાળી વાદળીઓમાં ચંદ્રમા ચમકે તેમ ચમકી રહ્યું હતું. તારકને નાના બાળકો ખૂબ ગમતા. વડોદરામાં તે જ્યારે ઓફિસેથી ઘેર આવતો ત્યારે જ્યાં રહેતો ત્યાં અડોશ પડોશમાંથી નાના બાળકો લઈ આવતો.
તારકને તે બાળક ખૂબ વ્હાલું લાગ્યું, પોતાની પાસે રમાડવાની તૃષ્ણા જાગી. આજુ બાજુમાંથી તો તારક કોઈ પણ બાળક પોતાને ઘેર લાવતો, આજુ બાજુ વાળા તો સહુ ઓળખીતા હતા અને તારક અને કસકના સ્વભાવથી સુપેરે પરિચિત હતા પણ અહીં પરિસ્થિતિ જુદી હતી. તેણે રાધિકાને પેલું બાળક લઈ આવવાની વાત કરી, પણ રાધિકાએ તો સાફ મના કરી દીધી.
તારક હવે નટખટ બાળકની મમ્મી પાસે ગયો, તારક બાળકના વખાણ કરવા લાગ્યો. બાળકનું નાક મૃદુતાથી દાબ્યું. ત્યારબાદ ધીરે રહી તેણે પોતાનો પરિચય આપ્યો અને રાધિકાનો પરિચય પોતાની પત્ની તરીકે આપ્યો અને કહ્યું કે રાધિકાને બાળકો બહુ ગમે છે. શું તે તમારા બાળકને રમાડી શકે?
બાળકની મમ્મીને બાળકના વખાણ ગમ્યા, તેણે પોતાનું બાળક છાતી સરસું ચાંપી દીધું. અને હળવેથી હા કહી.
તારક આનંદિત થઈ ગયો તેણે રાધિકાને બૂમ પાડી રાધા અહીં આવ.
રાધા તારક પાસે આવી તે પહેલા તો તારકે બાળકને ઊંચકી લીધું અને રાધિકાના ખોળામાં મૂકી દીધું. રાધિકા બાળકને ગલગલીયા કરવા લાગી. બાળક હસવા લાગ્યું. તારક બાળક તરફ એકીટશે જોઈ રહ્યો તેને પોતાનો બાળપણનો ફોટો યાદ આવી ગયો. લગભગ તારક આવો જ લાગતો હતો.
બાળકની મમ્મી એકલી જ મુસાફરીમાં હતી, તેની સાથે તેનું કોઈ સગું વહાલું હતું નહીં. બાળક તારક અને રાધિકા પાસે હતું એટલે તેને નિરાંતની લાગણી થઈ તે થોડીવાર માટે ફ્રેશ થવા ગઈ.
એક જંક્શન આવ્યું, ટ્રેન ધીરી પડતી ગઈ અને ધીમે ધીમે ઉભી રહી ગઈ બાળકની મમ્મીની સામેની સીટ પર ત્રણ જણ બેઠા હતા તેમનું સ્ટેશન આવી ગયું, તે બધા મુસાફરો નીચે ઉતર્યા. અને તેની જગ્યાએ ચાલીસેક વર્ષ વટાવી ચૂકેલ એક દંપતી અને વીસ વર્ષની યુવતી ટ્રેનમાં ચડ્યા અને પોતાની સીટ પર ગોઠવાયા.
એન્જીને તીણી વહીસલ વગાડી, બાળક સહેજ ચમક્યું અને પાછું પૂર્વવત થઈ રાધિકાના ખોળામાં રમવા લાગ્યું. ટ્રેને એક આંચકો આપ્યો અને ધીરે ધીરે શરૂ થઈ. બાળક પોતાના હાથ પગ હલાવવા લાગ્યું.
નવી આવનાર યુવતીએ પોતાની ઉપરની બર્થ પર લંબાવ્યું, અને ત્યાંથી તેણે બાળકનું ધ્યાન મધુર સીટી મારી પોતાની તરફ દોર્યું. બાળક બે હાથ લાંબા કરી તે તરફ લંબાયું.
નવા મુસાફરો ટ્રેનમાં આવ્યા હતા તેમાંથી પત્નીએ પતિને કહ્યું જુઓ આ બાળકનું નાક તેના પપ્પા જેવું છે. આ સાંભળી તારક ખડખડાટ હસી પડ્યો. તારકને હસતો જોઈ બાળકના ચહેરા પર પણ મુશ્કાન ફરી વળી. આ જોઈ પેલી સ્ત્રી ફરીથી બોલી જુવો, બાળક હસે છે ત્યારે તેને તેના પપ્પાની માફક ગાલે ખંજન પડે છે.
આ લોકોની વાત સાંભળી રાધિકાના ગાલે શરમના શેરડા પડ્યા, આ જોઈ ઉપરના બર્થ પર રહેલી યુવતી બોલી પણ હોઠ તો તેની મમ્મી જેવા લાગે છે. અને આંખો પણ કેવી સુંદર લાગે છે. મને તો બાળકને પપ્પીઓથી નવડાવી દેવાનું મન થાય છે. કેટલું ક્યૂટ લાગે છે.
યુવતી ફટાફટ નીચે ઉતરી અને રાધિકા પાસેથી બાળક લઈ બાળકના ગાલ પર ઉપરા છાપરી ચૂમીઓ કરવા લાગી, તેના કાળા વાંકડિયા વાળોની લટોને રમાડવા લાગી. ત્યાં તો અચાનક બાળકે પેશાબની ધાર કરી, યુવતીના કપડાં પલળી ગયા, અને તેણે ઝટપટ બાળકને તારકને આપી દીધું, અને બોલી આ તો તેના પપ્પા જેવો લુચ્ચો છે.
અચાનક બાળકે કરેલ પેશાબથી યુવતીના કપડાં ભીંજાઈ જવાથી આખા કોચમાં હસા હસ થઈ ગઈ. કોઈક બોલ્યું તેની મમ્મી લુચ્ચી હશે કે પપ્પા એ તો પરિચયમાં આવ્યા વિના કેમ ખબર પડે?
ત્યાં તો બાળકની રીઅલ મમ્મી ફ્રેશ થઈને પછી ફરી, પેલી યુવતીને ભીંજાયેલ જોઈ બોલી તમારી પાસે કુકુ કેવી રીતે આવ્યો? સામે વાળા પતિ પત્ની તેઓ બાળકને તારક અને રાધાનું સમજતા હતા. એટલે શરમાયા, તેઓ અને તેની સાથેની યુવતી આબાદ રીતે ભોંઠા પડયા.
તારકને આ નાટક ગમ્યું તે હસી હસીને લોટ પોટ થઈ ગયો. પણ રાધિકાને હસવું કે રડવું તે જ ખબર ન પડી, તે ખીજવાઈ ગઈ, તે તારકનો હાથ પકડી તારકને પોતાના કોચ તરફ લઈ ગઈ.
તારક અને રાધિકા પોતાના કોચમાં આવ્યા ત્યારે સરિતા તેમની આતુરતાથી રાહ જોઈ રહી હતી.
તેના ચહેરા પર ગુસ્સાના ભાવ આવ્યા, આટલી વાર લગાડાતી હશે?
હું સાવ એકલી એકલી કંટાળી ગઈ સરિતાએ રાધિકાને ઠપકો આપ્યો.
રાધિકાએ નિર્દોષતાથી તારક સામે જોયું, જાણે તારક પરાણે તેને પાછી આવવા દેતો નહતો.
તારક આંટી પાસે સરિતાનો બચાવ કરે એટલામાં સરિતાનો મોબાઈલ રણક્યો.
હેલ્લો સરિતાએ ફોન ઉપાડ્યો.
ડાર્લિંગ મારે એક અર્જન્ટ કામ આવી ગયું છે એટલે કાલે સવારે મારે દિલ્હી સેમિનારમાં જવાનું છે.
હું તમને લેવા નહીં આવી શકું, રાધિકાના પપ્પાએ ચિંતાતુર અવાજે કહ્યું.
તમે એકલા આવી શકશો ને? કારણ કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા થોડું રિસ્કી છે.
અને હા ઘરની ચાવી તો તારી પાસે છે ને? સામે છેડેથી રાધિકાના પપ્પાનો અવાજ આવ્યો.
તમને લોકોને એકલું આવવું થોડું અઘરું તો લાગશે, પણ બીજો કોઈ ઉપાય નથી.
અહીંથી મારી કોલેજમાંથી રમેશને મોકલત પણ તે બીમાર છે.
બૂચિયો શું કરે છે? ક્યાં છે બૂચિયો?
રાધિકાના પપ્પા રાધિકાને લાડથી બૂચિયો કહેતા. નાનપણમાં રાધિકાના પપ્પા રાધિકાને બહુ લાડ લડાવતા.
રાધિકા સહેજ પણ બીમાર પડે તો સરિતાને ખખડાવી નાખતા.
રાધિકાના પપ્પા હાજર હોય ત્યારે રાધિકા સહેજ પણ રડવી ન જોઈએ તેવી તેના પપ્પાની કડક સૂચના હતી.
આ રહ્યો તમારો બૂચિયો કહીને સરિતાએ ફોન રાધિકાને આપ્યો.
હેલ્લો પપ્પા મજામાં ને? કોયલના ટહુંકાર જેવો રાધિકાએ ટહુંકો કર્યો.
હા બેટા મજામાં, અને મારા બૂચિયાની તબિયત સારી છે ને?
મુસાફરીમાં કોઈ તકલીફ નહોતી પડી ને?
ના પપ્પા કોઈ તકલીફ નહોતી પડી, અમે તો બહુ મજા કરી.
સારું કહીને રાધિકાના પપ્પાએ ફોન મૂકી દીધો.
ફોન પૂરો થયા પાછી તારક મનમાં મલકાઈ રહ્યો હતો.
તે મોટેથી બોલ્યો વાહ સરસ નામ છે " બૂચિયો"
સરિતાએ ફોડ પાડ્યો, એમાં એવું હતું રાધિકા નાની હતી ત્યારે ચીની જેવી લાગતી.
ત્યારે રાધિકાનું નાક થોડું બુચ્ચું હતું. તેના પપ્પાને તેવું નાક બહુ ગમતું.
તેના પપ્પા નાક પર હળવેથી બચકું ભરતા અને કહેતા મારો બૂચિયો મને વાલો વાલો લાગે.
એમ કરતા કરતા તેનું નામ બૂચિયો પડી ગયું.
ગરમા ગરમ ટમાટર સૂપ, લો ભાઈ ગરમા ગરમ ટમાટર સૂપ, મિક્સ વેજ સૂપ લો ભાઈ મિક્સ વેજ સૂપ, બોલતો બોલતો રેલવે કેટરિંગ કર્મચારી સૂપ વેચી રહ્યો હતો.
સાંજ ઢળી ચુકી હતી. પશ્ચિમ દિશામાં સૂરજ પોતાની આજુ બાજુ લાલિમા પ્રસરાવી વિલીન થવાની તૈયારીમાં હતો. લાલ ચટ્ટાક સૂરજ ફૂટબોલના દડા જેવો લાગી રહ્યો હતો.
આકાશમાં વાદળીઓએ જાણે લાલ કલરની ચૂંદડી ઓઢી લીધી હતી, કોઈક કોઈક જગ્યાએ તારા રૂપેરી જ્યોતની જેમ ટમટમતા હતા. પંખીઓ પોતાના માળાના પાછા ફરી રહ્યા હતા.
તીન કપ ટમાટર સૂપ દેના, તારકે સૂપનો ઓર્ડર આપ્યો.
સરિતા બોલી રહેવા દો, મને સૂપ નહીં ફાવે.
આંટી આ ટ્રેનમાં ટમાટર સૂપ સરસ આવે છે, એક વાર પીશો તો દિલ ખુશ થઈ જશે.
સરિતાએ સૂપ થોડો ચાખ્યો સાચે જ સૂપ સરસ હતો, તારકે પૈસા ચૂકવ્યા.
@ @ @ @
તારક વડોદરાથી મધરાતે ટ્રેન પણ ચડ્યો હતો, તે રાત અને તેના પછીની આખી રાત અને ત્રીજા દિવસનો બપોરનો સમય થઈ ગયો હતો. ટ્રેને તેના છેલ્લા સ્ટેશન કામાખ્યા જંક્શન પર પહોંચી પોતાનો અંતિમ પડાવ પૂરો કર્યો.
એક પછી એક સહુ પેસેન્જર નીચે ઉતાર્યા, તારક, સરિતા, રાધિકા પણ ટ્રેનમાંથી ઉતાર્યા.
સરિતા બહુ થાકી ગઈ હતી. રાધિકાના મુખ પર 72 કલાકની મુસાફરી કર્યા પછી પણ ચમક વર્તાતી હતી. જ્યારે તારક બગાસા ખાતો હતો.
સરિતા જ્યારે પણ કોહિમા જતી ત્યારે સીધી ગૌહાટીની જ ટ્રેન પકડતી, પણ આ વખતે ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ થઈ નહોતી એટલે તેણે " ગાંધીઘામ - કામાખ્યા " ટ્રેન પસંદ કરી હતી. ગૌહાટી હજુ પણ દૂર હતું અને કામખ્યાથી ગૌહાટી કઈ રીતે જવું તેની સરિતાને જાણ નહોતી.
સરિતાને મુંજાયેલી જોઈ તારક બોલ્યો અહીંથી ગૌહાટી કેવી રીતે જવું તેની મને ખબર છે, ચાલો મારી સાથે. અહીંથી ગૌહાટી બહુ દૂર નથી, તારક થોડે દૂર જઈ એક ઓટો રીક્ષા મંગાવી લાવ્યો અને તેણે ફૂલી પાસે બધો સામાન ઊંચકાવી ઑટો રિક્ષામાં મુકાવ્યો અને "હોટેલ ગીતાંજલિ" પર લઈ જવા ડ્રાઈવરને આદેશ આપ્યો.
વીસ ત્રીસ મિનિટમાં રીક્ષા હોટેલ પર પહોંચી, તારકે ડ્રાઈવરને પૈસા ચૂકવ્યા અને હોટેલ મેનેજર સાથે વાત કરી રૂમ બૂક કર્યો. સરિતા તો રૂમમાં જઈ ફ્રેશ થયા વિના જ સુઈ ગઈ.
તારક પણ થાક્યો હતો, પણ કોહિમા જવા માટે માત્ર ગૌહાટીથી રાતે એક જ બસ હતી, એટલે વહેલાસર ટિકિટ બૂક કરાવી લેવી જરૂરી હતી એટલે તે ફ્રેશ થઈ તૈયાર થઈ ગયો. રાધિકા ટીવી પર એક રિયાલિટી શો જોઈ રહી હતી, તારકે રાધિકાને પોતે કોહિમા ટિકિટ લેવા જાય છે તેમ કહ્યું.
આંખો પટપાવતી રાધિકા બોલી મારે પણ આવવું છે. પણ મને બહુ ભુખ લાગી છે.
સારું કહી તારકે હોટેલના રેસ્ટોરન્ટમાં ઇન્ટર કોમથી ફોન ડાયલ કર્યો. અને વેઈટરને રૂમ નંબર 303 માં લંચ માટે ઓર્ડર લખાવવા બોલાવ્યો.
પાંચેક મિનિટમાં રૂમ નંબર 303 નો ડોરબેલ વાગ્યો,
કમ ઈન કહીને તારકે વેઈટરને રૂમમાં બોલાવ્યો, વેઈટરે મેનુ કાર્ડ રાધિકાને આપ્યું.
એક પ્લેટ પનીર ટિક્કા મસાલા, એક દાલ ફ્રાય, એક પ્લેટ મશરૂમ કોફ્તા, જીરા રાઈસ, રોસ્ટેડ પાપડ, અને સલાડ રાધિકાએ ઓર્ડર આપ્યો.
અચ્છા યહ સબ બનાનેમેં કિતના ટાઈમ લગેગા? તારકે વેઈટરને પૂછ્યું.
કમ સે કમ આધા ઘંટા તો લગ હી જાયેગા, ફિર ભી મૈં જીતના જલ્દી હો શકે ઇતના જલ્દી લાને કી ટ્રાય કરુંગા.
એમ કહી વેઈટરે રૂમ બંધ કર્યો.
સરિતા થાકને લીધે ઘસઘસાટ ઊંઘતી હતી, તેના નશકોરા પણ બોલી રહ્યા હતા.
રાધિકા ફ્રેશ થઈને બહાર નીકળી, તેના સેન્ટની ખુશ્બૂ રૂમમાં પ્રસરી રહી.
તારક રાધિકા તરફ ખેંચાયો. અને રાધિકાને આલિંગનમાં લીધી.
તમારા સાસુ જોઈ જશે, રાધિકાએ તેની મમ્મી તરફ ઈશારો કર્યો.
ખાલી એક જ પપ્પી રાધિકે એમ કહી તારકે રાધિકાના હોઠ પર તસતસતું ચુંબન ચોડ્યું.
સર, ખાના આ ગયા... ડોરબેલ વગાડી વેઈટરે બૂમ પાડી, તારકે દરવાજો ખોલ્યો.
વેઈટરે ડાઇનિંગ ટેબલ પર ખાવાની સામગ્રી સજાવી. અને મિનરલ વોટરની બે બોટલ ટેબલ પર મૂકી.
કુછ જરૂરત હો તો 9 નંબર ડાયલ કરના, એટલું કહીને વેઈટરે વિદાય લીધી.
તારકે સરિતાને જગાડી, આંટી જમવાનું મંગાવ્યું છે, તો થોડું જમી લો, પછી આરામ કરજો, તારકે કહ્યું.
મને ભૂખ નથી, કહી સરિતા પથારીમાં જ પડી રહી.
તારકે સરિતાના કપાળ પર હાથ મૂકીને જોયું તાવ તો નથી ને? તાવ નહોતો.
તારકે સરિતાને હાથ પકડી બેઠી કરી, આંટી તમો નહીં જમો તો હું પણ નહીં જમું.
સરિતાને એક અજાણ્યો યુવક તેની આટલી કાળજી લે છે તે જોઈ અંતરથી આનંદ થયો.
અંગડાઇ લઈ તે બેઠી થઈ.
જાઓ આંટી ખાલી હાથ મોં ધોઈ લો, અને ઝટ આવી જાવ.
સરિતા હાથ મોં ધોઈ ટેબલ પર આવી.
જમવાનું સારું હતું, પણ પનીર ટિક્કા મસાલા સ્પાઈસી હતું, સરિતાએ તે સબ્જી એક કોળિયો જમીને મૂકી દીધી, રાધિકા સિસકારા બોલાવતી જાય અને પનીર ટિક્કા મસાલા ખાતી જાય. તારકને અવાર નવાર કંપનીની ટુર માટે બહાર જમવાનું થતું એટલે તેને તીખું ખાવાની આદત પડી ગઈ હતી.
જમવાનું પત્યું એટલે તારકે ત્રણ કપ બદામ ઈલાયચી આઈસ્ક્રીમ મંગાવ્યો. આ આઈસ્ક્રીમ પુરા ગૌહાટીમાં પ્રખ્યાત હતો. રાધિકાને બહુ ભાવ્યો એટલે તારકે રાધિકા માટે એક વધારાનો કપ મંગાવ્યો.
જમવાનું પતાવી રાધિકા અને તારક કોહિમા માટેની ટિકિટ કઢાવવા નેટવર્ક ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ પર પહોંચ્યા. અને કાઉન્ટર પર કોહીમાની ત્રણ ટિકિટ બૂક કરવા કહ્યું.
તમે નસીબદાર છો, કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કે કહ્યું. ગૌહાટીથી કોહિમા જતી એક માત્ર બસ ફૂલ થઈ ગઈ હતી. પણ ત્રણ સીટ વળી એક આખી ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. તે ટિકિટ ક્લાર્કે તારકને આપી.
ટિકિટ બુક કરી રાધિકા અને તારક ગૌહાટીની સડકો પર ફરવા નીકળી પડયા. રાધિકાએ તારકનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો.
(વાચક મિત્રો -એક અજાણી મિત્રતા ચાર કે પાંચ ભાગમાં વહેંચવામાં આવશે, અને જરૂર જણાય તે પ્રમાણે પ્રકરણ ઉમેરવાંમાં કે ઘટાડવામાં આવશે.)