યાદ છે મને.....
યાદ છે મને બાળપણમાં તમે કહેલ એ વાર્તાઓ
યાદ છે મને બાળપણમાં તમે ગોખાવેલ એ કવિતાઓ
યાદ છે મને બાળપણમાં મારા શિક્ષકોને તમે કરેલ એ ભલામણો
યાદ છે મને બીસ્ટોલના ખોખા માંથી તમે બનાવેલ એ રમકડાઓ
યાદ છે મને કાચની પટ્ટીઓ જોડીને મારા માટે તમે બનાવેલ એ દૂરબીન
યાદ છે મને તમે બનાવેલ એ કાગળની હોડીઓ, જેને હું પાણીના ટાંકામાં જ વહાવતી
યાદ છે મને તમે બનાવેલ એ બટેટાભાતનો સ્વાદ
યાદ છે મને એ લસણીયા ચણાનો સ્વાદ
યાદ છે મને તમે શિયાળામાં પ્રાઈમસ પર સેકેલ એ લીલા ચણાનો સ્વાદ
યાદ છે મને તમે બનાવેલ એ મમરાના લાડુનો સ્વાદ
યાદ છે તમે લાવેલ એ બે રૂપિયાના ગઠિયા અને એક રૂપિયાના પેંડાનો સ્વાદ
યાદ છે મને સવારમાં કંદોઇની દુકાન ખુલતાની સાથે જ મારા માટે લાવેલ એ જલેબીનો સ્વાદ
યાદ છે મને તમે મારા માટે બનાવડાવેલ એ પચાસ પૈસાના પચરંગી ગોલાનો ખટમીઠો સ્વાદ
યાદ છે મને તમે પીવડાવેલ એ એક રૂપિયાની સાદી સોડાનો સ્વાદ
યાદ છે મને તમે કાઢેલ છીણીયામાં એ કેરીના રસનો સ્વાદ
યાદ છે મને તમે ઉનાળામાં નિત્ય મને ખવડાવેલ એ શીખંડ અને ગુલ્ફીનો સ્વાદ
યાદ છે મને મમ્મીની ગેરહાજરીમાં વાટકી પાડીને ગોળ બનાવેલ એ રોટલીનો સ્વાદ
યાદ છે મને બહારગામથી તમે લાવેલ સસ્તી પણ તમારા પ્રેમથી ભરપુર એ નાનખટાઈનો સ્વાદ
યાદ છે મને તમે શિયાળામાં મારા શરીર પર ઘસેલ એ બામનો અહેસાસ
યાદ છે મને એ નવરાત્રીના દિવસોમાં મને પહેરાવેલ અવનવા ચણીયાચોલી
યાદ છે મને મારી માંદગીમાં તમે કરેલ એ ઉજાગરાઓ
યાદ છે મને ડોકટરે મને આપેલ દવાને પ્રથમ તમે ચાખેલ એ ક્ષણ
યાદ છે મને દુકાનેથી આવતા જ મારી સાથે તમે રમેલ એ રમતો
યાદ છે મને રસ્તા પરથી મારા માટે વીણી લાવેલ એ પાચીકા
યાદ છે મને જન્માષ્ટમીમાં મારી અસે ફોડાવેલ એ મટુકી
યાદ છે મને સવારે તમે દેખાડેલ ઉડતા પક્ષીઓનો કલરવ
યાદ છે તમે દેખાડેલ એ પ્રથમ સૂર્યોદય અને સુર્યાસ્થ
યાદ છે મને ચોમાસામાં તમે મારા માટે વીણી લાવેલ એ બરફના કરાઓ
યાદ છે મને પ્રથમ વરસાદમાં તમારી સાથે ભીંજાવાનો એ અહેસાસ
યાદ છે મને ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી અને બેસતુંવર્ષના દિવસે આંગણામાં મારા છાપેલ એ નાના પગલાઓ
યાદ છે મને મારા હાથ જાલીને મને શીખવાડવાની કોશિસ કરેલ એ તબલા, પેટી અને કેસીયાનો મધુર નાદ
યાદ છે મને માતાજીની સામે ખોળામાં બેસાડીને તમે શિખવેલ એ માતાજીની આરતી અને વિશ્વંભરી સ્તુતિ
યાદ છે મને તમે તમામ ધર્મની ખાસિયતો અને તેમના નિયમો
સ્ત્રીને સૌથી વધુ પ્રેમ આપનાર અને તેમના હદયની પીડાને મહેસુસ કરનાર એક માત્ર તેનો પિતા જ હોય છે. ફક્ત પિતા જ એક એવી વ્યક્તિ છે જેમને પોતાની દીકરીની ખૂબી જ દેખાય છે અને ખામીને સમાજથી છુપાવે છે. ફક્ત એક પિતા જ એવી વ્યક્તિ છે જે પોતાની દીકરી વિરદ્ધ કઈ ખોટું કે ખરાબ નથી બોલી શકતો કે નથી સાંભળી શકતો. ફક્ત પિતા જ એવી વ્યક્તિ છે જે દીકરીની ગેરહાજરીમાં પણ સતત તેને યાદ કરતો રહે છે. ફક્ત એક પિતા જ એવી વ્યક્તિ છે જેમને પોતાની દીકરી પર પૂર્ણ વિશ્વાસ હોય છે કે મારી દીકરી જે ઘરમાં પરણીને જશે ત્યાં ચોક્કસ એક્જેસ થઇ શકશે. ફક્ત એક પિતા જ એવી વ્યક્તિ છે જેમના મુખેથી અવારનવાર એક જ વાક્ય નીકળે છે- “સુખી થજે બેટા...”
સમાજ કે પરિવારના અન્ય સભ્યોની દ્રષ્ટિએ ભલે કોઈ સ્ત્રી સ્વાર્થી, અદેખી, અભિમાની, આળશું, હમેશા કડવું બોલનાર કે ખોટું બોલનારી હોય પણ તેમના પિતા માટે તો તે હમેશા લક્ષ્મી, સરસ્વતી, ખોડીયાર કે એન્જલ જ હોય છે અને હમેશા રહેશે.
સ્ત્રીના જીવનમાં પિતાનું સ્થાન કદી કોઈ જ અન્ય વ્યક્તિ નથી લઇ શકતી. આજે જયારે કોઈ એવું કહે છે કે “તું મારી દીકરી જ છો” ત્યારે ક્ષણભર માટે મનમાં એક જ પ્રશ્ન ઉદભવે છે કે, “શું મારા જીવનમાં મારા પિતાનું સ્થાન કોઈ અન્ય વ્યક્તિ લઇ શકે ખરી ?” ભૂતકાળના અનુભવોને યાદ કરતા થોડી જ વારમાં જવાબ મળી જાય છે, “ના”. મને યાદ છે આજથી ૨૦ વર્ષ પહેલા બાળપણમાં અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં મારા પપ્પા મારી પાછળ ખુશી ખુશી રોજના પાચ દસ રૂપિયા ખર્ચી નાખતા હતા પણ કદી મહિનાના હિસાબમાં એ પાચ દસ રૂપિયા ક્યાં ખર્ચ કર્યા હતા તેનો ઉલ્લેખ કદી હિસાબમાં ન લખતા. પરંતુ આજે જયારે કોઈ વ્યક્તિ મારી પાછળ પચાસ, સો કે પાનસો રૂપિયા પણ ખર્ચે છે તો બે ત્રણ વર્ષ બાદ વ્યાજ સહીત સમુહમાં એ કિમત જાહેર કરે છે.બાળપણમાં જયારે મારાથી જ મારું કોઈ રમકડું તૂટી જતું તો પપ્પા ફેવિકોલથી ફરી તેને જોડી આપતા પણ આજે જયારે દિલ તૂટે છે તો પણ ફરી તેને જોડનાર કોઈ જ નથી. બાળપણમાં થોડી ક્ષણો પપ્પા સાથે વિતાવવા માટે હું માંદગીનું નાટક કરતી તો પણ પપ્પા તેને સાચું સમજી ડોક્ટર પાસે લઇ જતા. પણ આજે ક્યારેક મારી સાચી માંદગી પણ લોકોને નાટક લાગે છે. બાળપણમાં મારું ખોટું રડવું પણ પપ્પાની આંખમાં આંસુ લાવી દેતું પણ આજે મારું સાચું રડવું પણ લોકોને મારી આદત લાગે છે.
મને ખુશી એ વાતની છે કે દુનિયાની સૌથી શ્રેષ્ઠ એ વ્યક્તિ મારી પાસે છે પણ દુઃખ એ વાતનું છે કે એ વ્યક્તિ મારી પાસે હોવા છતાં મારો સાથ આપવા શક્ષમ નથી.
અત્યાર સુધી હુ જીવનમાં કોઈ રસ્તે જતા અટકી છુ તો ફક્ત મારા પિતા ખાતર અને જીવનમાં આગળ પણ કંઇ ખોટુ કરતા અટકીશ તો ફક્ત મારા પિતાના માન સન્માન ખાતર.
Always miss you my father