ભીનું રણ-(3)
સીમાને તેના પલંગ પર સુવાડી મને આપેલા બેડરૂમમાં જઈને મેં સુવાનો પ્રયાસ કર્યો પણ પેલા જુના સંસ્મરણો પીછો છોડવાના ન હતા તેની મને ખબર હતી.
એકવાર પહેલા વરસની પરીક્ષા નજીક હતી ને હું ફર્સ્ટ ક્લાસ લાવવા માટે તનતોડ મહેનત કરતો હતો. બાજુના રૂમમાંથી અવાજો આવતા હતા. કેટલાક સિનિયર્સ ભેગા થઈને પાર્ટી માનવતા હશે એવું મને લાગ્યું તેમાં વિલાસ પણ સામેલ હતો એ મારા માટે કોઈ નવાઈની વાત ન હતી. ત્યાં મધરાતે એકાએક પોલીસની સાઈરનથી કેમ્પસ ગુંજી ઉઠ્યું. આજુબાજુના રૂમોમાં દોડાદોડ મચી ગઈ વિલાસ એકાએક તેના એક મિત્ર સાથે મારા રૂમમાં ઘુસી ગયો. રૂમ બંધ કરી બોલ્યો તારો રૂમ-પાર્ટનર ક્યાં ગયો? મેં કીધું એ તો ગામડે ગયો છે, એટલે મને કીધું કે આ મારો મિત્ર છે તને કોઈ પૂછે તો તારે કહેવાનું કે આ મારો રૂમપાર્ટનર છે. મેં તો ગભરાટના માર્યા ત્યારે એવું કર્યું પણ ખરું. પોલીસના ચેકીન્ગમાં બહારના સાત જણ ને પકડવામાં આવ્યા વિલાસ તો બચી ગયો, ને તેનો મિત્ર પણ મારા લીધે બચ્યો.
અડધી રાત્રે એ તો આભાર માનીને નીકળી ગયો, ને મારી આખી રાત ઉજાગરા માં ફેરવી કાઢી.સવારે છાપામાં વાંચીને મારા હોશ ઉડી ગયા.-ગવર્મેન્ટ કોલેજમાં દરોડો, સાત બહારની વ્યક્તિઓ સાથે પાંચ વિદ્યાર્થીઓ દારૂ પીતા પકડાયા.આ સમાચાર એટલા આઘાતજનક ન હતા પણ અંદર ડીટેઈલમાં લખ્યું હતું કે એક હિસ્ટ્રીશીટર જેના માથે પોરબંદરમાં બે ખૂનના ખટલા ચાલે છે તે ભૂરો ઉર્ફે ભુપતસિંહ કોડીનારિયા હોસ્ટેલમાં આવવાનો હોવાની બાતમી મળવાથી પોલીસે રેડ પાડી પણ તે પોલીસના હાથમાંથી આબાદ છટકી ગયો.
મારા પગ નીચેથી જમીન સરી પડી હોય તેવું લાગ્યું કારણકે મેં વિલાસને એમ કહેતા સંભાળ્યો હતો કે ભૂરા તું ચિંતા ના કરીશ હું બધું સંભાળી લઈશ. આ ભૂરો મારી જીંદગીમાંય કેટલી ઉથલપાથલ મચાવાનો હતો એવી ત્યારે ક્યાં ખબર હતી?
ભૂરો આકર્ષક દેખાતો પણ આડા રસ્તે ચડેલો યુવાન હતો. સ્કુલમાં ભણતો ત્યારે પ્રિન્સીપાલને હોકી વડે મારવાના ગુનામાં તેને ભણતરથી દુર રહેવાનું કારણ મળી ગયું હતું. પછી દારૂના અડ્ડે કામ કરતા કરતા તેનામાં ખૂટતા બધા દુર્ગુણો આવી ચુક્યા હતા. પોલીસ સાથે કરેલી દોસ્તીને તે બહુ મોટું હથિયાર ગણતો, તેની વાત પણ સાચી હતી પોલીસ તેને કનડે નહિ અને પોલીસની ભૈબંધીને હીસાબે તે બધાને કનડવા લાગ્યો. જોતજોતામાં તે પોતાના એરિયામાં કુખ્યાત થઇ ગયો. એવામાં એક રાજકારણી રેવાલાલ સાથે તેની ઓળખાણ થઇ ગઈ, તે હવામાં ઉડવા લાગ્યો. રેવાલાલ દ્વારા પક્ષમાં પોતાનો વટ પાડવા માટેજ તેને ગાંધીનગર બે-ચાર વખત લઇ જવામાં આવ્યો. એમાં ભૂરાની નજર એ રેવાલાલની યુવાન પુત્રી ઉપર પડી અને તેનું દિલ આવી ગયું, રસિકા જેનું નામ. મુગ્ધાવસ્થામાં પ્રવેશેલી રસિકા ભુરાના આકર્ષક દેખાવથી અંજાઈ ગઈ અને એમની વચ્ચે મિત્રતા થઇ ગઈ. કોલેજમાં ભણતી પુત્રીની ચર્ચા રેવાલાલના કાને પડતા જ ગુસ્સે થઇ ભુરાને પોરબંદર મળવા ગયા. એ રાતે વાત એવી વણસી કે સામસામે ગોળીઓ છૂટી અને તેમાં રેવાલાલનો અંગરક્ષક અને તેમનો સાળો તેમાં માર્યા ગયા. પોલીસે ભુરાને જેલમાં નાંખ્યો. તેની પર એક વધુ કેસ કોર્ટમાં ચાલ્યો.
આ બાજુ ઘાયલ રેવાલાલ પોતે હોસ્પીટલમાં દાખલ હતા ત્યારેજ તેમણે રસિકાને બોલાવીને વિદેશ જવા રાજી કરી લીધી. રેવાલાલ હવે ભુરાના નામે કોઈ રિસ્ક લેવા માંગતા ન હતા. રસિકા એક જ મહિનામાં વિદેશ ભણવા જવા રવાના થઇ ગઈ.
ભુરાને જેલમાં તેના કરતા નામચીન લોકોની સંગત મળી એટલે હવે તે કાયદાઓ વિષે પણ જાણવા માંડ્યો.
જેલની સંગતમાં તેનો ગુનેગાર તરીકે વિકાસ થયો હતો. જેલમાં નવા નવા સંબંધો-જેના દ્વારા તેને ખાતરી થઇ ગઈ હતી કે હવે બહાર નીકળ્યા પછી તે પોરબંદર બહાર પણ ધંધો કરી શકશે. બીજા ઘણા શહેરો સાથે હવે તે જોડાઈ ગયો છે તેવું તેને લાગતું.
જેલમાંથી પેરોલ પર છૂટ્યા પછી તેણે પોલીસને શોધતી કરી દીધી. એક મહિના સુંધી નિષ્ક્રિય રહ્યા પછી વડોદરા ગયો અને ત્યાં તેની ઓળખાણ વિલાસ સાથે થઇ. વડોદરામાં પાવાગઢ હાઈ વે પર એક 'ચટકો' નામની હોટલમાં કોલેજના છોકરાઓ ડ્રગ્સ અને દારૂનું સેવન કરવા જતા. વિલાસ તેના અમુક સાથીઓ સાથે કાયમ ત્યાં જોવા મળતો. ત્યાના મેનેજરે ભૂરાની ઓળખાણ વિલાસ સાથે કરાવી.
‘ચટકો’માં પહેલા માળ ઉપર એક હોલમાં બેરોકટોક દારૂ અને ડ્રગ્સના બંધાણી લોકોની મહેફિલ ચાલતી. પોલીસને નિયમિત ભરણું અને એક અધિકારીની અમુક ટકાની ભાગીદારીથી તે શક્ય બનતું. વિલાસ સાથેની શરૂઆતની દોસ્તીમાંજ ભુરાને એક મદદ ની જરૂર પડી, અને ચાર વિદેશી દારૂની બોટલના બદલામાં તે કામ વિલાસે પાર પડ્યું. પછી તો ભુરાને જાણે વડોદરામાં આશ્રય મળી ગયો. વિલાસના એક મિત્રના નાના ફાર્મહાઉસમાં તેને રહેવા પણ મળી ગયું.
કોલેજના છેલ્લા વરસમાં સીમાના ગ્રુપમાં જે થોડા લોકો હતા તેમાં હું સામેલ હતો. વિલાસની બીકને લીધે સીમા બીજા કોઈ છોકરા સાથે ક્યારેય વાત ના કરતી. હોસ્ટેલમાં ભુરાને પોલીસથી બચાવ્યા પછી વિલાસને મારી સાથે દોસ્તી થઇ ગઈ,એના ગ્રુપમાં મારા સિવાય કોઈને ભણવામાં રસ ન હતો જોકે સીમાને તેમાંથી બાકાત ગણવી પડે. વિલાસ આવ્યો હોય તો સીમાનું કોલેજમાં આવવાનું તેની સાથેજ હોય. સીમા વિલાસની ગેરહાજરીમાં ક્યારેક લેક્ચર્સ પણ એટેન્ડ કરી લેતી. હું દેખાવમાં અને સ્વભાવમાં બધી રીતે સીધો છોકરો હોવાથી સીમા મારી સાથે વાત કરે અથવા કોઈ ચેપ્ટર શીખવામાં મારી મદદ લે તો વિલાસને એમાં કોઈ વાંધો ન હતો.
આ જ અરસામાં કોલેજની ઇન્ટરનલ પરીક્ષા પહેલા જ સીમાના પપ્પા એક અકસ્માતમાં ગુજરી ગયા. તે વખતે હું તેને ઘેર મળવા ગયો હતો, પરીક્ષામાં મદદ કરવાની મેં એને બાંહેધરી આપી એટલે એના મુખ પર થોડી ખુશી દેખાઈ હતી. ફાઈનલ પરીક્ષાના બે મહિના અમે સતત કોન્ટેક્ટમાં રહ્યા. ઘણીવાર એની મમ્મીએ મને એના ઘેર જમવા માટે આગ્રહ કરીને જમાડ્યો હતો. વિલાસ જેવા તોફાની જોડે દોસ્તી હતી એ વાતની એની મમ્મીને ખબર હતી એટલે મારા જેવા ભણેશરી જોડે મિત્રતા જાણીને એ ખુબ ખુશ થયા હતા. મને ત્યારે એક વાત નવી જાણવા મળી કે વિલાસ જોડે એને કૈક ખટરાગ ચાલતો હતો પણ પેલા ભૂરા સાથેની મિલન-મુલાકાતો વધી ગયેલી હતી. લગભગ અમે કોલેજની લાઈબ્રેરીમાંજ મળતા અને ત્યાજ બે-ચાર કલાક સાથે ગાળતા. હું એને દરેક વિષયમાં બનતી મદદ કરતો એ બહાને મારે રીવીઝન થતું. અમને ઘણી વખત વિલાસ કોલેજમાં મળતો ત્યારે એ કોઈ બીજી છોકરીઓ જોડે જોવા મળતો. મને એ બાબતની નવાઈ હતી પણ હું બહુ ઊંડાણમાં ઉતરવા માંગતો ન હતો.
ફાઈનલ પરીક્ષા જેવી પતી એટલે સીમા એની મમ્મીને લઈને વતનમાં ગઈ. ત્યાં નજીકના સગામાં લગ્નપ્રસંગ હતો એટલે પંદર દિવસમાં પાછા આવી જવાની વાત કરીને ગયા હતા. મારે પણ મારા ઘેર પાછુ જવાનું હતું એટલે હું પણ હોસ્ટેલ છોડીને નીકળી ગયેલો. પંદર-વીસ દિવસ પછી જયારે વડોદરા આવ્યો ત્યારે સીમાના ઘેર તાળું હતું. પાડોશીઓ પાસેથી ખબર પડી કે આ મકાનમાં તો એ ભાડુઆત હતા એટલે એ ખાલી કરીનેજ ગયા છે પણ ક્યાં ગયા એ ખબર નથી. રીઝલ્ટ આવ્યું ત્યારે સીમા પાસ થઇ અને વિલાસ ફેલ થયેલો. પણ સીમાનો કોઈ અતોપતો ન હતો વિલાસને મળ્યો ત્યારે ખબર પડી કે એ ભૂરા જોડે ભાગી ગઈ છે. બસ આ જ તેની છેલ્લી વાત ...પછી ક્યારેય તેનો ઉલ્લેખ જાહેરમાં થયો ન હતો.
પાંચ-છ વરસ થયે આજે તે મળી,આ વિતેલા વરસ ની વાત તો હવે સીમા કહે તો ખબર પડે-આ બધું મગજમાં ચાલતું રહ્યું અને મને ક્યારે ઊંઘ આવી તે ખબર જ ના રહી.
***
ટ્રીંગ ટ્રીંગ ટ્રીંગ .....ભરઊંઘના સપનામાં સીમાને ઘંટડીના અવાજો સંભળાતા હતા.એકદમ સફાળી જાગી ગઈ,બારીના રેશમી પડદામાંથી તિરાડ જેટલો રસ્તો શોધી સૂરજનું કિરણ બેડરૂમમાં પ્રવેશી ચુક્યું હતું.ફરી ટ્રીંગ ટ્રીંગ અવાજ સાંભળી એક ઝટકા સાથે પોતાના અસ્ત વ્યસ્ત કપડા ને સરખા કરતી સીધી મેઈન ડોર સુધી પહોંચી ગઈ.સોના હશે તેમ વિચારી તેણે દરવાજો ખોલ્યો સામે એકદમ સ્વસ્થ સુઘડ કપડામાં સજ્જ સોના ઉભેલી હતી, ભગવાન ગરીબના ઘરમાં પણ સુંદરતા આપે છે તેનો આ ઉત્તમ નમુનો હતો.
'મેડમ કેટલી બધી બેલ વગાડી.' સોનાની આંખમાં પ્રેમ ભર્યો રોષ હતો.
‘હા સોના આજે રવિવાર છે એટલે મોબાઈલમાં એલાર્મ પણ ન મુક્યું હોયને.’
સોના બોલતી બોલતી સીધી રસોડા તરફ ચાલી ગઈ. સીમા એ જોયું કિશોરના રૂમનો દરવાજો બંધ હતો, એ તેના બેડરૂમ તરફ ફ્રેશ થવા ગઈ.
સોના રસોડામાંથી ટ્રે લઈને ડ્રોઈંગરૂમ તરફ આવી, ટેબલ પર પડેલી બોટલ ગ્લાસ બધું લઈને પછી રસોડા તરફ ગઈ. સોનાની નજર પણ બંધ બેડરૂમ તરફ ગઈ. જે બે-ચાર પુરુષ અહી આવતા હતા એ બધાને એ ઓળખતી હતી એટલે એને થયું કે આ મહાશય કોણ હશે?
સીમા એ બેડરૂમ માંથી બુમ પડી ‘સોના ચા મૂકી દે જે અને પછી પેલા મહેમાનને પણ જગાડી દે જે.'
રૂમની બહાર ચાલુ થયેલો ખખડાટ મને ઊંઘવા નહિ દે તેવી ખબર હોવાથી હું ઉઠીને બહાર ગયો અને સોફા પર બેઠો. હાથમાં મોબાઈલ લઈને ઓન કર્યો તપનના મેસેજનું નોટીફીકેશન જોયું એટલે એ મેસેજ પહેલો વાંચ્યો. “અગિયાર વાગે કોઈ પણ હિસાબે એસજી રોડ કોફી-હાઉસ મળીયે.”
અને એજ વખતે પુનમના ચાંદ જેવી સીમા સોફામાં મારી બાજુમાં આવીને બેઠી અને બોલી ‘ગુડ મોર્નિંગ કિશોર’
(ક્રમશ)
ચેતન શુક્લ